આ હસવું! આ રડવું! Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ હસવું! આ રડવું!

આ હસવું! આ રડવું!

યશવંત ઠક્કર

વર્ષો પહેલાં વાંચેલી અને થોડીઘણી યાદ રહી ગયેલી વાર્તા યાદ આવે છે. વાર્તાકાર બાબત ખ્યાલ નથી પણ વાર્તા કાંઈક આવી છે...

એક નાનકડો છોકરો અને એની વિધવા મા દુ:ખના દિવસો ગુજારે છે. માની તબિયત ઠીક નથી રહેતી. પણ જિંદગીને તેઓએ જાણે કે સ્વીકારી લીધી છે. એકબીજાને ખુશ રાખવા બનતું કરે છે. એક દિવસ એ લોકોને કોઈ ચીજ ખરીદવા માટે સાત પૈસાની જરૂર પડે છે. એટલા બધા પૈસા તો હતા નહીં. માદીકરા બંને પાસેથી એક એક પૈસો નીકળે છે. બાકીના પૈસા માટે ઘરમાં ખંખાખોળા શરૂ થાય છે. માને એક પૈસો પૂજાની પેટીમાંથી મળે છે. તો છોકરાને એક પૈસો એના સ્વર્ગસ્થ પિતાના જૂના કોટમાંથી મળી આવે છે. આવી રીતે ઘણા ખાંખાખોળાને અંતે છ પૈસા તો ભેગા થઈ જાય છે. હવે એક પૈસાનો જ સવાલ હતો. મળી જાય તો કામ થઈ જાય.

પણ સાતમો પૈસો મળતો નથી.

ને ત્યાં એક સાધુ મહારાજ આવી ચડે છે. જય ભોલેનાથની બૂમ અને ‘મૈયા એક પૈસા દેદે’ ની માંગણી સાથે.

માદીકરાને હસવું આવે છે. મહારાજ પૂછે છે કે, ‘કયોં હસતે હો?’ તો મા કારણ બતાવતા કહે છે કે, ‘મહારાજ, અમારે પણ એક પૈસાની જરૂર છે. આમ તો સાત પૈસાની જરૂર હતી. છ પૈસા તો ભેગા થઈ ગયા છે. હવે એક જ ખૂટે છે.’

સાધુ મહારાજ બોલ્યા કે, ‘ઇસમેં કોનસી બડી બાત હૈ. મૈયા, લે એક પૈસા મૈ દેતા હૂં.’

આનાકાની કરવા છતાં સાધુ મહારાજ એક પૈસો આપીને જતા રહે છે. માદીકરાને સમજણ નથી પડતી કે આ પરિસ્થિતિમાં શું કરવું? કુદરતે કેવા દિવસો દેખાડ્યા હતા કે, જેને આપવાનું હોય એની પાસેથી લેવું પડ્યું! ને એ અતિથિ પણ કેવો ગણવો કે જે એક પૈસો લેવા આવ્યો હતો પણ એક પૈસો આપીને ગયો! તમામ દરવાજા જ્યારે બંધ થઈ ગયેલા લાગતા હતા ત્યારે કેવો અણધાર્યો એક દરવાજો ખૂલ્યો! માદીકરાને આ વાત પર હસવું આવી ગયું! સાત પૈસા નજર સામે હતા ને તેઓ ખડખડાટ હસતા હતા અને બીમાર માને ખાંસી ચડી. ખાંસી ખાતાં ખાતાં ને હસતાં હસતાં એના મોંઢામાંથી લાલ લાલ...

માના મોઢામાંથી નીકળતું લોહી જોઈને દીકરાની આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે. વાર્તા અહીં પૂરી થાય છે.

તો આ છે હાસ્ય અને આ છે રુદન. બંને સાવ કેટલાં નજીક નજીકમાં જ જ રહે છે!

યાદ આવે છે. વર્ષો પહેલાં મોટી બહેન સાસરેથી આવી હતી. માદીકરીઓ ભેટીને રડ્યાં.

મને થયું કે, ‘મા અને મોટી બહેન કેમ રોવે છે.’ મેં પૂછ્યું તો તો માએ જવાબ આપ્યો હતો કે, ‘દીકરા, આ તો ખુશીનું રોવું છે.

