૦પ્રકરણ – ૧૧
અનંતરાયના છ એ છ મિત્રો થોડી મૂંઝવણ સાથે એમ્બ્યુલન્સમાં ગયા. અનંતરાય શું કરી રહયા છે તેની કશી જ ખબર ન્હોતી પડતી. તેઓ વિચારોમાં મગ્ન હતા ત્યાં જ અનંતરાયનો આદેશ થયો અને એમ્બ્યુલન્સ ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી ગઈ . તેની પાછળ જ કાર પણ તેને અનુસરી. કાફલો રવાના થયો એ સાથે જ અનંતરાયે એક ફોન કોલ જોડ્યો............
" મેં બબ્બે વ્યક્તિ સાથે ત્રણ એમ્બ્યુલન્સ રવાના કરી છે. રસ્તામાં જો કોઈ મુશ્કેલી ઉભી થશે તો તેઓએ શું કરવું તેની યોજના મેં તેઓને સમજાવી દીધી છે. આમ છતાં જો કોઈ ગંભીર પ્રશ્ન ઉભો થશે તો તેઓની મદદ માટે મેં વધારાની એક એક કારમાં મારા ચાર ચાર માણસોને તેઓની પાછળ જ રવાના કર્યા છે. પ્લાન ફુલ પ્રૂફ છે. ચિંતા કરવાની જરૂર નથી. આપણું કામ આરામથી પુરૂ થઇ જશે. આમ છતાં જો કોઈ એવી ખાસ જરૂર પડશે તો હું આપને ફોન કરીશ." અનંતરાયે વાત પુરી કરી ફોન કોલ કાપી નાંખ્યો.
ત્રણેય એમ્બ્યુલન્સ ફાર્મ હાઉસેથી નીકળી તો હતી એક સાથે પણ થોડા થોડા અંતરેથી એક એક કરીને ત્રણેય એમ્બ્યુલન્સ અલગ અલગ રસ્તે વળી ગઈ. તેની પાછળ થોડું અંતર રાખીને એક એક કાર પણ તેને અનુસરી હતી. એમ્બ્યુલન્સમાં બેઠેલા બબ્બે મિત્રોને એવા સવાલ મૂંઝવી રહયા હતા કે પેલા સ્ટીલના બોક્સ ક્યાં ગૂમ થઇ ગયા ? અનંતરાયે બોક્સ પહોંચાડવાનું કામ સોંપ્યું છે પરંતુ બોક્સ તો એમ્બ્યુલન્સમાં નથી. શું સ્ટીલના બોક્સ અન્ય કોઈ વાહનમાં આવી રહયા હશે ? આ ખાલી એમ્બ્યુલન્સમાં બેસીને અમારે ક્યાં જવાનું હશે અને શા માટે? શું અનંતરાયના પ્લાનમાં કોઈ ફેરફાર થઇ ગયો હશે?
તેઓએ અન્ય એક બાબતની પણ નોંધ લીધી કે, એમ્બ્યુલન્સ થોડો સમય સુધી ભારે ટ્રાફિકથી ધમધમતા હાઈ-વે પર દોડ્યા બાદ એક સ્થળેથી આડા રસ્તે ફંટાઈ ગઈ હતી અને પછી જંગલ જેવા સુમસામ વિસ્તારમાંથી પસાર થઇ રહેલ સિંગલ પટ્ટી જેવા રોડ પર આગળ ધપી રહી હતી. આ દરમ્યાન બાકીની બે એમ્બ્યુલન્સ પણ તેને ફાળવવામાં આવેલા જુદા જુદા રૂટ પર દોડી જઈ રહી હતી. વન્ય વિસ્તાર હોવાને કારણે ભાગ્યે જ કોઈ એકલ દોકલ વાહન સામેથી આવતું જોવા મળતું હતું.
સતત પાંચેક કલાકની મુસાફરી બાદ એમ્બ્યુલન્સ એક નાનકડા ગામ પાસે આવીને થોડી વાર ઉભી રહી. આશરે વીસ પચ્ચીસ નેસડાના બનેલા આ ગામની વચ્ચેથી રોડ પસાર થતો હતો. રોડની બંને બાજુએ માટી અને ઘાંસના બનેલા કાચા મકાનો હતા. થોડા પશુઓ પણ જોવા મળતા હતા. દરેક કાચા મકાનની ફરતે મોટા ફળિયા પણ હતા. સવાર પડવાને હજુ થોડી વાર હતી પરંતુ નેસમાં રહેતા કેટલાક લોકો જાગી ગયા હતા. સડક પર એમ્બ્યુલન્સ ઉભેલી જોઈને એ લોકો સતર્ક થઇ ગયા.
માંડ થોડો સમય પસાર થયો હશે ત્યાં જ બાકીની એમ્બ્યુલન્સ અને કાર પણ એ જ સ્થળે આવી પહોંચી. એમ્બ્યુલન્સમાં બેઠેલા છ એ છ જણા આશ્ચર્યમાં ડૂબી ગયા. ત્રણેય ડ્રાઈવરો અને છએ મિત્રો એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતર્યા. અલગ અલગ રસ્તે રવાના થયેલી ત્રણેય એમ્બ્યુલન્સ આખરે એક જ સ્થળે ભેગી થઇ ગઈ હતી. એવામાં આજુબાજુના નેસમાંથી કેટલાક લોકો એમ્બ્યુલન્સ પાસે આવી પહોંચ્યા. આ લોકોનો લીડર જેવો દેખાતો એક પડછંદ માણસ સૌથી આગળ ઉભો હતો. ડ્રાઈવરોએ તેમની સાથે પેલા છએ જણાની ઓળખાણ કરાવી. સૌએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. એક ડ્રાઈવરે પડછંદ લીડર સાથે થોડી વાતચિત કરી.
ડ્રાઈવરોએ એમ્બ્યુલન્સના પાછળના દરવાજાની નીચે જ બનાવવામાં આવેલા બે નાના દરવાજા દરવાજા ખોલ્યા. ખાસ ટેકનીકથી બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સનો મેટલ ફ્લોર અન્ય સામાન્ય એમ્બ્યુલન્સના ફ્લોર કરતા એક ફૂટ ઉંચો હતો. મતલબ કે ફ્લોર અને જમીન વચ્ચે ખ્સ્સું એવું અંતર હતું. નાના દરવાજા ખોલીને ડ્રાઈવરોએ ફ્લોરની નીચે છુપાવી રાખેલા સ્ટીલના બોક્સ બહાર કાઢ્યા. નેસના કેટલાક લોકો ભેગા થઈને ત્રણેય બોક્સ કાચા મકાનની અંદર લઇ ગયા. પેલા છ જણા તો ફાટી આંખે બધું નિહાળતા જ રહી ગયાં.
" આ ત્રણેય બોક્સ સરહદ પાર મોકલી દેવાની સૂચના અનંતરાયે આપી છે. બાકી બધી વાત તમને અનંતરાય કરશે." એક ડ્રાઈવરે નેસના લીડરને ધીમેથી કહ્યું.
" નો પ્રોબ્લેમ. કામ થઇ જશે. ચિંતા છોડી દો." લીડરે જવાબ આપ્યો.
આ વાતચિત સાંભળીને પેલા છ જણા તો ડઘાઈ જ ગયા? શું અનંતરાય સ્મગલિંગનો ધંધો કરતા હશે? એવો પ્રશ્ન સહજ રીતે જ તેમને હચમચાવી ગયો.
*******************************
સેન્ટ્રલ જેલની ઓફિસમાં વહીવટી કામ સંભાળી રહેલા કાચા કામના કેદી રાજેશ્વરને સરસ મોકો મળ્યો હતો. પી. આર. કન્સલ્ટન્સી કંપનીના ટોચના બે હોદેદારોના અપહરણના કેસમાં પોતે જેલ હવાલે થયો હતો. જે દિવસે તેણે જેલમાં પગ મુક્યો તે દિવસે જ ત્યાં ભયાનક હત્યા કાંડ સર્જાયો હતો. જેલની ઓફિસમાં રાજેશ્વરને જેલની વિવિધ માહિતીનું કોમ્યુટરાઇઝેશન કરવા અને ઓફીસના સ્ટાફને તેનાથી પ્રશિક્ષિત કરવાનું કામ અપાયું હતું. રાજેશ્વરના કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટને સુવિધા પણ હતી. વહીવટી કામ દરમ્યાન રાજેશ્વર પાસે કેદીઓની માહિતી પણ આવતી રહેતી હતી. જેમાં જે ચાર કેદીઓ અને એક ગાર્ડ્સની હત્યા થઇ હતી તેના વિશે પણ જાણકારી હતી. આ માહિતીમાં રાજેશ્વરને ખાસ રસ પડ્યો હતો. રાજેશ્વરે જેલના તમામ કોમ્પ્યુટરો એક સર્વરની મદદથી એક જ લેનમાં ઇન્ટરકનેકટ કરી આપ્યા હતા. જેલના સ્ટાફને તેમના કોમ્પ્યુટર ઓપરેટ કરવા માટે અલગ અલગ એકાઉન્ટ ખોલી અપાયા હતા જેમાં તેઓ પોતાનો પાસવર્ડ એન્ટર કરી લોગ ઇન થઇ શકતા હતા.
રાજેશ્વરે પોતાને ઉપયોગમાં આવે તેવી માહિતી અલગ તારવવાનું અને ઈન્ટરનેટની મદદથી પોતાના એક સિક્રેટ એકાઉન્ટમાં તેને ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે જેલમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને અત્યારે નોકરી કરી રહેલા ઓફિસરો અને ગાર્ડ્સ વિશે પણ માહિતી મેળવી લીધી હતી. કદાચ જેલરે રાજેશ્વર ઉપર વધુ પડતો ભરોસો મુકી દીધો હતો. રાજેશ્વર આ માહિતી ક્યા કામમાં ઉપયોગમાં લેવાનો છે અને તેના મનમાં શું પ્લાન દોડી રહયો હતો તેની તો તેને કલ્પના પણ ક્યાંથી હોય?
*******************************
નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત એક ભેદી કોડેડ મેસેજને ઉકેલવાની ચિંતામાં હતો ત્યાં વળી કમિશનર અભય કુમારના બંગલામાંથી બબ્બે લાશો મળી આવવાની ખોફનાક ઘટનાએ તેને પણ હલબલાવી નાંખ્યો હતો... તેનું મગજ ચકરાવે ચડી ગયું હતું. તે એ નક્કી કરી શકતો ન્હોતો કે પહેલા આ બે લાશનો ભેદ ઉકેલવા માટે મહેનત કરવી કે પેલા કોડવર્ડ આધારિત મેસેજનો સાચો અર્થ સમજવા પ્રયાસ કરવો. આ ગડમથલમાં તે સીધો જ ઓફિસે પહોંચી ગયો. થોડી વારમાં જ પોલીસ કમિશનર અભય પણ આવી પહોંચ્યા. પોતાની ચેમ્બરમાં જઈને તેણે સૂર્યજીતને બોલાવ્યા.
" સૂર્યજીત, શું લાગે છે આ મામલામાં ? તમારું શું માનવું છે?" અભયે સવાલ પૂછ્યો.
" સર, આ કેસની તપાસ ચોક્કસ દિશામાં આગળ ના ધપે એ માટે રચવામાં આવેલું આ ભયાનક ષડયંત્ર હોય તેવી શક્યતા જણાય છે."
" મારૂ પણ એ જ માનવું છે."
" તો પછી હવે આપણે કઈ રીતે આગળ ધપવું જોઈએ?"
" સર, આપના પરિવાર કે આપની ઉપર કોઈ પ્રકારનું જોખમ ના આવે તે જોવાની પોલીસ ખાતાની પ્રથમ પ્રાયોરીટી છે."
" એ તો બરોબર છે સૂર્યજીત, પરંતુ આ ઘટના બાદ હવે આપણે ફૂંકી ફૂંકીને કદમ માંડીશું. મેં કાંઈક વિચારી રાખ્યું છે." અભય કુમાર તેની વાત આગળ ધપાવે એ પહેલા એક ફોન કોલ આવી જતા અને અભયે જે પ્રકારે શંકાસ્પદ રીતે વાત કરવાનું ચાલુ કર્યું એ જોઈને સૂર્યજીત સમજી વિચારીને કમિશનરની રજા લઈને ત્યાંથી નીકળી ગયા અને અભયે તેને એમ પણ કહ્યું કે, " આપણે પછી વાત કરીએ છીએ."
સૂર્યજીતનાં મગજમાં હજુ પેલો ત્યાંથી સીધો જ કોડવર્ડ આધારિત મેસેજ ભમતો હતો. તે કોઈ પણ ભોગે તેનો તોડ લાવવા ઇચ્છતો હતો. તેણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢી. તેમાં એ કોડવર્ડ આધારિત મેસેજ લખેલો હતો. તે ફરી ફરીને આ મેસેજ વાંચતો રહયો.
અચાનક તેના ચહેરા પર ખુશીની લકીર ઉપસી આવી. તેણે મિલિટરી ઇન્ટેલિજન્સમાં ફરજ બજાવતા પોતાના મિત્ર સુનિલને ફોન કર્યો અને એક અગત્યના કામ સબબ પોતે તેને મળવા આવી રહયો હોવાની જાણ કરી પોતાની કાર તેના ઘર તરફ મારી મુકી. સૂર્યજીત થોડી વારમાં તેના ઘેર પહોંચી ગયો. સૂર્યજીતને એવી આશા જાગી હતી કે, મિલિટરીમાં એક બાહોશ અને અત્યંત ચકોર ઓફિસર તરીકેની ઓળખ ધરાવતો સુનિલ આ ભેદી મેસેજ ઉકેલવામાં તેની મદદ કરી શકશે.
*******************************
સ્ટેટ ટ્રાન્સપોર્ટની ખખડધજ બસનાં ડ્રાઈવરે ચા – પાણી માટે એક ધાબા પાસે હોલ્ટ કર્યો હતો. સત્યજીતનો એજન્ટ વિજય પણ ચા પીવા નીચે ઉતર્યો એ સમયે તેના ફોનમાં એજન્ટ મુકેશનો કોલ આવ્યો હતો. મુકેશે તેનું અઘરૂ કામ પાર પાડી દીધું હતું. જોકે વિજયને એ જાણવું હતું કે મુકેશે એ કામ કેવી રીતે પુરૂ કર્યું, પરંતુ ફોનમાં વધુ વાત કરવાનું મુનાસીબ નહી જણાતા તેણે વિચાર્યું કે મુકેશ મારી પાસે આવી જ રહયો છે ત્યારે રૂબરૂ મળીને જ વિગતો પૂછી લઈશ.
ચા-પાણીનો હોલ્ટ પુરો થયો ને બસ આગળ ચાલી. બે – અઢી કલાકમાં જ બસ સરહદ નજીકના તેના છેલ્લા સ્ટોપ પર પહોંચી ગઈ. આખી રાત્રિ મુસાફરીમાં જ પસાર થઇ ગઈ હતી. દિવસ ઉગી ગયો હતો. વિજય બસમાંથી નીચે ઉતર્યો એ સાથે જ સત્યજીતનાં બે સહાયકોએ તેને આવકાર આપ્યો. તેઓ ગામ ભણી ચાલ્યા. રોડની બંને તરફ જ્યાં નજર પડે ત્યાં માત્ર રેતી જ રેતી દેખાતી હતી. રેતીના મોટા મોટા ટેકરાઓ વચ્ચે વસેલું આ ગામ નાનું હતું પણ તેની ભૌગોલિક રચના સુંદર હતી. સવારનો સમય હતો. હજુ વાતાવરણમાં ઠંડક હતી, પરંતુ તે વધુ સમય સુધી ટકી રહે એમ ન્હોતી. જેમ જેમ સૂર્ય ઉપર ચડતો જશે એમ રણની પીળી રેતી અંગ દઝાડવા માંડવાની હતી.
ગામના છેડે નાનકડા કિલ્લા જેવું એક જુનવાણી બાંધકામ દેખાયું. વિજયની સાથે રહેલા બે જણા તેને એ કિલ્લા ભણી દોરી ગયા. લાકડાનો ઉંચો અને વિશાળ દરવાજો પાર કરી તેઓ અંદર પહોંચ્યા. વિજયે ચારેકોર એક નજર દોડાવી. ફરતી બાજુએ ભૂખરા રંગના પથ્થરોની બનેલી વીસ ફૂટ જેટલી ઊંચી દિવાલથી કિલ્લેબંધ એવા આ મકાનમાં વચ્ચોવચ્ચ વિશાળ ફળિયું હતું અને ફરતી બાજુએ બે માળમાં અનેક રૂમ બનાવવામાં આવેલ હતા. ઉપલા માળને ટેકો મળી રહે એ માટે ઉભી કરાયેલી થાંભલીઓ આ મકાનને વધુ સુંદર બનાવતી હતી. ફળીયાની રેતી ખુંદતા તેઓ ઓશરીના ઓટા પાસે આવીને બેઠા.
" વિજય હવે તમે આરામ કરો. હું ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા કરૂ છું." એક સહાયકે વિવેક દાખવ્યો.
" થેન્ક્યુ વેરી મચ. આજે સાંજે મારો મિત્ર મુકેશ પણ અહી જ આવી રહયો છે. ત્યારબાદ અમે બંને સાથે જ અમારૂ કામ આગળ ધપાવીશું." વિજયે તેને જાણ કરી.
" જી વિજય, કાંઈ ચિંતા ના કરો. તમામ વ્યવસ્થા થઇ જશે. આજે મોડી સાંજે મુકેશ આવી જાય પછી રાત્રે અને કાલનો દિવસ તમારે આરામ કરવો પડશે અને પછી કાલની રાત્રે જ આપણે રણની યાત્રા શરૂ કરીશું. આ સફર માટેની તમામ તૈયારી લગભગ પુરી થઇ ચુકી છે. થોડું ઘણું કામ બાકી છે તે આજે અને કાલ સુધીમાં નીપટાવી લઈશું. અહી તમારા માટે ફાળવવામાં આવેલા રૂમમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે." સહાયકે માહિતી આપી.
સરહદ પાર કરવા માટે વિજયને થોડી મદદની પણ જરૂર પડે એમ હતી જે ઉપલબ્ધ બની ચુકી હતી. સત્યજીતના કેટલાક સહાયકો આ ગામમાં જ રહેતા હતા. તેઓની સાથે અગાઉથી જ સત્યજીતની વાત થઇ ચુકી હતી. મોડી સાંજે મુકેશ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. સૌ રાત્રિનું ભોજન પતાવી હવે પછીના આયોજનની ચર્ચામાં ગૂંથાઈ ગયા. સહાયકોએ વિજય અને મુકેશને એ સમજાવ્યું કે તેઓએ રણની કપરી યાત્રામાં કેવી કેવી કાળજી રાખવી. લાંબી ચર્ચા બાદ સૌ સુવાની તૈયારી કરવા લાગ્યા. સૌ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. મુકેશ થાક્યો હતો પરંતુ તે વિજય સાથે થોડી ચર્ચા કરવા માંગતો હતો. વિજય અને મુકેશ એક જ રૂમમાં હતા.
" કેમ રહયું તારૂ કામ ?" વિજયે પથારીમાં તેનું શરીર પડતું મુકતા પુછ્યું.
મુકેશે જુદા જુદા વેશમાં હોટલમાં બૂક કરાવેલા રૂમથી માંડીને કોઈ તેને જોઈ ના જાય એ રીતે ચાલાકીપૂર્વક હોટલમાંથી તે કેવી રીતે બહાર નીકળ્યો એ કહ્યું અને પછી શરૂ કરી તેણે પાર પાડેલા એ દિલધડક ઓપરેશનની વાત.....
*******************************
નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત ચેમ્બરમાંથી બહાર નીકળ્યા બાદ પોલીસ કમિશનર અભયે ફોનમાં વાત આગળ ચલાવી. સામે છેડે રહેલી કોઈ ભેદી વ્યક્તિ તેને કેટલીક સૂચના આપી રહી હતી. પોતાના બંગલામાંથી બબ્બે લાશ મળી આવવાની ઘટનાથી અભય ન માત્ર સ્તબ્ધ બની ગયા હતા તેને ડર પણ લાગ્યો હતો. તેને હવે એ સમજાતું હતું કે, ભૂલથી અને વિશ્વાસમાં રહીને તેનો પગ એવા કુંડાળા પડી ગયો હતો જેમાં જબરદસ્ત ખતરો ઉભો થઇ ગયો હતો.
જે લોકો મારા બંગલામાં બબ્બે લાશ મુકી જાય એ કાંઈ પણ કરી શકે. આ પ્રકરણમાંથી હવે બહાર નીકળી જવું વધુ બહેતર રહેશે એમ માની અભયે ફોનમાં એ શખ્સે આપેલી સૂચના મુજબ તુર્ત જ તેના ચારેય વિશ્વાસુ ઓફિસરોને જે કામે મોકલ્યા હતા ત્યાંથી પાછા બોલાવી લીધા. પોતાના એક ખાનગી ફાર્મ હાઉસમાં એક વગદાર મહાશયના કહેવાથી અને તેની આભામાં આવી જઈને અભયે પોતાના વિશ્વાસુ એવા ચાર અફસરોને શહેરના બે નામાંકિત શ્રીમંતોની હિલચાલ પર નજર રાખવા અને અપહરણ કાંડની માહિતી મેળવવા અલગથી કામે લગાડ્યા હતા.
અભય તેની ચેમ્બરમાં બેઠા બેઠા આ ઊંડા ભેદી ઘટનાક્રમ વિશે અંકોડા મેળવવા મથામણ કરી રહયો હતો ત્યાં જ તેને એ મહાશયનો ફોન આવ્યો.......
*******************************
શહેરના ખુબ વગદાર એવા એક અખબારના માલિક વિક્રમ તેની ઓફિસમાં કામમાં વ્યસ્ત હતો ત્યારે એક મોટી ઉમરનો એક માણસ તેને મળવા આવે છે. આ માણસ પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણ અને સેન્ટ્રલ જેલ હત્યા કાંડમાં હવે એક નવો ચોંકાવનારો વળાંક આવે તેવી વાત કરવા આવ્યો હતો.
વિક્રમને તેના સોર્સ સાથે અગાઉથી વાત થઇ જ ચુકી હતી અને તેને ઇંતેજાર હતો જ કે એક નવા મોટા બ્રેકિંગ ન્યુઝ આવી રહયા છે.
" હું અંદર આવું સાહેબ?" એ માણસે પુછ્યું.
" પ્લીઝ કમ ઇન." વિક્રમે વિવેક સાથે જવાબ આપ્યો.
" મને મિસ્ટર .............." એ માણસે કહ્યું કે તેને અહી કોણે મોકલ્યો છે.
" જી, કહો હું કઈ રીતે મદદરૂપ થઇ શકું?" વિક્રમે પુછ્યું અને પછી બેલ વગાડી ચપરાશીને બોલાવી ઓછી ખાંડવાળી બે કોફી લાવવા સૂચના આપી.
" એમની સાથે ફોનમાં વધુ વાત કરવી હિતાવહ ન્હોતી એટલે મને રૂબરૂ મોકલવામાં આવ્યો છે."
" બરોબર છે. હું સમજી શકું છું. કહો શું વાત છે?"
" આપણે હવે આ પ્રકરણને એક નવો મોડ આપવાનો છે અને તેમાં આપની સહાયતાની આવશ્યકતા ઉભી થઇ છે એ તમે જાણો છો. તમારે હવે....................................બસ માત્ર આટલું જ કરવાનું છે." એ માણસે વિક્રમને આખી વાત સમજાવી દીધી.
આ દરમ્યાન ચપરાશી બે કોફી મુકી ગયો. વિક્રમે એક કપ એ માણસને આપ્યો અને બીજો કપ પોતાના હોંઠે માંડ્યો.
" મને એક વાતની નવાઈ લાગે છે કે, આ લોકો સાવ કેવું છીછરૂં વિચારે છે? તેઓના દિમાગમાં સ્વાર્થ સિવાય બીજું કશું જ નથી. તેઓને એ પણ ખબર નથી કે તેઓ ઉંચા સ્થાને હોવા છતાં પણ સ્વાર્થ વૃત્તિ છોડી રાષ્ટ્રનાં હિતમાં કશું જ વિચારતા જ નથી." વિક્રમ કોફીની ચુસ્કી લેતા લેતા પોતાની હૈયા વરાળ કાઢતો હતો.
" આપની વાત સાથે હું સો ટકા સહમત છું." એ માણસે આ આખી ઘટનામાં વિક્રમને કેટલી ખબર હશે એવો પ્રશ્ન મનમાં થતા જ વિશેષ એ મુદ્દા પર ચર્ચા કર્યા વગર જ ટૂંકો જવાબ આપ્યો. પછી તેણે કોફી અને સહકાર બદલ વિક્રમનો આભાર માન્યો અને ત્યાંથી જવાની રજા લઈ તે ઓફિસમાંથી બહાર નીકળી ગયો. વિક્રમ જોઈ રહયો હતો કે, દુનિયામાં કેવા કેવા ખેલ ખેલાઈ રહયા છે.
*******************************
સરહદની પેલે પાર પણ કશુંક એવું બન્યું હતું કે, જેના તાર સીધા જ પી.આર. કન્સલ્ટન્સી કંપનીના અપહરણ, સેન્ટ્રલ જેલના હત્યા કાંડ અને અભય કુમારના બંગલામાંથી મળેલી બે લાશની ઘટનાઓ સાથે જોડાયેલા હતા. ખુફિયા ઇન્ટેલિજન્સ એજન્સી આ સમગ્ર ઘટમાળ પર બારીકાઈથી નજર રાખી રહી હતી. ઇન્ટેલીજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાએ આ વિશે ચર્ચા કરવા પોતાના વિશ્વાસુ ઓફિસરોની એઓ બેઠક યોજી હતી. જેમાં તે હવે પછીનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માંગતો હતો કેમ કે મામલો માત્ર રાષ્ટ્રીય સ્તરનો જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાનો હતો. જો કાંઈ આડું અવળું બની જાય તો કર્યા કરાવ્યા પર પાણી ફરી વળે એમ હતું જે કોઈ કાળે પોષાય એમ ન્હોતું.
( વધુ આવતા અંકે...)
*******************************