Gappa Chapter 16 Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Gappa Chapter 16

પ્રકરણ : ૧૬

“મારા દાદાના દાદાના દાદાના દાદાને એક અઢી વીઘાનું ખેતર હતું.”

ભોદુંએ માથું ખંજવાળ્યું, “અરે યાર હવે પાછા આ દાદા-બાદા ઉપર વાર્તાઓ કરવા બેસશે. આમનો ક્યારે અંત આવશે ? આખું બ્રહ્માંડ અને ભગવાન-બગવાનને ફેંદી નાખ્યા પછી પાછા માણસજાત પર આવી ગયા સાલા...” તે મનોમન બબડી રહ્યો.

“તેમાં સારું એવું અનાજ પાકતું. અમારું ખેતર અમારા ઘરથી કદાચ માંડ એકાદ કિલોમીટર જેટલું દૂર હતું. દાદા અઢી વીઘાના નાનકડા ખેતરમાં ખેતી કરતા અને શાંતિથી જીવન વિતાવતા હતા. જમીન ખૂબ ફળદ્રુપ હતી. આખા ગામમાં ખેતરના બે મોઢે વખાણ થતાં હતાં. અમારી ખેતી સૂક્કી હતી. તે વરસાદને આધીન હતી. તે વખતે નહેર જેવી કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદ ઓછો પડે કે વધુ, ખેતરના પાકમાં ભાગ્યે જ તંગી આવતી.

પણ એક સમય એવો આવ્યો કે વરસાદ જ ન પડ્યો. ચોમાસું પતવા આવ્યું હતું છતાં વરસાદના કોઈ જ વાવડ નહોતા. ધરતી સૂકાવા લાગી હતી. ઢોર-ઢોંખર મરવા પડ્યાં હતાં. ગામના ખેડૂતોમાં ચિંતાનો પાર નહોતો. માણસો પાણી વગર તરસી રહ્યા હતા. આમ ને આમ ચોમાચું ચાલ્યું ગયું, પણ વરસાદ ન પડ્યો તે ન જ પડ્યો. આવી પડેલી મહામારીમાંથી કોઈ પણ કાળે બહાર નીકળવું જરૂરી હતું.

મારા દાદાએ એક ઉપાય વિચાર્યો. તેમણે ઘરની થોડી ઘણી વધેલી સંપત્તિ વેચીને તેમાંથી જે પૈસા આવ્યા, એમાંથી એક નાનકટો ઊંટ ખરીદ્યો. ઊંટ લઈને એ ઊપડ્યા ખેતર. ઘરના બીજા કોઈ માણસોને સમજાતું નહોતું કે દાદા શું કરવા માગે છે.

સૂક્કા ભઠ થઈ ગયેલા ખેતર સામે દાદા જોઈ રહ્યા. તેમણે ખેતરમાંથી એક મુટ્ઠી ધૂળ ઉપાડી અને કપાળે અડાડી. જાણે તે ધરતી માતાને વંદન કરી રહ્યા હતા. બધાને લાગ્યું કે દાદા હંમેશાં માટે ગામ છોડીને જઈ રહ્યા છે, પણ દાદાએ ઊંટ પર રહેલા ત્રિકમ-પાવડો કાઢ્યા અને ખેતરના શેઢે ખોદવાનું શરૂ કર્યું. વળી બધા એવું વિચારવા લાગ્યા કે દાદા પાણી માટે કૂવો ખોદવા બેઠા છે, પરંતુ આ ધારણામાં પણ બધા ખોટા પડ્યા. દાદા માંડ પાંચ-છ ફૂટ ઊંડું ખોદતા અને આગળ વધી જતા. તે ઊંડું નહીં પણ લાંબું ખોદી રહ્યા હતા. શેઢે-શેઢે ખોદતાં-ખોદતાં તે આગળ વધી રહ્યા હતા.

“અરે દાદા, તમે ખેતર ફરતે દીવાલ બાંધવા માગો છો કે શું ? મકાનના પાયા ખોદતા હોય તેમ ખોદવા લાગ્યા છો શેઢાને !” દાદાને જોઈ રહેલા એક માણસે પૂછ્યું.

દાદાએ કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો. માથાનું ફાળિયું ઠીક કર્યું. પેલા માણસ સામે જોઈ ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા. ગામલોકો મારા દાદાને ગાંડા ગણવા લાગ્યા. તેમને થયું કે આ માણસ ખેતર ફરતે દીવાલ બાંધીને શું કરશે ? પણ મારા દાદા તો ખોદતા જ રહ્યા. બે-ચાર દિવસમાં તો તેમણે આખા ખેતરની ફરતે કેડ કેડ સમાણું ઊંડું ખોદી નાખ્યું. કામ પત્યું એટલે પાછા તે ઊંટ પાસે આવ્યા અને થાક ખાવા બેઠા. તેમને શું કરવું હતું તે તેમણે ક્યારનું નક્કી કરી લીધું હતું.

ખૂંટે બાંધેલું ઊંટ છોડ્યું અને તેમણે જ્યાં ખોદ્યું હતું તેની પાસે તે લઈ ગયા. ઊંટ ક્યાંય ચાલ્યું ન જાય એટલા માટે તેમણે ઊંટની દોરી પોતાના પગના અંગૂઠે બાંધી દીધી અને પોતે ખોદેલા ખાડામાં ઊતર્યા. ખાડામાં ઊતરીને તે જોરથી બળ કરવા લાગ્યા. લોકોને હજી પણ સમજાયું નહીં કે દાદા શું કરી રહ્યા છે. તેમણે નીચે હાથ નાખીને ખેતરને એક ખૂણેથી ઊંચું કર્યું. ગામલોકોમાં હાહાકાર મચી ગયો. બધા ચીચીયારીઓ પાડવા લાગ્યા. ધીમે ધીમે દાદાએ જમીનમાંથી આખું ખેતર બહાર કાઢી લીધું અને હળવે રહીને ઊંટની ખૂંધ પર મૂકી દીધું.

“શું વાત કરે છે !” શૌર્યએ આશ્ચર્યથી કહ્યું.

“હા, હા, અને ખૂંધ પર એમણે પહેલેથી ખેતર ડગી ન જાય તેવી પણ વ્યવસ્થા કરી રાખી હતી. આ જોઈને ગામલોકોના મોં તો પહોળા ને પહોળા જ રહી ગયાં !”

ઊંટની ખૂંધ ઉપર ખેતર મૂકીને આભ સામે જોઈને દાદા ઊભા રહ્યા. તેમણે હાથના અમુક સંકેતો કરી જોયા. તેમને જાણી લીધું કે વરસાદ કઈ દિશામાં પડવાનો છે. તરત તેમણે ઊંટને એ તરફ હાંકી મૂક્યું. પછી તો જ્યાં વરસાદ પડતો ત્યાં દાદા ઊંટ ઉપર ખેતર મૂકીને દોડી જતા.”

“જબરું કહેવાય ભાઈ...” કલ્પેને ટોન્ટ માર્યો.

“હા, અને પછી તો આખું ખેતર વરસાદથી ભીનું ભીનું થઈ ગયું. જ્યારે દાદાને એમ લાગ્યું કે હવે ખેતર ખેતી કરવા લાયક થઈ ગયું છે ત્યારે તેમણે તેમાં બાજરો વાવી દીધો. થોડા દિવસો થયા એટલે તેમાં બાજરાની નાની નાની કૂંપળો ફૂટી નીકળી. વળી દાદા તો જ્યાં વરસાદ પડે ત્યાં ઊંટ લઈને પહોંચી જતા. બાજરો તો દિવસે ના વધે એટલો રાતે વધે ને રાતે ના વધે એટલો દિવસે વધે. આહાહાહાહ... પછી તો શું બાજરો થયો છે ખેતરમાં !

“ભાઈ ભાઈ...” કલ્પેનને પણ પાનો ચડ્યો.

તેમની અનુભવી નજરે અંદાજ લગીવી દીધો કે બાજરો કેટલો થશે. બાજરો લણવા માટે તેમણે છાપામાં જાહેરાત આપી કે ‘મજૂરો જોઈએ છે.’ લાખો અરજીઓ આવી મજૂરી કરવા માટે. દાદાને ચિંતા થવા લાગી કે હવે શું કરીશું? ”

“વધારે મજૂરો આવી ગયા હશે ?” શૌર્યએ વચ્ચે ડબકું પૂર્યું.

“ના, ના, હજી પણ થોડા મજૂરો ખૂટશે તેવું દાદાને લાગતું હતું.”

“હેં! બહુ કહેવાય...” કહીને આયુએ માથું ખંજવાળ્યું.

“ખરું - ખરું ભાઈ ખરું !” કલ્પેનને મજા આવવા લાગી.

“અને થયું પણ એવું જ ! અઢી વીઘાના ખેતરમાં લાખો મજૂરોને બાજરો લણવા માટે રોક્યા તોય મજૂરો ઓછા પડ્યા. મજૂરોને રહેવા, ખાવા, પીવા માટે દાદાએ એક આખું મોટું શહેર વસાવવું પડ્યું. લાખો મજૂરોએ રાત દિવસ સતત અઠવાડિયા સુધી કામ કર્યું ત્યારે માંડ બાજરો લણાયો. પછી તો જે બાજરો થયો છે, જે બાજરો થયો છે, જે બાજરો થયો છે... એની માને... શું કહેવું એ બાજરાનું...”

“ખાલી અઢી વીઘાના ખેતરમાં ?”

“હા, હા, ખાલી અઢી વીઘાના ખેતરમાં ! દાદાએ તો બાજરાને ભરવા માટે દુનિયામાં જેટલાં પણ બળદગાંડા હતાં તે બધાં જ ભાડે રાખી લીધાં. આમ તો એમનો વિચાર ખરીદી લેવાનો જ હતો, પણ આટલાં બધાં ગાડાં રાખીને શું કરવું ? અને બધાં ખરીદી લે તો પછી બીજાની રોજીરોટીનું શું ? દેશ-પરદેશમાંથી ખેડૂતો પોતપોતાના બળદગાડાંઓ લઈએ આવી પહોંચ્યા. ચીનના ઠીંગણા બળદો, અમેરિકાના ઊંચા બળદો, આફ્રિકાના રેન્ડિયરો, ભેંસો, ગાયો, બધાને જોડી દીધાં કામ કરવા. તોય બાજરાનું કામ ના ખૂટે એટલો બાજરો થયો, બોલો !”

“બાજરો.... બાજરો....” શૌર્ય બબડ્યો.

“પછી તો લણેલા બાજરાને ડૂંડામાંથી છૂટ્ટા પાડવા માટે હજારો એકર જમીન મારા દાદાએ રાખી.”

“ખાલી અઢી વીઘાના ખેતરમાં આટલો બધો બાજરો ?” કલ્પાએ આશ્ચર્ય સાથે કહ્યું.

“હા... એ જ તો કહું છું મારા ભાઈ, મારા દાદા બહુ મહેનતું હતા. એમનેમ બાજરો આટલો બધો થાય ?”

“બહુ મહેનતું હો.” કલ્પો હસ્યો.

“કેટલો બાજરો થયો એનો તો કોઈ હિસાબ નથી. જોખ્યો જોખાય નહીં એટલો થયો. આર્થિક લેવડ-દેવડ અને હિસાબો કરવા માટે દાદાએ આખી દુનિયાના એકાઉન્ટન્ટોને હાઇક કરી લીધા. મેદાનમાં બાજરો ઠલવ્યો. એ વખતે ટ્રેક્ટરો તો હતાં નહીં. હજારો કીલોમીટર સુધીનું મોટું ખળું બનાવેલું, એમાં બાજરાના ડુંડાં ઠલવાયાં. આખી દુનિયાના બળદો ને ખેડૂતો કામે લાગી ગયા. તમે જોવો એટલે... જ્યાં નજર પહોંચે ત્યાં ખેડૂતો જ ખેડૂતો... જ્યાં નજર પહોંચે ત્યાં બળદો જ બળદો... અને જ્યાં નજર પહોંચે ત્યાં બાજરો જ બાજરો... શું કહેવું મારે તમને... ભાઈ ભાઈ...”

“ભાઈ ભાઈ...” કલ્પેને પણ તરંગના લહેકાની કોપી કરીને હાથ ઊંચો કર્યો. બધાને મજા પડી. તરંગે વાતને વધારે વળ ચડાવ્યો.

“પછી તો ઈની માને... આખી દુનિયાએ ભેગા થઈને અમારા અઢી વીઘાના ખેતરનો બાજરો કાઢ્યો. અને એટલો બાજરો થયો... એટલો બાજરો થયો.... એટલો બાજરો થયો કે વાત જવા દો ! દાદા ય વળી એવા દિલાવર... દુનિયામાં તેમની જેટલા મોટા દાની આજ સુધી પાક્યા નથી. એમણે આખી દુનિયામાં ઘરે ઘરે એક એક ગાડું ભરીને બાજરો મોકલાવ્યો.

“આખી દુનિયામાં ? ઘરે ઘરે ?” કલ્પાએ ઉપરા ઉપરી ડબલ પ્રશ્ન કર્યા.

“હા ભૈ હા, આખી દુનિયામાં અને એય પાછા ઘરે ઘરે... આખી દુનિયા તો રાજીની રેડ થઈ ગઈ. દુનિયામાંથી જ્યાં જ્યાંથી બધાં પોતાનાં બળદગાડાં લઈને આવ્યાં હતાં તેમને તેમની મહેનતનું ડબલ મહેનતાણું ચૂકવવામાં આવ્યું અને ગાડાં ભરી ભરીને બાજરો આપ્યો, એ તો લટકામાં ! આખી દુનિયા મોઢામાં આંગળા નાખી ગઈ આગળા !”

“વાહ ભૈ વાહ... રહી રહીને તેં જોરદાર ચલાવ્યું હોં...” શૌર્યએ કહ્યું.

“અરે હજી તો બાકી છે ભૈ...”

“થવા દ્યો ત્યારે...” કલ્પો રંગમાં આવ્યો.

“બધું સરસ રીતે પાર પડી ગયું. બાજરો ભરપૂર થયો. સરખી રીતે લણાઈ ગયો. ખળામાં પહોંચ્યો અને ડૂંડામાંથી દાણા પણ નોખા પડી ગયા. દુનિયાના તમામ મજૂરો-કામદારોને મહેતાણું અને બાજરો બંને પણ ચૂકવાઈ ગયા. અબજો-ખરબો રૂપિયાની આવક થઈ આ અઢી વીઘાના ખેતરમાંથી. વળી હજારો એકરોમાં પથરાયેલા ઘાસના પૂળા તો નફામાં. તેમણે બધા જ પૂળા તમામ ઢોર-ઢાંખરો માટે ફ્રીમાં વહેંચ્યા. સાવ એટલે સાવ ફ્રી. પાંચયુંય લીધું નહીં. બધું જ કામકાજ વ્યવસ્થિત પતી ગયું.

આટલું મોટું કામ પતાવીને દાદા પાછા ગામમાં આવ્યા અને ગામના પાદરે પગ મૂક્યો. ગામલોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત પતાવીને તે ઘરે આવ્યા. ઘરે આવીને ફળિયામાં ઢોલિયો નાખીને બેઠા. બેઠા બેઠા વિચારતા હતા કે આવતા વર્ષે શું વાવવું ? ત્યાં જ અમારા ગામના સોમાભાઈ આવ્યા. મારા દાદા તેમને મળીને રાજી થઈ ગયા. ઘણા સમયે મળ્યા હતા.

“કેમ છો સોમલા, મજામાં ? આય આય, બેસ બસ... શું લઈશ ?”

“ગોડલી !”

“હેં !” દાદાને આશ્ચર્ય થયું. “ગોડલી શું તું કહેતો હોય તો નવા બે બળદ લાવી આપું.” દાદાને હવે કમી નહોતી રૂપિયાની.

“પણ આ ગોડલી એટલે શું ?” કલ્પેને માથું ખંજવાળતા ખંજવાળતા પ્રશ્ન કર્યો.

“ગોડલી એટલે નાનો બળદ... નાનકડો બળદ હોય એને અમારા સૌરાષ્ટ્ર બાજુ ગોડલી કહે, સમજ્યો ?”

“અચ્છા ?”

“હા. સોમાભાઈએ તો કહ્યું કે મારે તારા નવા બે બળદ નથી જોઈતા, મારે તો મારી ગોડલી જોઈએ છે.”

“એટલે તું કહેવા શું માગે છે કંઈક વિગતવાર કહે તો ખબર પડે.” દાદાએ કહ્યું.

“તમારો બાજરો થયો, એમાં હું ય મારા બળદ લઈને કામે આવ્યો હતો.”

“લે, તું આવ્યો હતો ને મને મળ્યો પણ નહીં ?”

“ક્યાંથી મળાય ? લાખો લોકો કામ કરતા હતા. તને તો ખબરેય નહીં હોય કોણ કોણ કામ કરતું હતું. આખી દુનિયાના મજૂરો હતા, વળી તું વ્યસ્ત પણ એટલો હતો, ત્યાં તને ક્યાં ડિસ્ટર્બ કરવો. એટલે અત્યારે આવ્યો છું.”

“સારું, પણ તું શું કહેવા માગે છે તે કહે.”

“તારા બાજરામાં હું કામે આવ્યો હતો, પણ લાખો માણસો અને બળદગાડાઓમાં ક્યાંક મારી વહાલી ગોડલી ખોવાઈ ગઈ છે ભલા માણસ !”

“અરેરે... તું તારી આટલી ગોડલીમાં રોવા બેઠો છે. તું તારે રૂપિયા બોલને તારી ગોડલીના. હાલ ગણી આપું.”

“ઈનું મૂલ્ય રૂપિયામાં નથી થાય એમ હોં. એ તો મારા દીકરા જેવી હતી દીકરા જેવી ! અને દીકરાના કંઈ ભાવતાલ નો થાય.” સોમાભાઈનો જીવ ગોડલીમાં હતો. રૂપિયા તો એમને મન હાથના મેલ બરોબર. તેમણે ચોખ્ખું કહી દીધું કે મારે રૂપિયા નહીં, પણ મારી ગોડલી જ જોઈએ છે.”

“આખી દુનિયાના બળદ આવ્યા હોય કામે, તેમાં હવે હું તારી ગોડલી ક્યાં ગોતવા જાઉં સોમભૈ ? એક કામ કરને તને આખી જિંદગી ખવાય એટલો બાજરો આપું. આમ પણ તારે ગોડલીથી કરવાની છે તો ખેતી જ ને ? ખેતીમાં તમે અનાજ ઉગાડો એની કરતા જીવતર આખું ખવાય એટલું અનાજ તું મારી પાસેથી લઈ લે ને તું તારે...”

“ભાઈ ભાઈ... ખાલી એક નાનકડી ગોડલીના બદલામાં આખી જિંદગી ચાલે એટલો બાજરો આપ્યો તારા દાદાએ... તારા દાદા તો જબરા હોં.” કલ્પાએ વચ્ચે ટાપસી પૂરી.

“જબરા એટલે વાત જવા દે. પણ સોમાભાઈ તો એમની કરતા ય જબરા નીકળ્યા.”

“એટલે ?”

“તેમણે તો બાજરો લેવાની ચોખ્ખી ના પાડી દીધી. મારા દાદાને મોંઢા ઉપર ચોખ્ખું પરખાવી દીધું કે તારો બાજરો મારા ખાહડે માર્યે. મારે તો મારા દીકરા જેવી ગોડલી જોઈએ, બસ !”

“પછી ?”

“પછી તો મારા દાદાએ તેમને બહુ સમજાવ્યા. પણ માને ઈ સોમાભાઈ શાના ?”

“પછી શું કર્યું તારા દાદાએ ?”

“દાદાએ તો પંચ બેસાડ્યું. બધાને ભેગાં કર્યાં. તેમણે કહ્યું કે સોમાભાઈની ગોડલી ખોવાણી છે તેની રકમ હું ચૂકવું છું, વળી તેમને આખી જિંદગી ચાલે એટલો બાજરો પણ આપવા તૈયાર છું, તોય સોમાભાઈ તેમની ગોડલીની જિદ પકડીને બેઠા છે. તમે કંઈક ન્યાય કરો.”

પંચે તેમની બંનેની વાત ધ્યાનથી સાંભળી અને એક નિર્ણય ઉપર આવ્યા. તેમણે કહ્યું કે સોમાભાઈની વાત સાચી છે. તમારા કામમાં એમની ગોડલી ખોવાઈ છે એટલે એ તમારે લાવી આપવી પડશે.

“પણ હું એને ક્યાં લેવા જાઉં ? આખી દુનિયા હું ક્યાં ફેંદવા બેસું ?”

“તમારે ક્યાં રૂપિયાની તંગી છે, ખુંદી વળો આખી દુનિયા, ક્યાંક ને ક્યાંક તો મળી જ જશે.” પંચે મારા દાદાને ચોખ્ખું સંભળાવી દીધું. એ વખતે તો પંચનો ફેંસલો એટલે પતી ગયું !

દાદાએ પણ મનમાં ગાંઠ વાળી લીધી. કોઈ પણ કાળે હવે ગોડલીને ગોત્યે છૂટકો. તે તો ગામના ગામ ફરવા લાગ્યાં, ઘરે ઘરે જઈને બળદ ચેક કરવા લાગ્યા, પણ પેલી ગોડલી ના મળી. સોમાભાઈની પાસે બેસીને તેમણે ગોડલીના વર્ણન મુજબનાં અનેક ચિત્રો તૈયાર કરાવડાવ્યાં અને તે ચિત્રો ગામે ગામે - ચોરે ને ચૌટે લગાડવામાં આવ્યાં. જેને આ ગોડલી મળે તેને પચાસ લાખનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી. એ વખતે પચાસ લાખ હોં !” કહીને તરંગે પાંચે આંગળીને ટેરવાં ભેગાં કરીને હવામાં ઉછાળ્યાં અને કલ્પા સામે જોયું.

“ઓહોહોહો... સોલીડ હો બાકી.... દાદાની તો વાત ના થાય...”

“અને કલ્પા, મારા દાદા પણ ગાંજ્યા જાય એવા નહોતા, હવે વાત ઇગો પર આવી ગઈ હતી. આખી દુનિયામાં ઠેર ઠેર જાહેરાતો કરવામાં આવી. જાહેરાત જોઈને અમુક માણસો લલચાયા પણ ખરા. સૌ પોતોપતાની ગોડલીઓ લઈને આવવા લાગ્યા. અરે, અમુક તો ભેંસો, ગાયો અને બકરીઓ લઈને પણ આવવા લાગ્યા. એમને એમ કે જો આ જોઈને સોમાભાઈને ગમી જાય તો વાત પતે. પણ સોમાભાઈ પોતાની ગોડલીને પોતાના જીવની જેમ ઓળખે. એ એમ કંઈ ભરમાય ? પછી તો આખી દુનિયામાંથી આવનારા બળદોની કતારો સર્જાવા લાગી. આખરે દાદાએ હજારો એકરોમાં એક મોટી ઑફિસ ઊભી કરી, ગોડલીને શોધવા માટે. ઓફિસ પણ કેટલી મોટી, જાણે કોઈ શહેર જ જોઈ લ્યો ! તેમાં બળદના આવવાની-જવાની, તેના રહેવાની, બાંધવાની બધી વ્યવસ્થાઓ કરવામાં આવી. સોમાભાઈને એક વ્યવસ્થિત અને ઊંચી જગ્યાએ સારા આસન પર બેસાડવામાં આવ્યા હતા. તેમની સામેથી આખી દુનિયાની ગોડલીઓ વારા ફરતી રજૂ કરવામાં આવતી, સોમાભાઈ તેમાં પોતાની ગોડલી શોધતા. આમને આમ દિવસો જવા લાગ્યા. હવે તો આ રોજનું થઈ ગયું હતું. રોજ માણસો આવે, સોમાભાઈને ગોડલીઓ બતાવાય, તે જુએ અને નિરાશ થાય.

દાદા સવારે ઑફિસ જાય, ત્યાંથી સીધા ખેતરે જાય, ખેતરે થોડા ચક્કરો મારે, બધું કામકાજ બરોબર ચાલે છે કે નહીં તે જોઈ લે, દાદી ભાતું લઈને આવે, દાદા ભાતું ખાઈ લે, પછી ત્યાંથી સીધે તે પાછા ઑફિસે જતા રહે અને ત્યાંથી ઘરે. આ તેમનો રોજનો ક્રમ થઈ ગયો હતો. આમ ને આમ બે અઢી મહિના થઈ ગયા, પણ ગોડલી ના મળી તે ના જ મળી. સોમાભાઈનો જીવ પણ એમની ગોડલી વગર કાળજે કપાતો હતો. ઘણા બધા લોકોએ તેમને સમજાવ્યા કે ભાઈ તમારી ગોડલીની માયા મૂકી દો અને આખી જિંદગીનું અનાજ લઈ લો. આવી મૂર્ખામી ન કરશો. પણ જ્યાં હૃદયનો નાતો હોય ત્યાં કિંમત થોડી આંકી શકાય ? સોમાભાઈને તો તેમની ગોડલી સાથે હૃદયનો નાતો હતો. તેમના હૃદયના તાર ગોડલી સાથે જોડાયેલા હતા. તે એમ કંઈ છૂટે એવા નહોતા !

“ખરું હૃદય - ખરો નાતો...”

દાદા હવે કંટાળ્યા હતા, પણ ગોડલી ગોતવા સિવાય કોઈ ઉકેલ નહોતો. તે ઑફિસ બેઠા બેઠા વિચારતા હતા કે હવે સોમાભાઈની ગોડલી ક્યાંથી લાવવી. તેમણે તો એ જ પ્રકારના બળદ અને ગાય લાવીને તેની સંકર જાતિ ઉત્પન કરવાનું પણ વિચારી નાખ્યું. ખેતરે જવાનો ટાઇમ થયો એટલે ઓફિસેથી વળી તે ખેતરે જવા નીકળ્યા. તેમના વિચારો સતત પેલી ગોડલી પાછળ જ હતા. ખેતરે જઈને શેઢા પર બનાવેલી ઝૂંપડી પાસે ખાટલો ઢાળીને તે બેઠા. હુક્કો સળગાવ્યો. હુક્કો ગગડાવતા ગગડાવતા ગોડલી વિશે વિચારવા લાગ્યા. તેમને થયું કે આખી દુનિયાના બળદોમાંથી કોઈનો બળદ ખોવાયો નહીં ને સોમાભાઈની જ ગોડલી કેમ ખોવાઈ ? હવે તો તેમને પણ આંખ સામે સોમાભાઈની ગોડલી જ દેખાયા કરતી.

“જબરી ગોડલી... જબરી...” કલ્પેનેય જોવા માગતો હતો કે તરંગ વાતને ક્યાં લઈ જાય છે.

એવામાં દાદી બપોરનું ભાતું લઈને આવી પહોંચ્યા. ભાતામાં ગરમા ગરમ બટેકાનું શાક, ડુંગળી, આથેલાં મરચાં, અંદર સાંઠીકડું મૂકો તો ઊભું રહે એવી શેડકઢી છાશ અને બાજરાના રોટલા ! અને હા, આ બાજરો એટલે ઘરના ખેતરમાં ઊગેલો બાજરો હોં !”

“ભાઈ ભાઈ... જોરદાર...”

“દાદી ભાતું કાઢતા હતા ત્યાં દાદા બોલ્યા, રહેવા દે, અત્યારે ભૂખ નથી, થોડી વાર પછી હું ખાઈ લઈશ.”

“સારું ત્યારે.” કહીને દાદી ઘરે પાછા ફર્યા. દાદા ખેતર ફરતે આંટો મારવા નીકળ્યા. હજી પણ તેમના મનમાં પેલી ગોડલીની છબી રમતી હતી. ખેતર ફરતે આંટો મારીને પાછા ઝૂંપડી પાસે આવ્યા. ઝૂંપડીની બાજુમાં રહેલા ઝાડ નીચે તે ભાતું ખાવા બેઠા. ભાતામાંથી સ્વાદિષ્ટ ભોજનની સુગંદ આવતી હતી. લાંબો શ્વાસ ભરીને દાદાએ તે સુગંધ લીધી.” કહીને તરંગે પણ ભોજનની સુગંધ લેતો હોય તેમ લાંબો શ્વાસ લીધો.

“આહાહાહાહા... પ્યોર ગામડાનું ભોજન...” કલ્પાએ પણ તેની નકલ કરી.

“‘આહ... ઘરના ભોજન જેવું બીજું એકે ભોજન નથી.’ કહીને દાદાએ ભાતું ખોલવાનું ચાલુ કર્યું. અંદરથી નીકળેલા ડૂંગળીના દડાને ઢીંકો મારીને તેમણે ભાંગ્યા.” તરંગ બોલતા બોલતા એક્ટિંગ કરતો જતો હતો. “પછી એક વાટકામાં છાશ ભરી અને બીજામાં બટેકાનું ગરમા ગરમ શાક કાઢ્યું. ભૂખ પણ બરોબરની લાગી હતી. પછી જ્યારે બાજરીના રોટલા પરની પાતળી પરત દાદાએ ઉખાડી તો એમની આંખો એમ ને એમ જ પહોળી રહી ગઈ. આ શું ?

“શું ?” કલ્પેને તરંગનો પ્રશ્ન દોહરાવ્યો.

“રોટલાના પડની નીચે બેઠી બેઠી સોમાભાઈની ગોડલી વાઘોલતી’તી, બોલો !”

“ના હોય !” કહીને કલ્પો ઊછળી પડ્યો.

“હા, હોય...” તરંગ પણ એની સાથે જ ઊછળી પડ્યો.

બંનેને સાંભળીને એક ક્ષણ માટે ચારેબાજુ મૌન વ્યાપી ગયું.

બીજી જ ક્ષણે “હારી ગયો... કલ્પો હારી ગયો...” કહીને આયુ પણ ઊછળી પડ્યો.

“પણ હું કઈ રીતે હારી ગયો ?”

“તેં ના હોય, એવું તો કહ્યું.”

“પણ મેં તો આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું. તારી વાતમાં મેં ના નથી પાડી તરંગિયા !” કલ્પાને પણ ખબર નહોતી રહી કે તે ક્યારે ના બોલી ગયો.

“હહહહ... કલ્પા તેં ના પાડી એટલે તું હારી ગયો. બાજી પૂરી. બસ... તમારી ટીમ હારી ગઈ. આજની વાત ખલાસ..” ભોંદુને જાણે આખી વાતમાંથી છૂટકારો મેળવવાનો રસ્તો મળી ગયો હતો.

“ના, બે ભોંદિયા, આ તો રીતસરની અંચઈ કહેવાય !” શૌર્ય જોરથી બોલ્યો.

“આવું ના ચાલે, મેં ના નથી પાડી.”

“હહહહ... તું ‘ના હોય’ એવું જોરથી બોલ્યો તો તો ખરો...”

“પણ મારો ઇરાદો ના પાડવાનો નહોતો, હું તો મારું આશ્ચર્ય વ્યક્ત કરતો હતો.”

“હહહહ... પણ બીજા શબ્દો દ્વારા ય એ તો વ્યક્ત થઈ શકે ને? હારી ગયો એટલે હારી ગયો બસ વાત પૂરી...”

“બે યાર ભોંદિયા, તું અમ્પાયર થઈને આવું કરે છે. આવું ના ચાલે... હું ખાલી અમથો બોલ્યો ’તો...”

“હહહહ... અમથો બોલ્યો તો એટલે તું અડધો હાર્યો.” ભોંદુએ વિચિત્ર ચૂકાદો આપ્યો.

“પણ એ તો અડધો જ હાર્યો છું ને પૂરો ક્યાં હાર્યો.” કલ્પાનો જવાબ સાંભળીને ભોંદુને પોતાના વાક્ય પર અફસોસ થયો.

“ના, હવે તું પૂરેપૂરો હારી ગયો, હારવામાં કંઈ અડધું-બડધું ના હોય.” આયુએ ભારપૂર્વક કહ્યું.

“ભાઈ કલ્પેન, તું ગયો કામથી... તારી હાર સ્વીકારી લે... મિયાં પડ્યા તોય તંગડી ઊંચી એવું ના કરીશ.”

“જો તરંગ, તને ય ખબર છે, મેં આશ્ચર્યથી કહ્યું હતું. તું ખોટી જીત મેળવે છે.”

“તેં જ તો સ્વીકાર્યુ કે અડધો હારી ગયો.”

“તો પૂરો હરાવ.” કલ્પેને જુસ્સાથી કહ્યું.

“હહહહ.... અરે યાર અડધું-પૂરું બધું બંધ કરો... બહુ થયું...” ભોંદુનો કંટાળો હવે ચરમસીમા પર પહોંચ્યો હતો.

“જો કલ્પા તને એમ લાગતું હોય કે આ અંચઈ છે તો તને એક છેલ્લો ચાન્સ આપીએ.”

“હહહહહ.... હા, આ બરોબર છે.” કહીને ભોંદુએ આયુની વાત વધાવી. “પણ ખાલી એક જ ગપ્પું મારવાનું. જો તું એમાં તરંગને ના ન પડાવી શકે તો તારે હાર સ્વીકારી લેવાની, બરોબર ?”

“હા, બરોબર છે ભોંદિયા.’ તરંગે પણ કહ્યું.

“હહહહ.... પણ કલ્પો શું કહે છે એ તો સાંભળો.”

કલ્પેન વિચારવા લાગ્યો, હવે શું કરવું ? સાવ હારવા કરતા તો અડધી હાર સ્વીકારવી સારી એમ સમજીને તેણે હકારમાં માથું ધૂણાવ્યું. પણ હવે આટલા બધા મોંમાથાં વગરનાં ગપ્પામાં માર્યાં એમાં ના ન પડી, ને એક ગપ્પામાં તરંગ શું ના પાડશે ? પણ છેલ્લો ચાન્સ લઈ લેવામાં શું જાય છે.

“હહહહ... જો હા પાડતો હોય તો છેલ્લી વાત કર... એટલે ઘર ભેગાં થઈએ...’ ભોંદુને હવે ઘર જવાની ઉતાવળ હતી. એ ખોટો પણ નહોતો. વાતોમાં ને વાતોમાં ઘણું મોડું થઈ ગયું હતું.

કલ્પા સામે મોટી વિટંબણા હતી. એક ગપ્પામાં તરંગને કઈ રીતે ના પડાવવી. સૃષ્ટિના આખાં રહસ્યોને ઉથલ-પાથલ કરી નાખ્યાં તોય પેલાએ ના ન પાડી તો હવે એક વાતમાં એ કઈ રીતે ના પાડશે, કદાચ ના પાડે પણ તો પછી એ વાત કઈ હોય કે જેમાં એ ના પાડે... કોઈ વાત તો એવી હોવી જ જોઈએ કે એને ના પાડ્યે જ છૂટકો થાય... સારી કે ખરાબ... પણ તરંગિયાને તો હરાવ્યે જ છૂટકો. એક જ બોલ છે અને સિક્સ મારવાની છે... શું થશે ?

“હહહહ... અલા કલ્પા તું હવે ભસે છે મોંઢામાંથી કે તને હારેલો જાહેર કરું ?”

“ટણપા, શાંતિ રાખને...” કલ્પો ગુસ્સે થઈ ગયો. “થોડી વાર વિચારવા તો દે, એક જ ચાન્સ છે મારી પાસે...”

“હહહહ... ચાલ ત્યારે હવે તારો ટાઇમ શરૂ...” ભોંદિયાએ ઘડિયાળમાં જોતા જોતા કહ્યું.

“કલ્પા... હવે ?” શૌર્ય આનાથી વધુ ન બોલી શક્યો. કલ્પો મનમાં ને મનમાં ધૂંધવાયેલો હતો. હવે માત્ર એક જ ચાન્સ હતો અને સમય તો દોડવા લાગ્યો હતો દસ મિનિટની અવધિ તરફ !