Bouzis ane filemon books and stories free download online pdf in Gujarati

બૌઝિસ અને ફિલેમોન

પ્રેમ યુગલઃ બૌઝિસ અને ફિલેમોન

પ્રેમ એ પ્રાકૃતિક રીતે પાંગરતી લાગણી છે. પ્રિત પરાણે થતી નથી અને પ્રેમાળ સ્વભાવ પણ કુદરતી દેન હોય જેમને એમને જ પ્રાપ્ત થાય છે. એક એવી વાર્તા કે જેમાં કુદરતે સાવ જ જુદાં બે ઝાડને એક જ મૂળિયાંમાંથી પ્રગટ થવાનો અચંબિત કરી દેતો દાખલો ગ્રીસ સંસ્કૃતિની પૌરાંણીક કથામાં સામેલ છે, જે વાર્તાનું દસ્તાવેજીકરણ ક્યાંય સત્તાવાર રીતે થયું નથી. પરંતુ જ્યારે નિસ્વાર્થ પ્રેમ અને આતિથ્ય ભાવનાનો પરચો આપવો હોય ત્યારે બૌઝિસ અને ફિલેમોન જેવાં યુગ્મની વાત ચોક્કસથી યાદ કરાય છે.

દેવીય અભિશાપ આશીર્વાદમાં પરિવર્તિત થઈ ગયો. એવું તે શું બન્યું એક વ્રુદ્ધ દંપતી સાથે કે તેમની પ્રતિકૃતિરૂપે ઘટાદાર વડ અને સુંદર લિન્ડેનનું ઝાડ એકમેકમાં ગુંથાઈને ખડું થયું. પ્રેમ અને સંસ્કારની સાથે આતિથિ સત્કારની ઉત્તમ દ્રષ્ટાંત સાથે બે વૃક્ષનું એક મૂળનું રહસ્ય રોચક છે.

ગ્રીસ એ યુરોપનાં મહાદ્વીપ પર આવેલ દેશ છે. જે તેની પૌરાણીક સંસ્કૃતિ અને પુરાણકથાઓ તથા દૈવીય પાત્રોની વાયકાઓને લીધે પ્રખ્યાત છે. અહીં ફ્રિજીયા નામે પર્વતીય પ્રદેશ છે. જ્યાં બે વૃક્ષને જોતાં જ આપણી નજરોને વિશ્વાસ ન બેસે એવું દ્રશ્ય ખડું થાય છે.

આ વૃક્ષ બે જુદાંજુદાં પ્રકારનાં હોવા છતાંય એક જ મૂળમાંથી ઊગ્યાં હોય એવું જણાંય છે. એક છે વડવાઈઓથી ઘેરાયેલ વડ અને બીજું લિંબોઈ પ્રકારનું સુશોભિત વૃક્ષ લિન્ડેન છે. આવું કઈ રીતે બન્યું એ અંગેની લોકવણમાં પ્રચલિત એવી વાત વાંચવી રોચક છે.

  • કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’
  • ઓલંપિયન દેવતાઓનાં રાજા ઝિયસ, મોજશોખ અને આનંદવિલાસ માટે જાણીતા હતા. ક્યારેક તેઓ ઓલંપિયાની ગિરિમાળામાં વિહાર કરીને કંટાળતા તો પૃથ્વી તરફ પ્રયાણ કરતા. અહીં એમને ખાતરી હતી કે ભૂલોકમાં એમને પ્રમોદ ઉપજાવેદ તેવું કંઈક ચોક્કસ મળી જ રહેશે.

    ક્યારેક પ્રાણઘાતક અને ભયંકર રાજશી બનીને એમને પ્રવાસ કરવો ગમતો. પોતાનાં ભવ્ય સામ્રાજ્યમાં કોણ કેટલું વફાદાર અને સાહસી છે એવું શોધવા છૂપાવેશે તેઓ પોતાનાં મહેલમાંથી એકલા જ નીકળી પડતા. આવા હોંશિયાર, મનોરંજક, સાહસિક અને વફાદાર સહયોગીઓ શોધીને એમને ઈશ્વરનાં દૂત તરીકે સંદેશવાહક તરીકે નીમતા.

