એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 34
વ્રજેશ દવે “વેદ”
બંનેની નજર તેની નજર સાથે મળી. હોઠોએ સ્મિતની આપલે કરી.
“સર, થેન્ક યૂ. પણ આ પવન ટેન્ટને ટકવા નથી દેતો.” નીરજાએ વાતની શરૂઆત કરી.
“કશો વાંધો નહીં, હું તમને ટેન્ટ બાંધી આપીશ અને તે પવનથી પણ નહીં પડે,” પેલા વ્યક્તિની આંખમાં રહેલો મજબૂત વિશ્વાસ, તેના શબ્દોમાં વ્યક્ત થઈ ગયો.
નીરજા અને વ્યોમાને તેની આંખમાં અને શબ્દોમાં વિશ્વાસ અને સંરક્ષણના ભાવ દેખાયા. તેઓને લાગવા માંડ્યુ કે આ માણસનો ભરોસો કરી શકાય તેવો છે. અને તે ઉપયોગી પણ થઈ શકે છે. તેઓ ચિંતા મુક્ત થઈ ગયા.
“સર, તમે ટેન્ટને છોડી દો. ભલે પડી જતો. આપણે ફરીથી બંધીશું.” વ્યોમાએ તેની પાસે જઇ કહ્યું.
તેણે ટેન્ટ છોડી દીધો. ટેન્ટ પડી ગયો. ત્રણેય જણાએ તેને પડવા દીધો. આ વખતે ટેન્ટના પડવાથી નીરજા અને વ્યોમાને ગુસ્સો પણ ના આવ્યો અને નારાજ પણ ના થયા.
“સર, આપનું નામ શું છે?” વ્યોમાએ તેના વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી.
તે હસ્યો. ખૂલ્લા મનથી હસી પડ્યો. જંગલે તેના હાસ્યનો પડઘો પાડ્યો. જંગલ હસી ઉઠ્યું. પવન પણ હસવા લાગ્યો.
“કેમ? કોઈ ભૂલ થઈ ગઈ?“નીરજાએ સંકોચ સાથે પૂછ્યું.
“બસ ખાસ કાંઇ નહીં.” તેણે હસવાનું રોક્યું. તે મૌન થઈ ગયો.
“તો પ્લીઝ, તમારું નામ તો કહો.” વ્યોમાએ આગ્રહ કર્યો.
એક લાંબા મૌનને ધારણ કરી લીધું તેણે. નીરજા કશું બોલવા જતી હતી, પણ વ્યોમાએ તેને અટકાવી. તેના મૌનને તે તોડવા માંગતી ન હતી. તેણે પ્રતિક્ષા કરવા નીરજાને ઈશારો કર્યો. બંને પ્રતિક્ષા કરવા લાગ્યા તેના મૌનના અંતની.
તે જંગલ તરફ, તો કયારેક આકાશ તરફ જોતો રહ્યો. જંગલ પણ તેની જેમ જ મૌન હતું. તો આકાશ ખામોશ. વાદળો છવાયેલા હતા. કદાચ વરસાદ પણ પડે.
તેનું મૌન લંબાતું ગયું. ઘેરાતું ગયું. પેલા વાદળોની જેમ. કદાચ તેનું મૌન પણ વાદળાઓની જેમ તૂટી પડશે, તો ખબર નહીં કેવો વરસાદ વરસી પડશે. વાદળ વરસે કે માણસ, બંને વરસાદમાં હોય છે કોઈ પ્યાસ, કોઈ સુગંધ અને કોઈ વેદના.
બંને તેના વરસવાની પ્રતિક્ષા કરવા લાગ્યા, તેના મૌનને ખલેલ પહોંચડ્યા વિના. ભલે બંધાતા ઘેઘૂર વાદળો.
લાંબા સમયે તેણે મૌન તોડ્યું.
“એ બધું પછી, ચાલો પહેલાં આ ટેન્ટ બધી દઈએ.” તે ટેન્ટ તરફ ચાલવા લાગ્યો. નીરજા અને વ્યોમા પણ તેની સાથે જોડાઈ ગયા. થોડી વારમાં તો ટેન્ટ બંધાઈ ગયો. ઘણા ઝોકા પવનના આવી ગયા, પણ ટેન્ટ ઊભો હતો એમ જ. તેને પવન હલાવી પણ ના શક્યો.
