જિદ Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Book Blueprint by IMTB

    કોઈપણ BOOK લખવા માટે જરૂરી બધાં પાસાંઆઈડિયા થી લઈને વાચકમાં...

  • એકાંત - 91

    "આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પ...

  • સ્નેહ ની ઝલક - 13

    શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લ...

  • THE GAME CHANGER - 1

    THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગ...

  • સથવારો

    રેશમી આંગળીઓનો સથવારોલેખિકા Mansi Desai Desai Mansi Shastri ...

શ્રેણી
શેયર કરો

જિદ

નવલિકા

‘જિદ’

લેખક : યશવંત ઠક્કર

‘લે આ લખાણની પણ પ્રેક્ટિસ કરી લેજે. કાલના બેસણામાં તારે આ એવી રીતે રજૂ કરવાનું છે કે, સ્વર્ગસ્થ શેઠશ્રી મનહરલાલનાં સગાંવહાલાંની આંખો આંસુઓથી ભરાઈ જવી જોઈએ. ‘પ્રાર્થના કલા મંડળ’ની વાહવાહ થઈ જવી જોઈએ.’ રવિએ સ્નેહાના હાથમાં એક કાગળ મૂકતાં કહ્યું.

સ્નેહા લખાણ વાંચવા લાગી. ‘સ્વર્ગસ્થ શ્રી મનહરલાલ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વના માલિક હતા. એ વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. ધંધો, સમાજ, ધર્મ, રાજકારણ, શિક્ષણ, કળા, જેવાં અનેક ક્ષેત્રોમાં એમનું આગવું પ્રદાન રહેતું હતું. તેઓ એક વ્યક્તિ નહોતા, એક હરતીફરતી સંસ્થા હતા. નાનાંમોટાં સહુના પ્યારા હતા...’

લખાણ અધૂરું છોડીને સ્નેહા હસતાં હસતાં બોલી: ‘રવિ, તમે આ ગપ્પાબાજી ક્યાંથી લઈ આવ્યા છો?’

‘આ લખાણ મનહરલાલની દીકરીએ લખ્યું છે. આ હસવાની વાત નથી. તારે ખરેખર આ બોલવું પડશે અને પૂરી ગંભીરતાથી બોલવું પડશે.’

‘બને જ નહીં. અવગુણોથી ભરેલા માણસ માટે મારે શા માટે સારું સારું બોલવું પડે?’

‘બોલવું પડે. કારણ કે એ આપણી ફરજ છે અને આપણને એના પૈસા મળવાના છે.’

‘પૈસા તો બેસણામાં સ્વર્ગસ્થની પાછળ આપણે જે ભજન, ધૂન, કે પ્રાર્થના ગાઈએ છીએ એના મળે છે. સ્વર્ગસ્થની આવી ખોટી પ્રશંસા આપણે શા માટે કરીએ? એમનાં સગાંવહાલાંને કરવી હોય તો ભલે કરે.’

‘સ્નેહા, પ્રશંસા સાચી હોય કે ખોટી, આપણે એનાથી શો મતલબ? એમણે આપેલું લખાણ સારી રીતે રજૂ કરવું એ આપણો વ્યવસાય છે. વ્યવસાયમાં આપણી અંગત લાગણીને વચ્ચે ન લવાય.’

બંને વચ્ચે લાંબી નોકઝોક ચાલી. છેવટે...

‘ભલે. બને એટલું અસરકારક રીતે રજૂ કરીશ, શેઠનાં સગાંવહાલાંની આંખોમાં આંસુ આવે એવી ખાતરી હું આપતી નથી. આમેય બેસણું શોક ભૂલવા માટે હોય છે. રડવા રડાવવા માટે નહીં.’ સ્નેહા સહાસ્ય બોલી.

‘હું પણ એમ જ માનું છું પણ એમને રડવું હોય તો આપણે શું કરી શકીએ?’

...બેસણામાં સ્નેહા જેમ જેમ બોલતી ગઈ એમ એમ મનહરલાલનાં સ્વજનો ભાવુક થતાં ગયાં. એમની આંખો સજળ થતી ગઈ.

