મારી ચોખ્ખી ના છે... Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

મારી ચોખ્ખી ના છે...

નવલિકા

મારી ચોખ્ખી ના છે...

યશવંત ઠક્કર

‘ઉત્પલ, આમ નિરાશ થઈને બેસી જઈશ એ નહિ ચાલે. કશું કર.’ ભાવનાએ ઉત્પલના ખભે હાથ મૂકીને કહ્યું.

‘શું કરું? બધી તાકાત કામે લગાડી દીધાં પછી પણ પચીસ હજાર ખૂટે છે.’

‘બેંક એટલી લોન વધારી ન આપે?’

‘વધુમાં વધુ જેટલી થઈ શકે એટલી લોન મંજૂર કરાવી છે. ભાવના, મને લાગે છે કે નવું ઘર લેવાની વાત આપણે હમણાં ભૂલી જવી જોઈએ.’

‘પણ આવી તક ફરી નહિ મળે. ઉત્પલ, આ ઘર જવા દેવું નથી. કોઈ રસ્તો કાઢ. કોઈ દોસ્તારને વાત કર.’

‘દોસ્તાર તો રાકેશ છે. એને માટે તો પચીસ હજાર એટલે સાવ મામૂલી રકમ, પણ...’

‘તો એની મદદ લેવાય. આપણે તો ઉછીના લેવાના છે. સગવડ કરીને વહેલાસર પાછા આપી દઈશું.’

‘મેં એની સાથે ક્યારેય પૈસાનો વ્યવહાર નથી કર્યો, એટલે મને એની પાસે પૈસા માંગતાં શરમ આવે.’

‘ભાઈબંધ સાથે શરમ શાની. અત્યાર સુધી તારે જરૂર નહોતી એટલે તેં વ્યવહાર નહોતો કર્યો. હવે જરૂર પડી છે તો વ્યવહાર કરવામાં વાંધો નહિ.’

‘સારું. મને એ ઠીક નથી લાગતું. છતાંય વાત કરી જોઈશ.’

‘કોઈને વાત કરીએ તો રસ્તો નીકળે. આવું કામ તો એ રીતે જ થાય. જિંદગીમાં આશા ન છોડાય.’

...પૈસાની માંગણી કરવા માટે રાકેશના ઘર તરફ જવા નીકળેલા ઉત્પલની મનોદશા કૃષ્ણની દ્વારિકા તરફ જવા નીકળેલા સુદામા જેવી હતી.

એ રાકેશના ઘરે પહોંચ્યો ત્યારે રાકેશની બહેન દક્ષાએ દરવાજો ખોલ્યો. દક્ષા ઉત્પલને જોઈને રાજી થઈ ગઈ. આવકારો આપતાં એ બોલી, ‘ઓહ ઉત્પલ! આવ આવ. મેં તને આજ સવારે જ યાદ કર્યો હતો.’

‘શું વાત છે! તું ક્યારે આવી?’

‘ત્રણ દિવસ થયા..મારાં ભાભી એમેના પિયર ગયાં, અને હું મારા પિયરમાં આવી છું. કાલે જવાની.’

‘કેમ કાલે? રોકાવું નથી?’

‘સાસરેથી જેટલી રજા મંજૂર થાય એટલી જ ભોગવાય.’ દક્ષા એની આદત મુજબ હસીને બોલી.

બેઠકખંડમા બેઠાં પછી ઉત્પલે પૂછ્યું, ‘રાકેશ નથી?’

‘છેને. અંદર ફોન પર વાત કરે છે. ત્યાં સુધી આપણે વાતો કરીએ. તારો સંસાર બરાબર ચાલે છેને?’

‘હા. બરાબર ચાલે છે.’

‘ચાલે છે કે પછી દોડે છે?’ દક્ષા હસતાં હસતા જ વાતો કરતી હતી.

‘ક્યારેક દોડે છે તો ક્યારેક ચાલે છે.’ ઉત્પલે પણ હસીને જવાબ આપ્યો.

‘ભાવનાને લઈને આવ્યો હોત તો મને એનો વધારે પરિચય થાત.’

‘તું આવને મારે ત્યાં.’

‘આ વખતે તો નહિ અવાય. હવે પછી આવીશ ત્યારે ચોક્કસ આવીશ.’

‘તારા પતિદેવ મજામાં?’

‘એકદમ મજામાં. ભગવાને એને એવો મજાનો જીવ આપ્યો છે કે ન પૂછો વાત. ઉત્પલ, તું તો એને મળ્યો છેને?’

‘તારાં લગ્ન વખતે મળ્યો હતો, પણ એ તો જલ્દી જલ્દીમાં.’

‘વૈભવ ખરેખર નિરાંતે મળવા જેવો માણસ છે. તું અને ભાવના બંને અમારે ત્યાં આવો. આપણે ખૂબ ખૂબ વાતો કરીશું.’

રાકેશ આવ્યો એટલે વાતો અટકી ગઈ. દક્ષાએ ઊભા થતાં પૂછ્યું, ‘તને ચા ફાવશેને?’

‘ના. એવી તકલીફ લેવાની જરૂર નથી’ ઉત્પલે કહ્યું.

‘પણ મારે તકલીફ લેવી છેને.’ દક્ષા જતાં જતાં બોલી.

રાકેશ સાથે સામાન્ય વાતો કરતાં કરતાં ઉત્પલે છેવટે પોતાના મનમાં રહેલી વાત મૂકી, ‘રાકેશ, હું તારી પાસે એક ખાસ કામ માટે આવ્યો છું.’

‘એ તો તારો ચહેરો જોઈને જ મને ખબર પડી ગઈ છે કે, તું ખાસ કામ માટે જ આવ્યો છે. બોલ શું કામ છે?’

‘મારે એક નવું ટેનામેન્ટ બુક કરાવવું છે, પણ પચીસ હજાર રૂપિયા ખૂટે છે.’

‘તારે તો સરકારી નોકરી છે, તને તો જોઈએ એટલી લોન મળે.’

‘ના એવું નથી. મારા પગાર પ્રમાણે મળે. બને એટલી વધારે લોન મંજૂર કરાવી છે. થોડીઘણી બચત પણ છે. છતાંય પચીસ હજારની જરૂર છે. જો તું ઊછીના આપે તો...’ ઉત્પલ આગળ બોલી ન શક્યો. જો કે એણે જે કહેવું હતું એ કહી દીધું હતું.

પૈસાની માંગણી સામે રાકેશ પાસે જાણે જવાબ તૈયાર જ હોય એમ એણે તરત જવાબ આપ્યો, ‘હમણાં તો યાર, સખત મંદી ચાલે છે. મારી પોતાની રકમ ત્રણચાર જગ્યાએ ફસાઈ ગઈ છે, એટલે અત્યારે તો તને મદદ કરી શકું એમ નથી.’

‘વાંધો નહિ.’ ઉત્પલ સ્વસ્થતા જાળવી રાખવાના પ્રયાસ સાથે કહ્યું; પરંતુ એણે અનુભવ્યું કે, રાકેશ આજે એક મિત્ર તરીકે નહિ પણ એક વેપારી તરીકે વાત કરી રહ્યો છે.

‘પણ ઉત્પલ, મારી તને એક સલાહ છે કે, સમય બહુ ખરાબ છે. જે કાંઈ કરે એ પૂરો વિચાર કરીને કરજે. તાકાત હોય એટલું જ જોર કરજે, નહિ તો હાલત ખરાબ થઈ જશે.’

‘સાચી વાત છે.’

‘જો તેં મારી વાત માની હોત અને પ્રેક્ટિકલ બન્યો હોત તો તારે ક્યારનું પોતાનું ઘર બની ગયું હોત. ઘર શું બંગલો બની ગયો હોત. પણ તું રહ્યો સિદ્ધાંતવાદી, એટલે તારા જીવનમાં આવી તકલીફો તો રહેવાની જ.’

‘રાકેશ, મને તકલીફો મંજૂર છે, પણ હરામની કમાણી મંજૂર નથી.’ ઉત્પલે કહ્યું. રાકેશ પાસે પૈસા માંગવા બદલ હવે એને પસ્તાવો થવા લાગ્યો. રાકેશે એને અવારનવાર પૈસા કમાવાના રસ્તા બતાવ્યા હતા જે રસ્તા ઉત્પલને માફક આવે એવા નહોતા.

‘તો જેવાં તારાં નસીબ. તારા જેવા લોકોની આ જ તકલીફ છે, પોતાની શરતે જીવવું છે અને સુખી પણ થવું છે. બંને વાત તો ક્યાંથી બને.’ ચાપાણી લઈને આવેલી દક્ષાએ રાકેશના આ શબ્દો સાંભળ્યા.

દક્ષા આવી ગઈ હોવાથી બંને મિત્રો વચ્ચેની એ વાતચીત અટકી ગઈ, પરંતુ ઉત્પલને કશી તકલીફ હોવાનો ખ્યાલ દક્ષાને આવી ગયો હતો.

