Gappa Chapter 17 Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gappa Chapter 17

પ્રકરણ : ૧૭

“ભાઈ તરંગ, તેં તારા દાદાના દાદાની વાત કરી, પણ હું તો મારી પોતાની જ વાત કરવા માગું છું.” કલ્પાના મોંમાંથી આવું વાક્ય નીકળ્યું એટલે શૌર્યને જરા શાંતિ થઈ.

“કર, કર, આમ પણ આ છેલ્લો ચાન્સ છે.” આયુ મલક્યો.

કલ્પાએ હવે છેલ્લો દાવ રમી લેવાનો હતો. લાંબો શ્વાસ લઈને ગંભીર રીતે તેણે વાત શરૂ કરી. “અમારો પરિવાર ખૂબ જ સુખી અને સમૃદ્ધ છે. તારા દાદાને બાજરાથી જે કમાણી થઈ અને તે અબજોપતિ બન્યા એટલા સમૃદ્ધ તો નહીં, પણ અમારું પોતાનું રજવાડું કહી શકાય તેવું તો હતું જ !”

“હંહં...” તરંગે હોંકારો ભણ્યો.

“હું બાળપણથી ખૂબ જ લાડકોડમાં ઊછર્યો છું. મેં ક્યારેય દુઃખ શું કહેવાય તે જોયું જ નથી.”

“આજે જોઈ લેજે, હારીશ એટલે હમણા જ ખબર પડી જશે કે દુઃખ એટલે શું ?” આયુ ધીમા સ્વરે તરંગના કાનમાં બબડ્યો.

“હું પાણી માગું ને દૂધ હાજર થતું મારી માટે. હું શાળાએ જવા જેવડો થયો, ત્યારે દરેક વિષય માટે દુનિયાના સારામાં સારા શિક્ષકો મને ઘરે ભણાવવા આવતા. મારે કોઈ જ વાતની કમી નહોતી. હું કોઈ એક ચીજની ઝંખના કરું ત્યાં તો તેવી હજારો ચીજો મારી પાસે આવી જતી. ખાલીપો શું કહેવાય તે મને ખબર જ નહોતી. હું જેટલો લાડકોડથી ઊછર્યો તેટલું કદાચ કોઈ ઊછર્યું નહીં હોય. વળી મારા પિતાએ મને જે લાડ કરાવ્યા છે, તેનો તો આખી દુનિયામાં જોટો જડે તેમ નથી.”

“હંહં... કેવા લાડ કરાવ્યા ?” આયુ રંગમાં આવ્યો. તેને તો પોતાની ટીમની જીત સાવ સામે જ દેખાતી હતી.

“હું થોડો મોટો થયો એટલે મારા પિતાએ મારા લગ્નનું વિચાર્યું. તેમણે અમારા રજવાડાની જ એક સુંદર યુવતી સાથે મારા લગ્ન કર્યા. એ છોકરી ખરેખર પરીને પણ ઈર્ષ્યા આવે એટલી સુંદર હતી !”

“ઓહોહોહો...” મજાક કરતો હોય તેમ આયુએ લહેકો કર્યો.

“વચ્ચે વચ્ચે આવી ખોટી કોમેન્ટ કરીને મને ડિસ્ટર્બ ના કરશો પ્લીજ.”

“હહહહ... આયુ જપી જાને યાર... આ છેલ્લી વાત છે, પતે એટલે ઘરે જ જવાનું છે.” ભોંદુની દરેક વાતમાં હવે ઘરે જવાની ઉતાવળ છલકાઈ જતી હતી.

“ઓકે. સોરી.”

“હહહહ... હવે કોઈ કારણ વગર વચ્ચે ના બોલતા...”

“ઓકે.” બધાએ એક સાથે કહ્યું.

ભોંદુએ કલ્પેન સામે જોયું એટલે વિચારતા વિચારતા તેણે વાત શરૂ કરી.

“એ પરી કરતાં ય સુંદર સ્ત્રી સાથે હું ખૂબ જ સુખેથી રહેતો હતો; પણ ક્યારેય કોઈ વાતની કમી ન આવવાને લીધે હું અંદર ને અંદર મૂરઝાતો હતો. મારે કંઈ જોઈએ છે તેવી મારા પિતાને સહેજ પણ ખબર પડે કે તરત જ તે હજારો વસ્તુઓ હાજર કરી દેતા. ભગવાન બુદ્ધ જ્યારે રાજકુમાર સિદ્ધાર્થ તરીકેનું જીવન જીવતા હતા, ત્યારે તેમના માતાપિતા યશોદા અને શુદ્ધોધને તેમનો જેટલો ખ્યાલ રાખેલો તેટલો જ ખ્યાલ, કદાચ એનાથીયે વધારે ખ્યાલ મારા માતાપિતાએ મારો રાખ્યો હતો. મને પણ જન્મ, જરા અને મૃત્યુ શું છે તેની વિશે કશો ખ્યાલ ન આવવા દેવો તેવો ચુસ્ત હુકમ ફરમાવવામાં આવેલો. ભૂલથી પણ કોઈ વૃદ્ધ, ગરીબ કે બીમાર વ્યક્તિ મારી આસપાસ ન આવવી જોઈએ. આટલું તો ઠીક તેની વાત સુધ્ધાં મારા કાન સુધી ન પહોંચવી જોઈએ. મારા પિતા પણ એવું ઇચ્છતા હતા, કે હું હંમેશાં માટે આ બધાથી અજાણ રહું. મારા ભવિષ્ય વિશે પણ અમારા જ્યોતિષીએ ભવિષ્ય ભાખેલું કે આ માણસ કાં તો મહાન રાજા થશે અથવા તો ઋષિ થશે. હું ઋષિ થાઉં એવું કોઈ ઇચ્છતું નહોતું, બધા જ મને રાજા બનાવવાની પેરવીમાં પડ્યા હતા.

મને લાગતું હતું કે મારે કોઈ વાતની કમી કેમ નથી આવતી ? મારે કોઈ વાતની કે વસ્તુની કમી જ નથી આવતી એ વાતને લઈને મારા જીવનમાં કમી ઊભી થવા લાગી. બધું મળ્યાનું સુખ હવે મને દુઃખ જેવું લાગવા લાગ્યું. હું કોઈ ઇચ્છા જ નહોતો રાખતો. કેમકે કંઈક ઇચ્છા રાખું કે તરત મારા પિતા બધું હાજર કરી દેતા. આમ ને આમ હું એકલો પડવા લાગ્યો. એકલો ને એકલો કલ્પનાઓમાં રાચતો થઈ ગયો. આના લીધે હું નવી નવી કલ્પનાઓ કરતો થઈ ગયો, હું મારા સ્વપ્નલોકમાં રાચતો થઈ ગયો. મને એકલા ને એકલા કલ્પનાભર્યા ગપ્પાંઓ મારવાની ટેવ પડવા લાગી...”

“હંમ્‌... એટલે જ આવી બધી કલ્પનાઓ કર્યા કરે છે.” શૌર્યએ કહ્યું.

“હા, કદાચ એવું જ છે. હું મારી સુંદર પત્ની પર પણ વધારે ધ્યાન નહોતો આપતો. પણ મને આમ એકલો એકલો અને ઉદાસ ફરતો જોઈને મારા પિતાને ચિંતા થવા લાગી. પેતાની ચિંતા દૂર કરવા માટે એક દિવસ તેમણે મને તેમના મહેલમાં બોલાવ્યો.

“બેટા કલ્પેન, હું દરેક પળે તારા વિશે વિચારું છું, તું મારું રતન છે. મારો જીવ છે. પણ હમણાથી તું ઉદાસ-ઉદાસ રહ્યા કરતો હોય તેમ લાગે છે. તારે કઈ વાતની કમી છે ? તારે શું જોઈએ છે ?” મારા પિતાએ લાગણીવશ થઈને પૂછ્યું.

“મારે કોઈ જ વાતની કમી નથી અને મારે કશું જ જોઈતું નથી.”

“તો પછી આમ ઉદાસ ઉદાસ કેમ ફર્યા કરે છે ?”

“બધું છે એની ઉદાસી છે.”

“કંઈ સમજાયું નહીં દીકરા.”

“તમે મને વારંવાર બધું લાવી ન દો. હું કંટાળી ગયો છું તમારાથી, મને મારી રીતે જીવવા દો.” આખરે મારામાં વર્ષોથી પિતા પ્રત્યે ભરાયેલો ગુસ્સો બહાર આવ્યો.

“સોરી પિતાજી.” મેં તરત માફી માગી. પણ તે મારો આવો જવાબ સાંભળીને સમસમી ગયા હતા.

“તારે રાજા બનવાનું છે રાજા, સમજ્યો ?” તે ગુસ્મામાં બરાડી ઊઠ્યા. “તને કોઈ જ વાતની કમી ન ઊભી થાય તેની દરેક પળે હું કાળજી લઉં છું અને તું મને એમ કહે છે કે મારી રીતે જીવવા દો ? તારે અમે કહીએ તે રીતે જીવાવનું છે.” મારા પિતા મને રાજા બનાવવા માટે બધું જ કરી છૂટવા તત્પર હતા.

“પણ મને મારી રીતે તો કંઈક કરવા દો.” હું પણ બરાડી ઊઠ્યો.

“તું કંઈ કરીશ ને તારાથી કંઈક કમી રહી જશે તો તને વૈરાગ્ય ઉત્પન્ન થશે.”

“તો મને વૈરાગ્ય ના જાગે એ માટે તમે હજી શું શું કરશો, બોલો ?” હું વધારે ગુસ્સે થઈને બોલ્યો.

“બધું જ કરીશ તારા માટે, બધું જ એટલે બધું જ.” મારાથી ડબલ ગુસ્સામાં તે બોલ્યા. તેમના પડઘા આખા મહેલમાં ગુંજી રહ્યા. ‘બધું જ એટલે બધું... બધું જ એટલે બધું...’ના પડઘા મહેલની દીવાલો તોડીને જાણે દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા હતા. દરબારીઓ દોડી આવ્યા કે શું થયું. મારા પિતા મોટેમોટેથી શ્વાસ લઈ રહ્યા હતા. તેમની આંખો લાલ થઈ ગઈ હતી. બધાને થયું કે આજે નક્કી કંઈક અઘટિત ઘટવાનું છે.

“શું બધું કરશો બોલો?” હું પણ આ વાતનો આજે ફેંસલો લાવી દેવા માગતો હતો.

“તું જે માંગ તે હાજર કરીશ.”

“મને ગામે ગામ પરણાવો, બોલો છે તાકાત ? કરી શકશો ?” ખબર નથી એ વખતે મારી શું મતિ મારી ગઈ ’તી કે મારા મોઢામાંથી આવા શબ્દો સરી પડ્યા. મારી વાત સાંભળીને મારા પિતા હસી પડ્યા. મને પણ થોડી શરમ આવી ગઈ. હું તો આખી વાતથી છૂટવા માગતો હતો, પણ આ તો ઊલટાનો વધારે બંધાયો હોય તેવું લાગ્યું.

“ગાડી તૈયાર કરો, ગામેગામ ફરો અને જેટલી પણ સારી છોકરીઓ છે તેને કલ્પેન સાથે પરણાવી દો.” મારા પિતાએ ફરમાન કર્યું કે તરત જ બધા કામે લાગી ગયા. હું કશું ન બોલ્યો. મારાથી કશું બોલાય તેમ પણ નહોતું. કેમકે જે બોલાઈ ગયું હતું તે તો પાછું ફરી શકે તેમ નહોતું. મને થયું કે હવે જે થાય તે થવા દો. જોઈએ મારા પિતા શું કરી શકે છે. ક્યાંક તો આનો અંત આવશે ને ?

મારા પિતાને તો મારી વાતથી જાણે આનંદ થયો હોય એવું લાગ્યું. મારા આશ્ચર્યની વચ્ચે તેમણે તો ગામે ગામ મારા લગ્ન ગોઠવ્યા. આ ગામ, તે ગામ, આ શહેર, તે શહેર ન જાણે કેટકેટલાં ગામો અને શહેરોમાં મારાં લગ્ન થયાં. મને પોતાને પણ ખ્યાલ ન રહ્યો કે કયાં કયાં ગામે, કયાં કયાં શહેરોમાં અને કોની કોની સાથે મારા લગ્ન થયા છે.”

“શું વાત છે.” હવે તરંગ મૂડમાં આવતો જતો હતો.

“હા, આ સાવ સાચી વાત છે. પછી તો મેં મારી બધી જ પત્નીઓને લઈને એક નગર વસાવ્યું. હું અને મારી બધી જ પત્નીઓ આ નગરમાં રહેવા લાગ્યા. એક દિવસની વાત છે. હું મારા મહેલના ઝરુખામાં બેઠો હતો. દૂર દૂરથી ધૂળની ડમીરીઓ ઊડતી આવતી હોય તેવું લાગતું હતું. ધીમે ધીમે એ ડમરીઓ મોટી થતી ગઈ. જોતજોતામાં ડમરીએ વાવાઝોડાનું રૂપ લઈ લીધું. પણ એ વાવાઝોડામાં મેં જે જોયું તે આંખો પહોળી રહી જાય તેવું હતું.

“શું હતું એ વાવાઝોડામાં ?” આયુએ પૂછ્યું.

“એ વાવાઝોડું સ્ત્રૈણ હતું ?”

“એટલે ?”

“એટલે કે નારી-વાવાઝોડું હતું એ !”

“એટલે ?” આયુએ ફરી પૂછ્યું.

“એવું વાવાઝોડું કે જેમાં માત્ર સ્ત્રીઓ જ ઊડી જાય. બીજું બધું એમનું એમ જ રહે.”

“ગજબ કા વાવાઝોડા હૈ ભાઈ !” એઝાઝે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“હા, ખરેખર એવું જ વાવાઝોડું હતું. જેમ જેમ તેમાં વધારે સ્ત્રીઓ ઊડતી તેમ તેમ વાવાઝોડું મોટું થતું જતું હતું. પ્રાણીને ગળીને અગજર મોટો થાય તેમ સ્ત્રીઓને પોતાનામાં સમાવીને વાવાઝોડું મોટું ને મોટું થતું જતું હતું. ધીમે ધીમે મારા આખા નગરમાં વાવાઝોડું ફરી વળ્યું. બીજી કશી જ વસ્તુ નહીં, માત્ર મારી તમામ પત્નીઓ આ વાવાઝોડામાં ઊડી ગઈ. એ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો.

“ઓહ... બાપ રે... પછી તેં શું કર્યું.”

“પછી મેં નક્કી કર્યું કે હું મારી દરેક પત્નીને શોધીશ.”

“હંમ્‌... પછી તું વાવાઝોડાની પાછળ ગયો, તેને પકડ્યું... હેં ને ?” આયુએ કહ્યું.

“ના, હું વાવાઝોડાની પાછળ જાઉં કે તેને પકડું તે પહેલાં તો તે દૂર દૂર ચાલ્યું ગયું. દૂર જઈને તે ધીમે ધીમે ઓસરવા લાગ્યું. વાવાઝોડામાં રહેલી મારી પત્નીઓ વચ્ચે જે જે ગામો આવ્યાં, શહેરો આવ્યાં ત્યાં ત્યાં પડવા લાગી.”

“એમ ?”

“હા, એમાંથી મારી સૌથી પ્રિય અને માનીતી રાણી આ નગરમાં પણ પડી છે.”

બધા આશ્ચર્યથી કલ્પેનની સામે જોઈ રહ્યા.

“અને અત્યારે મારી એ પ્રિય રાણી તારી પત્ની છે તરંગ.” કલ્પેને તરંગની આંખોમાં આંખો પરોવી ગંભરતાથી કહ્યું.

“શું વાત કરે છે !” તરંગનું મોં પહોળું થઈ ગયું.

“હા, તારી પત્ની એ તારી નથી, પણ મારી છે. ”

“શું પત્તર ખાંડે છે યાર, હોતું હશે, એ તો મારી પત્ની છે.’

“ના, તારી કંઈક ભૂલ થાય છે, આ મારી માનીતી રાણી છે.”

“અરે ના રે ના, એ તો મારી જ પત્ની છે.”

તરંગનો આવો આવેશભર્યો જવાબ સાંભળીને કલ્પેન માત્ર ધીમું હસ્યો. બધાને સમજાઈ ગયું કે કલ્પેન શું કહેવા માગતો હતો.

“ગયો કામથી તરંગ, તું ગયો... હારી ગયો...” શૌર્ય લહેકામાં બોલ્યો.

“ના, ના, હું નથી હાર્યો, કલ્પો ખોટી રીતે બ્લેઇમ કરે છે.”

“આમાં બ્લેઇમ શું ? જો તું હા પાડતો હોય તો મારી પત્ની મને પાછી આપી દે અને ના પાડતો હોય તો હાર સ્વીકારી લે.”

“આ ખોટી રીતે ગપ્પું મરાયું છે, આવું ના હોય...” તરંગે ગુસ્સે થઈ મોટા અવાજે કહ્યું.

“કાં પત્ની આપ કાં હારી જા.” કલ્પેને એનાથીયે વધારે મોટા અવાજે ગુસ્સામાં બોલ્યો.

“હહહહ... શું પત્તર ફાડવા બેઠા છો બેય જણા...” ભોંદિયાએ પણ એટલા જ મોટેથી કહ્યું.

બધા અવાક થઈને બંનેની સામે જોઈ રહ્યા હતા. બંનેએ એકબીજાનો કૉલર પકડી લીધો હતો. બંનેની આંખમાં એટલો બધો ગુસ્સો ભરાયેલો હતો કે ભોંદિયા સિવાય બોલવાની કોઈનામાં હિંમત થતી નહોતી. ઝઘડો પતાવવા માટે શરૂ કરેલી રમતમાં ફરી ઝઘડો ઊભો થઈ રહ્યો હતો.