Ek patangiyane pankho aavi - 2 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી Chapter-2

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 2

વ્રજેશ દવે “વેદ”

સવારના 5.46 મિનિટ. આ સમય બતાવી રહી હતી દીપેનના જમણા હાથ પર બંધાયેલી ઘડિયાળ. બરોબર એક મિનિટ મોડો હતો તે. સવારે 5.45 પર બેડરૂમમાંથી બહાર નીકળી જવું તે તેનો રોજનો ક્રમ હતો.

આજે એક મિનિટ લેઇટ હોવાને કારણે તે ઉતાવળે બેડરૂમનો દરવાજો ખોલીને બહાર આવ્યો. ડ્રૉઇંગ રૂમની લાઇટ ચાલુ હતી. સવારના ડ્રૉઇંગ રૂમની લાઇટ હમેશા બંધ જ રહેતી. તેને આશ્ચર્ય થયું.

આખા ઓરડાને પોતાની નજરમાં સમાવવા તેણે એક વિહંગ દ્રષ્ટિ કરી. નીરજા રૂમમાં પહેલેથી જ હાજર હતી. બંનેની દ્રષ્ટિ એક બીજા પર પડી. બંને માટે આ ક્ષણ ચોંકવાની હતી. બંને ચોંકી ગયા. બંને ન ધારેલું જોઈ રહ્યા હતા.

નીરજા જાણતી હતી કે તેના પપ્પા રોજ આ સમયે જ મોર્નિંગ વોક માટે નીકળે છે. ગઈ કાલે રાત્રે જ નીરજાએ નક્કી કરી લીધું હતું કે તે તેના પપ્પા જોડે મોર્નિંગ વોકમાં જશે. એથી જ તો તે ડ્રૉઇંગ રૂમમાં આવી પપ્પાની રાહ જોતી હતી. પણ પપ્પાને જોઈને તે વિસ્મય પામી.

કારણ? બસ એટલું જ, કે દીપેનના કપડાં કોઈ પણ દ્રષ્ટિએ મોર્નિંગ વોકને અનુરૂપ ન હતા. સૂટ, ટાઈ અને મોબાઇલ સાથે તે ક્લબ હાઉસના ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે જવા નીકળી રહ્યો હતો. નીરજાની કલ્પના વાદળમાંના પાણીની જેમ બાષ્પ બની ઊડી ગઈ. તેણે પપ્પા સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

દીપેન હજુ પણ નીરજાને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. તેને નીરજાના મુખ પરની પ્રશ્નાર્થ મુદ્રા નજર ન આવી. નીરજાને સમજાઈ ગયું કે દીપેને તેના મૌન પ્રશ્નને સાંભળ્યો નથી.

“પપ્પા, તમે તો મોર્નિંગ વોકમાં જઈ રહ્યા છો ને?” નીરજાએ પૂછી લીધું.

દીપેનની તંદ્રા તૂટી,“યસ, હું મોર્નિંગ વોકમાં જ જઇ રહ્યો છુ.”

“પણ, આમ ઓફિસ સૂટમાં?”

“કેમ? હું તો દરરોજ આ રીતે જ જાઉં છુ.”

“નહીં. આમ નહીં ચાલે. સ્પોર્ટ્સ શુઝ, ટ્રેક પેંટ અને ટી શર્ટ પહેરી લો. આ કપડાં જલ્દીથી બદલી લો. હું તમારી અહીં જ રાહ જાઉં છુ.“

“મતલબ? તું મારી સાથે મોર્નિંગ વોકમાં આવી રહી છે?”

“સ્યોર. ડેફીનીટલી.” આ શબ્દો દીપેનને ફરી આશ્ચર્ય આપી ગયા.

નીરજા.

લગભગ 16/17 વર્ષની. દીપેનની એક માત્ર સંતાન. જૂનિયર કોલેજમાં ભણતી. બધાના આગ્રહની વિરૂધ્ધ તેણે સાયન્સને બદલે આર્ટ્સના વિષયો ભણવાનું પસંદ કર્યું હતું. ભણવામાં ખૂબ જ આગળ રહેતી નીરજા, એક બાબતે ખૂબ જ પાછળ હતી- સવારે ઉઠવામાં ! આવી આળસુ છોકરી આજે સવાર સવારમાં જ, દીપેનથી પણ વહેલી ઊઠીને મોર્નિંગ વોક માટે તૈયાર હતી. મુખ પર કોઈ થાક કે કંટાળાને બદલે નવી જ તાજગી હતી.

સવારે 9/10 વાગ્યે પણ પરાણે ઉઠતી અને થાકેલી લાગતી નીરજા વહેલી પરોઢે તૈયાર થઈને પૂરા જોશમાં હોય, તે વાત દીપેન માટે અણધારી જ નહીં પણ આશ્ચર્યપૂર્ણ પણ હતી.

દીપેન આજ પહેલેથી જ એક મિનિટ મોડો હતો અને ઉપરથી નીરજા સાથેના સંવાદને કારણે પૂરી સાડા છ મિનિટ વધુ મોડો પડી ગયો હતો. મોડા પડવું એ તેનો સ્વભાવ નથી. ઊલટું, મોડા પડતાં લોકો માટે તેને નફરત હતી. અને આજે તે પોતે જ મોડો પડી રહ્યો હતો, નીરજા ને કારણે.

મનમાં અણગમો ઊગી ગયો. પણ નીરજાના ચહેરાના પ્રેમાળ, પણ આદેશાત્મક ભાવોને પારખીને તે તરત જ પોતાના બેડરૂમમાં ગયો.

નીરજા ખુશ થઈ. નીરજાની વાત દીપેન ભાગ્યે જ ટાળતો. આજે પણ ન ટાળી શક્યો. ત્રણ જ મિનિટમાં તે ટ્રેક સૂટ, ટી શર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ માં તૈયાર થઈ ગયો. કારની ચાવી લઈ તે ઝડપથી ઘર બહાર નીકળી ગયો. નીરજા પણ. નીરજાએ દીપેનના હાથમાંથી કારની ચાવી લઈ ખિસ્સામાં મૂકી દીધી. બાઈકની ચાવી દીપેનને આપી.

દીપેન માટે આ પણ નવી વાત હતી. મોર્નિંગ વોકમાં બાઇક પર જવાનું? આટલાં વર્ષોથી ક્યારેય તે ક્લબ હાઉસમાં કાર સિવાય ગયો નથી. શરૂઆતમાં નાની કાર વાપરતો અને સમય જતાં કારની સાઇઝ વધતી ગઈ. પણ... બાઇક તો ક્યારેય નહીં.

છેલ્લે તેણે ક્યારે બાઇક ચલાવ્યું હશે? કશું જ યાદ ન આવ્યું. નીરજા પર તે ગુસ્સે થવા જતો હતો ત્યાં તો નીરજા તેને બાઇક સુધી હાથ પકડી દોરી ગઈ. આમંત્રણ આપી દીધું, બાઇક ચલાવવાનું.

બાઇક પર બાપ-દીકરીની સવારી ક્લબ હાઉસ તરફ રવાના થઈ ગઈ. લગભગ 20 મિનિટની બાઇક રાઇડ દરમ્યાન બંનેમાથી કોઈ પણ કશું જ ન બોલ્યું.

બંને મૌન હતા. સવારની તાજગીમાં વહેતી હવાની લહેરોના સ્પર્શને બંને માણી રહ્યા હતા.

નવરાત્રિ હમણાં જ પૂરી થઈ હતી. આસો મહિનાની સવારમાં શિયાળાના ધીમા પગરવની આહટ સંભળાતી હતી. ઋતુઓનો સંક્રાતિ કાળ જેવુ લાગતું હતું. દૂર ક્ષિતિજમાં પણ અંધકાર અને ઉજાસના સંક્રાંતિ કાળ જેવુ આકાશ ચંચળ હતું, નીરજા જેવું જ.

સૂર્ય તેના આગમનની એંધાણી આપી રહ્યો હતો. આકાશ ક્યાંક ગાઢ ગુલાબી, તો ક્યાંક કાળા રંગોથી રંગાયેલું હતું. ક્યાંક બિલકુલ શૂધ્ધ વાદળી રંગ પથરાયેલો હતો. ક્ષિતિજ પર પરોઢના આછા અજવાળાનું સામ્રાજ્ય હતું.

નીરજા પણ એક નવા અજવાસ તરફ કદમ માંડી રહી હતી. બાળપણ અને મુગ્ધાવસ્થાને હંફાવી યૌવન ધસમસતું ટકોરા મારતું હતું. નવું વિશ્વ તેને લોભાવી રહ્યું હતું. વાતાવરણની સુગંધ તેને આકર્ષતી હતી. તેના મનમાં અનેક સવાલો થતાં. તેના જવાબો મેળવવા પ્રયાસ કરતી. અનેક વિકલ્પો તપાસતી. તેને કેટલાક જવાબો મળતા. કેટલાક પ્રશ્નો અનુત્તર રહેતા. કેટલીક વાતો સમજાતી. કેટલીક ન સમજાતી. સમજણની કાચી સીમાઓ તૂટી જતી. નવી સીમાઓ જન્મતી.

જે સમજાતું તે જાણી આનંદ થતો. નવા આશ્ચર્યો, નવા વિસ્મયો તેને ગમતા. તેના ચહેરા પર કૌતુક રમતિયાળ સ્થાન જમાવી પળવારમાં અદ્રશ્ય થઈ જતું. જાણે કોઈ હાથ પકડી, હાથ તાળી આપી જતું. નસોમાં નવું લોહી વહેવા લાગતું. ક્યારરેક લાગતું કે તે પોતાની જાતને ઓળખે છે, તો ક્યારેક તેને પોતાનો જ ચહેરો અજનબી લાગતો.

ગમે તેમ હોય, પણ તેને આ બધું ગમવા લાગ્યું હતું. પરિવર્તનનો પવન તેના શ્વાસમાં, નસમાં, ફેફસામાં, હ્રદયમાં અને મનના ઉંડા ખૂણાઓમાં ભીની સુગંધ બની પ્રસરી રહ્યો હતો.

કશુંક નવું જાણવા, સમજવા, શિખવા અને કરવાનું હર ઘડી મન થતું. આ અનુભવવાની તેને મજા પડતી હતી. તે ઝંખતી હતી કે કોઈ તેની આ સ્થિતિમાં તેની જેમ જ અનુભવ કરે, સાથ આપે. તેને એક દોસ્તની જરૂરત લાગવા માંડી. એવો દોસ્ત કે જેના સાનિંધ્યમાં તે ખીલી શકે, સલામત રહી શકે. એવો દોસ્ત કે જે તેને સમજે, સાંભળે, વહાલ કરે.

કદાચ દરેક દીકરી માટે બાપ જ તેનો પહેલો દોસ્ત હોતો હશે. દિપેનમાં તેને એવો જ દોસ્ત દેખાવા લાગ્યો. એટલે જ તો આજે તેના એ અજાણ્યા આનંદમાં તેણે દીપેનને શામેલ કરવાનો પ્રયાસ કર્યો.

દીપેન માટે આજની સવાર રોજ કરતાં અલગ હતી. રોજ કારની બારીના બંધ કાચની અંદર, ઘરથી ક્લબ સુધી ચાલતી સવારની યાત્રામાં, ક્યારેય બહારના વાતાવરણનો પવન, દીપેનને સ્પર્શયો ન હતો. ગમે તેટલી ગરમી, ઠંડી કે વરસાદ હોય, પણ દીપેનની એર કન્ડિશંડ કારમાંનું વાતાવરણ એકસરખું જ રહેતું.

આજે હવાના નવા રૂપ, રંગ અને સ્પર્શનો અનુભવ તેના મન, શરીર અને હ્રદયને યાદ અપાવવા લાગ્યો, તેના લગ્ન પછીના શરૂઆતના વર્ષોની.

જયા સાથે આમ જ સવારના ગાર્ડનમાં વોક કરવા નીકળી પડતો, બાઇક પર.

ગાર્ડન ! શહેરના તમામ ગાર્ડન તેને આજે યાદ આવી ગયા. રોજ રોજ નવા ગાર્ડનમાં ચાલવા જવાનો મૂળ આઇડિયા પત્ની જયાનો. તેના આ આઇડિયાને માન આપતો હોય તેમ તે બની જતો બાઇક નો ડ્રાઇવર. શ્રીમતીજી ના હુકમ પ્રમાણે ડાબે-જમણે-ડાબે એમ કરતાં રોજ નવા ગાર્ડનમાં પહોંચી જતો.

પણ, છેલ્લા ઘણા સમયથી તે ગાર્ડનને બદલે ક્લબ હાઉસ માં જ જતો, એ પણ એકલો જ.

બાઇક પર નીરજાને લઈને, અત્યારે પણ તે પહોંચી ગયો ક્લબ હાઉસના ગેટ પર.

ક્લબ હાઉસમાં કોઈ બાઇક પર નહોતું આવતું. બધા કારમાં જ આવતા. ગેટકીપર કારના નંબર પરથી ઓળખી જતો કે બંધ કાચની અંદર કોણ બેઠું છે. તે તરત જ દરવાજો ખોલી નાંખતો.

