એક પતંગિયાને પાંખો આવી Chapter-4 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી Chapter-4

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 4

વ્રજેશ દવે “વેદ”

કેટલાક દિવસઓ આમ જ વિતી ગયા.

રવિવાર હતો એ દિવસે. રવિવારની સવાર એટલે, એક ખુલ્લું આકાશ. ધીરે ધીરે અંગડાઇ લેતો વહેતો સમય. કોઈને ક્યાંય જવાની ઉતાવળ નહીં.

પણ, નીરજા ખરેખર ઉતાવળમાં હતી. તેને કઇંક કહેવું હતું, કરવું હતું. પણ તે અંગે તે સ્પષ્ટ ન હતી. કશુંક ખૂંચતું હતું તેને. તે બેચેન હતી. તેણે વ્યોમાને મેસેજ કર્યો. જવાબની પ્રતિક્ષા કરવા લાગી. દસ બાર મિનિટ વિતી ગઈ. વ્યોમાનો કોઈ જવાબ ન જ આવ્યો.

તે રૂમ ની બહાર નીકળી ગઈ. ઘરની પણ. સડસડાટ પગથિયાં ઉતરી સોસાયટીના કમ્પાઉન્ડમાં આવી ગઈ.

સોસાયટીમાં ખાસ કોઈ ચહલ પહલ ન હતી.

દિવાળી વેકેશન શરૂ થઈ ગયું હતું. પણ સોસાયટી સાવ સૂમસામ હતી. તેણે બધે નજર દોડાવી. ગેટ પર એક માત્ર ગેટકીપર સિવાય કોઈ નજર નહોતું આવતું .

આવું ઘણી વાર થતું. તે જ્યારે સોસાયટીમાં નીકળી પડતી, ત્યારે સોસાયટી કોઈ ખાલી જંગલ જેવી લાગતી. જેમાં ઊગી નીકળતી પાર્ક કરેલ ગાડીઓ જ માત્ર. જો આટલી બધી ગાડીઓ ત્યાં ના હોત, તો તેને જરૂર ખાત્રી થઈ જાત કે આ સોસાયટી કોઈ માનવ વસ્તી વાળી નથી. તેને હમેશા સંદેહ થયા કરતો કે આ સોસાયટીમાં તેનો પરિવાર અને ગેટકીપર સિવાય કોઈ રહેતું હશે ખરું?

જો કોઈ રહેતું ન હોય તો આવડી મોટી ઇમારત શા માટે બનાવી હશે? આ ગાડીઓ કોના માટે અહીં પાર્ક કરી રાખી હશે?

તે પોતાના જ પ્રશ્નોમાં ઉલઝાઇ ગઈ. તે રૂમમાં પરત ફરી.

તેણે રૂમમાં ચારે તરફ નજર કરી. તેની આંખ કશુક શોધી રહી હતી, પણ શું?

તેનું મન પણ નહોતું જાણતું કે તેને શું જોઈએ છીએ. તે રૂમની બારી પાસે આવી ઊભી.

શહેરના આલીશાન ફ્લેટની બારી. અંદરથી કાચના સરકતા દરવાજાથી બંધ, તો બહારથી લોખંડી જાળીથી કેદ ! કોઈનો હાથ પણ બારીની અંદર દાખલ ન થઈ શકે એવી જડબેસલાક. જાળીની વચ્ચેના ખાલી ભાગમાં તેણે હાથ નાંખી જોયો. ચાર આંગળીઓ પણ બહાર નીકળી ના શકી.

તેને ગુસ્સો આવી ગયો. તે નારાજ થઈ ગઈ. તેને તો બારીમાથી ડોકું બહાર કાઢીને ઉપર ફેલાયેલા આકાશના અરિસામાં પોતાના ચહેરાને જોવો હતો. ખીલું ખીલું થતાં યૌવન ને જોવું હતું. ઉગું ઉગું થતી પાંખોને નિહાળવી હતી. પણ અહીં તો બારીની બહાર આંગળીઓ પણ ન જઇ શકતી હોય ત્યાં આખા ચહેરાની તો વાત જ ક્યાં કરવી?

નીરજાને લાગ્યું કે આ શહેરમાં આકાશ પણ કેવું કેદ છે? તે ધારે તો પણ કોઈના ઘરમાં દાખલ ના થઈ શકે. ખુલ્લું આકાશ એટલે, એક કેદ થયેલું સ્વપ્ન જાણે !

આજે તેને બે વાતો બરાબર સમજાઈ ગઈ હતી- એક, આ સોસાયટીમાં કોઈ જ રહેતું નથી. જંગલની જેમ તે સાવ ખાલી છે.

અને બીજું, અહીં ખુલ્લું આકાશ બારીની બહાર કેદ છે.

ખુલ્લું આકાશ પામવું હોય તો આ કેદ તોડવી જ પડશે. ખુલ્લા આકાશને કેવી રીતે પામી શકાય? કયાઁ પામી શકાય? તે વિચારતી રહી...

વિચારોની વ્યસ્તતામાં તેને ખબર પણ ના રહી, કે તેની માં જયા ક્યારે તેના રૂમમાં આવીને ગોઠવાઈ ગઈ. જયાએ થોડી અવઢવ બાદ નીરજાના ખભા પર હાથ મૂક્યો.

બંનેની આંખો મળી. બંનેએ એકબીજાની આંખોમાં રહેલી વાતોને વાંચી લીધી. સવાલોને સમજી લીધા. સામસામે જવાબો પણ આપી દીધા. એકબીજાના જવાબો સમજાઈ પણ ગયા.

કશું જ બોલ્યા વિના માત્ર સ્મિત આપી, જયા રૂમ બહાર નીકળી ગઈ. નીરજા તેને જતાં જોતી રહી.

ક્ષણભરના જયાના આગમનમાં જ નીરજાના બધા સવાલો, બધી બેચેની હવામાં ઊડી ગઈ. તે હળવી થઈ ગઈ.

********

ધરતી પર સાંજ પ્રવેશી ચૂકી હતી. ડ્રૉઇંગ રૂમમાં નીરજા, દીપેન, જયા અને મૌન! આ ચાર સિવાય કોઈ જ નહીં.

જયાએ ચપટી વગાડી. નીરજા અને દીપનેનું ધ્યાન ખેંચાયું. મૌન હજુ પણ ત્યાં જ ઊભું હતું- સાવ મૌન!

“તો દિવાળી બાદ સાતમા દિવસે આપણે જઈએ છીએ, આપણી પહેલી વિદેશ ટુરમાં .. હા.. હા.” જયાના હાસ્યથી ઓરડો ભરાઈ ગયો.

“હેં ? વિદેશ ટુર? ..” દીપેન અને નીરજા એકસાથે ઊછળી પડ્યા. છેલ્લી 23 મિનિટથી અડિંગો જમાવીને બેઠેલું મૌન ચિડાઇ ગયું. કોઈએ તેની નારાજગીની નોંધ ના લીધી. તે રિસાઇને ખૂણે જઇ બેઠું.

23 મિનિટના મૌન પહેલાં એક આખું શબ્દ યુદ્ધ ખેલાઈ ગયું હતું અહીં.

દિપેને દિવાળી બાદ ટુરમાં જવાની, ફરવા જવાની વાત મૂકતા કહયું હતું, “દિવાળી પતે એટલે તરત જ ફરવા જઈશું.”

“કયાઁ ?” જયાએ એ પ્રશ્ન કર્યો કે જે નીરજાની આંખમાં ઊગી ગયો હતો.

“ગમે ત્યાં. ઉત્તર, દક્ષિણ કે પૂર્વ ભારતના કોઈ પણ સ્થળે.”

“કેટલા દિવસ માટે?” નીરજાને રસ પડવા લાગ્યો.

“લગભગ 5 થી 7 દિવસ.”

“આટલા દિવસમાં કોઈ મજા નહીં આવે. થોડા વધુ દિવસો માટે જઈએ તો?” નીરજાએ કહ્યું.

”કેટલા વધુ?”

“12 થી 15 દિવસ માટે. ત્યાં સુધીમાં મારું વેકેશન પણ પૂરું થઈ જશે.”

“આટલાં બધા દિવસ હૂઁ મારો બિઝનેસ બંધ ના રાખી શકું.”

“તો ફરવા નથી આવવું મારે.” નીરજાએ પોતાનો મત સ્પષ્ટ કરી દીધો.

“કેમ?”

“5 – 7 દિવસોમાં શું વળે?”

“જો, આપણે અહીંથી ફ્લાઇટમાં આવવા જવાનું રાખીએ તો 5/7 દિવસમાં ઘણું ફરી શકીએ. “

“હા, લગભગ 15-20 મંદિરો જરૂર વિઝિટ કરી શકાય.” જરા અણગમાથી વાત કરી, નીરજાએ પોતાનો રસ ઓછો કરી નાંખ્યો.

“કેમ નીરજા, આવું બોલે છે?” જયાએ સમગ્ર વાતનો દોર પોતાના હાથમાં લેતા વ્હાલથી પુછ્યું.

“નહીં તો વળી શું? છેલ્લા 3 વર્ષથી આપણે ફરવા જઈએ છીએ અને દર વખતે મંદિરોમાં રહેલા ભગવાનને મળીને ફરવાનું પૂરું કરી લઈએ છીએ..”

“પણ, નીરજા...” દીપેન પોતાની વાત કહેવામાં નિષ્ફળ રહ્યો.

“પપ્પા, હજુ લાસ્ટ યર આપણે મુંબઈ ગયા હતા. સિદ્ધિ વિનાયક, મહાલક્ષ્મી, ઇસ્કોન મંદિર, બાબુલનાથ, મુંબાદેવીનું મંદિર, હાજી અલી, ચર્ચ ... કોઈ મંદિર બાકી નહોતું રાખ્યું. બધા દેવોને મનાવી લીધા...”

“સાથે સાથે આપણે બીચ પર, ચોપાટી પર પણ ગયા હતા. શોપિંગ મોલમાં શોપિંગ પણ કરેલું, લોકલ ટ્રેનમાં પણ બેઠા હતા, ગેટવે ઓફ ઈન્ડિયા પણ ગયા હતા...”

“પણ એ બધા કરતાં વધુ સમય ભગવાનની પાછળ કાઢ્યો હતો. ઘણું બધું જોવાનું ચૂકી ગયા.”

“જેમ કે...?”

“એસ્સેલ વર્લ્ડ, એલિફંટાની ગુફાઓ, હેંગિંગ ગાર્ડન, વાનખેડે સ્ટેડિયમ, ફિલ્મોનું શૂટિંગ, આર્ટ ગેલેરી, મરીન ડ્રાઇવ, નરીમાન પોઈન્ટ, અલી બાગ, વસઇનો કિલ્લો, મુઝિયમ, ધારાવી, મડ આઈલેન્ડ, પૃથ્વી થિએટર, મરાઠા મંદિર, એકવેરિયમ, વરલીનો કિલ્લો, વગેરે..”

“પણ આપણી પાસે એટલો સમય જ ક્યાં હતો કે આપણે આ બધું જોઈ શકીએ, જઇ શકીએ.”

‘પણ, આ બધામાંથી કેટલુંક તો માણી શક્યા હોત!”

“આટલા ઓછા સમયમાં?” દીપેને દલીલ કરી.

“એટલે જ કહું છું કે જો ફરવા જવું હોય તો 5/7 દિવસ નહીં પણ પૂરા 12-15 દિવસો માટે જઈએ. તો જ બધું પૂરેપુરું જોઈ શકાય, માણી શકાય. અને જો મંદિરોની મુલાકાત ના કરીએ તો કેટલું બધું માણી શક્યાં હોત. ફરવાનો અનેરો આનંદ મળ્યો હોત.” નીરજાએ સ્પષ્ટ વાત કરી.

“પણ, આપણે દર્શન કરેલા બધા મંદિરો મુંબઈના ખાસ ખાસ મંદિરો છે. લોકો તેને કેટલા ભાવથી માને છે. અહીં અનેક લોકો મનની ઇચ્છાઓ પૂરી કરવાની માનતાઓ લે છે. અને એ પૂરી પણ થાય છે. એવા એ ભગવાનને ...” દિપેને મજબૂત દલીલ કરી.

“લોકોની માનતાઓ તો આપણી સોસાયટીની સામેના મંદિરના હનુમાનજી પણ પૂરી કરે છે.” નીરજાએ દીપેનની મજબૂત દલીલનો છેદ ઉડાળી દીધો.

“નીરજા...” જયાનો અવાજ પોતાની હાજરી ના પૂરાવી શક્યો.

“દરેક ગામને પોતાનું મંદિર હોય છે. પણ જ્યારે તે ગામમાં ફરવા જઈએ ત્યારે તે ગામની વિશિષ્ટતાઓ ન જોઈએ તો શા માટે જવું? મંદિરો અહીં પણ છે અને ત્યાં પણ છે. પણ મડ આઇલેન્ડ કે ધારાવી, એસ્સેલ વર્લ્ડ કે પૃથ્વી થિએટર અહીં કયાઁ છે?” નીરજા બોલતી રહી, “આપણે ખરેખર ફરવા ક્યારે જઈશું?” એક ક્ષણ રોકાઈ ગઈ નીરજા. ઊંડો શ્વાસ લીધો. ક્યાંક કોઈ દ્રશ્ય એની નજરે ચડેલ હોય અને તેમાં તે ખોવાઈ ગઈ હોય તેમ ફરી બોલવા લાગી, “ખુલ્લું આકાશ હોય, ઊગતો કે ઢળતો સુરજ હોય, ક્ષિતિજની પેલે પાર દોડવાનું મન થાય, પહાડ પર ચડીને વાદળોને પકડવાની ઈચ્છા થાય, તો સડસડાટ ઝરણાંની જેમ પહાડ પરથી સરકી જવાય, ચારે તરફ ફૂલોની સુગંધ લલચાવતી હોય, પતંગિયા હોય, ઝરણાં હોય, ધોધ હોય, સાગરની લહેરો હોય, નદીનો કલકલાટ હોય, અફાટ રેતીનું રણ હોય, જંગલ હોય...” જયા ઊભી થઈને નીરજાને રોકવાની કોશિશ કરવા લાગી પણ દિપેને તેને ઈશારાથી રોકાઈ જવા કહયું. જયા ત્યાંજ ઊભી રહી ગઈ.

નીરજા હજુ પણ કોઈ અલગ દુનિયામાં હોય તેમ, તેની આંખોને અને હ્રદયને ગમતી વાતો બોલી રહી હતી, “વરસાદ હોય, બરફ હોય, કયારેય ના ખૂટે એવી પગદંડીઓ હોય, કેવી મજા પડે હેં ? સપ્તરંગી મેઘધનુષ છવાયેલ હોય, પંખીઓ ઉડતા હોય, જંગલી પ્રાણીઓ ખુલ્લા ફરતા હોય અને આપણે વાહનમાં કેદ હોઈએ... કેટકેટલું અદભૂત છે આ બધું, આ જગતમાં ! પણ... હજુ સુધી એમાનું કશું જ જોઈ નથી શક્યાં.” ઉંડો નિઃશ્વાસ નાંખીને તે બારી બહાર, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં જોતી રહી.

બસ. આ જ તકનો લાભ લઈને મૌન ઘૂસી ગયું ઓરડામાં. લગભગ 23 મિનિટ સુધી તેણે પોતાની સત્તા ફેલાવી રાખી હતી આ રૂમમાં !

ત્રણેય બિલકુલ ચૂપચાપ હતા.

દીપેન પોતાના ધંધાને 12-15 દિવસ બંધ રાખી શકાય કે કેમ તે અંગે મનોમન આયોજન કરવામાં વ્યસ્ત થઈ ગયો.

પોતાના સ્વપ્નોની, કલ્પનાની દુનિયામાં ખોવાયેલી નીરજા હજુ પણ બારી બહારના માપી ના શકાય, પામી ના શકાય, તેવા આકાશને અપલક જોઈ રહી હતી.

જયા. વિતી ગયેલી વાતોને વિચારી રહી. તેને સમજવા મથતી રહી. કોઈ ઉચિત ઉપાય પણ શોધવા લાગી. અનેક વિકલ્પો વિચારીને ચકાસી જોયા. અંતે ક્યારનું ય ઘુરકિયા કરતા મૌનને પરાસ્ત કરવા તેણે જાહેર કર્યું,” તો દિવાળી બાદ સાતમા દિવસે આપણે જઈએ છીએ – આપણી પહેલી વિદેશ ટુરમાં .. હા.. હા.”

તે ખડખડાટ હસવા લાગી. આખા ઓરડામાં છવાઈ ગયું તેનું હાસ્ય. મૌનને હવે ગૂંગળામણ થવા લાગી. જવાબમાં દીપેન અને નીરજા એક સાથે ઊછળી પડ્યા, “હેં ? વિદેશ ટુર? ..”

બસ. મૌન હવે થાકી ગયું, હારી ગયું. નીચું મોઢું કરીને બારી બહાર ભાગી છૂટયું.

“હા. વિદેશ ટુર. આ વખતે વિદેશમાં.”

“વિદેશ ટુરનું આયોજન કેવી રીતે થઈ શકશે? તૈયારી નો સમય ઓછો છે.” દિપેને જયાને પૂછ્યું.

“13 દિવસનો સમય છે આપણી પાસે. મને લાગે છે આટલો સમય પૂરતો છે.” જયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો.

‘વિઝા, હોટેલ , ટિકિટ, પ્લાનિંગ....”

“એ બધું ગોઠવાઈ જશે. બસ. પોતપોતાની તૈયારીમાં લાગી જાઓ. . our time starts now ...”

જયાએ ઉત્સાહભરી એક નજર નીરજા તરફ નાંખી. નીરજા સ્થિર હતી. કોઈ ધબકાર, કોઈ ઉત્સાહ તેના બોડી લેંગ્વેજમાં જોવા ના મળ્યો.

ક્ષણ પહેલાં ઊછળી પડેલી નીરજા ફરી ક્યાંક ખોવાઈ ગઈ. જયાએ તેની નજીક જઇ તેના ખભા પર હાથ મૂકી દીધો. માં-દીકરીની નજરો મળી. જયા, નીરજાની આંખોને વાંચવા લાગી. તેમાં તેને આનંદ કે ઉત્સાહ ના કોઈ શબ્દો ના દેખાયા.

“નીરજા, ચલ તું ફટાફટ લાગી જા પ્રવાસની તૈયારીમાં, આપણે ઘણાં કામો કરવાના છે. સૌ પહેલાં ટ્રાવેલ એજેંટને ફોન કરી વિઝા અને ટિકિટની વ્યવસ્થા કરવાની છે. ચલ લગાડ ફોન.” જયાએ નીરજામાં ઉત્સાહ ભરવાની કોશિશ કરી. તે નિષ્ફળ રહી.

“મારે નથી જવું કોઈ પ્રવાસમાં. દેશમાં કે વિદેશમાં.” નીરજાએ નિરાશા વ્યક્ત કરી.”

“કેમ? શું વાત છે, બેટા?”

“મારે નથી જવું, બસ.”

“પણ, કેમ ના પાડે છે? શું કારણ છે?” દીપેન જરા ગુસ્સે થઈ ગયો.

જયાએ એક સ્મિત સાથે દીપેનને શાંત રહેવા ઈશારો કર્યો.

“ઓ કે. નીરજા, મંજૂર છે. આપણે નહીં જઈએ, બસ?”

દીપેન કશુંક કહેવા જતો હતો પણ જયાએ ફરી તેને રોકી લીધો.

“પણ, એટલું જરા બતાવી દે કે શા માટે નહીં જઈએ.”

નીરજાએ દિપેન અને જયા સામે જોયું. તેના હોઠો પરનું આમંત્રણ શબ્દોએ સ્વીકાર્યું હોય તેમ તેણે બોલવાનું શરૂ કર્યું,”ખાસ કોઈ કારણ નથી. પણ, આમ પ્રવાસમાં મજા નથી આવતી.”

“ઓહ ! પ્રવાસમાં તો મજા જ પડે ને ! તને કેમ મજા નથી આવતી?’

“ના જ આવે ને. આપણે પ્રવાસમાં જતાં જ નથી.”

“એટલે?”

“એટલે કે આપણે જે રીતે પ્રવાસમાં જઈએ છીએ, એ પ્રવાસ છે જ નહીં.”

“એમ કેવી રીતે કહે છે? પ્રવાસ એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું. ત્યાંનાં સ્થળોને જોવા, તેના વિષે જાણવું, તેના ફોટાઓ પાડવા, વિડિયો ઉતારવી, social મીડિયા પર status update કરવું, ખરીદી કરવી અને પરત આવીને બધાની સાથે આ વાત share કરવી. આપણે આમાનું બધું જ કરેલું છે. અને આ વખતે પણ કરીશું જ. બહુ મજા પડશે. ચાલ તૈયાર થઈ જા.” દિપેન એકી શ્વાસે બોલી ગયો. જયાએ પણ તેમાં પાંપણો હલાવી સમ્મતિ વ્યક્ત કરી.

પણ નીરજાના મનમાં કઇંક અલગ જ ચાલી રહ્યું હતું. આ બધી વાતોએ પ્રભાવિત કરવાને બદલે ઉત્તેજિત કરી દીધી,”બસ. આ જ વાત ખોટી છે. આપણે પ્રવાસની વ્યાખ્યા જ બદલી નાંખી છે. પ્રવાસ એટલે આમાનું લગભગ કશું જ નહીં. આ કાંઇ પ્રવાસ નથી.”

“તો આ બધું શું છે?”

“આ પ્રવાસ તો નથી જ. આપણે અહીં સરસ મજાનાં આલિશન લક્ષુરિયસ ફ્લેટમાં રહીએ છીએ. અહીંથી એસી ગાડીમાં એરપોર્ટ જવાનું, centrally એસી ફ્લોર પર પ્લેન આવવાની પ્રતિક્ષા કરીએ છીએ, એસી પ્લેનમાં બેસીને ઉડવા માંડીએ છીએ, એસી વાળું ડેસ્ટિનેશન, ફરી એસી ગાડી, ફાઇવ સ્ટાર હોટેલ, ત્યાં ભવ્યાતિભવ્ય સ્વાગત. આ બધું આપણને અહમનો અહેસાસ કરાવે છે. હોટલમાંથી આલિશાન ગાડીઓમાં ફરતા રહેવાનું, ફરી હોટલમાં ...”

“કેટલી મજા પડે.. હેં ? જીવનની તમામ સુખ સમૃદ્ધિ ભોગવવા મળે, તેનો આનંદ જ કેટલો ઊંચો હોય છે.”

“ના પપ્પા. આવો જ આનંદ લેવો હોય તો આપણાં શહેરમાં જ કેટકેટલી આલિશાન ભવ્ય હોટેલો છે. થોડા દિવસો ત્યાં રહેવા જતાં રહીએ, તો પણ આપણને આ બધું ભોગવવા મળે જ ને. તો પછી પ્રવાસમાં જવાની જરૂરત જ ક્યાં છે?”

“ત્યાં ના સ્થળોની મુલાકાત લેવી, તેના વિષે જાણવું, ફોટોગ્રાફી, વિડિયો, વગેરે...”

“કોઈ પણ સ્થળ વિષે જાણવા માટે ત્યાં જવાની કયાઁ જરૂર છે? Photos અને વિડિયો પણ અહીં જ મળી જાય છે. ઇન્ટરનેટ પર બધું જ ઉપલબ્ધ છે. કોપી કરો, શેર કરો, જુઓ અને મજા માણો.

“ત્યાંના ભોજન લેવાની અને વસ્તુઓની ખરીદી કરવાની તો બહુ મજા આવે ને?”

“નહીં. જરાય નહીં. ક્યું એવું ભોજન છે જે આ શહેરમાં નથી મળતું? દેશીથી માંડીને વિદેશી તમામ પ્રકારના ભોજન અહીં મળે છે.”

“અને ખરીદી?”

“પ્રવાસમાં તો ખરીદી ન જ કરાય. દરેક દેશ, પરદેશની દરેક પ્રોડક્ટ પણ અહીં મળે જ છે. અને જો કોઈ સ્ટોર કે મેગા મોલમાં ના મળે તો ઓનલાઇન શોપિંગ તો છે જ ને! માંગો તે હાજર.” શ્વાસ લેવા રોકાયેલી નીરજાએ ઊંડો શ્વાસ લઈ, બારી બહાર નજર કરીને ક્ષિતિજમાં આથમવા તરફ ધસમસતા સૂરજને

કહ્યું,”, હાય, સુરજ દાદા ! કેમ ખરું ને?” ખડખડાટ હસવા લાગી.

વાતાવરણ થોડું હળવું થયું. દીપેન અને જયા પણ રિલેક્ષ થયા. જાણે એક વાવાઝોડું આવીને વિતી ગયું.

વાતાવરણની હળવાશ જોઈને જયાએ વાત આગળ ચલાવી.”તો પછી પ્રવાસની તૈયારી શરૂ કરીશું ને? સમય બહુ જ ઓછો છે.”

“ના મમ્મી, હમણાં નહીં. જ્યાં સુધી પ્રવાસને, તેની વ્યાખ્યાને, તેના ઉદેશ્યને બરોબર સમજી ના લઈએ ત્યાં સુધી મારે કોઈ જ પ્રવાસ નથી કરવો.”

“તો તું જ સમજાવને એ બધું “

“સાવ સીધા શબ્દોમાં કહું તો પ્રવાસ એટલે આપણાં comfort zone માંથી નીકળીને જે દુનિયા છે તેમાં પ્રવેશવું. એ જેવી છે તેવી સ્થિતિમાં જ પ્રવેશવું. ત્યાં કોઈ જ જાણીતું કમ્ફર્ટ ઝોન ઉભું નહીં કરવાનું. જે છે તેને જ સ્વીકારવું, તેને જ માણવું.”

“પણ ત્યાં થોડી સગવડ તો ઊભી કરી શકાય ને?” દીપેને દલીલ કરી.

“ના. બસ આપણે આ જ ભૂલ કરીએ છીએ. પ્રવાસનો મૂળ હેતુ જ અહીં તેના શ્વાસ છોડી દે છે. પછી એ પ્રવાસ નથી રહેતો પણ એ બની જાય છે આપણી જાણીતી અને એજ સગવડો વચ્ચે જીવાતી જિંદગી.”

“ઓહો ! ...” જયાએ સ્મિત આપ્યું .

“પ્રવાસ એ ઘરેડમાં જીવાતી જિંદગીથી બહાર નીકળીને અનુભવવાની કળા છે, જીવનની મજા છે. જીવાઈ રહેલી એ જ જીંદગીનો પ્રભાવ કે પડછાયો પ્રવાસમાં પણ જોવા મળે તો તેનો શો અર્થ?

પ્રવાસ એટલે નવી, અજાણી દુનિયામાં જવું. જ્યાં બધું જ અજાણ્યું હોય. પ્રત્યેક ક્ષણે પ્રત્યેક ડગલે કોઈક નવી રાહ, નવી ઘટના, નવી ચેતના, નવો અનુભવ આપણી સાથે હાથ મિલાવે, દોસ્તી કરે તો ક્યારેક દુશ્મની પણ કરે. નવા લોકો, નવી સંસ્કૃતિ !

દરેક પળે નવી સમસ્યા પડકાર કરે, જિજીવિષાને તિવ્ર કરે, જીવવા માટે સંઘર્ષ કરાવે. જીતાડે પણ અને હરાવે પણ... મારે માણવું છે આ બધું જ.” નીરજાએ દીપેન અને જયા તરફ એક નજર કરી. તેની આંખોમાં નવી ચમક હતી.

“પણ, આજકાલ તો આવા પ્રવાસો નથી થતાં.” દીપેને વાસ્તવિકતા કહી.

“સાચી વાત છે, પપ્પા. એટલે જ મારે તો એવો પ્રવાસ કરવો છે જે નવું શીખવાડી જાય, નવો રોમાંચ, નવો ભય, નવું વિસ્મય આપી જાય. એક નવી હવા, નવું પાણી, નવું આકાશ હોય. વાતાવરણનું પોતાનું અલગ સંગીત હોય, જે ક્યારેય સાંભળ્યું ના હોય.

સાવ અજાણ્યું. પછી તેની સાથે દોસ્તી કરું. હાથ મિલાવું. તેની સાથે રમું, ઝઘડું અને જરૂર પડે તો દુશ્મની ય કરું.

આવું અજાણ્યું કશુંક કરવાનું આયોજન કરો તો જ મારે પ્રવાસમાં આવવું છે. છે મંજૂર? નહીં તો મારે નથી આવવું.” માં બાપ ને પડકાર આપતી હોય તેમ નીરજાએ ચપટી વગાડીને પોતાની વાત પૂરી કરી. જવાબની પણ રાહ જોયા વિના જતી રહી પોતાના રૂમમાં. એક સ્તબ્ધતા છોડી ગઈ લિવિંગ રૂમમાં !

સુરજ હવે ક્યારનોય ડૂબી ગયો હતો.

દિવાળીની રાત સૌએ ધામધુમથી માણી અને જતી પણ રહી. તે સાંજ પછી પ્રવાસની વાત સૌ ભૂલી ગયું હોય એવું લાગ્યું. પ્રવાસ વિષે ત્યાર બાદ કોઈ કશું જ ના બોલ્યું. પ્રવાસની વાત પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હોય એવું લાગ્યું.

પણ વાત જુદી જ હતી. દીપેનના મનમાં કોઈ યોજના આકાર લઈ રહી હતી. તેણે બધું જ નક્કી કરી લીધું હતું.