એક પતંગિયાને પાંખો આવી Chapter-5 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી Chapter-5

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 5

વ્રજેશ દવે “વેદ”

નવું વર્ષ પગરવ માંડી રહ્યું હતું. સવારના લાગભગ 5 વાગ્યા હતા. દિવાળી પછીના નવા વર્ષની પ્રભાતે દર વર્ષે દીપેન અને જયા રંગોળી બનાવતા. દીપેન રંગોળી દોરતો અને જયા તેમાં રંગો ભરી દેતી. સાદી રેખાઓ જીંદગીની જેમ રંગીન બની જતી. નીરજા પણ તેમાં જોડાતી.

આખા વર્ષમાં આ એક જ દિવસ એવો આવતો કે નીરજા વહેલી ઉઠી જતી. સૌ સાથે મળી ઘરની ચારે તરફ દિવડાઓ પ્રગટાવી પ્રકાશ ફેલાવતા. સવાર દિવ્યતા લઈને આવતી. સુંદર પ્રારંભ થતો નવા વર્ષનો. અડોશી પડોશી ને શુભકામનાઓની, મીઠાઈઓની અને સ્મિતની આપલે થતી.

રંગોળી તૈયાર થઈ ગઈ હતી. આજે નીરજાએ રંગોળી દોરી હતી અને રંગો પણ પૂર્યા હતા. વ્યોમા પણ વહેલી સવારમાં જ આવીને રંગોળી કરવામાં ગૂંથાઈ ગઈ હતી.

વ્યોમા, નીરજાની ખાસ દોસ્ત. દીપેનના મિત્ર ભરત અને દીપાની દીકરી. વ્યોમાને એક ભાઈ પણ હતો, જીત. વ્યોમાથી થોડો નાનો. વ્યોમા, જીત અને નીરજા. મસ્ત ટોળી હતી આ ત્રણેયની.

નીરજાએ ગુલાબી રંગનું ટોપ પહેર્યું હતું. જેની બંને બાજુએ બાંય પાસે બ્લૂ રંગના પતંગિયા ઉડતા હોય તેવું ચિત્ર હતું. તે ખૂબ જ સુંદર લાગતી હતી.

વ્યોમાએ ઓરેન્જ કલરનું ટોપ પહેર્યું હતું. તેમાં સૂર્યોદય પહેલાંની ક્ષણોનું દ્રશ્ય અંકિત હતું. અંધારું પણ નહીં અને અજવાળું પણ નહીં. તે પણ ખૂબ સુંદર લાગી રહી હતી.

બંનેના ચહેરા આનંદ અને વિસ્મયથી વધુ ખુશ દેખાતા હતા. જમીન પરની સાવ સાદી રેખાઓમાં, તેઓના હાથ રંગ પૂરતા જતાં હતા. રેખાઓમાંથી રંગોળી સજીવન થતી જતી હતી. નીરજા, વ્યોમા અને સજીવન થતી રંગોળી ! ત્રણેય મળીને એક અદભૂત દ્રશ્ય રચી રહ્યા હતા.

દીપેન અને જયા તેને જોઈ રહ્યા. ભરત અને દીપા પણ આવી ગયા. સાવ ધીમા પગલે, જયા અને દીપેનની બાજુમાં બેસી ગયા.

રંગોને ફેલાવતા બે પતંગિયા- નીરજા અને વ્યોમા ! એક અદભૂત દ્રશ્ય ! એક અદભૂત આનંદ!

રંગોળી પૂરી થઈ. અંધકાર થોડો થાકી ગયો હતો પણ હજુ હાર્યો ન હતો. એટલે જ પ્રકાશ હજુ આવ્યો ન હતો. ટ્વીલાઇટની ક્ષણો હતી એ !

બારીની બહાર આકાશમાં બરાબર એ જ દ્રશ્ય રચાયેલૂ હતું, કે જે દ્રશ્ય વ્યોમાના ઓરેન્જ ટોપ પર છપાયેલ હતું. કેવો મજાનો સંયોગ !

રંગોળી પૂરી થઈ. શુભેચ્છાઓ અને મીઠાઈઓ ની આપ-લે પણ પૂરી થઈ ગઈ.

