એક પતંગિયાને પાંખો આવી - 33 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 33

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 33

વ્રજેશ દવે “વેદ”

“નીરજા, અંધારું થાય તે પહેલાં, કોઈ સલામત સ્થળે આપણે રાતના રોકાવાની વ્યવસ્થા કરવી પડશે.” વ્યોમાના શબ્દોમાં થાક ઉમેરાઈ ગયો હતો.

નીરજા રોકાઈ ગઈ. તેણે સ્મિત સાથે વ્યોમા તરફ જોઈ કહ્યું,” શું લાગે છે તને, કેટલા કિલોમીટર આપણે ચાલ્યા હોઈશું?”

“લગભગ 3 કલાકથી પણ વધૂ સમયથી આપણે ચાલી રહ્યા છીએ. તો અંદાજે 9 કિલોમીટર જેટલું ચાલ્યા હોઈશું.” વ્યોમાએ પોતાનો અંદાજ કહ્યો.

“ઓ કે. રોજના 10 થી 12 કિમી ચાલવાનો આપણો અંદાજ છે, અને તે પ્રમાણે પહેલાં દિવસે 9 કિમી જેટલું ચાલવું યોગ્ય ગણાય?” નીરજાએ કોઈ ઇરાદો ના બતાવ્યો, રોકાઈ જવાનો.

“પહેલાં દિવસે તો એટલું જ હોય ને. અને સવારે આપણે બસમાં અને ટેન્ટ વગેરે ખરીદવામાં ઘણો સમય ગુમાવ્યો છે, એટલે આજ માટે તો આટલું બસ છે.” વ્યોમા હવે ખરેખર રોકાઈ જવા માંગતી હતી. થાકથી ત્રસ્ત હતી. ભૂખ પણ હવે લાગવા માંડી હતી.

“ઠીક છે, ચાલો રોકાઈ જઈએ.” નીરજાને પણ લાગ્યું કે હવે રોકાઈ જવું જોઈએ. તે રોકાઈ ગઈ.

“હા યાર, આપણે તો સલામત જગ્યા શોધવી પડશે. અને પછી ત્યાં ટેન્ટ પણ લગાડવો પડશે.”

“ટેન્ટ બાંધવામાં કેટલો સમય લાગી શકે?” નીરજા હવે ગંભીરપણે રાતની તૈયારી બાબતે વિચારવા લાગી.

“ખબર નથી. મને તો ટેન્ટ બાંધતા પણ નથી આવડતું.” વ્યોમા એક ઝાડની મોટી ડાળી પર બેસી ગઈ.

“કેમ, ભૂલી ગઈ? જેનિફર મેડમે ટેન્ટ બાંધતા શીખવાડયું તો હતું.”

“પણ મેં કાંઇ ધ્યાન નહોતું આપ્યું.“ વ્યોમા સાવ નફિકરી થઈ કહી રહી.

“જેનિફર મેમ તો કહેતા હતા, કે તેમણે આપેલો ટેન્ટ એટલો સરળ છે કે બસ 10 - 15 મિનિટમાં તો બંધાઈ જશે.“ નીરજાએ ધરપત આપી.

“એ વાત બરોબર, પણ એટલા સમયમાં તો જેનિફર જ બાંધી શકે. એમને તો રોજનો અનુભવ હોય ને.”

“આપણે પણ બાંધી લઈશું. મને વિશ્વાસ છે.” નીરજાને કોઈ શંકા ન હતી.

બંને થોડી વાર માટે બેસી ગયા. ઝાડની મજબૂત ડાળીએ તેઓને આશ્રય આપ્યો. એક ઠંડી હવા સ્પર્શીને વહી ગઈ. ગમ્યું.

થોડો સમય બંને મૌન રહ્યા. જંગલના મૌનને અનુભવતા રહ્યા.

વાદળો ધીરે ધીરે નજદીક આવતા ગયા. સુરજ પશ્ચિમ તરફ થોડો વધુ ગતિ કરી ગયો.

