એક પતંગિયાને પાંખો આવી
પ્રકરણ 7
વ્રજેશ દવે “વેદ”
વ્યોમા અને જીત પોતપોતાનો થેલો લઈને આવી ગયા હતા. દીપેને આપેલી સૂચના પ્રમાણે જયા અને નીરજાએ પણ પોતાની બેગ્સ તૈયાર કરી લીધી હતી. બેગમાં સૌએ ત્રણ ચાર દિવસની યાત્રા માટે જરૂરી સામાન, કપડાં વગેરે ભરી લીધા હતા. કેમેરા, મોબાઈલ, ચાર્જર વગેરે પણ સજ્જ થઈ રહ્યા હતા.
રસ્તામાં ચાલે એવા નાસ્તા પણ પેક થઈ ગયા. પાણી નો મોટો જગ પણ ઠંડો થઈ ગયો.
લગભગ બધું જ તૈયાર થઈ ગયું.
પણ, બાળકોને ખબર નથી પડી રહી, કે ક્યાં જવાનું છે. ખબર છે તો બસ એટલી જ કે સવારે સાડા છ વાગ્યે અહીંથી રવાના થવાનું છે. ત્રણેક દિવસ માટે ક્યાંક બહાર જવાનું છે. આ સિવાય તેઓને કોઈ જ ખબર નથી.
તેઓએ આડકતરી રીતે જયાને પૂછવાની કોશિશ પણ કરી જોઈ.
જયા સ્મિત સાથે કહેતી રહી,”બસ, સવાર સુધી પ્રતિક્ષા કરો. બધું ખબર પડી જશે. હા, એક વાત ચોકકસ છે કે ખૂબ મજા પડશે. ત્યાં સુધી સીક્રેટ રહેવા દો. સવારે સરપ્રાઈઝ મળી જશે.”
અનેક ધારણાઓ અને કલ્પનાઓની રજાઈ ઓઢીને ત્રણેય ઊંઘી ગયા.
********
વહેલી સવારનો ઉત્સાહ સૌના ચહેરા પર દેખાવા લાગ્યો. સૌ તૈયાર થઈ ગયા. બધું જ તૈયાર થઈ ગયું હતું. ફટાફટ બધો જ સમાન ગાડીમાં ભરાવા લાગ્યો. ઘરને તાળું મારી જયા પણ ગાડી પાસે આવી ગઈ. ત્રણેય બાળકોના મુખ પર વિસ્મય અને પ્રશ્નાર્થ તો હતા જ, પણ સાથે સાથે ઉત્સાહ અને જુસ્સો પણ છલકાતા હતા. એમને એટલું જ સ્પષ્ટ હતું કે પ્રવાસમાં મજા જરૂર પડશે.
વ્યોમાએ ગાડીના અને આસપાસના થોડાક ફોટાઓ ખેંચી લીધા. દીપેને આજે જીન્સ અને ટી શર્ટ પહેર્યા હતા. સ્પોર્ટ્સ શૂઝ પણ ! તો જયાએ ઘણા વખત બાદ ઓરેન્જ ટી શર્ટ અને બ્લેક જેગિંસ સાથે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. બંન્ને ખૂબ જ ઉત્સાહથી ગાડી તરફ આવી રહ્યા હતા. બાળકો તેઓને જોતાં રહ્યા. નીરજાને લાગ્યું કે તેઓ તેના મમ્મી પપ્પા નહીં, પણ કોઈ યંગ કપલ છે જે તેના ફ્રેંડ્સ છે. તેના મમ્મી પપ્પાની ઉમર એકાદ દાયકો ઘટી ગઈ હોય એવું લાગ્યું.
વ્યોમાએ બ્લેક શોર્ટ અને ગુલાબી ટી શર્ટ, જીતે બ્લૂ શોર્ટ અને પીળું ટી શર્ટ તો નીરજાએ બ્લૂ જીન્સ અને અનેક રંગો વાળું ટી શર્ટ પહેર્યા હતા.
વ્યોમાએ બધાને ગાડી પાસે ઊભા રાખ્યા અને પ્રવાસના પ્રારંભની ક્ષણોને સદાય માટે સાચવી રખાય તે રીતે કેમેરામાં ક્લિક કરી લીધી. બધા ફટાફટ ગાડીમાં ગોઠવાઈ ગયા. દીપેને ગાડી સ્ટાર્ટ કરી. વહેલી સવારની રોમાંટિક ઠંડીમાં ગાડી દોડવા લાગી પશ્ચિમ દિશા તરફ.
“હવે તો, પપ્પા, કહોને આપણે કયાઁ જઇ રહ્યા છીએ?”નીરજાએ વાત માંડી.
“આપણે સૌ જઇ રહ્યા છીએ જંગલના રાજા સિંહને મળવા, ઉછળતા દરિયાના મોજાઓને માણવા, આકાશના વાદળોને સ્પર્શવા.” પ્રવાસના વાતાવરણને વધુ રોમાંચિત કરતાં જયાએ કહયું.
“આ બધું એક જ જગ્યાએ ? “ જીત બોલી ઉઠ્યો.
“હા, એક જ જગ્યાએ અને સાથે ભગવાન શિવને પણ વંદન કરતાં આવીશું.” દીપેને વાત આગળ વધારી.
“તો . . . મને ખબર પડી ગઈ કે આપણે ક્યાં જઇ રહયાં છીએ.”વ્યોમા ઉત્સાહમાં બોલી ગઈ.
“તો પછી કહી દે, ચાલ.”
“તે જગ્યા છે- સાસણ ગીર, ગિરનાર પર્વત અને સોમનાથ મંદિર, બરાબર ને?” ત્રણેય જણા એક સાથે બોલી ઊઠ્યાં.
“યસ. યુ ઓલ આર ગેસિંગ રાઇટ.” દીપેને બાળકોના ઉત્સાહને ટકાવી રાખવા પૂરા જોશ સાથે બાળકોને બિરદાવ્યા.
“તો સૌથી પહેલાં ક્યાં જઈશું?” જીતની જિજ્ઞાસા વધી ગઈ.
“સીધા જ સાસણગીર જઈશું. ત્યાં ખુલ્લા ફરતા સિંહોને મળવાની એપોઈંટમેંટ છે આપણી .”
“પછી?”
“ત્યાંથી સાંજ સુધીમાં જુનાગઢ પહોંચી જઈશું.”
“પછી?”
“કાલે ગિરનાર પર્વત પર વાદળોને ભેંટીશું, પછી સોમનાથના દરિયાને ભીંજવીશું અને છેલ્લે ભગવાન શિવના દર્શન કરી પરત અમદાવાદ આવીશું.“ જયાએ પ્રવાસનો કાર્યક્રમ ટૂંકમાં જ કહી દીધો.
ગાડી રસ્તા પર સડસડાટ દોડવા લાગી. સૌ પોતપોતાના પ્રવાસના ખયાલોમાં ખોવાઈ ગયા.
દીપેને ડ્રાઇવિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જયા બાજુમાં બેઠી હતી અને દીપેન સાથે થોડી થોડી વાતો પણ કરતી હતી.
પાછળની સીટ પર વ્યોમા અને નીરજા હતા. તો સૌથી પાછળની સીટ પર જીત એકલો જ બેસી ગયો હતો.
ત્રણેયની પાસે બારી હતી એટલે ત્રણેય ખુશ હતા. ત્રણેય બારી બહારના પોતપોતાના વિશ્વને જોઈ રહ્યા. બહારનું વિશ્વ ઝડપથી પસાર થઈ રહ્યું હતું. તેઓના મનમાંના વિચારોનું વિશ્વ તેનાથી પણ વધુ ઝડપે દોડી રહ્યું હતું. પ્રવાસનો રોમાંચ હવે પ્રવેશી ચૂક્યો હતો.
ગાડી ચાલતી રહી. સંગીત, વાતો, મજાક-મસ્તી, નાસ્તો-પાણી પણ સાથે ચાલવા લાગ્યા.
લગભગ છ કલાક અને 335 કિલોમીટર જેટલી યાત્રા કરી ગાડી સાસણ ગીરના પ્રવેશ દ્વાર પર આવી ઊભી.
સાસણ ગીર એટલે સિંહોનું અભયારણ. વનના રાજા માટેનું મુક્ત જંગલ. દરિયાઈ સપાટીથી 1500 ફૂટ ઉપર વસેલું ગાઢ જંગલ.
ઉપર ખુલ્લુ આકાશ, ચારે તરફ ફેલાયેલું જંગલ, વચ્ચે ક્યાંક વહેતું પાણી, વહી જતાં રસ્તાઓ પર ચાલતી બંધ જીપો.
સફારી જિપમાં પાંચેય જણા બેસી ગયા. જીપ બધી બાજુએથી લોખંડની મજબૂત જાળીઓ વડે ઢંકાયેલી હતી. જાણે જીપે કોઈ ગુનો કર્યો હોય અને તેને આજીવન કેદ થયેલ હોય તેમ પિંજરે પુરાયેલી લાગતી હતી. જીપનો ડ્રાઈવર છ ફૂટથી પણ વધુ હાઇટ અને મજબૂત-ખડતલ શરીર વાળો હતો. તે ડ્રાઈવર કરતાં સિક્યુરિટી કમાન્ડો વધુ લાગતો હતો.
જીપમાં સાતેક વ્યક્તિ બેસી શકે તેવી વ્યવસ્થા હતી. પાંચેય જણા બારી પાસેની સીટ પર બેસી ગયા. જીપનો દરવાજો બંધ કરતાં કરતાં ડ્રાઇવરે સૂચનાઓ આપવા માંડી.
સૌ જંગલના વાતાવરણથી એટલા રોમાંચિત અને ઉત્સાહિત હતા કે કોઈએ તેની સૂચનાઓ પર પૂરતું ધ્યાન ન આપ્યું.
જીપ ચાલવા લાગી. કેદ જીપની બારીઓના કાચ પણ બંધ હતા. ધીરે ધીરે જીપ જંગલની વચ્ચે વહેતા, રમતા રસ્તા પર આગળ વધવા લાગી અને ડ્રાઈવરના મુખેથી જંગલ અને સિંહ વિશેની માહિતી પણ.
“આ અભયારણ્ય એશિયાનું સૌથી મોટું છે. 1412 કિલોમીટર વર્ગમાં ફેલાયેલ છે. અહીં panthera leo parsica નામની સિંહોની જાતને વિકસાવવામાં આવી છે. 700 જેટલા સિંહો અહીં વસે છે એવો અંદાજ છે. 400 થી પણ વધુ વનસ્પતિઓની જાતોનું પ્લાંટેશન થયેલું છે. ...”
જીપ બહારના ભાવ વિશ્વમાં સૌ એટલા ખોવાઈ ગયા હતા કે શરીરથી જ તેઓ જીપની અંદર હતા. બાકી તેઓનું અસ્તિત્વ જંગલમાં એકાકાર થઈ ગયું હતું. ડ્રાઇવરની જાણકારી, માહિતી અને સૂચનાઓ સ્થૂળ કાનો પર પડઘાતા જરૂર હતા, પણ સંભળાતા કેટલા હતા એની કોઈને ખબર ના હતી.
પાંચ-સાત મિનિટ બાદ ડ્રાઇવરે બધાનું ધ્યાન ડાબી બાજુએ દોર્યું. બધી દ્રષ્ટિ તે તરફ ફરી.
જીપથી 75-80 ફૂટ દૂર બે સિંહ મુક્ત ફરી રહ્યા હતા. સૌએ સિંહના દર્શન કર્યા.
મુક્ત સિંહના પહેલાં દર્શન !
સૌ બોલી ઉઠ્યા,”વા. આ .....ઉ ......”
આ અનોખો અને અદભૂત અનુભવ હતો. અત્યાર સુધી ઝૂમાં બંધ પિંજરમાં અનેક પ્રાણીઓને જોયા છે. જ્યાં ખૂંખાર પ્રાણીઓ પિંજરમાં કેદ હોય અને આપણે મુક્ત મને ફરતા હોઈએ.
અહીં સ્થિતિ ઊલટી હતી. દુનિયા પર રાજ કરતો માણસ પિંજરમાં કેદ છે અને જંગલનો રાજા ખુલ્લો ફરી રહ્યો છે.
આપણાં શહેરમાં સિંહ આવ્યો હોય એને આપણે પિંજરમાં પૂરી દઈએ, એમ આપણે હવે તેના રાજમા તેની સત્તામાં આવ્યાં હોઈએ ત્યારે, જાણે તે બદલો લેતો હોય તેમ તે ખૂલો અને આપણે પિંજરમાં કેદ !
કશુંક નવું લાગવા માંડ્યુ સૌને .
ગાડી ધીરે ધીરે સિંહો તરફ જઇ રહી હતી. ગાડી અને સિંહો વચ્ચેનું અંતર હવે ઘટીને 15/17 ફૂટ થઈ ગયું. સૌએ પોતપોતાના મોબાઇલના કેમેરામાં સિંહોને કેદ કરવા માંડ્યા. ડ્રાઇવરે ગાડી રોકી. હવે સિંહોને સ્પષ્ટ જોઈ શકાતા હતા.
સિંહોએ તેઓના આગમનની નોંધ પણ ના લીધી. બંને પોતાની મસ્તીમાં મસ્ત હતા. જાણે માનવજાતને ઓળખતા પણ ના હોય તેમ, તેઓની હાજરીને અવગણી.
ડ્રાઇવરે ગાડી ફરી આગળ ચલાવી. ગાડીના જવાના અવાજથી સિંહો ચોંકી ગયા હોય તેમ સફાળા જ ઝટકા સાથે ઊભા થયા, અને જીપની આગળ આવીને રસ્તો રોકીને ઊભા રહી ગયા. જીપની બરાબર સામેજ ઉભેલા વનરાજને જોવાની મજા પડી ગઈ. સૌ આનંદિત થઈ ગયા. સૌએ તેને ધારી-ધારીને જોયા. લગભગ દરેક એંગલથી જોયા. ખૂબ ખુશ થઈ રહ્યા હતા સૌ. વનરાજ જાણે સામેથી અભિવાદન કરવા આવ્યા હોય તેવું લાગ્યું.
આમ જ 7 થી 8 મિનિટ પસાર થઈ ગઈ. સિંહ દર્શનથી સૌ સંતૃપ્ત થઈ ગયા, ધરાઇ ગયા. સિંહો હજુ પણ ત્યાં જ સ્થિર થઈ ઊભા હતા. ખસવાનું કે જવાનું નામ જ નહોતા લેતા. રસ્તો પૂર્ણપણે રોકીને ઊભા હતા. સૌને એમ હતું કે થોડી જ વારમાં તો તેઓ ત્યાંથી ચાલ્યા જશે અને જંગલમાં જીપ આગળ વધી જશે.
પણ,સિંહોએ કાંઇ એવું નહોતું વિચાર્યું. આ સૌની ધારણા સાથે તેઓ સંમત ન હતા. એટલે તો રસ્તાની વચ્ચો વચ્ચ આમ રસ્તો રોકી રહ્યા હતા.
હવે સૌની ધીરજ ખૂટવા લાગી. સૌ અધીરા થયા હતા. સિંહ હટીને માર્ગ આપી દે, તો અહીંથી જઇ શકાય. અધીરાઇ હવે ધીરે ધીરે છુપા ભયમાં ફેરવાતી જતી હતી.
જયાએ ડ્રાઇવરને પૂછી લીધૂ,”આ સિંહો આમ જ રસ્તો રોકીને કેટલી વાર ઊભા રહેશે. આગળ ક્યારે જવાશે?”
“સિંહોનું તો કાંઇ નક્કી નહીં, બેન. ઘણી વખત લાંબો સમય પણ તે આમ જ રસ્તા વચ્ચે ઊભા રહે અને આપણે પ્રતિક્ષા કરતાં રહીએ કે ક્યારે તે માર્ગ આપશે.”
“જો તે કલાકો સુધી માર્ગ ન આપે તો?” જીત બોલી ઉઠ્યો.
“તો આગળ ના જઈ શકાય.”
“પાછા તો વળી શકાય ને?” વ્યોમા હવે ભયગ્રસ્ત થવા લાગી.
“હા, પાછા જરૂર વળી શકાય.” ડ્રાઇવરના આ શબ્દોએ સૌને ભય અને ચિંતા મુક્ત કરી દીધા.
ફરી સૌ પ્રતિક્ષા કરવા લાગ્યા સિંહોના હટી જવાની.
દીપેને જંગલને જોવા માંડ્યુ. અનેક પ્રકારના વૃક્ષો નજરે ચડ્યા. ઘટાદાર જંગલની વચ્ચે કેસર કેરીનાં ઝાડ. અસંખ્ય ઝાડ.
“પેલા દેખાય છે તે કેસર કેરીનાં ઝાડ છે. અહીંની કેસર કેરી ખૂબ સરસ અને મીઠી હોય છે. આપણાં શહેરમાં તે અહીંથી જ આવે છે.” દીપેને સૌનું ધ્યાન બીજે દોરવા વિષય બદલ્યો.
“તો ચાલોને, અહીંથી ગાડી ભરીને કેસર કેરીઓ સાથે લેતા જઈએ.”નીરજાના મનમાં કેરીની તલપ જાગી ગઈ.
“અત્યારે કેરી પાકવાની મૌસમ નથી, નીરજા. કેરી તો એપ્રિલ મે મહિનામાં આવે. “ જયાએ નીરજાની કેરીની તલપને ઠંડી પાડી દીધી.
જીપની અંદર શાંતિ વ્યાપી ગઈ.
પણ જીપની બહારથી આવતા અવાજો તિવ્ર હતા. સૌનું ધ્યાન તે તરફ ગયું. પાછળ વિતી ગયેલા રસ્તા પરથી આવી રહ્યા હતા, એ અવાજો. સૌએ પાછળ નજર કરી. 9 થી 10 જીપો પાછળ આવી ગઈ હતી. તેઓ પણ રસ્તા પર પ્રતિક્ષા કરતાં હતા.
પ્રતિક્ષા કરતાં કરતાં તેઓની પણ ધીરજ ખૂટવા લાગી હતી. એટલે જ ધીમો ધીમો ગણગણાટ હવે કોલાહલનું રૂપ ધારણ કરવા લાગ્યો હતો. સૌના મોઢા પર અણગમો ઉગેલો હતો જે શબ્દો વડે જંગલની શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યો હતો.
સૌની અધીરાઇ વચ્ચે પણ બધી જ જીપના ડ્રાઈવરો શાંત ચિત્તે પ્રતિક્ષા કરતાં બેઠા હતા. તેઓને બાકી બધાની અધીરાઇ જરા પણ સ્પર્શતી ન હતી.
કોઈએ અવાજ દીધો,”ભાઈ, હોર્ન મારોને. સિંહો હટી જશે અને રસ્તો આપી દેશે.”
“આ શહેરનો રસ્તો નથી, જંગલનો માર્ગ છે. અને અહીં બેઠા છે તે શહેરના ગાય, ભેંસ કે ગધેડા નથી કે જે હોર્નના અવાજથી રસ્તો આપી દે. આ તો વનરાજ છે. આપણે તેની ટેરિટરીમાં, તેના રાજયમાં છીએ- જંગલમાં. અહીં તો કાનૂન પણ તેનો અને રાજ પણ તેનું. એની મરજી પ્રમાણે આપણે ચાલવું પડે. જો હોર્ન વગાડીએ અને સિંહોનું છટકી ગયું તો આક્રમણ પણ કરવા લાગે. માટે ચૂપચાપ પ્રતિક્ષા કરવામાં જ ભલાઈ છે.” ડ્રાઈવરોએ જંગલની રીતભાત સમજાવી દીધી.
સૌ સ્તબ્ધ બની ગયા. ચૂપ થઈ ગયા. જંગલ તેની પોતીકી અને જાણીતી શાંતિથી છલકાઈ ગયું. એકદમ શાંતિ વ્યાપી ગઈ. બધા જ સાવ સ્થિર થઈ ગયા. શબ્દો પણ, ઘોંઘાટ પણ, જંગલ પણ, અને શાંતિ પણ !
વનરાજ ઊભા થયા. બે ત્રણ જીપો ફરતે ચક્કર લગાવી ને નીરજાની બારી પાસે આવીને ઊભા રહી ગયા. નીરજા તરફ તેઓએ આંખો માંડી. નીરજા તેની આંખોને જોઈને ધ્રુજી ગઈ. તેણે બારી બહારથી નજર હટાવી લીધી.
ફરી શાંતિ છવાઈ ગઈ.
શાંત જંગલને પ્રેમ કરતાં હોય તેમ વનરાજે સૌ તરફ એક સત્તાવાહી નજર કરી અને બસ ચાલી નીકળ્યા પોતાની રાહ પર. જતાં જતાં જાણે કહેતા હોય,’જંગલને પોતાના નિયમો છે, પોતાની શાંતિ છે. તેને તમારા સમાજના નિયમો અને શબ્દોથી ખંડિત કરશો તો અમો ફરી રસ્તો રોકીને ઊભા રહી જઈશું. અને જીંદગીભર આમ જ કેદ થઈને રહી જશો. માટે શિસ્ત જાળવી રાખજો.’સૌને તેની આંખમાં રહેલો સંદેશો બરોબર સમજાઈ ગયો.
સૌ મૌન થઈ ગયા. ક્યાંય સુધી.
સિંહો કૂદીને દોડી ગયા જંગલ તરફ. રસ્તો હવે સાફ હતો. ગાડીઓ હવે આગળ વધવા લાગી. જંગલમાં અન્ય પશુપંખીઓ અને પ્રાણીઓ પણ જોવા મળ્યા. સિંહોના ઘણા ટોળાં પણ જોયા. અઢીએક કલાક બાદ જીપ ફરી ત્યાં જ આવીને ઊભી, જ્યાંથી સૌએ સફારીની યાત્રા શરૂ કરી હતી.
સૌ કારમાં બેસી ગયા. ચહેરાઓ જંગલના અનુભવોથી રોમાંચિત હતા, તો ભૂખ તરસથી થોડા કરમાયેલા પણ.
હાઇવે પરની હોટલ પર સૌ જમ્યા.
ગાડી હવે ચાલવા લાગી જુનાગઢ તરફ. 80 કિલોમીટરની દૂરી પર જુનાગઢ હોવાની માહિતી આપી રહ્યો હતો, રસ્તા પરનો માઈલ સ્ટોન.
સાંજ ઢળી ગઈ. ગાડી જુનાગઢ શહેરમાં પ્રવેશી ગઈ.
ગીરના જંગલથી જુનાગઢ સુધીની યાત્રામાં સૌના મનમાં ગીરનું જંગલ, સિંહી અને રોમાંચક યાત્રા જ છવાયેલા રહયાં.
સૌ હોટેલના રૂમમાં ગોઠવાયા. સૂતા પહેલાં દીપેને આવતીકાલનો પ્લાન સમજાવ્યો. સવારે વહેલા તૈયાર થઈ જવાની સૂચના પણ આપી દીધી.
વ્યોમા અને નીરજા એક જ રૂમમાં હતા. સૂઈ જવા બંને એકસાથે જ પથારીમાં પડી તો ખરી પણ વ્યોમા ક્ષણભરમાં તો ઘસઘસાટ ઊંઘી ગઈ. નીરજાને ઊંઘ ન આવી.
તેના મનમાં જંગલ અને તેનો રાજા સિંહ અડિંગો જમાવીને બેસી ગયા. જંગલમાં દાખલ થયા ત્યારથી બનેલી તમામ ઘટનાઓએ કબ્જો લઈ લીધો, તેના મનનો. ફરી ફરીને તેનું મન એક જ વાત પર આવીને અટકી જતું હતું.
આટલું સુંદર જંગલ ! ખૂબ ગાઢ જંગલ. કેટકેટલાં વૃક્ષો અને અમાપ હરિયાળી. ક્યાંક વહેતા નાના નાના પાણીના ઝરણાંઓ. કેસર કેરીનાં વૃક્ષો.
આ બધું જ જોયું. પણ? પણ ન જોયા જેવું.
જીપમાંથી એક ક્ષણ માટે પણ નીચે ઉતરવા ના મળે? અરે ! જંગલની ધરતી પર પગ મૂકવા પણ ના મળે? ઘટાદાર વૃક્ષોનો છાંયડો માણવા પણ ના મળે? તે વૃક્ષોને અડવા પણ ના મળે? તેની ડાળીઓ પર ઝૂલવા ના મળે? કેસર કેરી તોડીને ખાવા ના મળે?
બસ, માત્ર દૂરથી જ જોઈને મન મનાવવાનું? આ તે કેવું? ખરેખર જંગલને માણ્યું ખરું? કે બસ બંધ જીપના પિંજરમાં બેસીને ખાલી જોયું? જીપની બારીનો કાચ પણ ન ખોલી શકાય ! જંગલની હવા પણ જીપની અંદર આવીને, આપણને સ્પર્શી ના શકે?
જંગલનો જરા પણ અહેસાસ ના થવા દીધો. જંગલનો કોઈ ધબકાર પણ ન સાંભળી શકાયો. જંગલ ધબકતું પણ હતું ખરું? મને નથી ખબર. કદાચ ધબકતું પણ હોય. ન પણ હોય.
ના. ના. આ મુલાકાતને જંગલના અનુભવ તરીકે કોઈ પણ હાલતમાં સ્વીકારીશ નહીં. તેણે મનમાં નક્કી કરી લીધું કે તેણે ક્યારેય જંગલને માણ્યું નથી. માટે જંગલને માણવા તે ફરીથી કોઈ ખુલ્લા જંગલમાં જશે. જંગલના કણે-કણ ને સ્પર્શશ, અનુભવશે, ને ત્યારે જ તે પોતાના મનની ડાયરીમાં જંગલને મળ્યાની સ્વીકૃતિ નોંધશે.
જંગલને મળવાની તિવ્ર પ્યાસ તેનામાં ઉઘડી. તે પ્યાસને તે જરૂર બૂઝાવશે, તે પણ પોતાની રીતે. એ પ્યાસને મનમાં લઈને તે ઊંઘી ગઈ.