ગપ્પાં (Gappan) (પ્રકરણ-3) Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગપ્પાં (Gappan) (પ્રકરણ-3)

પ્રકરણ : ૩

“એ વખતે હું સાવ નાનો હતો.” કલ્પેને પોતાની વાત શરૂ કરી. “કેટલાં વર્ષનો હતો તે બરોબર યાદ નથી, પણ એ ઘટના બરોબર યાદ છે. મને નાનપણથી જ પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ. સાચું કહું તો આજે પણ પતંગ ચગાવવી મને ખૂબ જ ગમે. નાનો હતો ત્યારે હું નકામી પ્લાસ્ટિકની થેલીઓ અને છાપાંના કાગળની જાતે પતંગ બનાવતો. મમ્મી શાકભાજી લેવા ગઈ હોય ત્યારે પ્લાસ્ટિકની થેલી સાથે લઈ આવતી, ક્યારેક વળી કપડાં ખરીદવા ગયા હોઈએ ત્યારે પણ આવી પ્લાસ્ટિકની મજબૂત થેલીઓ લઈ આવતા. આ થેલીઓનું વજન ઊંચકવાનું કામ પૂરું થાય, ત્યારે મારું કામ શરૂ થતું. ખાસ કરીને ઉતરાયણના સમયમાં.”

તરંગ હજી પણ તેને તુચ્છકારથી જોઈ રહ્યો હતો. શૌર્ય વિચારી રહ્યો હતો કે આ શું કરી રહ્યો છે. શરૂ કરતાં પહેલાં જ હારવા તરફ ગતિ કરી દીધી છે કે શું ?

“સૌથી પહેલાં તો હું પ્લાસ્ટિકની થેલીને પતંગની સાઇઝમાં ચોરસ આકારમાં કાપી નાખતો. પછી ઘરમાં વપરાયેલા નકામાં વાંસને ચીરીને તેમાંથી હું પતંગનો ઢઢો અને કબાણ બનાવતો. મારા આ કામના લીધે જે દુકાનમાંથી પ્લાસ્ટિકની થેલી આવી હોય તે દુકાનની જાણે અજાણે એડવર્ટાઇઝમેન્ટ પણ થઈ જતી.

“કરી લે... બોર કરી લે... થોડી વાર પછી આમ પણ આપણે બધાએ ઘરે જવાનું છે. પહેલા ગપ્પામાં જ તારી પતંગ કપાઈ જવાની છે, તેં કોની સાથે પેચ લડાવ્યા છે, તેની તને ખબર નથી કલ્પા...” તરંગ મનોમન બોલી રહ્યો હતો.

“એક વખતની વાત છે. આ જ રીતે એક પ્લાસ્ટિકની થેલીમાંથી મેં એક સુંદર પતંગ બનાવી. પતંગ બનાવીને હું મારા ઘરના ધાબા પર પતંગ ચગાવવા માટે ચડ્યો. થોડી વારમાં તો સડસડાટ મારી પતંગ આકાશમાં ચગવા લાગી. જોતજોતામાં તો મેં આજુબાજુની બધી પતંગો કાપી નાખી. બધા જોતા જ રહી ગયા કે આ કોની પતંગ છે કે જે આટલા બધા પતંગો કાપી રહી છે. મારી પતંગની બધાને ઈર્ષ્યા થવા લાગી. એવામાં મારી આગળના ધાબાવાળા છોકરાએ વચ્ચે લંગસિયું નાખ્યું. લંગસિયું નાખીને તે પતંગને ખેંચવા લાગ્યો. મારો પતંગ ધીમે ધીમે નીચે આવવા લાગ્યો. મેં તને બૂમ મારી, ‘એ... મૂકી દે.. વચ્ચે લંગસિયા શું કામ નાખે છે ? તારા બાપનો પતંગ પડી જશે... મૂકી દે...’

પણ તે મારું સાંભળતો જ ન હોય એમ મારી પતંગને નીચે પાડવા લાગ્યો. મારું મગજ ગયું મેં પણ મારી પતંગને જોરજોરથી ખેંચી. પછી ઠમકા મારી મારીને તેને ઉપર ચડાવી. સંજોગોનું કરવું કે એ જ વખતે જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. પતંગે તો રંગ રાખ્યો. પવનના જોરમાં એ તો આકાશમાં વધારે ઊંચે ચડવા લાગી. લાગ જોઈને મેં પણ ઢીલ છોડી. પવન થોડો વધારે જોરથી ફૂંકાયો અને હવાનું એક મોટું જોકું આવ્યું તો પેલો લંગસિયું નાખનારો પણ દોરીની વાટે પતંગ સાથે સાથે ઊડવા લાગ્યો.”

“લે હાલ, પતંગની દોરી સાથે આખો છોકરો ટિંગાઈ ગયો, એય ખાલી લંગસિયાથી ?” શૌર્યએ આશ્ચર્યથી કહ્યું.

“હા, અને છોકરો તો ‘બચાવો.... બચાવો...’ની બૂમો પાડવા લાગ્યો. મારી પતંગની દોરીમાં નાખેલા લંગસિયા સાથે તે લટકતો લટકતો હવામાં આમ તેમ ઝોલાં ખાઈ રહ્યો હતો. હું મનોમન કહેતો હતો કે લે લેતો જા તુંય ત્યારે... ઘરની નીચે અને આજુબાજુના ધાબા પર બધે બૂમરાણ મચી ગઈ. બધાનું ધ્યાન મારી પતંગ પર હતું.

‘બચાવો બચાવો... એને કોઈ નીચે ઊતારો.’ બધા મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા હતા. હું શાંતિથી મારી પતંગ ઉડાવવામાં મસ્ત હતો. મારા બાજુના ધાબાવાળાએ કહ્યું કે, ‘અલ્યા તું ઢીલ ન દઈશ પેલો આકાશમાં ક્યાંય જતો રહેશે ને છેક ક્યાંય જઈને પડશે.’ બધા મને કહેવા લાગ્યા કે એનો હેઠો ઉતાર... મેં મારી પતંગને એક જોરદાર ઠુમકો માર્યો અને એને તીરની જેમ સડસડાટ વાળી. પતંગ આકાશમાંથી રાઉન્ડ લઈને પૂરપાટ ગતિમાં ધરતી પર આવી રહી હતી. મેં પેલાને બૂમ મારી કે ‘એ લંગસિયા... સાલા પતંગ નીચે નમે એટલે કૂદકો મારીને ધાબા પર ઊતરી જજે... નહીંતર ફરીથી પતંગ નીચે નહીં લાવું...’

“સાલો આ તો કંઈ ગપ્પું કહેવાય, અંદર કંઈક તો તથ્ય હોવું જોઈએ ને...” તરંગ મનોમન વિચારતો હતો.

“મારા જવાબમાં તે કંઈ બોલ્યો કે નહીં તેની ખબર નથી, પણ તે હા... હા... કરતો હોય એવું લાગ્યું. મેં પતંગનો રાઉન્ડ માર્યો અને નીચે તરફ વાળી. જેવી તે ધાબા પર આવી કે પેલો લંગસિયો ધાબા પર કૂદી પડ્યો અને ઓય માડી... એવી બૂમ પાડી ઊઠ્યો. મને હસવું આવી ગયું. મેં તેને બૂમ પાડી... ‘હવે તારા બાપની પતંગમાં લગંસિયું ના નાખતો લંગસિયા સાલા...’ મેં તે લંગસિયો કહીને ચીડાવ્યો. પણ તે એટલે ગભરાઈ ગયો હતો કે તેનામાં કશું બોલવાનો વહેંત નહોતો.

થોડી વાર પછી મેં મારો પતંગ નીચે ઉતારી લીધો અને હું પણ ધાબા પરથી નીચે આવી ગયો. નીચે આવ્યો કે તરત જ મારા મમ્મી પપ્પાએ મને ઉધડો લીધો.

“ખબર નથી પડતી... આ રીતે પતંગ ચગાવાય... કંઈ ભાનબાન જેવું છે કે નહીં. પેલો છોકરો પતંગમાં લટકીને ક્યાંક પટકાયો હોત તો... તેની જવાબદારી કોણ લેત ?”

“પણ પપ્પા એણે મારી પતંગમાં લંગસિયું નાખ્યું ’તું... હું તો શાંતિથી જ ઊડાડતો ’તો મારી પતંગ...”

“પણ એણે લંગસિયું નાખ્યું તો પતંગ નીચે ના ઉતારી લેવાય ?”

“હું નીચે જ ઉતારતો હતો, પણ પવન વધારે આવ્યો એમાં પતંગ આકાશમાં વધારે ઊંચે ચગવા માડ્યો એની સાથે પેલોય ઊડવા માંડ્યો તો એમાં હું શું કરું ?”

“મારી સામે બોલે છે પાછો...” મારા પપ્પા તાડુક્યા.

“રહેવા દો ને હવે... નાનો છોકરો છે... એનો વાંક ક્યાં હતો... પતંગ પવનના લીધે ઊડવા માંડી હતી.” મમ્મીએ મારો બચાવ કર્યો.

“સારું સારું હવે... ફરીથી આવું ના કરતો.” મારા પપ્પા ગુસ્સામાં બોલ્યા અને બહાર જતા રહ્યા. મારી મમ્મીએ વહાલથી મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા પતંગ ઉડાડવામાં ધ્યાન રાખવાનું કોઈને નુકસાન ન જાય તે પણ જોવાનું. કોઈ માણસના હાથપગમાં દોરી વાગી જાય કે કોઈ પંખી પતંગની દોરીમાં ફસાઈ જાય ત્યારે પતંગ ચગાવવામાં ખાસ કાળજી રાખવાની. એ પણ આપણા જેવા જ જીવ છે. આપણા આનંદના લીધે એમનો જીવ જાય એ સારી વાત ના કહેવાય. એ બિચારાં મૂંગાં અબોલ પંખીઓ છે. ઊડવું એમનો ધર્મ છે. આપણી દોરીથી એમની પાંખો ન કપાય તે આપણી જવાબદારી છે.”

“હંઅં... સાલો ગપ્પું મારે છે કે સલાહ આપે છે ?” તરંગના મનોમન વિચારી રહ્યો.

“મેં ખાલી હુંકારમાં માથું હલાવ્યું અને પછી હું રમવા માટે બહાર જતો રહ્યો.” કલ્પેને પોતાની વાત ચાલુ રાખી.

બીજા દિવસે ફરીથી હું મારા ધાબા પર પતંગ ચગાવવા માટે ઉપર આવ્યો. મેં જોયું તો પેલો છોકરો આજે દેખાતો નહોતો. કદાચ એ વધારે ડરી ગયો હતો. જેવી મેં મારી પતંગ ઉપર ચડાવી કે આજુબાજુમાં બધાએ પોતપોતાની પતંગો નીચે ઉતારી લીધી.

“શું થયું અલ્યા... કેમ બધા પતંગો નીચે ઉતારવા માંડ્યા ?”

“તું કોઈની પતંગ જ નથી ઊડવા દેતો... બધાની કાપી નાખે છે.” એક છોકરાએ દૂરથી જવાબ આપ્યો.

“નહીં કાપું આજે... કોઈની સાથે પેચ નહીં લડાવું બસ...” પણ કોઈએ મારું સાંભળ્યું નહીં, બધાએ પોતપોતાના પતંગો ઉતારી લીધા. પેચ લડાવ્યા વિના પતંગ ઉડાડવાની મજા જ શું આવે? પછી તો હું એકલો ને એકલો પતંગ ઉડાડતો રહ્યો. એકલા એકલા કરવાનું શું ? એટલે મેં તો મારી પતંગને ઢીલ દીધે રાખી. એટલી ઢીલ દીધી... એટલી ઢીલ દીધી... કે પતંગ સાવ ટપકા જેટલી દેખાવા લાગી. પતંગ આકાશમાં સ્થિર થઈ ગઈ. હું દોરી પકડીને શાંતિથી ધાબા પરની ખુરશીમાં બેઠો. મારા બે પગ મેં ધાબાની પાળી પર ટેકવ્યા અને આંખ પરના ચશ્માં એક હાથે કાઢીને રૂમાલથી સાફ કરી ફરીથી પહેર્યા. મારી જગ્યા પરથી હું ઊભો થયો અને ધાબાની પાળીથી થોડો દૂર ધાબાની વચોવચ જવા લાગ્યો.

ધાબાની વચોવચ પહોંચ્યો કે તરત જ પતંગમાં એક જોરદાર આંચકો આવ્યો. આંચકો એટલો મોટો હતો કે હું પડતા પડતા રહી ગયો. આંચકો આવતાની સાથે જ પતંગ જબરદસ્ત રીતે ખેંચાવા લાગી. તે મારા કાબૂમાં નહોતી રહેતી. હું પણ તેની પાછળ પાછળ ઢસડાવા લાગ્યો. પગની પીંડીથી હું મને ઢસડાતો રોકવાના પ્રયાસ કરવા લાગ્યો. દોરડાખેંચની રમતમાં સામસામે પહેલવાનો દોરડું ખેંચતા હોય ત્યારે તેમના હાથ અને પગમાં જે રીતની ખેંચાખેંચ થાય તેવી જ ખેંચાખેંચ મારા હાથપગમાં પણ થવા લાગી. હું પતંગ પાછળ થોડાં ડગલાં ઘસડાયો પણ ખરો. ધાબાની પાળી પાસે જઈને મેં મારો એક પગ ધાબાની પાળી પર બરોબરનો ટેકવી દીધો.

આવું અચાનક કેમ થયું એ મને સમજાતું નહોતું. મેં તેની તપાસ કરવા માટે આકાશમાં જોયું. ઉપર જોતાની સાથે જ હું સાવ સ્થિર થઈ ગયો. મારી આંખો એમ ને એમ પહોળી જ રહી ગઈ. મને થયું કે આ શું થઈ ગયું ? મારી પતંગની દોરીમાં એક મોટું વિમાન ફસાઈ ગયું હતું. વિમાન અંદરના પેસેન્જરો બૂમાબૂમ અને રોકકળ કરી રહ્યા હતા. પાઇલટ વિમાનને કાબૂમાં રાખવાના પ્રયાસો કરી રહ્યો હતો. હું મારી પતંગને સ્થિર કરવા મથતો હતો પણ વિમાનને લીધે તે સ્થિર નહોતી થઈ શકતી. જો ઠુમકો મારું તો વિમાન પડી જવાની બીક હતી.

વિમાનનો પાઇલોટ બાપડો મૂંઝાતો ’તો કે વિમાન ચાલે છે તોય આગળ કેમ નથી વધતું ? તેણે પોતાની ક્ષમતા મુજબ બધું જોઈ લીધું, પણ તેને ન સમજાયું તે ન જ સમજાયું. તેણે કન્ટ્રોલ રૂમમાં પણ જાણ કરી દીધી હતી કે આકાશમાં ક્યાંક વિમાન ફસાઈ ગયું છે, તે નથી આગળ વધતું કે નથી પાછું જતું, તે પતંગ જેમ આકાશમાં ને આકાશમાં ઝોલાં ખાધા કરે છે.

પણ પતંગમાં ફસાયું હતું તો પતંગ જેમ જ ઝોલાં ખાય ને !

મારી આજુબાજુના ધાબા પર પણ લોકો જમા થઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને બધાને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો. વિમાનનો પાઇલોટ અને પેસેન્જર બધા ખૂબ જ મૂંઝાઈ ગયા. તેમને તો જાણે આંખ સામે જ પોતાનું મોત દેખાતું હતું. તેમને થયું કે જો વિમાન ક્રેશ થશે તો ગયા કામથી... તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. આવી પરિસ્થિતિમાં શું કરવું એ મને પણ સમજાતું નહોતું.

મહામહેનતે મેં મારી પતંગને સ્થિર કરી. પતંગ સ્થિર થઈ એટલે મેં તેની દોરી ધાબાના એક ખૂંટ સાથે બાંધી દીધી. પછી મેં જાતે પતંગની દોરી પર પગ મૂકી જોયો કે દોરી બહુ ઝોલાં તો નથી લેતી ને ? તે થોડી થોડી ઝોલાં તો ખાતી હતી, પણ એમ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જેવો મેં પતંગની દોરી પર પગ મૂક્યો કે તરત આજુબાજુના ધાબાવાળા બૂમો પાડીને મને કહેવા લાગ્યા, ‘પતંગની દોરી કાપી નાખ... રહેવા દે... રહેવા દે... એવું ન કરીશ... ગાંડો થઈ ગયો છે કે શું... કોઈ રોકો આ છોકરાને... ” મને રોકવા માટે કોઈ દોડાદોડ કરતું મારા ધાબાની સીડીઓ ચડી રહ્યું હોય તેવું મને લાગ્યું. કોઈ રોકે એ પહેલાં હું આગળ વધી ગયો હતો. બધાના શ્વાસ અધ્ધર હતાં. હૉલિવૂડની ફિલ્મ કરતાં પણ એ સ્ટન્ટ ખતરનાક અને જીવલેણ હતો. હું પતંગની દોરી પર ચાલી રહ્યો હતો. મેં મારું બેલેન્સ ખૂબ સારી રીતે જાળવ્યું હતું. એમાં સહેજ પણ ચૂક થાય તો જીવ જવાનો ભય હતો. મારું ધ્યાન અર્જુનને દેખાતી પંખીની આંખ જેમ માત્ર ને માત્ર પતંગની દોરી અને એની હીલચાલ પર હતું.

લગભગ આઠેક કલાક હું દોરી પર ચાલ્યો અને છેક વિમાન પાસે પહોંચ્યો. જેવો વિમાનની નજીક પહોંચ્યો કે તરત જ હું વિમાનના પાંખિયા પર કૂદી ગયો. હું પડ્યો એટલે વિમાન એક તરફ નમી ગયું. હું પાંખિયા પર ઘસડાયો, પણ અંતે મેં પાંખિયાનો છેડો પકડી પાડ્યો અને હવામાં લટકી રહ્યો. મને મારી આંખ સામે મોત દેખાવા લાગ્યું. એક પળ તો એમ થઈ ગયું કે અહીં ન આવ્યો હોત તો સારું હતું. મને જોઈને પેસેન્જરો ફરી બૂમો પાડવા લગ્યા. મહામહેનતે હું પાંખિયા પર ચડ્યો અને વ્યવસ્થિત બેલેન્સ રાખીને ધીમે ધીમે વિમાનની બારી પાસે ગયો અને બધાને કહ્યું કે ચિંતા ના કરશો હું વિમાનને બચાવી લઈશ.

વિમાનમાં ગૂંચવાયેલી દોરી હું ધીમે ધીમે ખોલવા લાગ્યો. વિમાન ખૂબ ગતિમાં હતું, તેની મને પૂરી જાણ હતી. દોરી છૂટતાની સાથે જ તે પિસ્તોલમાંથી ગોળી છૂટે એમ સનનનન કરતું છૂટવાનું હતું. મારા જીવને જોખમ હતું, પણ આ જોખમ લેવા સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહીં. દોરીની છેલ્લી આંટી બાકી હતી. મારા ધબકારા વધતા જતા હતા. મેં પતંગની દોરી મારી કમર પર બાંધી દીધી. વિમાન ફરતે વીંટળાયેલી છેલ્લી આંટી ખૂલતાની સાથે જ મેં કૂદકો મારી દીધો અને મારા ધાર્યા પ્રમાણે જ વિમાન ઘર્રર્રર્રર્ર... કરતું ઊડી ગયું. મેં પહેલેથી જ મારા કાનમાં રૂ ભરાવી રાખ્યું હતું. જેથી તેના અવાજથી મારા કાનના પરદા તૂટી ન જાય. કૂદકો મારવાની સાથે જ મને લાગ્યું કે બસ, હવે મૃત્યુ સામે જ છે. કદાચ પેસેન્જરો અને પાઇલોટ મારો આભાર માની રહ્યા હતા પણ એ જોવાનો મારી પાસે સમય નહોતો અને મારામાં વેંત પણ નહોતો.

સ્પ્રિંગવાળા મહાકાય બેડ પર મોટે મોટેથી કૂદકા મારીએ અને ઉછળાય એમ હું હવામાં આમથી તેમ ફંગોળાઈ રહ્યો હતો. દરિયા પર દોરડાથી બાંધીને માણસને ઊંચા ઊંચા કૂદકા મરાવડાવે છે ને એવી જ મારી હાલત હતી. જેમતેમ કરીને મેં મારી જાતને સંભાળી અને દોરી સ્થિર થવાની રાહ જોઈ. દોરીના ઝોલાં ઓછાં થતાં જતાં હતાં. જેવી દોરી સ્થિર થઈ કે તરત મેં મારા ખિસ્સામાંથી એક લોખંડનો આંકડો કાઢ્યો. હું ધાબા પરથી મારી સાથે જ લેતો આવ્યો હતો. મેં લોખંડના એ મોટા આંકડાને દોરી સાથે ભરાવી દીધો. જેવો એ આંકડો મેં દોરી સાથે ભરાવ્યો કે તરત જ સરરરરરર કરતો સીધો હું મારા ધાબા પર આવીને પડ્યો.

આ બધી ગતિવિધિ દરમિયાન મારી આજુબાજુના ધાબાવાળા મોં ફાડીને મારી સામે જોઈ રહ્યા હતા. તેમને વિશ્વાસમાં ના આવે એવી ઘટના બની ગઈ હતી. બધા જ જાણે કોઈ મોટા આઘાતમાં હોય કે પછી કોઈ સપનામાં હોય તેમ આંખો ચોળી ચોળીને મારી સામે જોઈ રહ્યા હતા. સાચું કહું તો હું પણ ગભરાઈ ગયો હતો, પણ હિંમત કરીને મેં બાજુવાળા છોકરાને બૂમ પાડીને કહ્યું, ‘કાં અલ્યા પતંગ નથી ચગાવવી ?’ પણ તે કશું જ બોલ્યા વિના મારી સામે જ જોઈ રહ્યો હતો. કદાચ એ તો મારી કરતા પણ વધારે હેબતાઈ ગયો હતો.

અચાનક એક માણસે તાળી પાડી. પછી તો ચારેબાજુથી તાળીઓનો વરસાદ થવા લાગ્યો. મારા આ પરાક્રમ બદલ બધાએ મને તાળીઓથી સન્માન્યો અને વાહ વાહ પોકારવા લાગ્યા.”

“સાલો ટીપીકલી ફેંકું છે. વાતમાં કંઈક તો ઢંગધડા અને વિશ્વાસ આવવા જેવું હોવું જોઈએ ને ? પણ આપણે આ હાએ હા રાખવામાં શું જાય છે. ભલેને ફેંકતો હોય, ક્યાં સુધી ફેંકશે ?” તરંગ મનોમન બબડી રહ્યો.

“પણ તે પછી મેં નક્કી કરી નાખ્યું કે હવે પછી ક્યારેય પતંગ નહીં ઉડાડું. ખાલી ખોટું કોઈ વિમાન મારી દોરીમાં ફસાઈ જાય અને કોઈ માણસોને નુકસાન જાય... આજે પણ મને પતંગનો બહુ શોખ છે, પણ છતાંયે આ બીકને લીધે હું પતંગ ઉડાડતો નથી.”

“લાયો હો બાકી... લાયો...’ કહીને શૌર્યએ કલ્પાની પીઠ થાબડી.

“હું પતંગ ચગાવું તો આજે પણ દોરીમાં વિમાન ફસાઈ જાય, બોલ શું કહેવું તારું તરંગિયા ?”

“હંઅ ? હા, હા, સાચી વાત છે...” તરંગ બોલ્યો, “રહેવા દે ભાઈ તું પતંગ ન ચગાવ એમાં જ મજા છે.” તેની એવી ચીવટાઈથી અને ખંધી રીતે આ વાક્ય કહ્યું કે બધાં તેનું વાક્ય સાંભળીને હસવા લાગ્યા.

“હહહહ... જો તું એની વાતમાં હા રાખતો હોય તો પછી હવે તારી પતંગ ચગાવ તરંગિયા...”

“એટલે ?”

“હહહહ... એટલે તારા તરંગોની પતંગ ચગાવ એમ કહું છું.” ભોંદુએ સ્પષ્ટતા કરી.

“તરંગિયા, હવે તું પણ દેખાડી દે ગપ્પું કોને કહેવાય ! મને ખબર છે જીત આપણી જ થવાની છે.” આયુએ તરંગને ટેકો આપ્યો.

“હહહહ... હવે તારો વારો છે તરંગ.”

“હંમ્‌.. મને ખ્યાલ છે.” તરંગ પોતાની આદત મુજબ અડધા તૂટેલા દાંત પર જીભ ફેરવતો ફેરવતો વિચારવા લાગ્યો.

“તો હવે ચાલુ કર, જોઈએ તારામાં કેટલો દમ છે.” કલ્પેનને પણ ઇંતેજારી હતી કે તરંગ શું કહે છે.