પ્રકરણ : ૭
“હમ્... મજા આવી તારી વાત સાંભળવાની તરંગ...”
“હવે તારી વાત સાંભળવાની પણ આટલી જ મજા આવશે એવી આશા રાખીએ...” તરંગે કોઈને ન સમજાય તેવો છુપો કટાક્ષ કર્યો.
“કોશિશ તો પૂરી કરીશ.” કલ્પાએ પણ એવો જ જવાબ આપ્યો. “તરંગ, તેં તો નાળિયેરીમાં પાણી ભરીને આખી દુનિયાને સ્વાદિષ્ટ પાણી પીતું કરી નાખ્યું. વાહ !!”
તરંગ ઝીણી આંખ કરી આછું મલક્યો.
“તેં નાળિયેરમાં પાણી ભર્યું તેવું મીઠું પાણી બીજાં કોઈ ફળમાં હોય તેવું મારા ધ્યાનમાં નથી. વાહ !!” કલ્પેને ફરી તેને દાદ આપી.
કલ્પેન આવું કેમ કરી રહ્યો છે, તે તરંગને સમજાતું નહોતું. પણ પોતાને હવે શું કરવું છે તે કલ્પેન સારી રીતે સમજી ગયો હતો.
“સાંભળો, તરંગનો પચ્ચીસમો જન્મ પત્યો એ પછીની આ વાત છે. એ પછી મારો પણ પુનર્જન્મ થયો.”
ભોંદુએ માથું ખંજવાળ્યું. તે વિચારવા લાગ્યો કે આ બંન્ને ફેંકુબાજ પુનર્જન્મ ઉપર ચડી જશે કે શું ? જે થાય તે, આપણે શું... સાંભળવાની મજા લોને... જોઈએ કોનામાં કેટલો દમ છે...
“તારા પચ્ચીસમા જન્મવાળા ગામની જ સાવ બાજુમાં મારો જન્મ થયો.”
“ક્યાં ? મુખીની દીકરી પરણાવી હતી એ ગામમાં ?” મજાક કરતો હોય એમ તરંગ હસ્યો.
“બરોબર પકડ્યો હોં તેં !!” કલ્પેને તરંગની વાત ઝીલી લીધી અને પોતાની વાતમાં જોડી દીધી. “ત્યાં જ મારો જન્મ થયો હતો. પણ મહત્ત્વની વાત તને નહીં ખબર હોય તરંગિયા... તું તો નારિયેળીમાં પાણી ભરવામાં લાગેલો હતો ને.”
“કઈ વાત ?” તરંગે વિચારતા વિચારતા પ્રશ્ન કર્યો. “એ જ કે તું જે મુખીની દીકરીની વાત કરતો હતો એ જ મુખીની દીકરીની દીકરીની દીકરીની કૂખે મેં જન્મ લીધો.” કલ્પેને પણ વિચારતા વિચારતા જ જવાબ આપ્યો. “બધાને એમ હતું કે હું નહીં બચું, પણ મારી મા મરતાં પહેલાં એકાદ સ્વાદિષ્ટ નાળિયેર પી ગઈ હશે, તો એ તો ન બચી, પણ હું બચી ગયો !” તરંગની સામે કટાક્ષ કરતો હોય તેમ બોલ્યો. કલ્પો મનમાં ને મનમાં મલકી રહ્યો હતો.
“હું આખી જિંદગી મા વિના જીવ્યો. પણ ખાસ આભાર તારો તરંગિયા... કે તેં નાળિયેરમાં પાણી ભરીને મારો જીવ બચાવી લીધો !” તરંગને સમજાતું નહોતું કે આ શું વાત કરવા માગે છે. “પણ પછી આગળ જે થયું તે જોવા માટે તું જીવતો નહોતો રહ્યો.”
“નાળિયેરીના ફળમાં પાણી ભર્યા પછી તરંગે કહ્યું તેમ નવી જે નાળિયેરી ઊગતી તે પણ આવા સ્વાદિષ્ટ પાણી સાથે જ ઊગતી. એટલે થયું એવું કે તળાવનું પાણી તો કદાચ કાળક્રમે ક્યારેક ખૂટી પણ જાત, પણ આ પાણી કઈ રીતે ખૂટી શકે ? આખી દુનિયામાંથી નાળિયેરો જ ઊગતાં બંધ થઈ જાય તો પાણી બંધ થઈ શકે. પણ એવું થવાની પણ કોઈ શક્યતા જણાતી નહોતી. અમે મેળામાં જતાં, દરિયાકિનારે ટહેલવા જતાં અને હરખ હરખથી નાળિયેરપાણી પીતાં. નાળિયેરપાણીને લીધે હું બચી ગયેલો તેથી ડૉક્ટરો પણ હવે તો તમામ પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને નાળિયેરપાણી પીવાની સલાહ આપતાં હતાં. બીમાર લોકો માટે પણ તે ખૂબ ઉપયોગી હતું. અમે નાના હતા ત્યારે જંગલમાં જતાં અને નાળિયેરી પરથી નાળિયેર પાડીને મોજથી નાળિયેરપાણી પીતાં.”
ભોદુંને થયું કે આણે તો નારિયેળપાણી - નારિયેળપાણી કરીને બહુ ચલાવ્યું.
“હહહહ... આ તો તું તરંગિયાની જ વાત કર્યા કરે છે. તારે શું કહેવું છે એ કહેને...”
“મારે જે વાત કરવી છે તે વાતનો આ વાત સાથે સીધો સંબંધ છે એટલે જ હું આ વાત કરી રહ્યો છું.”
“હહહહ... પણ એ સંબંધ રજૂ કરવા માટે આટલી લાંબી નાળિયેરકથા કરવાની શું જરૂર છે ?...”
“જરૂર છે... નાળિયેરનું મહત્ત્વ સમજાવવું જરૂરી છે મારી વાત માટે...”
ભોંદુ આ નાળિયેરી-નાળિયેરીથી કંટાળી ગયો હતો, “હહહહ... હવે અમે નાળિયેરીનું પૂરેપૂરું મહત્ત્વ સમજી ગયા છીએ. હવે તારે શું કહેવું છે એ કહેને...”
“હંમ્... હવે સમજ્યા બધા... તો નાળિયેરીનું આટલું બધું મહત્ત્વ વધવાને લીધે નાળિયેર ખૂબ અભિમાની થઈ ગયું. બીજાં બધાં ફળોને તે તુચ્છ ગણવા લાગ્યું. કેરી, દ્રાક્ષ, સફરજન, જામફળ, મોસંબી આ બધાં તરફ નાળિયેર તુચ્છ ભાવથી જોતું હતું. તમામ ફળો જાણે કે દયામણાં થઈ ગયાં હતાં. વધારે શક્તિ મેળવીને જેમ રાવણ અનિતિ તરફ વળી ગયો તેમ નાળિયેરનું પણ થયું. તેના અહંકાર અને દમન સામે બીજાં ફળો રાંક થઈ ગયાં.
એક દિવસની વાત છે. હું જંગલમાં કોઈ કામથી ગયો હતો. ત્યાં એક નાળિયેરી અને આંબો બેઉં પાસપાસે ઊભાં હતાં. હું આબાંના ઝાડ નીચે થાક ખાવા બેઠો. મેં જોયું તો આંબા પર કેરીઓ રડી રહી હતી. આખો આંબો જાણે પીડાથી કણસતો હતો. આંબાના ઝાડની આવી હાલત જોઈને મને લાગી આવ્યું. મેં આંબાને પૂછ્યું, “ભાઈ આંબા ! તું આવો ઘટાદાર છે, સુંદર છાંયડો આપે છે, દેખાવમાં પણ રૂપાળો લાગે છે તો કેમ રડે છે ? તારે એવું તો શું દુઃખ આવી પડ્યું ?
મારી વાત સાંભળી આંબો વધારે જોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું, “શું કહેવું ભાઈ... તમે મારી વાત નહીં સમજી શકો.”
“તમે જરા સમજાવો તો જરૂર સમજીશ.”
“તમે સમજીનેય શું કરશો ?” આંબાએ નિસાસો નાખ્યો.
“હું તમારી મદદ કરીશ.” મેં તેને સધિયારો આપ્યો.
“તમારી આવી વાત માટે આભાર ભાઈ, પણ અનેક લોકો આવ્યા અને ગયા, ઘણા બધાને વાત કહી જોઈ. પણ અત્યાર સુધીમાં એક જ વાત સમજાઈ છે કે દુનિયામાં કોઈ કોઈની માટે કશું જ કરી આપતું નથી.”
“કહો તો ખરા, હું જરૂર તમારી મદદ કરીશ. હું બધા જેવો નથી.”
“વાત સાંભળનારા બધા જ એવું કહેતા હતા કે હું બધા જેવો નથી. પણ અંતે તો બધા જ માણસ એક સરખા હોય છે.” તેણે ફરી નિસાસો નાખ્યો.
“પણ તમે કહી તો જુઓ. એક વ્યક્તિ વધારે, બીજું શું ? કહેવામાં તમારું તો કશું જવાનું નથી. હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ.”
“કશું જવાનું નથી, પણ કશું રહેવાનું તો છે ને ?”
“મતલબ? શું રહેવાનું છે ?”
“હું તમને કહીશ તો મારું કદાચ કશું જ નહીં જાય, પણ તમને કહ્યા પછી તમે મદદ ન કરો એટલે તેનો વસવસો તો રહી જાય ને ?... એક તૂટેલી આશા તો વધેને... !! આશાઓનો તૂટીને ઢગલો થઈ ગયો છે મારામાં... હવે હું તેનો ભંગાર ભેગો કરવા નથી માગતો.” આંબો જાણે તમામ હિંમત હારી ગયો હતો.
“મને ખબર નથી કે તમારે શું પ્રશ્ન છે. પણ તમને ખાતરી આપું છું કે હું જરૂર મદદ કરીશ.”
આંબો ફીક્કું હસ્યો અને બોલ્યો, “તમારે કેરી ખાવી હોય તો હું તમને આપું.” જાણે તે એમ ન કહી રહ્યો હોય કે કેરી ખાવ ને તમારો રસ્તો પકડો. મારી કેરીઓ ખાવી છે એટલે તમે મને આવાં આશ્વાસનો આપો છો. હું તેની વાત પામી ગયો હતો. મેં કહ્યું, “જુઓ ભાઈ આંબા ! મારે તમારી કેરીઓ ખાવી હોય તો તમારી સાથે આ રીતે વાત ન કરીને પણ કેરીઓ ખાઈ જ શકું છું. ઘણાં બધાં આ રીતે કેરીઓ ખાતાં પણ હશે. જો તમે મને તમારી વાત કહેશો તો શક્ય છે કે હું કંઈક મદદ કરી શકું.”
આંબાને લાગ્યું કે હું તેને નહીં છોડું. પછી તેણે પરાણે વાત કહેવાનું શરૂ કર્યું.
“હું અહીં ઊગ્યો ત્યારનો સહન કરી રહ્યો છું. મારી બાજુમાં જે નાળિયેરી ઊગી છે તે જુઓ છો ?’ તેણે ડાળી દ્વારા સંકેત કરી આપ્યો. “તે મને વાતે વાતે ટોણા માર્યા કરે છે. મારા વડવાઓ કહેતા હતા કે નાળિયેરી પહેલાં આવી પાણીદાર નહોતી. તેમાં માત્ર કોચલાઓ જ હતાં અને અંદર માત્ર ટોપરું જ થતું હતું. પણ કોઈ દુષ્ટ માણસે તેમાં પાણી ભરીને તેને અભિમાની બનાવી દીધી.” દુષ્ટ શબ્દ પર કલ્પેને ખાસ ભાર મૂક્યો.
તરંગ ચોંક્યો.
“તે પોતાના સ્વાદિષ્ટ ફળના લીધે બીજા બધાનું ખૂબ અપમાન કર્યા કરે છે, બધાની મજાક ઉડાવે છે અને બધાં ફળોમાં તે સૌથી ઉત્તમ છે તેવું કહી-કહીને બીજાને હીન ગણાવે છે. તે જાતિવાદ અને ઊંચનીચના ભેદભાવો ફેલાવે છે. તે ફળોમાં પણ માણસોની જેમ નાતજાતના અંતર ઊભા કરે છે. આ બધું જ પેલા દુષ્ટ માણસના લીધે થયું છે, જેણે એના ફળમાં પાણી ભર્યું.” કહીને આંબાએ નિસાસો નાખ્યો.
“કોણ દુષ્ટ માણસ ?” મેં આંબાને પૂછ્યું.
“ખબર નથી, હતો કોઈ લંપટ !’ ફરી કલ્પેને લંપટ શબ્દ પર ભાર મૂકી તરંગ સામે જોયું અને વાત ચાલુ રાખી. “પાણી ભરનારો પોતે પણ નરાધમ હતો સાલો.” કલ્પો તરંગને દુષ્ટ, લંપટ કે નરાધમ કહેવાની એક્કે તક છોડતો નહોતો.
“મારા વડવાઓ કહેતાં હતાં કે તેનો જ હાથ છે આ નાળિયેરીને આવી નરાધમ બનાવવામાં. જંગલમાં ઠેકઠેકાણે ઊગીને તેણે પોતાનું ચોમેર વર્ચસ્વ સ્થાપી દીધું છે. મજબૂત નાળિયેરો બીજાં ઝાડ પર ફેંકીને તે બીજાં ઝાડની ડાળીઓ પણ ભાંગે છે. મારી અનેક ડાળીઓ પર તેનાં વજનદાર ફળ પડ્યાં છે. એના લીધે મારી ડાળીઓ ઠેકઠેકાણેથી બટકી ગઈ છે. હું કેટલાય દિવસોથી કણસું છું અને ચોમાસાની વાટ જોઉં છું કે ક્યારે ચોમાસું આવે અને મને વરસાદી પાણી મળે. વરસાદી પાણીથી હું વધારે સારી રીતે ખીલી શકું છું. પણ મારા પર નવી ડાળીઓ આવે કે તરત જ આ નાળિયેરી તેની પર પણ પોતાનાં મોટાં અને વજનદાર ફળો પાડીને તોડી નાખશે અને મારા પર હસ્યા કરશે. ફક્ત હું જ નહીં, મારી જેવાં અનેક ઝાડ આ અપમાન અને હડધૂતતા સહન કરી રહ્યાં છીએ. ખબર નથી અમારી આ પીડા કોણ ઉકેલશે ?”
“હું તમને મદદ કરવાની પૂરી કોશિશ કરીશ.” મેં તેને આશ્વાસન આપ્યું.
“આમાં તમે પણ શું કરી શકો ભાઈ... બીજા કોઈના પાપે અમારે ભોગવવાનું થાય છે.” આંબાનું ઝાડ જાણે તમામ આશા ગુમાવી ચૂક્યું હતું.
“હું તમારા માટે જરૂર કંઈક કરીશ.” કહીને મેં ત્યાંથી વિદાય લીધી.
મારાથી આંબાની પીડા જોવાતી નહોતી. તેની અનેક તૂટેલી ડાળીઓમાંથી જાડ્ડું અને ઘટ્ટ પ્રવાહી વહી રહ્યું હતું. જાણે કોઈ માણસના શરીરમાંથી પરુ નીકળતું હોય અને તે પીડાથી તરફડી રહ્યો હોય તેવી તેની હાલત લાગતી હતી. આવાં તો બીજાં અનેક વૃક્ષો હતાં, જે જંગલમાં નાળિયેરીની બેરહેમીનો ભોગ બન્યાં હતાં. મને થયું કે જંગલની તમામ નાળિયેરીઓનાં ઝાડ હું કપાવી નાખું જેથી જડમૂળથી તેનો કાયમી ઉકેલ આવી જાય. પણ આમ કરવામાં બીજાં અનેક નુકસાનો હતાં. માનવી હંમેશાં માટે નાળિયેરીનું સ્વાદિષ્ટ અને ગુણકારી પાણી ગુમાવી દે તેવી શક્યતા હતી. પણ નાળિયેરીનું અભિમાન ઉતારવું પણ એટલું જ જરૂરી હતું. આજે તે બીજાં વૃક્ષો પર અત્યાચાર કરે છે, આવતી કાલે તે વધારે હિંમતવાન થઈને માનવીઓ અને પશુપંખીઓ પર પણ અત્યાચાર ન કરે તેની શું ખાતરી? હવે મારે તેનો ઉકેલ શોધવો જ હતો અને ભૂતકાળમાં જે દુષ્ટ માણસ ભૂલ કરી ગયો છે, તેને પણ સુધારવી જ હતી.”
વારંવાર પરોક્ષ રીતે પોતાને દુષ્ટ કહેવાને લીધે તરંગનો ગુસ્સો વધતો જતો હતો, પણ તે કશું બોલી શકે તેમ નહોતો.
“સમય જતો ગયો...” કલ્પેન પોતાની મસ્તીમાં વાત કર્યે જતો હતો. “પણ મને કોઈ ઉકેલ મળતો નહોતો. મને થયું કે લાવ ફરી પેલા આંબાની ખબર કાઢી આવું. હું ફરી જંગલમાં ગયો અને આંબાને મળ્યો. આંબો હજી પણ પીડાથી કણસતો હતો. તેણે મારી સામે દયામણી નજરે જોયું. હું તેની માટે કશું નથી કરી શક્યો તે વાત તે સારી રીતે પામી ગયો હતો. તેને એવું પણ લાગવા લાગ્યું હતું કે હવે હું તેની માટે કશું જ નહીં કરી શકું. આંબાને મળ્યા પછી મને વધારે ગિલ્ટી ફીલ થવા લાગી. હું પોતે પણ મદદ કરવા નિરાધાર હોઉં એવું મને લાગ્યું. એક પળ તો એવું થયું કે આંબાની આસપાસ જેટલી નાળિયેરીઓ છે તેને કાપી નાખું. પણ એમ કરવાથી તેનો કાયમી ઉકેલ આવવાનો નહોતો, એ પણ એટલી જ સાચી વાત હતી.
પછી મને થયું કે આની માટે હું તપ કરીને ભગવાનને પ્રસન્ન કરું અને તેની પાસેથી વરદાન માગું. પણ વળી એમ થયું કે એવું કરવામાં તો કેટલાં વર્ષો વીતી જાય. ભગવાન પ્રસન્ન થાય કે ન થાય, પણ ત્યાં સુધીમાં તો પેલો આંબો પણ સુકાઈ જાય. હું દિવસ રાત બસ આ જ વિચારોમાં રહેતો હતો કે આગળ શું કરવું ?
મહિનાઓ સુધી મેં વૈજ્ઞાનિક જેમ અનેક પ્રયોગો કર્યા. પણ કોઈ ચોક્કસ ઉકેલ આવતો નહોતો. સમય વહેતો રહેતો હતો. મારાથી કશું થઈ શકતું નહોતું. આમ કરતાં કરતાં ચોમાસું આવી ગયું.
એક દિવસની વાત છે. ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. મેં આકાશ સામે જોયું. જાણે હું ઈશ્વરને ફરિયાદ કરી રહ્યો હતો કે મારી વાત કેમ નથી સાંભળતો ? પણ ત્યાં જ જાણે ઈશ્વરે મારી વાત સાંભળી લીધી હોય તેમ મારા મનમાં એક આઇડિયા આવ્યો. મારા આઇડિયાને સાકાર કરવામાં ઈશ્વર પણ જાણે કે મદદ કરતો હોય તેમ વરસાદ વધવા લાગ્યો. ઝરમર વરસાદમાંથી ધોધમાર થઈ ગયો. એટલો બધો વરસાદ પડ્યો કે પાણીના છાંટા નહીં, પણ જાણે પાણીનાં દોરડાં લટકી રહ્યાં હોય આભમાં ! મને થયું કે મારું કામ કરવા માટે હવે આ જ ઉત્તમ સમય છે. લાગ જોઈને હું ઘરની બહાર નીકળ્યો. એક મેદાનમાં ગયો. ધરતી પર જાણે પાણીનાં અનેક દોરડાંઓ લટકી રહ્યાં હતાં. મેં તેમાંથી મજબૂત એવું એક દોરડું પકડ્યું અને ધીરે ધીરે ઉપર ચડવા લાગ્યો. સતત દોઢેક દિવસ સુધી દોરડું પકડીને હું ઉપર ચડતો રહ્યો.
અચાનક મારું માથું ઉપર અથડાયું. જોયું તો વાદળ હતું. વાદળનો એક ખૂણો પકડીને હું તેની પર ચડી ગયો. આજુબાજુ નજર કરી તો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાદળોના ઢગલા ખડકાયેલા હતા. હું ચિંતામાં પડી ગયો કે આટલા મોટા આકાશમાં મારે જવું ક્યાં ? અને જો મને રસ્તો જ ન મળે તો નીચે કઈ રીતે ઉતરવું ? એક વાદળથી બીજું અને બીજાથી ત્રીજું એમ હું ફરવા લાગ્યો. પણ આમ ફરવાથી તો ક્યારેય પહોંચી શકાય લેવું મને લાગ્યું નહીં. વાદળો પવનમાં આમ તેમ ગોથાં ખાતાં હતાં. આના પરથી મને વળી નવો વિચાર સૂઝ્યો. મેં એક મજબૂત અને સારું વાદળ પકડીને તેનો ઉપયોગ હોડી જેમ કર્યો. વાદળની હોડી બનાવી અને વાદળના જ શઢ બનાવ્યા. વળી એ જ વાદળને થોડું કાપી તેનાં હલેસાં પણ બનાવી નાખ્યાં. પવનની દિશા જોઈને હું તેને બરોબર ચલાવવા લાગ્યો. જોતજોતામાં તો હું ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો.
આકાશમાં દૂર દૂર જોયું તો વાદળોની વચ્ચે એક ભવ્ય મહેલ હોય તેવું મને લાગ્યું. મેં મારી વાદળહોડી તે તરફ હંકારી. મહેલના દરવાજા પાસે હોડી ઊભી રાખી. ત્યાં એક દ્વારપાળ હતો. તે સ્મિત કરતો ઊભો હતો. મને જોઈને પણ તે કશું બોલ્યો નહીં. એટલે મેં તેને પૂછ્યું કે ‘આ કોનો મહેલ છે ?’
“તમારે કોને મળવું છે ?” મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેણે સામો પ્રશ્ન કર્યો.
“ઈશ્વર અહીં જ રહે છે ?” મેં બીજો પ્રશ્ન કર્યો.
દ્વાર ખોલતા ખોલતા તે બોલ્યો,
“તમે જે રીતે ધારો તે રીતે એ તમને મળશે. તમે તેમને ઈશ્વર કહો તોય વાંધો નથી. અલ્લાહ કહો તોય ફેર નથી પડતો. તમે તેને ઈશ્વર, અલ્લાહ, ઈશુ કે એવું કશું જ ન કહો તોય ફરક નથી પડતો. તમે તેને માત્ર એક પરમ તત્ત્વ કહો તો પણ સરખું છે. તમે તેને બધું જ ગણશો તો ય સાચા છો અને તમે તેને કશું નહીં કહો તોય ખોટા નથી...”
તેની આવી વાતો મને બહુ સમજાઈ નહીં. દ્વાર ખૂલ્યાં એટલે તેની ફિલોસોફી સાંભળવાને બદલે અંદર પ્રવેશવાનું મને વધારે યોગ્ય લાગ્યું. હું ચાલતો થયો તોય પેલો દ્વારપાળ તેની રીતે બોલ્યે જતો હતો. ધીમે ધીમે તેનો અવાજ ઓછો થયો અને ક્યારે બંધ થઈ ગયો તેની મને જાણ ન રહી. કેમકે આગળ જેમ હું ધારતો જતો હતો તેમ જ બનતું જતું હતું. હું જેવો રસ્તો ધારું તેવો જ આવતો હતો. હું જેવા દ્વાર કે મોભા ધારું તેવા જ દ્વાર ને મોભા સામે દેખાતા. અરે તેની નાનામાં નાની કોતરણી સુધ્ધાં મેં ધારી હોય તે પ્રમાણે જ આવતી હતી. પણ ઈશ્વરનું થાનક હજી સુધી નહોતું આવતું. કેમકે મેં હજી એમને ધાર્યા જ નહોતા. હું તો બહારની ધારણાઓમાં જ અટવાયેલો હતો. જેવું હું થોડું આગળ ચાલ્યો કે ત્યાં એક ભવ્ય મહેલ આવ્યો. તેના એક રૂમમાંથી દિવ્ય પ્રકાશ આવતો હતો. હું તે રૂમ તરફ આગળ વધવા લાગ્યો. મેં ધાર્યું હતું તેવું જ થયું. તેના દરવાજા પાસે કોઈ નહોતું. મજાની વાત એ હતી કે તે દરવાજો બહારથી બંધ હતો, અંદરથી નહીં.
હળવે રહીને મેં દરવાજો ખોલ્યો. અંદરથી ધીમો ધીમો વીણાનો સુર બહાર આવી રહ્યો હતો. મેં જોયું તો હીરાજડીત હીંચકા પર પ્રભુ બેઠા હતા. મારી આંખમાં અહોભાવ આવી ગયા. પણ આ શું? ઈશ્વરના હાથમાં નાળિયેર હતું! નાળિયેરના ઉપરના કાણામાં કોઈ વનસ્પતિની નળી નાખીને બેઠા બેઠા ઈશ્વર નાળિયેરપાણી પી રહ્યાં હતા ! મેં આશ્ચર્યથી કહ્યું, “પ્રભુ તમે પણ ?...”
તેમણે મારી સામે જોઈ સ્મિત કર્યું અને બોલ્યા, “તમે મને આ રીતે ધાર્યો હતો !”
મેં ઊંડાણમાં ગયા વિના સીધી જ વાત કરી, “પ્રભુ, ધરતી પર નાળિયેરીનો ત્રાસ વધી ગયો છે. તે બીજાં બધાં જ વૃક્ષો પર અત્યાચાર કરે છે. તેના મીઠાં પાણીનું તેને અભિમાન આવી ગયું છે. ધરતી પર આવેલા આ સંકટમાંથી સૌને ઉગારો પ્રભુ...” તે કશું બોલ્યા નહીં, મંદ મંદ હસતા રહ્યા.
“પ્રભુ...” હું ફરી કશું બોલું તે પહેલાં જ તેમણે કહ્યું, “નાળિયેરપાણી પીશો ?”
ઈશ્વર પણ જાણે મારી મજાક કરી રહ્યા હતા. તે વખતે મારી હાલત સુદામા જેવી હતી. હવે આગળ કશું કહેવાની મારામાં હિંમત નહોતી. મેં ચુપચાપ તેમણે ધરેલું નાળિયેર લઈ લીધું અને આંખો બંધ કરીને ગટગટાવી ગયો. જેવી આંખો ખૂલી કે મારું હૃદય થડકારો ચૂકી ગયું. જોયું તો આસપાસ કશું જ નહોતું. એક ક્ષણ તો મને સમજાયું જ નહીં કે હું ક્યાં આવી ગયો છું. થોડી વાર પછી મને ભાન થયું કે હું તો મારા જ ઘરમાં છું. મને નિરાંત થઈ.
પણ મને એક વાતનો વસવસો થયો કે છેક પ્રભુ પાસે જઈ આવ્યો, પણ પ્રભુએ કશું આપવાને બદલે ગોળગોળ વાતો કરીને એમને એમ જ પાછો મોકલી આપ્યો. મને થયું કે મારે તાત્કાલીક આ વાતની જાણ આંબાને કરવી જોઈએ. હું એક પળનો પણ વિલંબ કર્યા વિના આંબાને મળવા નીકળ્યો.
જંગલમાં પહોંચીને જોયું તો આંબો જાણે ચારેકોરથી ખીલ્યો હતો. વરસાદનો પ્રભાવ તેની પર સારી રીતે થયો હતો. તેણે પણ વરસાદનું પાણી બરોબર માણ્યું હોય તેવું લાગતું હતું. મને જોઈને તે રાજીને રેડ થઈ ગયો. મને કહે “થેન્ક્યુ !”
મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, “મારો આભાર શું કામ માનો છો ?”
તમારા લીધે નાળિયેરીનું અભિમાન ઊતર્યું.
“મારા લીધે ?”
“હા, તમે ઈશ્વરને મળ્યા પછી ઈશ્વરે નાળિયેરીને સજા કરી.” આંબો બધી વાત જાણી ગયો હતો.
ઈશ્વરે પણ કૃષ્ણએ જે સુદામા સાથે કર્યું હતું તે જ મારી સાથે પણ કર્યું ! ઈશ્વરે ફરમાન કર્યું હતું કે ‘આજથી નાળિયેરીની પાણીની મીઠાશ થોડી ઘટી જશે.’ એટલે એ સમયે જેટલું નાળિયેરપાણી મીઠું મળતું હતું તેટલું આજે રહ્યું નથી. પછી તેમણે એ પણ કહ્યું કે તે ‘આજ પછી કોઈ પણ માણસ સૂક્કા નાળિયેરને ઉપરના છિદ્રમાંથી કાણું પાડીને પાણી નહીં કાઢે, પણ તેને મારા ચરણમાં પછાડી પછાડીને ફોડશે.’ બસ તે દિવસથી બધા જ લોકો ભગવાનને શ્રીફળ વધેરતા થયા. પછી ઈશ્વરે એ પણ કહ્યું કે ‘નાળિયેરીના ફળને હવન કરતી વખતે આગની ધધગતી જ્વાળાઓમાં નાખવામાં આવશે. તેને બળતી હોળીમાં પણ નાખવામાં આવશે.’ એટલે જ આજે આપણે ત્યાં હોળીનું નાળિયેર એવી કહેવત પણ પડી ગઈ છે ! તેં જે નાળિયેરીમાં પાણી ભરીને તેને અભિમાની બનાવી હતી, તેનું અભિમાન મેં ઉતાર્યું.’ માથું ગોળ રાઉન્ડમાં ફેરવીને ‘મેં’ શબ્દ પર ભાર આપીને કલ્પેને તરંગની સામે વાર કર્યો.
તરંગ કશું બોલ્યો નહીં. ચારે તરફ ખુલ્લું મેદાન હતું. ક્રિકેટની વિકેટો સૂની પડી હતી. રમતવીરોએ બેટબોલ બાજુમાં મૂકીને હવે જીભ અને કાનને જ બોટબોલ બનાવ્યા હતા. ક્રિકેટના સાચા ખેલાડીઓ પ્રેક્ષક બની ગયા હતા. આ બધામાં એક જ વ્યક્તિ એવી હતી કે જેણે પોતાની ભૂમિકા એમને એમ જ જાળવી રાખી હતી અને તે હતો ભોંદું !
“હહહહ... તરંગિયા, શું કેવું છે તારું ?” બાટલીના તળિયા જેવા ચશ્માંને જાડીજાડી આંગળીઓથી ઠીક કરતા ભોંદુએ કહ્યું.
તરંગ હજી વિચારમગ્ન હતો.
‘તરંગ કંઈક બોલ તો ખરો...’ આયુએ કહ્યું.
તરંગે આયુની સામે જોઈને સ્માઈલ આપી. “અરે આમ સ્માઇલ જ આપ્યા કરીશ કે કંઈ બોલીશ પણ.”
“હું ફરીથી મારા એક પુનર્જનન્મની વાત કરીશ.”
આવું સાંભળીને પોતાના બે હાથે ભોંદુએ તેનું મસમોટું પેટ ખંજવાળ્યું,
“બે, તારા પેટમાંથી હું જનમ નથી લેવાનો.” તરંગની વાત સાંભળીને બધા હસી પડ્યા.
“હહહહ. તારે જ્યાંથી જનમ લેવો હોય ત્યાંથી લે ને... મારા બાપનું શું જાય છે...”
કલ્પો અને તરંગ બંનેમાંથી કોઈ હાર માનવા તૈયાર નહોતા. વાત આમ ને આમ આગળ વધતી જતી હતી.
“કલ્પાએ તો ખરું કર્યું, મેં નાળિયેરીમાં પાણી ભર્યું ને તેણે નાળિયેરીને સજા અપાવી. તું પણ ગાંજ્યો જાય એવો નથી હોં કલ્પા.”
“હહહહ.... અરે પહેલાં એ તો કહે કે કલ્પાની વાતમાં તું હા પાડે છે કે ના ?”
“લે, એમાં હા જ પાડવાની હોય ને. બીજાને સજા આપવાનું કામ કલ્પાએ જ કર્યું હોય.” કહીને તેણે આયુ સામે આંખ મીંચકારી.
“તું તારી વાત કરને.” કલ્પાએ તેને મૂળ વાત પર આવવા કહ્યું.
“તરંગિયા તું આમ ને આમ આડી અવળી વાતોમાં ટાઇમ ન કાઢ, હમણાં દસ મિનિટ થઈ જશે ને ખબરેય નહીં રહે, પછી ભોંદિયો કોઈનું નહીં ચલાવે.”
“હા, હા, હવે ખબર છે મને.”
“હહહહ્... તો ચાલુ કર તારી વાત...”