તેઓએ સામાન ટેન્ટમાં ગોઠવી દીધો. જમીન પર એક પાથરણું પાથરી દીધું. હવે ટેન્ટ પૂરેપૂરો સલામત હતો. રાત્રિ પણ સલામત થઈ ગઈ.
ત્રણેય ટેન્ટ બહાર આવી ઊભા.
“અમે કેટલીય વાર પ્રયાસ કર્યો, પણ ટેન્ટ બંધાતો જ ન હતો. વારે વારે પડી જતો હતો. તમે તો જાદુ કરી દીધો.“ વ્યોમા ઉત્સુક હતી, તેના વિશે જાણવા અને ટેન્ટ બાંધવાની કળા વિશે પણ.
“ટેન્ટ બાંધવો એ કળા છે. Its an art ! ટેન્ટ બાંધવા માટે પવનની દિશા જાણવી જરૂરી છે. સાથે સાથે પવનના રસ્તાને પણ સમજવો પડે. પવનની દિશા જાણી, ટેન્ટ એ રીતે બાંધો કે પવનનું જોર ઘટી જાય. બીજું આ ટેકરી ની આડશનો પણ લાભ લેવો જોઈએ. આપણે તેની દિશા થોડી બદલી નાંખી અને તેને ટેકરીની થોડી નજીક પણ લઈ ગયા છીએ. તે તમે નોંધ્યું જ હશે.” તેણે ટેન્ટ તરફ ઈશારો કર્યો.
નીરજા અને વ્યોમાની નજર તે તરફ ગઈ. હવે જ તેના ધ્યાનમાં આવ્યું કે ટેન્ટ તેની મૂળ જગ્યા કે જ્યાં તેઓ બાંધી રહ્યા હતા, તેનાથી અલગ જગ્યા પર હતો. ટેકરીની વધુ નજીક હતો. તો તેની દિશા પણ બદલાયેલી હતી.
‘કેટલી સરળ, પણ મહત્વની વાત !’ નીરજા અને વ્યોમાના મનમાં એક જ વાત, એક સાથે ઊગી ગઈ. તેઓ સ્મિત કરી બેઠા.
“વાહ, જરા જેટલો ફેરફાર કરો અને બધું જ બદલાઈ જાય. ચિંતા ફેરવાઇ જાય આનંદમાં.”
“હા, બસ જરા નજર બદલાવો, બધું જ સુંદર લાગશે. આ જગત, આ જીવન, આ જંગલ પણ સુંદર છે, અદભૂત છે. બસ તેને જોવાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે.” પેલા પુરુષે કહ્યું. તેના હોઠો પર સ્મિત હતું. તેના સ્મિતમાં કેટલો આત્મવિશ્વાસ, કેટલી શ્રધ્ધા, કેટલું જીવન છલકતું હશે? નીરજા અને વ્યોમાએ તે બધું જ જોયું, અનુભવ્યું. તેઓને એ બધું સ્પર્શી ગયું.
‘આ માણસ મળવા જેવો છે, માણવા જેવો છે. ભરોસો કરી શકાય એવો છે. જો તે રાતભર સાથે રહે તો?’ ફરી બંનેના મનમાં એક સરખા વિચારોએ પ્રવેશ કરી લીધો.
“ખૂબ સરસ વાત કરી તમે.” નીરજાએ અહોભાવ વ્યક્ત કર્યો.
તે ફરી હસ્યો,”થેંક્સ. પણ તમે લોકો...?” તેના હોઠો પર સવાલ આવી ગયો.
નીરજા અને વ્યોમા મૌન રહ્યા. શું જવાબ આપવો? તેને બધું સાચું કહી દેવું? કે કશુંક ભળતું જ જણાવવું? શું આ માણસ પર વિશ્વાસ કરી શકાય? કરવો જોઈએ? બંનેના મનમાં ગડમથલ ચાલતી રહી.
