પાસવર્ડ - 18 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

પાસવર્ડ - 18

પ્રકરણ નં.૧૮

સરહદની પેલે પાર પરાયા મુલકમાં કોઈ એક અજાણ્યા સ્થળે :

" આપણા પડોશી દેશમાં સરહદની નજીક સમુદ્ર તટ પાસે આવેલા શહેરમાં છેલ્લા કેટલાક મહિનામાં જે કાંઈ ઘટનાઓ બની છે તે ખુબ જ વિચાર માંગી લ્યે એવી છે. આપ સૌ એ હકીકતથી વાકેફ જ છો કે, પી.આર. કન્સલ્ટન્સીના ટોચના બે મહારથીઓના અપહરણ અને સેન્ટ્રલ જેલના ભયાનક હત્યા કાંડ બાદ ત્યાંના શહેર પોલીસ કમિશનર અભય કુમારના બંગલાના કમ્પાઉન્ડમાંથી મળેલી બબ્બે લાશો, અને ત્યારબાદ એ રાજ્યના ગૃહ મંત્રીને મળેલી ધમકીની ઘટનાઓ પહેલી નજરે દેખાય છે તેટલી સામાન્ય નથી. આ ચારે ચાર બનાવ એકબીજા સાથે કોઈ ને કોઈ લિંક જરૂર ધરાવે છે. આપણા દેશની ઇન્ટેલિજન્સ એજન્સીને મળી રહેલી ખુફિયા ખુફિયા જાણકારી અનુસાર ત્યાંની સરકારે પણ આ રહસ્યમય ઘટનાક્રમને અત્યંત ગંભીરતાથી લીધેલ છે. આ વિશે ચર્ચા કરવા માટે મેં આ બેઠકનું આયોજન કર્યું છે. " ઇન્ટેલિજન્સ એજન્સીના વડા અબ્રાહમ ક્રિસ્ટોફરે પોતાના વીસ પચ્ચીસ જેટલા એજન્ટો સાથેની મીટિંગમાં કયા વિષય પર ચર્ચા થવાની છે તેની પ્રસ્તાવના રજુ કરી.

" જી સર, પાડોશી રાષ્ટ્રમાં બની ચૂકેલી આ ઘટનાઓની પ્રાથમિક માહિતી અમોને પણ મળી છે. " એક એજન્ટે પોતાના બોસની પ્રસ્તાવના પર ટૂંકો પ્રત્યાઘાત આપ્યો.

" અત્યાર સુધી આપણે સૌએ આ ઘટનાઓને ગંભીરતાથી લીધી ન્હોતી, પરંતુ હવે એમ સમજાય છે કે, સમ થીંગ ઇઝ વેરી સિરિયસ, સેન્સિટિવ એન્ડ સસ્પિશિયસ. એ ઘટનાઓ ખુબ જ ગંભીર, સંવેદનશીલ અને શંકાસ્પદ છે. દેશના હાઈકમાન્ડ સાથે થયેલી ચર્ચા અનુસાર હવે આપણે પણ હરકતમાં આવવું પડે એવી સ્થિતિ જન્મી ચુકી છે." અબ્રાહમ ક્રિસ્ટોફરે મૂળ વાત છેડી.

" સર, તો પછી હવે આપણે શું કરવાનું થશે?" અન્ય એક એજન્ટે સવાલ પુછ્યો.

" આઈ વિલ કમ ટુ ધેટ પોઈન્ટ ઓલ્સો. એ વાત પણ કરીશ. પહેલા તો એ ચારેય ઘટનાઓનું થોડું મૂલ્યાંકન કરીએ. સર્વપ્રથમ પી.આર. કન્સલ્ટન્સીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારનું એક સાથે જ અપહરણ થાય છે. આ પછી સેન્ટ્રલ જેલમાં ભયાનક હત્યા કાંડ સર્જાય છે જેમાં કુલ ચાર કેદીઓ અને જેલના એક ગાર્ડને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. આ બંને સનસનીખેજ ઘટમાળમાં ત્યાંના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ ઘટનાઓને અલગ અલગ ગણી તપાસ શરૂ કરી હતી. પોલીસને તેમાં વધુ કોઈ સુરાગ મળે એ પહેલા શહેર પોલીસ કમિશનર અભય કુમારના બંગલામાંથી મળેલી બબ્બે લાશો મળી આવે છે,અને તેમને તપાસમાં ઊંડા નહી ઉતરવાની ધમકી મળે છે. આ ચોંકાવનારી ઘટનામાં પણ સૌથી વધુ આશ્ચર્યકારક વાત એ બની કે, આટલી બધી ગંભીર ઘટના છતાં એકાદ બે દિવસ શહેરમાં તેની ચર્ચા થઇ અને પછી બધું શાંત પડી ગયું, જાણ્યે કે કાંઈ બન્યું જ નથી. પોલીસ કમિશનરના ઘરમાંથી બબ્બે મૃતદેહનું મળી આવવું એ મારી દ્રષ્ટિએ અત્યંત ચોંકાવનારી બાબત છે. માત્ર એટલું જ નહી, ત્યારબાદ તો એ રાજ્યના ગૃહ મંત્રીને પણ ધમકી મળે છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર બારીકાઈથી નજર દોડાવતા એટલું સમજાય છે કે, તપાસને આડે પાટે ચડાવવા કોઈ સક્રિય બની ચુક્યું છે. અપહરણ અને જેલના હત્યા કાંડની તપાસને અવરોધવા અને ઈચ્છિત દિશામાં જ આગળ ધપાવવા કોઈ મોટું માથું અન્ડરગ્રાઉન્ડ મુવમેન્ટ ચલાવી રહયું છે. એ વ્યક્તિ અંધારી આલમનો ડોન હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. આ માણસ કદાચ એવું ઈચ્છતો હોય એમ સમજાય છે કે, તપાસ યોગ્ય રીતે થાય અને સાચા ગુનેગારો ક્યારેય ના ઝડપાય. બીજી એક શક્યતા એ પણ હોઈ શકે અને કદાચ એ વધુ સંભવ પણ છે કે, અન્ડરગ્રાઉન્ડ સક્રિય રહેલો એ શખસ કોઈ મોટા ષડ્યંત્રને દબાવી દેવા એટલે કે આ ચારેય ઘટનાઓની પાછળનો મુખ્ય આશય ક્યારેય બહાર જ ના આવે તેવું ઇચ્છતો હોય એમ લાગે છે." અબ્રાહમ ક્રિસ્ટોફરે વિસ્તારપૂર્વક ઘટનાક્રમની સમીક્ષા કરી.

"...પણ સર, મને એમ લાગે છે કે, આપણી સરકાર આ ઘટનાઓ પર નજર રાખી રહી છે અને તેને ગંભીરતાથી લઇ રહી છે તેનો મતલબ એવો પણ થઇ શકે કે, આ ઘટનાઓના તાર ક્યાંક ને ક્યાંક આપણા દેશ સુધી લંબાયેલા હોઈ શકે." એક એજન્ટે તર્ક રજુ કર્યો.

" કરેક્ટ....એબ્સોલ્યુટલી......તમારી વાત સાથે સહમત છું. આ માટે જ આપણને એક ખાસ મિશન સોંપવામાં આવ્યું છે. જેમાં આપણે સૌએ આજથી ને અત્યારથી જ કામે લાગી જવું પડશે. અલબત્ત આપણા દેશમાં કોણ, શા માટે અને કેવી રીતે આ ઘટનાઓ સાથે સંડોવાયેલું છે તેની માહિતી ખાનગી રાહે મેળવવી ખુબ જ જરૂરી બની ગઈ છે. આપણી સરકાર આ ઘટનાઓને શા માટે વધુ પડતું મહત્વ આપી રહી છે તેનું કારણ શોધવું જ રહયું."

" તો પછી અમારે હવે શું કરવાનું રહેશે? આ મિશનમાં કોણે કોણે જવાબદારી નિભાવવાની છે એ વિશે કોઈ ઓર્ડર સર?"

" યસ...નાવ આઈ કમ ટુ ધેટ પોઈન્ટસ. મેં એવું વિચાર્યું છે કે, આ ખુફિયા મિશન માટે આપણા ચાર કે પાંચ બાહોશ એજન્ટોને નિયુક્ત કરવામાં આવશે. જોકે એ કોણ હશે તેના નામ હું અત્યારે આ મીટિંગમાં જાહેર નહી કરૂ, પરંતુ જે એજન્ટ નિયુક્ત થશે તેઓને અલગથી ખાનગીમાં જ તેની જાણ કરી દેવામાં આવશે. અને હા...... બાકીના એજન્ટોએ પોતાના આંખ કાન ખુલ્લા રાખી આ ઘટનાઓ વિશે તેઓને પોતાના ખબરીઓ પાસેથી જે કાંઈ માહિતી પ્રાપ્ત થતી રહે તે સીધી મને જ આપવાની રહેશે. એની ડાઉટ ?"

" નો...સર...." મીટિંગમાં ઉપસ્થિત તમામ એજન્ટો એક સાથે બોલી ઉઠ્યા.

" ગૂડ... ઓકે ધેન...ધ મીટિંગ ઇઝ ઓવર." ઇન્ટેલિજન્સ એજન્સીના વડા અબ્રાહમ ક્રિસ્ટોફર બેઠકનું સમાપન કરી ત્યાંથી રવાના થઇ ગયા.

*******************************

" હેલ્લો સર... ગૂડ ઇવનિંગ "

" યસ ... વેરી ગૂડ ઇવનિંગ એજન્ટ નંબર નાઈન "

" સર, એક ખુબ જ મહત્વની બાતમી હાથ લાગી છે. પડોશી દેશની ઇન્ટેલિજન્સ એજન્સીના એજન્ટો સાથે તેના ચીફ અબ્રાહમ ક્રિસ્ટોફરની એક બેઠક મળી હતી અને આપણી ઇન્ટેલિજન્સ એજન્સીની જેમ તેઓ પણ પી.આર. કન્સલ્ટન્સી કંપનીના બે હોદેદારોના અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડ તથા તેની સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ વિશે તપાસ શરૂ કરી રહયા છે. " એક ખુફિયા અફસરે તેના ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાને માહિતગાર કરતા જ તેનું દિમાગ સક્રિય થઇ ગયું અને વિવિધ શક્યતાઓ ચકાસવા લાગ્યું.

" એ મીટિંગમાં શું વાત થઇ હતી તે વિશે કશી વિસ્તૃત માહિતી મળી છે ખરી?" જ્યોર્જ ડિસોઝાએ ઉત્સુકતા અને ચિંતાના મિશ્ર ભાવ સાથે સવાલ પૂછ્યો.

" યસ ..સર.." એજન્ટે જવાબ આપ્યો અને એ મીટિંગમાં જે કાંઈ વાતચિત કરવામાં આવી હતી તેના વિશે વિસ્તૃત અહેવાલ રજુ કરી દીધો.

" અબ્રાહમ ક્રિસ્ટોફર તેના કયા એજન્ટોને આ મિશનમાં સામેલ કરે છે તે વિશે કાંઈ ચોક્કસ માહિતી મળી શકશે ખરી? જ્યોર્જ ડિસોઝાએ પિન પોઈન્ટ પ્રશ્ન પૂછ્યો.

" સર, એ મીટિંગ હજુ થોડા કલાકો પહેલા જ મળી હતી. અબ્રાહમ ક્રિસ્ટોફર તેના કયા એજન્ટોને આ કામ સોંપશે તે અત્યારે કહેવું કદાચ શક્ય નથી. સંભવ છે કે થોડા વખતમાં આપણને એ માહિતી પણ મળી જાય. જોકે પડોશી દેશની ઇન્ટેલિજન્સ એજન્સી પાસે કેટલાક એવા એજન્ટો છે જેઓ ખુબ શાતિર દિમાગ ધરાવે છે. તેઓ અત્યંત ચકોર અને લડાઈમાં નિપૂણ છે. તેઓના ખબરીઓનું નેટવર્ક પણ ખુબ જ વિશાળ છે. અત્યાર સુધીમાં તેઓ અનેક ખાનગી મિશન સફળતાપૂર્વક પાર પાડી ચુક્યા છે." એજન્ટે આપેલો જવાબ જ્યોર્જ ડિસોઝાને સંતોષકારક જણાયો.

" યુ હેવ ડન વેરી ગૂડ જોબ." જ્યોર્જ ડિસોઝાએ તેના અફસરને બિરદાવ્યો.

" થેંક યુ વેરી મચ સર." એજન્ટે પણ વળતો વિવેક દાખવ્યો.

"જુઓ, પડોશી દેશની ઇન્ટેલિજન્સ એજન્સીની દરેક હિલચાલ વિશે આપણને માહિતી પ્રાપ્ત થતી રહે તે ખુબ જ જરૂરી છે. એ માહિતી પર જ આપણા ખુફિયા મિશનની સફળતાનો આધાર રહેલો છે." જ્યોર્જ ડિસોઝાએ સચોટ વાત કરી.

" જી...સર...આઈ કેન અન્ડરસ્ટેન્ડ. વી વિલ બી મોર કેરફુલ એન્ડ કમ બેક ટુ યુ વિથ વાઈટલ ઇન્ફોર્મેશન "

" શાબ્બાશ. આઈ એક્સપેક્ટ ધેટ. કેરી ઓન. " જ્યોર્જ ડિસોઝાએ ફોન પર વાત પુરી કરી. પડોશી દેશમાં છુપી રીતે જાસૂસી કામ કરી રહેલા પોતાના અન્ડરકવર એજન્ટ પાસેથી મળેલી માહિતી પરથી જ્યોર્જ ડિસોઝાની ચિંતામાં સ્વાભાવિક જ વધારો થયો હતો તો સાથોસાથ તેમને એટલું આશ્વાસન પણ જરૂર મળ્યું જ હતું કે, આપણા દેશની ખુફિયા એજન્સીની વ્યૂહરચના વિશે કદાચ હરિફ દેશની ઇન્ટેલિજન્સ એજન્સીને કમ સે કમ હજુ સુધી તો કશો જ સંકેત નથી મળ્યો. જોકે હવે ક્યાંય ગાફેલ રહેવું તેમને પાલવે એમ ન્હોતું.

*******************************

અનંતરાયનું ગ્રુપના સભ્યો સ્ટીલના ત્રણેય બોક્સ સાથે અફાટ રણની બરોબર વચ્ચે તેઓ એક એવી અવાવરૂ જગ્યાએ પહોંચી ગયા હતાં જે રાજવી પરિવારની દાયકાઓ જુની મિલકત હતી. જ્યાં પઠાણ ગ્રુપના લીડર અને તેના સાથીઓએ તેઓને આવકાર્યા હતાં.

અનંતરાયના સાથીદારો એ જાણીને ચોંકી ઉઠ્યા હતાં કે, કોઈ એક ખાસ ઇન્ટરનેશનલ મિશનમાં પડોશી દેશનો રાજવી પરિવાર આજકાલથી નહી પરંતુ દાયકાઓથી સામેલ છે અને આપણા રાષ્ટ્રને સહાયતા કરી રહયો છે. તેમના તરફથી આપણને પુરેપુરો સહકાર સાંપડી રહયો છે. જોકે એ મિશન શું છે તેની કશી જાણકારી હજુ સુધી તેમને મળી ન્હોતી. માત્ર પઠાણ મુખિયાએ જે કાંઈ વાત કરી એટલી જ તેમને ખબર પડી શકી હતી. રાત્રે કેટલાક લોકો અહીં આવી રહયા છે જેમની સાથેની મુલાકાતમાં શું થવાનું હશે તેની તેઓને તાલાવેલી હતી.

પડોશી દેશના રાજવી પરિવાર અને પઠાણ લોકોના ગ્રુપ માટે રણની રેતીના ઢગલાઓ વચ્ચે સ્થિત આ ખંઢેર વ્યુહાત્મક સ્થળ હતું. અહીંથી અનંતરાય અને પઠાણના ગ્રુપો રાજવી પરિવાર સાથે મળીને કેટલીક ખુફિયા પ્રવૃત્તિઓ કરી રહયા હતાં.

અનંતરાયના મિત્રોનો ઇન્તજાર ખતમ થવામાં હતો. રાત્રિનો અંધકાર રણ પર ઉતરી આવ્યો હતો. "આપણે જેઓની સાથે બેઠક યોજવાની છે તે લોકો હવે કોઈ પણ ઘડીએ અહીં આવી પહોંચશે. આપણા તરફથી કોઈએ પણ બિન જરૂરી વાત કરવાની નથી થતી. સૌ આટલી કાળજી રાખે." ખંઢેરની બારીની બહાર ડોકિયા કરી રહેલા પઠાણ લીડર સૌને એલર્ટ કરતા સૂચના આપી રહયા હતાં ત્યાં જ તેણે રણની રેતી પર સરકી રહેલા ચાર વાહનોને ખંઢેરની નજીક આવતા જોયા. " ચાલો સૌ. મહેમાનો આવી પહોંચ્યા છે. તમામ લોકો ખંઢેરની બહાર આવ્યા. ચાર વાહનો ખંઢેર પાસે આવી પહોંચ્યા. પઠાણો તો તેઓથી પરિચિત હતાં, પરંતુ અનંતરાયના સાથીદારો માટે આ બધું જ નવું હતું. તેઓને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે, એ ચારેય વાહનો કોઈ પણ પ્રકારના અવાજ કર્યા વગર રણમાં દોડી શકતા હતાં અને અહી પહોંચ્યા ત્યારેય પણ વાહનો કોઈ અવાજ કરતા ન્હોતા. " એ વાહનો સોલાર પેનલ ચાર્જડ બેટરીની મદદથી ચાલે છે. રાજવી પરિવાર દ્વારા વિદેશમાંથી આ વાહનો મંગાવી આપવામાં આવેલા છે. " પઠાણ લીડરે અનંતરાયના સાથીઓના મનમાં મુંઝવી રહેલા સવાલનો વગર પૂછ્યે જ ઉત્તર આપી દીધો.

પઠાણ લીડરે આગંતુક મહેમાનોને ગળે લગાડી આવકાર આપ્યો ને સૌ ખંઢેરની અંદર પ્રસ્થાન કરી ગયા. ઔપચારિક મહેમાનગતિ બાદ સૌ ચર્ચાએ વળગ્યા. થોડી આડી અવળી વાતો બાદ, ઊંચી પડછંદ કાયા અને પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ ધરાવતા એ આઠ મહેમાનો વતી એક વ્યક્તિએ વાત શરૂ કરતા કહ્યું કે, " અનંતરાયે મોકલેલા સ્ટીલના ત્રણ બોક્સ અમારે લઇ જવાના છે. આ બોક્સ માટે જ અમે આ સ્પેશિયલ વાહનો લઈને અહીં આવ્યા છીએ. સો પ્લીઝ ગિવ અસ ધેટ બોક્સીઝ." મહેમાને કરેલી વિનંતીને પગલે પઠાણ લીડરની સૂચનાને અનુસરી તેના સાથીદારો ત્રણેય બોક્સ લઇ આવ્યા.

" આ બોક્સ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ આધારિત લોક ધરાવે છે અને પાસવર્ડથી લોક પણ છે. માત્ર એટલું જ નહી, આ બોક્સ માત્ર પાસવર્ડ એન્ટર કરવાથી પણ નહી ખુલી શકે, કેમ કે બીજા સ્ટેજમાં વ્યક્તિએ સામાન્ય સુટકેશમાં હોય છે તેવો પરંતુ માત્ર ચાર આંકડા નહી પણ છ આંકડાનો બીજો પાસવર્ડ મેન્યુઅલી એન્ટર કરવો પડશે, અને ત્યારબાદ જ આ બોક્સ ખુલી શકશે. માટે તમે આ બોક્સમાં શું હશે એ જાણવાની તાલાવેલીમાં કોઈ ખોટા પાસવર્ડ એન્ટર કરી ના બેસતા, અન્યથા આ બોક્સની ઈલેક્ટ્રોનિક સિસ્ટમ સંપૂર્ણ લોક થઇ જશે અને પછી કોઈ પણ વ્યક્તિ આ બોક્સ ખોલી નહી શકે. માટે એવી ભૂલ કરતા નહી." પઠાણ લીડરે આવેલા મહેમાનોને ત્રણેય બોક્સ સુપરત કરતા થોડી સૂચના પણ આપી.

" હા, અમોને એ ખ્યાલ છે માટે આપ નિશ્ચિંત રહો. અમો માત્ર આ બોક્સ લેવા જ આવ્યા છીએ. તેમાં શું છે અને આ બોક્સ કેવી રીતે ખુલે એ જોવાની અમોને ઉપરથી પરવાનગી મળી નથી એટલે સ્વાભાવિક રીતે જ અમો ઉપરીઓના આદેશનું આંખો બંધ કરીને પાલન કરી આ ત્રણેય બોક્સ તેઓને પહોંચાડી દઈશું." એક મહેમાને વિવેકપૂર્ણ જવાબ આપ્યો. ત્યારબાદ સ્ટીલના બોક્સ સોલાર પાવર સંચાલિત વાહનોમાં મુકાવી દઈ પઠાણ લીડરે સૌને ભોજન માટે નિમંત્રિત કર્યા. ખંઢેરના અન્ય એક રૂમમાંથી ભોજનની થાળીઓ પીરસાઈ ગઈ. અનંતરાયના સાથીઓ માટે એ ખુબ જ નવાઈપ્રેરક હતું કે, અહી અવાવરૂ જગ્યાએ પણ પઠાણો દ્વારા આટલી સ્વાદિષ્ટ રસોઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ ભોજનનો આસ્વાદ માણી ચુક્યા હતાં. સૌએ ભરપેટ ભોજન આરોગ્યું હતું. તેઓ હાથ મ્હો ધોવા ઉભા થયા ત્યાં જ ખંઢેરની બહાર કોઈ હિલચાલ થતા સૌ એલર્ટ થઇ ગયા.....કોણ હશે બહાર? આ સવાલ તેઓના દિમાગમાં સળવળાટ કરવા લાગ્યો. પઠાણની સૂચના મુજબ જ સૌએ તાત્કાલિક પોતપોતાના હથિયાર ધારણ કરી પોઝીશન લઇ લીધી.....

*******************************

નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત સાથે થયેલી વાતચિત મુજબ એડવોકેટ કાર્તિક તેના કેદી અસીલ રાજેશ્વર મુલાકાત લેવા સેન્ટ્રલ જેલમાં પહોંચ્યો. જેલમાંથી બહાર નીકળવાનો ઇંતેજાર કરી રહેલ રાજેશ્વર એમ માનતો હતો કે, હવે તેની મુક્તિનો દિવસ વધુ દુર નથી. રાજેશ્વરને મળ્યા બાદ કાર્તિકે તેને ભેદી કોડવર્ડ આધારિત મેસેજ વિશે સૂર્યજીતે માંગેલી મદદ વિશે વાત કરી. રાજેશ્વર આ વાત સાંભળી ચોંકી ઉઠ્યો હતો. જોકે તેણે પોતાના ચહેરા પર ચિંતાની લકીર ઉપસવા દીધી ન્હોતી.

" જુઓ કાર્તિક, મને ખ્યાલ છે ત્યાં સુધી અમારી કંપનીના કોમ્પ્યુટરો એક વખત કોઈ હેકરે હેક કરી લીધા હતાં. એ વિશે કંપનીના મેનેજમેન્ટે એક વખત બોર્ડ મીટિંગમાં ચર્ચા પણ કરી હતી. સંભવ છે કે, એ હેકિંગને કારણે કોઈ ગડમથલ સર્જાઈ હોય ને કોઈ અજાણ્યા હેકરે આવા ભેદી સંદેશાની આપ-લે કરી પણ હોય. તમે અત્યારે જ સૂર્યજીત પાસે જાવ અને આ પ્રકરણ વિશે તેમને માહિતગાર કરો." રાજેશ્વરે કાર્તિકને જરૂરી માહિતી આપી રવાના કરી દીધો.

જેલથી રવાના થયા બાદ કાર્તિક સીધો જ સૂર્યજીતના ઘેર પહોંચ્યો. સૂર્યજીત તેમની જ વાટ જોઈ રહયા હતાં. " હા બોલો કાર્તિક, શું કહ્યું રાજેશ્વરે ?" સૂર્યજીતે અધીરાઈથી સવાલ પૂછ્યો. રાજેશ્વર પાસેથી જે કાંઈ માહિતી મળી ટે સૂર્યજીતને આપી દીધી. કાર્તિકે આપેલી માહિતીએ તો સૂર્યજીતની ચિંતામાં કાંઈક ઔર જ વધારો કરી દીધો.

( વધુ આવતા અંકે....)

*******************************