Ek patangiyane pankho aavi - 10 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી Chapter-10

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 10

વ્રજેશ દવે “વેદ”

સ્કૂલમાં આજે પ્રાઇઝ વિનરને ઇનામો આપવાનો દિવસ હતો. ઓડિટોરિયમમાં વિધ્યાર્થીઓ ઊભરાતા હતા. બધા જ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ હતા. આજની આ ક્ષણ માટે સૌ ઉત્સાહિત હત, ઉત્તેજિત હતા. સૌની અંદર નવી તાજગી અને તરવરાટ કૂદી રહ્યા હતા. યૌવનનું ઘોડાપૂર ઊમટ્યું હોય તેવું લાગતું હતું. આખો હૉલ ખીચોખીચ ભરાયેલો હતો- રંગબેરંગી પતંગિયાઓથી.

જાન્યુઆરી માસની ઠંડીનો દિવસ. સવારના 9.00 વાગ્યાનો સમય. કાર્યક્રમ શરૂ થવાની ઘડીઓના પગરવ થવા લાગ્યા. સ્ટેજના પાછળના ભાગમાં છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી હતી. એક પછી એક કામને અંતિમ ઓપ અપાઈ રહ્યો હતો. મહેમાનો પણ હવે આવવા લાગ્યા હતા.

આજના મુખ્ય આકર્ષણ હતા, પ્રસિધ્ધ લેખિકા સેજલ સાગર વ્યાસ અને ફિલ્મોનો હીરો અમોલ ભેદ. સાથે અન્ય મહેમાનો પણ હતા. તેઓ સૌ ધીરે ધીરે આવી રહ્યા હતા. તેમાંના કેટલાક તો આ જ સ્કૂલમાં ભણેલા હતા.

મહેમાનો આવતા ગયા. મંચ પર ગોઠવાતા ગયા. તમામ મહેમાનો આવી ગયા હતા. એક માત્ર અમોલ ભેદ હજુ આવ્યા નહોતા.

અમોલ ભેદ. નામ જરા અલગ પડતું હતું. તેના નામ પાછળ ‘ભેદ’ શબ્દ લાગતો હતો. તે તેનું સાચું નામ ન હતું. તેનું સાચું નામ તો અમોલ પ્રતાપ ભટ્ટ. પણ તેની પહેલી ફિલ્મમાં તેના કેરેકટરનું નામ ‘ભેદ’ રાખેલું જે ખૂબ જ લોકપ્રિય થયેલું. બસ ત્યારથી તે ‘ભેદ’ ના નામે મશહૂર થઈ ગયા.

સમય થઈ ગયો હતો, પણ કાર્યક્રમ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો હતો. નીરજાને આ વિલંબ સ્વીકાર્ય ન હતો. તેણે કાર્યક્રમમના સંયોજક મેડમ નેહા વૈદ્યને પોતાનો અણગમો વ્યક્ત કર્યો.”મેડમ, સમય થઈ ગયો છે. આપણે શરૂ કરી દેવું જોઈએ.“

“પણ હજુ અમોલ ભેદ નથી આવ્યા..”

“તો શું? તેની પ્રતિક્ષા કરવાની? એ ના આવે ત્યાં સુધી સૌને આમ રાહ જોવડાવવાની?“ શબ્દો હવે ધારદાર બનવા લાગ્યા.

“શું કરી શકીએ?” નેહા મેડમે લાચારી વ્યક્ત કરી. નીરજાએ નારાજગી વ્યક્ત કરી. નેહા મેડમના ધ્યાનમાં એ નારાજગી આવી ગઇ. તે પણ ચાહતા હતા કે દરેક કાર્યક્રમ સમય પર શરૂ થઈ જ જવો જોઈએ. કોઈ ગમે તેટલું મોટું કે મહાન હોય, પણ જો તે સમયને સાચવી ના શકે તો તેની પ્રતિક્ષા કરવી ના જોઈએ. આ વાત તો તેણે તેના સ્ટુડન્ટ્સને શીખવાડી છે.

પણ આજે તે કાંઇ જ કરી શકે તેમ ન હતી. પ્રિન્સિપાલ મિશ્રા, અમોલ ભેદની પ્રતિક્ષા કરવાના મૂડમાં હતા. નેહાએ એકાદ વખત વિલંબ થઈ રહ્યાનો ઈશારો પણ કર્યો, પરંતુ પ્રિન્સિપાલ સાહેબ અમોલ ભેદના આવ્યા બાદ જ કાર્યક્રમ શરૂ કરવા માંગતા હતા.

