એક પતંગિયાને પાંખો આવી - 35 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 35

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 35

વ્રજેશ દવે “વેદ”

હવા ભીંજાઇ ગઈ, ઠંડી થઈ ગઈ. ભીની હવાએ બંનેની તંદ્રા તોડી.

બન્નેએ પાંપણોને પટપટાવી. આકાશ તરફ નજર કરી. વાદળો ઘેરાઈ ગયા હતા. વાદળી વરસી રહી હતી. તેઓ ભીંજાવા લાગ્યા હતા. ઠંડો પવન યૌવનના ઉંબર પર ઊભેલી મુગ્ધાઓના શરીર સાથે મસ્તી કરતો હતો. તેઓને તે પવનની હાજરી, તેનો સ્પર્શ, તેની રમત, તેની મસ્તી... બધું જ ગમવા લાગ્યું.

વાદળીને અને પવનને મસ્તી કરતાં જોઈને, બીજા બધા વાદળો પણ દોડી આવ્યા, નીરજા અને વ્યોમાના આકાશમાં. તેઓ પણ વરસવા લાગ્યા, મસ્તી કરવા લાગ્યા. તેઓની મસ્તીમાં તરબતર, નીરજા અને વ્યોમા વર્ષા નૃત્ય કરવા લાગ્યા.

અનેક ભાવ ભંગિમાઓ સર્જાવા લાગી. માથા પરની વાળની લટો, ભીની ભીની થઈ ગઈ. વરસાદ સતત તેને ભીંજવતો રહ્યો. લટોનો સહારો લઈને, વર્ષાની બુંદો ગાલ પર વહેવા લાગી. ગાલને ચુમવા લાગી. આંખો બંધ કરીને ગાલ પર વરસતા, વર્ષા બિંદુઓનાં ચુંબનને અનુભવવા લાગી, બંને. ચુંબનો વર્ષી રહયા હતા, અનરાધાર !

બંધ પાંપણો પર બિંદુઓ ઝૂલતા હતા. આંખોની બંને કોર ભીની હતી, આનંદ વરસી રહ્યો હતો. કેટલીક કામુક વર્ષા બુંદો, મીઠા મીઠા હોઠો પર ટપકતા હતા. દરેક બિંદુ નો સ્પર્શ એટલે હોઠો પર જાણે પ્રિયતમનું પ્રગાઢ ચુંબન ! પ્રલંબ ચુંબન !

અઢળક બિંદુઓ વરસતા હતા, હોઠો પર. જાણે એક સાથે સેંકડો ચુંબનો.

ખુલ્લા વાળ ખભા પર વિખરાયેલા હતા. ભીના માથા પરથી પાણી તેઓના ખભા પર વહેવા લાગ્યું. બંને ખભાના રસ્તે તેઓની છાતીની વચ્ચોવચ્ચ વહેવા લાગ્યું. જાણે ખીણમાં વહી જતું ઝરણું. બે પહાડોની વચ્ચે થઈને તળેટી તરફ ધસી જતી નદી. પહાડો પરથી પડતો જાણે પ્રચંડ ધોધ. બંને પહાડો પલળી ગયા. એ પહાડો પર ઊગી ગયું એક જંગલ.

હ્રદયમાં ભીંજાયેલો પવન વહેવા લાગ્યો. છાતી ચીરીને કશુંક ભીનું ભીનું અંદર ઉતરી ગયું.

વહેતો અને વરસતો વરસાદ, બંનેની કમરમાં સ્પર્શ કરીને ગલગલિયા કરતો હતો. એક એક બુંદ, જાણે ઝીણી ઝીણી ચૂંટલી ભરતી હોય તેવું લાગયું. એક સાથે અનેક વીંછીના ચટકાની પીડા આપતા હોય તેમ, વર્ષા બુંદો સતત કમર પર ડંખ મારતા રહ્યા. દરેક ડંખ પર યૌવન વળાંક લેતું રહ્યું.