નીરજા, વ્યોમા, જીત, દીપેન, જયા, ભરત અને દીપા. સાતેય જણ નીકળી પડ્યા ગાડી લઈને।

ભરત અને દીપેન સિવાય સૌ માટે આ આશ્ચર્યજનક હતું. પાંચેય ચહેરાઓ પર સવાલો હતા. પણ, ભરત કે દીપેન તેના કોઈ પણ સવાલોના જવાબ દેવાના મૂડમાં ન હતા.

કેટલાય જાણીતા રસ્તાઓને વટાવીને ગાડી આવી પહોંચી શહેરના મધ્યમાં આવેલ, લો ગાર્ડન પાસે.

બધાં ગાર્ડનમાં દાખલ થયા. વિતેલા ચોમાસાનો પ્રભાવ અને સુંદરતા આખા ગાર્ડનમાં હાજર હતા.

ગાર્ડનમાં દાખલ થતાં જ ગાર્ડનના ત્રણ ભાગ સ્પષ્ટ દેખાતા હતા. ડાબી બાજુએ અને જમણી બાજુએ ટ્રેક હતા, જે એકબીજાને મળતા હતા. બંને વચ્ચે એક સીધો રસ્તો પણ હતો જે ગાર્ડનને બે ભાગમાં વહેંચી નાંખતો હતો. દીપેન સૌને જમણી બાજુના ટ્રેક પર લઈ ગયો. ટ્રેક પર બહુ ઓછા લોકો ચાલી રહ્યા હતા.

બાગ ખૂબ જ લીલોછમ હતો. ઘાસની લોન, ઘટાદાર વૃક્ષો, વચ્ચે વચ્ચે પથ્થરના બાંકડા, કેટલીક સૂચનાઓ આપતા બોર્ડ્સ વગેરે વટાવીને આગળ ગયા, તો ત્રણેય બાળકો આનંદિત થઈ ગયા. ત્યાં જ ઊભા રહી ગયા.

ત્યાં સરસ મજાનું નાનું એવું તળાવ હતું. તેમાં કમળ ખીલ્યા હતાં. રંગબેરંગી ! સફેદ, પીળા, ગુલાબી, બ્લૂ, અને કાળા પણ ! કમળના પાંદડાઓ ખુલ્લા અને ફેલાયેલા હતા. તેના પર ચમકતા પાણીના બિંદુઓ ! પાણીના એ ટિપાઓ મોતી જેવા લાગતા હતા. જાણે આકાશમાંથી કોઈએ મોતીની વર્ષા કરી હોય અને કમળના પાંદડાઓએ તેને પોતાનામાં સ્વિકારી લીધા હોય તેમ શોભી રહ્યા હતા.

“વાઉ ! કેટલું સરસ છે?” વ્યોમાએ શબ્દોનો સહારો લઈ આનંદની અભિવ્યક્તિ કરી. નીરજાએ વ્યોમા તરફ નજર કરી. બંનેની આંખોમાંથી આનંદ અને આશ્ચર્યની આપ-લે થઈ.

જીત પહોંચી ગયો તળાવની પાસે અને હાથ લંબાવીને કમળને સ્પર્શવાની કોશિશ કરવા લાગ્યો.

શહેરની વચ્ચોવચ્ચ ખીલેલા કમળ ! એમને જોવા એ વાત જ અદભૂત ! કમળોએ બધાને સંમોહિત કરી દીધા.

થોડી જ વારમાં નીરજા અને વ્યોમા કમળની સંગતિથી ધરાઇ ગયા. તેઓએ આસપાસ નજર દોડાવી. બાગમાં અન્ય કશું નવું જોવાની ઇચ્છાથી આગળ ચાલવા લાગ્યાં. પગમાં ચંચળતા પ્રવેશી ગઈ.

દીપેને બધાને પોતાની પાસે બોલાવ્યા. “ચાલો, તમને સૌને ખાસ વસ્તુ બતાવું.” બધાને તે એક ગોળાકાર બેઠક જેવું દેખાતું હતું તે તરફ લઈ ગયો. સૌ તેમાં દાખલ થયા.

વર્તુળાકારે કુલ ચાર બેઠકો હતી. બધી પથ્થરની બનેલી હતી. દરેક વચ્ચે ત્રણેક ફૂટનું અંતર હતું. ચારેય બેઠકો મળીને ગોળ આકાર બનતો હતો. વચ્ચેના ભાગમાં નાના નાના પ્લાંટ્સ હતા. તેમાં રંગબેરંગી ફૂલો ઉગેલા હતા. ફૂલો ખૂબ જ સુંદર લાગતા હતા. પ્રભાતની તાજગી અને નવા વર્ષનો ઉત્સાહ, ફૂલોમાં પણ ચમકતો હતો. મંદ મંદ વહેતી હવા ફૂલોને ડોલાવતી હતી. ફૂલો નીચા નમીને સૌના આગમનને જાણે વધાવતા હોય. સૌને આ સ્થળ ગમ્યું.

દરેક બેઠકમાં ચાર વ્યક્તિઓ બેસી શકે એટલી જગ્યા હતી. દીપેન સૌને દક્ષિણ ભાગની બેઠક પાસે લઈ ગયો. ત્યાં ત્રણ ફૂટ ઊંચા અને દોઢ ફૂટની ત્રિજ્યા વાળા મોટા પથ્થર પર ચોરસ ભાગમાં ચેસની રમતનું બોર્ડ દોરેલ હતું. ચેસ રમવા સામસામે બેસી શકાય તે માટે બીજી બાજુ પણ એક બેઠક હતી. ચેસના શોખીનો માટે યોગ્ય સ્થળ. જો યોગ્ય સાથી મળી જાય તો કલાકો સુધી ચેસ રમી શકાય.

બાગમાં ચેસ?

ફરી નવાઇનું, આશ્ચર્યનું સામ્રાજ્ય ઉપસી આવ્યું-દીપેન અને જયા સિવાય બધાની આંખમાં. દીપેન અને જયા આ વાત જાણતા હતા. ભરત અને દીપા અહીં ક્યારેક આવતા, પણ ચેસ રમી શકાય તેવી તેને પણ ખબર ન હતી. જ્યારે જીત, નીરજા અને વ્યોમા તો આ બાગમાં જ પહેલી વાર આવ્યા હતા.

ચેસ બોર્ડ જોઈને સૌને સોસાયટીનું ક્લબ હાઉસ યાદ આવી ગયું.

દીપેને જયા સામે જોયું. જવાબમાં મળ્યું જયાનું સ્મિત. દીપેને બેગમાંથી ચેસની રમતના પ્યાદાં કાઢતા કહ્યું,”ચાલો કોને ચેસ રમવું છે?” અને પોતે ગોઠવાઈ ગયો એક સીટ પર. સામેની સીટ પર કોઈ બેસે અને તેની સાથે ચેસ રમે તેની પ્રતિક્ષા કરવા લાગ્યો.

જયા સાથે વર્ષો પહેલાં તે નિયમિત ચેસ રમતો. ક્યારેક ભરત સાથે પણ રમતો. નીરજાને ચેસ રમતા તો આવડતું હતું, પણ આજે તે ચેસ રમવાના કોઈ મૂડમાં ના હતી. વ્યોમા અને જીતે ક્યારેય ચેસમાં રુચિ બતાવી ન હતી.

નીરજા, વ્યોમા અને જીતની આંખો મળી. નીરજાએ કહ્યું,”પાઅણે સેચ મરવું થની, લાચો.” [આપણે ચેસ રમવું નથી, ચાલો.] ત્રણેય જણા ત્યાંથી ચાલવા લાગ્યાં.

નીરજાએ બોલેલા શબ્દોમાં ભરત,દીપા, દીપેન કે જયાને કઈં સમજ ના પડી.

“અરે ! ઊભા રહો. અહીં આવો.”

બાળકોએ પાછા ફરીને જોયું. જયાને તેઓની આંખમાં સ્પષ્ટ ભાવો જોવા મળ્યા કે ‘આજની આ સુંદર સવારમાં ચેસ જેવી ધીમી રમતમાં સમય નથી બગાડવો. આજે તો બાગને માણવા સિવાય કશું જ કામ નથી કરવું.’

સામે ચારેય વડીલોની આંખમાં પ્રશ્નાર્થ હતો કે ‘નીરજાએ જે કહ્યું તે કયા શબ્દો હતા? શું હતું તે?’

“જુઓ, આજે તમારે ચેસ ના રમવું હોય તો કોઈ વાંધો નથી. અમે પણ નથી જ રમવાના. પણ...” જયા બોલી.

“તો અમે જઈએ બાગમાં...” જીત અધિરો થયો.

“હા, ચોકકસ જાઓ. પણ...” દીપાએ વાતનો દોર આગળ વધાર્યો.

“પણ શું?” વ્યોમાએ પૂછ્યું.

“એ જ કે નીરજા, તું હમણાં શું બોલી હતી, જરા ફરીથી બોલ ને.” જયા મૂળ વાત પર આવી.

“એ તો મેં એમ કહ્યું કે આપણે ચેસ નથી રમવું. ચાલો.”

“નહીં, તું અલગ શબ્દો બોલી હતી...”

નીરજાએ જીત અને વ્યોમા સામે જોયું. તેઓની વચ્ચે કોઈ ગુપ્ત સંકેતોની આપલે થઈ. પછી મૌન થઈ ગયા. તેઓને દ્વિધા થવા લાગી. કારણ કે તે જે રીતે બોલી હતી તે બીજા બધા માટે ન સમજાય તેવું હતું. ત્રણેય માટે તે ખૂબ સહજ અને ગુપ્ત હતું. તેઓ આ ગુપ્ત ભાષાને જાહેર કરવા નહોતા માંગતા.

આ એક એવી ભાષામાં બોલાયેલા શબ્દો હતા કે જે ભાષા માત્ર ત્રણ જ જણા જાણતા હતા- વ્યોમા, નીરજા અને જીત. તેઓની સર્જેલી ભાષા હતી એ. અન્ય વ્યક્તિઓની વચ્ચે, શાળામાં કે મિત્રો જોડે હોય અને ત્યારે જો કોઈ ગુપ્ત વાત કહેવી હોય ત્યારે તેઓ આ જ ભાષાનો ઉપયોગ કરતાં.

તેનો ફાયદો હતો. તેઓની વચ્ચે વાર્તાલાપ પણ થઈ જતો અને વાત જાહેરમાં કહેલ હોવા છતાં ગુપ્ત પણ રહી શક્તી. તેઓ માટે આ ભાષા એક જોરદાર હથિયાર હતું.

તેઓ આ ગુપ્ત હથિયાર, આ ભાષાનું રહસ્ય જાહેર કરવા નહોતા માંગતા. અને એટલે જ દ્વિધામાં હતા.

વડીલોએ પૂછ્યું એટલે જવાબ તો આપવો જ પડશે. ભાષાના રહસ્યને ખોલ્યા વિના જ વ્યોમાએ જવાબ આપ્યો,”એ તો નીરજા ક્યારેક ક્યારેક બફાટ મારતી હોય છે, એટલે ન સમજાય તેવા શબ્દો બોલી નાંખે છે. જેનો કોઈ અર્થ નથી હોતો.”

“અમો જઈએ છીએ બાગમાં. તમે લોકો ચેસ રમો ત્યાં સુધીમાં અમે બાગને થોડો વધુ જાણી લઈએ.” જીતે વાત પૂરી કરી. તે ચાલવા લાગ્યો. વ્યોમા અને નીરજા પણ જવા લાગ્યા. દીપેન, ભરત અને દીપાને કઈં ન સમજાયું. પણ જયાને કશુંક સમજાઈ ગયાનો આભાસ થવા લાગ્યો. પણ તે કશું જ ન બોલી. બાળકોને જવા દીધા.

આ તરફ ભરત ગોઠવાઈ ગયો દીપેનની સામે, ચેસ રમવા. કાળા અને ધોળા પ્યાદાઓએ પોતપોતાની પોઝીશન લઈ લીધી. આભાસી યુધ્ધ માટે તૈયાર.

બંનેની આંખોએ એકમેકને સંકેત આપ્યો અને શરૂ થઈ પ્યાદાઓની ચાલ. અત્યાર સુધી બંને વચ્ચે ઘણી બાજીઓ રમાઈ ગઈ છે. ચેસની રમતમાં બંનેનું લેવલ લગભગ સરખું જ કહી શકાય. ક્યારેક ભરત તો ક્યારેક દીપેન બાજી મારતો.

રમત ધીમે ધીમે જમવા લાગી. બંને આજે ડિફેન્સીવ રમવાના મૂડમાં હતા. કોઈએ હજુ સુધી આક્રમણ શરૂ નહોતું કર્યું. 17-17 ચાલ ચાલવા છતાં એક પણ પ્યાદું કોઈએ માર્યું ન હતું. રમત એવી સ્થિતિ પર આવી ગઈ કે હવે જો કોઈ એક પક્ષ આક્રમણની શરૂઆત ન કરે તો સામે વાળાનો ઘેરો તોડવો શક્ય જ ના બને. તો, રમત સાવ સ્થિર થઈ જાય.

બંને પ્રતિક્ષા કરવા લાગ્યા કે સામે વાળો પહેલો પ્રહાર કરે અને પોતે વળતો જવાબ આપે. હવેની ચાલ દીપેનની હતી. વિચારવા માટે તેણે લાંબો સમય લીધો. ચેસના પ્યાદાઓ પરથી નજર હટાવીને તેણે આસપાસ ફેલાયેલી હરિયાળી જોવા દ્રષ્ટિ કરી, પણ તે કશું જ ન જોઈ શક્યો.

રમતમાં બંને એટલા મશગુલ થઈ ગયા હતા કે તેઓને ખબર જ ન રહી કે તેઓની ચેસની રમત જોવા માટે તેઓને ઘેરીને, લગભગ 25 થી 30 વ્યક્તિઓ ઊભા હતા. સૌ રમતને ખૂબ જ ખામોશીથી નિહાળી રહ્યા હતા.

દીપેને તે બધા તરફ દ્રષ્ટિ કરી. તેણે દરેકની આંખમાં પોતપોતાની ચાલ જોઈ. દરેકના દિમાગમાં એક ચાલ અવશ્ય હતી. જો તેઓ દીપેનની જગ્યાએ રમત રમતા હોત, તો તેઓ પોતાની એ ચાલ જરૂર ચાલી નાંખત.

સૌના મનમાં ચાલ રમતી હોવા છતાં સૌ મૌન હતા. સ્થિર હતા.

બસ ! આ જ તો અદબ છે આ રમતને જોનારા દર્શકની.

જો કોઈ ચેસ રમતું હોય અને તમે દર્શક હોવ, તો તમારા મનમાં પણ એ જ બાજી, ચાલ, પ્યાદાઓ રમતા હોય છે, પણ ક્યાંય પણ કશું જ બોલવાનું નહીં. માત્ર મૌન ! કેવી અદભૂત અદબ ! આવો અદબ, આવું માન કદાચ અન્ય કોઈ રમતના દર્શકોમાં જોવા નહીં મળે.

મૌન ધરીને ઉભેલા સૌ દર્શકોનો દીપેને સ્મિતથી આભાર માન્યો. ફરી રમત પર, ચાલ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો...

*******

જીત, વ્યોમા અને નીરજા બાગની ડાબી તરફ વળ્યા. ચાલતા ચાલતા બાગની હરિયાળીને માણતા રહ્યાં. બાગના ડાબા ટ્રેક પર આવી પહોંચ્યા. જીત 10-12 ડગલાં આગળ ચાલતો હતો.

અચાનક તેણે અવાજ દીધો,”વ્યોમા, નીરજા. જલ્દી અહીં આવો.” બંને દોડીને જીત પાસે પહોંચી ગઈ. બંનેની આંખોના પ્રશ્નાર્થોનો જવાબ આપતો હોય તેમ, જીતે હાથ વડે બાગના પૂર્વ ભાગ તરફ જોવા કહ્યું. બંનેની આંખોમાં પણ ચમક આવી ગઈ.

ત્યાં એક મંચ હતો. 20 ફૂટની ત્રિજ્યા વાળો અર્ધ ગોળાકાર મંચ ! જમીનથી અડધો ફૂટ ઉપર, ચાર સ્તંભ પર ઉભેલો, ઉપરથી છત વડે બંધ, ત્રણ દિશાએથી ખુલ્લો મંચ.

ગુલાબી રંગ સમગ્ર મંચ પર શોભતો હતો. મંચની નીચે સામેની બાજુએ 20 બાય 30 ફૂટનું ખુલ્લુ ઘાસનું મેદાન. ત્યાં બેસીને રંગમંચ પર ભજવાતા દ્રશ્યોને નિહાળી શકાય, તેવું સુંદર મેદાન.

તેઓ રંગમંચ જોઈને ખુશ થઈ ગયા. આપસમાં સંકેતોની આપલે કરીને ત્રણેય ચડી ગયા રંગમંચ પર. તેઓના મનમાં કોઈ વાત, કોઈ ઘટના ચડી બેઠી. સ્ક્રીપ્ટ વિના જ તેને ભજવી નાંખવા તૈયાર થઈ ગયા.

ત્રણ દિવસ પહેલાં જ નીરજા, દીપેન જોડે એક બૈંકમાં ગઈ હતી, મીઠાઇ અને ગિફ્ટના બોક્ષ લઈને. દિવાળી નિમિત્તે તેણે બધાને તે બોક્ષ આપ્યા હતા. સૌએ હસી હસીને તે સ્વીકારી લીધા હતા. સાથે સાથે નવા વર્ષની શુભેચ્છાઓની પણ આપ-લે કરી હતી.

અંતમાં તેઓ મેનેજરની કેબિનમાં દાખલ થયા. જ્યારે દીપેને બોક્ષ મેનેજર તરફ લંબાવ્યા ત્યારે, અહીં એક ઘટના બની હતી. તે ઘટનાની તિવ્ર અસર તેના કિશોરમન પર થઈ હતી. તેણે તે ઘટનાની ચર્ચા તરત જ જીત અને વ્યોમા સાથે કરી હતી. તે ઘટનાએ ત્રણેયના મનમાં અનેક સવાલો પેદા કર્યા હતા. તેઓના કિશોરમન તેના ઉકેલ શોધવા મથતા હતા પણ કોઈ જ ઉકેલ નહોતો જડયો.

ત્રણેય મંચ પર ચડી ગયા. અત્યારે પણ તેઓના મનમાં એ જ ઘટના રમી રહી હતી. તેઓ તે ઘટનાને આ મંચ પર ભજવી લેવા માંગતા હતા.

જીત ,દીપેનનું પાત્ર ભજવવા લાગ્યો. વ્યોમાએ નીરજાનું પાત્ર અને નીરજાએ બઁક મેનેજરનો અભિનય કરવાનું નક્કી કરી લીધું. તેઓના મનમાંથી છટકીને પેલી બઁક વાળી ઘટના સદેહે મંચ પર ઉતરી આવી. ઘટના ભજવાતી ગઈ. મેનેજરની કેબિનનું દ્રશ્ય-

દીપેને બઁક મેનેજર ને કહ્યું, “ગૂડ ઈવનિંગ સર.”

નીરજાએ પણ મેનેજર તરફ સ્મિત કર્યું.

“વેરી ગૂડ ઈવનિંગ દિપેનભાઇ. આવો. બેસો.” મેનેજરે પણ એટલી જ ઉષ્માથી બંનેને સસ્મિત આવકાર્યા.

દીપેને પણ સ્મિત સાથે કહ્યું, “હેપી દિવાળી અને હેપી ન્યુ યર.” મેનેજરે પણ અભિનંદન આપ્યા.

નીરજાએ મીઠાઇ અને ગિફ્ટ બોક્ષ મેનેજર તરફ લંબાવ્યા.

મેનેજરે એક સ્માઇલ આપ્યું, “સોરી દિપેનભાઇ. હું આ નથી લઈ શકતો. તમારી લાગણી માટે આભાર. પણ હું આ ભેટ નહીં લઉં. થેન્ક્સ અગેન.”

“સર, દિવાળી જેવા મોટા ત્યોહારની આ શુભેચ્છા માત્ર છે. આપ આ સ્વીકારી લો, પ્લીઝ.”

“સોરી અગેન. મારા માટે આ શક્ય નથી.”

“આ તો અમારી લાગણી માત્ર છે. આમાં માત્ર મીઠાઇ અને નાની ગિફ્ટ જ છે. બહુ સામાન્ય છે. આપ આ લઈ શકો છો. તેમાં કોઈ વાંધો ના હોવો જોઈએ. દર વર્ષે અમે સૌને આપીએ જ છીએ. અને હા, અમારી સાથેની આપની આ પહેલી દિવાળી છે. તો પ્લીઝ સર, આપ સ્વીકારી લો.”

“દિપેનભાઇ. તે બોક્ષમાં શું છે તે મારે માટે મહત્વનું નથી. મારા માટે આ સ્વીકારવું શક્ય નથી.”

“દિવાળી અને નવ વર્ષની શુભેચ્છા ....”

“દિપેનભાઇ, શુભેચ્છાઓ હ્રદયમાંથી આવે, મનના ઊંડાણમાંથી જન્મે અને બ્રહમાંડમાં વિસ્તરી જાય. વધતી જાય અને સામેની વ્યક્તિ સુધી પહોંચે ત્યારે, તેની તિવ્રતા અનેક ગણી વધી જાય. તેવી શુભેચ્છાનું કોઈ પરિણામ પણ આવે.”

“હું પણ એ જ પ્રયાસ...”

“શુભેચ્છાઓને દેહ કે આકાર નથી હોતો. તે તો હોય છે નિરાકાર. તેને વાપરવાથી તે ક્યારેય ખૂટે જ નહીં. તમે જે આપી રહ્યા છો તે ભૌતિક વસ્તુ છે. તેને નિશ્ચિત આકાર છે, સમય સાથે તે વપરાય જાય તો પણ અને ના વપરાય તો પણ તે નાશ પામે છે. આવી ભૌતિક વસ્તુઓનો હું સ્વીકાર નહીં કરી શકું. જો તમારે કશુંક આપવું જ હોય તો કશુંક નક્કર, કશુંક શાશ્વત આપો કે જે જીવનભર વાપરીએ તો ય ના ખૂટે.”

“ઓહ. ઠીક છે સર. એક કામ થઈ શકે? તમે આ સ્વીકારીને કોઈ ગરીબને આપી દેજો. પણ આ સ્વીકારી લો, પ્લીઝ.”

“દિપેનભાઇ, જો કોઈ ગરીબ સુધી આ પહોંચાડવાનું હોય, તો તે માટે તમે મને કેમ માધ્યમ બનાવો છો? તમે જ સીધા કોઈ જરૂરતમંદને આપી દો ને ! મારે તમારા પુણ્યમાં ભાગ નથી પડાવવો.”

“ઠીક છે સર ! તમે ના લો તો કોઈ વાંધો નહીં. પણ તમારા બાળકો, તમારી ફૅમિલી માટે તો દિવાળી ગિફ્ટ લઈ શકોને? તેઓ માટે આ સ્વીકારી લો, પ્લીઝ.”

અત્યાર સુધી સ્મિત સાથે વાત કરતાં મેનેજર મિસ્ટર વ્યાસ હવે થોડા અકળાઈ ગયા,”મિસ્ટર દીપેન, બાળકો મારા છે. ફૅમિલી પણ મારી છે. તેઓને દિવાળી કરાવવાની જવાબદારી પણ મારી જ છે, આપની નહીં. અને હું એટલો તો સક્ષમ છું કે તેઓ યોગ્ય રીતે દિવાળી કરી શકે તેવી વ્યવસ્થા કરી શકું.”

દીપેન અને નીરજા આટલું સાંભળતા જ સમસમી ગયા. કોઇની આવી ખુમારી અને ખુદારી વાળું રૂપ તેણે પહેલી જ વાર જોયું. બાગના મંચ પર પણ આ ત્રણ કિશોરોના આ રૂપને પણ લોકોએ પહેલી જ વાર જોયું. એક સાથે પચાસ સાઇઠ હાથ તાળીઓ પાડવા લાગ્યા.

નીરજા, જીત અને વ્યોમા ઘટનાને ભજવવામાં એટલા ઊંડા ઉતરી ગયા હતા, કે તેઓને ખબર જ ન રહી કે તેઓ આ બાગના ખુલ્લા મંચ પર પેલી ઘટનાને જીવી રહયા હતા અને બાગમાં આવેલા લોકો તેઓને જોવા માટે નિઃશબ્દ ઊભા હતા. 25-30 માણસો આ અદભૂત અભિનયને માણી રહ્યા હતા.

મેનેજર મિસ્ટર વ્યાસના પાત્રમાં રહેલી નીરજાના અંતિમ સંવાદથી તો સૌ એટલા પ્રભાવિત થઈ ગયા કે અનાયાસ જ 50 - 60 હાથ તાળીઓ પાડી ઉઠ્યા.

તાળીઓનો અવાજ આખા બાગમાં ફેલાઈ ગયો.

રંગમંચથી થોડે જ દૂર પેલા વર્તુળાકાર ભાગમાં ચેસ રમી રહેલા દીપેન અને ભરત તથા તેને રમતા જોઈ રહેલા સૌનું ધ્યાન પણ તાળીઓના અવાજની દિશામાં ગયું. તાળીઓ સાથે હર્ષ ધ્વનિ પણ સંભળાવા લાગ્યા.

રમતને પડતી મૂકીને બધા જ રંગમંચ તરફ જવા લાગ્યા. ભરત અને દીપેને પણ બાજી ત્યાં જ છોડી દીધી. જયા અને દીપા તો ક્યારના ય ત્યાં પહોંચી ગયા હતા.

તેઓને તરત જ સમજાઈ ગયું કે સમગ્ર ઘટનાના કેન્દ્રમાં તેઓના બાળકો છે.

ત્રણેય બાળકો તાળીઓના અવાજથી ચોંકી ગયા. તેઓને પણ ભાન ના રહ્યું કે આટલા બધા લોકો તેઓને નિહાળી રહ્યા છે. તેઓ જાગૃત થઈ ગયા. સમગ્ર સ્થિતિને સમજવા માટે સ્વસ્થ થવા લાગ્યા. તેઓની નજર તેઓના મમ્મી પપ્પા પર પડી. દોડીને તેઓ તેમની પાસે પહોંચી ગયા.

દર્શકો હજુ પણ ધ્વનિ સર્જી રહ્યા હતા. અંદરોઅન્દર ચર્ચા કરતાં હતા. બાળકોને શાબાશી આપી રહ્યા હતા.

જયાએ સમય પારખી દર્શકોને ત્યાં જ છોડી દીધા અને સૌને ત્યાંથી બાગના ડાબા ટ્રેક તરફ લઈ ગઈ. ટોળું હજુ પણ તેના પ્રતિભાવોમાં વ્યસ્ત હતું.

ડાબા ટ્રેક પર હીંચકા, લસરપટ્ટી, ભુલભુલામણી, ટ્રેકિંગ, રોક ક્લાઇમ્બિંગ વગેરે હતા. બાળકો તો દોડીને હીંચકવા લાગ્યા. દીપા-જયાને પણ મન થઈ ગયું. તેઓમાં રહેલું બાળક જાગી ગયું. તેઓ પણ હીંચકા ખાવા લાગ્યા. હવામાં લહેરાતા ઝૂલામાં બેઠા બેઠા, આકાશમાં વાદળોના પ્રવાસને જોતાં રહ્યા. વાદળો જોડે પ્રવાસ કરતાં રહ્યા. દીપેન લોખંડના બનેલા ક્લાઇમ્બિંગ સેક્શનમાં જઇ શારીરિક શ્રમ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો.

લસરપટ્ટી પર બે નાનાં બાળકો ધીરેધીરે સરકતા હતા. જીત ત્યાં પહોંચી ગયો. ત્રણ ચાર બાળકો ભુલભુલામણીના રસ્તાઓને ઉકેલવા મથતા હતા. ભરતને તેમાં રસ પડ્યો.

સૌ સાથે હતા છતાંય સૌની પોતપોતાની દુનિયા હતી, મસ્તી હતી. સૌ તેમાં ખોવાયેલા હતા.

અહીં કોઈ મોટું ન હતું. સૌ બાળકો બની ગયા. જાણે દરેકની ઉમર એકબીજામાં ભળી ગઈ.

સમય પણ જાણે બાળક બની, આંખમાં વિસ્મય આંજી સૌને નિહાળી રહ્યો. સ્થિર થઈ ગયો. સમયના કેટલાય ઝરણાંઓ વિતી ગયા. કોઈએ તેની નોંધ ન લીધી.

અચાનક ભરતના ફોનની ઘંટડી વાગી. કોઈ જોડે શુભેચ્છાની આપ-લે થઈ. સૌ પોતપોતાના વિશ્વમાંથી પાછા ફર્યા. ઘર તરફ વળ્યા.

બાગમાંના આજના અનુભવોને સૌએ ઘર તરફ જતાં રસ્તા પર ફેલાવી દીધા. બધા ચહેરાઓ અને રસ્તા પરના બધા વળાંકો ખુશ હતા.

ઘર આવ્યું. દિવાળીની શુભેચ્છાઓના વાવાઝોડામાં સૌ પરોવાઈ ગયા.