સ્નેહાની એ સફળતા ગણાઈ. એ બેસણું એમના વ્યવસાયની પ્રગતિ માટે નિમિત્ત બન્યું.

સમાજમાં પૈસા, ઉમંગ કે દેખાદેખીના પ્રભાવ હેઠળ જેમ શુભ પ્રસંગોમાં ધામધૂમથી વધવા લાગી એમ બેસણાં જેવા ગંભીર ગણાતા કાર્યક્રમોમાં પણ ધામધૂમ વધવા લાગી હતી. આ સામાજિક પરિવર્તનનો લાભ રવિ અને સ્નેહાને મળતો ગયો.

રવિ અને સ્નેહા વ્યવસાયમાં જ નહિ પરંતુ જિંદગીમાં પણ ભાગીદાર હતાં.

સ્નેહાનો અવાજ એ ભાગીદારી માટે નિમિત્ત બન્યો હતો. સ્નેહા પોતે પણ માનતી હતી કે, એની જિંદગી જે કાંઈ સારુંનરસું બન્યું હતું એ એના અવાજને લીધે જ બન્યું હતું.

સ્નેહાની જિંદગી પર પહેલેથી જ ગીતસંગીતનો પ્રભાવ રહ્યો હતો. નાની હતી ત્યારથી જ એને રેડિયો પર વાગતાં ગીતો સાંભળવાનું અને સાથે સાથે ગાવાનું ગમતું. આઠમાં ધોરણમાં આવ્યા પછી તો રેડિયો સાથેની એની સંગત એટલી બધી વધી ગઈ હતી કે એ લેસન પણ રેડિયો સાંભળતાં સાંભળતાં જ કરતી. રાત્રે ઊંઘતી વખતે પણ એ પથારીની પાસે જ રેડિયો રાખીને સાંભળતી. ગીતોનો છેલ્લામાં છેલ્લો કાર્યક્રમ સાંભળ્યા પાછી જ એ રેડિયો બંધ કરતી. ઘણી વખત તો રેડિયો ચાલુ જ રહી જતો અને એ ઊંઘી જતી. દિવસ દરમ્યાન રેડિયો બંધ હોય તો પણ ગીતો સાથેનો એનો સંબંધ તૂટતો નહોતો. ઘરનું કામકાજ કરતાં કરતાં એનું પોતાનું ગીતગુંજન પણ ચાલુ જ રહેતું.

એ કૉલેજમાં હતી ત્યારે એણે ગીતસ્પર્ધામાં ભાગ લીધો હતો. એણે સ્પર્ધામાં, ‘આપ કી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુજે’ એ ગીત ગાયું હતું ને પહેલો નંબર મેળવ્યો હતો. એને શિલ્ડ ઉપરાંત કેટલાય પ્રશંસકો મળ્યા હતા. એમાંનો એક યોગેશ ચોલેરા હતો જે સમય જતાં એનો પ્રેમી અને પતિ બન્યો હતો.

જો કે હસમુખરાયે સ્નેહાને લગ્ન પહેલાં ચેતવી હતી: ‘સ્નેહા દીકરી, તારું આ પગલું બરાબર નથી. મેં તપાસ કરાવી છે. મને જાણવા મળ્યું છે કે, એ લોકોનાં મન બહુ સાંકડાં છે. ત્યાં તારી કદર નહિ થાય.’ પરંતુ પ્રેમઘેલી સ્નેહા માની નહોતી.

લગ્ન પછી એને સમજ પડી હતી કે સાસરિયાંની ભૂમિ; કૉલેજ, બાગબગીચા કે હોટેલની ભૂમિથી ક્યાંય જુદી હતી. એ ભૂમિ પર માત્ર પ્રેમી કે પતિનું શાસન નહોતું. એનું રીમોટ ક્યારેક એનાં બા-બાપુજીના હાથમાં તો ક્યારેક એનાં બહેનબનેવીના હાથમાં રહેતું હતું. સ્નેહાને ત્રાસ આપવો એ જાણે કે એમના જીવનનો એકમાત્ર હેતુ હતો. પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવાનું જોખમ ઉઠાવ્યા પછી યોગેશે સ્નેહાને પરિવારના હવાલે કરી દીધી હતી. એ પોતે તો અવારનાવર શરાબની બોટલ અને બાવન પત્તાને હવાલે થઈ જતો હતો. સ્નેહાનો નાતો ગીતસંગીત કે રેડિયાને બદલે સાસુમાના કર્કશ પ્રસારણ સાથે જોડાઈ ગયો હતો.

એક વખત એ પિયર આવી હતી અને રમીલાના ખોળામાં માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ‘મમ્મી, હવે મારાથી સહન નથી થતું. હું શું કરું?’ બારણામાં આવીને ઊભા રહેલા હસમુખરાયથી દીકરીની મૂંઝવણ છાની નહોતી રહી. એમણે સ્નેહાનાં માથે હાથ ફેરવતાં કહી દીધું હતું: ‘બેટા, આ ઘર હજી પણ તારું જ છે. તારે ફરીથી એ નરકમાં જવાની જરૂર નથી.’ એ ફરીથી સાસરે ગઈ નહોતી. બે વર્ષના લગ્નજીવનનો આ રીતે અંત આવ્યો હતો.

છૂટાછેડા થયા પછી પણ સ્નેહાનો સંબંધ ફરીથી ગીતસંગીત સાથે જોડાતો નહોતો. એનો માનીતો રેડિયો પણ હજી સૂનમૂન જ હતો. નાના ભાઈ ભરતે એક બે વખત એને ગાવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ, એ માનવા લાગી હતી કે, જિંદગીમાં જે કાંઈ બની ગયું એને માટે એનો ગાવાનો શોખ જ જવાબદાર હતો. જો ગાવાનો શોખ ન હોત તો કૉલેજની ગીતસ્પર્ધામાં ભાગ ન લીધો હોત, સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો ન હોત અને યોગેશ સાથે પરિચય, પ્રેમ, લગ્ન કે છૂટાછેડા થયાં ન હોત. એના માનવા મુજબ, ‘હવે ગાવું એટલે ઘડિયાળના કાંટા પાછા ફેરવવા!’

હવે, એનો નાતો માત્ર ને માત્ર ઉદાસી સાથે જોડાઈ ગયો હતો.

સ્નેહાનો ઉદાસી સાથેનો એ નાતો તોડાવવો હોય એમ પાડોશમાં રહેતા શરદભાઈ એની ઘેર આવ્યા હતા. શરદભાઈ સારા તબલાવાદક હતા અને ‘પ્રાર્થના કલા મંડળ’ સાથે જોડાયેલા હતા. એ મંડળમાં ગાવા માટે એક મહિલા કલાકારની જરૂર પડી હતી. એમને સ્નેહાને સમજાવી હતી: ‘તારો અવાજ સારો છે. જો તું અમારા મંડળ સાથે જોડાઈશ તો તારી કળાનો ઉપયોગ થશે, થોડીઘણી કમાણી પણ થશે અને તારું મન મોકળું થશે.’ સ્નેહાએ તો એ પ્રસ્તાવ સાંભળતાંની સાથે જ એવું કહીને ઠુકરાવી દીધો હતો કે: ‘હવે ગાવાની વાત જ ન કરશો. મારે ફરી એ ચાળે નથી ચડવું.’

‘પણ દીદી, તમને ગાવાના પૈસા પણ મળશે.’ ભરતે કહ્યું હતું.

‘પૈસાને શું કરવા છે?’

‘મને ભણવામાં કામ લાગશેને? મારે કૉલેજ કરવી છેને?’

લાડકા ભાઈની એ વાત પર થોડો વિચાર કરીને સ્નેહાએ એ કામ સ્વીકારી લીધું હતું.

આ રીતે એ ‘પ્રાર્થના કલા મંડળ’ સાથે જોડાઈ હતી.

સ્નેહાના સુંદર અવાજ અને સરળ સ્વભાવના લીધે એ ‘પ્રાર્થના કલા મંડળ’ સાથે જોડાયેલાં સહુ કોઈની માનીતી થઈ ગઈ હતી.