યૌવનના દરેક વળાંક પર જંગલ સ્તબ્ધ હતું. દરેક વળાંક ભીના હતા. દરેક વળાંક કાતિલ હતા. જંગલ આજ, પહેલી વાર એવા વળાંકો જોઈ રહ્યું હતું. એ પણ એક સાથે બે યૌવનાના.

જંગલને લાગ્યું કે તેના વળાંકો કરતાં પણ વધુ સુંદર, તીક્ષ્ણ, તિવ્ર, ખતરનાક અને કાતિલ વળાંકો હતા, એ મુગ્ધાઓના, એ યૌવનાઓના.

વહેતો વહેતો વરસાદ સાથળોને સ્પર્શીને, પગની પાનીને અડીને જમીન પર વિખરાઈ જતો હતો. જાણે લસરપટ્ટી પરથી સડસડાટ નીચે ઉતરી જતું કોઈ બાળક.

જંગલને આજ લાગવા માંડ્યુ કે યુગો પછી કોઈ કામદેવ તેના મહેમાન બનીને આવ્યા હોય. એક સુંદર અને યુવાન ક્ષણોનું સર્જન થયું હતું. ચારે તરફ રતિરાગનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું.

બંનેના માથાથી પગ સૂધી, આખે આખું ચોમાસુ વહેતું રહ્યું. ભીના ભીના યૌવનનું ચસચસતું આલિંગન આપી ગયું. એ આલિંગનના પાશમાં બંધ થઈ ગયા બંને.

પણ, આ વાદળોએ તો પાશ ખોલી નાંખ્યા. વરસાદ બંધ થઈ ગયો. યૌવનના સ્પર્શને માણીને શરમાઇ ગયો. કોઇ અલ્હડ છોકરીની જેમ, ક્યાંક છુપાઈ ગયો.

જંગલ આજ પહેલી વાર પોતાની યોગ સમાધિથી વિચલિત થઈ ગયું. તેનો તપોભંગ થઈ ગયો. તે સંસારી બનવા અધિરો થયો.

આકાશ ખુલ્લુ થઈ ગયું. વાદળો વિતી ગયા. સંધ્યા સમયનો ઉજાસ વ્યાપી ગયો. સુરજ ઢળવાની અણી પર આવીને ઊભો.

નીરજા અને વ્યોમા, પોતપોતાના સપનાના જંગલમાં ખોવાઇ ગયા હતા, ત્યાંથી પાછા ફર્યા. સામે વ્યાપેલા જંગલને જોવા લાગ્યા. જાણે બંને જંગલો એકસાથે તેઓના રોમેરોમમાં વસતા હોય.

“આમ ના ચાલે” વ્યોમા વ્યાકુળ થઈ ગઈ.

“કેમ શું થયું? શું ના ચાલે?” નીરજાએ સમજવાનો પ્રયાસ કર્યો.

“જો ને, આ વરસાદ? આ વાદળો, આ પવન... બધા કેવી અંચઇ કરી ગયા આપણી સાથે !“

“હા યાર. એ બધા મોટા, પણ ખોટા ખેલાડી છે. તેઓ પોતાને ધારે ત્યારે પોતાના નિયમો બનાવી રમત રમી લે, અને આપણો દાવ લેવાનો વારો આવે, ત્યારે મેદાન છોડીને ભાગી જાય. “

“બહુ લુચ્ચા છે એ બધા.” વ્યોમાએ વ્યંગ કર્યો. તેના પર નીરજા હસી પડી. વ્યોમાએ તેને સાથ આપ્યો.

“ચાલ, ભીના કપડાં બદલી લઈએ.” નીરજા, વ્યોમાને ટેન્ટની અંદર હાથ પકડી ખેંચી ગઈ. ટેન્ટના દરવાજા પરનો પડદો ઢાંકી દીધો. જંગલની નજરે બંનેનો પીછો કર્યો, ટેન્ટના દરવાજા સુધી.

“તને ખબર છે કે આ ભીના કપડામાં તું કેટલી મોહાક અને માદક લાગે છે?” વ્યોમાના મન પર હજુ પણ કામદેવ કબ્જો જમાવી બેઠા હતા.

