પાસવર્ડ - 22 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસવર્ડ - 22

પ્રકરણ નં.૨૨

અનંતરાયના સાથીદારો અને પઠાણ ગ્રુપ લીડર અચાનક સફાળા બેઠા થઇ ગયા. ખંઢેરની બહાર થોડે દુરથી ઊંટના અવાજો આવતા તેઓને સંભળાયા હતાં. તેઓએ ઉભા થઈને બારીની બહાર નજર કરી. ઊંટનો એક કાફલો ખંઢેર તરફ આવી રહયો હતો. રણમાં માંડ માંડ સૈનિકોનું જોખમ ટાળી મુકેશ અને વિજયને લઈને ઉંટનો કાફલો ખંઢેર પાસે આવી પહોંચ્યો હતો. પઠાણ લીડર આખી ઘટના સાંભળી થોડી વાર માટે તો ચિંતામાં મુકાઈ ગયો. તેના મનમાં એવી ચિંતા જન્મી કે, સૈનિકોને ક્યાંક શંકા ના ગઈ હોય. જોકે મુકેશ અને વિજયે તેઓની ચિંતા દુર કરી. ખંઢેર ખાતેથી આગળની રણની સફર પઠાણ લીડરના નેતૃત્વમાં આગળ ધપી. કાફલો કદમાં ખુબ મોટો ના થઇ જાય એ માટે સભ્યો બે ગ્રુપમાં વહેંચાઈ ગયા. એક ગ્રુપ રવાના થયા બાદ થોડા સમયના અંતરે બીજું ગ્રુપ રવાના થયું હતું. સોલાર પાવર સંચાલિત વાહનોના પ્રથમ કાફલામાં મુકેશ અને અન્ય લોકો સામેલ થયા અને બીજા કાફલામાં વિજય અને અનંતરાયના સાથીદારો અને પઠાણ ગ્રુપના સભ્યો જોડાઈ ગયા હતાં. ડબલ પાસવર્ડ અને કોડથી લોક કરવામાં આવેલા સ્ટીલના બોક્સ સહીસલામત રીતે નિર્ધારિત સ્થળે પહોંચાડવા અત્યંત આવશ્યક હતાં.

***

નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતે પાટનગરમાં આવેલી " પબ્લિક એલાયન્સ એસોશિએટસ સર્વિસીઝ કંપની લિમિટેડની વિસ્તૃત કુંડળી કાઢી તપાસ શરૂ કરી પરંતુ ભેદી કોડવર્ડ PLEASELOCKCODEANDPASSWORD નો કોઈ સીધો કે આડકતરો સંબંધ આ કંપની સાથે હોવાનું તેને જોવા જાણવા મળ્યું નહી. આ હકિકત તેણે માનવામાં ન્હોતી આવતી. P.A.A.S.C.L.( પબ્લિક એલાયન્સ એસોશિએટસ સર્વિસીઝ કંપની લિમિટેડ) સાથે આ સંદેશનો કોઈ સંબંધ નથી તો પછી તેનું રહસ્ય હવે કેવી રીતે ઉકેલવું એ સવાલ સૂર્યજીતના દિમાગને બરોબરનો નીચોવી રહયો હતો. કેમેય રહસ્યનો તાળો મળતો ન્હોતો. તેણે ફરી એક વખત સુનિલને ફોન કરીને એ વિશે જાણ કરતા સુનિલ પણ વિચારે ચડી ગયો. સૂર્યજીતને તો એવી શંકા થવા લાગી હતી કે, તે આ ભેદી કોડવર્ડ અને મેસેજનું રહસ્ય પોતે ક્યારેય ઉકેલી શકશે કે કેમ? અચાનક તેને એ યાદ આવ્યું કે, પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ટોચના બે હોદેદારોના અપહરણ થયા તેના થોડા દિવસો પૂર્વે કંપની કોમ્પ્યુટર હેકિંગનો શિકાર બની હતી. આ વિશે કંપનીએ પોલીસમાં ફરિયાદ પણ દાખલ પણ કરી હતી. સૂર્યજીતે તુર્ત જ એ કેસ હેન્ડલ કરી ચુકેલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને ફોન કરી તેની પાસેથી વિગતો માંગી. આ પ્રકરણની તપાસમાં કશી પ્રગતિ શક્ય નહી જણાતા હાલ તુર્ત તપાસ પેન્ડીંગ હોવાની ઇન્સ્પેકટરે સ્પષ્ટતા કરતા સૂર્યજીતે હેકિંગ કયા લોકેશન પરથી અને કયા આઈ.પી. એડ્રેસ પરથી થયું હતું એ પૂછાતા ઇન્સ્પેકટરે જે વાત કહી તે સાંભળી સૂર્યજીતના કાન ચમક્યા. એ હેકિંગ પડોશી દેશમાંથી થયું હતું. "ઓહ માય ગોડ". તેના મ્હોમાંથી શબ્દો સારી પડ્યા.