એક દિવસ શરદભાઈ ફરીથી સ્નેહાને ત્યાં આવ્યા હતા. આ વખતે પોતાના મિત્ર રવિ સાથે સ્નેહાનાં લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા.

રવિ એક યુવાન ‘ઇવેન્ટ મેનેજર’ હતો. એને ‘શ્રદ્ધાંજલિ’ના કાર્યક્રમની વ્યવસ્થા કરવાનું કામ મળતું ત્યારે ગીતસંગીતને લગતું કામ એ ‘પ્રાર્થના કલા મંડળ’ને સોંપતો હતો. શરદભાઈ સાથે એને મિત્રતાનો નાતો બંધાઈ ગયો હતો. સ્નેહાને પહેલી વખત સાંભળી ત્યારથી જ એને સ્નેહાનો અવાજ ગમવા લાગ્યો હતો. રહેતાં રહેતાં સ્નેહા પણ ગમવા લાગી હતી. સ્નેહાના ભૂતકાળ વિષે જાણવા છતાં એની લાગણીમાં ફેર પડ્યો નહોતો.

સ્નેહા સુધી એ વાત ગઈ તો એ અકળાઈને બોલી હતી: ‘મને ખબર જ હતી કે આ ગાવાનો શોખ મારી જિંદગીમાં ઉથલપાથલ કર્યા વગર રહેવાનો નથી. મારાં લગ્નની વાત તો કોઈ કરતા જ નહિ. મારે ફરી એ ભૂલ નથી કરવી.’

બધી સમજાવટ નકામી ગઈ હતી.

થોડા દિવસો પછી એક કાર્યક્રમમાં સ્નેહા અને રવિ સામસામે થઈ ગયાં હતાં. રવિએ સ્નેહાને ઊભી રાખીને કહ્યું હતું: ‘મારા મનની વાત તમારા સુધી પહોંચાડી એ કારણે તમને જો દુઃખ થયું હોય તો માફી માંગુ છું. હું ફરીથી એવી ભૂલ નહિ કરું.’

સ્નેહા પાસે કહેવા જેવું ઘણું હતું પણ કહી ન શકી.

એ ઘટના પછી રવિએ ક્યારેય સ્નેહા સાથે એ બાબતની કરવાનો પ્રયાસ કર્યો નહીં. એના વર્તનમાં પણ કશો ફરક પડ્યો નહીં. સ્નેહાને રવિની નિખાલસતા ગમી ગઈ હતી. થોડા દિવસો પછી એણે જ રવિના મનની વાતનો સ્વીકાર કરી લીધો હતો.

લગ્ન પછી સ્નેહાના કહેવાથી જ રવિએ ગામડે રહેતાં માતાપિતાને બોલાવી લીધાં હતાં. પહેલાં આરતીનો અને બે વર્ષ પછી મયંકનો જન્મ થયો હતો. પરિવાર અને વ્યવસાય બંને મોટા થયા હતા.

રવિ પોતાની જાતને અઠંગ વ્યવસાયિક માનતો અને અને અવારનવાર સ્નેહાને શિખામણ આપતો કે: ‘વ્યવસાય એટલે વ્યવસાય! એમાં આપણા ગમાઅણગમાને કોઈ સ્થાન ન હોય. તું વધારે પડતી લાગણીશીલ હોવાથી ક્યારેય મારી રીતે વિચારી નહીં શકે.’

‘હું શું કરી શકું છું એ વખત આવ્યે બતાવી દઈશ.’ સ્નેહા મુઠ્ઠી વાળીને કહેતી.

વર્ષો ખળખળ વહેતાં ગયાં...

એક દિવસ સ્નેહાને નવાઈ લાગી કે રવિએ ફોન પર, એક બેસણાની વ્યવસ્થાનું કામ લેવાની ના પાડી. ‘કોઈ બીજાની ગોઠવણ કરજો. મારાથી આ કામ નહીં લેવાય.’

‘શું થયું? તમે કામ લેવાની કેમ ના પાડી?’

‘નહોતું લેવા જેવું એટલે ના પાડી છે. એ બેસણામાં આપણાથી જવાય એમ નથી.’

‘કેમ? કોનું બેસણું છે?’

રવિએ થોડા અચકાઈને જવાબ આપ્યો: ‘યોગેશનું.’

‘કોણ યોગેશ?’ સ્નેહાથી પુછાઈ ગયું.

‘જેણે તને દુઃખી કરવામાં કશું બાકી રાખ્યું નહોતું એ.’

સ્નેહા મૌન થઈ ગઈ. રવિને પસ્તાવો થયો કે, આ ખબર આપવા જેવી નહોતી.

પરંતુ, સ્નેહાએ મૌન તોડ્યું. પૂરી મક્કમતાથી એણે કહ્યું: ‘તમે અત્યારેજ ફોન કરો અને એ કામ રાખી લો.’

‘અરે! એ કેવી રીતે બને? એના બેસણામાં આપણે કેવી રીતે જઈ શકીએ? તારો તો વિચાર કર.’

‘રવિ, બેસણામાં ગાવું એ મારો વ્યવસાય છે. એ વ્યવસાયમાં મારા ગમાઅણગમાને કોઈ સ્થાન ન હોઈ શકે. તમે અત્યારે જ એ કામ માટે હા પાડો.’

રવીએ સ્નેહાની મક્કમતાને માન આપીને એ કામ રાખી લીધું.

‘સ્નેહા, ખરેખર તારાથી એ કાર્યક્રમમાં ગવાશે? તું એટલી કઠણ થઈ શકીશ?’ રવિએ પોતાની શંકા વ્યક્ત કરી.

‘હું જરૂર ગાઈશ અને સ્વર્ગસ્થની પ્રશંસા પણ કરીશ એ મારો વ્યવસાય છે. મને એના તો પૈસા મળે છે.’ સ્નેહાએ જાણે કે સાચવીને રાખેલું તીર છોડ્યું.

રવિને જિદે ચડેલી સ્નેહા સાથે વધારે નોકઝોક કરવી ઠીક ન લાગી. પરંતુ એના મનમાં ડર હતો કે, સ્નેહા જો પોતાની લાગણીને કાબુમાં રાખી નહીં શકે તો ફજેતી થશે.

... બેસણામાં સ્નેહાએ; મંગળ મંદિર ખોલો, પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે... વગેરે ગીતો પૂરી સ્વસ્થતાથી ગાયાં. પરંતુ જયારે એણે સ્વર્ગસ્થનાં જીવનની પ્રશંસાભરી વાતો શરૂ કરી ત્યારે એનો અવાજ એકદમ ભાવવાહી થઈ ગયો. એ બોલવા લાગી: ‘સ્વર્ગસ્થ યોગેશ ચોલેરા આજે ભલે એમનાં સ્વજનો વચ્ચે નથી પરંતુ એમની મધુર યાદો કાયમ સ્વજનોની આસપાસ જ રહેવાની છે. સ્વર્ગસ્થનું વ્યક્તિત્વ જ એવું હતું કે એમના પરિચયમાં આવેલી વ્યક્તિ એમને જિંદગીભર ન ભૂલી શકે. સમય આવ્યે એ ન્યાય અને અન્યાય વચ્ચેનો ભેદ પારખી શકતા હતા. એ હંમેશા ન્યાયની પડખે રહેતા હતા. એ માતાપિતાના કહ્યાગરા પૂત્ર હતા તો પોતાનાં સંતાનો માટે શ્રેષ્ઠ પિતા હતા. તેઓ એક પ્રેમાળ અને જવાબદાર પતિ હતા અને પરિવાર પ્રત્યેની ફરજો બજાવતી વખતે અનોખી તટસ્થતા દાખવી શકતા હતા...’

