Shasakta Stritatva Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

Shasakta Stritatva

સશક્ત સ્ત્રીત્વ

વૈશ્વિક સન્નારીને સમર્પિત

  • લેખિકાઃ કુંજલ વર્ષા પ્રદિપ છાયા.
    “કુંજકલરવ”

  • kunjalrav.wordpress.com

    પ્રસ્તાવનાઃ

    તારીખઃ ૦૧/૦૮/૨૦૧૫થી ૧૬/૦૮/૨૦૧૫ સુધી આપણાં ગુજરાત રાજ્યનાં સૌ પ્રથમ મહિલા મુખ્ય મંત્રી સુ શ્રી આનંદીબેન પટેલની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં ‘મહિલા સશક્તિકરણ પખવાડિયું પર્વ’ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતી પ્રાઈડ ઈબુક એપ્લીકેશન અને માતૃભારતી પબ્લીકેશનનાં માધ્યમ દ્વારા “સશક્ત સ્ત્રીત્વ” ઈબુક પ્રકાશિત કરતાં હું ગર્વિત છું.

    આવા જટિલ અને આત્મબળને ટેકો આપતા વિષયને લખવાનાં પ્રેરણા સ્ત્રોત સમાં મારું પીઠબળ મમ્મી શ્રીમતી વર્ષા પ્રદિપ છાયા છે. મોટી બહેન જેવી સખીઓ જાગૃતિબહેન અને પુજાબહેનના પ્રોત્સાહન થકી લખ્યું. કચ્છમાં અગ્ર સ્થાને કન્યાકેળવણીમાં દાખલારુપ ભુજની ‘માતૃછાયા’ કન્યાશાળા સંકુલ છે જેનાં આચાર્યપદને શોભાવનાર શ્રીમતિ નીલાબહેની અંતઃકરણથી આભારી છું જેમણે આ વિષય પર મારા વિચારોને વિદ્યાર્થીની સખીઓને સંબોધવા પ્રેરી.

    આ ઈબુકમાં સ્ત્રીનાં વિવિધ પાસાંઓ અને તેની સશક્ત ભૂમિકા વિશે વિસ્તૃત લેખન કરાયું છે. સ્ત્રી લેખક હોવા છતાંય તટસ્થ ભાવ સાથે લખવા પ્રયત્ન કર્યો છે. વાંચીને ઉચિત પ્રતિભાવ સાથે બિરદાવશો જી.

    -કુંજલ વર્ષા પ્રદિપ છાયા. “કુંજકલરવ”

    kunjalrav.wordpress.com

    અનુક્રમણીકા

    પ્રસ્તાવના

    ૧ સમોવડિયાં બે પડખાં: સ્ત્રી અને પુરુષ.૨ ત્રિવેણી યુગની નારી
    ૩ નારી સશક્તિકરણ
    ૪ પગભર જીવન
    ૫ સૃષ્ટિ સંરક્ષણઃ સ્ત્રીને સમર્પિત.

    શુભેચ્છા સહ..

    સમોવડિયાં બે પડખાં: સ્ત્રી અને પુરુષ.

    ઈશ્વરે બનાવેલ સૃષ્ટીમાં નવર્સજનનાં નિર્માણની વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હશે ત્યારે એકબીજાનાં પુરક એવા નર અને માદા પ્રજાતિની રચનાની વિચારસરણી ખૂબ સમજીવિચારીને કરી હશે. પ્રાકૃતિક રીતે, શારીરિકપણે અને સ્વાભાવિક દ્રષ્ટીએ બંન્ને તદ્દન ભિન્ન છતાંય જાણે પરસ્પર અવિભાજ્ય! જેને કુદરતે જ સમાન દરજ્જો આપ્યો છે એવા નર-નારીને આપણે ખુદ ‘માણસજાતિ’ ઘણાં તફાવતો અને ભેદભાવ ભર્યા દ્રષ્ટીકોણથી જોતા થઈ ગયાં છીએ. આદિકાળમાં જીવતો માનવ સમુદાય જ્યારે સમજણ પામીને સમાજ વ્યવસ્થા અને લગ્નવ્યવસ્થામાં પરોવાયો ત્યારથી સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતાનાં ધોરણો ખોરવાયા. સ્ત્રી અને પુરુષ વચ્ચે અસમાનતાનો થપ્પો એટલી હદ સુધી ઘાટી શાહિ વડે મરાયો હશે કે અનંતકાળથી આજ દિવસ સુધી એની છાપ ઝાંખી થવાનું નામ નથી લેતી.

    આજે, એકવીઅમી સદીના કહેવતા ભદ્ર સમાજમાં પણ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના ફક્ત નામમાત્ર હોય એવી પ્રતિતી થયા વિના રહેતી નથી. ક્યારેક તો એવું ભાસ થાય કે સ્ત્રીઓ એ જાતે જ પોતાનું કુમળું વ્યક્તિત્વ ને અનુલક્ષીને નબળું અસ્તિત્વ સ્વીકારી લીધું છે. તો ક્યારેક એવું અનુભવાય કે સ્ત્રી એના મૂળભૂત સ્વભાવને વશ સંવેદનશીલ અને સૈમ્ય વલણને લીધે બંડ પોકારર્યા વિનાં જ બીજું સ્થાન અપનાવી લીધું છે.

    ખડતલ શરીરસોષ્ઠવ, મહેનતુ અભિગમ અને આધિપત્ય વર્ચસ્વ ધરાવતું વણલ એ પુરુષ જાતિની મુખ્ય લાક્ષણિકતા છે. સુકોમળ દેહલતા, મૃદુ અવાજ સાથે સાલસ અને સંવેદનશીલ સ્વભાવ એ સ્ત્રીઓનાં પ્રમુખ લક્ષણ છે. જાણે એકબીજાનાં અસ્તિત્વને ખૂટતી કડી. અસમાનતાઓનાં આટલા તફાવત વચ્ચે પણ એકબીજા પ્રત્યેનું આકર્ષણ જળવયું છે.

    કલ્પના કરો કે કોઈ દ્વિચક્રીય વાહનાં પૈડાં પૈકી એક નાનું અને એક મોટું હોય તો? એ વાહન આગળ ધપે ખરું? હા, સંસારચક્રની ગાડીમાં આ શક્ય છે. બે અસમાન વ્યક્તિત્વ વ્યતિગતરીતે પરસ્પર એક થઈને જીવનનિર્વાહની નૈયા હંકારે છે.

    બે સરખા ઘંટીનાં પડ નહીં જડે રે લોલ..!એના ઘડનારાની ખુબી એજ છે રે……….

    અગાઉના જમાનાનું કેવું સરસ લોકગીત છે! આદમ અને ઈવનાં સહવાસનાં યુગથી લઈને અત્યાર સુધીનાં દરેક યુગલની સરખામણી કરશો તો ખ્યાલ આવશે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે કેટલોય વિરોધાભાષ છે! તેમ છતાંય સાથે મળીને સંસાર માંડે છે. એકબીજાની જવાબદારીઓ સુપેરે સમજે છે અને પોતપોતાને ભાગે પડતી બખૂબી નિભાવે પણ છે. ઘરની બહાર જઈને ખોરાક અને અર્થોપાજનની પ્રવૃત્તિ પુરુષે લીધી જ્યારે ઘરમાં જ રહીને કુટુંબનું જતન કરવાની ફરજ સ્ત્રીઓને પડી.

    આમ જ કદાચ એક ઘરેડ પડી ગઈ. પરિસ્થિતિ અને સંજોગો ક્યારેય એક સમાન રહેતા નથી એ પરિવર્તનશીલ છે. એ કુદરતનાં શ્રેષ્ઠતમ નિયમ અનુસાર એકબીજાને પૂરક રહીને જીવવાને બદલે પુરુષ પોતાનાં અહમ અને શારીરિક બળને પ્રાધાન્ય આપીને સ્ત્રીની અવહેલના કરવા લાગ્યો. ધીરેધીરે આ માનસિક વલણ એટલું તો પ્રસરિત થતું ગયું કે સમગ્ર સમાજ વ્યવસ્થા પુરુષપ્રધાન થતી ગઈ.

    આ સમોવડિયાં પડખાંનું વલણ અચાનક પડખું ફેરવી ગયું.

    ત્રિવેણી યુગની નારીઃ

    ઓશિયાળી કે અબળા કહેવાતી સ્ત્રીનો યુગ ઘણો પાછળ જતો રહ્યો છે એવું લાગે છે. આપણે સહુ સખીઓ ખુબ લકી છીએ કે આપણે એકવીસમી સદીનાં આરંભમાં જન્મ લીધો છે. કદાચ મારી ઉમરથી મોટી પેઢીની સ્ત્રીઓ અત્યારે બે યુગ જીવી છે. એક જ્યાં સ્ત્રીઓને પરિવાર કે પતિ કે પિતા ઉપર નિર્ભર હતી. પોતાનાં નાનામાં નાના નિર્ણયો લેવાનો પણ એને અધિકાર નહોતો. સાસરી પક્ષ કે માવતર પણ વચ્ચે પીસયા કરતી. જો રખેને પોતાના ઉધ્ધારની વાત કરે તો એને દમવામાં આવતી. એ સમયમાં એવા લાખો દાખલા હશે કે સ્ત્રીએ ત્રાસ સહન કરીને બળી મરવાનું પસંદ કર્યું હોય! એવા કરોડો બનાવ હશે જ્યાં નાના કે મોટા ભાઈને ભણાવવા સારું થઈને દિકરીનાં ભણતરને રુંધ્યું હોય!

    માત્ર વિચારીને રુંવાડા ખડાં થઈ ગયાં ને?

    તો એથીય પાછળનાં યુગ તરફ લઈ જાઉં.. એ વખત માનવ સમુદાયનાં શરુઆતનો હતો. આદમ ઈવ…ની કહાની જૂની થઈ ગઈ હતી. જનસમુદાયને સ્થાપવાનો અવસર હતો. તે વિશ્વયુધ્ધોનો યુગ હતો..! જ્યાં સ્ત્રીને જણસની જેમ જીતવાની વાત હતી. ગુલામ તરીકેનો દરજ્જો અપાતો. માથું ઉંચું કરીને બોલવાની વાત તો દૂર રહી, સ્ત્રીને ખુલ્લે ચહેરે રહેવાની પણ છૂટ નહોતી..!

    એ સમયે સ્ત્રી સશક્તિકરણની જુંબેશ શરુ કરવાની વાત તો શું પોતા પર થતી હિનતાના વિરોધમાં હરફ ઉચ્ચારે તોય માથું વઢાઈ જતું! આ બધું આપણે ફક્ત ઈતિહસમાં વાંચ્યું કે કોઈ વોર મુવીઝમાં જોયું છે. એટલાં તો નસીબદાર છીએ જ. સઘનપણે સ્ત્રીઓનાં રવને દામીને ફકત તેને દોષિણી દામિની સ્વરુપે જોવાતી. બત્તર હાલતમાં પણ જાતનું સંતુલન જાળવીને સ્ત્રીએ પોતાના સ્ત્રીત્વનું સતત સંરક્ષણ કર્યું હશે એ સમયમાં.

    મા દુર્ગા કે સીતા માતા પુરાણ પ્રતિક સમી સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જેમની મહાગાથાથી સનાતન ધર્મનિષ્ઠ સમાજ અજાણ નથી. પુરાણ પુસ્તકોમાં લખાયેલ દ્રષ્ટાંટ કથાઓમાંથી એટલો તો ખ્યાલ આવે જ છે કે દેવી તરીકે પુજાતી નારી શક્તિનો ઉપાસક આજનો પુરુષ પણ છે.

    આજનો કહેવાતો આધૂનિક ટચસ્ક્રીન યુગ..

    એકવીસમી સદી, જ્યાં સ્ત્રીઓએ આકાશને આંબ્યું છે, એવરેસ્ટની ટોચે પહોંચી છે. દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. પોતાની કાર્યદક્ષતા અને કુશળતાનો ડંકો ચોમેર વગાડ્યો છે. પુરુષો સાથે ખભા મિલાવીને દોટ મૂકવા ઈચ્છતી સન્નારીઓની સંખ્યા વધતી જાય છે. કહેવાય છે કે આધૂનિક નારી સ્વતંત્ર મિજાજી છે પરંતુ તે સંપૂર્ણ અંશે કેટલી આઝાદ છે? બેખૌફ હરીફરી શકે છે ખરી?

    તકનિકી સમયે ગતિ તેજ કરી છે તેમ છતાં સ્ત્રીઓનો સંઘર્ષ લગીરે ઘટ્યો નથી જ. બળાત્કાર, સ્ત્રી ભૃણહત્યા અને યોનશોષણ જેવા દૂષણોએ પીછો છોડ્યો નથી જ. દિકરીઓની આબરુ એ અરસામાં પણ જોખમમાં જ હતી અને આજે પણ અસુરક્ષિત છે. નિરક્ષરતા અને અયોગ્ય પોષણ ત્યારે પણ એક જ્વલંત પ્રશ્ન હતો જ અને આજે પણ એ નાબૂદ નથી થયો. આવી પરિસ્થિતિમાં પીછેહઠ કરવાને બદલે અડગ ડાગલાં માંડીને મક્કમ માધ્યમો દ્વારા આ સ્ત્રી સશક્તિકરણની જુંબેશને આગળ ધપાવવી જ રહી.

    નારી સશક્તિકરણઃ

    એક પ્રવર્તમાન વિષય બની ગયો છે આજકાલ.. શું જરુર આ પ્રકારનાં અભિયાનની? શા કારણે નારી સશક્તિકરણ સંતર્ગત આટલા કાર્યક્રમો યોજાય છે? શું ફક્ત આપણે જ આ વિષયને પર્વની જેમ ઉજવી રહ્યા છીએ?

    ના.

    નારી સશક્તિકરણનો જુવાળ વિશ્વવ્યાપી છે. વૈશ્વિક સંસ્થા UNDP એટલે કે ‘યુનાઈટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામસ’ દ્વારા જુંબેશ ચલાવાય છે. આશરે બારથી વધુ દેશોમાં શોર્ટફિલ્મઝ અને બીજા જાગૃતિકરણનાં કાર્યક્રમ થયા છે. આપણાં દેશમાં પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીં નારી સશક્તિકરણનો મતલબ નારી શક્તિનું ફક્ત પ્રદર્શન નહીં, પરંતુ સ્ત્રીને બિરદાવવાની વાત. પુરુષસમોવડી હોવાની વાતને ટેકો આપવો. કુદરતે બક્ષેલ બે પ્રમુખ જાતિના સમાન હક વિશેની વાત!

    “યત્ર નારી પુજયંતે તત્ર રમંતે દેવતા.” જ્યાં નારીશક્તિની પૂજા થાય છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. આ સંસ્કૃત ઉક્તિ યથાર્થ છે કોઈ પણ કાળમાં..! છતાંય આપણી સંસ્કૃતિ તો પુરુષપ્રાધન જ છે! અહીં કોઈ વિરોધ કે આક્રોશ નથી પરંતુ જાતને સિધ્ધ કરવા માટે આ અનિવાર્ય છે કે સ્ત્રી પોતાની જાતને ઓળખે.

    “વો પથ ક્યા પથિક, કુશલતા ક્યા, જીસપે બિખરે શૂલ ન હો..નાવિક કી ધૈર્ય કુશલતા ક્યા, જબ ધારાયે પ્રતિકૂલ ન હો..!!”

    પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પસાર થઈને કોઈ પણ વ્યક્તિ સશક્ત થાય છે. કંચન અગ્નિપરિક્ષામાંથી જ પસાર થઈ ઘડાઈને આભૂષણ બને છે! બરાબર ને? અહીં આપણે સ્ત્રીની શક્તિઓની વાત કરીએ છીએ. એનો મતલબ એ બિલકુલ નથી કે પુરુષવર્ગની આલોચના કરવી છે. બીજાની લીટીને ભૂસીને ટૂંકી કરવી નહીં પરંતુ પોતાની લીટી મોટી કેમ થાય એ વિચારવાનું છે.

    ફક્ત સુત્રોચ્ચાર કરવા કે કાર્યક્રમ ગોઠવીને કે પછી નિબંધ કે લેખ દ્વારા આ અભિયાનને ટેકો આપવાનો નથી.. પરંતુ સ્ત્રી સશક્તિકરણની જાગૃતિની મશાલને સતત પ્રજવ્વલિત રાખવાની છે. સર્વાંગી વિકાસ કરવાનો છે. સર્વાંગ સુંદર બનીને સમાજના દરેક વર્ગમાં કદમતાલ કરી ચાલવાનું છે. સ્ત્રી સશક્ત ત્યારે કહેવાશે જ્યારે એ સાક્ષર હશે, પગભર હશે અને સાથોસાથ કાયદાકીય તમામ અદિકારોનો સમાન હક્ક ભોગવતી હશે.

    પાષાણયુગમાં અનેક વિરાંગનાઓ શહિદ થઈ છે જેમણે હિમ્મત કરી છે પોતાના હક અને વિકાસ માટે અવાજ ઉપાડવાની.. એવા કેટકેટલાંય નામ પહેલી હરોળમાં તરત યાદ આવી જાશે.. રાણી લક્ષ્મીબાઈ અને રઝિયા સુલતનાનું નામ હોય કે સરોજીની નાયડૂ અને મધર ટેરેસા જેવાં સમાજસેવીકાઓ પણ ઓછી ઝઝૂમી નથી. ગૂગલમાં “વૂમન્સ વોરીયર્સ” સર્ચ કરશું તો ૨૦,૦૦૦ આંકડાઓથીય વધુ નામ નીકળે છે. એટલે સ્ત્રી એ યોધ્ધાનાં રુપમાં વિશ્વનાં દરેક ખૂણાંમાં પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું જ હશે ને!

    તાજેતરનું એક નામ ખુબ જ પ્રભાવિત કરી જાય તેવું છે. એ છે, મલાલા.. ઈસ્લામિક ધર્મને એક હકારાત્મક અભિગમ સાથે ભણતર અને વિશ્વશાંતિનાં સંદેશને લઈને ઝઝૂમતી આ સાવ કૂમળી વયની યુવતીને અત્રેથી સલામ..!

    ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સામાજિક કે રાજકિય સ્તરેક અનેક પ્રભાવિત કરીદે એવી પોતાનાં હક માટે મરી ફિટવા તત્પર રહે એવી બહેન, દિકરી પાકે !

    સ્ત્રી સશક્તિકરણની જુંબેશને વેગ આપવાનો મુદ્દો આજનાં સમયમાં જરુરી એટલે પણ બની ગયો છે કે સામાજિક વ્યવસ્થા અને લગ્નવ્યવસ્થા ખોરવાતી જતી હોય એવું પ્રતિત થાય છે. સ્વતંત્રતાની ઢાલ નીચે સ્વછંદતાની એરણ ન હોવી જોઈએ. એવું દ્રઢપણે માનવું છે. જૂનાં કૂરિવાજોનું પૂર્ણઃ કાળસ કાઢી નાખવું જોઈએ જેમાં સ્ત્રીઓની આમન્યા હણાંતી હતી. સ્ત્રીની પવિત્રતા ઉપર શંકા કુશંકાઓ થતી. પરંતુ કેટલાક રૂઢિગત રીતરિવાજોને અવગણી પણ ન શકાય. પૂર્વાગ્રહોને નેવે મૂકીને વ્યવહારુ પ્રથાઓ અપનાવવી જોઈએ. સુસંસ્કૃત સ્ત્રી ભણેલી અને સમજુ હશે તો દુષિત પ્રણાલીઓ તરફ અવાજ બૂલંદ કરી શકશે સાથેસાથે પારંપરિક વારસાની પણ મર્યાદા જાળવી શકશે.

    “ઘરમાં જેમ પુરુષની જરૂરત છે તેમ બહારની દુનિયામાં સ્ત્રીની જરૂરીયાત છે.” પર્લ બક નામનાં અમેરિકી લેખિકનું આ વાક્ય ઓગણીસોને ત્રીસની શરુઆતમાં જ કહ્યું હતું. જે આજે પણ યથાર્થ છે.

    પગભર જીવનઃ

    એક સમયે અબૂધ અને અભણ ગણાતો સ્ત્રી વર્ગ આજે ઉચ્ચ શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે તાલિમ લઈ જાતને સબળ બનાવી છે. સાચાખોટાની પરખ કરવા જાતને ઘડી છે.

    શું વિદેશની જ મહિલાઓ દિવસ રાત એક કરીને પ્રગતિનાં પંથે ચાલી શકે છે? ના, એવું જરાય નથી. આપણી ભાતરવર્ષની સ્ત્રીઓ વૈશ્વીક સ્તરે દરેક ક્ષેત્રમાં પુરુષ સાથે કદમતાલ કરી શકે છે. કરે છે અને કરશે જ….! નાલેશી ભર્યું નકારાત્મક અભિગમ અસ્થાને છે. આત્મવિશ્વાસથી ભરપૂર પેઢી જ શ્રેષ્ઠ ભવિષ્યનું ઘડતર કરી શકે છે. ઉચ્ચકોટીનાં સપનાંઓ જોવાં અને તેને સાકાર કરવા આજની માનુનિને માટે બિલકુલ અસંભવ નથી.

    સૌ વનિતાને તેનો પરિવાર પીઠબળ બનીને વૈચારીક પાંખો આપે તો ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ભણીને આત્મબળે ચોક્કસથી પોતાનું વ્યક્તિત્વ નિખારી શકે! પહેલાંનાં જમાનામાં હરેક મહિલાને કોઈને કોઈ હૂન્નર શીખવા માટે શા માટે ભાર અપાતો? કારણ કે જો એક સ્ત્રીનાં હાથમાં નાનકડી પણ કોઈ કૂશળતા હશે તો કપરા સંજોગોમાં પણ તે પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરી શકશે.

    નાનામાં નાની કોઈ એક પણ કળા જેવી કે સિલાઈ, ભરતગૂંથણ, મહેંદી, ચિત્રકામ, સંગીતકળા કે કેશસુશોભન કલા વગેરેમાંથી કોઈ એકાદી પણ આવડત હાથવગી કરી લીધી હોય તો તે પોતાનો અને પરિવારનો સરળતાથી ખર્ચ રળી શકે છે.

    જેમ સમોવડીયાં થવાની વાત આવી એમ સ્ત્રીએ પણ પોતાનાં અસ્તિત્વને પડકાર આપીને જાતને ઘડીને પગભર થવા પ્રયત્નો કરવા જ રહ્યા. સૌ પ્રથમ એણે જાતને પૂરવાર કરવી પડશે અને પછી દૂનિયા અને સમાજ નતમસ્તક થઈ સ્વીકારશે.

    “કાર્યે સુ દાસી, ભોજે સુ માતા; શૈયે સુ રંભા..” પ્રિય ધર્મ પત્નીનાં શ્રેષ્ઠ લક્ષણો દર્શાવતી આ શ્ર્લોક ઉક્તિ સ્ત્રીને પુરુષ પ્રત્યેનો દાસીત્વ અને સમર્પિત ભાવ પ્રગટ કરે છે. એક સ્ત્રી પત્ની સ્વરુપે પૂરેપૂરી શરણાંગત હોય છે. માતાનાં રુપમાં એ બાળકની ઉત્તમ રખેવાળ છે. બહેનની દ્વષ્ટિએ સ્નેહની સાંકળ અને મિત્ર કે સંગિનીનાં પાત્રમાં એ ગમેતેવા કપરા સંજોગોમાં અડીખમ છે.

    માત્ર આર્થિક રીતે જ નહીં બલ્કે માનસિક રુપથી પણ દરેક નારીએ પગભર થવાની જરુર છે. પોતે લીધે નિર્ણયોને આધિન થઈ એણે જાત પ્રત્યે સભાનપણે સશક્તતાની અનુભૂતિ કરવી જોઈશે. આ સાથે શિક્ષણને પણ અભૂતપૂર્વ શસ્ત્રની જેમ અપનાવવું રહ્યું. જેથી અજ્ઞાનનાં આવરણો ઓઝલ થાય અને અચોટ તથ્ય સાથે તે સશક્ત પગલાં ભરી શકે.

    નાજુક સ્ત્રીને વેલની ડાળી સાથે સરખાવાય છે જ્યારે પડછંદ પુરુષને ઘટાદાર વૃક્ષનાં થડ સમો. ત્યારે આ નમણી શી વેલ વિકસીત થડનો આશરો ચોક્કસથી લે પરંતુ મજબૂત થડનેને આશ્રિત થઈને વિકાસ અનુલક્ષી બની ફક્ત એ થડ પર જ નિર્ધાર કરે એ ન ચાલે. એણે સ્વયં શક્તિનો સંચાર કરીને વિકસવું રહ્યું.

    રોદણાં રોઈને કે સ્ત્રી ચરિત્ર કરીને સ્ત્રીએ પુરુષની સહાનુભૂતિ નથી યાચવાની. સતત પોતાની સ્વાયત્તા માટે લડત આપતો એક જંગી સ્ત્રી સમુદાય ક્યાં સુધી સજ્જન કહેવાતા સજ્જડ પુરુષવર્ગ પર નિર્ભર રહેશે? પગભર થવની તત્પરતા ત્વરાએ દેખાડી દેવી જોઈએ. હેં ને?

    સૃષ્ટિ સંરક્ષણઃ સ્ત્રીને સમર્પિતઃ

    ઈશ્વરે સૃષ્ટિ પર જીવનની રચના કરી ત્યારે સર્જનહારે જ જનની સ્વરુપા તરીકે સ્ત્રી સ્વરુપ વિશે વિચાર્યું હશે. આ કેટલી અદભૂત ગોઠણ છે! સ્ત્રીનાં દેહલાલિત્યથી આકર્ષાઈને વીર પુરુષ કામેચ્છાથી વશ થઈ સંભોગની ક્રિયા દ્વારા નવજીવનની પ્રક્રિયા કરે! આહ..! બંન્ને એકબીજાંને સમર્પિત થાય એકમેકનાં અસ્તિત્વમાં એકાકાર થાય એ સંજોગ જ કેવો અદ્વિતિય હોય! જે સજીવન છે એજ નવસર્જન કરી શકવા સમર્થ છે એવું કુદરતનું કેવું અનોખું વરદાન!

    સ્ત્રીએ પોતાનાં આ વરદાનને અનેક પીડાઓ ભોગવીને અપનાવ્યું છે. એની શારીરિક મર્યાદાને સમજવાને બદલે, એની પીડામાં સહભાગી બનીને સહાનુભૂતિ આપવાને બદલે સુધરેલ સમાજે એને શું આપ્યું? તિરસ્કાર..! અત્યાચાર..! અવહેલના..!

    તેમ છતાં, પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવા પ્રત્યે સ્ત્રીએ ક્યારેય આનાકાની કરી જ નથી. કૌટૂંબિક અને સામાજિક જવાબદારીઓ ઉત્તમ રીતે અદા કરીને એણે ક્યારેય પોતાનાં કાર્યદક્ષતાનું અને પોતાની કુશળતાનું જાહેર પ્રદર્શન નથી કર્યું. કદાચ એટલે જ નારીવર્ગને નિમ્ન ગણવામાં આવ્યો હોય એવું બનવાજોગ છે.

    આ નર અને માદાનાં સહચર્યની વાત ફકત માનવદેહને જ લાગતીવળગતી હોય એવું કદાપિ નથી. આતો સમગ્ર સૃષ્ટિનાં જીવંત સમૂદાયની ગાથા છે. આપણે પ્રાણીઓ કે પક્ષીઓની માફક ફક્ત સ્પર્શ કે સંવેદનાઓની દુનિયા વડે કામ ક્યાં ચલાવીયે છીએ. આપણે તો શાબ્દિક અને ભાષાકિય વાચાળ પ્રજાતિ છીએ. પ્રગતિશીલ સમૂદાય છીએ. તો પણ સ્ત્રીઓએ સદંત અમાનવીય વલણ સહન કરવું પડે છે. નરસંહાર કરીને જીતનાં દેખાડા કરતો જનસમુદાય સ્ત્રી પ્રરત્વે એટલો જ કૃર વલણ રાખે છે. અસહ્ય ગોઝારા અત્યાચારો વેઠીને રીઢી થઈ જનાર નારી બળવો પોકારી ઉઠે એ વાતમાં અતિશયોક્તિ નથી લાગતી.

    અપવાદ તો ક્યાં નથી હોતો? સ્ત્રીએ પોતાની સુંદરતા અને સુકોમળતાને હથિયાર ઘણીને અધર્મ કરવાના પ્રયાસ પણ કર્યા છે. ક્યારેક મજબૂરીથી તો ક્યારે નાદાનિયતમાં ખોટાં પગલાં પણ ભર્યા છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી અનહદ વગોવાઈ છે. સમ્માનની કક્ષાનાં સ્તરની ચરમસીમાને પાર કરવાનાં સ્થાને તેને અપમાનનાં ગૂંટડા જ નસીબે વળગ્યા હોય એવું બન્યું. આવી દારુણ પરિસ્થિતિમાંથી પર થવા એક માત્ર ઉપાય છે કે એ જાતને સશક્ત બનાવે અને સમાજને જાગૃત કરે.

    સ્ત્રીનું સ્વરુપ સીમિત નથી. અવ્યાખ્યાયિ છે; વ્યાપક છે. ચંચળ છે અને એટલી જ ચપળ પણ છે. કોઈ એકાદ લક્ષણની મહોતાજ નથી તે. એટલે જ તો સ્ત્રી પાત્ર કવિ મનનું સૌથી પ્રિય છે એનાં લખાંણોમાં:

    જેમાં લક્ષ્મીનુ રુપ્,
    સરસ્વતિ જેવો મધુરો; કંઠ,
    દુર્ગા જેવી ન્યાયી,
    તે છે નારી.
    જેમાં અનેરુ વાગ્ચાતુર્ય્,
    કેડ સુધીનો; લાંબો ચોટલો,
    ભાલે લાલ ચાંદ્દ્લો,
    તે છે નારી.
    જાજરમાન, `ને વળી સૌમ્ય્,
    ચાલે એનો જ રુક્કો; એના સંસારમાં,
    સંતાન કેળવણીમાં આગવી,
    તે છે નારી.
    ભાળૉ એને જે સ્વરુપમાં,
    માતા, પત્નિ કે દિકરી,
    અલગ તરી અવે છે તે; હર કાર્યક્ષેત્રમાં,
    તે છે નારી.

  • કુંજલ ધી લિટલ એંજલ
  • સ્ત્રી, લક્ષ્મી છે, અન્ન્પૂર્ણા છે, દૂર્ગા છે અને સરસ્વતી પણ છે!

    જરુર છે જાતને પીછાણવાની. માહ્લામાં રહેલ શક્તિને ઉજાગર કરવાની. સશક્ત થયેલ વ્યક્તિત્વને પ્રબુધ્ધ કરી યોગ્ય માર્ગે ઉપયોગ કરવાની છે. નારી વાત્સલ્યનું વહેણ છે, મમતાનું પ્રતિક છે, સંઘર્ષનું પ્રતિક છે. એ ઓશિયાળી કે અબલા નથી. એને સ્વમાનભેર જીવવું ગમે છે અને સમોવડીયું સ્થાન મેળવીને સર્વાંગી વિકાસ કરવો છે.

    યોગ્ય વાતાવરણ અને પર્યાપ્ત ઉછરણી સ્ત્રી અને પુરુષ બંન્નેને એકસમાન આપવામાં આવે તો સમાજની આભા દિપી ઉઠે! એક નવો અભિગમ ઉત્પન્ન થાય. જાણે કે નવાજ સૂર્યનો ઉદય ! અરાજકતાનું તિમિરને ચિરીને જો તેજોમય નવપલ્લવિત માનસિકતા પ્રવર્તે એથી રુડો અવસર આ એકવીસમી સદીનાં નવયુગનાં કહેવાતા કળયુગમાં અસ્તિત્વની સમતુલા જળવાય.

    અતુલ્ય સ્થિતિ સર્જાય જો દેશ, સમાજ અને રાષ્ટ્રની રચના કરવામાં હમકદમ થઈ રથનાં બે સમાંતર પૈડાં સમાં નર-નારી એક્ઠાં થઈને કાર્યરત થાય તો! ઉચ્ચકોટીની સશક્ત પેઢી તમામ પ્રકારનાં પડકારોને કટિબધ્ધ થઈને જીલી શકે. આ માટેની પહેલ જો એક નારી કે આખેઆખો સ્ત્રી સમૂદાય આદરે એ સોનેરી ક્ષણને બિરદાવી લેવી જ રહી.


    શુભેચ્છા સહ..

    સ્ત્રી.. નારી.. શક્તિસ્વરુપા.. જેના વગર આ સંસાર શક્ય જ નથી. એ કે જેનાં થકી સૃષ્ટિ ટકી રહી છે.
    સમાજ માટે ખુદ એક મિશાલ બની રહેનાર કુંજલને સ્ત્રી સશક્તિકરણ વિષક પુસ્તક મુકતાં જોઈને ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ઉત્તમ કલમને સથવારે ઉત્તરોત્તર પ્રગતિનાં શિખરો સર કરતાં રહો એવી આકાશ ભરીને શુભકામનાઓ.

  • સુ. શ્રી. જાગૃતિ રસિકલાલ વકિલ. ભુજ.
    પુરસ્કૃત શિક્ષિકા અને લેખિકા.
  • સશક્તિકરણની શરુઆત ‘સ્વ’થી કરનાર વહાલી કુંજલને ઈ-બુકની શૃંખલામાં વધુ એક પીછું ઉમેરવા બદલ ઢગલાબંધ શુભેચ્છાઓ.

  • શ્રીમતિ પુજા કશ્યપ. ભુજ.
  • કચ્છમિત્ર જેડલ પૂર્તિનાં “ગરવાઈ” કટાર લેખિકા.

    માત્ર આંગળીનાં ટેરવે દુનિયા સર કરતી કુંજલને ‘સશક્ત સ્ત્રીત્વ’ શિર્ષક હેઠળ ઈબુક પ્રકાશિત કરવા અઢળક શુભાશિષ.

  • શ્રીમતિ નીલાબેન વર્મા. ભુજ.આચાર્ય માતૃછાયા કન્યા વિદ્યાલય..
  • અસામાન્ય સંજોગોમાંથી પાર ઉતરીને સ્વમાં વસતા સશક્ત વ્યક્તિત્વને પીછાણવું એ દરેક સ્ત્રીની છૂપી મહેચ્છા હોય છે. અનિવાર્ય પરિસ્થિતિને છાવર્યા વિના સફળ થવું એ “સશક્ત સ્ત્રીત્વ” છે. દિકરી કુંજલને આ રીતે શાબ્દિક સશક્ત થતાં જોઈને આનંદ થાય છે.

  • શ્રીમતિ વર્ષા પ્રદિપ છાયા.
  • ॥ૐ॥