પાસવર્ડ - 17 Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

પાસવર્ડ - 17

પ્રકરણ નં.૧૭

પઠાણ ગ્રુપના લીડરે આપેલી સૂચના અનુસાર સૌએ પહેલાવહેલા તો વસ્ત્રો બદલી પઠાણી ડ્રેસ ધારણ કરી લઇ તેઓ ખંઢેરમાં ચાલ્યા ગયા. બહારથી સાવ ખખડધજ હાલતમાં દેખાતા ખંઢેરની અંદર કેટલાક રૂમ એવા પણ હતાં જ્યાં આશરો લઇ શકાય એમ હતો. પઠાણ સૌને અંદરના એક ખુફિયા રૂમમાં દોરી ગયા. જ્યાં બહારની કોઈ વ્યક્તિ પહોંચી શકે એમ ન્હોતી. એ રૂમમાં આરામ તથા ભોજનની વ્યવસ્થા હતી. સૌએ ઢોલિયા પર શરીર લંબાવ્યું. થોડીવારમાં પઠાણના સેવકોએ સૌ માટે પીણાંની વ્યવસ્થા કરી.

" આ હવેલી આપણા માટે સલામત તો છે ને ?" અનંતરાયના એક મિત્રએ સવાલ પૂછ્યો.

" આપ જરાય ચિંતા ના કરો. આ ખંઢેર સંપૂર્ણ સલામત છે. આપણા માણસો કોઇપણ પડકારનો સામનો સામનો કરવા તમામ રીતે સુસજ્જ છે. " પઠાણ ગ્રુપના મુખિયાએ આદર સાથે જવાબ આપવાની સાથોસાથ આ હવેલી વિશેની થોડી ઐતિહાસિક કથા પણ સંભળાવવાનું શરૂ કરતા કહ્યું કે....."દાયકાઓ પૂર્વે એક રજવાડું પરિવારે પોતાના ગામથી થોડે દુરના અંતરે સ્થિત આ નાનકડી હવેલી બનાવી હતી, જે કાળક્રમે જાળવણીના અભાવે ખંઢેરમાં પરિવર્તિત થઇ ગઈ હતી. અહીના લોકોમાં એવું કહેવાય છે કે, રજવાડું પરિવાર પોતાના દેશી-વિદેશી મહેમાનોને ફરવા માટે આ હવેલીમાં લાવતા હતાં. ખાસ કરીને શિયાળાની ઠંડી ઋતુ દરમ્યાન એ રાજવી પરિવારના સભ્યો પોતાના સેવકોના વિશાળ રસાલા અને મહેમાનો સાથે અહીં રજાઓ ગાળવા આવતા રહેતા. સ્વાભાવિકરીતે જ આ હવેલીમાં તેઓએ એશોઆરામની લગભગ તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી હતી. રાજવીના સંતાનોએ વિદેશમાં અભ્યાસ કર્યો હતો. તેઓએ પોતાનું બાળપણ અને યુવાની વિદેશમાં જ પસાર કર્યા હતા. જોકે ત્યારબાદ તેઓ સ્વદેશ પરત ફર્યા હતાં. આપણા દેશના ભાગલા પડ્યા એ સમયે આ રાજવી પરિવાર પોતાના પ્રદેશને તમારા દેશ સાથે ભેળવવા ઇચ્છતા હતાં. જોકે ત્યારની પરિસ્થિતિ કાંઈક એવી નિર્માણ પામી કે તેની આ ઈચ્છા પરિપૂર્ણ થઇ ના શકી. મને કમને પણ તેણે સરહદની આ બાજુ અહીના શાસકોને સ્વીકારી લેવા પડ્યા. અન્ય રજવાડાઓની માફક તેમનો વિશાળ પ્રદેશ પણ અહીની સરકારે છીનવી લીધો હતો. રાજવી પરિવાર સમસમીને બેસી રહયો હતો. તેમના રાજપાટ ચાલ્યા ગયા. અહીં થોડા વરસો સુધી પ્રજાની સરકારે રાજ કર્યું પરંતુ આ દેશની એ કમનસીબી હતી કે, સૈન્યએ બળજબરીપૂર્વક લોકતાંત્રિક સરકારને ઉથલાવી દઈ પોતાનું શાસન સ્થાપી દીધું. રાજવી પરિવારની સત્તા છીનવાઈ ગઈ હતી પરંતુ તેમનો ઋત્બો યથાવત હતો. એ પ્રજાવત્સલ રાજવી પ્રત્યે લોકોમાં રહેલા માન-સન્માન આજે પણ એટલા જ યથાવત છે. આ રાજવી પરિવારની ઉત્તરોત્તર પેઢીઓ અહીં જ સ્થાયી થયેલી છે અને તેઓ ખુબ જ મોટા બિઝનેસ સાથે સંકળાયેલ છે. તેઓના ફોરેન કોન્ટેક્ટ્સ અત્યંત હાઈ લેવલના છે. તમારા દેશમાં પણ......." પઠાણ લીડરે બોલેલું આ છેલ્લું વાક્ય ખુબ જ સૂચક, ભેદી અને ઊંડો મર્મ ધરાવતું હતું.