‘હજુ હમણાં જ તો આપણે વિચારતા હતા કે ‘આ માણસ મળવા જેવો છે, માણવા જેવો છે. ભરોસો કરી શકાય એવો છે....’
‘તો હવે શું થઈ ગયું? તેણે સવાલ કર્યો એટલે? તે આપણાં વિશે જાણવા માંગે છે એટલે? આપણે ઓળખ છુપાવવા માંગીએ છીએ એટલે? ક્ષણ પહેલાં તો, સારો લાગતો માણસ હવે શંકાના દાયરામાં આવી ગયો? ખરું કારણ શું છે? કે એ માણસે પૂછેલા પ્રશ્નનો જવાબ મૌન બની ગયો?
અનેક સવાલોના ધસમસતા પૂર, મનના પહાડોમાં થઈને વહી ગયા. વ્યોમાએ આંખો બંધ કરી દીધી. નીરજા પેલા માણસને જોતી રહી. તે કોઈ જ ઉતાવળ ના હોય, તેમ મૌન ઊભો હતો. તેના પ્રશ્નના જવાબમાં વ્યાપેલા મૌનથી જરા પણ વિચલિત નહોતો થયો. તેના ચહેરા પર કોઈ વિષાદ કે અન્ય નકારાત્મક ભાવો ન હતા.
વ્યોમાની બંધ આંખોમાં બધા તોફાનો શમી ગયા. તેણે આંખ ખોલી. નીરજાને સ્મિત આપ્યું. નીરજા સમજી ગઈ, કે વ્યોમા તેના પ્રશ્નનો જવાબ આપવા માંગે છે. તેણે પાંપણો ઝુકાવી વ્યોમાને સંમતિ આપી દીધી.
વ્યોમાએ પેલા પુરુષના ચહેરા તરફ નજર કરી. બિલકુલ સ્થિર ચહેરા પર, જંગલની અગાધ શાંતિ સ્મિત આપી બેઠી હતી.
“અમે બંને અમદાવાદથી અહીં આવ્યા છીએ અને જંગલના રસ્તે ટ્રેકિંગ કરતાં કરતાં, નોહ કલિકાઇ ધોધ જવા માંગીએ છીએ.”
“મારૂ નામ નીરજા છે અને આ છે મારી મિત્ર વ્યોમા.” નીરજા પણ હવે નિર્ભીક થઈ ગઈ. તેણે પણ પૂરો પરિચય આપી દીધો.
“ઓહ, તો જંગલને દોસ્ત બનાવી દો. જરૂર મજા પડશે.” પેલાએ કહ્યું.
“ચોક્કસ. પણ તમે તમારો પરિચય ના આપ્યો. અમે તમને તમારું નામ પૂછ્યું હતું, અને જવાબમાં તમે ખૂબ લાંબુ મૌન આપ્યું હતું.“ નીરજાએ તેના વિશે જાણવા અધીરાઇ બતાવી.
તે હસી પડ્યો. મુક્ત મને હસવા લાગ્યો.“પહેલાં મૌન અને હવે હાસ્ય. આમાંથી તમારું નામ કયું છે?” વ્યોમાએ વ્યંગ સાથે જવાબ માંગી લીધો.
“મારૂ સાચું નામ તો કદાચ કોઈને પણ યાદ નહીં હોય. પણ લોકો મને ‘વેદ’ ના નામથી જાણે છે.”
“વેદ? ખૂબ સરસ નામ છે.”વ્યોમાને મજા પડવા લાગી.
“પણ તમને તો યાદ છે ને તમારું સાચું નામ?” નીરજાએ તીક્ષ્ણ સવાલ કર્યો.
“તેથી શો ફર્ક પડે?” વેદે સામો સવાલ કર્યો.
“વાત ટાળવા માટે, સામો સવાલ કરવો યોગ્ય છે?” નીરજા પણ હાર માને તેમ ન હતી.
“ઓ.કે.. મારૂ સાચું નામ વિનીત કુમાર છે.“ વેદે હાર માની લીધી.
“તેના કરતાં તો વેદ જ વધુ સારું છે.” બંને એક સાથે બોલી ઉઠી.
તે ફરી મુક્ત મને હસી પડ્યો.
“હમણાં જ તો તમે આગ્રહ કરી રહ્યા હતા, મારૂ સાચું નામ જાણવા માટે. અને બીજી જ ક્ષણે તમને મારા સાચા નામને બદલે વેદ વધુ સારું લાગવા માંડ્યુ. માણસનો આ સ્વભાવ છે.” વેદ હજુ પણ સ્મિત લઈ ઊભો હતો.
“પણ સાચી વાત તો એ છે, કે અમને વેદ જ વધુ ગમ્યું.” વ્યોમાએ કહ્યું.
“થેંક્સ. તમે પણ મને વેદ જ કહેશો તો ગમશે.”
“મી. વેદ, તમારા વિશે બધું જાણવાની ઇચ્છા થાય છે.” નીરજાએ તેને આમંત્રણ આપી દીધું.
“તો ચાલો ત્યાં બેસીને નિરાંતે વાતો કરીએ.” વેદ તેઓને ટેન્ટ પાસેની ખુલ્લી જગ્યા પર લઈ ગયો. ત્યાં ત્રણેય બેસી ગયા.
ત્યાંથી જંગલને સારી રીતે જોઈ શકાતું હતું. તો વહેતો પવન પણ ત્યાં આવીને બેસી ગયો હતો. દૂર વહેતું ઝરણું પણ તેના તરફ સૌનું ધ્યાન ખેંચતું હતું.
સુરજ હવે વધુ પશ્ચિમી થયો હતો. હજુ પણ પૂરતું અજવાળું હતું. સાંજ હજુ ઢળી ન હતી, પણ આંગણે આવીને ઊભી ગઈ હતી. આકાશમાં વાદળો શ્યામ થઈ ગયા હતા. વરસાદ પણ ધરતી પર આવવા તરસી રહ્યો હતો. વેદ વિશે જાણવા નીરજા અને વ્યોમા પણ તરસી રહ્યા હતા.
ટૂંકા મૌન બાદ વેદે કહેવાનું શરૂ કર્યું, “અહીંથી બે ત્રણ કિમી દૂર મારૂ ગામ છે. પણ હું ત્યાં નથી રહેતો. આ ટેકરી ની બાજુમાં, અહીંથી લગભગ અડધો કિમી દૂર, બે રૂમના નાના મકાનમાં હું રહું છું. મારી સાથે કોઈ નથી. હું તદ્દન એકલો જ રહું છું. મને હિન્દી અને અંગ્રેજી ભાષા પણ આવડે છે.”
“કેમ એકલા જ રહો છો?”
“ખાસ કાંઇ તેમાં રહસ્ય નથી, પણ મારી જીવન શૈલી થોડી અલગ છે. મને ખેતી કરવી ગમે છે. મારૂ નાનું મકાન મારા ખેતરમાં જ છે. હું ત્યાં જ રહીને મને ગમતી ક્રિયાઓ કરું છું.”
“કઈ કઈ ક્રિયાઓ છે, એ બધી?”
“ખેતી ઉપરાંત સ્વીમીંગ, વાંચન, સંગીત સાંભળવું, કુદરતને જોવું, માણવું, ઊગતા કે આથમતા સૂરજ સાથે દોસ્તી કરવી, જંગલમાં રખડવું…”
“ઓહો, તો આ બધું તમે ...’ વ્યોમા વચ્ચે જ બોલવા લાગી. નીરજાએ તેને અટકાવી.
થોડું અટકી વેદ ફરીથી બોલવા લાગ્યો,“પતંગિયાને હાથ પર બેસાડી, તેની જોડે વાતો કરવી, નદી અને ઝરણાં સાથે વહેતા રહેવું, ઊંચી ટેકરી પર દોડીને ચડી જવું, તે જ ટેકરી પરથી ધીમે ધીમે નીચે ઊતરવું, વરસ્યા વિના ભાગી જતાં વાદળોને પથ્થર મારવો, વરસી ગયેલા વાદળોનો ઝુકીને આભાર માનવો, તો વરસતા વાદળોની સાથે તરબતર થઈ નાચવું, એકલા એકલા વાતો કરવી, તો કયારેક બધા સાથે હોય ત્યારે મૌન થઈ જવું, ગળું ફાડીને ગીત ગાવું, ઝાડની ઊંચામાં ઊંચી ડાળીએ જઇ ચડવું અને તે જ ડાળી પરથી કૂદકો મારી એક જ ઝાટકે નીચે ઉતરી જવું, ડાળી પકડીને હીંચકા ખાવા, પંખીઓ જોડે વાતો કરવી, તેઓની જોડે ઝાડ પર ચડ-ઉતરની રમત રમવી. કોઈ મોટી ટેકરીની ટોચ પર ચડી તારા સાથે વાતો કરવી, ચાંદનીમાં જંગલના ઝાડનું અનુપમ સૌંદર્ય આંખમાં પી જવું, અમાસની રાત્રે બીહામણા લાગતાં જંગલને વ્હાલ કરવું.” વેદ બોલતા બોલતા રોકાયો. તેણે એક ઊંડો શ્વાસ લીધો.
નીરજા અને વ્યોમા તેને એક નજરે જોઈ રહ્યા, એક ધ્યાને સાંભળતા રહ્યા. વેદના ચહેરા પર ઊગી ગયેલા અસંખ્ય ભાવો તેઓ ગણી ના શકયા. બસ જોતાં રહ્યા. તેઓને લાગ્યું કે વેદ બસ સતત બોલતા રહે અને તેઓ તેને સાંભળતા રહે. સમય બસ આમ જ સ્થિર થઈ જાય.
પણ સમય વહેતો રહ્યો. વેદ પણ આગળ કહેવા લાગ્યો,“મને આવું બધું કરવું ગમે. અને તેઓને બધાને આ બધું ગાંડપણ લાગે.”
“તેઓ બધા એટલે કોણ?” નીરજાએ ઉત્સુકતા બતાવી.
“મારા સીવાયના બધા જ. તેઓને લાગે છે, કે હું પાગલ થઈ ગયો છું. પણ મને તેની કોઈ પરવા નથી. એટલે જ હું મારી દુનિયામાં રહું છું. એકલો જ.”
“પાગલ તો એ લોકો છે જે આટલા સુંદર જીવનને સમજી નથી શકતા, તેનો આનંદ માણી નથી શકતા.” વ્યોમાએ પાસે પડેલા નાના પથ્થરને હાથમાં લઈ દૂર ફેંકી દિધો. પથ્થર દૂર જઇ પડ્યો. એક ઝીણો અવાજ કરી તે શાંત થઈ ગયો. સ્થિર થઈ ગયો.
“આ પથ્થર જેવુ છે આપણું. કોઈ ફેંકે ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરીએ, અને ફરી પાછા શાંત, સ્થિર થઈ જઈએ. જાતે કશું જ ના કરીએ. તો પછી આ ધબકારનું શું કામ છે, જે ઈશ્વરે માણસને આપ્યા છે?” વેદ કહેતો રહ્યો.
“આમ તો તમને લોકોએ પાગલ કહેવા જોઈએ. તેઓની નજરે તો તમે પાગલ છો, તો લોકો તમને વેદ શા માટે કહે છે? વેદ નો અર્થ તો છે ‘જ્ઞાન’.” નીરજાએ પોતાને ન સમજાતી વાત પૂછી.
“સાચું છે. વેદનો અર્થ જ્ઞાન છે. મારી વાતો, મારી ક્રિયાઓ તેઓની સમજ બહારની છે. એક ગેરસમજ છે દુનિયાને, જે ના સમજાય તે કાં તો પાગલપન છે, કાં ઊંડું જ્ઞાન છે. તેઓ મને ઊંડો જ્ઞાની માને છે. એટલે તેઓ મને પાગલને બદલે વેદ કહે છે.” તે હસવા લાગ્યો. તેના હાસ્યમાં વ્યંગ હતો.
“કેવી અદભૂત છે આ દુનિયા.” વ્યોમા પણ હસવા લાગી.
“તમારા માટે ભોજન કોણ બનાવે છે?” નીરજાએ જિજ્ઞાસાવશ પૂછ્યું.
“મારૂ ભોજન હું જાતેજ બનાવું છું. આમ તો મારા ભોજનમાં અનાજ ઓછું હોય છે, એટલે રાંધવાને લગતા ઘણા કામો ઓછા થઈ જાય છે.”
“ભોજન નથી લેતા તમે? એવું કેમ? ભોજન વિના શરીર ટકે કેમ?”
“હું ભોજન તો લઉં જ છું, પણ રાંધવા પડે તેવા ભોજન કરતાં તૈયાર ભોજન વધુ લઉં છું. જેમાં રાંધવાની કોઈ ઝંઝટ છે જ નહીં.”
“કાંઇ સમજાયું નહીં.”
“સિમ્પલ છે. હું મારા ખેતરમાં ઊગતા જુદા જુદા ફળોનો ઉપયોગ મારા ભોજન તરીકે વધુ કરું છું. આ ફળોને કાચા ખાવાની મજા પડે છે.”
“વાહ... કેવા કેવા ફળો ઉગે છે અહીં”
“અહીં ઓરેન્જ, કેળાં, પાઈનેપલ અને જામફળ વધુ થાય છે.”
“આ બધા ફળોના ઝાડ, રસ્તામાં પણ જોયા હતાં. તે ખાવામાં કોઈ વાંધો તો નથી ને?”
“ના, કોઈ વાંધો નથી. ખાઈ શકાય છે. આખા રસ્તે તમને તેના અખૂટ ઝાડ મળશે. જંગલે તેનો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. એ તો તમારા પર નિર્ભર છે, કે તમે તેમાંથી કેટલો લૂંટી શકો છો. તમે તે મૌજથી ખાઓ અને જંગલનો આનંદ લો. હું પણ તે જ ખાઉ છું. અને એટલે જ મારે ભાગે બહુ ઓછું કામ આવે છે. બાકી બચી જતાં મારા બધા જ કાર્યો પણ હું જાતે જ કરું છું.”
“ઘરના બધા જ કામ જાતે જ કરો છો ! કેમ કોઈ નોકર ચાકર નથી રાખ્યા?”
“ના. કોઈ નોકર નથી રાખ્યા. તેના બે કારણ છે. એક, કોઈ નોકર ચાકર મારી આ ટેવો સાથે ટકી ના શકે. અને બીજું, હું પણ નથી ઈચ્છતો, કે કોઇની હાજરી મારી મનગમતી ક્રિયાઓમાં વિઘ્ન બને, મારા અંગત એકાંતનો કોઈ ભંગ કરે.”
“આ બધા કાર્યો કરવામાં તમને થાક કે કંટાળો નથી આવતો?”
“ના. ક્યારેય નહીં. એ કહો, કે તમે આ જર્ની કરવા નીકળ્યા છો, તો તમને આ જર્નીમાં કંટાળો આવે છે?”
“આ જર્ની તો અમારું સ્વપ્ન છે. અમારો ઉત્સાહ છે, ધબકાર છે, મંઝિલ છે. તેમાં કંટાળો ક્યાંથી આવે?” વ્યોમાના શબ્દે શબ્દમાં જોશનું ઝરણું વહેતું રહ્યું.
“મારા કામો કરવા એ મારી જર્ની છે. મારો ઉત્સાહ છે. મારો ધબકાર છે. એક જૂનુન છે. અને એટલે જ મને એ ગમે છે. ગમતા કામ કરવામાં કંટાળો શેનો?”
“કેવી રહી છે, અત્યાર સુધીની તમારી આ જર્ની?” નીરજાએ જાણવા ચાહયું.
“it’s a beautiful journey. I am enjoying my journey as you are enjoying your journey. I am enjoying every moments of this beautiful journey.”
“oh, really ! how great it is.” વ્યોમા ખુશ થઈ ગઈ.
“લાઈફ પણ એક જર્ની જ છે, અને તે પણ ખૂબ સુંદર જર્ની છે.” નીરજાએ પોતાનો મત વ્યક્ત કર્યો.
વેદ કશું જ ના બોલ્યો. તેના હોઠો પર મૌન અને સ્મિત એક સાથે હતા. નીરજા પણ સ્મિત આપતી મૌન બની ગઈ. પણ, વ્યોમા આજ બોલવા અને સાંભળવાના મિજાજમાં હતી. મૌનના મિજાજમાં નહીં.
“તમે આ જંગલમાં વર્ષોથી રહો છો. આ જંગલને તમે ખૂબ સારી રીતે ઓળખો છો. જંગલ પણ તમને ઓળખે છે. તો આ જંગલ વિશે કાંઈક કહો ને?” વ્યોમાએ નવો આગ્રહ કર્યો. નીરજાને પણ તે ગમ્યો.
પણ સૌથી વધુ, તે આગ્રહ વેદને ગમ્યો.
વેદ જંગલ તરફ એક નજર નાંખી કહેવા લાગ્યો,” આ હા હા... કેવું અદભૂત છે આ જંગલ?
સૌંદર્યની અમાપ સમૃદ્ધિ લઈને ઉભેલા વૃક્ષો. સાવ અડોઅડ ઊભા રહેતા આ વૃક્ષો. એક બીજાની ડાળીઓ એકબીજામાં ભળી જાય. કઈ ડાળ કયા ઝાડની છે, તે પણ નક્કી ના થઈ શકે એટલા એકબીજામાં એકાકાર થઈ જાય છે, આ બધા. જાણે એક જ શરીર લઈને જીવતા હોય આ બધા વૃક્ષો.
એક બીજાના હાથ પકડીને અનંત સાંકળ બનાવી ઉભેલા વૃક્ષો. હવાને પણ વચ્ચેથી નીકળવું હોય, તો વૃક્ષોને હાથ જોડીને વિનંતી કરવી પડે. અને વૃક્ષો જો રજા આપે તો જ હવા આરપાર જઇ શકે.
હવાનો ય શ્વાસ રૂંધી રાખે તેવા ગાઢ વૃક્ષો.
અહીં સુરજ ઊગે તો રોજ છે. પણ ધરતીને ભાગ્યે જ સ્પર્શી શકે છે તેનો તડકો. જો તેણે તેની પ્રિયતમા એવી અવનિને ચૂમવી હોય, તો આ વૃક્ષોની અનુમતી લેવી પડે. અને આ વૃક્ષો? એમ કાંઇ તરત અનુમતિ ના આપે. સૂર્યના કિરણોને પૂરેપૂરા હંફાવી દે, હરાવી દે, સૂર્ય હાર કબુલી લે, પછી જ તેના કિરણોને જમીન સુધી જવા દે, આ વૃક્ષો.
સૂર્ય ધરતીને માંડ માંડ સ્પર્શે, જરા સરખો પ્રેમ કરે, ત્યાં ફરી તેને અટકાવી દે આ વૃક્ષો. પ્રેમીઓના દુશ્મન વડીલો જેવા, આ વૃક્ષો.
વૃક્ષોથી ડરી ડરીને પ્રેમ કરે છે અહીં સુરજ તેની પ્રેયસી, ધરતીને. વૃક્ષોની નજર ચુકાવી, ચોરી છૂપીથી મુલાકાત કરી લેતા હોય છે, આ પ્રેમીઓ.
રૂંધાયેલા શ્વાસ લઈને જીવતી હવા, ક્યારેક વીફરે ત્યારે બદલો લેતી હોય તેમ, આ જ વૃક્ષોને ઉખાડી ફેંકે. તેની ડાળીઓને તોડી નાંખે. પાંદડાઓને ભોંય ભેગા કરી દે. સાવ અનાવૃત કરી દે, આ વૃક્ષોને. અને ત્યારે, એ જ સૂર્યના કિરણો ખુલ્લેઆમ પ્રેમ કરી લે ધરતીને. ત્યારે સાવ લાચાર થઈ પ્રેમીઓના મિલનને જોતાં રહેતા, આ વૃક્ષો.
જંગલ એટલે વૃક્ષોનું મહાનગર. પંખીઓ અને પ્રાણીઓની સોસાયટી.
આ જંગલ વિશે બોલવા બેસું, તો રાત આખી વિતી જાય. અને જંગલ પણ તેને શાંત ચિત્તે રાત આખી સાંભળ્યા કરે. પોતાના વખાણ કોને ના ગમે? જંગલને પણ એ જ રોગ છે, માણસ જેવો.” એક લાંબા સમય બાદ વેદ બોલતા અટક્યો.
નીરજા અને વ્યોમા હજુ પણ જંગલના ખયાલોમાં હતા. કોઈ નવી દુનિયામાં જઇ ચડ્યા હતા. થોડી ક્ષણો બાદ, તે કોઈ તંદ્રામાથી જાગ્યા.
“તો તમે આજ રાત અહીં જ રોકાઈ જાઓ ને? રાત આખી તમારા પાસેથી જંગલની વાતો સાંભળીશુ. અમને પણ ગમશે.” નીરજાના શબ્દોમાં આમંત્રણ હતું.
વ્યોમાએ પણ હકારમાં ડોકું હલાવ્યું.
“એ શક્ય નથી. સાંજ પડવા આવી છે, અને મારે મારા મકાન પર, મારા ખેતર પર ઘણા કામો બાકી છે. મારે તો જવું જ પડશે.“વેદે આમંત્રણનો અસ્વીકાર કર્યો.
“તમારું ઘર બાજુમાં જ છે, તો એક કામ કરીએ, અમો તમારી સાથે તમારા ઘર પર આવી જઈએ. રાત ત્યાં રોકાઈ જઈશું. તમારી વાતો પણ માણી શકાશે અને અમને ટેન્ટ કરતાં કદાચ વધુ સગવડ પણ મળી જશે.” વ્યોમાએ નવું આમંત્રણ જગાડી દીધું.
“ના. એ પણ શક્ય નથી.”
“કેમ?” બંને એક સાથે પૂછી બેઠા.
“ફરી બે કારણો. એક, કોઈ અજાણ્યા પુરુષના ઘરમાં, બે અજાણી છોકરીઓ રાત રોકાય તે ઉચિત નથી. અને બીજી વાત. તમે જંગલનો માર્ગ પસંદ કર્યો છે. તો જંગલના માર્ગે આવતા અનુભવો લેવા જ પડશે. તેનાથી છટકી ના જવાય. આ ટેન્ટ જ જંગલનો અનુભવ કરાવશે, મારૂ મકાન નહીં. હું નથી ઈચ્છતો, કે તમે તમારા માર્ગથી ભટકી જાઓ.”વેદ ઉભો થઈ ગયો.
“કદાચ કારણ જુદું છે, કોઈ તમારા અંગત એકાંતનો ભંગ કરે, એ તમે પસંદ નથી કરતાં, ખરું ને?” વ્યોમાએ એક ધારદાર પ્રશ્ન કર્યો.
તે કશું જ ના બોલ્યો. એક અવિસ્મરણીય સ્મિત આપી વેદ જવા લાગ્યો. નીરજા અને વ્યોમા તેને જતાં જોઈ રહ્યા.
“કેવો અદભૂત, કેવો પાગલ, છતાં કેવો જ્ઞાની !” નીરજા મનોમન બોલી. વ્યોમાએ તે સાંભળી લીધું,
તે પણ બોલી, “વેદ છે એનું નામ.”
બંને મૌન થઈ ગઈ. બંનેના મનમાં દોડતી હતી, રમતી હતી વેદની વાતો.
અને વેદ? તે હવા સાથે ભળી ગયો, જંગલમાં ક્યાંક ઓગળી ગયો, આંખોથી દૂર કોઈ અસ્તિત્વમાં વિલીન થઈ ગયો.
નીરજા અને વ્યોમાની આંખો હજુ પણ તે દિશામાં કશુંક શોધતી, સ્થિર થઈ ગઈ હતી.
પવનનો કોઈ તોફાની ટુકડો, તેઓને સ્પર્શીને વહી ગયો. કોઈ વાદળીના આંખેથી સરકતા ટિપાઓ, વર્ષાની બુંદ બનીને, બંનેના ગાલને ભીંજવી ગયા.