રવિએ જોયું કે, યોગેશનાં સંતાનો આ બધું સાંભળીને રડવા લાગ્યાં હતાં. યોગેશનાં ઘરડાં માતાપિતાની આંખો સજળ થઈ ગઈ હતી. કદાચ એમને સ્નેહાના અવાજની ઓળખાણ તાજી થઈ હોય. યોગેશની બીજી પત્ની જે અત્યાર સુધી, પોતાના અકાળે અવસાન પામેલા દારૂડિયા અને જુગારી પતિના આત્માની શાંતિ કાજે ગવાતાં ગીતોથી બેઅસર બેઠી હતી; એ પણ હવે સ્નેહાના કરુણ અવાજથી પ્રભાવિત થઈ હોય એવું જણાતું હતું. એની આંખો હવે ભીજાવા લાગી હતી. બેસણામાં બેઠેલા કેટલાક લાગણીશીલ લોકો, સ્વર્ગસ્થની ખોટી પ્રશંસા થઈ રહી હોવાનું જાણતા હોવા છતાં ભાવુક થઈ ગયા હતાં. એ સ્નેહાના અવાજની અને એની રજૂઆતની કમાલ હતી. એ જ એની વ્યવસાયિક સફળતા પણ હતી.

આજે સ્નેહા, રવિને પોતે એક અઠંગ વ્યવસાયિક હોવાનો પુરાવો આપવાની જિદે ચડી હતી.

એની મધુર વાણીનો પ્રવાહ તો અટકતો જ નહોતો...‘સ્વર્ગસ્થ યોગેશ ચોલેરા ધર્મ, પ્રેમ, કરુણા અને સંસ્કારની જીવતીજાગતી ધરોહર હતા. સ્વજનો વચ્ચેથી વિદાય લઈને તસવીરમાં સમાઈ જવાની એમની આ ઉંમર નહોતી. ઈશ્વરને એવી ફરિયાદ કરવાનું આપણને મન થાય છે કે, પ્રભુ, આ તે તારો કેવો ન્યાય? તારે એમને આટલા વહેલા બોલાવી લેવાની શી જરૂર હતી? ...’

યોગેશના સ્વજનો એમની લાગણીણે કાબુમાં રાખવા મથી રહ્યાં હતાં. સ્નેહાના અવાજમાંથી નર્યાં દર્દ અને કરુણા છલકાતાં હતાં. એવું લાગતું હતું કે જાણે એ પોતે પણ હમણા જ રડી પડશે. રવિનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જે પરિસ્થિતિનો એને ડર હતો એ જ પરિસ્થિતિ જાણે નિર્માણ થઈ રહી હતી.એને લાગ્યું કે, ‘સ્નેહા બીજાંને ભાવુકતાથી ભીંજવતાં ભીંજવતાં પોતે ખરેખર ભાવુકતાથી ભીંજાવા લાગી છે. યોગેશની પ્રશંસાના બહાને પોતાની અંગત વેદનાનું પ્રદર્શન કરી રહી હોય એવું લાગે છે. હવે એ જો પોતાની જાત પર કાબુ નહિ રાખી શકે તો એની અને સાથેસાથે ‘પ્રાર્થના કલા મંડળની’ પણ ફજેતી થઈ જશે’

...પરંતુ એવું ન થયું. ઊંડી ખીણની ધાર પર જઈને પાછી ફરતી હોય એમ સ્નેહા ભાવુકતાની ધાર પર જઈને હેમખેમ પાછી ફરી ગઈ.

પોતાના અવાજમાં રાબેતા મુજબની સ્વસ્થતા લાવીને, ‘આપણે પામર માનવી ભલે ગમે તેટલાં વલખાં મારીએ પણ છેવટે તો આપણે ઉપરવાળાની મરજીને માન આપવું જ પડે છે.’ એવી સમજ રજૂ કરીને ગાવા લાગી: ‘જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો...’

રવિથી મનોમન બોલાઈ ગયું: ‘વાહ! આજે તો તેં સાબિત કરી દીધું કે, અંગત લાગણીઓને કાબુમાં રાખવામાં તું મારાથી ખરેખર ચડિયાતી છે.’

એ આંખોના ઇશારે સ્નેહાને અભિનંદન આપવા માંગતો હતો પરંતુ સ્નેહાને તો આસપાસનું કશું ભાન જ નહોતું. એ તો આંખો ઢાળીને નરસૈયાના શબ્દોથી સહુને ભીંજવી રહી હતી...’હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે...’

[સમાપ્ત]