એક પતંગિયાને પાંખો આવી Chapter-6 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી Chapter-6

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 6

વ્રજેશ દવે “વેદ”

નવા વર્ષની સાંજ ! ઢળતી સાંજના 8.30 વાગ્યાનો સમય.

સમગ્ર સોસાયટીમાં અનેરો ધબકાર પ્રસરી રહ્યો હતો. એક જીવંતતા તરફ ક્ષણો સરકી રહી હતી. સૌ સભ્યો સપરિવાર ધીરે-ધીરે કોમન ગાર્ડનમાં પ્રવેશવા લાગ્યા.

ખુલ્લા ગાર્ડનમાં ખૂબ સુંદર લાઇટો ગોઠવાયેલી હતી. રંગબેરંગી પ્રકાશ પવન સાથે તાલ મિલાવી વહી રહ્યો હતો. વચ્ચોવચ્ચ પાણીના ફુવારામાંથી પાણી ઉછાળા મારતું હતું. ઊછળતા પાણીની મસ્તીને, તેના સુંદર વળાંકોને માણવા, તેની આસપાસ બેસી ગયેલી રંગીન લાઇટો, એક નિયમિત ક્રમ પ્રમાણે પ્રકાશ પરીવર્તન કરીને સુંદર દ્રશ્યો સર્જતી હતી. પાણીની વાછટો અને લાઇટો જાણે એકાકાર થઈ ગયા.

થોડી ઊંચાઈએ બાંધેલા સ્ટેજ પર એક ખૂણામાં મ્યુઝીક સિસ્ટમ હતી. તે સંગીતના ધીમા ધીમા પણ કર્ણપ્રિય સૂરોને રેલાવતી હતી. વાતાવરણને રોમાંટિક બનાવવાનો પ્રયાસ કરી રહી હતી.

લોકો આવવા લાગ્યા. સુંદર અને નવિન વસ્ત્રોમાં સૌ પોતપોતાના વ્યક્તિત્વને અનુરૂપ તૈયાર થયા હતા. ચહેરાઓ પર સ્મિતનું સામ્રાજ્ય હતું.

એકબીજાને મળવા લાગ્યા, હાથ મિલાવવા લાગ્યા, આલિંગન આપવા લાગ્યા. શુભેચ્છાઓનો વરસાદ વરસાવતા માનવ સમુદાયના વાદળો !

મેડમ ફિલોમીના પણ આવી ગયા. તેણે સુંદર દક્ષિણ ભારતીય સાડી પહેરી હતી. લાંબા કાળા વાળમાં મોગરાની વેણિ ભરાવી હતી. તે મૂળ કેરળના રહેવાસી. અમદાવાદની કોઈ કોલેજમાં પ્રોફેસર હતા. અંગ્રેજી સાહિત્ય ભણાવતા હતા. પોતે પણ વાર્તાઓ લખતા. તેને ગાર્ડન ખૂબ ગમતો અને તેમાં પણ પાણીના ફુવારા વધૂ ગમતા. તે સીધા જ રંગીન ફુવા પાસે પહોંચી ગયા.

મી. બોઝ ત્યાં પહેલેથી જ હાજર હતા. તે પણ કોઈ કોલેજમાં વિજ્ઞાન ભણાવતા હતા. મી. બોઝ, મેડમ ફિલોમીનાને પસંદ કરતાં હતા. મેડમ ફિલોમીનાને પણ તે ખબર હતી. તેઓ વચ્ચે છુપા સ્નેહની આપલે થતી રહેતી.

“હેપી ન્યુ યાર, મેડમ.” મી. બોઝે ફિલોમીનાને અભિનંદન આપ્યા. મેડમે એક મોહાક સ્મિત આપ્યું. બંને રંગીન ફુવારાઓને જોતાં રહ્યા.

“કેટલી સુંદર લાગે છે, પાણીની ઉઠતી એક એક લહેરો !” ફિલોમીનાએ સાહિત્યની ભાષામાં વાત કરી. મી. બોઝે પણ એને એ જ મૂડમાં જવાબ આપ્યો,” લહેરોના એક એક વળાંકો કેટલા સુંદર છે. જાણે કોઈ યૌવનાના દેહ લાલિત્યના વળાંકો !” બોઝે ફિલોમીનાની આંખમાં નજર નાંખી. તે શરમાઇ ગઈ. બંને પાણી અને લાગણીના ફુવારા સાથે એકાંત માણતા રહ્યા. તેઓ પોતાના વિશ્વમાં વસી ગયા.

બીજા બધા પણ આવવા લાગ્યા. ઔપચારિકતા વ્યાપી ગઈ સમગ્ર બાગમાં.

વડીલોના નાટકીય વ્યવહારથી સાવ અલગ, સૌ બાળકો પોતાની મસ્તીમાં કોઈ ખૂણે ગોઠવાઈ ગયા હતા. તદ્દન સ્વાભાવિક રીતે હસતા, ગાતા, રમતા, વાતો કરતાં હતા. મોટાઓથી અલગ વિશ્વનું તેમણે સર્જન કરી લીધું હતું.

અલગ અલગ વિશ્વનું સહઅસ્તિત્વ સર્જાયું હતું, એક જ જગ્યાએ !