***

સેન્ટ્રલ જેલનો દરવાજો ખુલ્યો ને રાજેશ્વર બહાર આવ્યો. તેણે સૂર્યના દર્શન કર્યા. જેલની બહાર જ તેને આવકારવા એડવોકેટ કાર્તિક તૈયાર ઉભો હતો. બંને જણા એકબીજાને ભેટયા. તેઓની આંખો ભીની થઇ ગઈ. રાજેશ્વર સીધો જ તેના ઘેર પહોંચ્યો. રાજેશ્વરના ઘેર આનંદનો માહોલ હતો. તેના માતા સુલોચના – પિતા જ્યોતિન્દ્ર કુમાર અને પત્ની શીતલ હરખઘેલા બની ગયા હતા. તેઓને કલ્પના પણ ન્હોતી કે રાજેશ્વર આટલી ઝડપે જેલમાંથી બહાર આવી જશે. કાર્તિક પરિવારનું હૃદયદ્રાવક બની રહેલું મિલન જોઈ રડી પડ્યો હતો. થોડા સમયમાં સૌ સ્વસ્થ થયા. એટલામાં જ રાજેશ્વરના ઘેર લેન્ડ લાઈન ફોન પર રિંગ વાગી. જ્યોતિન્દ્ર કુમારે ફોન રિસિવ કર્યો. જોકે તેને આશ્ચર્ય એ વાતનું થયું કે, એ ફોન કોલ રાજેશ્વર માટે હતો. રાજેશ્વરે ફોન પર વાત કરી. સૌ તેને જોઈ રહયા. રાજેશ્વર માત્ર મૂક પ્રેક્ષક બનીને સાંભળી રહયો હતો. વાત પુરી થયા બાદ ઘરનું કોઈ સભ્ય સવાલ પૂછે એ પહેલા જ તેણે કહ્યું કે, કંપનીમાંથી ફોન હતો. મારે ત્યાં જવું પડશે. કાર્તિક તમે પણ ચાલો મારી સાથે. જોકે માતા પિતાના આગ્રહને વશ થઈને તેઓ બંને ભોજન લીધા બાદ ત્યાંથી બહાર નીકળ્યા. લગભગ દોઢ – બે કલાક બાદ ફરી વખત ફોનની ઘંટડી વાગી. જ્યોતિન્દ્ર કુમારે ફોન રિસિવ કરતા સામે છેડેથી રાજેશ્વરે તેમને માત્ર એટલો જ સંદેશ આપ્યો કે, તે અને કાર્તિક એક સપ્તાહ માટે પાટનગર જઈ રહયા છે. ચિંતાની કોઈ વાત નથી. ફોન મુક્યા બાદ રાજેશ્વર અને કાર્તિક ફ્લાઈટમાં બેસી પાટનગર આવી પહોંચ્યા.

***

સરહદની પેલે પાર....

" મહારાજ સાહેબ સ્ટીલના બોક્સ અહીં લાવવામાં તેઓને કોઈ મુશ્કેલી તો નહીં પડે ને?"

" ના...ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અનંતરાયે જડબેસલાક વ્યવસ્થા કરી જ છે, એમાં શંકા ને કોઈ જ સ્થાન નથી. આમ છતાં મેં આ મુદ્દાની ચર્ચા કરી લીધી છે. મને એવો સંદેશ મળ્યો છે કે, રણમાં સ્થિત આપણા ખંઢેર ખાતેથી તેઓનો કાફલો બે ગ્રુપમાં વહેંચાઈ વારાફરતી રવાના થઇ ગયો છે ને તેઓ થોડા સમયમાં જ અહી આવી પહોંચશે. " રાજવી પરિવારના મોભી આદિત્યરાજસિંહે તેમના સહાયકના મનમાં રહેલી શંકા દુર કરી. તેમને મુકેશ, વિજય અને પઠાણ ગ્રુપનો ઇંતજાર હતો. થોડી પળોમાં જ તેઓની ઈન્તેજારની ઘડીઓ સમાપ્ત થઇ. આખો રસાલો થોડી થોડી મિનિટોના અંતરે રાજવી પરિવારના વૈભવી મહેલના પાછલા હિસ્સામાં સ્થિત ખુફિયા દરવાજેથી અંદર પ્રવેશ્યો. સૌને મહેલના તહેખાનામાં બનાવાયેલા આરામ કક્ષમાં લઇ જવામાં આવ્યા. આ તહેખાનાથી માત્ર રાજવી પરિવાર અને તેના અમુક ગણ્યાગાંઠ્યા વફાદારો જ વાકેફ હતાં. થોડી પળોમાં જ રાજવી પરિવારના મુખ્ય સલાહકાર તહેખાનામાં આવી પહોંચ્યા. સૌએ ઉભા થઈ તેમને આદર આપ્યો.

" મિસ્ટર મુકેશ અને મિસ્ટર વિજય આપ બંનેને મહારાજ આદિત્યરાજસિંહ સાહેબ યાદ કરી રહયા છે. આપ બંને ચાલો મારી સાથે. " રાજવીના સલાહકારની પાછળ મુકેશ અને વિજય અનુસર્યા. તેઓ ત્રણેય તહેખાનાના આડાઅવળા અને ભુલભુલામણી જેવા રસ્તેથી આદિત્યરાજસિંહના એક ખાસ રૂમમાં પહોંચ્યા. મુકેશ અને વિજયને થોડી વાર બેસવાની સૂચના આપી સલાહકાર ત્યાંથી ચાલ્યા ગયા. થોડી મીનીટો બાદ સલાહકાર પરત ફર્યા અને મહારાજ આદિત્યરાજસિંહ આવી રહ્યાની જાણ કરી. આદિત્યરાજસિંહ રૂમમાં આવ્યા એ સાથે જ મુકેશ અને વિજય ફટાક દઈને ઉભા થઇ ગયા. બંનેએ હાથ જોડી ગરદન થોડી ઝુકાવી મહારાજને નમસ્કાર કર્યા.

" વેલકમ. પ્લીઝ બી સીટેડ." આદિત્યરાજસિંહે પણ સસ્મિત તેમને આવકાર્યા અને આસન ગ્રહણ કરવા અનુરોધ કર્યો.

" મહારાજ સાહેબ અમે સત્યપ્રકાશ સાહેબની સૂચના મુજબ અહીં આવ્યા છીએ. હવે પછી અમારે આપ સાહેબના આદેશને અનુસરવાનું છે. " મુકેશે પુરા આદર નમ્રતા સાથે વાત શરૂ કરી.

" જી. અહી આપણે કેટલાક કાર્યો ગુપ્ત રાહે પાર પાડવાના છે. જેમાં આપનો સહયોગ અત્યંત આવશ્યક બની રહેવાનો છે."

" હા..જી...... મહારાજ સાહેબ. હવે ક્યારે કયું કાર્ય હાથ ધરવાનું છે તે વિશે આપ સાહેબની સુચનાનો અમે ઇંતેજાર કરી રહયા છીએ. " વિજયે પણ વાતમાં સૂર પુરાવ્યો.

" સર્વપ્રથમ તો આપણે પેલા સ્ટીલના છ એ છ બોક્સ સુરક્ષિત જગ્યાએ મુકાવી દઈએ. ત્યારબાદ હું આપને આગળના કામ વિશે જણાવીશ." રાજવીએ વાત પુરી કરી. સ્ટીલના બોક્સ પોતાના અન્ય એક ખુફિયા લોકર રૂમમાં મુકાવાની સૂચના આપી તેઓ મહેલના પોતાના અન્ય એક ખંડમાં ચાલ્યા ગયા. સલાહકાર તુર્ત જ મુકેશ અને વિજયને સાથે રાખી જરૂરી વ્યવસ્થામાં જોતરાઈ ગયા.

***

અધિરાજને મળેલી બાતમી સાચી હતી. પોલીસ કમિશનર અભય કુમાર કોઈ સરકારી કામના બહાને સચિવાલયમાં ગયા ત્યારે તેમની મુલાકાત ગૃહ મંત્રી સાથે થઇ હતી. તેઓ ફરી પાછા છાનામુના કોઈ પેંતરાબાજી કરવાના મૂડમાં હતાં, પરંતુ અધિરાજે એવી ગોઠવણ કરી રાખી હતી કે, અભય અને ગૃહ મંત્રી પાછા છાનામુના બેસી જાય. અભય અને ગૃહ મંત્રીને એમ હતું કે, તેઓ ચુપચાપ પોતાના કાવતરા પાર પાડી શકશે. જોકે તેઓની ધારણા સાવ ખોટી હતી. તેઓની મિટિંગ બાદ બંનેને અજાણ્યા અને વિચિત્ર ફોન નંબર પરથી કોઈ અજાણ્યા શખસોએ એક એક કોલ કરીને એવી સ્પષ્ટ ધમકી આપી હતી કે, " હવે તમારા ગોરખધંધા બંધ નહી કરો તો પછી આવતીકાલના અખબારો અને ટી.વી. ચેનલના બ્રેકિંગ ન્યુઝમાં તમારી ગદ્દારીથીના સમાચાર જાહેર થઇ જશે. ત્યારબાદ મિડીયામાં તમારા બંનેની લાશો મળી આવવાના અહેવાલો પણ પ્રગટ થશે. અગાઉ શું બન્યું હતું તમારી સાથે એ તમે ભૂલી ગયા લાગો છો. તમારા બંને ઉપર સતત મારી નજર છે જ. તમારી કોઈ પણ હિલચાલ મારાથી છુપી નહી રહે. " રૂંવાડા ખડા કરી દેતી આ ધમકી મળ્યા બાદ અભય અને ગૃહ મંત્રીએ એકબીજા સાથે વાત કર્યા પછી લાંબી રજા પર ચાલ્યા જવાનો નિર્ણય કરી નાંખવો પડ્યો હતો. અધિરાજને ખાતરી થઇ ગઈ કે, હવે આ બંને જણા ક્યાંય નડતરરૂપ નહીં બને.

***

ઘેર આવીને તૈયારીમાં જોતરાઈ ગયેલા બંને ઓફિસરો પોતાના સાથી ઇન્ટેલિજન્સ ઓફિસરો સાથે એ વિશે ચર્ચા કરી રહયા હતાં કે, તે ત્રણેય ઓફિસરો તેમની સાથે વિદેશ કેવી રીતે આવી શકશે? શું તેઓને વિદેશ લઇ જવા જરૂરી છે કે તેઓને અહી જ રહેવા દઈને પછી મોડેથી વિદેશ બોલાવી લેવા? અચાનક તેઓની વિચારશ્રુંખલા તૂટી. તેમના ઘર પાસે જ બે મોટર કાર આવીને ઉભી રહી ગઈ. બાકીના ત્રણેય ઓફિસરોને ઘરમાં જ અન્ય રૂમમાં છુપાવી દઈ તેઓએ દરવાજો ખોલતા જ અનંતરાયને સામે ઉભેલા જોઈ બંને ઓફિસરોના પગ ધ્રુજવા લાગ્યા પરંતુ તેઓ થોડી વારમાં જ સ્વસ્થ થયા અને ચર્ચામાં જોતરાઈ ગયા.

" તમે બંને અહીંથી વિમાન માર્ગે પાટનગર જઈ રહયા છો ને ત્યાં તમારી મુલાકાત મારા એક પરમ મિત્ર અધિરાજ સાથે થશે. આ પછી તમો તેમની સૂચના મુજબ આગળનું પ્લાનિંગ અમલી બનાવવાનું છે." અનંતરાય સૂચના આપ્યા બાદ બંને ઓફિસરોને પુરતા પ્રમાણમાં રોકડ નાણાં, વિમાનની ટિકિટ આપી ત્યાંથી ચાલ્યા ગયા. અનંતરાયની વિદાય બાદ બંને ઓફિસરો હડી મેલતા જ રૂમમાં ગયા અને તેમના સાથી ત્રણેય અફ્સરો સાથે હાથ મિલાવતા કહ્યું કે, તેઓનું મિશન સફળ થવા જઈ રહયું છે. અધિરાજનો સંપર્ક હવે હાથવેંતમાં જ છે. બંને ઓફિસરો તેમના સાથીઓને જરૂરી સૂચના આપી એક કારમાં બેસી એરપોર્ટ પહોંચી ગયા અને ફ્લાઈટ પકડી પાટનગર પહોંચ્યા. બીજી તરફ તેમના સાથીદારો પણ એક કલાકના અંતરે ઉપડેલી ત્યારપછીની જ એક ફ્લાઈટમાં પાટનગર આવી ગયા.

***

સ્ટીલના બોક્સ રાજવીના ખુફિયા લોકર રૂમમાં ગોઠવાઈ ગયા બાદ તુર્ત જ મહારાજ આદિત્યરાજસિંહે ફોન ઘુમેડ્યો. ફોનમાં સામેના છેડે વાતચિત સાંભળી રહેલી વ્યક્તિને જરૂરી માહિતી અને સૂચના આપવા લાગ્યા.

" મીઠાઈઓના બોક્સ આવી પહોંચ્યા છે." હવે આપણું કામ આગળ ધપાવવાનું થાય છે. તમે કામ શરૂ કરો. તમારા સૌની બાકીની જરૂરિયાત અહીંથી પુરી કરવામાં આવશે. "

" જી....હા.....જી " સામેની વ્યક્તિએ આદર સાથે જવાબ વાળી ફોન કાપી નાંખ્યો.

આ વાતચિત થયાને માંડ એકાદ કલાક જેવો સમય વીત્યો હશે ત્યાં જ મહારાજ આદિત્યરાજસિંહને એક સમાચાર મળ્યા.

" કટ્ટર બળવાખોરો અને સૈન્ય તેમના મિશનમાં સક્રિય થઇ ગયા છે. થોડા સમયમાં જ નવા સમાચાર આવવા જોઈએ."

" વેરી ગૂડ...કીપ ગોઈગ " આદિત્યરાજસિંહે જવાબ વાળ્યો ને તેમના ચહેરા પર સ્મિત ચમકી ઉઠ્યું.

***

શરાબ અને મનોરંજનના બહાને ખાનગી માહિતી પ્રાપ્ત કરવા આવેલા પડોશી દેશના બંને જાસૂસોને બીજા મજલા પર અલગ અલગ રૂમમાં લઇ જવાયા. બંને જાસૂસો એવું માનતા હતાં તેઓ કેટલીક ગુપ્ત માહિતી મેળવવાનો રસ્તો શોધી કાઢશે, જોકે બાતમીદારો તેઓના ઈરાદા જાણતા જ હતાં. તેઓને ખબર હતી કે, માહિતી મેળવવા આવેલા બંને જાસૂસોને કેવી માહિતી આપવાની છે? બંને પક્ષકારો એવું માનતા હતાં કે તેઓ સાચા રસ્તા પર આગળ ધપી રહયા છે.

રૂમમાં પહોંચેલા બંને જાસૂસોને શરાબ અને એક એક યુવતી પુરી પાડવામાં આવી હતી. તેઓએ આ યુવતીઓ સાથેની વાતચિત દરમ્યાન જ સુટકેશ ખોલી તેમાંથી દસ - દસ હજાર રૂપિયા આપી પણ દીધા ને જો સાચી માહિતી મળે તો વધુ કેટલાક રૂપિયા આપવાની લાલચ પણ આપી. બંને રૂમમાં લગભગ એકસરખા દ્રશ્યો ભજવાઈ રહયા હતાં. યુવતીઓએ ઓફરનો સ્વીકાર કર્યો. જાસૂસોએ સીધો જ એ સવા પૂછેલો કે, પી.આર. કન્સલ્ટન્સી કંપનીના બે હોદેદારોના અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડનું રહસ્ય શું છે? તમારી પાસે તો કાંઈક માહિતી હશે જ કેમ કે અંધારી આલમના લોકો અહી તમારી પાસે આવતા હોય ત્યારે કાંઈક વાત તો થતી જ હશે ખરૂ ને?

યુવતીઓ પણ જવાબ આપવાનો જ ઇન્તજાર કરતી હોય તેમ બધી માહિતી આપી દીધી. લગભગ ત્રણેક કલાક બાદ બંને જાસૂસો ત્યાંથી બહાર આવી બસ સ્ટેન્ડ પાસેની હોટલમાં પોતાના ઉતારે આવી પહોંચ્યા ને સીધો જ પડોશી દેશમાં ફોન કોલ કર્યો.

" જી... શું ખબર છે?"

" સર... અપહરણ અને હત્યા કાંડના મૂળમાં ...." બંને વિદેશી જાસૂસોએ વારાફરતી તેમના ઇન્ટેલિજન્સ ચીફ અબ્રાહમ ક્રિસ્ટોફર સાથે વાતચીત કરી જે કાંઈ માહિતી મળી હતી તે જણાવી દીધી. અબ્રાહમના ચહેરા પર ખુશી ચમકી રહી હતી. તેને જે કાંઈ વિગતો મળી હતી તે તેના માટે ખુબ જ ચોંકાવનારી હતી. પોતાના બંને જાસૂસોએ આ ખાનગી વિગતોની ખરાઈ પણ કરી લીધી હતી એ ખ્યાલ આવતા અબ્રાહમ અત્યંત રાજી થયા હતાં.

" ઓકે...વેલ ડન. નાવ બોથ કમ બેક હીયર ફાસ્ટ. " અબ્રાહમ ક્રિસ્ટોફરે આખું રહસ્ય જાણી લીધા બાદ પોતાના બંને જાસૂસોને વતન પાછા બોલાવી લીધા.

***

ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાનું મિશન અંતિમ ચરણમાં હતું. તેને થોડી ચિંતા થાય એ સ્વાભાવિક હતું. તે પોતાની ચેમ્બરમાં બેઠા બેઠા હવે પછીની ગતિવિધિ પર નજર રાખીને બેઠા હતાં ત્યાં તેમના ફોનની ઘંટડી વાગી.

" સર...અમે પાટનગર પહોંચ્યા છીએ અને અધિરાજની મુલાકાત હવે હાથવેંતમાં જ છે. તેમના ગ્રુપમાં પ્રવેશ કરવાનો રસ્તો અમોને મળી ગયો છે." જ્યોર્જ ડિસોઝાએ મોકલેલા પાંચ ઇન્ટેલિજન્સ ઓફિસરો પૈકી જે બે ઓફિસરો અનંતરાય મારફત પાટનગરમાં આવ્યા હતાં તેમણે રીપોર્ટ આપ્યો.

" વેરી ગૂડ. યુ ઓલ આર ડુઇંગ નાઈસ જોબ. હવે તેના ગ્રુપમાં સામેલ થઈને તમે આપણું કામ પુરૂ કરજો, અને હા તમારી ઓળખ ગુપ્ત રહે તેનું ખાસ ધ્યાન રાખજો." જ્યોર્જ ડિસોઝાએ સૂચના આપી.

" સર બીજો કોઈ આદેશ ? "

" આ મિશનમાં તમો એકલા નથી. તમોને વિવિધ સ્તરેથી જરૂરિયાત મુજબની સહાયતા મળતી રહેશે. તમે મને તમારી દરેક ચાલનો રીપોર્ટ આપતા રહેજો. બી એલર્ટ. મેં ગોડ વિથ યુ માય બોયઝ " જ્યોર્જ ડિસોઝાએ વાત પુરી જ હતી ત્યાં તેના બીજા એક ફોનમાં રિંગ વાગવા લાગી.

" યસ....?" જ્યોર્જ ડિસોઝાએ ફોન ઉપાડતા કહ્યું.

" સર, પડોશી દેશના બંને જાસૂસોએ આપણે ઇચ્છતા હતાં એ જ માહિતી તેના ઇન્ટેલિજન્સ ચીફ અબ્રાહમ ક્રિસ્ટોફરને આપી દીધી છે. "

" ઓકે, નાવ વ્હોટ નેક્સ્ટ ?"

" સર. એ બંને જાસૂસોને અબ્રાહમ ક્રિસ્ટોફરે તેમના વતન પાછા આવી જવા આદેશ કર્યો હતો અને એ જાસૂસો તેમના ખાનગી રસ્તે પાછા વળી ગયા છે. આપનો એક માણસ તે બંનેનો પીછો કરી રહયો છે ને એ જાસૂસો તેમના વતન પહોંચે ત્યાં સુધી તેમની ઉપર નજર રાખશે."

" શાબ્બાશ...... વેલ ડન. " જ્યોર્જ ડિસોઝાએ ફોન ક્રેડલ પર મુકી વાત કાપી નાંખી.

( વધુ આવતા અંકે....)

******