ઉત્પલ અને રાકેશ સ્કૂલમાં સાથે હતાં ત્યારથી એમની દોસ્તીની શરૂઆત થઈ હતી. રાકેશની નાની બહેન દક્ષા એક વર્ષ પાછળ હતી. પરીક્ષા વખતે ત્રણેય સાથે બેસીને મહેનતા કરતાં હતાં. ઉત્પલ અભ્યાસમાં તેજસ્વી હતો, એટલે દક્ષા અને રાકેશને અભ્યાસમાં મદદરૂપ થતો હતો. ઉત્પલના લીધે જ દક્ષાને સારા માર્ક્સ આવતા હતા, જ્યારે રાકેશને ઉત્પલની મદદ કરતાં કાપલી પર વધારે ભરોસો હતો. બારમું ધોરણ પાસ કર્યાં પછી રાકેશને કોમર્સ કૉલેજમાં પ્રવેશ મળ્યો હતો, પરંતુ એકાદ વર્ષ પછી એ કૉલેજ છોડીને એના પપ્પાએ જમાવેલી મીઠાઈની દુકાને બેસી ગયો હતો. સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી ઉત્પલે સેનિટરી ઇન્સ્પેકટર તરીકેની નોકરી મેળવી હતી. દક્ષાએ આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી મેળવીને શિક્ષિકા બનવાનું પસંદ કર્યું હતું. વૈભવ સાથે લગ્ન થયાં પછી પણ એણે એ પ્રવૃત્તિ રસને ખાતર જાળવી રાખી હતી. વૈભવને ઇન્ટિરિઅર્ ડિઝાઇનર તરીકેનો વ્યવસાય હતો, અને એ સારું કમાતો હતો.

ચા પીતાં પીતાં ત્રણે વચ્ચે થોડીઘણી વાતો થઈ. રાકેશે મદદ કરવા માટે અશક્તિ દર્શાવી છતાં ઉત્પલે સ્વસ્થતા મેળવી લીધી હતી, પરંતુ દક્ષા સ્વસ્થ નહોતી. ઉત્પલના ગયા પછી એણે રાકેશને પૂછ્યું, ‘રાકેશ, સાચું કહેજે, ઉત્પલ કશી તકલીફમાં છે?’

‘નોકરિયાત માણસ છે, એટલે એને પૈસાની તકલીફ તો રહેવાનીજ. તાકાત છે નહિ ને નવું ટેનામેન્ટ બુક કરાવવું છે. મારી પાસે પચીસ હજાર રૂપિયા ઉછીના લેવા આવ્યો હતો.’

‘તેં શું કહ્યું?’

‘ના પાડી. સગવડ નથી એમ કહી દીધું.’

‘એવું કેમ કર્યું? આપ્યા હોત તો સારું હતું.’

‘એ પાછા ક્યારે આવે? ગયા ખાતે જ ઉધારવાનાને.’

‘ઉત્પલ એવો નથી. સગવડ થાય ત્યારે આપી દે એવો છે.’

‘એને કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર જ નથી, પણ એ હાથે કરીને હેરાન થાય એવો છે. સિદ્ધાંતવાદી છે. રૂપિયા બને એવી મજાની નોકરી છે તોય નથી બનાવતો. પછી માંગવા નીકળે છે. ખોટી જ વાત છેને.’

‘એ ખોટાં કામ નથી કરતો એ પણ સારું જ છે.’

‘તો પછી પૈસા માંગવા ન નીકળવું જોઈએ.’

‘દોસ્ત છે તો માંગે. દોસ્ત તરીકે તારે આપવા પણ જોઈએ.’

‘દોસ્તી દોસ્તીની જગ્યાએ બરાબર છે, પણ દોસ્તીમાં પૈસાનો વ્યવહાર સારો નહિ. દોસ્તી તૂટ્યા વગર રહે જ નહિ.’

‘દોસ્તીમાં ભરોસો પણ જરૂરી છે.’

‘મને એવો આંધળો ભરોસો નથી, પણ તને ઉત્પલની એટલી બધી ચિંતા કેમ થાય છે?’

‘કેમ ન થાય? ગમે તેમ તોય એ મારો પણ મિત્ર છે.’

‘દક્ષા, હવે તારાં લગ્ન થઈ ગયાં છે, એટલે તારે આ બધું ભૂલી જવાનું હોય.’

‘લગ્ન થઈ ગયાં છે તો શું થયું? મિત્રને ભૂલી જવાનો હોય?’

‘દોઢડાહી થઈને વૈભવ સામે ક્યારેય આવી મિત્રતાની વાતો કરતી નહિ. એને ખરાબ લાગશે તો તારો સંસાર તકલીફમાં મુકાશે.’

‘રાકેશ ભઈલા, તું ક્યા જમનાની વાત કરે છે?’