ગેટકીપરે તેને રોક્યો. એક તો બાઇક પર સવાર અને બીજું સૂટ બૂટ ને બદલે સ્પોર્ટસ ડ્રેસમાં હતો તે. તેણે દીપેનને ન ઓળખ્યો. દીપેન માટે આ નવાઈની વાત હતી. તેની આંખમાં ગૂસ્સો પ્રવેશે તે પહેલાં નીરજાની આંખના ઇશારાએ બાજી સંભાળી લીધી. દીપેનને સમજાઈ ગયું કે દરવાને તેને ક્યારેય આ રીતે જોયો જ ન હોય, તો ક્યાંથી ઓળખે?

થોડી વારે દરવાને બંનેને અંદર જવા દીધા. નીરજા પહેલી વાર ક્લબ હાઉસમાં સવાર-સવારમાં પ્રવેશી.

એક તરફ મોટો હૉલ. બધા ત્યાં ભેગા મળતા. બીજી તરફ ખુલ્લો, લીલોછમ્મ ટ્રેક.

નીરજાએ ટ્રેક પર નજર નાંખી. ઘણા બધા લોકો હતા. પોતપોતાના ક્રમ પ્રમાણે તેઓ ચાલતા, દોડતા કે જોગિંગ કરતાં હતા.

આજે મોડુ થયું હતું એટ્લે નીરજાને લઈને દીપેન સીધો જ ટ્રેક પર આવી ગયો. નીરજા અને દીપેન ઘડિયાળના કાંટાની દિશામાં ટ્રેક પર ચાલવા લાગ્યા. તે ચાલતી રહી અને આસપાસના વાતવરણને નિહાળતી રહી, તેને સમજવાની ચેષ્ટા કરતી રહી.

સુરજ ઉગવાની તૈયારીમાં જ હતો. અનેક ઘટાદાર વૃક્ષો આસપાસ હતા જે પોતાના બાહુ ફેલાવી સૂરજને પડકારતા હતા- અમને વીંધીને તારા પ્રકાશને ધરતી પર પહોંચાડી તો જો ! સુરજ રોજ હારી જતો, આ ઘેઘૂર વૃક્ષોની સામે.

ટ્રેક પર અસંખ્ય લોકો વહી રહ્યા હતા. તે પણ લોકો જોડે તેના લયમાં લય મિલાવી ચાલવા લાગી. એક આખો રાઉન્ડ તેણે પૂરો કરી લીધો. તેને મજા પડી. હવે તે લોકોને જોવા લાગી. તેને અચરજ થયું. આખા એક રાઉન્ડમાં ટ્રેક પર તેને કોઈ સામે ના મળ્યું.

આવું કેમ? તેને તરત જ ખ્યાલ આવી ગયો કે ચાલનાર દરેક જણ clock-wise જ ચાલી રહ્યું છે. બધા એક જ દિશામાં ચાલી રહ્યા છે. તેને કશુક અજુગતું લાગ્યું. “પપ્પા, કેમ બધા એક જ દિશામાં ચાલી રહ્યા છે?”

“ક્લબ હાઉસનો નિયમ છે, કે બધાએ એક જ દિશામાં ચાલવું. Cloc-kwise દિશામાં.”

“કેમ એવો નિયમ છે?”

“ખબર નથી, પણ ઘણા વર્ષોથી આમ જ ચાલે છે.”

“ધારોકે, કોઈ anti clock દિશામાં ચાલે તો શું થાય?“

“મને ખબર નથી. પણ કોઈએ એવું કર્યું હોય એવું યાદ પણ નથી.”

“તો ચાલો આપણે કરીએ.” નીરજા નટખટ બની ગઈ.

“શું?”

“ઉલ્ટી દિશામાં વોકિંગ.”

“નીરજા, તું અહીંના કોઈ નિયમોને તોડવાની કોશિશ ના...”

“પણ...”

“તું તારે વોક કર ને.” દીપેન બોલતો રહ્યો, પણ નીરજા આજે પોતાની જ ધૂનમાં હતી. સવારથી જ અલગ રંગ તેના મૂડમાં હતો. તેણે દીપેનની વાત ના સાંભળી. ચાલવા લાગી, બધાથી ઉલ્ટી દિશામાં.

એકમાત્ર તે જ ઉલ્ટી દિશામાં ચાલી રહી હતી. બાકી બધા તેને જોઈ રહ્યા હતા. કોઈક આશ્ચર્યથી, કોઈક અણગમાથી, તો કોઈ ગૂસ્સાથી !

પરંતુ નીરજાને ક્યાં કોઇની પરવા હતી? તે તો બસ ચાલતી જ રહી. લોકોના ચહેરા પરના બદલાતા ભાવોને તે જોવા લાગી. હવે થોડો ગણગણાટ પણ થવા લાગ્યો. મનના ગુસ્સાને શબ્દો વડે બહાર લાવવા પ્રયાસ થવા લાગ્યો.

અંતે મિસ્ટર બક્ષીથી ના રહેવાયું,”એય છોકરી. શું નામ છે તારું? આમ ઉલ્ટી કેમ ચાલે છે? તારા આમ ચાલવાથી બધાને તકલીફ થાય છે. અ..ર..રે, આ છોકરીને અહીં અંદર કોણે આવવા દીધી?” તે લગભગ બરાડી ઉઠ્યા.

મિસ્ટર બક્ષીનાં શબ્દોએ બધાનું ધ્યાન નીરજા તરફ ખેંચ્યું. બધા સ્તબ્ધ બની ગયા. નીરજાએ બધા તરફ નજર કરી. બધાની નજર તેને જ તાકી રહી હતી. બધાની આંખોમાં શૂન્યતા વ્યાપેલી હતી.

નીરજા બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ.

મિસ્ટર ભગીરથ બક્ષી એટલે ક્લબનું એક એવું વ્યક્તિત્વ, કે જેની સામે કોઈ પણ સભ્યની બોલવાની હિમ્મત જ ન ચાલે. ધાક એવી, કે લોકો તેના શબ્દોને વિના વિરોધે સ્વીકારી લે. તેની સામે આંખ મિલાવવી, એ પણ સાહસનું કામ ગણાય.

નીરજાને એ વાતની ક્યાંથી ખબર? તે તો નિર્દોષ અને મીઠું સ્મિત લઈને મિસ્ટર બક્ષીને જોઈ રહી હતી. મિસ્ટર બક્ષીનાં ગુસ્સાને જોઈને તેના ચહેરા પરનું સ્મિત રમતિયાળ બની ગયું. તે હસતી રહી.

મી. બક્ષી અકળાઈ ગયા. બક્ષીનાં સત્તાવાહી અવાજની કોઈ જ અસર નીરજા પર નહોતી થઈ રહી. તે હસતી જ રહી. મિસ્ટર બક્ષી ફરીથી બરાડી ઉઠ્યા,”એય છોકરી, ક્લબના નિયમોને તોડનાર તું છે કોણ?”

“હું? હું નીરજા. નીરજા દીપેન જોશી.” એ જ રમતિયાળ સ્મિત હોઠો પર રમતું રહ્યું.

સૌની નજર દીપેનને શોધવા લાગી. દીપેન એક ખૂણે ઉભો રહી સમગ્ર તમાશો જોઈ રહ્યો હતો. નીરજા અને દીપેનની નજરો મળી. નીરજાએ ઈશારાથી જ સમજાવી દીધું કે બધું બરાબર છે. દીપેનને નીરજાની આંખોમાં આત્મવિશ્વાસ દેખાયો અને ખાત્રી થઈ ગઈ કે તે સમગ્ર વાતને સંભાળી શકશે. તે ચૂપચાપ ઊભો રહ્યો.

“સર, હું જાણી શકું, કે મેં શો અપરાધ કર્યો છે? તમે શા માટે આટલા ગુસ્સે થાઓ છો?” નીરજાએ સહજ સવાલ કર્યો.

“આ ટ્રેક પર સૌ લેફ્ટ સાઇડ ચાલે છે, જે અહીંનો નિયમ છે. તે નિયમને તોડી, તું કેમ ઉલ્ટી દિશામાં ચાલે છે?”

“સર, જો તમે ધ્યાનથી જોશો તો જણાશે, કે હું પણ ટ્રેકની લેફ્ટ સાઇડ જ છુ.”

“પણ,…તું તો ...”

“જો તમે મારી જગ્યાએ ઊભા રહેશો તો તમે પણ ટ્રેકની લેફ્ટ સાઇડ જ હશો., ટ્રાઈ કરી જુઓ.”

“ના, એવું તો નથી ....”

“ હા, એવું જ છે. માત્ર દ્રષ્ટિકોણ બદલી જુઓ. નજરનો તો આ ભેદ છે, સર.”

“એટલે?”

“આ વોકિંગ ટ્રેક છે, કે ટ્રાફિક રોડ?”

“કેમ? ટ્રેક જ છે.”

“તો પછી ટ્રાફિકના નિયમની જેમ લેફ્ટ સાઇડ ચાલવાનો જ નિયમ બાગમાં કેમ? એ તો વાહનોને લાગુ પડે, રોડ પર. તમે તો તેને અહીં પણ લાગુ કરી દીધો. અને એ પણ આ જીવતા જાગતા માણસો પર !”

“નીરજા, તું બહુ બોલે છે.“ મિસ્ટર બક્ષી ગુસ્સે થઈ ગયા.

“બસ, એ નિયમ પાછળનો તર્ક સમજાવી દો, જો તર્ક વ્યાજબી હશે તો હું પણ નિયમોને માનીશ. બોલો છે મંજૂર?” નીરજાએ પડકાર ફેંક્યો.

“અમે વર્ષોથી આ નિયમોને અનુસરીએ છીએ” મિસ્ટર બક્ષીની દલીલો ખૂટવા લાગી.

“કોઈ વાત વર્ષોથી ચાલી આવતી હોય, તેથી શું તેને આંખ અને મગજ બંધ કરી અનુસર્યા કરવું?” તે બાકી લોકો તરફ ફરી,“આપ સૌમાંથી કોઈ બતાવી શકશે, આવા નિયમનો તર્ક?” બધી નજરો નીચી ઢળી ગઈ. લોકોના મૌનમાં નીરજાને જવાબ મળી ગયો.

“સર, માફ કરજો. અહીં સૌ સવારની તાજગી લેવા આવે છે. અહીં તો તેઓને મુક્ત શ્વાસ લેવા દો. જડ નિયમો અને બંધનો ...” તે મિસ્ટર બક્ષી તરફ ફરી. પણ મિસ્ટર બક્ષી વચ્ચે જ બોલી ઉઠ્યા,“નિયમો અને બંધનો વિશે વાત કરવા માટે તું હજુ નાની છે.”

“નિયમો જો અર્થ વિનાનાં હોય, તો તે બોજ બની જાય છે. તેને તોડવામાં કોઈ વાંધો નથી.” નીરજા ખડખડાટ હસી પડી.

મિસ્ટર બક્ષી માટે આ ક્ષણ અસહ્ય હતી. કોઈ એક છોકરી તેના શબ્દો અને તર્ક વડે તેને હરાવી દેશે એવી કલ્પના પણ નહોતી કરી. હવે દલીલો માટે કોઈ અવકાશ જ નથી એ તેને સમજાઈ ગયું. તે મૌન બની ગયા.

“ડગલે ને પગલે નિયમોથી બંધાયેલા માણસને અહીં તો ખુલ્લો શ્વાસ લેવા દો, પ્લીઝ.” તેણે મિસ્ટર બક્ષીને હાથ જોડી વિનંતી કરી.

મિસ્ટર બક્ષીએ તક ઝડપી લીધી. હમેંશા કડક રહેતા ચહેરા પર ખડખડાટ હાસ્ય લાવી દીધું.

તંગ વાતાવરણ અચાનક જ કૂદરતી બની ગયું. ક્ષિતિજમાં સૂરજ વાદળોને વિંધીને બહાર આવી ગયો.

“થેન્ક યૂ, સર.” નીરજા અને દીપેન ઝડપભેર ઘર તરફ જવા લાગ્યા.

ક્લબથી ઘર સુધીનો રસ્તો ફરી મૌન ! સવારે ઘરથી ક્લબ સુધીના રસ્તા પરનું મૌન બોજરૂપ હતું જ્યારે આ મૌનમાં મીઠી મૂંઝવણ હતી.

નીરજાના છેલ્લા દોઢેક કલાકના વર્તનને અને સવારથી બની રહેલી ઘટનાઓને સમજવાની મૂંઝવણ હતી, દીપેનને.

તો નવી નવી આવી રહેલી પાંખોને સમજવાની મૂંઝવણ હતી, નીરજાને.

દૂર કોઈ પંખીએ પાંખો ફફડાવી. કોઈ ફૂલ પર પતંગિયુ જઇ બેઠું. એક હળવો પવન શરીરને સ્પર્શી ગયો. આ પવન જરા અજાણ્યો લાગ્યો, પણ ગમવા લાગ્યો.

દીપેને બાઇકને બ્રેક મારી. ઘર આવી ગયું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED