ગપ્પાં (Gappan) (પ્રકરણ-5) Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

 • ચા ના બે કપ

  જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ...

શ્રેણી
શેયર કરો

ગપ્પાં (Gappan) (પ્રકરણ-5)

પ્રકરણ : ૫

“હમ્‌... તરંગ તેં તારા પૂર્વજન્મની વાત કરી તો હું પણ મારા પૂર્વજન્મની વાત કરવા માગું છું.”

“ગયા જન્મમાં ગધેડો-બધેડો હશે, તેની વાર્તા કરવા માગતો લાગે છે.” આયુ તરંગના કાનમાં બબડ્યો. પણ તરંગ હસ્યો નહીં.

“હું એવી સ્ત્રીની વાત કરવા જઈ રહ્યો છું કે જે પ્રેગનસન્સીમાં મરી ગઈ. તેના મૃત્યુના વિષાદે આખી દુનિયાને એક મહાન અજાયબીની ભેટ આપી. અને આ ભેટમાં મારો પણ નાનકડો ફાળો હતો.”

બધા બાઘાની જેમ કલ્પાની વાત સાંભળી રહ્યા હતા.

“આ વાત સત્તરમી સદીની છે. તે વખતે હું યમુના નદીના કિનારે આવેલા નાળિયેરીના એક ઝૂંડ પાસે નાનકડી ઝૂંપડી બાંધીને રહેતો હતો. હું નાના-નાના પથ્થરો કોતરવાનું કામ કરતો હતો. મારી પથ્થર પરની કોતરણી લોકોને ખૂબ ગમતી. હું એ રીતે કોતરકામ કરતો કે જોનારા દંગ રહી જતા. ખરેખર તો આ કોતરકામ એ જ મારી રોજીરોટી હતી. મારી ઝૂંપડીની સામે યમુનાનું પાણી ખળખળ કરતું વહેતું હતું. ઝૂંપડીની બીજી તરફ આગ્રા શહેર હતું. મારી ઉંમર તે વખતે બહુ મોટી નહોતી. હું બિલકુલ યુવાન હતો, અત્યારે જેવો છું તેવો જ યુવાન...

“આ વાત સત્તરમી સદીની છે. તે વખતે હું યમુના નદીના કિનારે એક નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો. અને હા, હું એ જ નાળિયેરીના ઝાડ પાસે ઝૂંપડી બાંધીને રહેતો હતો, જેનું અભિમાન તેં ઊતાર્યું તરંગ !” કહીને તેણે તરંગ સામે જોયું. તરંગ માત્ર આછું મલક્યો. “તે વખતે હું નાના-નાના પથ્થરો કોતરવાનું કામ કરતો હતો. મારી પથ્થર પરની કોતરણી લોકોને ખૂબ ગમતી હતી. હું એ રીતે કોતરકામ કરતો કે જોનારા દંગ રહી જતા. ખરેખર તો આ કોતરકામ એ જ મારી રોજીરોટી હતી. મારી ઝૂંપડીની સામે યમુનાનું પાણી ખળખળ કરતું વહેતું હતું. ઝૂંપડીની બીજી તરફ આગ્રા શહેર હતું. મારી ઉંમર તે વખતે બહુ મોટી નહોતી. હું બિલકુલ યુવાન હતો, અત્યારે જેવો છું તેવો જ યુવાન...

તે વખતે આગ્રામાં જહાંગીરનું રાજ હતું. જહાંગીરની અનેક રાણીઓમાં એક હતી, રાણી મનમંતી... આ રાણી મારવાડના શાહી પરિવારની રાજકુમારી હતી. ઈ.સ. ૧૫૯૨માં જહાંગીરને આ મનમંતીથી એક દીકરો થયો, તેનું નામ રાખ્યું ખુર્રમ. ખુર્રમ બાદશાહ જહાંગીરનો લાડલો દીકરો હતો. એ વખતે શાહી લગ્નો પણ એક રાજનીતિ જેવાં જ હતાં. એક રાજ્ય બીજી રાજ્યની મદદ લેવા કે પછી એક રાજ્ય બીજા રાજ્યની સામે હારી જાય ત્યારે હારનાર રાજ્યની રાજકુમારી જીતનારને પરણાવવામાં આવતી. અથવા તો બીજાં કોઈ રાજકીય કાવાદાવાને લીધે પણ લગ્નો કરવામાં આવતાં. આવી સ્થિતિમાં પ્રેમ અને લાગણીને પ્રાધાન્ય ક્યાંથી હોય ?

જહાંગીર બાદશાહનો મહેલ ભવ્ય હતો. હું તેની ભવ્યતાને દૂર દૂરથી જોતો રહેતો હતો. તેની પાસે એટલી બધી સંપત્તિ હતી કે તે ગણે ગણાય તેમ નહોતી. એવું પણ કહેવાય છે કે જહાંગીરે આ સંપત્તિ ગણવાની કોશિશ કરી હતી, પણ સતત ચારેક મહિના સુધી ગણતરીનું કામ કર્યા પછી પણ સંપત્તિ ન ગણાતા છેવટે કંટાળીને કામ બંધ કરી દેવામાં આવ્યું. આટલી બધી જાહોજલાલી અને સંપત્તિ હોય ત્યાં ખૂન-ખરાબા, દાવપેચ અને રાજનીતિ ન હોય તો જ નવાઈ. આવા માહોલમાં કોઈ સંબંધ ટકી નથી શકતો.

બાદશાહના ભવ્ય મહેલમાં એક મીનાબજાર હતો. આ મીના બજારમાં જહાંગીરની રાણીઓ અને શહેરની બીજી શ્રીમંત સ્ત્રીઓ વેપાર કરતી હતી. તે એવો સામાન તૈયાર કરીને વેચતી હતી કે જે દરબારીઓને કામમાં આવે.

એક દિવસ રાજકુમાર ખુર્રમ આ બજારમાં ફરવા નીકળ્યો. બજારની દુકાનોને અમુક રેશમી વસ્ત્રોથી સજાવવામાં આવી હતી. તેમાં નગરના અમુક શ્રીમંત વર્ગના લોકો ખરીદી કરી રહ્યા હતા. રાજકુમારને જોતા બધા પોતાની જગ્યા પર ઊભા થઈને તેમને પ્રણામ કરતા હતા. આ તેની શાહી પરંપરા હતી. શાહી ઘોડેસવારી પર નીકળતા રાજકુમારની નજર અચાનક એક દુકાન પર પડી અને નજર બસ ત્યાં જ ચોંટી રહી. તેમણે જોયું કે એ દુકાન પર એક સુંદર છોકરી કામ કરી રહી હતી. તેમને લાગ્યું કે નક્કી જન્નતમાંથી કોઈ પરી ધરતી પર આવી ગઈ છે. ખુર્રમ તેના તેજથી અંજાઈ ગયો હતો. તે તેના રૂપ પર ઓવારી ગયો. ખુદાએ જાણે બધું જ નૂર આ છોકરીને બનાવવામાં વાપર્યું હતું. રાજકુમાર દુકાન પર ગયો અને પેલી છોકરીનું નામ પૂછ્યું. છોકરીએ મંદ મંદ સ્મિત વેરતા હળવા અવાજે કહ્યું, ‘અર્જુમંદ બાનો બેગમ !’ બોલતાં બોલતાં તેના ચહેરા પર પણ અજીબ પ્રકારની લાલીમાં છવાઈ ગઈ હતી. તેણે પોતાની નજર નીચી ઢાળી દીધી.

‘આપને શું જોઈએ છે રાજકુમાર ?”

“તમે જે આપી શકો તે તમામ.” ખુર્રમે રાજકુમારી પરથી નજર હટાવ્યા વિના કહ્યું.

બજારના બધા જ લોકો પોતાની ખરીદીમાં મસ્ત હતા. બહુ વધારે ન કહી શકાય અને સાવ ઓછી પણ ન કહી શકાય તેવી ભીડ ત્યાં હતી. આછો આછો લોકોનો અવાજ પણ સંભળાતો હતો. આવા અવાજમાં બંનેના હૃદયના ધબકારા જાણે તે બંને સ્પષ્ટપણે અનુભવી-સાંભળી શકતા હતા.

રાજકુમારી કશું બોલી નહીં. તેણે દુકાનમાં રાખેલી તમામ ચીજો તરફ આંગળી ચીંધી આપી. દુકાનમાં સુંદર કોતરણી કરેલાં માટીનાં વાસણો હતાં. તેની પર ખૂબ જ ચીવટાઈથી નકશીકામ કરવામાં આવ્યું હતું.

રાજકુમાર પોતાના ઘોડા પરથી નીચે ઊતર્યો અને તેણે પોતાની કમરબંધમાં ખોસેલી એક નાનકડી થેલી કાઢી. તે થેલી સોનાની સુવર્ણમુદ્રાઓથી ખખડી રહી હતી. તેનો રણકાર આટલા અવજામાં પણ સ્પષ્ટ સંભળી શકાતો હતો. થેલી વ્યવસ્થિત રીતે એક દોરીથી ગુંથાયેલી હતી. એક દોરી ખેંચવાથી થેલીનું નાકું પહોળું થઈ જતું હતું. રાજકુમારે ડાબા હાથની હથેળીમાં થેલી મૂકી અને જમણા હાથે થેલીની દોરી ખેંચીને થેલી ખોલી આપી. થેલી ખોલતાની સાથે જ સવારના સૂર્યકિરણોમાં સુવર્ણમુદ્રાઓ ચમકી ઊઠી. રાજકુમાર કશું બોલ્યા વિના આગળ આવી અને એક સુવર્ણમુદ્રા લઈ લીધી.

“દુકાનનો તમામ સામાન તમારો થઈ ગયો રાજકુમાર !”

“બસ આટલી જ કિંમત છે આની ?” રાજકુમારે પ્રશ્ન કર્યો.

“તેની નકશીકામ પાછળ જે હૃદય રેડાયું છે તેનું મૂલ્ય અંકાય તેમ નથી, પણ બજારની ખરીદીને ધ્યાન રાખીને અમુક કિંમત નક્કી કરવી પડે.” અર્જુમાનનો ધીમો અવાજ રાજકુમાર કાનમાં પડ્યો. તે હજી પણ તેના સંમોહનમાં હતો. તેણે સુવર્ણમુદ્રાની આખી થેલી જ ત્યાં મૂકી દીધી અને એક નકશીકામવાળું ધાતુનું પાત્ર લઈને ત્યાંથી વિદાય થયો.

“રાજકુમાર...” અર્જુમંદનો અવાજ સાંભળી રાજકુમારે પાછું જોયું. ‘મારા પાત્રની કિંમત એટલી નથી જેટલી તમે ચૂકવી. આટલું મૂલ્ય કરવા માટે તમારી આભારી છું, પણ હું આનો સ્વીકાર ન કરી શકું.” તેમ કહી તેણે થેલી રાજકુમાર સામે ધરી.

“કલાનું મૂલ્ય મેં ચૂકવ્યું નથી, મેં તો માત્ર એનું સન્માન કર્યું છે. તેનું મૂલ્ય તો કઈ રીતે ચૂકવી શકાય ?”

અર્જુમંદ બાનો હજી પણ થેલી સામે ધરીને ઊભી હતી. “આ થેલી આપે પરત લેવી જ પડશે રાજકુમાર !” અર્જુમંદની દૃઢતા સામે રાજુકમાર જુકી ગયો અને એનું હૃદય પણ. થેલી તો લઈ લીધી પણ હૃદય આપી દીધું હતું.

આ તેમની પહેલી મુકાલાત હતી. બંનેનાં હૃદય એકબીજાનાં થઈ ચૂક્યાં હતાં. તે વખતે રાજકુમારની ઉંમર ઘણી નાની હતી. પણ રાજાને ગમી તે રાણી. ખુર્રમ અને અર્જુમંદની સગાઈ ધૂમધૂમથી કરવામાં આવી. સગાઈના પાંચ વર્ષ પછી એટલે કે ૧૬૧૨માં બંનેના લગ્ન કરવામાં આવ્યાં.

ભવ્યસંપત્તિની વચ્ચે એક લોહિયાળ રાજકારણ ખેલાઈ રહ્યું હતું. જહાંગીરના મોટા પુત્ર રાજકુમાર ખુસરોએ રાજગાદી માટે અમુક રાષ્ટ્રદ્રોહીઓ સાથે મળીને વિદ્રોહ કર્યો. પણ શક્તિશાળી સત્તા સામે આ વિદ્રોહ ટકી ન શક્યો. તેને કચડી નાખવામાં આવ્યો. રાજકુમાર ખુસરોને પકડીને તેની આંખો ફોડી નાખવામાં આવી. ૧૬૨૮માં સમ્રાટ જહાંગીરનું અવસાન થયું અને ખુર્રમને રાજગાદી પર બેસાડવામાં આવ્યો અને તે સમ્રાટ શાહજહાં કહેવાયો. ખુર્રમની બીજી પણ રાણીઓ હતી, પણ અર્જોમંદ તેમાં સૌથી પ્રિય રાણી હતી. અર્જુમંદનું બીજું નામ હતું - મુમતાજ મહલ !

આગ્રાના શાહી મહેલમાં બંને શાનથી રહેતા હતા. તેમના પ્રેમની ચર્ચા આખા નગરમાં થતી હતી. મુમતાજ મહલ શાહજહાંને રાજકાજના ઘણાં બધાં કામોમાં પણ મદદ કરતી હતી. શાહજહાંની સાથે સાથે તે પણ નગરચર્યા કરતી હતી. ક્યારેક તો તે છેક રાજ્યની સરહદ સુધી જઈ આવતી. ઘણી વાર તે યમુના નદીને કિનારે ટહેલવા નીકળતા ત્યારે મારી ઝૂંપડી પાસેથી નીકળતા. હું એમની શાહી સવારી જોઈ રહેતો. ઘોડાની બગીમાં બેઠેલા બંને યમુનાને એક નજરથી જોઈ રહ્યા હતા. યમુના નદી અને આગ્રા શહેર વચ્ચે એક વિશાળ જગ્યા હતી. એ જગ્યામાં જઈને તે બંને બેસતા, વાતોચીતો કરતા અને પાછા ફરતાં. તે રેગ્યુલર નહીં, પણ ક્યારેક આ રીતે આવી ચડતા.

એક દિવસની વાત છે. રાજ્યના બુરહાનપુરા જિલ્લામાં એક સૈનિક અભિયાન ચાલી રહ્યું હતું. બેગમ મુમતાજ મહલ આ સૈનિક અભિયાનની મુલાકાત લેવા ગઈ. ત્યારે તે પ્રેગ્ટેન્ટ હતી. ચૌદમું બાળક તેનાં પેટમાં હતું. આની અગાઉ તે તેર બાળકોને જન્મ આપી ચૂકી હતી, જેમાંથી સાત સંતાનો માંડ બચી શક્યાં હતાં. તે પ્રસુતિની પીડાથી કણસતી હતી. તે બુરહાનપુરાની સરહદ પર સૈનિકોની છાવણીમાં હતી. ત્યાં તાત્કાલિક કોઈ સારવાર મળી શકે તેમ નહોતી. વળી અગાઉ તેર સંતાનોને જન્મ આપી ચૂકી હોવાથી તેનું શરીર પણ નબળું પડી ગયું હતું. પણ તેણે ઘણી હિંમત દાખવીને એક બાળકીને જન્મ આપ્યો. આ બાળકીનું નામ ગોહરા બેગમ. ગોહરા બેગમને તો જન્મ આપી દીધો, પણ મુમતાજ મહલ ન બચી શકી. તેના મૃત્યુના સમાચાર જ્યારે શાહજહાંએ સાંભળ્યા ત્યારે તે એક ઘેરા શોકમાં ડૂબી ગયો. પોતાની ખૂબસૂરત બેગમને ગુમાવવાથી તેની પર એક અજાણી ઉદાસી છવાઈ ગઈ. સમ્રાટ હોવાને નાતે તે ઉદાસી જાહેર કરી શકતો નહોતો, પણ તેની અંદર એક રમખાણ ચાલી રહ્યું હતું અને આ રમખાણ આખી જિંદગી ચાલ્યું. પોતાની પ્રિય રાણી મુમતાજ મહલના મૃત્યુ પછી શાહજહાંએ ક્યારેય બીજા લગ્ન ન કર્યા.

“હહહહ... અલ્યા તું ગપ્પું મારે છે કે પછી ઇતિહાસ કહેવા બેઠો છે ?” કલ્પાની વાત અટકાવી ભોંદુએ અમ્પાયરની રુહે પ્રશ્ન કર્યો.

“સાંભળ તો ખરો ભાઈ, મારે જે વાત કરવી છે તેની આ પ્રસ્તાવના હતી. વાત તો હવે શરૂ થાય છે.”

“લે હાલ, કર વાત... આટલી લાંબી તે કંઈ પ્રસ્તાવના હોય. કંટાળી ગયો હું તો.” જિગાએ પોતાનો કંટાળો જાહેર કર્યો.

“ચલ હવે જલદી વાત કર.” હંમેશની જેમ પોતાના ઘોઘરા અવાજમાં આયુ બોલ્યો.

“હંમ્‌... વાત આગળ વધાર...” કલ્પો ઇતિહાસ સાથે શું ચેડાં કરવા માગે છે તે તરંગને સમજાતું નહોતું, તે તેની કડી પકડવા માગતો હતો.

“મુમતાજ મહલને બુરહાનપુરાના એક બગીચામાં દફનાવવામાં આવી. પણ શાહજહાંનું દિલ હજી પણ તેના જ વિચારોમાં ખોવાયેલું હતું. તેણે તેનું શબ કઢાવ્યું અને એક સુંદર પેટીમાં લપેટીને આગ્રા લઈ ગયો. ત્યાં જઈને યમુનાના તટે એક શાહી બાગમાં તેને દફનાવવામાં આવ્યું, આ એ જ તટ હતો કે જ્યાં આવીને તે બંને બેસતા હતાં. ક્યારેક ક્યારેક તે અહીં ફરવા આવતા હતા.

શાહજહાં હંમેશાં માટે ગુમાવી દીધેલી પોતાની જિગરજાન રાણીની યાદમાં એક મકબરો બનાવવાની કલ્પના કરવા લાગ્યો. તેના આ વિચારને સિદ્ધ કરવા માટે તેણે દુનિયાના તે વખતના મહાન વાસ્તુવિદો, શિલ્પકારોને તેડાવ્યાં. ઈરાનથી ઉસ્તાદ ઈશા અને મહોમ્મદ એસેંદીને, લાહોરથી કાજીમખાન, દિલ્લીના તે વખતના પ્રખ્યાલ શિલ્પી ચિરંજીલાલ, ઈરાનથી અમાનત ખાન, જે સુલેખનમાં પ્રવીણ હતા. અબ્દુલ કરીમ મૈમુદ જેવાં બીજા અનેક વાસ્તુશાસ્ત્રીઓ, કારીગરોને ખાસ બોલાવવામાં આવ્યાં. ભવ્ય મકબરો બનાવવાની એક રૂપરેખા તૈયાર કરાવવામાં આવી. રૂપરેખા અનુસાર યમુનાના કિનારે ખુલ્લી જગ્યા પર બાદશાહને જેવો મકબરો જોઈતો હતો તેની એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી. આ પ્રતિકૃતિ ઘણાં બધા એકરોમાં ફેલાયેલી હતી અને તેમાં લાખો ઇંટો વપરાઈ હતી. તેમાં ઘણો સમય ગયો હતો. ફરી આ પ્રતિકૃતિને ત્યાંથી ખસેડી નવી બનાવવામાં હજી બીજો ઘણો સમય જાય તેમ હતો. તેથી વિદ્વાનો પોતે પણ ચિંતિત હતાં. બાદશાહે એક ઉપાય કર્યો અને તેની આસપાસના ગામડાના ખેડૂતોને મફતમાં તમામ ઇંટો લઈ જવા ફરમાન કરવામાં આવ્યું. જોતજોતામાં તો ઈંટો ખલાસ થઈ ગઈ.

“ભાઈ તેરા ઇતિહાસ તો પતતા હી નહીં હૈ.” એઝાઝે વચ્ચે કહ્યું.

“ભાઈ તું સુણ તો સહી.” એવી જ સ્ટાઇલમાં કલ્પેને પણ જવાબ આપ્યો અને પોતાની વાત ચાલુ રાખી.

“બાદશાહ એક ભવ્ય મકબરો બનાવવા માગતો હતો. તેની માટે તેણે પોતાના ખજાનાના દ્વાર ખુલ્લા મૂકી દીધાં હતાં. પોતાની પ્રિય બેગમની યાદમાં બાદશાહ પાણી જેમ ધન વાપરવા તૈયાર હતો. વિશ્વના વિદ્વાન કારીગરો અને કલાકારોની મદદ તેમાં લીધી. તેમાં વીસ હજાર જેટલાં કારીગરો અને મજૂરોને કામે લગાડવામાં આવ્યાં. આ વીસ હજાર કારીગરોમાં એક હું પણ હતો. હું રોજ બધા કારીગરોની સાથે સાથે કામે જતો હતો અને આખો દિવસ પથ્થરો ઊંચકતો, પથ્થરો કોતરતો, તેને વાસ્તુવિદો જે પ્રમાણે સૂચવે તે પ્રમાણે ચોરસ, ગોળ વગેરે બનાવી આપતો. સૂચવ્યા પ્રમાણે નાનીમોટી કોતરણી કરી આપતો. અમે રાતદિવસ બાદશાહની આ ખ્વાઈશ પૂરી કરવામાં લાગેલા હતા. લગભગ હજારેક હાથીઓ, સેંકડો ઘોડાઓ અને બળદગાડાઓ સામાનનની હેરફેરમાં લાગેલાં હતાં. પંદર મીટર જેટલો ઊંડો તેનો પાયો ખોદવામાં આવ્યો. તેના પાયામાંથી ધીમે ધીમે ઉપર જઈ રહ્યા હતા. પણ વિશાળ સંગેમરમરના પથ્થરોને ઉપર ચડાવવા બહુ જ અઘરા હતા. તેથી વિદ્વાનોની સલાહથી એક ઉપાય શોધવામાં આવ્યો. તેમાં થોડે દૂરથી મકબરા સુધી પહોંચે તેવો એક ઊંચો રસ્તો બનાવવામાં આવ્યો. તે રસ્તો ધીમે ધીમે ઊંચો થતો જતો હતો અને મકબરા પાસે જઈને પૂરો થતો હતો. દૂરથી તે એક પુલ જેવો લાગતો હતો. મકબરો જેમ ઊંચો થાય તેમ તેનો પુલ પણ ઊંચો કરતા જતા હતા. વળી અમુક મોટાં અને વજનદાર પથ્થરો માટે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે પતંગનો રસ્તો અપનાવ્યો.”

“પતંગનો રસ્તો ?” ભોંદુએ પ્રશ્ન કર્યો.

“હા, વિશાળ પતંગો બનાવવામાં આવી. વજનદાર અને મોટા પથ્થરોને આ પતંગો સાથે બાંધી દેવામાં આવ્યા. પછી ઘણા બધા મજૂરોની સહાયથી પતંગ ઊડાડવામાં આવતી. એક સાથે સેંકડો મજૂરો તેનું દોરડું પકડી રાખતા અને ધીમે ધીમે પથ્થર જ્યાં રાખવાનો હોય ત્યાં તેને સેટ કરવામાં આવતો. પથ્થર ત્યાં પહોંચી જાય પછી ઘણા બધા મજૂરો ભેગા થઈને તેને વિવિધ સાધનોથી યોગ્ય જગ્યાએ ફીટ કરી દેતા. હું પણ બધાની સાથે પતંગનું દોરડું પકડીને પથ્થરોને તેની જગ્યાએ પહોંચાડવામાં મદદ કરતો. રાત દિવસ કામ ચાલુ રહેતું હતું. સતત ગાડાની અવરજવર, ઘોડાઓની હણહણાટી, હાથીઓની બૂમરાણ, માણસોના શોરબકોરથી ચોવીસે કલાક માહોલ ધમધમતો રહેતો હતો.

શાહજહાં પોતાના પ્રેમનું એક અદ્‌ભુત અને બેનમૂન પ્રતિક ઊભું કરવા માગતો હતો. એક એવું પ્રતીક કે જેને આખી દુનિયા યાદ રાખે - એક એવું પ્રતીક કે જે આખી દુનિયામાં ક્યાંય હોય નહીં અને ફરી કોઈ બનાવી ન શકે.

રાતદિવસ કામ કરતાં કરતાં હું યુવાનમાંથી પ્રૌઢ થઈ ગયો મને ખ્યાલ સુધ્ધાં ન રહ્યો... બાદશાહનું સપનું જાણે અમારા પોતાનું સપનું બની ગયું હતું. મારું અડધું જીવન લગભગ આ મકબરાના કામમાં જ ગયું. હું મન દઈને રાત દિવસ કામ કર્યા કરતો. વિદ્વાનો સાથે ચર્ચાઓ કરતો, પથ્થરની બારીકી અને તેની કોતરણી વિશે અને તેના ઉપયોગ વિશે વાતો કરતો. મારા કામથી બધા પ્રસન્ન હતા.

૧૬૩૨માં શરૂ કરેલું કામ છેક ૧૬૫૩માં પૂરું થયું. જ્યારે આ ભવ્ય મકબરાના નિર્માણનું કામ પૂરું થયું ત્યારે તેને દૂરથી જોતા જ જોનારની આંખો એમને એમ જ જોતી રહી જતી હતી. આજે આટલાં વર્ષો પછી પણ તેનું તેજ અને ખ્યાતિ આવી ઝળહળે છે તો વિચારો તે વખતે તેની ભવ્યતા કેવી હશે? તે ખરેખર બેનમૂન કલાકૃતિ છે. આ મકબરામાં મુમતાજ મહલની કબર રાખવામાં આવી હતી. આજે તે મકબરાને તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે !

“ભાઈ તું એસા કેહના ચાતા હૈ કી તાજમહેલ તુને બનાયા હૈ ?” ફરી એઝાઝે પૂછ્યું.

“ભાઈ, તું સુણ તો સહી...” ફરી કલ્પેને એ જ સ્ટાઇલમાં જવાબ આપીને પોતાની વાત ચાલુ રાખી.

“તાજમહેલ બનાવીને બધા પરવાર્યા હતા. રાજાએ બધાને પૂરેપૂરું વળતર ચૂકવ્યું હતું, તેની પાસે ખજાનાની ખોટ નહોતી. તે તો એવું ઇચ્છતા હતા કે તેમના મૃત્યુ પછી તેમની યાદમાં પણ આવો જ, પરંતુ કાળા પથ્થરોનો બીજો મકબરો બનાવવામાં આવે.”

તરંગ ઝીણી આંખે કલ્પેન સામે જોઈ રહ્યો હતો, તે પોતાના તૂટેલા દાંત પર જીભ ફેરવતો ફેરવતો વિચારતો હતો કે કલ્પેન કઈ દિશામાં વાત લઈ જવા માગે છે.

“હું હવે મારા ઘરે આવી ગયો હતો. વાંસ અને માટીથી બનેલી મારી ઝૂંપડીમાં સંસાર સુખી હતો.

વહેલી સવારે યમુનાના પાણીમાં સ્નાન કરીને જ્યારે હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે દૂરથી રાજદરબારનો કોઈ સંદેશાવાહક મારા ઘરે આવતો હોય તેવું મને દેખાયું. હું મારી ઝૂંપડીના દ્વાર પાસે જ ઊભો રહી ગયો. ખરેખર આશ્ચર્યની વાત એ હતી કે તે મારા ઘરે જ આવ્યો હતો. ઘર પાસે આવીને તેનો ઘોડો ઊભો રહ્યો. તે ધીમું ધીમું હણહણી રહ્યો હતો. ઘરના આંગણામાં ઊભેલા ઝાડ નીચે તે ઘોડેસવાર ઊભો હતો. તેના માથા પર ઝાડનાં પાંદડાઓ અડકતા-અડકતા હવામાં ધીમે ધીમે ફરફરી રહ્યાં હતાં. હળવે રહીને ઘોડા પરથી ઊતરીને તેણે મને સલામ કરી અને મારા હાથમાં એક શાહી પત્ર મૂકી દીધો. પછી કશું બોલ્યા વિના ફરી સલામી કરીને તે ચાલ્યો ગયો.

હું થોડો અચંભામાં હતો કે આ શાહીપત્રમાં શું હશે ? ત્યાં ઝાડ નીચે ઊભા રહીને જ મેં પત્ર ખોલ્યો. પત્ર ખોલતાની સાથે મારી આંખો એમ ને એમ જ પહોળી રહી ગઈ. બાદશાહે ભવ્ય મકબરાની લાંબી કામગીરી પૂર્ણ થયાની ખુશી રૂપે મોટી મેજબાની રાખી હતી અને અમુક મહત્ત્વના કારીગરોને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મારા માટે ખુશીની વાત એ હતી કે બાદશાહે આ કામમાં મને પણ મહત્ત્વનો ગણ્યો હતો. મને લાગ્યું કે ખરેખર મારી કારીગરી અને નકશીકામ બાદશાહને ગમ્યું છે. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો.

બીજા દિવસની સવારે ઊઠીને, તૈયાર થઈને હું એ ભવ્ય મકબરાએ જવા નીકળ્યો કે જેને બનાવવામાં ૨૦,૦૦૦ હજાર લોકો, ૧૦૦૦ હાથી, સેંકડો ઘોડાઓ, બળદગાડાઓ બધાએ મળીને બાવીસ વર્ષ લગાડ્યાં હતાં. આ ભવ્ય અને વિશ્વના મહાન મકબરાના પ્રાંગણમાં એક કારીગરની હેંસિયતથી અને એ પણ બાદશાહના નિમંત્રણથી જવું એ મારા માટે ખૂબ જ મોટી વાત હતી. હું અંદર ને અંદર ગર્વ અનુભવતો હતો. મારા કામ બદલ હું પોતે જ જાણે મારી પીઠ થાબડી રહ્યો હતો.

હું દરવાજે પહોંચ્યો ત્યાં સ્વયં શાહજહાં મારા સ્વાગતમાં ઊભા હતા. તેમની પાછળ લાઈનમાં વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે ત્રીસેક સિપાહી ઊભા હતા. મને જોઈને બાદશાહે વંદન સાથે સ્મિત કર્યું. “પધારો મહાન કલાકાર...” કહીને તેમણે મારા હાથમાં ગુલાબોનો એક મોટો બુકે મૂક્યો. તેમણે મારી સામે હાથ ધર્યો. મને ઘોડા પરથી નીચે ઉતરવા માટે શાહજહાં સ્વયં ટેકો આપી રહ્યા હતા. તેમનો હાથ પકડી હું ઘોડા પરથી નીચે ઊતર્યો. બાદશાહે મારા ખભે હાથ મૂક્યો.

“તમારી કારીગરીને સલામ છે કારીગર... તમે જે કામ કર્યું છે તે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું છે. તમારું હું ખાસ સન્માન કરવા માગું છું.” બાદશાહે નમ્રતાથી કહ્યું.

ત્યાં થોડે દૂર બીજા કોઈ ઘોડેસવારના અવાજ આવતો મને સંભળાયો. મારું ધ્યાન ભંગ થયું. મને જાણ થઈ કે હું તો મારા સન્માનના સપનાંઓમાં ખોવાયેલો છું. હજી તો મકબરો ઘણો દૂર છે. ત્યાં પહોંચતા થોડી વાર લાગવાની છે. પણ મને કારીગરની હેસિયતથી બોલાવ્યો છે તો બાદશાહ બધાની વચ્ચે મારું જરૂર સન્માન કરશે. હું મનોમન રાજી થઈ રહ્યો હતો. બીજા રસ્તાથી આવતો પેલો ઘોડેસવાર મારી નજીક પહોંચ્યો. મેં તેને ઓળખી કાઢ્યો. અરે આ તો એ જ કારીગર જે મારી સાથે કામ કરતો હતો.

“કેમ છો નકશીકામી ?...” અમે સાથે કામ કરતા હતા ત્યારે તે મને ચીડાવવા માટે નકશીકામી કહેતો હતો, કેમકે મારું કામ પથ્થરોમાં નકશીકામ કરવાનું હતું.

“હા, મજામાં છું પથ્થરતોડ...” તે પથ્થરો તોડવાનું કામ કરતો હતો તેથી તેના જવાબમાં હું તેને પથ્થરતોડ કહેતો. આટલાં લાંબાં વર્ષો સાથે કામ કર્યાથી અમારી સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. શરૂઆતમાં આવી મજાકોથી અમે એકબીજા પર ચીડાઈ જતા પણ પછી ધીમે ધીમે ટેવાઈ ગયેલા.

“કઈ તરફ ? નકશીકામનું કોઈ બીજું કામ મળ્યું કે શું ?” તેણે મારી સામે જોઈ પોતાના ઘોડાની લગામ સંભાળતા સંભાળતા પૂછ્યું. મેં કશું કહ્યા વિના મારી કમરમાં ખોસેલો શાહી પત્ર તેની સામે ધર્યો. તેણે સ્મિત કર્યું.

“તો ચાલ નકશીકામી, આપણે બંને ફરીથી એક જ રસ્તાના મુસાફર છીએ.” કહીને તેણે પણ તેની કમરમાં ખોસેલો શાહી પત્ર કાઢ્યો. હું બધું સમજી ગયો. તેને પણ શાહી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તે પથ્થરો તોડવામાં ખૂબ ઉસ્તાદ હતો. કોઈ પણ પથ્થરને તોડીને તે ગોળ, ચોરસ, લંબચોરસ, ખરબચડો, ષટકોણિયો કે ત્રિકોણિયો કરી શકતો. તેણે તોડેલા પથ્થર પર મારે નકશીકામ કરવાનું રહેતું હતું. અમારી જોડી ખાસ્સી જામી ગઈ હતી. તેણે તોડેલા પથ્થરો અને તેની પર મેં કરેલું નકશીકામ બંને એટલા શોભતા હતા કે શું કહેવું... કામ કરતાં કરતાં અમે તો એવું પણ વિચારી લીધેલું કે બાદશાહના મકબરાનું આ કામ પતે એટલે બંનેએ સાથે ધંધો ચાલુ કરવો. પણ એવું ન થઈ શક્યું. વર્ષો સુધી ઘરથી અળગા રહ્યા પછી અમે બંને પોતોપોતાના ઘરે ચાલ્યાં ગયા. આજે ફરી મળ્યા હતા, આટલા ટૂંકા સમયમાં. વાતો કરતા કરતા અમે ક્યારે શાહી મકબરા પાસે પહોંચી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો. અમે જોયું તો ઘણા બધા ઘોડેસવારો આવી રહ્યા હતા. અમારી જેમ બીજા પણ ઘણા બધા કારીગરોને બોલાવવામાં આવ્યા હતા.

દરવાજા પર બંને બાજું બે બે મજબૂત બાંધાના સૈનિકો ઊભા હતા. ઉપર છજા પર પણ અમુક સૈનિકો હતા. બંને બાજુના બે બે સૈનિકોના હાથમાં લોખંડના અણીદાર ભાલાં હતાં. બંને પહેરેદારો સામ-સામે ભાલાં ટેકવીને ઊભા હતા. અમે ત્યાં પહોંચ્યા એટલે તેમણે વિશાળ દરવાજા ખોલી નાખ્યા. જુકીને અમને સલામી કરી અને અંદર જવા સંકેત કર્યો. અમે અમારા ઘોડાને એડી મારીને અંદર હાંક્યો. ઘણા બધા કારીગરોના ઘોડાના ડાબલાનો અવાજ આવતો હતો. તે કોઈ વાદ્ય જેવો ધ્વનિ ઉત્પન્ન કરતો હતો. બધા કારીગરો પોતાના મિત્રોને મળીને ઉત્સાહિત હતા. બધાની ધીમી ધીમી વાતચીતનો ગણગણાટ પણ ચાલી રહ્યો હતો. રસ્તા પર આગળ વધતા એક નિશાની આવી. અમે બધા ત્યાં થોભ્યા અને અમારા ઘોડા નિશાનીના સૂચવ્યા પ્રમાણે લાઇનબંધ જે ખીલાઓ ખોડેલા હતા ત્યાં બાંધ્યા. આગળનો રસ્તો અમારે પગપાળા જ કાપવાનો હતો. બધાના કમરમાં શાહી પત્ર શોભી રહ્યો હતો.

દરેક માર્ગના ખૂણા પર રાજકીય સૈનિકો અમારા સન્માનમાં ઊભા હતા. અમને સલામીઓ કરી અમારી પર પુષ્પવર્ષા કરતા હતા. મારી અંદર ગર્વ માતો નહોતો. હું અને પથ્થરતોડ... સાચું કહું તો પથ્થરતોડનું ઓરિજિનલ નામ મને આજ સુધી ખબર નથી, કેમકે હું તેને પહેલી મુલાકાતથી જ પથ્થરતોડ કહેતો. ક્યારેય તેનું સાચું નામ જાણવાની કોશિશ જ નહોતી કરી. હજારો કારીગરો અને મજૂરોમાં એકબીજાનું નામ જાણવું જરૂરી પણ નહોતું. રસ્તા પર ચાલતા ચાલતા મને થયું કે લાવ તેનું સાચું નામ તો પૂછી લઉં, પણ પછી મને થયું કે આટલાં વર્ષો જોડે કામ કર્યું અને મને તેનું સાચું નામ પણ નથી ખબર એ કેટલું અજીબ કહેવાય. હું તેને પૂછીશ તો તેને અપમાન જેવું લાગશે... મેં મારો વિચાર માંડી વાળ્યો.

ભવ્ય મકબરાના વિશાળ પ્રાંગણમાં અમે પહોંચ્યા. બાદશાહે ત્યાં બેસવા માટે ખાસ શાહી આસન બનાવડાવ્યું હતું. તેની બેઠકની બાજુમાં ચાર ચાર સૈનિકો છાતીને ઊંચી કરી હાથમાં ભાલો લઈને ટટ્ટાર શરીર સાથે ઊભા હતા. તેમના સિંહાસનની બીલકુલ બંને તરફ બે સુંદરીઓ તેમને પીંછા જેવા હલકા પંખાથી ધીમે ધીમે પવન નાખી રહી હતી. તેમની બાજુમાં થોડેક જ દૂર કોઈ મોટા વિદ્વાન બેઠા હોય તેવું લાગ્યું. હું તેમને ઓળખતો નહોતો. પણ માથા પરની ટોપી, ચહેરા પરની સફેદ દાઢી, લાંબું નાક, દૃઢ મનોબળ ધરાવતી આંખો, મોટું કપાળ અને વિચારશીલ મુખ સૂચવતું હતું કે તે જરૂર કોઈ મહાન વિદ્વાન હશે.

હું, મારો મિત્ર અને બીજા કારીગરો અમે બધા પ્રાંગણમાં ઊભા રહ્યા. અમારી માટે ખાસ કોતરણીવાળી રત્નજડિત ખુરશીઓ ત્યાં ગોઠવવામાં આવી હતી. બાદશાહે અમને બેસવા માટે સૂચન કર્યું. અમે બેસી ગયા. બાદશાહ અમારી જગ્યાથી થોડે ઊંચે બેઠા હતા. સામે મોટું સ્ટેજ સજાવેલું હતું. થોડી વાર થઈ એટલે ત્યાં રમણીય વાદ્યો વાગવા લાગ્યાં અને સુંદર સ્ત્રીઓએ આવીને નૃત્ય શરૂ કર્યું. એક તરફ નૃત્ય ચાલું હતું ત્યાં બીજી તરફ બાદશાહના અનેક સેવકો આવીને અમને પ્યાલામાં કિંમતી શરાબ આપવા લાગ્યા. બધા કારીગરો શરાબ અને શબાબનો આનંદ લઈ રહ્યા હતા. બાદશાહના હાથમાં પણ એક રત્નજડિત પ્યાલો હતો. તે ખાસ શાહી રાજપરિવાર માટેનો જ પ્યાલો હોય તેવું લાગતું હતું. કેમકે અમારા બધા કરતા તે પ્યાલો સાવ જુદો અને ખૂબ જ કિંમતી હોય તેવું તરત દેખાઈ આવતું હતું.

મારા બધા જ સાથીમિત્રો શરાબના નશામાં ચૂર થતા જતા હતા. હું મને મારો મિત્ર અમે બંને સભાન હતા, કેમકે અમને મદિરા પીવામાં ખાસ રુચિ નહોતી. કદાચ એટલા કારણે પણ અમે મકબરાના નિર્માણ દરમિયાન સારા મિત્રો થઈ શક્યા હતા. બીજા બધા કારીગરો જ્યારે થાકીને રાત્રે શરાબ પીવા બેસતા ત્યારે અમે બંને યમુનાના કિનારે બેઠા બેઠા ઘર-પરિવાર અને કામધંધાની વાતો કરતા રહેતા. ક્યારેક તો એકબીજાની ખૂબ મજાક પણ કરતા.

પણ અત્યારે અમારું સમગ્ર ધ્યાન આ નૃત્યાંગનાઓ તરફ હતું. તેમની આકર્ષક અદા, સંગીતના લયની સાથે તેમનું વમળાતું શરીર, શ્વેત અને પીંછા જેવાં મુલાયમ વસ્ત્રો, તેમની અંગભંગિમાઓ વગેરે કોઈ પણ વ્યક્તિને આકર્ષવા માટે પૂરતા હતા. તેમની દરેક અંગભંગિમાં અને નખરાઓ પર ઓવારીને કારીગરો ચીચીયારીઓ અને સીટીઓ પાડતા હતા. બધા નૃત્ય, સંગીત અને શરાબમાં લીન હતા, ત્યાં જ અચાનક ઉપરથી પુષ્પવર્ષા થવા લાગી. કલાકારોની ખુશી બમણી થઈ ગઈ. તે વધારે જોરશોરથી બૂમો પાડવા લાગ્યા. બાદશાહના મુખ પર એક હળવું સ્મિત છલકી રહ્યું હતું. હું અને મારો મિત્ર બધાનો આનંદ લેતા લેતા શાંત ભાવે બધું જોઈ રહ્યા હતા. કોઈ આનંદમયી સપનું જોઈ રહ્યા હોઈએ તેવું લાગતું હતું.

નૃત્ય, સંગીનો જલસો પત્યો એટલે શાહી ભોજન શરૂ થયું. બધા કલાકારો માટે અલગ ટેબલની વ્યવસ્થા હતી. દરેકના ટેબલ પર સુંદર યુવતીઓ આવીને હસતા હસતા ભોજન પીરસી રહી હતી. ઘણા કારીગરોનું ધ્યાન ભોજન કરતાં યુવતીઓ પર વધારે હતું. ભોજન પીરસનાર તમામ યુવતીઓનાં વસ્ત્રો એક સરખાં જ હતા. દરેકે લીલા રંગનો પાયજામો, કાળું ઉપવસ્ત્ર અને માથા પર શ્વેત અને લીલા રંગના મિશ્રણવાળો દુપટ્ટો ઓઢ્યો હતો. હું અને મારો મિત્ર પણ ખુશીથી ભોજન લઈ રહ્યા હતા.

“બાદશાહે બધા કલાકારોને બોલાવીને આ રીતે સન્માન કર્યું તે ખરેખર ખૂબ સારું કર્યું.” પથ્થરતોડે કહ્યું.

“હંમ્‌...” મેં ખાતા ખાતા માત્ર હોંકારો ભણ્યો.

“દરેક કારીગરને આ રીતે સન્માનીને તેમણે કલાની ખરી કદર કરી છે.”

“હંમ્‌...” મેં ફરી ખાતાં ખાતાં હોંકારો કર્યો.

“શું યાર તું હંમ્‌... હંમ્‌... કર્યા કરે છે. આટલી અદ્‌ભુત મજા ચાલી રહી છે, હું બાદશાહના વખાણ કરી રહ્યો છું ને તું કંઈ બોલતો નથી.”

“હંમ્‌...” મેં ફરી કહ્યું.

“ના બોલવું હોય તો કંઈ નહીં, ખાધા કર... ખાઉધરા... સાલા નકશીકામી...” તે ગુસ્સે થઈ ગયો.

“હંમ્‌...” તેના ગુસ્સાનો પ્રતિભાવ પણ મેં ફરીથી એ જ રીતે આપ્યો. તે કંઈક બોલવા જાય તે પહેલાં જ મોટા અવાજે સંભળાયું.

“શાહી ભોજન પતાવ્યા પછી તમામ કારીગરોને પ્રાંગણમાં હાજર થવા બાદશાહનું ફરમાન છે.”

“સન્માનનો સમય થઈ ગયો.” તેની સામે આંખ મટકારીને મેં કહ્યું.

“હંમ્‌...” વિશેષ કંઈ ન બોલતા તેણે પણ મારી જેવો જ પ્રતિભાવ આપ્યો અને ભોજન લેવા લાગ્યો.

ભોજન પતાવીને અમે પ્રાંગણમાં હાજર થયા. મકબરો બનાવવામાં ફાળો આપનાર બધા જ મહત્ત્વના કારીગરો મકબરાના પ્રાંગણમાં ઊભા હતા.

બાદશાહ અમારી સામે રહેલા ઊંચા સ્થાન પર હતા. તે પોતાના સિંહાસન પર બિરાજમાન હતા. તેમની બાજુમાં બેસેલા વિદ્વાને તેમની સામે જોયું. બધા કારીગરોની અંદર ધીમો ધીમો ગણગણાટ ચાલી રહ્યો હતો. પેલા વિદ્વાનના બંને હાથ તે જે બેઠક પર બેઠો હતો, તેની બંને બાજુ જે પાયા હતા તેની પર હતા. બાદશાહની સામે જોઈને તેણે પોતાનો એક હાથ ઊંચો કર્યો. તેમનો સંકેત મળતાની સાથે જ બાદશાહ પોતાની જગ્યા પર ઊભા થયા અને તેમણે પોતાનો જમણો હાથ ઊંચો કરી કારીગરોને શાંત થવા આદેશ આપ્યો. તરત જ ચારેકોર શાંતિ પથરાઈ ગઈ. બધાની નજર બાદશાહ પર હતી.

કારીગરોના ટોળાની ચારેતરફ અનેક સૈનિકો હથિયારો લઈને ઊભા હતા. બાદશાહ એકાદ ક્ષણ મૌન રહ્યો. તેણે આકાશ તરફ જોયું. પછી અમારી સામે મોં કરીને બોલ્યા-

“મારા મહાન કારીગરો-કલાકારો-કસબીઓ... તમે મારા માટે જે કર્યું છે તેનું મૂલ્ય હું ચૂકવી શકું તેમ નથી. આ સંગીત, આ નૃત્ય, આ ભોજન એ બધું તો માત્ર તમે કરેલા કાર્યની નજીવી પ્રસંશા હતી. તમે જે કર્યું છે તેને સદીઓ સુધી આખી દુનિયા યાદ રાખવાની છે. તમે એક એવી બેનમૂન કલાકૃતિ બનાવી છે કે તેનો આખી કાયનાતમાં અત્યારે જોટો જડે તેમ નથી. તમારા આ બેમિસાલ કાર્ય માટે હું તમને જીવનભરનું અખૂટ ધન આપીને સન્માનવા માગું છું, પરંતુ હું નથી ઇચ્છતો કે આવી બીજી કોઈ જ કલાકૃતિ ફરીથી બને. માટે તે બનતી રોકવી મારા માટે ખૂબ જ જરૂરી છે. આવનારી પેઢીઓ યાદ રાખશે કે શાહજહાંએ જે ભવ્ય તાજમહેલ બંધાવ્યો છે તે જન્નતથી પણ સુંદર અને અદ્‌ભુત છે - અજાયબ છે, અને અજાયબ તો વિશ્વમાં એક જ હોઈ શકે. બેનમૂનતાનું પુનરાવર્તન ન થવું જોઈએ.”

અમને સમજાતું નહોતું કે બાદશાહ શું કહેવા માગે છે.

“મને માફ કરજો પણ તેની માટે મારે તમારા હાથ કપાવી નાખવા પડશે. જેથી ફરીથી આવો તાજમહેલ વિશ્વમાં ક્યાંયે બને નહીં.”

બાદશાહની આ વાત સાંભળીને અમારા હોશકોશ ઊડી ગયા. તો શું બાદશાહે અમારા હાથ કપાવવા માટે અમને અહીં બોલાવ્યા હતા? મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. બધા કારીગરો થથરી રહ્યા હતા. તેમની આંખોમાં બાદશાહ પ્રત્યે ચોખ્ખી આજીજી દેખાઈ આવતી હતી. અમારામાંથી એક બુદ્ધિશાળી કારીગર આગળ આવ્યો. તેણે બાદશાહને કહ્યું, “જહાંપનાહ, વાત કરવા માટે આપની માફી ચાહુ છું, પરંતુ દુનિયામાં ફરી કોઈ બીજો તાજમહેલ ન બને તે માટે તમામ કારીગરોના હાથ કાપી નાખવા કેટલે અંશે યોગ્ય છે ? એ તો આમ પણ તમારા ફરમાન પછી આમાંનો કોઈ કારીગર નહીં બનાવે, તો આજીવન હાથ વિના કારીગરને...”

તે વાક્ય પૂરું કરે તે પહેલાં બે સૈનિકો આવ્યા અને તેને પકડી લીધો. તેનું મોં દબાવી દીધું. એક સૈનિકે તેના હાથ પકડી રાખ્યા અને બીજા સૈનિકે પોતાના હાથમાં રહેલી ધારદાર તલવારથી પેલા કારીગરના હાથ કાપી નાખ્યા. પેલો કારીગર તેના શરીરમાં જેટલી ચેતના હતી, તેટલી ચેતના વાપરીનો જોરથી ચીસ પાડી ઊઠ્યો. આખી સભા થથરી ઊઠી. થોડી વાર પહેલાં સંગીત, નૃત્ય અને શરાબનો જે જલસો હતો તે એક પળમાં જાણે શોકમાં ફેરવાઈ ગયો. થોડી ક્ષણો પહેલાં આનંદથી છલકતી આંખો હવે આંસુથી ઊભરાઈ રહી હતી. ઘણા બધા કારીગરો બાળકની જેમ રડવા લાગ્યા હતા અને બાદશાહ પાસે દયાની ભીખ માંગવા લાગ્યા હતા. પણ બાદશાહ પોતાના નિર્ણયમાં અડગ હતો. મેં મારા મિત્રની સામે જોયું. ભયથી તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. હું પણ અંદરથી કંપી ઊઠ્યો હતો. હાથ વિનાના જીવનની કલ્પના કરતા જ એક ભયંકર ડર મને ઘેરી વળતો હતો. ઘણી બધી હિંમત કરીને હું થોડો આગળ આવ્યો. મારો સાથી મિત્ર મારી સામે જોઈ રહ્યો હતો. જાણે કે તે આંખોથી જ મને કહી રહ્યો હતો કે રહેવા દે આગળ ન જા... કશું ન બોલ... પણ હાથ તો કપાવાના જ હતા. બોલું કે ન બોલું. મેં હિંમત કરી.

“જહાંપનાહ, આપની સામે મારી નાની જીભે શબ્દો ઉચ્ચારવા માટે માફી ચાહુ છું. આપે હાથ કાપવાનો જે નિર્ણય કર્યો તે બિલકુલ યોગ્ય છે.” મારી વાત સાંભળીને સભાના બધા જ કારીગરો સડક થઈ ગયા. ખુદ બાદશાહ પણ અચંભિત થઈને મારી સામે જોઈ રહ્યો હતો.

“શક્ય છે કે આપની આ બેનમૂન કલાકૃતિની કોઈને પણ ઈર્ષા આવે અને તે પણ આવી જ, કદાચ આનાથી પણ મોટી બીજી કલાકૃતિ બનાવવાની ગુસ્તાખી કરે. તે આપે આપેલા ધન કરતા પણ વધારે માનધન આપીને કારીગરો પાસે કામ લેવડાવે અને ભવ્ય મહેલ બનાવડાવે.”

મારી વાત સાંભળતા સાંભળતા બાદશાહે પોતાનું માથું ધૂણાવ્યું. તેમની બાજુમાં થોડે દૂર બેઠેલો પેલો વિદ્વાન મને જીણી આંખ કરી તુચ્છકારથી જોઈ રહ્યો હતો. કદાચ બધા કારીગરોના હાથ કપાવવાનો વિચાર એનો જ હતો.

“સૌથી શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે બધાના હાથ કાપી નાખવામાં આવે !” બધા કારીગરો કદાચ મને મનોમન ગાળો દઈ રહ્યા હતા. મને ધૂત્કારી રહ્યા હતા.

“પરંતુ જહાનાહ, હું જે વાત કહેવા જઈ રહ્યો છું તેની માટે હું આપની ફરી માફી ચાહુ છું.” નીચા નમીને મેં મારી વાત ચાલુ રાખી.

“કઈ વાત ?” બાદશાહે કરડાકીથી પ્રશ્ન કર્યો.

“જહાપનાહ, આપે જે ભવ્ય મકબરો બનાવ્યો છે તે ખરેખર સમગ્ર કાયનાતમાં સૌથી મોટી અને મહાન કૃતિ છે. પરંતુ ફરી માફી માગવાની સાથે હું એ વાત કહેવા માગું છું કે આ અનન્ય અને અદ્‌ભુત કૃતિમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે.”

“ભૂલ ? ભૂલ ? ભૂલ ? ભૂલ ? ભૂલ ?....” એક સાથે કેટલાય કારીગરોના મોંમાથી આ શબ્દ નીકળી ગયો. સ્વયં બાદશાહ પણ સ્તબ્ધ થઈને બોલી ઊઠ્યા- “ભૂલ ?”

“હાં, જહાંપનાહ !” મેં મારું મસ્તક નમાવી સલામી ભરતા ભરતા કહ્યું. “મકબરાના ગૂંબજ પર એક સાવ નાની ખામી રહી ગઈ છે, તે સુધારવી ખૂબ જ જરૂરી છે. તે સુધાર્યા વિના આખો તાજમહેલ અધૂરો જ રહેશે. મારી આપને નમ્ર વિનંતી છે કે મારા હાથ કપાય તે પહેલાં મને એ ભૂલ સુધારવાનો મોકો આપવામાં આવે.”

બાદશાહે મકબરાની પરિકલ્પના અને ડિઝાઇન કરનાર મહાન વાસ્તુવિદ્‌ સામે જોયું. તે કશું બોલી શકે તેમ નહોતા. પોતાના હાથ કપાવાના છે એવા ભયના કલ્પનાલોકમાં જ તે ખોવાયેલા હતા. તેમણે શું વિચાર્યું હશે તેની ખબર નથી, પણ તેમણે ખાલી હકારમાં માથું ધૂણાવ્યું.

“આટલા મહાન મકબરામાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે તે છેક અત્યારે તું બોલી રહ્યો છે ? જો આપણે આ મિજબાની ન રાખી હોત, તું અહીં આવ્યો ન હોત તો શું તું ક્યારેય એ ભૂલ વિશે મને જાણ જ ન કરત ?” બાદશાહે ગુસ્સાથી કહ્યું.

“મહાન બાદશાહ... ગુસ્તાખી માફ... પરંતુ આ ભૂલ વિશે આપને અવગત કરવા માટે જ હું અહીં આવી રહ્યો હતો ત્યારે મને આપનો શાહી પત્ર મળ્યો. ખુદાતાલાની રહેમ કે બંનેનો સમન્વય થઈ ગયો. આ મહાન મિજબાની અને ભવ્ય મકબરાની પૂર્ણતા બંને એક સાથે જ ખતમ થાય તેવું ખુદા ઇચ્છે છે.”

બાદશાહે હાથ ઊંચો કર્યો અને બે સૈનિકો મારી પાસે આવ્યા.

“જહાપનાહ, મારા આ કાર્યમાં મારે મારા સાથીદાર મિત્રની પણ થોડી મદદ જોઈએ. અમે હંમેશાં સાથે રહીને કામ કર્યું છે. તેની મદદ વિના હું તે ભૂલ ઝડપથી અને સંપૂર્ણપણે નહીં સુધારી શકું.”

“સાથી કારીગરને હાજર કરવામાં આવે...” બાદશાહના વાક્યની સાથે જ મારો મિત્ર થથરતો થથરતો આગળ આવ્યો. તેને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે અને કઈ ભૂલ સુધારવાની છે. તેણે પ્રશ્નાર્થભાવે મારી સામે જોયું.

“બંને કારીગરોને મકબરાના ગુંબજ પર લઈ જવામાં આવે.” બાદશાહના ફરમાનની સાથે જ દસેક સૈનિકો અમારી ચારેકોર આવી ગયા. તે અમને લઈને મકબરાના ગૂંબજ પર ચાલતા થયા. બાદશાહે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. કારગીરો, પેલા વિદ્વાન અને બાદશાહ બધાનું ધ્યાન માત્ર અમારી પર હતું. બધા જ કારીગરોના આંખમાં હજી પણ પ્રશ્ન ડોકાતો હતો- ‘ભૂલ ?’

હું અને મારો મિત્ર પથ્થરતોડ... બંને ગુંબજ પાસે પહોંચ્યા. સિપાહીઓએ મને અને મારા મિત્રને અમુક હથિયારો પૂરાં પાડ્યાં. હથિયારો લઈને અમે ગુંબજ પર ચડી ગયા. મેં મારા મિત્રને ધીમા અવાજે પૂછ્યું, “આમાંથી સૌથી સરળતાથી તોડી શકાય તેવો પથ્થર કયો છે ?”

“તું શું કરવા માગે છે ?” તેણે ધીમા અવાજે પૂછ્યું.

“તું કહે તો ખરો.” મેં કહ્યું.

“બધા જ પથ્થરો સરખા છે. તોડવા અઘરા છે. તું તોડવાનું વિચારતો હોય તો માંડી વાળ. એ શક્ય નથી.”

“હું તોડવા નથી માગતો.”

“તો શું કરવા માગે છે ? કઈ ભૂલ તું સુધારવા માગે છે ?” તેનું આ વાક્ય સાંભળ્યું ન સાંભળ્યું કરીને હું મારા કામમાં લાગી ગયો. શું કરવું અને કઈ રીતે કરવું તે મને સમજાઈ ગયું હતું. મેં હથિયાર લઈને મારું કામ ચાલું કર્યું. મારો સાથી મિત્ર પણ કામ કરતો હોય તેવો અભિનય કરવા લાગ્યો. તે વારંવાર મારી સામે પ્રશ્નાર્થભરી દૃષ્ટિએ જોતો હતો. થોડી વાર પછી ઊભા થઈ લાંબો શ્વાસ લેતા મેં કહ્યું, “ભૂલ સુધરી ગઈ.”

તેણે મારી સામે વધારે આશ્ચર્ય અને પ્રશ્નાર્થ બંને ભાવ સાથે જોયું.

અમે બંને ગુંબજ પરથી નીચે ઊતર્યા. ઉતરતાની સાથે ફરી સૈનિકોએ અમને ઘેરી લીધા. સૈનિકોએ પકડીને અમને ફરી બાદશાહ સામે હાજર કર્યા. મેં બાદશાહને સલામી કરી.

“ભૂલ સુધરી ગઈ ?” બાદશાહે મને પ્રશ્ન કર્યો.

“જી જહાપનાહ...” કહીને હું તેમની સામે જુક્યો.

બધા કારીગરો હજી પણ મૂંઝવણમાં હતા કે હું કઈ ભૂલ સુધારવા ગયો હતો. અમુક ઘૂસપૂસ કરતા કરતા મારા મિત્રને પૂછી રહ્યા કે કઈ ભૂલ સુધારી ? પરંતુ એ તો મારો મિત્ર પણ નહોતો જાણતો. બધા કારીગરોને કતારબંધ ઊભા કરવામાં આવ્યા. એક પથ્થર પર બધાના હાથ મૂકવા ઇશારો કરવામાં આવ્યો અને આ રીતે સૈનિકો બધા કારીગરોને પકડી પકડીને તેમના હાથ કાપવા લાગ્યા. પ્રાંગણમાં ચારેકોર ચીચીયારીઓ અને બૂમરાણ મચી ગઈ. કપાયેલા હાથમાંથી વહેતું લોહી પથ્થરની પાસે બનાવેલ એક વ્યવસ્થિત ધોરિયામાં થઈને વહેતું હતું. જેથી ત્યાં વધારે લોહી દેખાતું નહોતું. છતાં હાથ કાપતાં ઉડેલા છાંટા ચારે બાજુ પથરાયેલા હતા. સૈનિકોના ચહેરા પર ઉડીને પડેલા છાંટા વધારે વિકૃત અને ડરામણા લાગતા હતા.

બધાની જેમ મારી પાસે પણ બે સૈનિકો આવ્યા. મને પકડ્યો અને પથ્થર પર હાથ મૂકવામાં આવ્યો. એક સૈનિકે મારા હાથ પકડ્યા અને બીજા સૈનિકે ધારદાર હથિયારથી જોરદાર પ્રહાર કર્યો. કાંડામાંથી કપાયેલા બંને હાથ ઉછળીને બીજી તરફ પડ્યા. પીડાની ભયંકર લહેર મારા શરીરમાંથી પસાર થઈ ગઈ, પણ તેનો અણસાર સુધ્ધાં મેં ન આવવા દીધો. મારા ચહેરા પર એક ખંધુ સ્મિત તરી આવ્યું. કદાચ પેલો વિદ્વાન આ સ્મિતને પારખી ગયો હતો. બધા કારીગરના હાથ કપાતા હતા ત્યારે જોરજોરથી બૂમો પાડતા હતા, રડતા હતા. પીડાથી કણસતા હતા. જ્યારે મારા ચહેરા પર નફરતના ભાવ સાથે આવું સ્મિત પેલા વિદ્વાનના મનને વિચલિત કરી ગયું.

“તારા બંને હાથ કપાઈ ગયા છે ને તું હસી રહ્યો છે મૂર્ખ...” તેમણે ગુસ્સાથી મને કહ્યું. મને વધારે હસવું આવી ગયું.

“કેમ હસે છે કારીગર ?” બાદશાહે આદેશ અને ગુસ્સાથી કહ્યું.

“માલિક... આપે જે બેનમૂન કૃતિ બનાવી તેમાં મુમતાજની કબર મૂકાવી છે. મુમતાજની આ કબર પર વર્ષાઋતુમાં હંમેશાં કારીગરોનાં આંસુ ટપકતાં રહેશે.”

“એટલે? તું કહેવા શું માગે છે ?” બાદશાહ ગુસ્સાથી રાતાપીળા થઈ ગયા.

“જહાપનાંહ, આ તાજમહેલ બનાવવામાં અમે કારીગરોએ અમારો જીવ રેડી દીધો. અમારી અડધી જિંદગી આ બનાવવામાં જ ખર્ચાઈ ગઈ. અમને હતું કે અમને વિશેષ સન્માન મળશે. અમારું બહુમાન કરવામાં આવશે. તમે અમારી કારીગરીનો આ બદલો આપ્યો ?”

“કારીગર.... તું તારી હદ વટાવે છે... તું કોની સામે બોલી રહ્યો છે તેનું તને ભાન છે ?” પેલા વિદ્વાને તાડુકીને કહ્યું.

“મહાન બાદશાહ... અમારી કારીગરીના ઇનામમાં તમે અમને શું આપ્યું, કપાયેલા હાથ ?” મેં મારી વાત ચાલુ રાખી. “તમે અમારા હાથ કપાવીને દોજખની જિંદગીમાં નાખ્યા છે. પરંતુ મકબરાના ગુંબજ પર જઈને મેં એક એવું નાનકડું કાણું પાડી દીધું છે કે દરેક વર્ષાઋતુમાં આ કાણામાંથી મુમતાજની કબર પર પાણીનું એક ટીંપુ પડશે. મેં એવી રીતે એ કાણું પાડ્યું છે કે દુનિયાનો કોઈ માણસ તેને શોધી નહીં શકે કે તેને સુધારી પણ નહીં શકે. એ કાણામાંથી અમારા બધા જ કારીગરોની બદદુઆ દરેક વર્ષાઋતુમાં આંસુ થઈને ટપકતી રહેશે.”

બાદશાહની આંખ અને ચહેરા પરથી ગુસ્સાની જ્વાળાઓ નીકળતી હતી. તેમણે મને સૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. ચાર સૈનિકો આવ્યા અને મને ઊંચકીને લઈ ગયા. મારા કપાયેલા લોહિયાળ હાથ તેમણે પકડ્યા. મેં આંચકો મારીને હાથ છોડાવી લીધા. બાદશાહે જેવો હાથ ઊંચો કર્યો કે તરત જ એક સૈનિકે મારી પીઠમાં તેની ધારદાર તલવાર ખૂંપાવી દીધી. છતાં મારા ચહેરા પરની રેખા સહેજ પણ હલી નહોતી. હું વધારે જોરથી હસવા લાગ્યો. બધા કારીગરોમાં બૂમરાણ મચી ગઈ હતી. બીજા કારીગરોએ મારી છાતીમાં તલવાર ભોંકી દીધી. થોડી વારમાં મારું પ્રાણપંખેરું ઊડી ગયું.

આજ સુધી દુનિયાના કોઈ પણ વૈજ્ઞાનિકો નથી શોધી શક્યા કે તાજમહેલમાં ક્યાંથી પાણી ટપકે છે અને કાણું ક્યાં પાડવામાં આવ્યું છે ?”

બધા સ્તબ્ધ થઈને કલ્પાની વાત સાંભળવામાં લીન હતા. ખુદ તરંગ પણ...

“આજે આખી દુનિયા તાજમહેલની દિવાની છે. પણ મેં જે કાણું પાડ્યું છે તે ગોતવાની કોઈની તાકાત નથી. બોલો છે તાકાત ?...”

“લાયો હો બાકી લાયો કલ્પા...” શૌર્યએ રાજી થઈને કલ્પાના બરડામાં ધબ્બો માર્યો.

તરંગ કશું બોલ્યા વિના કલ્પાની સામે જોઈ રહ્યો

“હહહહ... શું વિચારે છે તરંગિયા ? તારું શું કહેવું છે કલ્પા આની વાત સાચી છે ?”

“હંમ્‌ ?...” તરંગે ગૂંચવણ સાથે મૂંઝાતા મૂંઝાતા કહ્યું, “હા, આણે જ કાણું પાડ્યું હશે. જબરું કહેવાય હોં તે તો તાજમહેલ જેવા તાજમહેલમાં કાણું પાડી નાખ્યું.”

“હવે કાણું પાડવાનો તારો વારો છે તરંગિયા... કલ્પાએ બનાવેલા વાતોના તાજમહેલમાં તારે તારા તરંગોથી કાણું પાડવાનું છે... પાડ ! અને એને પણ બતાવી દે.” આયુએ કાવ્યાત્મક રીતે કહ્યું.

“હંમ્‌...” તરંગ વિચારોમાં ખોવાઈ ગયો. કલ્પાની આવી ઐતિહાસિક કલ્પનાને મહાત કરવા માટે પોતાના તરંગી જગતમાંથી નવું ગપ્પું ખોળવા લાગ્યો.