એક પતંગિયાને પાંખો આવી Chapter-3 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી Chapter-3

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 3

વ્રજેશ દવે “વેદ”

નીરજાને સ્કૂલ માટે, તો દીપેનને ઓફિસ માટે હજુ વાર હતી. દીપેનના મનમાં અજંપો હતો કે આ સમયમાં નીરજા વળી કાંઈક નવું કરશે તો?

નીરજાએ કાંઈ જ ના કર્યું. સમય પર નીરજા અને દીપેન જતાં રહ્યા.

આવડા મોટા ઘરમાં જયા એકલી જ રહી ગઈ. એ તો રોજનું હતું. પણ આજ જરા અલગ વાત હતી. નીરજાના આજના બદલાયેલા વર્તન વિશે દીપેને જયાને બધી જ વાત કરી હતી અને એટલે જ તે ચિંતન મગ્ન બની ગઈ.

વર્ષોથી બનતું આવ્યું છે, કે જ્યારે જયારે દીપેન કોઈ નવી વાત જાણે કે કોઈ નવા વિષય પર ચિંતા કે ચિંતન કરે, ત્યારે ત્યારે તેને સમજવાની અને તેનો હલ શોધવાની જવાબદારી જાણે જયાની હોય તેમ, તે પોતાના મનની વાત જયાને કહી દેતો અને કામ પર જતો રહેતો.

જયા, ઘરમાં બેઠી એકલી એકલી તે વાતનું વિશ્લેષણ કરે, તેના પડળો ઉખાળે અને ઉકેલી પણ દે !

આજે પણ તે વિચારવા લાગી. તેનું આમ વિચારવું એ ઇતિહાસના પાઠ ભણવા જેવુ તેને લાગ્યું. ઈતિહાસમાં યુદ્ધો કોઈ કરે, કોઈ જીતે તો કોઈ હારે. પણ એ યુદ્ધો શા માટે થયા, કોણ જીત્યું, કોણ હાર્યું, શું કામ હાર્યું, કોણે કેવા કેવા કાવાદાવા કર્યા, તેની શી અસરો થઈ વગેરે વગેરે ભણવાનું તો બિચારા વિધ્યાર્થીઓના માથે આવે, કે જેણે ક્યારેય ભાઈબંધો જોડે પણ યુદ્ધ ના કર્યું હોય.

વિચિત્રતા પાછી કેવી કે ઈતિહાસમાં યૂદ્ધો ભણાવાય અને શિખામણ અપાય કે સારા નાગરિકોએ શાંતિ જાળવવી જોઈએ. વિધ્યાર્થી કન્ફ્યુઝ ના થાય તો જ નવાઈ.

જયા પણ આમ જ કન્ફ્યુઝ થઈ ગઈ. ‘કારસ્તાન બાપ-દીકરી કરી આવે, અને તેના પર ચિંતન અને ચિંતા મારે કરવાની?’

ઇતિહાસ ભણતા વિધ્યાર્થિની જેમ તે પણ બળવો ના કરી શકી. પોતાના ભાગે આવેલ ચિંતનમાં તેણે મન પરોવ્યું.

ચિંતનમાં જ કયારે સાંજ આવીને બારીમાં ડોકાવા લાગી તે પણ ધ્યાન ના રહ્યું. ઢળી ગયેલ સુરજ તરફ તેની નજર ગઈ. આકાશમાં ધીમે ધીમે લુપ્ત થતું જતું અજવાળું અને જન્મ લેતો અંધકાર તેને ગમી ગયા. મિલનની એક અદભૂત ક્ષણ તેણે જોઈ. સંક્રાંતિની ક્ષણ. ટ્વીલાઇટની ક્ષણ. તેને એ ક્ષણ સ્પર્શી ગઈ. તેની આંખમાં ચમક આવી ગઈ. સમગ્ર ચિંતનનો તેને જવાબ જડી ગયો. ખુશ થઈ ગઈ.

ક્ષિતિજ પર ઢળતા સૂરજની ફેલાયેલી લાલીમાને તે ક્યાંય સુધી જોતી ઊભી રહી. ઘણા લાંબા સમય બાદ તેણે ધરતી પર ઉતરી આવતા રાત્રિના આગમનને નિહાળ્યું હતું, અપલક.

ઘરની ડોરબેલના અવાજે તેની નજર અને ક્ષિતિજ વચ્ચેના સેતુને તોડ્યો.

તે નીરજા હતી. તેના આવતાં જ તેના હોવાનો અહેસાસ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગયો. દીપેન પણ આવી ગયો. જમીને સૌ પોતપોતાના રૂમમાં ગોઠવાઈ ગયા.

દીપેનની આંખમાં રમતા સવાલને જોઈ જયાને સમજાઈ ગયું કે તેની ઉત્કંઠા તિવ્ર બની છે.

જયાએ જ શરૂઆત કરી,”દીપેન, તને યાદ છે? આપણે ઢળતી સાંજને જોયા કરતાં, થોડી વારમાં તો અજવાળું ભાગી જતું, અંધારું ફેલાઈ જતું !”

“હા યાર, કેવી અદભૂત હતી, એ અસંખ્ય સાંજ?”

“અને એના સંકેતો પણ કેવા અદભૂત ! બસ, એ સંકેતો ઉકેલવા પડે. અને.. એક વાર જો એ સંકેતો ઉકેલાઈ જાય, સમજાઇ જાય તો પછી મજા પડી જાય.”

દીપેનને સમજાઈ ગયું કે હવે જયા જે વાત કરશે તે ખૂબ જ મહત્વની હશે. તેમાં ઘણા સંકેતો હશે. જ્યારે જ્યારે કોઈ ગંભીર અને મહત્વની વાત કરવાની હોય ત્યારે ત્યારે તે આમ જ સરળતાથી શરૂઆત કરે, કોઈ મજાનું દ્રશ્ય ઊભું કરે અને તેને આધારે ગંભીર વાત સમજાવી દેય. જાણે પહાડ પરથી સહજ રીતે સરકી જતું ઝરણું ! કોઈ ઘોંઘાટ નહીં ને તોય વહેતું રહે.

દીપેનને તેની આ અદા પસંદ હતી. તે ગોઠવાઈ ગયો જયાની બાજુમાં, “તો ચાલ, પેલા સંકેતોને ઉકેલવા લાગીએ.”

“સંધ્યા સમયે જ્યારે સુરજ ડૂબે છે, એટલે કે તે તેનું સ્થાન બદલે છે, ત્યારે સમય બદલાય છે. અજવાળાને સ્થાને અંધારું આવે છે. એ એક એવી સ્થિતિ હોય છે, જ્યાં પરીવર્તન પગરવ માંડે છે.”

“હા. બરાબર છે. તો?” દીપેન વાત સમજવાની કોશિશ કરવા લાગ્યો.

“પરિવર્તન કોઈ અચાનક કે એક જ ક્ષણમાં નથી થઈ જતું. એક સ્થિતિથી બીજી સ્થિતિમાં જતાં પહેલાં અમુક ક્ષણો એવી આવે છે જ્યારે વિતનારું હજુ વીત્યું નથી હોતું અને આવનારું હજી આવ્યું નથી હોતું.“

“સંક્રાંતિની, ટ્વીલાઇટની ક્ષણોની તું વાત કરે છે?”

“હા, દીપેન.”

“ઓ. કે. તો?”

“16-17 વર્ષની ઉમર એટ્લે ટ્વીલાઇટ વાળી સ્થિતિ.“

“તું નીરજાની વાત કરે છે”

“હા. તેનું બાળપણ વિદાય લઈ રહ્યું છે, તો યૌવન હજુ વેંત છેટું છે. તે ના તો બાળક છે કે ના તો પરિપક્વ યુવાન.”

“મતલબ. Teenage ! ઓહ, યસ.”