એક જ વિશ્વમાં કેટકેટલા વિશ્વો સર્જાતા હોય છે? આપણને ફુરસત જ ક્યાં છે તેની નોંધ લેવાની? તેને જોવાની? તેને માણવાની?

શુભેચ્છાઓનો વરસાદ વરસાવતા માનવ સમુદાયના વાદળોનું પાણી ખૂટી ગયું. ફરી કોરાકટ ! ફુવારાનું અને મી. બોઝ, મેડમ ફિલોમીનાનું પાણી હજુ પણ વહેતું હતું.

ઔપચારિકતાઓ પતાવી મોટાઓ પોતપોતાના નાના નાના, સંકુચિત ગ્રુપ બનાવવા લાગ્યા. ખોવાઈ ગયા દુનિયાભરની વાતોની ચર્ચાઓમાં.

કોઈનું પણ ધ્યાન ન હતું કે –

ફુવારાનું પાણી ઊછળી રહ્યું હતું ,

પ્રકાશ તેની મનમોહાક અદાઓમાં વાતાવરણને રંગીન બનાવી રહયો હતો,

સંગીત તેની માદકતા રેલી રહ્યું હતું,

મોડી સાંજનો ખુલ્લા ગાર્ડનમાં વહેતો કારતક માસનો પવન, કામુક થયો હતો.

વહેતો પવન કોઇની ખુલ્લી લટોને, તો કોઈના પાલવને અડીને મસ્તી કરતો હતો. તેને મજા પડતી હતી જાતજાતના લોકોને સ્પર્શીને, પોતાની પણ અહીં હાજરી છે તેનો અહેસાસ કરાવવાની !

પણ, કોને પડી હતી આ બધાની ?

ત્યાં પેલા બાળકોનું ટોળું બેચેન થવા લાગ્યું. તેઓ અહીંની હવામાં ગૂંગળાવા લાગ્યા.

કારણો ? આમ જોવા જઈએ તો સાવ સીધા અને સ્પષ્ટ !

એક, વડીલોની અલગ દુનિયા.

બે, બધું જ ઔપચારિક, બધું જ કૃત્રિમ. કશું ય સ્વાભાવિક નહીં, સહજ નહીં.

ત્રણ, ધીમું ધીમું વાગતું સંગીત. તેમાં મધુરતા તો હતી પણ તે ઠરેલ લાગતું હતું. તે કોઈ રોમાંચ જ્ગાવતું નહોતું.

બાળકોને તો જોઈતું હતું નાચતું, ઊછળતું, કૂદતું, ઝૂમતું અને સતત મોજ, મસ્તી, અને આનંદ કરાવતું સંગીત.

તેઓના તરવરાટ અને થનગનાટને પોષે તેવું સંગીત.

“આ શું ધીમું ધીમું સંગીત વાગ્યા કરે છે?” હર્ષ અક્ળાઈ ઉઠ્યો.

“હા, યાર ! મને તો ઊભા ઊભા જ ઊંઘ આવી રહી છે.“ આભાએ હર્ષની વાતને ટેકો આપ્યો.

“આ બંધ કરે તો સારું.” વ્રજથી ના રહેવાયું.

“પણ આને બંધ કોણ કરાવે?” નીરજાએ પણ નારાજગી વ્યક્ત કરી.

વ્યોમા ચૂપચાપ સંગીત વાગતું હતું તે દિશામાં ગઈ.

ત્યાં એક DJ સંગીતની સિસ્ટમને કંટ્રોલ કરી રહ્યો હતો. તે લગભગ 30/32 વર્ષનો હતો. તેની આંખમાં એક રુઆબ છલકી રહ્યો હતો. વ્યોમાએ તેની સામે નજર કરી. બંનેની આંખો મળી. વ્યોમાએ એક આછેરું સ્મિત આપ્યું. પેલાની મુખમુદ્રામાં કોઈ જ ફેરફાર ન થયો પણ આંખથી વ્યોમાના સ્મિતનો સ્વીકાર કરતો હોય તેમ પાંપણો જરા નમાવી અને ફરી એ જ સ્થિતિમાં.

વ્યોમાને લાગ્યું કે આ માણસ પાસે ધાર્યું કામ નહીં કરવી શકાય. અણગમતું સંગીત બંધ કરાવીને મનગમતું અને મસ્તી ભર્યું સંગીત ચાલુ નહીં કરાવી શકાય.

થોડી વાર તે એમ જ ઊભી રહી. ડીજેને નિહાળતી રહી. વિચારતી રહી કે આ માણસને કેમ કરીને પટાવી શકાય. તેને કશું જ ન સૂઝયું. અંતે તેણે વિચાર પડતો મૂક્યો. તે પાછી વળવા લાગી.

નીરજા સતત વ્યોમાને નીરખી રહી હતી. તેણે વ્યોમાને પાછી ફરતા જોઈ. તેને સમજાઈ ગયું કે વ્યોમાએ હાર માની લીધી છે. તેણે મનમાં નિર્ણય કરી લીધો. હવે મારો વારો.

તે તરત જ પહોંચી ગઈ ડીજે પાસે.

“અંકલ, કેમ છો? હેપી ન્યુ યર.” નીરજાએ સ્મિત આપ્યું.