પડદા પાછળ નીરજા, નેહા અને તેની ટીમ વ્યગ્ર હતી. નારાજ હતી. વાતાવરણ થોડું તંગ બની ગયું.

મંચ પર સમયસર આવી ચૂકેલા મહાનુભાવો વાતોએ વળગ્યા હતા. માત્ર સેજલ સાગર વ્યાસ ઘડિયાળને જોતાં જોતાં અધીરા થઈ રહ્યા હતા.

સેજલ સાગર વ્યાસ. એક જાણીતું નામ. કામ અને સમયના પાક્કા. હાથ પર લીધેલું કામ પૂરું પાડે જ, સમય પર ! સમયના પાક્કા આગ્રહી.

સેજલના પિતાની અટક સાગર હતી. શેખર વ્યાસને પરણ્યા બાદ તેની અટક વ્યાસ થવી જોઈએ. અને નામ – સેજલ વ્યાસ. પણ તેણે તેના પોતાના અસ્તિત્વને અલગ જાળવી રાખ્યું હતું. એટલે જ તેણે તેના નામમાં બંને અટક જાળવી રાખી હતી. સેજલ સાગર વ્યાસ.

લેખિકા સેજલના આ ચીલાને પછી તો ઘણા લોકોએ અનુસર્યો. તેઓએ પોતાની અલગ ઓળખ અને સ્વતંત્ર અસ્તિત્વને ટકાવી રાખ્યા.

સેજલ સાગર વ્યાસ, સમયસર આવી ગયા હતા. થઈ રહેલો વિલંબ તેને પણ અકળાવી રહ્યો હતો. નીરજા અને નેહા તેની વ્યગ્રતાને પામી ગયા. તેઓએ નક્કી કરી લીધું,

પ્રિન્સિપાલની મંજૂરીની રાહ જોયા વિના જ તેઓએ માઇક પર ચાલુ કરી દીધું,

“ગૂડ મોર્નિંગ, માય ડિયર સ્ટુડન્ટ્સ..” મેડમ નેહાનો અવાજ સમગ્ર સભાખંડમાં ફેલાઈ ગયો. સુરજથી તપ્ત શરીર પર ઠંડી હવાની લહેર વહે, અને જે જાદુ કરે તેવો જાદૂ ફેલાઈ ગયો આખા સભાખંડમાં. ગણગણાટ કરતો સભાખંડ અચાનક જ મૌન બની ગયો.

નેહા વૈદ્ય. બધા સ્ટુડન્ટ્સ માટે આદરનું નામ. તેનું અજબનું ચુંબકીય વ્યક્તિત્વ, સૌને તેની તરફ ખેંચી શકવાને સમર્થ. અને તેનો અવાજ? તેના વ્યક્તિત્વથી પણ વધુ ચુંબકીય અસર ધરાવતો અવાજ.

જો તેણે FM રેડિયો પર RJ ની નોકરી સ્વિકારી હોત, તો સમગ્ર શહેર તેના અવાજને સાંભળીને તેનું દીવાનું થઈ ગયું હોત. તે RJ નથી તેથી શું? શહેર નહીં તો કાંઇ નહીં, પણ આ સભાખંડ તો તેનો જાદુમાં ગળાડૂબ છે.

“આપ સૌનું અને પધારેલા મહેમાનોનું હું સ્વાગત કરું છું.” નેહાનો અવાજ હજુ પણ પડદા પાછળથી આવતો હતો. તેના અવાજના જવાબમાં, સભાખંડ ગુંજી ઉઠ્યો તાળીઓ ના પ્રચંડ અવાજથી.

શરૂ થઈ રહેલા કાર્યક્રમ માટે સૌ મહેમાનો જાગૃત થઈ ગયા. મિશ્રા સાહેબ પણ ખુરશીમાં બેસી ગયા. માત્ર અમોલ ભેદની ખુરશી ખાલી હતી. મિશ્રા સાહેબને આ ના ગમ્યું. પણ હવે તે કશું જ કરી શકે તેમ ન હતા.