‘હું આ જમાનાની વાત કરું છું. દક્ષા, પુરુષ છેવટે પુરુષ હોય છે. કોઈ પુરુષ પોતાની પત્નીને પુરુષમિત્ર હોવાની વાત સહન ન જ કરી શકે.’

‘આનો અર્થ એ થયો કે તને હજી વૈભવનો પૂરો પરિચય નથી થયો. રાકેશ, એ એવો સાંકડા મનનો નથી.’

‘બરાબર છે, છતાંય તારે ધ્યાન રાખવું જોઈએ. આ તો મને કહેવા જેવું લાગ્યું એટલે કહ્યું, બાકી જેવી તારી મરજી.’

ભાઈબહેન વચ્ચેની વાત જાણે કે એક ખોટા મુકામે આવીને અટકી ગઈ.

*

‘વૈભવ, એક વાત કરવી છે’ દક્ષાએ કહ્યું.

‘એકથી શું થય? હજાર વાતો કરને.’ વૈભવે કહ્યું.

‘તું મજાકમાં ન લે. હું કામની વાત કરું છું.’

‘લે કર. હું મારા કાન ખુલ્લા રાખીને સાંભળું છું.’ વૈભવે પોતાના બંને કાન પકડીને પહોળા કર્યા.

‘મારે પચીસ હજાર રૂપિયાની જરૂર છે.’

‘તો હું શું કરું? પૈસાનો વહીવટ તું કરે છે. તારે જરૂર છે તો લઈ લેને.’

‘મારે પોતાને જરૂર નથી, મારે બીજા કોઈને આપવા છે.’

‘તો આપી દેને.’

‘કોને આપવા છે એ નથી જાણવું.’

‘જરૂર લાગતી હોય તો જણાવ. ન લાગતી હોય તો નહીં. યે જબરજસ્તી કા સોદા તો હૈ નહીં.’

‘પ્લીઝ, તું મજાક છોડ. આ પૈસાનો મામલો છે, એટલે બધી ચોખવટ થાય એ સારું.’

‘સારું. હું સીરિઅસ થઈ જાઉં છું.’ વૈભવ ગંભીર થઈ ગયો.

‘મારો અને રાકેશનો ઉત્પલ નામે એક મિત્ર છે. આપણાં લગ્નમાં એ આવ્યો હતો. એને નવું ઘર બુક કરાવવું છે, પણ પચીસ હજાર રૂપિયા ખૂટે છે. મને લાગે છે કે આપણે એને પચીસ હજારની લોન આપવી જોઈએ. જો તારી ઇચ્છા હોય તો.’

વાત સાંભળતાં જ જાણે કોઈ અણગમતી વાત સાંભળી હોય એમ વૈભવનો ચહેરો તંગ થઈ ગયો. એના હોઠ વંકાઈ ગયા. એણે ઠપકાભરી નજરે દક્ષા સામે જોયું. દક્ષા એ નજર જીરવી ન શકી. એ નીચું જોઈ ગઈ. એને મોટી ભૂલ થઈ ગઈ હોવાનો ખ્યાલ આવ્યો. કદાચ, રાકેશની વાત સાચી પડી રહી હતી.

બાકી હતું તે વૈભવના શબ્દો એના કાને પડ્યા, ‘પચીસ હજાર આપવા માટે મારી ચોખ્ખી ના છે...’ વૈભવ આગળ બોલતાં અટકી ગયો.

આટલું સાંભળતાંની સાથે જ દક્ષાને લાગ્યું કે, ‘મોટો અનર્થ થઈ ગયો છે. વૈભવ પરનો અડીખમ પહાડ જેવો મારો ભરોસો ધડાકા સાથે તૂટી પડ્યો છે. આવું નહોતું ધાર્યું. કોઈ પુરુષ પોતાની પત્નીને પુરુષમિત્ર હોવાની વાત સહન જ ન કરી શકે, એવી રાકેશની વાત સાચી પડતી હોય એવું લાગે છે.’

દક્ષાનો ચહેરો ઝંખવાઈ ગયો.

ત્યાં તો વૈભવના બાકી રહેલા શબ્દો એના કાને પડ્યા, ‘પણ પચાસ હજાર રૂપિયા આપવા માટે મારી હા છે.’

ચોંકી ગયેલી દક્ષાએ વૈભવની સામે જોયું તો એના ચહેરા પર એનું આગવું હાસ્ય હતું. એ હાસ્ય ખખડાટ હાસ્યમાં ત્યારે ફેરવાઈ ગયું, કે જ્યારે ખીજવાયેલી દક્ષા ઊભી થઈને ખાટામીઠા ગુસ્સા સાથે એની પીઠ પર ધબ્બા મારવા લાગી.