આવકારો વસંતને Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આવકારો વસંતને

નવલિકા

‘ આવકારો’

લેખક: યશવંત ઠક્કર

ચોથા કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. પાયલ સિવાય તમામ શ્રોતાઓએ તાળીઓ પાડી.

“તાળીઓ તો પાડ. કેમેરો આપણાં પર છે.” હેમંતે ધીમેથી પાયલને કહ્યું.

“ભલે રહ્યો. ખોટી તાળીઓ પાડવાનું મન નથી થતું.” પાયલે જવાબ આપ્યો.

“તો શાં માટે આવી છે?”

“હું મારી મરજીથી નથી આવી. તુ પરાણે લાવ્યો છે.”

“સૉરી, મને એમ કે તને આ કાર્યક્રમમાં મજા આવશે.”

“મજા આવે એવું આમાં શું છે?”

“ધીરે બોલ. કોઈ સાંભળશે તો..”

“ચાલ બહાર. મને કંટાળો આવે છે.”

“ચાલુ કાર્યક્રમમાં બહાર નીકળશું તો ખરાબ લાગશે. બેસી રહે.”

... પાંચમા કવિએ પોતાનું કાવ્યપઠન શરૂ કર્યું: “યુગોના યુગો સુધી ઊભો રહ્યો તારી પ્રતીક્ષામા...”

“બસની રાહ જોતા હશે” પાયલને મજાક સૂઝી.

“પાયલ, પ્લીઝ ..” હેમંતે કહ્યું.

પાયલ મોઢા પર હાથ મૂકીને હસતી રહી.

... પાંચમાં કવિએ પોતાનું કાવ્યપઠન પૂરું કર્યું. ફરીથી શ્રોતાઓએ તાળીઓ પાડી.

“પાયલ, જરા તો વિવેક જાળવ. વિચાર તાળીઓ પાડવામાં તારું શું જાય છે?”

“શાં માટે? દંભ કરવા?”

“દંભ કરવા માટે નહિ. કવિનું મન રાખવા.”

“મારે નથી રાખવું. તારે રાખવું હોય તો રાખ. હું તો આ ચાલી.”

પાયલ ઊભી થઈને, ખુરશીઓ વચ્ચેથી જગ્યા કરતી સભાખંડની બહાર નીકળવા લાગી.

હેમંત એને જતી જોઈ રહ્યો. એ મૂંઝાયો કે, હવે શું કરવું? આટલાં બધાં લોકોની વચ્ચેથી બહાર કેમ નીકળવું? જોનારાં તો એમ જ વિચારે ને કે, કવિતાના કાર્યક્રમમાં રસ નહોતો તો આવ્યાં શાં માટે? વળી, આ કાર્યક્રમનું પ્રસારણ ટેલિવિઝન દ્વારા થવાનું હોવાથી કેમેરો પણ સતત સક્રિય હતો.

પાયલે દરવાજે પહોંચીને હેમંત તરફ જોયું. એની નજરમાં આદેશ હતો. હેમંત એ આદેશ ઉથાપી ન શક્યો. એ પણ ઊભો થયો અને સંકોચ સાથે સભાખંડની બહાર નીકળી ગયો. આ રીતે બહાર નીકળવું એને યોગ્ય લાગ્યું નહિ. પરંતુ, પાયલના સહવાસ વગર બેસી રહેવાનું કામ તો એનાં કરતાં પણ કપરું હતું.

“હાશ!” પાયલે ખુલ્લી હવામાં ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

“પાયલ, આ રીત છે? અવિનાશ કાકાને કેવું લાગશે?”

“એમની માફી માંગી લઈશું.”

“થોડી વાર માટે બેસી રહી હોત તો સારું હતું. એમનો વારો આવવાનો જ હતો.”

“ક્યારે આવવાનો હતો? યુગોના યુગો પછી?” પાયલની ચંચળતા કાબુબહાર જવા લાગી.

“એમણે કેટલા પ્રેમથી આમંત્રણ આપ્યું હતું! આપણે આવું કરવા જેવું નહોતું!” હેમંતનો અફસોસ હજી ઓછો થયો નહોતો.

“હેમંત, શું કરું? મને જરાય મજા આવતી નહોતી. કાર્યક્રમનું નામ તો ‘વસંતને આવકારો’ હતું. પણ, ક્યાંય વસંતનો અનુભવ થતો નહોતો. બધું જ જાણે કે બનાવટી લાગતું હતું. આયોજકોનો પરિચય, પ્રમુખશ્રીનો પરિચય, એમનો પરિચય આપનારનો પણ પરિચય, કવિઓનો પરિચય, એ તમામનું સ્વાગત! માઈક સામે આવનાર જાણે માઈક છોડવા માંગતો જ નહોતો. કેટલાં ભાષણો? ખરો કાર્યક્રમાં તો એક કલાક પછી શરૂ થયો. એમાંય સંચાલક પાછા ચાંપલું ચાંપલું બોલ્યાં કરે. ને કવિઓની કવિતામાં ક્યાંય વસંતનો ખરો રંગ હોય એવું લાગતું નહોતું. બધું જ ત્રાસદાયક!”

“ચલાવવું પડે. કવિતાના કાર્યક્રમો તો આવા જ હોયને?”

“એવું કોણે કહ્યું? કવિતાના કાર્યક્રમો પણ મજાના કેમ ન બની શકે? પાંચદસ વસૂકી ગયેલા કવિઓની સામે; ઊભા થઈને ચાલતી ન પકડી શકે એવા લાચાર, ઉમરલાયક અને કહ્યાગરા શ્રોતાઓને બેસાડી દેવાથી શું વસંતને સાચો આવકારો આપ્યો કહેવાય? તેં જોયુંને? તારીમારી ઉમરના શ્રોતાઓ કેટલા હતા? માંડ ચારપાંચ! એ પણ ઊંચાનીચા થતા હતા”

“આપણે તો અવિનાશાકાકાનું માન રાખવા આવ્યાં હતાં. એમને સાંભળી લીધા હોત તો સારું હતું.”

“એમને એમની ઘેર જઈને, મન ભરીને સાંભળી લઈશું. બસ? હવે જવા દે એ વાત.”

“ચાલ, ક્યાં જવું છે?બોલ.” હેમંતે પોતાની બાઈક પાસે ઊભા રહીને પૂછ્યું.

‘લાવ. ચાવી મને આપ.” પાયલે ચાવી માટે હાથ લંબાવ્યો.

“કેમ?” હેમંતે પૂછ્યું. “આજે બાઈક ચલાવવાનું મન થયું છે?”

“હા, આજે હુ તને કશેક લઈ જઈશ. તુ પાછળ બેસી જાં.”

... પાયલે બાઈક ભગાવી. નગર વીંધાતું ગયું.

... નગર પૂરું પણ થઈ ગયું અને પાછળ રહી ગયું.

એક તો પાયલનો સહવાસ અને ઉપરથી વાસંતી હવાનો સ્પર્શ! હેમંતનો કાવ્યપઠનનો કાર્યક્રમ અધુરો છોડ્યાનો અફસોસ પણ પાછળ રહી ગયો.

“પાયલ, તુ ક્યાં લઈ જાય છે?”

“બેસી રહેને. મજા નથી આવતી કે શું?”

“મજા તો આવે છે પણ, દૂર જવું હોય તો બાઈક હુ ચલાવી લઉં.”

“કેમ? મારા પર ભરોસો નથી કે પછી પાછળ બેસવા બદલ શરમ આવે છે? બાઈકની ચાવી આપવા બદલ પસ્તાવો તો નથી થતોને?”

“ના યાર! એમાં પસ્તાવો કેવો? દિલ જેવું દિલ આપી દીધાં પછી ચાવી તો કઈ મોટી ચીજ છે?”

“વાહ! યે બાત હૈ. આને કહેવાય કાવ્યપઠન.”

“જોજે. તાળીઓ ન પાડતી.”

“મરવાની બીક લાગે છે?”

“બીક તો લાગે જ ને. માંડ જીવવાની મજા આવી છે.”

હાઈવે પર બાઈક ભાગતી રહી... વાહનોના અવાજ વચ્ચેથી બંને વચ્ચેના સંવાદો રસ્તો કાઢતા રહ્યા... વગડાઉ હવાને બંનેના ચહેરા ઝીલતા રહ્યા.

..ને પાયલે બાઈક ધીમી પાડીને રસ્તાના કાંઠે ઊભી રાખી દીધી.

“શું થયું?” હેમંતે પૂછ્યું.

“જો હેમંત, પેલી રહી વસંત. ચાલ, આવકારો આપી દઈએ.” પાયલે એક ટેકરી તરફ આંગળી ચીંધી.

હેમંતે જોયું તો, લાલ લાલ ફૂલોથી ભરચક એક કેસૂડો કોઈ નવયુવાન કવિની અદાથી ઊભો હતો!

[સમાપ્ત]