જંગલ સાવ શાંત હતું. કોઈના આવવા કે જવાનો કોઈ સંકેત આપતું ન હતું. કોઈ અવાજ પણ ક્યાંયથી નહોતો આવતો.

બધી દિશાઓએ મૌનનું સામ્રાજ્ય છવાયેલું હતું. જંગલ તે મૌનને પૂરેપુરું માન, સન્માન આપતું હોય તેમ તે પણ સ્થિર હતું. કોઈ યોગિની જેમ સાવ શાંત.

“નીરજા, ચાલ કોઈ સલામત જગ્યા શોધી કાઢીએ. પછી ત્યાં ટેન્ટ બાંધીને નિરાંતે આરામ કરીએ. અને કશુંક ખાઈએ પણ. મને તો ભૂખ પણ ખૂબ જ લાગી છે. તને લાગી છે?” વ્યોમા ડાળી પરથી કૂદકો મારી નીચે ઉતરી પડી.

નીરજા એ જ ડાળી પર ઊભી થઈ ગઈ. થોડી ઉપર તરફ ચડી ગઈ. આસપાસ નજર દોડાવવા લાગી. કોઈ સલામત સ્થળની શોધ કરવા લાગી.

જેનિફરે કહેલું કે ઊંચાઈ વળી સપાટ જગ્યા, રાતના જંગલમાં સલામત માની શકાય. માટી વાળી જગ્યા કરતાં થોડી કઠણ જગ્યા પણ વધુ સલામત હોય છે.

નીરજા તેવી જગ્યા શોધવા લાગી. અડધોએક કિમી દૂર તેને એવી જગ્યા હોવાનો સંકેત મળ્યો. તે નીચે ઉતરી.“વ્યોમા, જેનિફરે કહેલ તે પ્રમાણેની જગ્યા, દૂર દૂર દેખાય છે. આપણે ત્યાં જઈએ.”

“દૂર દૂર... કેટલે દૂર? મારામાં હવે ચાલવાની કોઈ જ શક્તિ નથી બચી.”

“અને જો ચાલીશ નહીં તો તું બચીશ કે કેમ તે મને ખબર નથી. કોઈ વાંધો નહીં, તું અહીં રાત રોકાઈ જા. હું તો પેલી સલામત જગ્યાએ જાઉં છું.“ નીરજા તે દિશામાં ચાલવા લાગી. વ્યોમા પણ તેની સાથે જ ચાલવા લાગી.

તેઓ ત્યાં પહોંચી ગયા. જમીનથી પાંચેક ફૂટ ઉપર અને જંગલની કેડીથી 15 ફૂટ દૂર હતી તે જગ્યા. વ્યોમાએ પગથી તે જમીન તપાસી લીધી. તે કઠણ હતી.

“20 બાય 35 ફૂટ જેટલી જગ્યા હશે આ.” નીરજાએ આંખ વડે જમીન માપી લીધી.

“હા. આ ટેન્ટ તો 12 બાય 12 ફૂટનો છે. તો આટલી જગ્યા પૂરતી છે. અને સલામત પણ છે.”

“તો ચાલો લાગી જાઓ, ટેન્ટ બંધવામાં. આજની રાત તો અહીં જ વિતાવવી છે.”

વ્યોમાએ નજર કરી, ચારે તરફ જોઈ ચકાસી લીધું. જંગલની કેડી કે જેના પર તેઓ ચાલી રહ્યા હતા, તે દિશાથી ઊલટી દિશા માં તે જમીનનો ભાગ પૂરો થતાં જ, એક નાનો ઢોળાવ હતો. તેના પર બે ત્રણ ઇંચ જેટલું ઘાસ ઊગી ગયું હતું. તે જગ્યા થોડી વધૂ ઊંચાઈ પર હતી. પણ સપાટ ન હતી અને ઢોળાવવાળી હોવાને લીધે ટેન્ટ બાંધવા કામ આવે તેમ ન હતી.

વ્યોમા તે નાની ટેકરી પર ચડી ગઈ. આસપાસ નજર નાંખી લીધી. તેની નજરે ચકાસી લીધું કે આ જગ્યા તદ્દન સલામત છે. અને ચારે તરફ જંગલ છે. ઢોળાવની બીજી દિશામાં બે ત્રણ કિમી દૂર કોઈ ગામ હોય તેવું લાગે છે.

જંગલની દિશામાં, કેડીની પેલે પાર 200 મીટર દૂર કોઈ નાનું ઝરણું વહી રહ્યું હતું. તેના વહેવાનો અવાજ આ તરફ પણ સ્પષ્ટ સાંભળી શકાતો હતો. ઝરણું ગતિથી વહી રહ્યું હતું એટલે, કે જંગલની શાંતિ તિવ્ર હતી એટલે, એ સ્પષ્ટ કહી ના શકાય, પણ ઝરણાંનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.

તે નીચે આવી ગઈ. નીરજાને તેણે જે જોયું અને તેના પરથી જે અનુમાન લગાવ્યું તે કહી દિધું. નીરજાને પણ ખાત્રી થઈ ગઈ કે આનાથી વધુ સારી જગ્યા આ જંગલમાં બીજી ન હોઇ શકે.

નીરજા અને વ્યોમાએ ફટાફટ ટેન્ટને લાગતો સામાન એક જગ્યાએ ભેગો કરી લીધો. ટેન્ટને ખોલી નાંખ્યો. યાદ કરવા લાગી જેનિફરને. તેણે જે સૂચનો આપેલ તે પ્રમાણે જ ટેન્ટ બાંધવા લાગી.

ધીરે ધીરે બધું યાદ આવવા લાગ્યું. ટેન્ટ બંધાવા લાગ્યો. એક પછી એક કાર્ય સારી રીતે થવા લાગ્યું. 20 મીનિટની મહેનત પછી ટેન્ટ લગભગ અડધો ઊભો થઈ ગયો. બંને ખુશ થઈ ગયા. તેઓને હવે ખાતરી થઈ ગઈ કે ટેન્ટ જરૂર બાંધી શકશે અને રાત નિરાંતે વિતી જશે.

થોડી વાર આરામ કરી, ફરી ટેન્ટ બાંધવા લાગી ગયા. ટેન્ટને આઠ છેડા હતા. તેઓએ હવે બધા છેડા જમીન સાથે બાંધી દીધા. ટેન્ટ લગભગ તૈયાર થઈ ગયો. બંને પોતાના થેલા લઈ ટેન્ટમાં દાખલ થવા ગયા, ત્યાં તો પવનનો એક જોરદાર ટુકડો ટેન્ટને અથડાઇ ગયો. જરાક ઝીંક ઝીલી, ટેન્ટ જમીનદોસ્ત થઈ ગયો.

આખો ટેન્ટ બંનેના માથા પર આવી ગયો. બંને પડી ગયેલા ટેન્ટની અંદર ગૂંચવાઇ ગયા. ગૂંગળાવા લાગ્યા. કશી જ ખબર ના પડી કે આ ટેન્ટમાંથી બહાર કેમ નીકળવું. ખૂબ હાથ પગ પછાડીને તેઓ તેમાંથી બહાર આવ્યા.

ફરી ટેન્ટ ઊભો કરવા લાગ્યા.

“મને લાગે છે કે ટેન્ટના છેડાઓ પર જમીન સાથે જે ખીલ્લાઓ લાગેલ હતા તે બરોબર નહોતા. જો તેને થોડા ઊંડા બાંધીએ, તો તે બધા છેડાઓને મજબૂત રીતે પકડી રાખશે અને આવા પવનની સામે ઝીંક પણ ઝીલી શકશે.” નીરજાએ પરિસ્થિતિનું અવલોકન કરી કહ્યું.

તેઓ ફરી લાગી ગયા ટેન્ટ ઊભો કરવામાં.

********

તેઓ ટેન્ટ બાંધતા રહ્યા, પણ ટેન્ટ બરાબર બંધાતો નહોતો. એક અથવા બીજી બાજુથી તે પવનના કારણે ઢળી પડતો હતો. પવન વધુ હતો કે ટેન્ટનું બંધન નબળૂ હતું, તે બંનેમાથી કોઇની સમજમાં નહોતું આવતું.