“મજામાં. હેપી ન્યુ યર, બેટા.“ ડીજેએ જવાબ આપ્યો. સાથે સ્મિત પણ.

“સંગીતનો ખૂબ મોટો ખજાનો હશે ને, તમારી પાસે?”

“હા, ખૂબ વિશાળ કલેકશન છે.”

“જૂના, નવા, ગઝલ, ભજન, .. વગેરે વગેરે બધું જ?”

“હા, બધું જ. અમારે તો બધું રાખવું જ પડે.”

“વેસ્ટર્ન ખરું?”

“હા, ખરું ને.” ડીજેએ ઉત્સાહ બતાવ્યો.

“કોણ કોણ છે તમારા કલેકશનમાં?” નીરજાએ જાણી લીધું કે તીર નિશાના પર લાગી રહ્યું છે.

“લગભગ બધા જ. MJ, બ્રિટની, મેડોના, શાકીરા, યાની, જોન બોન, વગેરે બધા જ...”

“તો એમાનું કશુંક વગાડો ને?” નીરજાએ લાગ જોઈને પ્રસ્તાવ મૂકી દીધો.

“બેટા, અહીં આ બધાને આ પ્રકારનું ધીમું સંગીત ગમે છે. બધા તેને કેવા શાંતિથી માણી રહ્યા છે. તો તે સંગીત બંધ ના કરાય.” ડીજેએ પોતાની વિવશતા કહી.

“અંકલ, મને લાગે છે કે આ લોકો સંગીત નથી સાંભળી રહ્યા. સૌ પોતપોતાની વાતોમાં મશગુલ છે.”

“તો?”

“કશું જ નહીં. થોડી વાર આ સંગીતને ધીમું, ખૂબ ધીમું કરી નાંખો. અને પછી સાવ બંધ.”

“તો તો આ બધા મને...”

“કોઈને ખબર પણ નહીં પડે કે સંગીત ધીમું પડીને બંધ થઈ ગયું છે.”

“ઓ કે. પણ કોઈ બબાલ થાય તો જવાબદારી મારી નહીં.”

“કોઈ વાંધો નહીં. હું તે સંભાળી લઇશ. અને પછી ધીમે ધીમે વેસ્ટર્ન મ્યુઝિક ચાલુ કરી દેજો.”

ડીજેએ સંગીતનું વોલ્યુમ ઘટાડી નાંખ્યું. ઘટાડતો ગયો. અંતે સાવ બંધ કરી દિધું.

કોઈને કાંઇ જ ખબર ના પડી. લગભગ એક થી દોઢ મિનિટનો સમય વિતી ગયો. કોઈએ કાંઇ જ પ્રતિક્રિયા ન આપી. બધા જ વ્યસ્ત હતા પોતપોતાના વર્તુળમાં ! પોતપોતાના વિશ્વમાં ! સંગીતના અસ્તિત્વની તેઓને કોઈ જ પરવા ન હતી.

બે મિનિટનો સમય વિતી ગયો. નીરજા ખુશ થઈ ગઈ. ચપટી વગાડીને ચડી ગઈ સ્ટેજ પર. માઇક હાથમાં લઈ લીધું,”હેલ્લો, ઓલ એન્ડ વન. મે આઇ હેવ યોર અટેન્શન પ્લીઝ.”

નીરજાનો અવાજ વાતાવરણમાં સુગંધની જેમ પ્રસરીને બધાના કાનમાં અથડાયો. અચાનક જ કોઈ તંદ્રામાંથી જાગ્યા હોય તેમ સૌ અવાજની દિશામાં ફરી ગયા. પોતપોતાના વિશ્વને છોડીને કોઈ અજાણ્યા સ્થળે આવી ગયાનો તેઓને ભ્રમ થવા લાગ્યો. ઘણાને પોતાની વાતોમાં રસભંગ થયાનો અહેસાસ થવા લાગ્યો. છતાંય સૌએ નીરજા તરફ ધ્યાન ફેરવ્યું. બાળકોની ટોળી પણ હવે નીરજા પાસે આવી ગઈ.

નીરજાએ સૌના ચહેરા ધ્યાનથી જોયા અને પારખી લીધું કે ઘણા ચહેરાઓએ નારાજગી પહેરી લીધી છે. સમયની નાજુકતા તેણે પારખી લીધી. તેણે આવું ધાર્યું જ હતું. તે માટે તે તૈયાર જ હતી.

“વડીલોને પ્રણામ, સૌને હેપી ન્યુ યર, નુતન વર્ષાભિનંદન, સાલ મુબારક.” અવાજમાં શક્ય એટલી આત્મીયતા અને વિનમ્રતા ભેળવી દીધી.

જવાબમાં અનેક આવજોએ એકસાથે કહ્યું,”સાલ મુબારક.”

ઘણાં તંગ ચહેરાઓ હળવા થઈ ગયા.

“થેન્ક્સ ટુ ઓલ.” નીરજાએ સ્મિત સાથે આભાર વ્યક્ત કર્યો.

લગભગ બધા જ ચહેરાઓ હવે સ્મિત લઈને ઊભા હતા. નીરજાએ તક ઝડપી લીધી. “નવા વર્ષની પાર્ટીમાં કાંઈક નવું, મસ્તી ભર્યું કરીશું?” કહી ધમાલ મસ્તી કરવાની પરવાનગી માંગી લીધી.

બધા જ એકી અવાજે બોલી ઉઠ્યા,” હા,... હા...”

“તો, આપ સૌ તૈયાર છો... મસ્તી કરવા? ધમાલ મચાવવા ?”

“હા... પણ... શું કરીશું....? કેવી ધમાલ કરીશું?...” અનેક અવાજોએ નીરજાને પ્રેરિત કરી ધમાલ કરવા માટે. એ અવાજોના આંખ અને કાન પ્રતિક્ષા કરવા લાગ્યા નીરજાના શબ્દોની, મસ્તી ધમાલના પ્લાનની.

”તો ...તો... આપણે ...” નીરજાના શબ્દોમાં અનિશ્ચિતતા સ્પષ્ટ વર્તાવા લાગી.

તેના મનમાં ખરેખર ધમાલ કે મસ્તી કરવાની કોઈ જ યોજના ન હતી. કારણ ? બસ એટલું જ કે તેણે ધારી જ લીધું હતું કે ધમાલ મસ્તીના નામથી જ સૌ નારાજ થઈ જશે અને ગુસ્સો પણ કરશે. ના જ પાડી દેશે આવું કશું ય કરવાની.

પણ, તેની ધારણા ખોટી પડી. સૌએ એકી અવાજે ધમાલ–મસ્તીની માંગણી કરી નાંખી. સિલેબસ બહારનો પ્રશ્ન પૂછાયો હોય અને વિદ્યાર્થિની જે હાલત પરીક્ષા ખંડમાં થાય, તેનાથી પણ કફોડી હાલત થઈ રહી હતી નીરજાની, આ ખુલ્લા બાગમાં.

પરીક્ષા ખંડમાં તો કોઈ જોવા વાળું પણ ના હોય, માત્ર વિદ્યાર્થિએ જ અનુભવ કરવાનું હોય. એકલા, એકલા. પણ અહીં તો તે ખુલ્લા મેદાનમાં હતી, અને સામે અસંખ્ય લોકો. તે બધાના આંખ અને કાન મંડાયા હતા નીરજાની તરફ !

નીરજા ફસાઈ ગઈ હતી પોતાના જ શબ્દોમાં, પોતાની જ યોજનામાં. તે બધાના આકર્ષણનું કેન્દ્ર બનવાને બદલે મજાકનું કેન્દ્ર બની ગઈ.

તેણે ઝડપથી મનમાં નક્કર વિચારવા માંડ્યુ. તે વિચારવા પણ માંગતી હતી અને તે માટે સમય પણ લેવા માંગતી હતી. તો સામે ઉભેલા સૌ તેને સમય આપવાના મૂડમાં જરાય ન હતા.

તેના વિચારો અસ્પષ્ટ હતા. કોઈ જ કડી બંધ બેસતી ન હતી. તેના શબ્દો પણ અસ્પષ્ટ અને લય ખોઈ રહ્યા હતા. પણ એમ હાર મને તેમ ન હતી નીરજા.

તેણે તરત જ પોતાના વિચારો અને શબ્દો પર કબ્જો મેળવી લીધો. આફતને અવસરમાં ફેરવતી હોય તેમ સમગ્ર વાતને, તાકી રહેલી સૌ નજરો તરફ વાળી દીધી.

સ્વસ્થ અને મક્કમ અવાજે તે બોલવા લાગી,”તો... તમારામાંથી કોઈ ગેસ કરી શકશે કે ... આપણે આજે શું ધમાલ-મસ્તી કરીશું? જે હંમેશા યાદ રહી જાય ! એની ગેસ?” એ સાથે જ સમગ્ર પરિસ્થિતિને પોતાના પક્ષમાં પલટાવી નાંખી.

હાજર તમામ મગજમાં અનેક રમતો રમવા લાગી, પણ કોઈ જ વ્યક્તિ નીરજાના આ પ્રશ્નનો જવાબ ન આપી શકી. બે ચાર પળ માટે નીરવતા વ્યાપી ગઈ. સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. ધમાલ અને મસ્તીની વાત સાંભળીને થનગનાટ વ્યાપી જવો જોઈએ પણ અહીં તો તેથી ઊલટું થઈ ગયું. નીરવતા હવે લંબાતી જતી હતી. સૌ ચૂપ હતા.

લંબાતા જતા મૌને વ્યાકુળતા અને વ્યગ્રતા વધારી દીધી. તેમાંથી જ ધીમો ધીમો ગણગણાટ શરૂ થયો, વધતો ગયો. પણ કોઈ નક્કર વાત બની નહીં.

“એની ગેસ? એની વન? “ નીરજાનો અવાજ હવે તોફાની થઈ ગયો. તેને હવે સમજાઈ ગયું કે સમગ્ર પરિસ્થિતી તેના સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ સમયની ક્ષણો પર તેનું જ રાજ ચાલી રહ્યું છે. તેના રમતિયાળ પુનરાવર્તિત શબ્દોથી ફરી લોકોનું ધ્યાન તેના તરફ ગયું.

“ના. વિ હેવ નો આઇડિયા ...” અનેક આવજો એક જ વાત કરવા લાગ્યા.

“ખરેખર? તમારામાંથી કોઈને કોઈ જ આઇડિયા નથી?”

“ના ... તું શું કરવા માંગે છે તે અમને નથી ખબર ...”

“ઓહ, તો એમ વાત છે? વાહ ! આપણને બધાને મસ્તી તો કરવી છે પણ કેમ કરવી એ ક્યાં કોઈને પણ ખબર છે? આપણે આવી જ જીંદગી જીવી રહ્યા છીએ.”

“નીરજા, તું જ હવે કહી દે કે શું યોજના છે?” ભરતે બધા વતી જવાબ આપી દીધો.

“ઓ કે. ધમાલ કે મસ્તી માટેની કોઈ યોજના મારા કે મારા કોઈ મિત્રોને પણ નથી... “ અને તે ખડખડાટ હસવા લાગી.

તેના હાસ્યથી વાતાવરણ ફરી જીવંત બની ગયું. સૌએ હસવામાં નીરજાને સાથ આપ્યો. અનેક હોઠો હસતાં હતા... સાવ સાચું હસતાં હતા. આજની સાંજનું પહેલું, સાવ સાચું હાસ્ય ગુંજવા લાગ્યું.

દીપેન મંચ પર ચડી ગયો અને માઇક પર જાહેર કરવા લાગ્યો,” મિત્રો, ભોજનનો સમય થઈ ગયો છે, વહેતી સુગંધ પણ કહી રહી છે કે ભોજન તૈયાર છે. તો, સૌ પહેલાં આપણે જમી લઈશું? ત્યાર બાદ મોડે સુધી ધમાલ – મસ્તી પણ કરીશું. જમ્યા પછી કેવી મસ્તી-ધમાલ કરવી તે નીરજા અને તેના મિત્રો નક્કી કરશે. તો બાળકો, સૌ જમી લે ત્યાં સુધી તમો પણ જમી લો અને ફટાફટ કોઈ મસ્ત યોજના પણ બનાવી લો. બોલો બાળકો, તૈયાર છો?”

એકી અવાજે સૌ બાળકોએ જવાબ આપ્યો,”હા... આ આ ..” બાળકોને સમય અને રાહત મળી ગયા.

“તો પહેલાં જમી લઈશું?”

બધા ભોજન કરવા લાગ્યા. સૌ બાળકોએ વિચારવા માટે જમવાનું હાલ પૂરતું ટાળી દીધું.

તેઓ ક્લબ હાઉસમાં ગોઠવાઈ ગયા અને વિચારવા લાગ્યા.

ગોળ ટેબલ ફરતે આઠ બાળકો બેસી ગયા. સૌના મોઢા કોઈ ગંભીર સમસ્યાને ઉકેલવા મથતા હોય તેમ ચિંતાગ્રસ્ત હતા. બધાના હાથમાં પેન અને કાગળ હતા. તેઓ તેમાં કશુંક નોંધતા રહ્યા. નોંધીને ભૂંસતા ગયા. ખૂબ મથવા છતાં કોઈ નિષ્કર્ષ પર નહોતા આવી શકતા.

જીત, વ્યોમા, વ્રજ, હર્ષ, નીલા, આભા, અનુજ અને નીરજા. તેઓ બાળકોને બદલે વિશ્વની કોઈ ગંભીર બાબતે ચર્ચા કરવા માટે ભેગા થયેલા, વિશ્વની આઠ મહાસત્તાના પ્રમુખ હોય તેવા લાગતા હતા.

હવે સૌના મનમાં ઉચાટ અને આક્રોશ રમવા લાગ્યા. પોતાની જાત પર જ સૌને ગુસ્સો આવવા લાગ્યો.

અંતે ધીરજ ખોઈને અનુજ બોલ્યો,”નીરજા, આમ ક્યાં સુધી આપણે બેઠા રહીશું? કાંઈક તો જવાબ આપવો પડશે ને?”

“હા, આપણે એ જ તો કરી રહ્યા છીએ....”નીરજાના આ જવાબથી નીલા ચિડાઇ ગઈ,” નીરજા, આ બધું તારા કારણે થઈ રહ્યું છે. તારે શી જરૂરત હતી મસ્તી-ધમાલ કરાવવાની? બહુ ડાહી થઈને ચડી ગઈ મંચ પર અને કહી દીધું કે ચાલો મસ્તી કરીએ. હવે તું જ શોધ કોઈ નવી મસ્તી...”

“હું તો પેલા ધીમા સંગીતથી કંટાળી ગયેલી. મને ક્યાં ખબર હતી કે વાત આખી બદલાઈ જશે.”

“ને પછી તારા પપ્પાએ કહી દીધું, કે જાઓ તમને ગમતી મસ્તી અને ધમાલનું લિસ્ટ બનાવી આવો.” આભાએ પણ નીરજા પર આક્રમણ કરી દીધું.

“તો એમાં સમસ્યા શું છે?” જીતે પ્રશ્ન કર્યો.

“સમસ્યા એ છે કે આપણને ધમાલ મસ્તી કરવી ગમતી હોવા છતાં હાલ કઈ ધમાલ મસ્તી કરવી એ નક્કી નથી કરી શકતા.” વ્યોમાએ સમસ્યાની ગંભીરતા પ્રકટ કરી.

ક્યારનો ય ચૂપ રહેલો હર્ષ અકળાઇ ગયો,”નીરજા, આ તે કેવી ચાલકી તારા પપ્પાની? આપણને ખુશ કરવા માટે ધમાલ મસ્તીની હા પણ પાડી દીધી અને આપણે જ ગંભીર થઈ જઈએ એવી ચેલેન્જ પણ આપી દીધી.”

“અને આપણે સૌ, સદાય તોફાન-મસ્તી કરતાં, ધમાલ કરતાં હતા તે બેસી ગયા ધમાલ –મસ્તીનું લિસ્ટ કરવા?”

“અને આપણે પોતે જ ભૂલી ગયા ધમાલ મસ્તી કરવાનું.”

“આના કરતાં તો વગર વિચાર્યે, જ્યારે જે સૂઝતું તે ધમાલ મસ્તી કરી લેતા હતા. તેમાં કેવી મજા પડતી હતી !”

“છોડો હવે. આપણાથી આ લિસ્ટ-બિસ્ટ નહીં બને.”

સૌ ફરી મૌન બની ગયા. ગંભીર બની ગયા. ત્યાં તો ખડખડાટ હસવાના અનેક આવજો, સૌ ગંભીર બની બેઠેલા બાળકોના કાને પડ્યા.

સૌનું ધ્યાન તે તરફ ગયું. સૌ વડીલો તેઓની આ ગંભીર ચેષ્ટા પર હસતાં હતા.

સૌ સ્તબ્ધ !

બાળકોને કશુંય ના સમજાયું કે આ શું થઈ રહ્યું છે !

એક, ખૂબ ભૂખ લાગી છે.

બે, કશીય મસ્તી કે ધમાલ સૂઝતી નથી.

ત્રણ, સૌ વડીલો તેના તરફ હસી રહ્યા છે.

ચાર, ભોજનની સુગંધ નાકને ઉશ્કેરી રહી છે.

પાંચ, થાક અને કંટાળો વીંટળાઇ ગયો છે.

જાણે ઉછળતા મોજાના દરિયા વચ્ચે ફસાઈ ગયેલી નાવના મુસાફરો.

સૌના ચહેરા જોઈ દીપેને કહ્યું,”ચાલો સૌ પહેલાં જમી લો. તમારા સિવાય બધા જ જમી ચૂક્યા છે.”

“તો આ ચેલેન્જ શું છે? અમને કોઈ મસ્તી....”

“છોડો એ બધું. એ તો તમારી સાથે મેં કરેલી એક નાની-સી ધમાલ છે, મસ્તી છે, મજાક છે...” અને દીપેન હસવા લાગ્યો.

“એટલે?” સૌ બાળકો પૂછી બેઠા.

સસ્મિત દીપેને જવાબ આપ્યો,” એટલે કે તમને આ ચેલેન્જ આપીને તમને વ્યસ્ત કરી દીધા. તમે લોકો વ્યસ્ત રહયાં, ત્યાં સુધીમાં સૌ જમી પરવાર્યા. અને હા, આમ ક્યારેય વિચારીને કોઈ ધમાલ, મસ્તી ન થાય. એ તો સહજ હોય. અચાનક જ થાય, તે મસ્તી. સમજી વિચારી અને ગણતરીપૂર્વક થાય તે મસ્તી નહીં, ષડયંત્ર બની જાય. તેમાં આનંદ ના હોય. માટે દોસ્તો, જ્યારે પણ મસ્તી કરવાનું મન થાય ત્યારે તરત જ કરી લેવી. વિચારવા અને લિસ્ટ બનાવવા ના બેસાય. મારી જેમ તરત જ કરી લેવાય. તો બોલો, કેવી મજા પડી મારી આ મસ્તીમાં?”

સૌને સમજાઈ ગયું કે તેઓ ઉલ્લુ બની ગયા છે. પણ હવે શું?

આવી મસ્તી નીરજાના પપ્પા કરી લેશે અને એ મસ્તીના ભોગ આપણે સૌ બનીશું એવું તો ધારેલું જ નહીં. સૌ મનોમન રોષે ભરાયા.

“તો ચાલો સૌ જમી લઈએ.“

“મતલબ?”

“હું પણ તમારી સાથે જ જમીશ. મારે પણ જમવાનું બાકી છે. તમે ભૂખ્યા હોવ અને હું જમી લઉં એવું તો ન જ બને. ચાલો.”

સૌ જમવા લાગ્યા. બાકી બધા સૌ પોતપોતાને ઘેર ગયા. જમ્યા પછી કોઈને મસ્તીમાં રુચિ ન રહી.

જમતા જમતા દીપેને સૌ બાળકોને હસાવવા પ્રયાસ કર્યો. પણ ખાસ સફળતા ના મળી.

********

રાત વિતી ગઈ. મસ્તીનો માહોલ પણ.

રજાની મજા માણતા સૌ સૂતા હતા. પણ પેલા આઠ જણાને કોઈ ચિંતા હતી, નિરાંત ન હતી. કદાચ આખી રાત તેઓ સૂતા જ નહીં હોય.

હજુ તો સવારનો પહેલો પ્રહર પણ શરૂ થયો ન હતો. પૂર્વના આકાશમાં હજુ પણ અંધકાર જમાવટ કરીને બેઠો હતો. પેલા આઠે જણના મનમાં પણ પ્રકાશ નહતો થઈ શકતો.

રાતની ઘટના બાદ સૌના મનમાં રંજ હતો. એટલે જ તો સવારના આગમન પહેલાં જ સૌનું આગમન થઈ ગયું હતું.

કાલે રાત્રે છૂટા પડતી વખતે કોઈએ કોઈને, કોઈ જ સંકેત નહોતો આપ્યો, છતાંય બધા સ્વયંભુ જ વહેલી પરોઢે એક જ જગ્યાએ ભેગા થઈ ગયા હતા.

કેવો તાલમેલ હશે એમના મનના તારનો, એક-બીજા સાથે?

સૌ સાથે હતા પણ સૌ મૌન હતા. સૌ એક જ દિશામાં જોઈ રહ્યા હતા. તે દિશામાં આભાની દાદી લીલા ઘાસ પર ઉઘાડા પગે ચાલી રહ્યા હતા. વહેલી સવારે આ રીતે જ ચાલવાનો તેનો નિત્ય ક્રમ.

પણ આ રીતે બાળકોને વહેલી સવારમાં જોઈને તેને આશ્ચર્ય થયું. તેની પારખુ નજરે જાણી લીધું કે બાળકો નક્કી કોઈ વાતે વિચલિત થયા છે, disturbed છે.

તેણે પોતાનો નિત્ય ક્રમ છોડી દીધો. બાળકો પાસે જઈને વાતો કરવા લાગી. થોડી જ વારમાં બાળકો દાદી જોડે ભળી ગયા. વિતેલી રાતના દુખને ભૂલી ગયા.

પૂર્વમાંથી ધીરે ધીરે લાલ-મોટો સુરજ પણ સૌ સાથે દોસ્તી કરવા આવી ગયો. ઊગતા સૂરજને દાદીમા પગે લાગ્યા. તેનું જોઈને બધા બાળકો પણ સૂર્યદેવને પ્રણામ કરવા લાગ્યા. અનુજે પ્રણામ કરવાને બદલે તેના મોબાઇલમાં ઊગતા સૂરજની અદભુત ક્ષણોને કેદ કરી લીધી. ત્રણેક મિનિટનો વિડિયો શૂટ કરી સેવ કરી લીધો.

દાદી અનુજની નજીક ગયા. માથે હાથ ફેરવી કહેવા લાગ્યા,” બેટા, સુરજ દાદાને પ્રણામ કરી લે.”

“કેમ, દાદી?”

“ઊગતા સૂરજને પ્રણામ કરવાથી આપણો દિવસ સૂર્યની શક્તિથી ઉર્જાવાન બને છે. સુરજ જીવન માટે જરૂરી પ્રકાશ અને ઉર્જા આપે છે. તેનામાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આપણી ધરતી માટે સૂરજનું મહત્વ તમે વિજ્ઞાનમાં તો ભણી જ ગયા છો. તેવા સૂરજને નમન કરી તેનો આભાર માનવાનું કેમ ભૂલાય? એટલે જ રોજે રોજ ઊગતા સૂરજને પ્રણામ કરવા જોઈએ.”

“ભલે દાદીમા.” અનુજે પણ પ્રણામ કર્યા.

********

સુરજ આકાશમાં ઉપર ચડવા લાગ્યો. સાંજ ચાલવા લાગી ઢળી જવા તરફ. અજવાળું ધીરે ધીરે પોતાની પાંખોને સંકોરવા લાગ્યું. પશ્ચિમના આકાશમાં ગુલાબી અને નારંગી રંગોના મિશ્રણથી દોરાયેલી સુંદર રેખાઓ ફેલાઈ ગઈ. મનને આકર્ષવા લાગી.

એ જ બાગમાં અત્યારે પણ દાદીમા અને સૌ બાળકો પોતપોતાની મસ્તીમાં મસ્ત અને વ્યસ્ત હતા. અચાનક દાદીમાએ સૌને પોતાની પાસે બોલાવ્યા. બધા દોડીને આવી ગયા. હીંચકા પર બેઠેલા દાદીમાની આસપાસ ગોઠવાઈ ગયા. સૌ ચહેરા પર પ્રશ્નાર્થ ચિન્હ ઉપસી આવ્યા.

“એ કહો કે આકાશમાં શું દેખાય છે, તમને?” દાદીમાએ સૌને પશ્ચિમ તરફ આકાશમાં જોવા કહ્યું. બધી નજરો ત્યાં દોડી ગઈ.

“સુરજ ઢળી ગયા પછીના રંગો.”

“રંગીન લીસોટાઓ”

“આકાશની સ્વચ્છતાને બગાડતાં રંગો.”

“ઉડતા પંખીઓ.”

“પેલો ચમકતો તારો.”

“કોઈક ભૂલું પડી ગયેલું વાદળું.” અનુજ, હર્ષ, નીલા આભા, વ્રજ અને જીતે પોતપોતાની નજરે જે જોયેલું તે કહ્યું.

“મને તો આ બધું જ એક સાથે દેખાય છે.” વ્યોમાએ કહ્યું.

“એક સાવ આછેરો, ઉગીને આથમવા અધિરો થયેલો ચંદ્ર પણ દેખાય છે મને.” નીરજાએ ચંદ્ર તરફ આંગળી ચીંધી.

“ખૂબ જ સરસ બાળકો. એક જ આકાશમાં કેટલું બધું છે, અને એ પણ એક સાથે ! ખરું ને?” દાદીમાની વાત સૌ ધ્યાનથી સાંભળવા લાગ્યા.

“હા, સાચી વાત છે.” સૌએ હા પાડી.

“આટઆટલું પ્રકૃતિએ આપણને આપ્યું છે, છતાંય આપણે ક્યારેય તેની તરફ ધ્યાન નથી આપતા. પણ, આનંદની વાત છે કે તમે અલગ અલગ વસ્તુઓને જોઈ અને નોંધી પણ ખરી. હવે એક ખાસ વાત તમને જણાવું.”

“ખાસ વાત? એ વળી શું છે?”

“સવારે આપણે સૂર્યના મહત્વને સમજ્યા એમ અત્યારે ચંદ્રના મહત્વને પણ સમજવું જોઈએ. ચંદ્રનો પણ આપણાં દૈનિક જીવનમાં મહત્વનો ફાળો છે. સમુદ્રની ભરતી અને ઓટ પણ ચંદ્રને આભારી છે. આ બધું તમે ભણી ગયા છો. ખરું ને ?”

“હા... પણ ખાસ વાત શું છે? “

“આજનો ચંદ્ર એ બીજનો ચંદ્ર છે. આજથી હવે રોજે રોજ તેનું કદ થોડું થોડું વધતું જશે. પુનમને દિવસે આખો ચંદ્ર દેખાશે. ચંદ્રના વધવાના પંદર દિવસોને અજવાળિયા કે શુક્લ પક્ષ કહેવાય. પુનમ બાદ તે રોજે રોજ થોડો થોડો ઘટતો જશે અને અમાસને દિવસે પૂરેપૂરો ગાયબ. ઘટવાના આ દિવસોને અંધારિયા કે કૃષ્ણ પક્ષ કહેવાય. ચંદ્રની આ કળાઓનો ધરતી પર પ્રભાવ પડે છે.”

“વાહ દાદી, મજા પડી ગઈ. “

“આજનો બીજનો ચંદ્ર બહુ ઝડપથી આથમી જશે. ચાલો પહેલાં આ ચંદ્રને પ્રણામ કરી લઈએ.” દાદીમાએ ચંદ્રને પ્રણામ કર્યા. દાદીમાની જેમ બધાએ પણ પ્રણામ કર્યા, નીરજા સિવાય.

નીરજાએ પોતાના 16 mp કેમેરા સાથેના મોબાઇલમાં પાતળા પણ વળાંક વાળા ચંદ્રને કેદ કરી લીધો. પશ્ચિમ આકાશના સુંદર દ્રશ્યોને પણ ચાર મિનિટની ફિલ્મમાં સમાવી લીધા.

“નીરજા, તું પણ પ્રણામ કરી લે, ચંદ્ર હમણાં જ આથમી જશે.” દાદીમાએ હુકમ કર્યો.

નીરજા જરા જુદા મૂડમાં હતી,”મારે પ્રણામ નથી કરવા.”

“કેમ? સૂર્ય-ચંદ્રના ઉપકારનો આભાર માનવો એ આપણી ફરજ છે. તેની ભક્તિ તો કરવી જ પડે ને.”

“દોસ્તી પણ એક જાતની ભક્તિ જ છે ને?”

“હા, છે જ ને.”

“તો મને દોસ્તી વાળી ભક્તિ જ ગમે છે. અને મેં, તે ક્યારની ય કરી પણ લીધી.” નીરજાએ ચંદ્ર તરફ હાથ ઊંચો કર્યો,”હાય સ્વીટ મૂન, હાઉ આર યુ?”

સૌ તેની આ ચેષ્ટા પર હસી પડ્યા.

“યસ, મારી તો આ જ સ્ટાઈલ છે દોસ્તી કરવાની. હું પણ સુરજ ચંદ્રને એટલા જ ચાહું છું. પૂજુ છું. અને એટલે જ તેને મારા કેમેરામાં અને મારા મનના ખૂણામાં સાચવી લઉ છું, હંમેશ માટે. એ પણ ભક્તિ જ કહેવાય ને, દાદીમા?”

“હા. એ પણ ભક્તિ જ છે. ઈશ્વરને અને કુદરતને કોઈ પણ સ્વરૂપે ચાહી શકાય, પૂજી શકાય. પોતાને ગમતો રસ્તો અને રીત દરેકે પોતે જ પસંદ કરવાના હોય છે.” દાદીમાએ પણ નીરજાની સ્ટાઇલમાં બધા બાળકોને અને ચંદ્રને સંબોધીને કહ્યું,” હાય સ્વીટ ફ્રેંડ્સ.”

દાદીમાના નવા અંદાજ પર સૌ મુક્ત મને હસી પડ્યા.