પઠાણે વાતચિત આગળ ધપાવી. તેની વાતને ધ્યાનપૂર્વક સાંભળી રહેલા અનંતરાયના મિત્રો મનોમન ધ્રુજી ઉઠ્યા હતા. તેઓ ભૂગર્ભના રસ્તે આગળ વધીને અહીં એવા સ્થળે પહોંચ્યા હતા જે સરહદની પેલે પાર હતું. તેઓની દિલની ધડકન તેજ થઇ ગઈ હતી. સુરક્ષા – સલામતીનું ગમે તેટલું આશ્વાસન મળતું હોય તો પણ તેઓનો ભય ઓછો થતો ન્હોતો. પઠાણ લીડર તેમના મનની વાત કળી ગયો હોય એમ ફરી વખત બોલ્યો કે, "તમે જરાય ચિંતા ના કરો. કદાચ અનંતરાયે તમોને આ બધી વાતો કરી જ હશે. આમ છતાં તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે. અહીં આપ સૌ સંપૂર્ણ સલામત છો. આ અફાટ રેગીસ્તાન ક્રોસ કરી અહીં બોર્ડરની નજીક પહોંચવું કોઇપણ વ્યક્તિ માટે જરાય આસાન નથી. અલબત્ત અહીં કોઈ આવતું જ નથી, પરંતુ ધારો કે કોઈ ભૂલે ચૂલે આવી પણ ચડ્યું તો આ ખંઢેરમાં શું ચાલે છે તેની તેને ખબર પડે એમ નથી. આમ છતાં કોઈ ખતરો પેદા થાય તો, અહીં આવી ચડનાર કોઈ પણ બહારી વ્યક્તિ માટે આ ખંઢેર અને રેગીસ્તાન તેમની કબર બની જશે. છેલ્લે સૌથી મહત્વની વાત પણ કહી દઉં જેથી આપ સૌનો ભય ઓછો થઇ શકે. મેં તમોને જે રાજવી પરિવારની વાત કરી છે તે આપણા આ ઇન્ટરનેશનલ મિશનમાં આજકાલથી નહી પરંતુ દાયકાઓથી સામેલ છે. તેમના તરફથી આપણને પુરેપુરો સહકાર સાંપડી રહયો છે. આપણે આજે રાત્રે અહીં કેટલાક લોકો સાથે મુલાકાત કરવાની થશે. આપ સૌ આરામ કરો. આ દરમ્યાન હું પેલા સ્ટીલના ત્રણેય બોક્સની વ્યવસ્થા કરાવી લઉં છું." પોતાની વાત પુરી કરી પઠાણ મુખિયા અનંતરાયના ગ્રુપ લીડરને પોતાની સાથે લઈને એ રૂમમાંથી બહાર નીકળ્યા.

અફાટ રણની બરોબર વચ્ચે તેઓ એક એવી અવાવરૂ જગ્યાએ પહોંચી ગયા હતાં જ્યાં આજુબાજુ દુર સુધી માત્ર પીળી રેતીના ઊંચા નીચા ઢગલા નજરે પડતા હતાં. પઠાણ લોકોના ગ્રુપ માટે આ ખંઢેર વ્યુહાત્મક સ્થળ હતું. આ સ્થળ રહેણાંક વસતિથી ઘણું દૂર હતું. અહીં ભાગ્યે જ કોઈ આવી જઈ શકતું હતું. અહીંથી અનંતરાય અને પઠાણના ગ્રુપો દ્વારા કેટલીક ખુફિયા પ્રવૃત્તિ થઇ રહી હતી. અનંતરાયના મિત્રો હવે સમજી ચૂક્યા હતાં કે, તેઓ એક અત્યંત ભેદી પ્રવૃતિમાં જોડાઈ ચૂક્યા હતાં, અને તેમાં તેઓએ ડગલે ને પગલે મોતનો સામનો કરવો પડશે.

*******************************

રાજેશ્વરના વકીલ કાર્તિકને અચાનક યાદ આવ્યું કે તેને અત્યારે નાયબ પોલીસ કમિશનર સૂર્યજીતને મળવા જવાનું છે. તેણે તેમને ફોન કર્યો. સૂર્યજીત તેમના ઘેર હતાં. તેમણે કાર્તિકને પોતાના ઘેર જ બોલાવી લીધો. કાર્તિક ત્યાં પહોંચતા જ સૂર્યજીતે તેને આવકાર્યો. તેઓએ ડ્રોઈંગ રૂમમાં સોફા પર સ્થાન જમાવ્યું. સૂર્યજીતે કિચનમાં બે કોફી બનાવવા સૂચના આપી વાત શરૂ કરી. કાર્તિકને એ જાણવાની તાલાવેલી હતી કે, સૂર્યજીત તેણે કઈ ખાસ વાત કરવા માંગે છે?

" કાર્તિક તમારા અસીલ રાજેશ્વર જમીન મુક્ત થઇ શકે એ માટે પોલીસ અને સરકારી વકીલ તરફથી કોઈ ખાસ વિરોધ નહી થાય પરંતુ હું ઈચ્છું છું કે તમે મને મારા એક કામમાં થોડી મદદ કરો. તમારા તરફથી થનાર મદદ ઓફ ધ રેકોર્ડ જ રહેશે. બોલો શું કહો છો?" સૂર્યજીતે સવાલ પૂછ્યો.

" સર, આપ થોડી સ્પષ્ટ વાત કરો તો મને ખ્યાલ આવી શકે."

" મને પી.આર. કન્સલ્ટન્સી કંપનીના પ્રકરણની તપાસ દરમ્યાન એક ભેદી કોડેડ મેસેજ મળ્યો છે. હું ઈચ્છું છું કે, રાજેશ્વર એ ગુપ્ત સંદેશા પર કોઈ પ્રકાશ પાડે. રાજેશ્વર અને તમારા દ્વારા મને જે કાંઈ મદદ પ્રાપ્ત થશે તે પોલીસના રેકોર્ડ પર નહી આવે તેની હું ગેરેન્ટી આપું છું." સૂર્યજીતે પ્રસ્તાવ મુક્યો. જોકે કાર્તિક થોડી વાર માટે મૌન થઇ ગયો. તે સમજતો હતો હતો કે, સૂર્યજીત જે વિગતો જાણવા માંગે છે તે અત્યંત સંવેદનશીલ છે. જો રાજેશ્વર તેના વિશે કાંઈ પણ કહેશે તો નવી મુસીબત ઉભી થઇ પણ શકે.

" શું વિચાર કરો છો કાર્તિક?"

" મને એ વિચાર આવે છે કે, રાજેશ્વરને તેના વિશે કોઈ જાણકારી હશે કે કેમ?"

" તમે તેને એક વખત પૂછી તો જુઓ. કદાચ તેને ખબર હોય"

" હું પ્રયત્નો કરી જોઉ છું સર. "

" કાર્તિક, માહિતીનું આ આદાન પ્રદાન સંપૂર્ણપણે ગુપ્ત અને ઓફ ધ રેકોર્ડ જ રહેવાનું છે પછી તમે આટલી બધી ચિંતા ના કરો. રાજેશ્વરને કોઈ મુશ્કેલી નહી થાય તેની હું ખાતરી આપું છું. મારા ઉપર વિશ્વાસ રાખો." સૂર્યજીતે કાર્તિકને વિશ્વાસ અપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો આમ છતાં તે કશી ગડમથલ અનુભવી રહયો હતો.

" ભલે સાહેબ, હું રાજેશ્વર સાથે વાત કર્યા પછી આપને જાણ કરૂ છુ. હું અત્યારે જ જેલની મુલાકાતે જાવ છું."

" વેરી ગૂડ કાર્તિક. "

આ પછી થોડી અન્ય વાતચિત કર્યા બાદ સૂર્યજીતની રજા લઇ કાર્તિક ત્યાંથી રવાના થઇ ગયો.

*******************************

એજન્ટ મુકેશ અને એજન્ટ વિજયને તેના બોસ સત્યપ્રકાશ તરફથી સરહદની પેલે પાર મોકલી એક ખાનગી મિશનને તેના આખરી અંજામ સુધી પહોંચાડવું ખુબ જ આવશ્યક બની ગયું હતું. રણમાં ફરતા ફરતા મુકેશ અને વિજયે પોતાની રણનીતિ તૈયાર કરી લીધી. તેઓ પોતે શું કરવા માંગે છે અને કેવી રીતે એ કામ પાર પાડવા ઈચ્છે છે તે વિશે ગામના કિલ્લામાં પોતાને આપવામાં આવેલા ઉતારામાં ચર્ચા કરવા ન્હોતા ઇચ્છતા. એટલા માટે જ તેઓ રણમાં ફરવા આવી ચડ્યા હતા.

વિજય અને મુકેશ હવે રણની અત્યંત કઠીન યાત્રા કરીને સરહદ ઓળંગી પરાયા મુલકમાં પ્રવેશવાના હતાં. તેઓને એ જાણીને આશ્ચર્ય થવાનું હતું કે, વિદેશી ધરતી ઉપર પણ સત્યપ્રકાશનું નેટવર્ક બિછાવાયેલું હતું. આ નેટવર્ક સાથે જોડાયેલા લોકોની મદદથી પોતાનું ઓપરેશન પાર પાડવાનું વિજય અને મુકેશ માટે સરળ બનવાનું હતું. તેઓ બંને પોતાના પ્લાન પર ચર્ચા કરતા કરતા ગામમાં પરત ફર્યા. હવે તેઓને સાંજ સુધી ઇંતજાર જ કરવાનો હતો. કિલ્લામાં રહેલા લોકો તરફથી મુકેશ અને વિજયને જરૂરી એવી તમામ પ્રકારની મદદ મળવાની જ હતી, પરંતુ રણના રસ્તે આગળ ધપવા માટે તેઓની સાથે ખુબ જ મર્યાદિત લોકોનો જ સાથ મળવાનો હતો કેમ કે વધુ સંખ્યામાં લોકોને સાથે રાખવાથી કોઈ નવી મુસીબત ઉભી થવાની દહેશત પણ હતી.

કિલ્લામાં રહેલા લોકોએ વિજય અને મુકેશ માટે રણ યાત્રા માટે ઉંટની વ્યવસ્થા કરી હતી. તેમના માટે ખાવા પીવાની સામગ્રી, જરૂરી હથિયારો, સંદેશાવ્યવહાર માટેના સાધનો સહિતની ચીજ વસ્તુઓની પણ વ્યવસ્થા થઇ ચુકી હતી. સાંજ ઢળવામાં જ હતી. રણમાં દુર દુર સુધી પથરાયેલી આછા પીળા રંગની રેતી પર સૂર્યાસ્તની લાલીમાની ચાદર બિછાવાઇ ચુકી હોય તેવું મનોહર કેસરિયું વાતાવરણ રચાઈ ગયું હતું. કિલ્લાના ઉપલા માળે એક રૂમની બારીમાંથી રણ પર નજર ફેંકી રહેલા વિજય અને મુકેશ ક્ષિતિજ પર ધીરે ધીરે ડૂબી રહેલા સૂર્યને નિહાળી રહયા હતાં. દુધિયા આકાશમાં પશ્ચિમ દિશાએ એકમેકમાં વિલય પામી રહેલા લાલ, પીળા, કેસરી અને દુધિયા રંગોની અદભૂત રંગોળીમાં સૃષ્ટીના સર્જનકારની કલાત્મકતા અને કરિશ્માઈ જાદુગરી દેખાતી હતી.

અંધારા ઉતરી આવ્યા હતાં. મોડી સાંજે કિલ્લામાં ભોજન કરી લીધા બાદ મુકેશ અને વિજયનો કાફલો રવાના થવાની તૈયારીમાં હતો. કિલ્લામાં રહેતા લોકો સત્યપ્રકાશના મદદગારો હતાં. સત્યપ્રકાશના મિશનમાં તેઓ ડગલે ને પગલે સાથે રહેતા હતાં.

" આપણે સૌ રાત્રિના સમયે જ રણ યાત્રામાં મહત્તમ અંતર કાપી લેવાનું છે. વહેલી સવારે સૂર્ય ઉગે એ પૂર્વે આપણે નક્કી થયેલા એક નિર્ધારિત સ્થળે પહોંચી જવું પડશે. રાત્રિ દરમ્યાન સરહદ પર સંરક્ષણ દળના જવાનો પહેરો ભરતા હોય છે, પરંતુ રણનો કેટલોક વિસ્તાર એવો છે જ્યાં આપણે તેઓની નજરથી બચી શકીશું. ખાસ કરીને સરહદની પેલે પાર થોડી વિશેષ કાળજી રાખવી પડશે. આપણે થોડા સમયમાં જ આપણી સરહદ કરતો તો ક્રોસ કરી લઈશું પરંતુ ત્યારબાદ સરહદની બીજી બાજુ વધુ લાંબુ અંતર કાપવાનું છે. ત્યાંનાં સંરક્ષણ દળના જવાનોની નજરે ચડી ના જવાય એ માટે ખાસ ધ્યાન રાખવું પડશે. તેઓ થોડા થોડા અંતરે પહેરો ભરતા જશે. જોકે આપણને થોડો થોડો સમય એવો મળતો રહેશે જેમાં આપણા ઉંટ આગળ ધપતા રહેશે. આ યાત્રા દરમ્યાન સરહદની પેલે પાર સંરક્ષણ દળના જવાનો સાથે જો મુલાકાત અને અથડામણ થઇ જાય છે તો પછી આપણે શું કરવું તેનાથી સૌ વાકેફ જ છીએ. તો ચાલો સૌ રવાના થઈએ. બાકીની વાત રસ્તામાં કરીશું." કિલ્લાના લીડરે જરૂરી સૂચના આપી દીધી. દસેક જણાનો કાફલો તૈયાર થઇ ચુક્યો હતો. તેમના લીડરે ખાસ પ્રકારના એક અવાજમાં હાંક મુકી એ સાથે જ તમામ ઉંટ એક સાથે ઉભા થયા ને ધીમી પણ મક્કમ ચાલે કિલ્લામાંથી બહાર નીકળી રણની રેતી ખુંદતા ગંતવ્ય સ્થાન ભણી કૂચનો પ્રારંભ કર્યો. ધીમે ધીમે અંધકાર અને રેતીના ઢગલાઓ વચ્ચે તમામ ઉંટ અદ્રશ્ય થઇ ગયા.

*******************************

ઇન્ટેલિજન્સ ઓફિસરોએ આખા પ્રકરણમાં જેની સૌથી નિર્ણાયક ભૂમિકા રહ્યાનું મનાય છે તે કોઈ અધિરાજ નામની ભેદી વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસોના એક ભાગ રૂપે સોના ચાંદીના મોટા વ્યાપારી લક્ષ્મીકાંત અને શિપિંગ બિઝનેસના મહારથી ગોપાલદાસ પૈકી કોઈ પણ એક વ્યક્તિના જૂથમાં સામેલ થવા ઇચ્છતા હતા. જેમાં તેઓને કદાચ પ્રથમ પ્રયાસે જ અનપેક્ષીત સફળતા મળી ચુકી હતી. પાંચ પૈકી બે ઇન્ટેલિજન્સ ઓફિસરોએ એક પ્રોફેશનલ વચેટિયાની મદદ લઇ ગોપાલદાસના ગ્રુપમાં પ્રવેશ મેળવી લીધો હતો. ગોપાલદાસના કહેવા મુજબ જ બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો બીજા દિવસે ગોપાલદાસની ઓફિસે પહોંચી ગયા. થોડી વાર બાદ ગોપાલદાસ પણ આવી પહોંચ્યા. બંનેને પોતાની ચેમ્બરમાં બોલાવી ગોપાલદાસે તેઓને એક એટેચી આપી. જે કોઈ એક સ્થળે પહોંચાડવાની હતી. આ એક ખાનગી વ્યવહાર હતો. સ્વાભાવિક રીતે જ કોઈ બીજી વ્યક્તિને તેની જાણ થવા દેવાની ન્હોતી. એટેચી કોને સોંપવાની છે તે વ્યક્તિનું નામ સરનામુ લઇ બંને ઓફિસરો રવાના થઇ ગયા. આમ તો ગોપાલદાસ જમાનાનો ખાધેલ માણસ હતો. સામાન્ય રીતે પોતાને ત્યાં કામે આવતા નવા માણસોને પારખ્યા વગર તેઓની ઉપર તે ભરોસો મુકતા નહી, પરંતુ વચેટિયાને કારણે તેણે આ બંને નવા શખસો ઉપર થોડો વધારે ભરોસો મુકી દીધો હતો. એટેચીમાં શું છે તેની માહિતી ગોપાલદાસે તેઓને આપી હતી. કદાચ જરૂરિયાત ન્હોતી.

ગોપાલદાસની ઓફિસમાંથી બહાર આવ્યા બાદ બંનેએ તુર્ત જ ખુબ જ તકેદારી પૂર્વક તેઓના અન્ય ત્રણ ઇન્ટેલિજન્સ ઓફિસરોને એ બાબતની જાણ કરી દીધી કે એટેચી સ્વીકારનાર સામે વાળી વ્યક્તિ કોણ છે? તેનું નામ અને સરનામું મેળવી ત્રણેય ઇન્ટેલિજન્સ ઓફિસરો પણ કામે લાગી ગયા. જે વ્યક્તિ એટેચી સ્વીકારે તેનો પીછો કરવાનો હતો. તે આ એટેચી લઈને ક્યાં જાય છે, કોને સુપ્રત કરે છે ને તેમાં શું છે એ તપાસ કરવાનું કામ તેઓ પાર પાડવાના હતાં. ત્રણેય ઓફિસરો નક્કી થયેલા સ્થળે અગાઉથી પહોંચી ગયા હતાં. એ સ્થળ બસ સ્ટેન્ડની પાસે આવેલું એક રેસ્ટોરન્ટ હતું. તેઓએ એક ખૂણામાં ખાલી રહેલ એક ટેબલ પસંદ કર્યું. બસ સ્ટેન્ડ નજીક જ હોવાથી આ રેસ્ટોરન્ટમાં ગ્રાહક મુસાફરોની ભીડ પણ જોવા મળતી હતી. થોડી વારમાં જ તેમના બંને સાથીઓ એટેચી સાથે આવી પહોંચ્યા. તેમની સાથે વેપારી જેવો દેખાતો એક માણસ પણ હતો. અન્ય એક ખાલી ટેબલ પર તેઓએ પણ સ્થાન જમાવ્યું. નાસ્તાનો ઓર્ડર આપ્યા બાદ બંને ઓફિસરોએ ગોપાલદાસ પાસેથી મળેલી એટેચી એ વેપારીને આપી દીધી. જોકે તેઓના આશ્ચર્ય વચ્ચે એ વેપારીએ પણ તેમને એવી જ એક એટેચી આપી અને તે ગોપાલદાસને સોંપી દેવાની સૂચના આપી. એ દરમ્યાન નાસ્તો આવ્યો ને સૌએ નાસ્તાને ન્યાય આપતા બીજી અલક મલકની વાતો પણ કરી. બંને ઓફિસરોને નવાઈ એ વાતની થઇ કે, એટેચી સ્વીકારનાર વ્યક્તિ પાસેથી પણ આવી જ એટેચી તેમને પણ મળવાની છે એવું તો ગોપાલદાસે તેઓને કહ્યું ન્હોતું. દુરના ખૂણામાં બેઠેલા ત્રણેય ઇન્ટેલિજન્સ ઓફિસરો મટકું માર્યા વગર એ દ્રશ્ય નિહાળી રહયા હતાં. નાસ્તો પુરો થતા જ એ વેપારીએ બિલ ચૂકવ્યુ. વેઈટરને ટીપ પણ આપી, પછી ત્યાંથી સૌ સહજ રીતે જ બહાર નીકળ્યા. બંને ઓફિસરોએ એ વેપારી સાથે હાથ મિલાવ્યા. વેપારી પોતાની કારમાં બેસી તેના રસ્તે રવાના થયો એ સાથે જ ત્રણેય ઇન્ટેલિજન્સ ઓફિસરોએ તેનો પીછો શરૂ કરી દીધો. બીજી તરફ વેપારીએ આપેલી એટેચી સંભાળપૂર્વક લઇ જઈ બંને ઓફિસરો ગોપાલદાસની ઓફિસે પહોંચ્યા અને આખી ઘટના તેમને કહી સંભળાવી.

( વધુ આવતા અંકે....)

*******************************