નીરજા અને નેહાએ પરસ્પર સ્મિત આપ્યું. પડદો ખૂલી ગયો. પરિચય અને ઔપચારિક સ્વાગત થવા લાગ્યા.

મહેમાનોને અપાતા અને તેને સ્વિકાર્યા બાદ, બાજુ પર મુકાઇ જતાં પુષ્પના ગુલદસ્તાઓને નીરજા ધ્યાનથી જોઈ રહી. માત્ર એક ક્ષણ માટે આટલા મોટા પુષ્પગુચ્છો આપવાનો શો અર્થ? ક્યારનાય રાહ જોતાં ફૂલો, જ્યારે કથિત મહાનુભાવોના હાથમાં આવે ત્યારે ધન્યતા અનુભવવાનો પ્રયાસ કરતાં, અને કાંઇ પણ અનુભવે તે પહેલાં તો કોઈ ખૂણે હડસેલી દેવાતા હતા. ફૂલોને બહુ લાગી આવ્યું. નીરજાને પણ.

બંને મનમાંને મનમાં સમસમી ગયા.

કાર્યક્રમ ચાલતો રહ્યો. અમોલ ભેદનું આગમન થયું. સભાખંડમાં હલચલ મચી ગઈ. તેની એક ઝલક લેવા સૌ તલપાપડ થવા લાગ્યા.

મેડમ નેહાએ અપીલ કરી ત્યારે સૌ શાંત થયા. સમય પારખી નીરજાએ અમોલ ને માઇક પકડાવી દિધું અને પરિસ્થિતિને સંભાળી લેવા કહ્યું. નીરજાની સમય સૂચકતા અમોલને સ્પર્શી ગઈ. અમોલે એમ જ કર્યું. અમોલ ની અપીલ કામ કરી ગઈ. ખૂબ જ મુશ્કેલી બાદ સભાખંડ બેઠો.

અમોલ ભેદનું સ્વાગત કરવા માટે મિશ્રા સાહેબ ઉતાવળા થવા લાગ્યા. નેહાએ શબ્દો વડે સ્વાગત કરી મિશ્રા સાહેબને આમંત્રણ આપ્યું, ફૂલોથી સ્વાગત કરવા.

અમોલ ભેદ માટે જ ખાસ બનાવવામાં આવેલ, એવો ખૂબ મોટો ગુલદસ્તો લઈને નીરજા, મિશ્રા સાહેબ તરફ આગળ વધી. તેની સાથે તેના મનની ગડમથલો પણ વધવા લાગી.

તેને આજના કાર્યક્રમમાં બની રહેલી વાતોમાં કશુક ખૂંચતું હતું, કાંટાની જેમ. ગુલાબની વચ્ચે રહેલા કાંટાની જેમ. તેને ખૂંચતું હતું, કે આટલા બધા ફૂલોને શા માટે તોડી નાંખવામાં આવ્યા? શા માટે આ ફૂલો કહેવાતા મહાનુભાવોને આપવામાં આવે છે? શા માટે તેઓ આટલા બધા સુંદર ફૂલોને લઈને પળભરમાં બાજુએ મૂકી દેતા હોય છે? શા માટે ફૂલો આ બધું સહેતા હશે?

બિચારા ફૂલો ! તેનો શું વાંક? તેને તો એ પણ ખબર નથી કે તે કોના હાથમાં જઇ ચડશે. તે હાથ ફૂલોને સ્વિકારવા જેટલા પવિત્ર હશે પણ ખરા? કે તે હાથો વડે અનેક ફૂલો રગદોળાયા હશે?

આટલા બધા ફૂલોને બદલે એકાદ દાંડીમાં રહેલા ફુલને આપીને પણ સ્વાગત કેમ ના થઈ શકે?

‘થઈ જ શકે. જરૂર થઈ શકે.’ તેણે મનમાં નિર્ણય કરી લીધો. તે મિશ્રા સાહેબ પાસે પહોંચી ગઈ. મોટા ગુલદસ્તામાંથી ગુલાબની એક દાંડી ખેંચી લીધી. તે એક ગુલાબ તેણે મિશ્રા સાહેબને આપી દીધું.