“ના. નથી ખબર. તું પણ ક્યાં ઓછી મોહાક લાગે છે?”

“તો ચાલ, થેલામાંથી દર્પણ કાઢ. જોઈ લઈએ આપણે આપણી મોહાક અને માદક આકૃતિને.” વ્યોમાએ દર્પણ કાઢી લીધું. તેમાં બંને પોતાના મોહાક, માદક અને ભીના ભીના યૌવનથી ભરપૂર શરીરને જોવા લાગ્યા.

બંનેએ ભીના કપડાં બદલી નાંખ્યા. ભીના ભીના વિચારોને પણ.

જંગલ ફરી યોગી બની ગયો.

બહાર સુરજ ડૂબી ગયો હતો. સંધ્યા પૂરેપુરી ખીલી હતી. આકાશે રંગ બદલી નાંખ્યો. એકદમ બ્લૂ લાગતું આકાશ, હવે બીજા અનેક રંગો પોતાના પાલવમાં સમાવી લઈ, સ્મિત પ્રસરાવતું હતું.

નીરજાએ થેલામાંથી જમવાનું કાઢ્યું. બન્નેએ ધરાઈને તે ખાધું.

રાતનું આગમન થવા લાગ્યું. ટેન્ટને બરાબર તપાસી બન્ને સૂઈ જવા આડા પડ્યા.

“જંગલની પહેલી રાત. ટેન્ટમાં વિતાવવાની પહેલી રાત. કેવી જશે આ રાત?“ વ્યોમા મનોમન બબડી.

નીરજાએ તે સંભાળ્યું. પણ તે મૌન રહી.

વ્યોમાને નીરજાનું મૌન ખટકવા લાગ્યું. તે સૂતા પહેલાં ઘણી ઘણી વાતો કરવાના મૂડમાં હતી. તો નીરજા મૌન રહીને, દિવસભર બનેલી ઘટનાઓને ફરીથી મનોમન જીવવા માંગતી હતી.

એક તરફ મૌન અને એક તરફ શબ્દો. બન્ને એક ટેન્ટની અંદર કેદ હતા. કોઈ તે કેદને તોડી શકે તેમ નહોતું.

બન્ને એવી પથારી પર સૂઈ જવાની કોશીશ કરતાં રહ્યા, કે જે તેઓએ ક્યારેય પહેલાં જોઈ પણ ન હતી.

સ્થળ, કાળ, પથારી... બધું જ અજાણ્યું. જાણીતું હતું તો બસ એક જ. આંખમાં ઊગેલું સપનું. જે સપનાને લઈને અહીં સુધી આવી ગયા. એ સપનાના રસ્તે ચાલતા ચાલતા લાગેલા થાકને લઈને બન્ને નિંદ્રાધિન થઈ ગયા. આખા દીવસમાં એટલી બધી અને એટલી ઝડપથી ઘટનાઓ બની ગઈ હતી, કે જરા વાર પણ નિરાંતનો શ્વાસ લઈને બેસવાનો અવસર જ નહોતો મળ્યો, નીરજા અને વ્યોમાને. અરે, વિચારવાનો પણ ક્યાં સમય મળ્યો હતો.

અને હવે ? સાવ નિરાંત. કોઈ ભય નહીં. કોઈ દોડધામ નહીં. કોઈ ઘટના નહીં. બસ, નિરાંત જ .

બંધ ટેન્ટ, સલામત પણ હતો. બંને તેમાં ભરાઈ ગયા હતા. ખૂબ વાતો કરી અને વાતો કરતાં કરતાં સૂઈ ગયા.

અજાણ્યા પ્રદેશમાં, અજાણી પથારી પર, અજાણ્યા અને નવા વાતાવરણમાં, કોઈ જ ડર વિના નિશ્ચિંત થઈ બંને ઊંઘી ગયા.

ટેન્ટ બહાર જંગલ પણ મૌન હતું. આકાશમાં ચંદ્ર ઊગી ગયો હતો. તેની ચાંદનીમાં જંગલ જાગતું હતું. કોઈ બે અજાણ્યા મહેમાનની ચોકી કરતું હોય તેમ, તે જાગતું રહ્યું. ચાંદની સાથે રમતુ રહ્યું. ચાંદની પણ જંગલમાં દોડાદોડ કરતી રહી.

ઘણી રાત વિતી ગઈ. ઊંઘ ખૂબ જ ગાઢ હતી. રાત આખી ક્યાં વિતી ગઈ, તેની તેઓને ખબર જ ના પડી. જંગલે અને ચાંદની રાતે પણ, તેને કોઈ ખલેલ ના પહોંચે તેમ ઊંઘવા દીધા. જાણે કોઈ બાપ અને મા પોતાની વહાલી દીકરીઓને સુંવાળી નિંદ્રામાં નિરાંતે પોઢવા દે.

********

મોડી સવારે નીરજાની આંખ ઉઘડી. સમય તપાસ્યો. 7.37 am. ઓહો? કેટલું બધું મોડુ થઈ ગયું?

આ જંગલમાં તો સવાર 4 વાગ્યામાં ઉગવા માંડે. અને થોડી વારમાં તો સૂર્યોદય થઈ જાય. સૂર્ય ઉગ્યાને ત્રણેક કલાક વિતી ગયા હશે. જંગલ પણ જાગી ગયું હશે. પંખીઓ ક્યારના માળો છોડીને ઉડવા લાગ્યા હશે. આકાશે અનેક રંગો બદલી નાંખ્યા હશે. ઝાંકળ પણ હવે તો ઊડી ગઈ હશે. ઠંડી ઠંડી હવાઓ હવે ગરમ થઈ ગઈ હશે. કોઈ ભરવાડ તેના ગાય ભેંસ કે ઘેટાં બકરાઓ લઈને પસાર થઈ ગયા હશે. એ બધું છૂટી ગયું.

કોણ જાણે શું શું છૂટી ગયું હશે? નીરજાને અફસોસ થવા લાગ્યો, મોડે સુધી સૂતા રહેવાનો. કેમ છેક આટલી મોડી જાગી તે? વ્યોમાએ પણ તેને જગાડી નહીં.

વ્યોમા કયાઁ છે? તેણે ટેન્ટમાં નજર ફેરવી. ઓહ. વ્યોમા ક્યાંથી જગાડી શકવાની? પોતે જ હજુ જાગી નથી તો મને ક્યાંથી જગાડવાની? કેવી નિરાંતે સૂતી છે? છે કોઈ ચિંતા?

વ્યોમા હજુ પણ નિંદ્રાના દરિયામાં ડૂબેલી હતી. તે દરિયો ખૂબ ઊંડો હોય તેમ લાગતું હતું. નજીકના સમયમાં વ્યોમાના જાગવાના કોઈ એંધાણ ન હતા, કોઈ સંકેતો ન હતા.

વ્યોમા પાસે જઇ નીરજાએ તેને ઢંઢોળી. જગાડવાનો પ્રયાસ કર્યો. પણ વ્યોમાની ગાઢ નિંદ્રા અટલ હતી. તે જાગી નહીં. તેને સુવા દઈ નીરજા ટેન્ટ બહાર નીકળી.

એક નજરમાં જંગલને જોઈ લેવા ઉતાવળી થઈ. ચારે તરફ ઝડપથી નજર કરી. જાણે બધું જ એક સાથે એક જ ક્ષણમાં જોઈ લેવું ના હોય ! પણ તે કશું જ જોઈ ના શકી. ઝડપથી ફરી ગયેલી નજરમાં કોઈ જ દ્રશ્ય ઘૂસી ના શક્યું. તેને સમજાયું કે જંગલને જોવામાં ઉતાવળ ના કરાય. તેને તો ધારી ધારીને જોઈએ તો જ, જે જોવું હોય તે દેખાય.

તેણે બીજી, પણ ધીમી નજર નાંખી, આખા જંગલ પર. આ વખતે તેની આંખ થોડા દ્રશ્યો જોઈ શક્યું. પણ આખા જંગલને જોઈ ના શકી.

તેણે ધ્યાનથી જંગલને જોવા માંડ્યુ. તે જોઈ રહી હતી તે જંગલ અને કાલ સાંજે આંખમાં સાચવીને સૂઈ ગઈ હતી, તે જંગલ અલગ અલગ લાગતા હતા.

જંગલ પર વાદળો છવાઈ ગયા હતા. આકાશ કાળું હતું. ખૂબ ગાઢ વાદળોને કારણે પ્રકાશ ઝાંખો હતો. નીરજાએ ફરીથી જંગલ પર નજર કરી. ઓહ, લાગે છે કે ખૂબ વરસાદ વરસી ગયો છે. આખું જંગલ ભીંજાઇ ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલા હતા. તેણે અનુમાન લગાવ્યું કે વરસાદ વરસતો, હમણાં જ અટક્યો હશે. સૂરજની હાજરીની કોઈ અસર વર્તાતી નહોતી. સુરજ કદાચ આજે ના પણ ઊગ્યો હોય. ખબર નહીં.

રાત ભર વરસ્યો હશે વરસાદ. ખૂબ તિવ્રતાથી વરસ્યો હશે. હું રાત ભર આરામ કરતી રહી અને વરસાદ જાગતો રહ્યો. જંગલને પણ જગાડતો રહ્યો. કેવી કેવી રમતો રમ્યા હશે એ બંને, રાત ભર? સાવ ચૂપચાપ. સાવ એકલા. અને હવે થાકીને લોથપોથ થઈ ગયા હશે. એટલે તો જંગલ જાણે સૂઈ ગયું હોય તેવું લાગે છે.

‘હું થાક ઉતારીને હમણાં જ જાગી અને થાકીને જંગલ હમણાં જ સૂઈ ગયું. સૂતા જંગલને જગાડવું નથી. થોડી વાર સુવા દે એને.’

ઝાડના પાંદડાઓ પરથી સચવાયેલો વરસાદ ટપકી રહ્યો હતો. ટપકતા બિંદુઓ જમીન પર પડતાં અવાજ ઉત્પન્ન કરતાં હતા.

ટપ... ટપ... ટપ.... ટપ....

સતત અને અસંખ્ય બિંદુઓ ટપકતા હતા. ટપ.. ટપ... નો અવાજ સતત આવતો રહ્યો. કાન પર અથડાતો રહ્યો. નીરજા તે અવાજને ધ્યાનથી સાંભળવા લાગી. આંખ અને કાન તેણે ટપક્તા ટીપાઓ પર માંડ્યા.

હવે અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. ટપ.. ટપ... ટપ.. ટપ.. માત્ર બિન્દુઓના પડવાનો અવાજ. ટપ..ટપ..ટપ.. બીજા બધા અવાજ જાણે શાંત થઈ ગયા હતા. ટપ..ટપ..ટપ..

કેટલો મધુર અવાજ છે આ ! તેના ટપ ટપ ના અવાજમાં એક તાલ હતો, એક લય હતો. એક શિસ્ત હતી. એક બંદીશ હતી. નિયમિતતા હતી. ચોક્કસ ધ્વનિ હતો. એક ગીત હતું. એક સંગીત હતું.

નીરજા તે ગીત અને સંગીતને માણતી રહી.

એક પ્રલંબ શાંતિ, એક ચીર મૌન, એક સ્થાયી ખામોશી.

જંગલ ચૂપ. હવા ચૂપ. વરસાદ ચૂપ. દિશાઓ ચૂપ. વાદળ ચૂપ. બધા ઝાડ ચૂપ. ડાળીઓ ચૂપ. ફૂલો ચૂપ. ફળો ચૂપ. કળીઓ ચૂપ. રસ્તો ચૂપ. પગદંડી ચૂપ. ટેન્ટ અને વ્યોમા પણ ચૂપ. નીરજા પણ ચૂપ. બધું જ ચૂપ. સમય પણ ચૂપ. નીરજાનું મન ચૂપ. વિચારો પણ ચૂપ.

બોલી રહ્યા હતા, તો માત્ર પાંદડાઓ પરથી ટપકતા, સરકતા, ભીના ભીના ટિપાઓ. નીરજા તેને સાંભળી રહી. નીરજાએ પોતાના શ્વાસનો અવાજ પણ ખૂબ જ ધીમો કરી દીધો. માત્ર ટીપ..ટીપ...ટીપ...

કેટલોય સમય વિતી ગયો હશે, નીરજાને તેની ખબર ન હતી. તેની પરવા પણ ન હતી. તે ઊભી હતી એક પૂતળાની જેમ. ટિપાઓ પર સ્થિર આંખ, સ્થિર કાન. અને સ્થિર નીરજા. જાણે કોઈ અપ્રતિમ સૌંદર્યની પ્રતિમા ! કોઈ શિલ્પકારના હાથે ઘડાઈને તાજી તાજી જ બનેલી મુર્તિ ! ચૂપચાપ રહેતા જંગલમાં અનુપમ સૌંદર્યની ભાષા બોલતી મુર્તિ !

એ મૂર્તિની પાછળ જ એક બીજી મુર્તિ પણ, ક્યારની આવી ઊભી હતી. વ્યોમા !

વ્યાપેલી બધી જ ખામોશીઓને જરાય પણ ખલેલ પહોંચાડયા વિના જ, ચૂપચાપ ટેન્ટમાંથી તે બહાર આવી. તેણે પણ જંગલને અને પછી નીરજાને જોયા. તેઓની ખામોશી સાંભળી.

તેને પણ આ ખામોશીમાં સંગીત સંભળાતું હતું. તે પણ સ્થિર થઈ ઊભી રહી ગઈ. તેણે પણ જંગલના મૌનને વિસ્તરવા દીધું, બોલવા દીધું. તે પણ મુર્તિ બનીને સ્થિર થઈ ગઈ.

બે સુંદર નવયૌવના, મુર્તિ બનીને ઊભી હતી. તેને જોવા જંગલ જાગી ગયું. તે તેને જોઈ રહ્યું હતું. ચૂપચાપ. મૌન. બંનેના રૂપને, સૌંદર્યને તે પી રહ્યું હતું.

જંગલ પણ કેવું નટખટ હોય છે? ચૂપચાપ રહીને સૌંદર્ય પીતું રહે છે. કોઈ જોઈ ના જાય તેમ.

પણ જંગલને અચાનક ઠેસ વાગી. કોઈ ઝાડની મધ્યમ કદની કોઈ ડાળી તૂટી પડી.

ચર...ર..ર...ર...... ધડામ. એક મોટો આવાજ થયો. જંગલની ખામોશીનું ખૂન થઈ ગયું.

હવાની એક લહેર આવીને ગઈ, ખૂની ઘટનાની તપાસમાં આવતા પોલીસની જેમ. બનેલી ઘટનાની અધકચરી માહિતી લઈને તે વહી ગઈ. દોડી ગઈ આખા જંગલમાં .

‘એક ડાળીનું ખૂન થયું છે’ એવી એક અફવા લઈને હવા ફરી વળી આખા જંગલમાં. જંગલ નિન્દ્રામાંથી સફાળું જાગી ઉઠ્યું. નીરજા જાગી ગઈ, ટીપ..ટીપ..ટીપ.. સંગીતના જલસામાંથી. વ્યોમા નામની મુર્તિ પણ જાગી ગઈ.

તેણે નીરજાના ખભા પર હાથ મૂકી દીધો. નીરજા ચોંકી ગઈ. પણ વ્યોમાને જોઈને નિશ્ચિંત થઈ ગઈ. ચાર હોઠો પર સ્મિત આવી ગયું. બંનેની આંખમાં જંગલ ટપકતું હતું. ટીપ...ટીપ..ટીપ...