“આ ટેન્ટ વારે વારે પડી જાય છે. ક્યાંક કશું ...” વ્યોમા અંતે ટેન્ટને છોડી એક તરફ ઊભી રહી ગઈ.

“કશુંક ખૂટે છે, પણ આપણે એ શોધી કાઢીશું. ટેન્ટ તો બાંધીને જ રહીશું.“નીરજાએ પોતાના આત્મવિશ્વાસને તપાસી લીધો. તે પણ વ્યોમાની બાજુમાં જઇ ઊભી. બંને થાકેલા હતા. થોડી વાર એમ જ ઊભા રહ્યા. પવન આવતો રહ્યો.

પવનનો સ્પર્શ ગમતો હતો, પણ એ જ પવન પર ગુસ્સો પણ આવતો હતો. કારણ કે તે વારે વારે ટેન્ટને પાડી દેતો હતો. જાણે બંને વચ્ચે કોઈ કુસ્તી ના ચાલતી હોય. જેવો ટેન્ટ ઊભો થવા જાય, તેવો જ હરીફ કુસ્તીબાજ પવન તેને ભોંય ભેગો કરી દેય. તેઓની આ કુસ્તીબાજીમાં નીરજા અને વ્યોમા થાકી ગયા. રમે કોઈ, જીતે કોઈ. અને હારવાનું વ્યોમા અને નીરજાએ?

“ચાલ, ફરી પ્રયાસ કરી જોઈએ.” નીરજાની આંખમાં ફરી નવી આશા આવી ગઈ.

બંને ફરી લાગી ગયા ટેન્ટ બાંધવા. એક પછી એક 4 છેડા અને તેના ખીલ્લા મજબૂત રીતે જમીન સાથે જોડી દીધા. હવે બીજા ચાર છેડા બચ્યા હતા. આ વખતે તેઓએ ખૂબ જ મજબૂત બાંધ્યા હતા.

“આ ચાર છેડા તો મજબૂત બાંધી દીધા છે. હવે બાકીના ચાર પણ એ રીતે જ બાંધી દઈએ, તો પછી આ ટેન્ટ પડશે નહીં.” વ્યોમાએ વિશ્વાસ વ્યક્ત કર્યો. નીરજાએ સ્મિત આપ્યું. તેના સ્મિતમાં વ્યોમાની વાતનું સમર્થન હતું.

હવે પાંચમો છેડો બાંધવા લાગ્યા. ફરી પવનનો એક ઝોકો આવ્યો, અને ટેન્ટને હચમચાવી ગયો. ટેન્ટ પડવા લાગ્યો. ઢળી ગયો, પણ પડ્યો નહીં. જાણે કોઈએ એક છેડેથી તેને પકડી રાખ્યો ના હોય !

નીરજા અને વ્યોમાને અચરજ થયું. આ ઝોકામાં ટેન્ટ તો પડી જ જવો જોઈએ, પણ તેને બદલે તે એક ખૂણેથી ખેંચાઇ ગયો છે, પણ પડ્યો નથી. બંને તે ખૂણા તરફ વળ્યા.

ટેન્ટના બે છેડા પકડીને કોઈ ઊભું હતું. તેઓ નજીક ગયા. તે 50-52 વર્ષનો કોઈ પુરુષ હતો. તે જંગલનો માણસ હોય તેવું લાગ્યું. તેનો બાંધો મજબૂત હતો. પોણા છ ફૂટથી પણ વધુ લંબાઈ, શરીર પર બાંય વિનાનું ખમીશ, થોડું ટૂંકું પણ સાફ. નીચે જીન્સનું પેન્ટ. તેના બાવડા પણ સશક્ત હતા. તેના ચહેરા પર સ્મિત હતું. તેણે બંને હાથથી બે છેડાને પૂરી તાકાતથી પકડી રાખ્યા હતા. પવનના જોર કરતાં તેનું જોર વધુ હતું. પવન તેને હરાવી ના શક્યો. ટેન્ટને પાડી ના શક્યો.