ખુશીમાં વળી રોવાનું હોય? મને નવાઈ લાગી હતી.

પરંતુ, જેમ જેમ જિંદગી જીવાતી ગઈ અને જિંદગીઓ જોવાતી ગઈ એમ એમ સમજાતું ગયું કે. : ‘ખુશીના પણ આંસુ હોય છે.’ અને એ પણ સમજાયું કે, ‘દુ:ખમાં પણ હસવું આવી જતું હોય છે.’

હા, દુ:ખમાં પણ ઘણી વખત માણસને હસવું આવી જતું હોય છે. તકલીફો જ્યારે મર્યાદા ભૂલે છે ત્યારે માણસથી હસી પડાય છે. એને પોતાના નસીબ પર હસવું આવે છે. કુદરત પર હસવું આવે છે. ત્યારે હસવા માટે કોઈ કલબની જરૂર નથી પડતી. કોઈ ચેનલની જરૂર નથી પડતી. કોઈ કાર્યક્રમની જરૂર નથી પડતી. બસ! હૈયું ચીરાતું હોય તેમ લાગે છે અને હોઠ પર હાસ્ય આવી જાય છે. એ હાસ્યમાં ખુશી નથી હોતી. ખુમારી હોય છે અને દર્દ પણ હોય છે. આ હાસ્યમાં કુદરતને પણ સવાલ પણ હોય છે કે, ‘ગુજારવા માટે હજી કશું બાકી છે?’

વળી, ખુશીના હાસ્યનો પીછો પકડતું પકડતું રુદન પણ ક્યારે આવી ચડશે એ પણ કોણ જાણે છે? નવી કાર લઈને પહેલી જ વખત બહાર નીકળેલો કોઈ યુવાન અકસ્માતનો ભોગ બની જાય ત્યારે પરિવારમાં અફસોસનો પાર ન રહે. જે ખુશીનું કારણ હતું એ જ દુઃખનું કારણ બની જાય. એ યુવાનના માબાપને પણ એવું થાય કે નવી કાર ન લીધી હોત તો સારું હતું. પરંતુ આવું વિચારવું એ માત્ર વલખાં છે.

કોઈએ માંડ માંડ કરીને રકમ ભેગી કરી હોય અને નવું ઘર નોંધાવ્યું હોય ત્યારે એ ઘરે મીઠાઈ લઈને આવ્યો હોય પરંતુ બિલ્ડર દગો કરે અને એના પૈસા ફસાઈ જાય ત્યારે? એને એમ જ થાય કે ઘર ન નોંધાવ્યું હોત તો સારું હતું.

બે મુસાફરો ભરચક બસમાં જગ્યા મેળવવા દોડે પણ આગળના મુસાફરને ધક્કો મારીને પાછળનો મુસાફર બસમાં જગ્યા મેળવી લે. એ પોતાની જાતને નસીબદાર માને. બસ ભરાઈ ગઈ હોવાથી બીજો મુસાફર નિરાશ થઈને બસમાંથી ઊતરી જાય. પરંતુ એ બસને આગળ જતા અકસ્માત નડે અને પેલો નસીબદાર મુસાફર પોતાનો જીવ ગુમાવે ત્યારે? બચી ગયેલા મુસાફરને કેવી લાગણી થાય? પોતાને બસમાં જગ્યા ન મળી એ માટે ભગવાનનો આભાર માનવા લાગે.

આવી તો કેટલીય ઘટનાઓ રોજ રોજ બનતી રહે છે. ત્યારે એમ થાય કે માણસનું જીવન કેવા કેવા અકસ્માતોથી ભરેલું છે. માણસ ભલે ગમે તેવું આયોજન કરે પણ એ આયોજનનો કોઈ અર્થ રહે નહિ એવાં એવાં પરિણામો આવતા હોય છે. કયારેક તો ભાગ્યમાં ન માનનારો પણ માનવા લાગે એવી ઘટના એના જીવનમાં બની જતી હોય છે. આયોજન કે પુરુષાર્થનું મહત્ત્વ ઓછું આંકવાની વાત નથી પરંતુ માણસના જીવનમા અચાનક કેવા કેવા બનાવો બની જાય છે એ વિષેની વાત છે. ‘આદમી ઔર ઇન્સાન’ ફિલ્મનું ગીત યાદ આવી જાય છે...જિંદગી ઈત્તફાક હૈ, કલ ભી ઈત્તફાક થી આજ ભઈ ઈત્તફાક હૈ..

રમણ નામે એક યુવાનની વાત છે. એ પોતાનું ગામ છોડીને કમાવા માટે એક નાના શહેરમાં જાય છે. ત્યાં કોઈ સગાને ત્યાં રહે છે. સગા પાસેથી બે હજાર રૂપિયા ઉછીના લઈને ગોળની લારી કાઢવાનું નક્કી કરે છે. માલ પણ લાવી દે છે. જે દિવસથી ધંધો શરૂ કરવાનો હતો એના આગલા દિવસે સાંજે એ પાન ખાવા બજારમાં નીકળ્યો. ત્યાં કેટલાક છોકરાઓએ એને ચીડવ્યો એટલે બોલાચાલી થઈ. એમાંથી વાત મારામારી સુધી પહોંચી ગઈ. રમણે એ બધાને મારીમારીને ભગાડી મૂક્યા. એ ઘરે આવ્યો ત્યાં તો પેલા છોકરાઓ મોટું ટોળું લઈને આવ્યા. એમના હથિયારો પણ હતા. રમણને એના સગાએ સંબંધીએ બીજા દરવાજેથી ભગાડી દીધો. પેલા છોકરાઓ માથાભારે હતા. રમણના સગા એ લોકોને બે હજાર રૂપિયા આપીને સમાધાન કર્યું. રમણ કશું કમાય એ પહેલાં તો બે હજારનું નુકશાન થઈ ગયું. બે હજારનું રોકાણ કર્યું હતું એ તો અલગ. એનાં પસ્તાવાનો પાર ન રહ્યો. એને થયું કે મારામારી ન કરી હોત તો સારું હતું.

પરંતુ, સુરત એની રાહ જોઈ રહ્યું હતું. એ ભાગીને સુરત પહોંચ્યો. કામધંધો શોધવા માટે બજારમાં નીકળ્યો. ખમણની એક દુકાને ખમણ ખાધાં પછી શેઠને નોકરી માટે વાત કરી. શેઠને માણસની જરૂર હતી એટલે એ જ દિવસથી રમણને પડીકાં વળવાના કામે રાખી લીધો. રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી દીધી. રમણ વેપારીનો દીકરો હતો એટલે ઝડપથી કામ શીખી ગયો. એને ઘરાકી સાચવતા પણ આવડતું હતું એટલે શેઠ પણ ખુશ થયા. પરંતુ, રમણ ખમણ બનવવાની રીત ધ્યાનથી જોયા કરતો હતો. શેઠને ખ્યાલ આવી ગયો કે, રમણને ખમણ બનવતાં શીખવું છે. એક દિવસ એક દિવસ શેઠે પૂછ્યું કે, ‘ખમણ બનાવતા શીખવું છે?’ રમણે હા પડી એટલે શેઠે એણે એ કામ પર લગાડી દીધો. જોતજોતામાં એ ખમણનો સારો કારીગર બની ગયો.

એક વર્ષ આ રીતે પસાર થયું. એક દિવસ રમણે શેઠને કહ્યું, ‘મારે તમને એક વાત કરવી છે.’

‘તારે પોતાનો ધંધો કરવો છેને?’ શેઠે પૂછ્યું.

‘તમને કેવી રીતે ખબર પડી?’

‘મારા અનુભવને લીધે. તને પહેલી વખત જોયો ત્યારથી જ મને ખબર પડી ગઈ હતી કે, તારામાં ધંધો કરવાની ત્રેવડ છે.’

રમણને ફિકર થઈ કે, શેઠ નારાજ થઈ જશે. પરંતુ શેઠ તો એની પીઠ થપથપાવતા બોલ્યા કે, ‘વાંધો નહિ. તારે જ્યાં કરવો હોય ત્યાં કર. મારા તરફથી બધી મદદ મળશે. વર્ષો પહેલાં હું પણ તારી જેમ જ આ શહેરમાં આવ્યો હતો. મને પણ કોઈએ મદદ કરી હતી. હું એ ભૂલ્યો નથી.’

રમણે સુરતમાં જ બીજા વિસ્તારમાં ખમણી દુકાન કરી. એને પુરુષાર્થનું ફળ મળ્યું. પોતાના પરિવારને પણ સુરતમાં બોલાવી લીધું.

જો એ દિવસે સાંજે એને ઝઘડો ન થયો હોત તો? ભાગવું ન પડ્યું હોત તો? શું થયું હોત એની ધારણા કરવી મુશ્કેલ છે પરંતુ એ દિવસે જે દુઃખ પડ્યું એ સમય જતાં સુખમાં ફેરવાઈ ગયું. જેને દુઃખ માન્યું હોય એ સમય જતાં સુખમાં ફેરવાઈ જાય અને જેને સુખ માન્યું હોય એ સમય જતાં દુઃખમાં ફેરવાઈ જાય. માણસે દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવું જરૂરી છે. મુશ્કેલીના વખતમાં હતાશ થનારને પ્રેરણા આપે એવું જૂની ફિલ્મ ‘સમજૌતા’નું એક ગીત છે...

સમજૌતા ગમોં સે કર લો, સમજૌતા ગમોં સે કર લો

જિંદગી મેં ગમ ભી મિલતે હૈં

હો પતજડ આતે હી રહતે હૈં હો પતજડ આતે હી રહતે હૈં `

કે મધુબન ફિર ભી ખિલતે હૈં

હો સમજૌતા ગમોં સે...

પાનખરના આગમન પછી પરિસ્થિતિ સદાય એવી જ નથી રહેતી. પરિસ્થિતિ બદલાય છે અને ઝાડપાન ફરીથી નવા રૂપરંગ ધારણ કરે છે. બાગબગીચા ફરીથી ખીલે છે. આપણા જીવનમાં પણ વિકટ પરિસ્થિતિ વખતે આપણે એ વિશ્વાસ રાખવો જોઈએ કે, ‘જીવનમાં આવેલી આ આ પરિસ્થિતિ મહેમાન દાખલ છે. એ માટે કાયમ રહેવાની નથી. કેટલીક વખત સારી પરિસ્થિતિના નિર્માણ માટે વિકટ પરિસ્થિતિનું આગમન જરૂરી હોય છે.

હાસ્ય, રુદન, ખુશી અને ગમનની સમજ આપતાં હોય એવાં ફિલ્મી ગીતોનો તો ખજાનો છે.

-રોતે રોતે હંસના સીખો, હંસતે હંસતે રોના

જિતની ચાબી ભરી રામને ઉતના ચાલે ખિલૌના...

-રોના કભી નહીં રોના, ચાહે ટૂટ જાએ કોઈ ખિલૌના...

-રોતે હુએ આતે હૈં સબ, હંસતા હુઆ જો જાએગા

વો મુક્કદર કા સિકંદર જાનેમન કહલાએગા...

-મૈને કહા ફૂલો સે હંસો તો વો ખિલખિલા કે હંસ દિયે

ઔર યે કહા જીવન હૈ ભાઈ મેરે ભાઈ હંસને કે લિયે...

એકલાં આંસુ કે એકલાં રુદન વિષે તો ઘણાં ગીતો છે. એવાં ગીતોમાં મોટા ભાગે ઉદાસી, હતાશા, દર્દ વગેરે રજૂ થતાં હોય છે. પરંતુ આંસુ વહાવનાર તરફ દુનિયાના અભિગમની રજૂઆત કરતું ‘કઠપૂતલી’ ફિલ્મનું એક મજાનું ગીત છે...

જો તુમ હંસોગે તો દુનિયા હંસેગી

રોઓગે તુમ તો ના રોએગી દુનિયા ના રોએગી દુનિયા

તેરે આંસુઓ કો સમજ ના સકેગી

તેરે આંસુઓ પે હંસેગી યે દુનિયા, હંસેગી યે દુનિયા...

દુનિયાની આ નરી વાસ્તવિકતા છે. આજના સમયમાં તો ખાસ. કારણ કે આજના સમયમાં મોટાભાગનાં લોકો સતત તણાવ હેઠળ જીવે છે. એમની દોડધામ વધારે છે. એમને પોતાનાં સપનાં છે. એ સપનાં વહેલાં પૂરાં થાય એ માટે તેઓ જવાબદારીઓનો બોજ લઈને જીવતાં હોય છે. એમની પાસે જ અપેક્ષાઓની અને તકલીફોની લાંબી યાદી હોય છે. વળી તેઓ ટીવી, મોબાઇલ, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ જેવાં માધ્યમોના રંગે રંગાવાનું વધારે પસંદ કરે છે. મોટાભાગે પરિવારના સભ્યો પણ એકસાથે બેસીને જમે કે વાતો કરે એવું વાતાવરણ રહ્યું નથી. આ પરિસ્થિતમાં પરિવાર સિવાયની વ્યક્તિ માટે એમની પાસે સમય હોતો નથી. આવી પરિસ્થિતિમાં તેઓ સતત રોદણાં રડતી વ્યક્તિથી દૂર રહેવાનું પસંદ કરે છે. એમ કહેવાય છે કે, દુઃખ વહેંચવાથી દુઃખ ઘટે છે. પણ, જેનીતેની સાથે દુઃખ વહેંચવાથી એ ઘટવાના બદલે વધે છે. જે સાંભળવા અને સમજવા તૈયાર હોય એની જ સાથે વહેંચવાથી દુઃખ ઘટે. નહિ તો દુઃખ વહેંચનાર પોતે ઉપેક્ષિત થતો હોવાની લાગણી અનુભવે. એની પીડામાં ઊલટાનો વધારો થાય. એટલે જ માણસ પોતે જ ગમે તેવી પરિસ્થિતિમાં સ્વસ્થ રહે એ આજના સમયમાં જરૂરી છે. ‘મને કોઈ સમજી શકતું નથી’ કે ‘મારી તકલીફ કોઈ સમજતું નથી’ એવી ફરિયાદો કર્યા કરનાર દિવસે ને દિવસે એકલતા અનુભવતો થઈ જાય છે.

આમ તો, હાસ્ય અને આંસુ બંને મનનો ભાર હળવો કરવાં માટે જરૂરી છે પરંતુ એવું લાગે છે કે કેટલાંક લોકો તો હસી પણ નથી શકતા અને રડી પણ નથી શકતા. હસવું અને રડવું જાણે ભૂલી ગયાં છે. કદાચ એટલે જ એમનાં હૃદય પર અવળી અસર પડતી હશે.

હૃદય અને મનની જાળવણી હાહાહા... કરીને જાહેરમાં હસવાના કાર્યક્રમો કરવાનું ચલણ વધ્યું છે. ભવિષ્યમાં જાહેરમાં જ પોક મૂકીને રડવાના કાર્યક્રમોનું ચલણ વધે તો નવાઈ નહિ.

બાળકને ઊંઘાડવા માટે આજકાલ હાલરડાં ઓછાં ગવાય છે. એક જાણીતું એવું હાલરડું છે...

હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં

ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો

પાટલો ગયો ખસી, ભઈલો પડ્યો હસી

હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં

અહીં કોઈને હાલરડામાં ખોટી વાત કહી હોય એવું લાગે. એ સવાલ કરે કે, પાટલો ખસી જાય તો ભઈલો પડે અને ભઈલો પડે તો ભઈલો રડે કે હસે?

આમ તો, પાટલો પડી જવાથી ભઈલો રડે પણ હાલરડું ગાનાર કદાચ એવું પણ કહેવા માંગતું હોય કે, ‘મારા ભઈલા, તું પડવા છતાં પણ હસવાનું શીખજે!’ જેણે બાળપણમાં આવાં હાલરડાં સાંભળ્યાં હોય અને પચાવ્યાં હોય એ મોટા થઈને પડ્યા પછી પણ હસે! અને ‘હસે એનું ઘર વસે’ એ તો જાણીતી વાત છે.