“આ સમયે તેના તન-મનમાં, વાણી-વર્તનમાં ઘણા ફેરફારો થતાં હોય છે. નવા વિચારો તેને આકર્ષે છે. નવું જોમ અને જોશ છલકાય છે. તેને લાગે છે કે તેનામાં એવી બધી જ આવડત અને શક્તિ છે, ક્ષમતા છે, જેના વડે તે તમામ કાર્ય કરી શકે છે.” જયા હવે મૂળ વાત પર આવી રહી હતી. તેણે દીપેનની આંખમાં આંખ પરોવી ઊંડો શ્વાસ લીધો,” તેને કશુક નક્કર, નવું કરવું હોય છે. તે માટે તે કોઇની કંપની ઝંખે છે. નવા દોસ્તો બનાવવા, નવી વાતો કરવી, નવું કાર્ય કરવું, વગેરે બધું જ તેને કરવાની ઇચ્છા થતી હોય છે. તે એવી વ્યક્તિને શોધે છે જે તેને સમજે, સાથ આપે, દિશા આપે, સપોર્ટ કરે, પીઠ થાબડે અને જ્યારે થાકી જાય, હારી જાય ત્યારે તેના પાલવમાં મોઢું દબાવીને નિરાંતે રડી શકે.”

“એવું કોણ હોઇ શકે?”

“સૌ પ્રથમ તો તે પોતાની આસપાસ જ એવી વ્યક્તિની શોધ કરશે. અને દરેક દીકરી માટે તેનો બાપ જ પહેલો હીરો હોય છે. જેને તે ચાહે છે. તે તેનો આદર્શ હોય છે. અને જ્યારે તેનો બાપ તેની અપેક્ષાઓમાં નિષ્ફળ જાય ત્યારે જ તે બીજા હીરોની તલાશમાં કદમ ઉઠાવે છે.”

“વાહ. જયા, તારી વાતમાં દમ છે.”

“હા, દીપેન. આપણી નીરજા માટે પણ તેનો પિતા એટલે કે તું, તેનો પહેલો હીરો છે, આદર્શ છે.”

“ઓહ, એમ વાત છે? એટલે.. આજે સવારે તે મારી સાથે જોડાઈ ગઈ !”

“હા દીપેન.”

“જયા, એક વાત કહે મને. મેં તેની આશાને કે કલ્પનાને ખોટી તો નથી ઠેરવી ને? હું તેની અપેક્ષા પ્રમાણે જ વર્ત્યો છું ને?”

“હા. નીરજા તારા વિશ્વમાં પ્રવેશ કરવા માંગે છે. અને સામે આશા પણ રાખે છે કે તું પણ તેના વિશ્વમાં, ભાવ જગતમાં પ્રવેશે. આ એક જાતનું અતિક્રમણ પણ છે, અને આમંત્રણ પણ છે.”

“અર્થાત?”

“એ જ કે તે તેના પોતાના ભાવ વિશ્વને તોડીને બહાર નીકળવા માંગે છે અને અન્યના ભાવ જગતમાં પ્રવેશવા માંગે છે. એટલે જ સવારે તેણે તારા ભાવ જગતના વર્તુળમાં ધરાર પ્રવેશીને અતિક્રમણ કર્યું તો સામે તને આમંત્રણ પણ આપ્યું કે તું તેના જગતમાં પ્રવેશે.”

“અતિક્રમણ અને આમંત્રણ ? બંને એક સાથે?“

“હા, બંને એક સાથે. છે ને મજાની વાત?”

“હા. પણ એક વાત મને ન સમજાઈ. દીકરી ની વધુ નજીક તો માં હોય છે. તો પછી બાપ જ કેમ?”

“માં તો તેના ભાવ જગતમાં હમેશાથી હોય જ છે. મે કહ્યું ને કે તે નવા જગતમાં પ્રવેશવા માંગે છે. અમે તો માં–દીકરી છીએ. અમે એકબીજાના વિશ્વમાં તો ક્યારના ય વસીએ છીએ. “

“કેવી રીતે?”

“માં દીકરી બનીને નહીં, મિત્ર બનીને.”

“ઓકે. તો મારે તેના ભાવ જગતમાં પ્રવેશવું કેમ?”

“ઘણાં રસ્તા છે. પણ તું જ વિચારી લે કોઈ નવો રસ્તો, શોધી લે તારી રીતે.”

‘ઓહ thank you જયા. તેં મને સરસ રસ્તો સુઝાડયો. ...”

“એ વળી ક્યો?”

“નીરજા ના મિત્ર બનવાનો. બાપ નહીં મિત્ર પણ મિત્ર બનીશ. હા, મિત્ર.”

“that’s ગ્રેટ, દીપેન.”

“પણ જયા, તને આ બધી બાબતો વિશે કેમ આટલી બધી ખબર છે?”

ખડખડાટ હસી જયા,”દીપેન, હું પણ ક્યારેક teenage છોકરી હતી, you know?” એક કાતિલ અદાથી જયાએ કહ્યું.

દીપેન પણ હસવા લાગ્યો- મુક્ત મને. બંનેના હાસ્યથી આંદોલિત થયેલી હવા, તેના રૂમની બારી-બારણાંમાંથી વહીને નીરજાના રૂમમાં ગોઠવાઈ ગઈ.

પોતાના મોબાઇલ પર ખાસ દોસ્ત વ્યોમા જોડે ચેટિંગ કરતી નીરજા ચોંકી ગઈ. તેને કોઇની હાજરીનો અનુભવ થવા લાગ્યો. તેના રૂમમાં હમણાં જ પ્રવેશીને ગોઠવાઈ ગયેલી હવાનો રોમાંચ, તેને સ્પર્શયો. તેને ગમ્યું.

તેણે વ્યોમાને મેસેજ કર્યો,”મારા રૂમમાં હમણા જ જાણે કોઈ નવી હવા પ્રવેશી છે. I like this air!”

“what’s that dear?” જવાબમાં નીરજાએ માત્ર smiley મોકલ્યું.

સવારે ફરી ડેડી જોડે ક્લબ હાઉસમાં જવાની યોજના બનાવી તે ઊંઘી ગઈ.

*******

નીરજાના દરવાજે 3-4 ટકોરા પડ્યા. તેણે ઘડિયાળમાં નજર કરી. સવારના 5.40. મતલબ કે ડેડી રોજ કરતાં પણ 5 મિનિટ વહેલા તૈયાર થઈ ગયા હતા. તે તરત જ બહાર આવી ગઈ. બન્ને બાઇક પર નીકળી પડ્યા. એ જ રસ્તા પર, એ જ હવા, એ જ વાતાવરણ. પણ, આજે તેમાં કોઈ બોજ નહોતો. પવન વધુ મધુર લાગવા લાગ્યો. મૌન કોઈ ખૂણો શોધી લપાઈ ગયું. 20 મિનિટના રસ્તામાં એટલી બધી વાતો થઈ કે ક્યારે ક્લબના દરવાજે આવી પહોંચ્યા તેની પણ ખબર ના રહી.

આજે ક્લબનું વાતાવરણ બદલાયેલું હતું. સૌ પોતાને મન પડે, મૌજ પડે એ રીતે ચાલતા હતા. મિસ્ટર બક્ષી પણ anti clock દિશામાં ચાલી રહ્યા હતા. ક્લબ જાણે આજે જ આઝાદ થયેલ ના હોય ! દીપેન નિરપેક્ષ ભાવે જોઈ રહ્યો.

નીરજાને મજા પડી ગઈ. તે ઝીણવટભરી નજરે જોઈ રહી હતી. લોકો બંને દિશામાં ચાલી રહ્યા હતા. એક બીજાને ક્રોસ કરી રહ્યા હતા. સામસામે મળી રહ્યા હતા. એક બીજાને અભિવાદન આપી રહ્યા હતા.

નીરજા આ બધા ચહેરાઓને વાંચવાની કોશિશ કરતી રહી. તેને લાગ્યું કે આ બધાને કદાચ આજે જ ખબર પડી હશે, કે બાકીના બધા પણ મોર્નિંગ વોક માટે અહીં જ આવે છે, વર્ષોથી.

જાણીતા ચહેરાઓને જોઈને, ચમકતા ચહેરાઓ જોવાની મજા પડી ગઈ, નીરજાને.

દીપેન ચાહતો હતો કે તે નીરજાના ભાવ વિશ્વમાં પ્રવેશે. તેની સાથે વાતો કરે. તેને સમય આપે. તેને ગમે તેવું કાંઈક કરે. બંને વચ્ચેના ઉમરના તફાવતને ઓગાળી દે. તેને સમજે, જાણે, તેનો મિત્ર બને. પણ તે માટે તેને કશુંય સૂઝતું નહતું કે તે શું કરે?

તેણે અને જયાએ ઘણો વિચાર કર્યો પણ કશું ય નક્કર સામે નહોતું આવતું. આવનારા સમયની પ્રતિક્ષા કરવા સિવાય તે કશું જ કરી શકે તેમ ન હતો.