    એજ પ્રણાલી મુજબ એકવાર રાજા ઝિયસ અને એમની રાણી મૈયાનો પુત્ર હાર્મસ કે જેનું ચિત્રણ અણીયાળી ટોપી અને પાંખવાળા બૂટ અને મોટા પંખાવાળા સળીયા સાથે સજ્જ હોય એવા ઈશ્વરનાં સંદેશાવાહક કે વ્યાપારીઓનાં દેવતા તરીકે થયું છે, તે લગભગ મુસાફરી કરતા જ જણાતા હોય છે. બંને રાજા અને પુત્ર છેક પૃથ્વીલોક સુધી ઉડ્ડયન કર્યું અને ફ્રિજીયા વિસ્તારનાં એક ગામમાં રોકાયા.

    છુપાવેશે ગરીબ મુસાફરનાં પાત્રમાં ગરીબ હોય કે તવંગર, નાનો હોય કે મોટો દરેકનાં દરવાજે દસ્તક આપી. દરેક ઘરેથી ધૃણાં મિશ્રિત પ્રતિભાવો સાંપડ્યાં. “અહીંથી જાવ..” “આગળ જાવ..” જેવા શબ્દો સાથે કોઈએ ગાળો આપીને કાઢ્યા તો કોઈએ અનાદર કરીને દરવાજો બંધ કરી દીધો. ગરીબ અને ભૂખ્યા મુસાફરોની આવી અવહેલનાં થતી જોઈને પિતા-પુત્રને ખૂબ જ દુઃખ થયું છતાંય સાંજ ઢળે નહિ ત્યાં સુધી જેટલા દરવાજા દેખાય એને ટકોરા કરીને ચકાસવાનું નહિ ચૂકીએ એવું નક્કી કર્યું.

    કેટલીક જગ્યાએ પૂઠે લાત ખાવી પડી અને જાકારનાં અપમાન સહન કરવા પડ્યા. સાંજ પડવા આવી હતી સૂરજ પશ્ચીમ તરફ નમતો જણાંયો હવે રાજા ઝિયસને ગુસ્સો આવવા લાગ્યો. તેઓને થયું કે મારા રાજ્યકાળમાં ઘરે આવનારની આવી દશા કરે છે લોકો? શું દુનિયામાંથી પરોણાગતની પ્રથા જ બંધ થઈ ગઈ છે? શું એક પણ ઘર એવું નહિ મળે જ્યાં નિરાશ્રિતને આવકર મળે?

    આવા પ્રશ્નો થકી એમનું મન શોકાતૂર થઈ ગયું. એક ઊંડો શ્વાસ લઈને એમને નિઃસાસો નાખ્યો. ઈશ્વરનાં દૂતનાં મોઢે દરવાજો બંધ કરી દેવાનો ફ્રિજીયાની પ્રજાએ ગુનો કર્યો છે એ વાતનો એમને પરચો મળવો જ જોઈએ એવું એમને લાગ્યું. એક ઉચ્છવાસ સાથે શબ્દો સરી પડ્યા, “આવું સ્વાર્થી અને નિષ્ઠુર રાજ્ય હોય એનાં કરતાં અહિંની પ્રજા પૂરમાં તણાઈ મરે એ સારું.”

    હજુ સૂર્ય અસ્ત થયો નહોતો. હજારો દરવાજે જાકાર સાંભળી ચૂકેલા રાજા ઝિયસને એમનાં પુત્ર હાર્મસને એક ઝૂંપડી દેખાઈ કે જે ટેકરીની તળેટીથી અને ગિચવસ્તીથી દૂર ખેતરનાં વિસ્તારમાં વાંસ અને ઘાસનાં પૂળામાંથી બનાવેલ હતી.

    વાંસનાં બાંબૂમાંથી બનાવેલો નાનો દરવાજો ખખડાવ્યો અને કંઈક અપશબ્દ જ બહાર આવશે એવી માનસીક તૈયારી સાથે રાજા ઝિયસ એ પાછળ પગલાં માંડ્યાં. ત્યાં તો એમનાં આશ્વર્યનો પાર ન રહ્યો અને આખો દરવાજો ઉગડ્યો, બંને પિતાપુત્રને અંદર આવકારાયા.

    એમણે એમની યાત્રાનો અંત આણવાનું લગભગ નક્કી જ કરી દીધેલું અને પોતાનાં વતનનાં લોકોનું ઉદ્ધત વર્તન બદલ શિક્ષા કરવાનો નિર્ણય લઈ જ લીધો હતો એવાંમાં પ્રેમાળ અવાજે એમને અંદર આવવા કહ્યું. સાવ સાંકડા દરવાજાની બારસાખમાંથી દાખલ થવા એમણે વાંકું વળવું પડ્યું હતું. એમને સાવચેતીથી આવવા માટે કહેવાયું અને સાવ નનકડા છતાં સ્વચ્છ અને સુઘડ ઓરડામાં એવો પ્રવેશ્યા. અહીં આવવા પહેલાં જ એમણે ક્રુર માનસિકતાવાળી પ્રજાને પાઠ ભણાવવાનાં વચન ઉચ્ચર્યા હતા એ જરાવાર માટે સાવ જ વિસરી જવાયું અને યજમાનની મહેમાનગતિ માણવા પ્રેરાયા.

    સંધ્યાનાં આછા પ્રકાશમાં બે માયાળુ ચહેરા દેખાયા. એક વૃદ્ધ પુરુષ અને એક એટલી વૃદ્ધ મહિલા નજરે પડી. એવો એમનાં ઓરડામાં પ્રવેશતા મહેમાનને બેસવા માટે આસન તરફ દોર્યા. વૃદ્ધ સ્ત્રીએ બાંકડા પર મુલાયમ ગાલિચો પાથર્યો અને આગંતૂકને થાક ઉતારવા બેસવા કહ્યું. વૃદ્ધ પુરુષે લાકડાંનો ભારો એકઠ્ઠો કરીને અગ્ની પેટાવ્યો જેથી એમનાં ઠંડીથી થીજેલાં શરીરને હૂંફ મળે.

    આ વૃદ્ધ દંપતિએ નામથી ઓળખાણ આપી રાજા ઝિયસને, સ્ત્રીનું નામ હતું બૌઝિસ અને પુરુષનું ફિલેમોન. તેમણે જણાવ્યું કે એમનાં લગ્ન જીવનનાં શરૂઆતનાં સમયથી જ આ નનકડી કુટીર જ એમનો આવાસ રહી છે. ગરીબીની અવસ્થા હોવા છતાંય એમને ક્યારેય દારિદ્રતાનો ક્ષોભ થયો નથી. તેઓ એમની આ ઓછી સુખાકારી સભર દુનિયામાં પણ એકબીજાનાં પ્રેમની હૂંફમાં ખુશ છે. એમનાં આવા પ્રેમભર્યા વલણને જોઈને જિઝસ રાજાને રાજીપો થયો અને સાથોસાથ એમને આ સાધારણ પરિસ્થિતિમાં જીવતા દંપતિની અદેખાઈ પણ આવી.

    યુગલે આગળ વાત માંડી. અમારી પાસે તમારો સત્કાર કરવા માટે જાજું કંઈ નથી પરંતુ તમારો આદર રાખીને ભોજન અમે ચોક્કસ કરાવી શકીએ એમ છીએ. આપ આરામથી અહીં બેસો અમે આપને માટે કંઈક જમવાનું બનાવી લાવીએ.”

    રાજા ઝિયસ અને હાર્મસ એકબીજાની સામું વિસ્મય સહ જોઈ રહ્યા અને મનમાં વિચાર્યું કે પૃથ્વીલોક પર લોકો મહેમાનોનો આદર સત્કાર સાવ જ ભૂલી ગયાં છે એવું નથી. બની શકે કે આ ફ્રિજીયાનાં અમુક લોકોની માનસિકતામાં કટૂતા અને ઉદ્ધતા આવી ગઈ હોય.

    પોતાનાં અલ્પ પૂર્વઠામાંથી એમણે કેટલાંક ઓલિવ, ઈંડા અને મૂળા વગેરે શાકભાજી એકઠા કર્યાં. પાછળનાં વરંડામાંથી તાજી કોબી તોડીને સૂપ બનાવવાની તૈયારી કરી. એમનાં નાનકડાં ખૂબા જેવડાં નળિયાંવાળી ઝૂંપડીની છત પર એક છેલ્લો ટૂકડો ભઠ્ઠામાં ભૂંજેલો પોર્ક એટલે કે ડુક્કરનાં માસનો શેકેલ ટૂકડો હતો જે રાંધીને બૌઝિસે જમવાનાં મેઝ પર ગોઠવ્યો. એ જે તરફ બેઠી હતી એ મેઝનો પાયો હલબલેલો હતો. જેને એક તૂટેલી થાળીનાં ટેકે સરખો કરીને મહેમાનોને જમવા બેસવા માટે આવકાર્યા. આ દરમિયાન ફિલેમોને કોઈ ખાસ મિજબાની વખતે પીવાશે એવા હેતુથી સાચવી રાખેલી થોડી રેડવાઈન પણ પીરસવાની તૈયારી કરી. જમણવારની સંપૂર્ણ તૈયારી પૂરી થયા બાદ મહેમાનોએ ભોજન શરૂ કર્યું અને સાથે આ દંપતીએ પણ એમને સાથ આપવા એમની સાથે બેઠાં. મોડી રાત્રે આવેલ મહેમાનોને નિરાંતે જમતાં નિહાળીને બંને આનંદવિભોર થતાં હતાં.

    ઝિયસ અને હાર્મસ બંને બધું જ જોઈને પ્રસન્ન થતા હતા હતા અને આ લાગણીશીલ વ્રુદ્ધ દંપતીને મનોમન આશીર્વાદ આપી રહ્યા હતા. થયું એવું કે ફિલેમોન એમનાં પીણાંનાં પ્યાલા પર ધ્યાન રાખ્યું હતું. જેવો એ પ્યાલો ખાલી થતો તે ફરીથી ભરી દેતો હતો. આવું લગભગ ત્રણ-ચાર વખત થયું. છતાંય પીણું ભરેલ બાટલી ભરેલી જ લાગતી હતી. બંને દંપતી હવે સમજી ગયાં કે આ કોઈ સામાન્ય ઘટના નથી અહિ ચોક્કસથી ચમત્કાર સર્જાઈ રહ્યો છે. ભયત્રસ્ત નજરે આ વ્રુદ્ધ યુગ્મ એકબીજાની સામું જોઈ રહ્યું.

    બીકનાં માર્યા બૌઝિસ અને ફિલોમેન મનોમન ઓલંપિયન દેવતાઓને પ્રાર્થના કરવા લાગ્યાં. અને ધ્રુજતા સ્વરે એમનાંથી આવેલ આગંતૂક તરફ ગોઠણભેર બેસીને આજીજી કરી. “અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે અમારી ક્ષમતા મુજબ આપની આગતાસ્વાગતા કરવામાં કોઈ જ કચાશ છોડી નથી.” બૌઝિસ હજુ વાક્ય પૂરું કરે એ પહેલાં ફિલોમેન બીજા ઓરડામાં ઝડપથી ગયો. જેનો દરવાજો સાંકડો હતો જેથી વાંકા વળીને જવું પડતું. ત્યાંથી એક ગૂસને હાથમાં ઉંચકી લાવ્યો.

    “હે દેવ, આપના સમક્ષ અમે આ ગૂસ પણ અર્પણ કરીએ છીએ જે અમે અમારા સવારનાં ભોજન હેતુ સાચવીને રાખ્યો હતો.” એમણે ઝિયસનાં પગ પાસે એક જાનવર મૂકી દીધું. એમણે કહ્યું કે આપ કહો તો આ પણ આપને રાંધીને જમાડીએ. મૂંઝાયેલું આ જાનવર આમતેમ એમનાં ભોજનનાં આસનની આસપાસ આંટા મારવા લાગ્યું અને અચાનકથી ઝિયસનાં ખોળામાં કૂદકો મારીને બેસી ગયું. બૌઝિસ અને ફિલેમોન આ ગૂસને પકડવા માટે દોડાદોડ કરી મૂકી.

    ઝિયસ રાજા આ બધું જોઈને ખૂબ જ વિસ્મય પામ્યા અને રાજી પણ થયા. એમને આ દંપતીની સાચું કહેવાની રીત ખૂબ જ ગમી. હવે સત્ય કહેવાનો વારો આ દેવદૂતોનો હતો. આ જ યોગ્ય સમય છે વાતને છતી કરવાનો એવું નક્કી કરીને ઝિયસ રાજાએ ઉચ્ચાર્યું.

    “અમે તમારી પરોણાગત થકી ખૂબ સંતૂષ્ટ થયાં છીએ. તમારા ભોજન સત્કારે અમારી ભૂખને નિશ્ચિતરૂપે સંતોષી છે. અમે આ ભૂલોકનાં લોકોની માનસિકતા ચકાસવાનાં હેતુથી આ રીતે વેશપલટો કરીને નીકળ્યા હતા પરંતુ અફસોસ છે કે અહીંનાં લોકો લાગણી વિહિન અને ઉદ્ધત થતા જાય છે.” તેમણે બૌઝિસ અને ફિલેમોની મહેમાનગતિનો આભાર માન્યો અને જણાંવ્યું કે બાકીનાં પૃથ્વીવાસીઓને ચોક્કસથી સજા થશે જ. તમે આ સૌજન્યહીન પ્રજા જેવાં નિર્દયી નથી. દયાળુ અને પરોપકારી નિવડ્યાં છો. આપ અમે કહીએ એમ કરો. આપ સજાથી મુક્ત છો.

    એમને એમની કુટિરમાંથી તરત જ બહાર નીકળીને એમની ઝૂંપડીની આસપાસ નજર કરવાનો આદેશ આપ્યો. હેરત પમાડે એવું દ્રશ્ય એમને જોવા મળ્યું એક આખી નદીનાં ધસમસતાં પૂરમાં એમનું આખું ગામ ફસડાયું હતું. ફક્ત એમની જ નાનકડી છાપરીવાળી કુટિર સહીસલામત હતી. જ્યાં ફળદ્રુપ વિશાળ જમીન હતી, ઉંચી ઈમારતો ખડી હતી એ સમગ્ર સાંસારિક સૃષ્ટિ નષ્ટ પામી હતી. ફક્ત એમની જ ઝૂંપડી અડીખમ હતી.

    આવું દુખદ અચરજ પમાડે એવું ભયંકર દ્રશ્ય જોઈને બૌઝિસ અને ફિલેમોન વધારે ગભરાયા અને ધ્રુજતા અવાજે આંસુ સારવા લાગ્યાં. એમનાં આંસુઓ જેમજેમ જમીન પર પડવા લાગ્યાં એમએમ એમની સાદી ઝૂંપડી આરસનાં મંદિરમાં ફેરવાઈ ગયું. એ મંદિરનાં થાંભલા સોનાનાં અને છત પણ સોનાની બની ગઈ. અતિ સુખદ અને અદભૂત આશ્ચર્યજનક ઘટનાઓ એકેક ક્ષણે બનતી જતી હતી.

    જોતજોતાંમાં ઝૂંપડી ભવ્યાતિભવ્ય મંદિરમાં ફેરવાઈ ગયું. ઝિયસ રાજાએ એ વ્રુદ્ધ યુગલને કહ્યું, “હવે આ મહેલ જેવું મંદિર તમારું છે અને એમાં તમારે સુખસગવડ ભર્યું જીવન વિતાવવાનું છે. તમારી બીજી કોઈ ઈચ્છા હોય તો પણ અમને કહો તમારી એ મનોકામના પૂર્ણ થશે.” પતિપત્નીએ એકબીજાને નજીક જઈને ધીમા સાદે એકબીજાનાં કાનમાં ગણગણીને ચર્ચા કરી. એકજ સૂરમાં એઓ ઓલંપિયન દેવતાને નતમસ્તક થયાં અને કહેવા લાગ્યાં. “આ તમારી કૃપાને લીધે મંદિર થયું છે. અમે અહીં ચોક્કસ રહેશું પરંતુ પુજા તમારી થશે અને અમે એમાં સેવાચાકરી કરીને જીવન વિતાવશું. ભૂલા પડેલ રાહદારીઓને આશરો અને ભોજન આપશું. અને અમારી બીજી ઈચ્છા છે કે અમે આ મૃત્યલોકમાં એકલાં જીવવા નથી ઈચ્છતાં. આપ એવું વરદાન આપો કે અમારું સમય આવે એક સાથે મૃત્યુ નિપજે.” ફક્ત પ્રજાની પરોણાંગત નિષ્ઠા ચકાસવા નીકળેલ દેવદૂતોને આ દંપતીની પ્રેમભાવના સ્પર્શી ગઈ અને એમને યથાયોગ્ય થાઓ એવા આશીર્વાદ આપ્યા.

    તેમનાં મહાન પ્રેમનાં સમ્માન સાથે એમની દરેક ઈચ્છાઓની પૂરતીનું વરદાન આપ્યું અને ઝિયસ ત્યાંથી ઓઝલ થયા. બંને વર્ષો સુધી આ ભવ્ય મહેલ સમાં મંદિરમાં રહ્યાં અને અનેક રાહદારીઓએ અહીં સંતૃપ્તી મેળવી. એઓ વધુ વૃદ્ધ થયા ત્યારે એમનાં મંદિરનાં પ્રાંગણમાં સમય વિતાવવા લાગ્યા. એવોને એવી અનુભૂતિ થઈ કે જ્યારે એમની પાસે અલ્પ સાધનસામગ્રી હતી ત્યારે વધારે સુખી અને સમૃદ્ધ હતા. આજે અતિ ધનસંપત્તિથી ઘેરાઈને પણ એમને જવાબદારી જેવું લાગે છે. વર્ષો સુધી બૌઝિસ મંદિરનાં પ્રાંગણમાં બેસી રહેતી એની અચાનક ફિલેમોને અનુભવ્યું કે એનાં શરીરે પર્ણો અને કુપણો ફૂટી રહી છે. કોઈ પણ સમયે એ વનસ્પતિની છાલ એનાં શરીરે લપેટાઈને ઘેરી વળશે એવું અનુભવાયું. જાણે એમનાં પ્રેમની એક મોક્ષની ક્ષણ બાકી હોય એમ ફિલેમોન એને વળગી રહ્યો. એકબીજાંનાં બાહુપાશમાં એમનાં આત્માએ ચિર વિદાય લીધી. આલિંગન સાથે ચૂંબનની એક ક્ષણ બાદ બંને શરીરને જાણે મુક્તિ મળી.

    લિન્ડેન એક સુંદર ઝીણાં ફુલો વાળું ઝાડ થઈ રહી હતી બૌઝિસ. જેને વળાગીને ફિલેમોન પણ વડની ડાળ સમો જડ થતો ગયો. એક અરસા બાદ એવું પ્રતીત થવા લાગ્યું કે જાણે આ બંને સુંદર પુષ્પવાળું ઝાડ લિન્ડેન અને ઘટાદાર વડનું વૃક્ષ એક ડાળખીમાંથી ઉત્પન્ન થયું હોય.

    ઓલંપિયન દેવતાઓનું આ મંદિર વિસ્મયકારક પ્રેમી યુગલને સલામી આપતું રહ્યું.

    યાદ રાખવા જેવું છે કે જ્યારે કોઈ ગરીબ અને જરૂરિયાતવાળાંને મદદ મળતી રહેશે ત્યારે કુદરતી બક્ષીસરૂપે આશીર્વાદની સરવાણી ફૂટતી રહેશે.

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED