સલામ - સ્વીટ સિક્સટીન Kunjal Pradip Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સલામ - સ્વીટ સિક્સટીન

સલામ - સ્વીટ સીક્સ્ટીન....

ક્લાસનો છેલ્લો દિવસ હતો અને પછી એસ.એસ.સી બોર્ડની પરીક્ષા. આખું વરસ નજર સામે તરતું હતું. એરકંડિશ્નર વિનાનો પંખાવાળો છતાં આરામદાયક પ્લાસ્ટિકની ખૂરશીઓ, બ્લેક બોર્ડ્ને બદ્લે વ્હાઈટ માર્કર બોર્ડ, ઈન્ટર્નેટની સુવિધાવાળા લેપટોપ સાથે જોડેલ પ્રોજેક્ટરનો મોટો પડદો, સી.ડી પ્લેયર-સાઉન્ડ સિસ્ટમ સહિતના અભ્યાસને મદદરૂપ ઉપકરણોવાળા આધૂનિક વર્ગમાં ગણિતના અગણિત દાખલાઓ, અંગ્રેજીનું અટપટું વ્યાકરણ, ગુજરાતીના છંદ, સમાસ અને અલંકારો.. ઈતિહાસના ચિરંજીવ પાત્રો અને ભૂગોળ-નાગરિકનું હાલની પરિસ્થિતિ સાથેનું સંકલન. કોમ્પ્યુટર, ચિત્ર, સંસ્કૃત અને સંગીત ભણતી વખતે વર્ગનું હળવું વાતાવરણ.... ચંન્દ્રકાંત બક્ષીથી ચેતન ભગત સુધીનું સાહિત્ય અને જય વસાવડા તથા કાજલ ઓઝા વૈદ્યના લેખોની ચર્ચા; ફેસબુક - વ્હોટસેપમાં પીરસાતી જ્ઞાન સાથે ગમ્મત ભરેલી વાતો બધું જ યાદ કરતી કરતી વિદ્યાર્થીનીઓ એક પછી એક દીદીનાં હાથેથી ‘બેસ્ટ ઓફ઼ લક’ સાથે સાકર નારિયેળરના ૧૧ રૂપિયા ટોકન આશિર્વાદ સ્વરુપે લેતી વર્ગની બહાર નીકળતી જતી હતી.

દીદીને આ દ્રશ્ય કોઠે પડી ગયું હતું. ફકત દર વર્ષે ચહેરા બદલાતા. હવે લાગણીવશ ગળગળાં થઈ કોઇ જ વિદ્યાર્થીનીને વિદાય આપતાં ન હતાં. એક આખી પેઢી એમની પાસેથી પસાર થઈ હતી. અનુભવ, ભણતર અને ગણતરથી પોતાની બાળકીઓ સરીખી વિદ્યાર્થીનીઓને સ્નેહથી સિંચી હતી દીદીએ! આ કોઈ ખાનગી કન્યા શાળા નહીં પણ ટ્યુશન ક્લાસીસનો માહોલ હતો.

બે છોકરીઓ સાવ છેલ્લે આવીને ઊભી રહી. ૧૧ રૂપિયા ટોકન સાથે દીદીએ આશિર્વાદ આપ્યાં. તોયે એ છોકરીઓ ત્યાંથી ખસી નહીં.

સુતરાઉ સાદો પંજાબી ડ્રેસ, ગોરા ભરાવદાર ચહેરા પર કાળી પાતળી ચશ્માંની ફ઼્રેમ, કાળા સાથે થોડા સફેદી ભળેલા સુંવાળા વાળનું સાદું નાનું પોની. બહારથી જાજરમાન લાગતાં માયાળુ દીદીએ છોકરીઓને પોતાની ખુરશી પાસે તેમની માટે ખુરશીઓ નજીક લઈ આવી બેસવા કહ્યું.

“કેમ શું થયું મારી લાડલીઓને?” દીદીએ વહાલથી પૂછ્યું.

દિકરીઓની દુઃખતી રગ તરત જ સમજી જવાની દીદીને ટેવ પડી હતી. આમેય ગુડિયા અને મિન્ટિ આ વર્ષે દીદીની થોડી વધારે ચાગલી હતી. ગુલાબી લેગીંગ્સ સાથે પર્પલ ટોપ, સેંથા વગરનો ઓળેલો લાંબો ચોટલો અને રૂપાળો માફકસરનો લંબગોળ ચહેરો ને નમણાં નેણવાળી ગુડિયાએ અચકાતાં તેના દફતરમાંથી સોનેરી ગીફ઼્ટ રેપરમાં લપેટાયેલ – નિલિ આંખો ને સોનેરી વાળ, ગુલાબી પ્રિન્સેસ ફ઼્રોક પહેરેલી; સરસ મજાની ઢિંગલીની નાજૂક મૂર્તિ – કાઢી. દીદીના હાથમાં મૂકી. ઉપર લખ્યું’તું: “ટુ ગુડિયા- વિથ લવ!”

દીદી કંઈ હરફ઼ ઉચ્ચારે તે પહેલાં જ ગુડિયા બોલી: “દીદી, તમે આખું વરસ મને પૂછતાં રહ્યાં ને? કેમ અભ્યાસમાં ધ્યાન નથી? આવડે છે બધું તોયે માર્ક્સ કેમ ઓછા આવે છે? દીદી આ એ જ કારણ છે. એણે આજે સ્કુલમાં છુટાં પડતી વખતે આ ગીફ઼્ટ આપ્યું. મારું ક્યાંય મન નથી લાગતું. પરિક્ષાને અઠવાડિયું જ બાકી છે.. શું કરું? એનું નામ..” કોણ જાણે કેમ દીદીની આંખોનાં ખૂણાં ભીના થયા.

“નોટ અગેન” કહી દીદીએ એ મૂર્તિ હાથમાં લીધી; છોકરીઓ સામે જોઈ આંખો લૂછતાં સ્મિત સહ બોલ્યાં: “એનું નામ.. ‘H’ પરથી છે. હેં ને?”

બંન્ને છોકરીઓ વિસ્મયથી દીદી સામે જોઈ રહી. “અરે! આમ ન જૂઓ.. હું કઈ જાસૂસ કે કાળા - ધોળાં કરતી ભૂયણ નથી..! આ તો અમૂકવાર ભણાવતી વખતે કોઈ શબ્દો બોલાય.. ને પછી પાછળથી એની પર બીજી છોકરીઓની જે-તે છોકરી પર કોમેન્ટો આવે.. એ મેં નોંધ્યું હોય.. છોકરીઓને એમ હોય કે દીદીને કંઈ સમજ ન પડે..!”

આટલું સાંભળી મિન્ટિ તરત જ હસી પડી: “બાપ રે! દીદીથી તો ચેતવું પડશે..”

દીદીએ મિન્ટિને સીધો ચેક આપ્યો: “કેમ તારા મિસ્ટર ‘B’ એ તને કંઈ ન આપ્યું?”

“હાય, હાય ! દીદી, તમને એ પણ ખબર છે? વી આર જસ્ટ ફ઼્રેન્ડ્સ.. આઈ હેટ લવ!”

બ્લૂ કેપરી જીન્સ સાથે ગ્રે ટીશર્ટ્માં સજ્જ; જાડી કાળી ચશ્માંનીમાંથી ફ઼્રેમની પાછળ ચકળવક્ળ થાતી ભૂરી આંખો ને નાનકડાં બટરફ઼્લાય ક્લિપથી ભેગો કરેલો ભૂખરા વાંકળિયા વાળનો બોથો વાળેલી, ગોરી ગટૂડી મિન્ટિ ગંભીર થઈ ગઈ વાક્ય પૂરું કરતે કરતે. ગુડિયા પણ ગંભીર મુદ્રા ત્યજવાની ન હોય એમ બેઠી.

વતાવરણ વધુ ગંભીર થતું ગયું. આ કુમળી વયની દિકરીઓને શું કહેવું? ક્યાંથી શરુ કરવું? એ લોકો કોઈ ગેરમાર્ગે ન દોરાય; માટે શું કરવું? એવા વિચારો થકી દીદી થોડાં થોભ્યાં ને પછી બોલ્યાં: “આ ઉંમર જ એવી છે.. તમે અત્યારે બાળપણને આરે છો અને પુખ્તતાના ઊંબરે.. મિન્ટિ, ગુડિયા.. આ સમય, તરુણાવસ્થા એટલે કે ટીનએઈજ.. એન્ડ યુ આર એટ ‘સ્વીટ સીક્સ્ટીન’! શારીરિક અને માનસિક ફ઼ેરફ઼ાર આ ઉંમરે ખૂબ ઝડપથી થતા હોય. લાગણી અને જવાબદારી વચ્ચે દ્વંદ્વ યુધ્ધ થતું હોય. જો ઘર-પરિવારમાંથી કે શિક્ષકો તરફથી; યોગ્ય માર્ગદર્શન કે પ્રેમ ન મળે તો આ યુવાવર્ગ પોતાની આવડત, સર્જનાત્મક વલણ, બૌધિક સૂઝકો અને શારીરિક શક્તિ વેડફ઼ી દે છે. તેઓમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. અભ્યાસમાં ઉચ્ચ ગુણ ન આવે કે પ્રેમમાં નિષ્ફ઼ળતા મળે જેવી બાબતોથી હતાશ થઈ; ગૃહત્યાગ કે આત્મહત્યાનું પગનું ભરી બેસે છે. હુંફ઼ની તાતી જરૂર હોય છે આ ઉંમરે.. વળી, કામ-આવેગ, અને વિજાતિય આકર્ષણ પણ આ જ ઉંમરથી ઉદભવે છે. ગુડિયા, એટલે જ સ્તો, તને એ છોકરો અને એને તું ગમે છે.. આ પ્રેમ નથી ફક્ત આકર્ષણ જ છે એવું હું નથી કે’તી પણ ભવિષ્યમાં આ લાગણી ખરા પ્રેમમાં ફેરવાઈ શકે એની શક્યતા ખરી જ. કેમ કે અત્યારનો પ્રેમ નિર્દોશ હોય. કોઈ અપેક્ષા વિનાનો. નિર્મળ પ્રેમ. છતાં ચેતવું. જાતથી પણ અને એ સામેવાળી વ્યક્તિથી પણ. કારણ? એ પણ તારી જેમ જ ‘સ્વીટ સીક્સ્ટીન’ છે ને!” દીદીએ મીઠા ટહૂકે વાત મૂકિ.

છોકરીઓ નિરાંતે વાત સાંભળતી હતી. ગુડિયાએ હવે થોડા હળવા સ્વરે કહ્યું: “હા, દીદી.. એ કહે છે કે એને સાઈન્સ લેવું છે અને ઈન્જીનીયરીંગ કરવું છે. મારા પપ્પા મને કોમર્સ લેવાનું કહે છે. તેથી હવે સ્કુલ અને સ્કુલ બસ બદલાશે. મળવાનું નહીં થાય. વળી, અમારી જ્ઞાતિ જૂદી છે ભવિષ્યમાં લગ્ન માટે પરિવાર તરફથી મંજૂરી નહીં મળે એવું અમને લાગે છે. આજે આ ગિફટ આપી એણે મને વિદાય આપી. હું એક ક્ષણ પણ એની સામું ન જોઈ શકી. એને રોજ રાતે, ‘મીસ યુ - લવ યુ’ કહીને સૂવું છું. શું કરું?” બોલતાં જ તેની આંખો છલકી પડી.

“તારા હાથમાં આ મૂર્તિ જોઈ મારી આંખમાંથી આંસૂ સરી પડ્યાં ને ‘નોટ અગેન’ બોલી પડી.” હવે જાણે નવો ક્લાસ શરુ થયો હોય એમ દીદીએ બોલવાનું ચાલુ રાખ્યું.

“ગુડિયા, પહેલાં તો રડવાનું બંધ કર. આ ઉંમર રડવાની નથી તોય નવ્વાણું ટકા ટીનએઈઝર્સ રડીને કે ડીપ્રેસ થઈને સોનેરી દિવસોને ભૂખરા દિવસોમાં ફેરવી દે છે. આ સમય છે દુનિયા જોવાનો, નવું નવું શિખવાનો. આ વિશ્વને વિદ્યાલય ઘણી તેને સહારે સુંદર ભવિષ્યનું ઘડતર કરવાનો છે. તમને આગળ શું ભણવું છે એની ચર્ચા કરી એ મને ગમ્યું. નહીં તો આ ઉંમરે આવેગવશ થઈ છોકરા - છોકરીઓ ન કરવાનું કરી બેસે છે. તમે ઈન્ટર્નેટ, ટી.વી સીરીયલ્સ અને પિક્ચરોમાં તો જોયું જ હશે ને? મારા કરતાં તો વધુ ખબર હશે તમને..!” દીદી સાથે બંન્ને છોકરીઓ પણ મલકાઈ.

દીદીએ વાત વિસ્તારી. “વિદેશોમાં આ પ્રકારની ચર્ચા માતા-પિતા અને બાળકો વચ્ચે સહજતાથી કરી શકાય છે જ્યારે આપણાં દેશમાં આ રીવાજ સીવાય બધા જ રીવાજો છે! તેથી જ વિજ્ઞાનમાં સોળમો-સત્તરમો પાઠ આડકતરી રીતે બાળકોને સમજૂતી આપવા જ મૂકેલો હોય છે.. જેથી નવી પેઢીને સમજણ આવે. અને મેં તમને વિસ્તૃત સમજાવ્યો પણ છે હો.. જો જો એમાંથી એક ટૂંક્નોંધ તો જરૂર આવશે જ.. શરમાયા વગર સચિત્ર લખજો..” અંદરની શિક્ષિકા જાગતાં દીદી બોલ્યાં ’ને ફ઼રી દીદી બની વાત ચાલુ કરી.

"લવ-શવ અત્યારે હોય જ નહીં એવું હું નથી કહેતી. હવે પછી એ છોકરાને મળવાનું થાય તો પ્રેમથી, નિ:સંકોચ વાત કરજે. જતે દિવસે એવું પણ બને કે તને કોઈ બીજો અથવા એને કોઈ બીજી ગમે. એવું ન પણ બને, નાનપણની લાગણી સગીર થતાં પરિકવ પ્રેમમાં બદલે. અત્યારે સારી મૈત્રી ચોક્કસ રાખી શકાય. તારા એ મિસ્ટર ‘H’ને પણ આ વાત કરજે જેથી એ પણ ભણવામાં ધ્યાન પરોવી શકે. અનૂભવની એરણે ઘસાયા બાદ એક સલાહ આપું છું; “ક્યારે મમ્મી-પપ્પાને છેતરીને કોઈ કામ ન કર્શો. એમને વખત આવે સાચા મિત્રો ઘણી પેટ્છૂટી વાત કરજો, જેમ હમણાં મારી જોડે કરો છો એમ. રહી વાત જ્ઞાતિ ભેદ કે લગ્નગ્રંથિએ જોડાવાની તો અત્યારે સભાનપણે જાતને શોધી અને મઠારવાનો સમય છે આ. એક સરસ કહેવત કહું? સોળે સાન-વીસે વાન; આવી તો આવી નહી તો ગઈ ગધેડાને કાન!” ત્રણેય હસી પડ્યાં. મિન્ટિને તો આમેય બહુ હસું આવે. દીદી એને ‘લાફ઼િંગ બુધ્ધી’ કહેતાં..!

ઘડિયાળ સામે જોતાં દીદી ઊભા થવા લાગ્યાં. બંન્ને છોકરીઓ ખૂરશીઓ જગ્યાએ મૂકતી ઊભી થઈ. એવામાં દીદીના મોબાઈલમાં ‘ગુડિયા’સ મધર’નો ફ઼ોન આવ્યો. “લ્યો બે’નબા તમારો જ ફ઼ોન છે.” કહી દીદી ઉપાડ્યો.

“હેલ્લો, કેમ છો? સોરી હો, આજે દિકરીઓની વિદાય કરવાની છે ને મારે, એમાં મોડૂં થઈ ગ્યું. આ સામે છે જ ગુડિયા. હમણાં આવે છે. આપું એને?” ગુડિયાને ફ઼ોન આપવાનો ઈશારો કરતાં એક શ્વાસે દીદી બોલ્યાં.

“બસ બરાબર દીદી. આતો રોજ સાડા છ વાગે આવી જાય, આજે સાત વાગ્યા એટલે ચિંતા થઈ. કેમ હજુ આવી નથી? એ જ પૂછવા ફ઼ોન કર્યો.” ખબરઅંતર પૂછી ગુડિયાની મમ્મીએ ફ઼ોન પૂરો કર્યો.

“જોયું મમ્મીને તારી કેટલી ચિંતા છે? સંતાન માટે માતા-પિતાને કેટલાય ઓરતા હોય. કાચી ઉંમરની આડમાં કોઈ ખોટૂં પગલું લઈ બેસે એ બાળકોના પરિવારને કેવું દુ:ખ થાય એનું અનુમાન પણ ન કરી શકાય..!”

બંન્ને છોકરીઓ વડિલોની આમન્યા રાખશું અને તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની કોશીશ કરશું એવા વાયદા સાથે લાઈટ પંખો બંધ કરી દીદી સાથે ક્લાસની બહાર નીકળી.

ક્લાસના દરવાજે પહોંચી દીદી ગણગણવા લાગ્યાં: “સોલા બરસકી બાલી ઉંમર કો સલામ.. એ પ્યાર તેરી..” ઓચિંતું મિન્ટીને શું સૂઝ્યૂં; તે એણે દીદીને પૂછ્યું: “દીદી, તમે એ ઢિંગલી જોઈ; હાથમાં લઇ, ‘નોટ અગેન’ બોલી કેમ રડી પડ્યાં? અને અમે પૂછ્યું તો એ વાત તમે કહેવાની ટાળી.. એ ન હાલે હો..”

મિન્ટીના ગાલે નાનો ચૂટલો ભરી દીદીએ જવાબ આપ્યો. “હુંય એકવાર ‘સ્વીટ સીક્સ્ટીન’ હતી જ ને!” ત્રણેય હસ્તે હસ્તે ભેટી પડ્યાં. પરિક્ષાલક્ષી કંઈક વાત કરતે દીદીનાં આશિર્વાદ લઈ છોકરીઓએ વિદાય લીધી. દરવાજે તાળું વાસતાં એકલાં પડેલાં દીદીનાં મોંએથી ગીત સરી પડ્યું..... “એ પ્યાર તેરી પહેલી નજર કો સલામ............”

  • કુંજલ પ્રદિપ છાયા. ‘કુંજકલરવ’