મિશ્રા સાહેબ, અમોલ ભેદ, અન્ય મહાનુભાવો, નેહા મેડમ કે સમગ્ર સભાખંડ કશુંય સમજે તે પહેલાં, બાકીનો ગુલદસ્તો અને ટેબલ પર પડેલ, તરછોડાયેલ બધા જ ગુલદસ્તાઓ હાથમાં ભેગા કરવા લાગી. બધા જ પુષ્પોના ગુચ્છોને ભેગા કરી, હ્રદય સાથે ચાંપીને સ્ટેજની પાછળના ભાગમાં ચાલી ગઈ.

મિશ્રા સાહેબ ક્ષોભ અને સંકોચમાં ત્યાં જ ઊભા રહી ગયા. અમોલના હોઠો પર એક રમતિયાળ સ્મિત આવી ગયું. બાકી બધા જ હજુ પણ સ્તબ્ધ હતા. આ શું થઈ રહ્યું છે? નીરજા કેમ આમ વર્તી રહી છે?

અમોલે નીરજાની પ્રત્યેક હરકતોને ધ્યાનથી નીરખી હતી. તે પામી ગયો હતો કે નીરજા શું અને શા માટે કરી રહી છે.

તેણે મિશ્રા સાહેબ સાથે આંખ મિલાવી, હળવું સ્મિત આપ્યું. પોતાની જગ્યાએથી બે ડગલાં આગળ આવી ગયો. મિશ્રા સાહેબના હાથમાં રહેલી ગુલાબની દાંડીને સામેથી હાથ લંબાવી, લગભગ ખેંચી લીધી. સૌ હજુ પણ સ્તબ્ધ.

અમોલે માઇક પર કહેવા માડ્યું,”થેન્ક યુ મિત્રો. થેન્ક યુ મિશ્રા સાહેબ.” અમોલના અવાજે સૌની તંદ્રા તોડી. સૌ તરફ તેણે હાથ હલાવ્યા. સૌને સમય લાગ્યો સ્વસ્થ થવામાં. અમોલે કાર્યક્રમ આગળ વધારવા કહ્યું. વધવા પણ લાગ્યો. વધતો ગયો. થોડી વાર પહેલાંની નીરજાની હરકત સૌ ભૂલવા લાગ્યા- ભૂલી ગયા. અમોલ ભૂલ્યો ણ હતો. તેના મનમાં કશુંક ચાલતું રહ્યું, દોડતું રહ્યું.

નેહા મેડમ ખૂબ જ સરસ રીતે સંચાલન કરી રહ્યાં હતા. નીરજા અને તેની ટીમ પણ સહયોગ આપી રહી હતી.

કાર્યક્રમ તેના અંતિમ પડાવ પર આવી પહોંચ્યો. સૌએ સેજલ સાગર વ્યાસને હમણાંજ સાંભળ્યા હતા. સૌ પર તેના શબ્દોનો અને વાતનો જાદુ છવાયેલો હતો.

હવે એક માત્ર વક્તા બાકી હતા, અમોલ ભેદ. આજનો લોકપ્રિય અભિનેતા. યુવા હ્રદયોની ધડકન.

તેના ઊભા થતાં જ સભાખંડમાં ચિચિયારીઓ ગુંજવા લાગી. સૌ ઉત્તેજિત હતા. સૌ પોતપોતાની ગમતી ફિલ્મના ડાયલોગ્સ સંભળાવવા, તેને અનુરોધ કરતાં રહ્યા. થોડી ક્ષણો તેણે સૌને બોલવા દીધા. તે ઊભો રહ્યો, મૌન સ્મિત લઈને. એકલું મૌન ઓઢીને. કોઈ જ ક્રિયા કે પ્રતિક્રિયા વિના. થોડી વારમાં ઉભરાઓના ટોળાં બેસી ગયા. સૌ શાંત થઈ ગયા.

એકદમ શાંતિ. શાંત વહેતી હવાનો સ્પર્શ સભાખંડમાં સૌને થયો.

“આજે કોઈ જ ફિલ્મી વાત નહીં.” અમોલે મૌનને ખામોશ કરતાં કહ્યું,”આજે હું કોઈ નવી જ વાત કરીશ. તો સૌને વિનંતી છે કે કોઈ ફિલ્મી ફરમાઇશ ના કરશો.” સૌ નિરાશ થઈ ગયા.

“આજે અહીં બે નવા અનુભવો થયા છે. હું તેની જ વાતો કરીશ.” અમોલે નિરાશ સભાના વિચારોની દિશા બદલી નાંખી. સભામાં ફરી જીવન આવવા લાગ્યું. જીવતો થઈ ગયો સભાખંડ. ઉત્સુકતા પણ આવી પહોંચી.

“વિશેષ આભાર માનીશ, પેલી છોકરીનો, શું નામ છે તેનું?” અમોલે મિશ્રા સાહેબ તરફ પ્રશ્નાર્થ નજર કરી. તે જવાબ આપે તે પહેલાં નેહાએ કહ્યું,”નીરજા.”

“તો હું આભાર માનીશ નીરજાનો.” નીરજાનું નામ આવતાં જ મિશ્રા સાહેબના ચહેરાની ભૂગોળ બદલાઈ ગઈ. જ્યારે સભાખંડમાં ઊગી નીકળી ચિચિયારીઓ.

“દરેક પળ અને દરેક વ્યક્તિ કશું નવું શીખવાડે છે, નવી દ્રષ્ટિ આપે છે. મને પણ એ મળ્યા છે અહીં જ, હમણાં જ.” સભા હવે અમોલના શબ્દોને સાંભળવા લાગી.

“બે વાત કહેવી છે. પહેલી, ગમે તેટલો મશહૂર વ્યક્તિ પણ જો સમયનું માન ન રાખે, તો સમયથી જ તે હારી જાય છે. સમયને સાચવતા આવડવું જોઈએ. આપેલ સમયે સમયસર પહોંચવું જોઈએ. હું અહીં મોડો આવ્યો, એ મારી ભૂલ છે. તે માટે સૌની ક્ષમા માંગુ છું. અને વચન આપું છું કે હવે ક્યારેય ક્યાંય મોડો નહીં પડું.” સભાના હાથ સ્વત: તાળીઓ પાડવા લાગ્યા.

“બીજી વાત. આટલા બધા ફૂલોને તોડવાની જરૂર ખરી? આખા આ ગુલદસ્તાને અહીં જ છોડી જવાનું અને માત્ર 10 15 સેકંડ્સ માટે તેની આપ-લે કરી તરછોડી દેવાનું? હાર કે ગુલદસ્તાની સાઇઝ, પ્રેમ કે માનની માત્રા નક્કી કરી શકે? મોટો હાર એટલે વધુ માન અને પ્રેમ? ના. બિલકુલ નહીં. આ માનસિકતા ખોટી છે.” અમોલે એક વાત, એક વિચાર વહેતો કરી દીધો. સભાના મનમાં પ્રશ્ન જગાવી દીધો.

“મને આપેલું એક ફૂલ” અમોલે ટીશર્ટના ગજવામાં ભરાવી રાખેલ ગુલાબના ફૂલને હાથમાં લીધું. સૌને બતાવતા કહ્યું,”હા, આ એક ફૂલ. કેટલું સરસ છે ! હું તેને મારી સાથે લઈ જઈશ. જ્યાં સુધી તે કરમાશે નહીં ત્યાં સુધી તેને મારી સાથે જ રાખીશ.” અનેક કિશોર ચિચિયારીઓથી સભાખંડ ગાજી ઉઠ્યો.

અમોલે યુવાન બનવા મથતી નાડને પકડી લીધી. તેના કુદરતી ધબકારાઓને વહેવા દીધા. ચિચિયારીઓ, તાળીઓ, સિસોટીઓને વહેવા દીધા. સ્થિર ઊભો રહ્યો તે, ક્યાંય સુધી.

સભાના ઉન્માદને મંદ થવા દીધો. શાંત થવા દીધો. શાંત થઈ ગયો.

“નીરજા, can u come on the satge, please.” લગભગ વિનંતીના સ્વરમાં તેણે નીરજાને બોલાવી.

નીરજા, સ્વસ્થતા અને વિશ્વાસથી સ્ટેજ પર આવી. ફરી ઉન્માદ ફેલાઈ ગયો.

ગુમનામીમાં ચાલી ગયેલા ગુલદસ્તાઓને અમોલે મંગાવ્યા. થોડા નાના-મોટા અને એક ખૂબ જ મોટો ગુલદસ્તો સૌની ઉત્સુક્તાનું કેન્દ્ર બની ગયા.

પ્લાસ્ટિકમાં કેદ સૌ ફૂલોને તેણે બંધન મુક્ત કર્યા. સૌ ફૂલો મુક્ત મને ફેલાઈ ગયા. કેવા હસવા લાગ્યા.

એક સુંદર જાંબલી રંગનું ગુલાબ તેણે પસંદ કર્યું અને નીરજા તરફ તે જવા લાગ્યો. નીરજાને તે ગુલાબ આપવા હાથ લંબાવ્યો,”મારા તરફથી દોસ્તીના પ્રતિક રૂપે. તું એને સ્વીકારશે?”

અમોલ ના અવાજમાં એટલો જાદુ હતો કે મંત્રમુગ્ધ નીરજાએ સહજ ગુલાબ લઈ લીધું.

“નીરજા, ખૂબ ખૂબ આભાર.” અમોલ સભા તરફ વળ્યો,”અહીં આટલા બધા ફૂલો છે ટેબલ પર અને કુદરતના ફૂલો તમે સૌ પણ અહીં જ છો. આ બધા ફૂલો પર તમારા સૌનો અધિકાર છે.”

તે ફરી ફૂલો પાસે ગયો,”આ તમામ ફૂલો હું જાતે સૌને આપીશ. સૌ જ્યાં છો ત્યાં બેસી રહેજો. હું આવું છું તમારી પાસે. એક એકની પાસે. કોઈ બાકી નહીં રહે. બધાને મળશે આ ફૂલ.”

સભામાં ઉત્તેજના અને રોમાંચ વ્યાપી ગયો. સૌ બેસી રહ્યા પોતાની જગ્યા પર.

પહેલું ફૂલ મિશ્રા સાહેબને આપી, તે બાકી બધા મહેમાનોને ફૂલ આપવા લાગ્યો.

સભાખંડની હારબંધ ખુરશીઓ તરફ વળ્યો. સૌને એક એક ફૂલ અને સ્મિત આપવા લાગ્યો. તેણે સૌને ફૂલો આપ્યા. છેલ્લી હરોળ સુધી, સૌને.

તે Eixt ગેટ તરફ ગયો. સૌનો આભાર માની વિદાય થઈ ગયો.

થોડીક ક્ષણો બાદ જ સૌને સમજાયું કે સભાખંડને મોહિત કરીને અમોલ ભેદ તો ચાલી ગયો છે. સભા આટોપી સૌ વિખરાયા, મળેલા ફૂલની સાથે એક નવી સુગંધ લઈને.

********

નીરજાને અમોલ નું વ્યક્તિત્વ આકર્ષક લાગ્યું. તેની લોકપ્રિયતા પણ ગમી. તે છતાં તેનાથી તે અંજાઈ નહોતી ગઈ. તેના પ્રભાવમાં પણ નહોતી આવી ગઈ. ઉલટું, તેની સમકક્ષ સ્વમાનથી તે ઊભી રહી શકી હતી.

તેને લાગ્યું કે તેણે અમોલ ભેદને એક સશક્ત અને સમકક્ષ અનુભવ કરાવ્યો છે. તે ખુશ હતી. તેના વ્યક્તિત્વમાં નવો આત્મવિશ્વાસ ઉમેરાયો હતો.

સાથે સાથે તેને એ પણ સમજાયું હતું કે અમોલ ભેદ એક સાવ સાદો માણસ છે. આપણાં જેવો જ. છતાં લોકો તેને ચાહે છે. કારણ? તેની પાસે છે કળા, અભિનયની કળા. તેમાં તે સફળ પણ થયો છે. તેની પાસે આ કળા ન હોત તો? તે સફળ ના થયો હોત તો?

કળા પણ હોય અને સફળ પણ હોય તો જ, કોઈ લોકપ્રિય બની શકે. તો જ બધા તેને ઓળખે, ચાહે, માન આપે, તેના પ્રભાવમાં આવે.

એકાદ કળા ! અને તેમાં સફળતા ! કદાચ સફળતાનો આ જ સફળ મંત્ર હશે. સફળતાની આ જ સફળ જોડી હશે.

નીરજા પણ કોઈ કળા શિખશે. તેમાં સફળ થશે. પછી તે પણ સેલેબ્રિટી હશે. હા... નીરજા સેલિબ્રિટિ બનવા સર્જાઈ છે. તે બનીને જ રહેશે...પણ.. પણ કઈ કળા શીખવી?

અભિનય? સંગીત? લેખન?નૃત્ય? ચિત્ર? ... તે નિર્ણય પર આવી. તે સંગીત શિખશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED