ગપ્પાં (Gappan) (પ્રકરણ-10) Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગપ્પાં (Gappan) (પ્રકરણ-10)

પ્રકરણ : ૧૦

“તેં હમણાં કહ્યું ને કે મારા દાદા તે વખતે દર વર્ષે સ્પર્ધામાં પહેલાં આવતા હતા ?” તરંગે કલ્પેન સામે જોઈને પૂછ્યું.

“હા, તારા દાદા દર વખતે પહેલાં આવતા હતા, પણ પછી તો મારા દાદાએ જોરથી પથરો ફેંકીને આભમાં જ કાણું પાડી દીધું ને કાયમ માટે બૂચ મારી દીધા તારા દાદાના... હવે કોઈ આની આગળ જઈ શકે એવો સવાલ જ નહોતો.”

“સરસ સરસ... પણ પછી શું થયું એની તને હજી ખબર નથી કલ્પા.” તરંગ હજી પણ બોલતા બોલતા તૂટેલા દાંત પર જીભ ફેરવી લેતો હતો.

“અચ્છા તો શું થયું પછી ?”

“સાંભળ... તારા દાદાએ પથરો ફેંક્યો ને એ વાતને થોડા દિવસ વીતી ગયા હતા. કોઈને કંઈ સમજાતું નહોતું કે એ પહાડ જેવડો પથ્થર આભમાં ક્યાં ગયો ? બધા ધીમે ધીમે પોતાના રોજબરોજના કામમાં પરોવાવા લાગ્યા હતા. પણ મારા દાદાને ક્યાંયે ચેન નહોતું પડતું. તેમને થયું કે તે દર વર્ષે પહેલાં આવતા હતા તો આ વખતે કેમ આવું થયું ? તારા દાદા પહેલાં આવ્યા એટલે એમને થયું કે આ કઈ રીતે બની શકે ? આટલા દૂર પથ્થર કોઈ કઈ રીતે ફેંકી શકે ? તેમને થયું કે નક્કી તારા દાદાએ જરૂર કોઈ ગેમ રમી લાગે છે. બધા ગામલોકોને ભેગા કર્યા અને તારા દાદા પર આક્ષેપ મૂક્યો કે આ વાત ખોટી છે. આ રીતે પથ્થર ફેંકી ન શકાય, આટલે દૂર પથ્થર જઈ જ ના શકે.

પણ ગામ લોકો હવે મારા દાદાની વાત માનવા તૈયાર નહોતા. મારા દાદા વધારે નિરાશ થયા. ગામલોકોને પણ હવે તો સૂર્યપ્રકાશ મળવા લાગ્યો હતો. અજવાળામાં તેમને બધું દેખાવા લાગ્યું હતું. પથ્થર કેટલો દૂર ફેંકાયો તેની સાક્ષી ખુદ સૂરજ મોટેમોટેથી પ્રકાશીને આપી રહ્યો હતો. એટલે મારા બાપાની વાત કોઈ સાંભળે એવી શક્યતા જ નહોતી. ગામલોકો પણ હવે આ વાતને અહીં જ અટકાવી દેવા માગતા હતા અને કહેતા હતા કે હવે છોડોને ભાઈ, આવતા વર્ષે તમે એમને હરાવીને વીનર બની જજો... પણ મારા દાદાએ પોતાની જીદ ચાલુ રાખી.

એક દિવસની વાત છે, ગામની વચોવચ આવેલા એક મોટા વડલાની નીચે ગામના વિકાસની વાતો કરવા માટે એક સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં ગામના બધા જ મોભાદાર વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા. તેમાં તારા દાદા અને મારા દાદા પણ હતા. ગામથી થોડે દૂર એક મોટી નદી વહેતી હતી. ગામલોકોને પીવાનું તથા વાપરવાનું પાણી નદીમાંથી લાવવું પડતું હતું. મારા દાદાએ સભામાં ઊભા થઈને સૂચન કર્યું કે, “આપણે એક એવી નહેર બનાવવી જોઈએ કે જેથી નદીનું પાણી આપણા ગામ પાસેથી નીકળે અને તેનો લાભ ગામના દરેક માણસને મળે. વળી આ જ નદીના પાણીને પાઇપ દ્વારા આપણે ઘરેઘરે પણ પહોંચાડી શકીએ. જો ગામ પાસેથી નહેર કાઢવામાં આવે તો ગામને તો પાણી મળે જ, સાથે સાથે ખેતરમાં પણ તે પાણી વાળી શકાય. આ નહેર બનાવવા માટે આપણે મોટો બંધ બાંધવો પડશે.”

વાત સાંભળીને તારા દાદા હસવા લાગ્યા. તેમણે કહ્યું, “અરે ભાઈ, તું પથ્થર ફેંકવામાં જીતી નથી શકતો તો આવડો મોટો બંધ ક્યાંથી બાંધીશ ?”

“પથ્થર ફેંકવો અને બંધ બાંધવો બંને અલગ વાત છે. અને આ બંધ કંઈ મારે એકલાએ નથી બાંધવાનો. આ તો આપણું સહિયારું કામ છે.” મારા દાદાએ વાતને વ્યવસ્થિત સમજાવી.

“તારે તો વળી આમાંય પહેલો નંબર લાવવાનો હશે ને ?” તારા દાદાથી ટોણો માર્યા વગર રહેવાતું નહોતું.

“આમાં નંબર લાવવાનો નથી ભાઈ, આપણે બધાએ એકબીજાની મદદ કરવાની છે.”

“ઓહ તું શું મદદ કરવાનો... મેં ફેંકેલો પથ્થર તો તું શોધી શક્યો નથી.” કહીને તારા દાદાએ અભિમાનમાં મૂછો મરડી. દૂર પથ્થર ફેંકવાને લીધે તારા દાદા અભિમાની થઈ ગયા હતા. વાતે વાતે તે મારા દાદાની મજાક ઉડાડ્યા કરતા હતા. તારા દાદાના મેણાં-ટોણાં સાંભળીને મારા દાદાને હાડોહાડ લાગી આવ્યું, પણ તે કશું બોલ્યા નહીં. તેમની નહેરવાળી વાત તો જાણે હવામાં જ રહી ગઈ. કોઈએ તેની પર ધ્યાન જ ન આપ્યું.

“તાકાત હોય તો મેં જે પથરો ફેંક્યો એ પાછો લાવી આપ તો સાચો માનું.” કહીને તારા દાદાએ મારા દાદાને પડકાર્યા. મારા દાદા પણ હવે તો ગુસ્સાથી રાતાચોળ થઈ ગયા હતા. .

“એમ છે? તો થોડી રાહ જો... તારો ફેંકેલો પથ્થર પાછો ન લાવું તો જીવવું નકામું છે.”

“ઓહોહોહોહ... તો જીવવાનું છોડી દે...” કહીને તારા દાદા જોર જોરથી હસવા લાગ્યા.

હવે મારા દાદાથી રહેવાય એવું નહોતું. તે પોતાની જગ્યા પરથી ઊભા થયા અને એ જ ક્ષણે જેટલું શરીરમાં જોર હતું એટલું જોર કરીને આભમાં ઊંચો કૂદકો માર્યો. જોરદાર પવનની થપાટ આવી હોય તેમ બધાના માથાનાં ફાળિયાં ઊડી ગયાં. બેઠક આખી હલી ગઈ. જોતજોતામાં તો મારા દાદા ગાયબ ! બધાને વળી આશ્ચર્ય થયું. એમને થયું કે આણે પથરો ફેંક્યો એ હજી પાછો નથી આવ્યો ત્યાં આ વળી આકાશમાં ક્યાં ખોવાઈ ગયા ? બધા તો બબૂચક જેમ જોતા જ રહી ગયા. ઘણી વાર થઈ પણ મારા દાદા પાછા ન આવ્યા. બધાને એમ થયું કે હવે આ તો ગયા. હવે તે ક્યારેય પાછા નહીં આવી શકે.

તારા દાદા મૂછમાં મલક્યા ને બોલ્યા, ‘અભિમાની માણસોની આવી જ હાલત થાય. પોતાનામાં ત્રેવડ ના હોય ને છતાં કોઈની નકલ કરવા જાય એટલે ના રહે ઘરના કે ના રહે ઘાટના.’ તેમની વાત સાંભળી આખી સભા હસવા લાગી.

કલ્પેનને મજા પડવા લાગી હતી. કેમકે એના દાદા તો હજીયે વીનર જ હતા.

સભામાંથી હસતા હસતા એક માણસે કહ્યું કે, ‘ના રહે ઘરના કે ના રહે ઘાટના એમ નહીં, એમ કહો કે ના રહે ધરતીના કે ના રહે આભના...’ આવું સાંભળીને સભા વધારે જોર જોરથી હસવા લાગી. એમને તો મફતમાં ફજેતી મળી ગઈ હતી. બધાને ગમ્મત ઉપર ગમ્મત જડતી જતી હતી. બધા મારા દાદાની મજાક ઉપર મજાક કરવા લાગ્યા હતા. અમારા વડવા પરિવારો પણ શરમથી મોં નીચું કરીને બેઠા હતા. કોઈનામાં બોલવાની હિંમત નહોતી.

છેલ્લે હસતા હસતા તારા દાદાએ કીધું કે- ‘ચલો છોડો એ અભિમાનીને... આજે તો બધા જ મારા તરફથી ચા-પાણી પીઓ. તારા દાદાએ તો બધા માટે ચાપાણી પણ બનાવડાવ્યા. તેમની માટે તો આ વિજયના જલસા જેવો પ્રસંગ હતો. વળી મારા દાદા આકાશમાં ખોવાઈ જવાથી મફતમાં પેટ ભરીને હસવાનું પણ મળી ગયું હતું. એટલે એ તો ફૂલ્યા નહોતા સમાતા. તેમને થયું કે આની આટલી ભૂંડી હાર મેં કરી છે તો આખા ગામને પાર્ટી આપું. તેમણે ત્યારે ને ત્યારે જ આખા ગામને પાર્ટી આપવાની જાહેરાત કરી દીધી અને કહ્યું કે, ‘આવતી કાલે સવારે આખા ગામનાને મારા તરફથી પાર્ટી ! બધા સવારે વહેલાં આવી જજો.’ મારા દાદાના પરિવાર તરફ જોઈને ચીપી ચીપીને લાંબા લાંબા લહેકાથી કહ્યું કે, ‘તમે તો ખાઆઆઆસ આવજો હોંઓઓ...’

તેમની આવી હરકતથી આખી સભા ફરી હસી પડી. મારા દાદાનો આખો પરિવાર નીચા મોંએ ઊભો હતો. તેમનામાંથી કોઈના મોઢામાંથી એક શબ્દ સુધ્ધાં નહોતો નીકળતો.

“ક્યાંથી નીકળે શબ્દ ? મારા દાદાના પેંગડામાં પગ ઘાલવા જાય તો આવી જ દશા થાય ને...” કલ્પેન મનમાં ને મનમાં પોતે મારેલા ગપ્પાં ઉપર ગૌરવ લઈ રહ્યો હતો. ‘મારા ગપ્પાને ફોલો કરવા ગયો એમાં આ બાપડો ગોથે ચડી ગયો લાગે છે. એક ક્ષણ માટે તેને થયું કે આ સાલો ગૂંચવાયો છે કે શું ગપ્પુ મારવામાં. સીધી સાદી વાર્તા માંડતો હોય એમ બોલ્યા રાખે છે, કંઈ ગપ્પા જેવું ટિ્‌વસ્ટ તો આવતું જ નથી. મનમાં ઊભરાતા પ્રશ્નો તેણે મનમાં જ દબાવી રાખ્યા ને શાંતિથી વાત સાંભળતો રહ્યો.

“મારા દાદાના ઘરના તો શાંતિથી ઘરે જ સૂઈ રહ્યા. તે આકાશમાં જોઈને આંસુ સારતા રહ્યા ને તે ભાંડવા લાગ્યા કે એવી તો શી જરૂર હતી તમારે એમને ઉશ્કેરવાની. તેણે આકાશમાં પથ્થર આઘો નાખી દીધો તો નાખી દીધો, આભમાં કાણું પાડી દીધું તો પાડી દીધું અને હારી ગયા તો હારી ગયા. એમાં આમ એની એ જ વાતની પાછળ થોડા પડ્યા રહેવાય ? પણ મારા દાદાનો નાનકડો છોકરો બોલ્યો, કે-...

“અલ્યા તારા દાદાનો નાનકડો છોકરો એટલે એ ય છેવટે તો તારા દાદા જ ને... કેમકે આ તો હજારો પેઢી પહેલાંની વાત છે...” શૌર્યએ વચ્ચે ટાપસી પૂરી.

“હા એ જ...”

“એટલેે તારા મોટા દાદા પછીની પેઢીના દાદા બોલ્યા એમ કહેને...’ આયુની વાત સાંભળી બધા હસવા લાગ્યા.

“દૂસરે નંબર કે દાદા બોલે, એસે હી બોલ દો ના ભાઈ, તો વાત પતે...” એઝાઝે વાતને વધારે વળ ચડાવ્યો. બધા વધારે જોરથી હસવા લાગ્યા.

“હહહહ.... મજાક નહીં પ્લીજ... હમણા જ તો વાત થઈ કે કોઈ પ્રકારની મજાક નહીં કરવાની છતાં બધા ખાખા-ખીખી કરવા માંડ્યા ?”

“ઓકે ઓકે ઓકે...” જિગર બેઉં હાથ આગળ લાવી જાણે હવા નીચે તરફ દવાવતો હોય એમ કહેવા લાગ્યો.

બધા શાંત થયા ને વાત આગળ ચાલી.

“હા, તો વાત ક્યાં હતી ?” તરંગે પૂછ્યું.

“તારા બીજા નંબરના દાદા કંઈક કહેતા હતા.” આયુએ યાદ અપાવ્યું.

“હા તો એ મારા બીજા નંબરના દાદાએ કહ્યું કે, ‘ચિંતા ના કરો. દાદા કંઈ જેવા તેવા નથી અને એ કંઈ સાવ અભિમાનીય નથી, એ તો સ્વાભિમાની છે.” મારા બીજા નંબરના દાદાએ તેમનો પક્ષ લીધો. કેમકે મારા મોટા દાદાએ કાયમ તેમને ચોકલેટો લાવીને ખવડાવી હતી. ગાર્ડનમાં હીંચકા ખવડાવ્યા હતા. મેળામાં લઈ જઈ ચકડોળમાં બેસાડ્યા હતા, કેટલીય વાર વોટર રાઇડો કરાવડાવી હતી ને કેટલાંય કાર્ટૂન મૂવિય બતાવ્યાં હતાં નાનપણમાં...

“કાર્ટૂન મૂવિ ? સાલું હજારો વર્ષ પહેલાં કાર્ટૂન મૂવિ ક્યાંથી આવ્યા ?” ભોંદુએ ફરી ફાંદ ખંજવાળી.

“એના મોટા દાદાનું મોં જ કાર્ટૂન જેવું હશે.” શૌર્યએ કલ્પેનના કાનમાં ફુસફુસ કરી. કલ્પેન મોં પર હાથ દાબી કોઈને ખબર ન પડે એમ હસી પડ્યો.

“એક વાર તો એવું થયું કે મારા મોટા દાદા મારા નાના દાદાને લઈને ફરવા ગયા હતા.” તરંગે વાત ચાલુ રાખી. “સાંજ પડી ગઈ હતી. અરે સમજોને કે રાત જ થઈ ગઈ હતી. રાત પડી એટલે આકાશમાં નાના નાના તારલિયા ઊગી નીકળ્યા. મારા નાના દાદાએ આ તારા જોયા એટલે એમણે તો મારા મોટા દાદા પાસે તારા માંગવાની જીદ કરી. પણ મોટા દાદાએ કહ્યું કે એ આપણા કામની વસ્તુ નથી. પણ મારા નાના દાદા તો બાળક હતા. એ કંઈ સમજે ? એ તો જિદે ચડ્યા કે મારે તો આકાશના તારા જોઈએ જ છે.”

“હહહહ... તારા બીજા નંબરના દાદાએ કહ્યું એમ કહે...’ ભોંદુએ વાત સુધારી.

તરંગે તેની સામે ત્રાંસી આંખે ગુસ્સાથી જોયું અને કહ્યા વિના પોતાની વાત આગળ વધારી.

“મારા બીજા નંબરના દાદાએ જીદ પકડી. મારા મોટા દાદાએ એમને ઘણા સમજાવ્યા પણ નાના દાદા ન માન્યા તે ન જ માન્યા. છેવટે મારા મોટા દાદાએ આકાશમાં હાથ લાંબો કર્યો અને એક મોટો મહાકાય તારો તોડ્યો. પણ આવો મહાકાય તારો નાના દાદા થોડા સાચવી શકે ? મોટા દાદાએ તો તારાને ચારે તરફથી ભીંસથી દબાવ્યો અને એવો દબાવ્યો... એવો દબાવ્યો... કે દબાવી દબાવીને સાવ નાનકડા બટન જેવો બનાવી દીધો અને તારલિયાનું આ બટન નાના દાદાના શર્ટમાં ટાંકી દીધું. મારા નાના દાદાને તો આ તારાનું બટન ખૂબ જ ગમ્યું. તેમણે તો જૂનાં બધાં જ બટન તોડી નાખ્યા ને નવા બટન ટાંકવાનું મોટા દાદાને કહ્યું. મારા દાદાએ સમજાવ્યું કે બેટા એ આપણા ખેતરનો માલ નથી. એ તો આકાશમાં કોઈ ખેતર ખેડે છે ને ? એમાં આ તારાઓ ઊગે છે. એટલે એ આપણાથી ન લેવાય.”

“તો આપણે આપણા ખેતરમાં તારાઓ કેમ નથી વાવતા દાદા ?” નાના દાદાએ પ્રશ્ન કર્યો.

“એ તારા આપણી જમીનમાં ન ઊગે બેટા, એ તો આકાશના ખેતરમાં જ ઊગે. આપણી જમીનમાં તારાને ઊગાડવા માટેનાં પોષકતત્ત્વો નથી. એ ત્તત્વો આકાશમાં જ હોય. આપણે વાવીએ તોય ન ઊગે.”

“તો દાદા તમે ખેતરમાં ખાતર નાખો છો એમ આકાશમાંથી પેલાં પોષકતત્ત્વો લાવીને જમીનમાં નાખો તો ના ઊગે ?”

“ના બેટા, એ તોય ના ઊગે.”

“તો હવે શું કરવાનું ?”

“હવે કંઈ નહીં, તને એક તારો લાવી આપ્યો એ રાખ.”

“પણ મારે તો બીજા તારાય જોઈએ છે.’ નાના દાદાએ જીદ પકડી. આખરે મારા મોટા દાદા તેમની જીદ સામે જુક્યા. તેમણે આકાશમાંથી સાત-આઠ તારા તોડીને એને ચપટીમાં દબાવી-દબાવીને બટન જેવા બનાવી નાખ્યા ને બધા જ તારાના બટન બનાવીને મારા નાના દાદાના શર્ટમાં ટાંકી દીધા. મારા નાના દાદા તો રાજીને રેડ થઈ ગયા. તેમના નાના પહેરણમાં નાના નાના તારલિયા સુંદર રીતે ચમકી રહ્યા હતા. એમનો હરખ માતો નહોતો. એમણે તો જાણે આખું આભ શર્ટમાં ટાંગી દીધું હોય એટલા ખુશ થઈ ગયા હતા.

નાના દાદાએ મોટા દાદાનો આ તારાવાળો કિક્સો ઘરના બધાને સંભળાવીને ધરપત આપી કે દાદા જરૂર પાછા આવી જશે ચિંતા ન કરો. પણ ઘરનાને હજીયે ચિંતા થતી હતી. આખી રાત બધા વિચારતા રહ્યા કે આવતી કાલની પાર્ટીમાં જવું કે ન જવું ? મારા નાના દાદાએ નક્કી કરી લીધું હતું કે પાર્ટીમાં જવું એટલે જવું. તેમણે તો ઘરનાને પણ કહી દીધું કે, ‘હું તો એ પાર્ટીમાં જરૂર જઈશ. મારે જોવું છે કે પાર્ટીમાં બધા દાદાની કેવીક મજાક ઊડાવે છે... મારે એ મજાક મારા સગ્ગા કાને સાંભળવી છે.’ ઘરના બધાએ ના પાડી કે હવે આપણે ત્યાં નથી જવું. પણ મારા નાના દાદા તો પહેલેથી જ જિદ્દી, તેમણે કહ્યું કે, ‘તમે ના આવો તો કંઈ નહીં. હું એકલો જઈશ, પણ જઈશ તો ખરો જ...’ આખી રાત વાદવિવાદ ચાલતા રહ્યા.

સવાર પડી એટલે મારા નાના દાદા ઊઠીને - ફ્રેશ થઈને તારા દાદાને ત્યાં જવા નીકળ્યા. બધાએ ના પાડી પણ રોકાય તો એ મારા નાના દાદા શાના ? એમણે તો ખાલી નેશનલ હાઇવે જ ક્રોસ કરવાનો હતો. તારા દાદાનું ઘર તો સામે જ હતું ને !

મારા દાદા નેશનલ હાઇવે ક્રોસ કરીને પહોંચ્યા તારા દાદાને ઘરે. ત્યાં તો પાર્ટીની પૂરજોશમાં તૈયારી ચાલતી હતી. તારા દાદાએ તો મજાનું ભોજનયંત્ર ફળિયામાં મૂક્યું હતું. જેને જે ખાવું હોય તે તેમાં ડેટા એન્ટ્રી કરી દે એટલે એક મિનિટમાં ભોજનની થાળી તૈયાર... મેગી કરતા ય ઝડપી બોલો !

બધા તો લાઇનમાં ઊભા હતા ખાઉધરાની જેમ. પોતાને ગમતી મીઠાઈનું મેનું બોલતા હતા ને ફટાક દઈને મીઠાઈની ડીસ તૈયાર થઈને બહાર આવતી હતી. તારા દાદા તો એક મોટા ખાટલા પર પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા અને મૂછોને વળ દેતા દેતા હોકો ગગડાવતા હતા. મારા નાના દાદાને ત્યાં જોયા એટલે તેમણે કહ્યું, ‘અચ્છા તું આવ્યો છે એમ ને... ઘરના બીજા નથી આવ્યા? એમને ય લાવવા ’તાને...’

પણ મારા દાદા કશું બોલ્યા નહીં.

‘તારા દાદા મારા નાના દાદાની સામે જોઈને બોલ્યા- ‘એલાવ... સાંભળો સાંભળો... આ એના દાદાનું નાક કપાતું જોવા આવ્યો છે.’

તેમની આ વાત સાંભળીને આખું ગામ મારા નાના દાદા પર જોર જોરથી હસવા લાગ્યું. દૂર દૂર રોડની પેલે પારથી મારા દાદાના પરિવારના પોતાના ઘરની ગેલેરીમાંથી આ બધો તમાશો જોતા હતા. મારા નાના દાદાએ હિંમત કરીને કહ્યું, ‘દાદા તમે થોડી ધીરજ રાખો મારા દાદા આવશે એટલે તમારી બધી જ હવા કાઢી નાખશે.’

તેમની હિંમત જોઈને તારા દાદા તો છક્‌ થઈ ગયા. ગામના બધાએ કહ્યું કે આવ્યો છે તો ભોજન તો ખાઈ લે. મારા દાદા પેલા ભોજન બનાવતા મશીનની લાઈનમાં જઈને ઊભા રહ્યા. તારા દાદા મારા નાના દાદાની મજાક ઉડાવવા માંગતા હતા એટલે એમણે કહ્યું કે, ‘અલ્યા એય... આ ભૂખ્યાને પહેલાં લેવા દો...’ એમની આવી વાત સાંભળી છતાં મારા દાદા તો કશું ન બોલ્યા. એ તો ભોજનના મશીન સામે જઈને રસોઈનું મેનું બોલવાને બદલે ખાલી મારા મોટા દાદાનું નામ બોલ્યા અને મશીન તો ઘરરરર ઘટ ઘટ ઘટ... કરીને બંધ થઈ ગયું. બધાને થયું કે આ શું થઈ ગયું? તારા દાદા તો ખીજાઈ ગયા.

‘એલા એય... મારું મોંઘા ભાવનું મશીન બગાડી નાખ્યું તેં...’ કહીને એ તો ખાટલામાંથી ઊભા થયા. આપણે ત્યાં ટીવી બગડે ત્યારે કેવા ચારે બાજુથી ઢીંકા મારતા, હલાવતા એમ આ મશીનને ચારે બાજુથી ઢીંકા મારી જોયા, હલાવી જોયું. પણ મશીન તો બંધ એટલે બંધ! તારા દાદાએ મારા નાના દાદાને કહ્યું કે, ‘અલ્યા તેં શું કર્યું મશીનને?’

‘મેં કશું નથી કર્યું દાદા, મશીનના કાનમાં ખાલી મારા દાદાનું નામ બોલ્યો, એમાં તોે મશીનને હાર્ટ એટેક આવી ગયો...’ નાના દાદાની આવી વાત સાંભળીને ગામલોકો હસવા લાગ્યા. ગામ લોકોને શું એમને તો હસવાથી મતલબ. આનું ખરાબ કે પેલાનું ખરાબ, હસવા મળે એટલે બહુ.

‘જોયું દાદા ? ખાલી મારા દાદાનું નામ લીધું એમાં તો તમારા મશીનની વાટ લાગી ગઈ તો મારા દાદા પોતે હોત તો શું હાલત થાત ?’ વાત સાંભળીને ગામલોકો તો વધારે હસવા લાગ્યા. પણ તારા દાદાએ તરત જવાબ આપ્યો કે- “દીકરા મારા ! તારા દાદા તો અભિમાનીનું પોટલું છે, એ તો આભમાં ક્યાંય ખોવાઈ ગયા હશે, હવે એ ગયા, ભૂલી જા એમને... એમની હવામાં તું ના ફૂલાતો ફર. એ તો ગયા... એમના નામથી જ ચલાવજે હવે.” આમ કહીને તારા દાદા ફરી ખાટલા પર બેઠા અને મૂછોને તાવ દેતા દેતા હુક્કો ગગડાવવા લાગ્યા.

ત્યાં તો આભમાં કડડભૂસ થઈને એક મોટી તિરાડ પડી. આખું આભ ફાટ્યું હોય એવો અવાજ આવ્યો. કપડું ચીરાય એમ આભમાં એક મોટો ચીરો પડ્યો અને એક જબરદસ્ત ચમકારો થયો. ચમકારાની સાથે જ ધડામ દઈને ફળિયામાં કંઈક પડ્યું હોય એવું લાગ્યું. જાણે આભમાંથી કોઈ મોટી શિલા ના પડી હોય ! ચારેબાજુ ધૂળના ગોટેગોટે ફેલાઈ ગયા. આ બધું એટલી ઝડપથી બની ગયું કે શું નું શું થઈ ગયું એ કોઈને સમજાતું નહોતું.

થોડી વાર થઈ એટલે ધૂળના ગોટા ધીમે ધીમે ઓસરવા લાગ્યા અને વીર યોદ્ધા જેવો મારા દાદાનો ઝાંખો ઝાંખો પડછંદ ચહેરો બધાને દેખાવા લાગ્યો. એમનો કસાયેલો ગ્રીક યોદ્ધા જેવો દેહ, મજબૂત બાવડાં, પહોળી ભૂજાઓ અને હાથમાં વિશાળકાય પહાડી પથ્થર... આહાહાહાહાહા.... જાણે કોઈ મોટું હથિયાર પકડ્યું હોય એમ પકડ્યો હતો. આખું ગામ મોં ફાડીને જોઈ રહ્યું હતું રહ્યું ! એ વખતે આભમાં જે ચમકારો થયેલો ને ? તે ચમકારો બીજું કંઈ નહીં પણ વીજળી હતી. લોકો જેને વીજળી કહે છે તે વીજળી નથી પણ મારા દાદાએ આભમાં જે તિરાડ પાડી હતી ને તે તિરાડ છે ! યુગો પહેલાં મારા દાદાએ આભમાં તિરાડ પાડેલી એ તિરાડના પ્રભાવમાં આજે પણ આભ ધ્રૂજી ઊઠે છે ને વીજળીના ચમકારા થયા કરે છે. એ વખતે તારા દાદાનું મોં તો જોવા જેવું થઈ ગયું હતું. તારા દાદા તો મિંદડીની જેમ ખાટલા પર બેઠા હતા. ધૂળ ઊડવાથી એમનું મોં તો સાવ જોકર જેવું થઈ ગયું હતું. સોરી આવું કહીને હું જોકરનું અપમાન કરું છું.”

તરંગના બધા મિત્રો હસવા લાગ્યા.

“ઢોલિયો, હુક્કો ને તારા દાદા ત્રણેય ધૂળથી લથબથ હતા. મારા દાદા તારા દાદાની પાસે ગયા. તેમણે પોતાનો જમણો પગ ખાટલા પર મૂક્યો અને સ્હેજ નીચે નમીને તારા દાદાના મોં પાસે મોં લાવીને બોલ્યા, “ખરો બળવાન છે તું તો, તેં તો ખરેખર આભ ફાડીને પેલી બાજુ પથરો નાખી દીધો હતો હોં... માંડ માંડ હાથમાં આવ્યો છે આ...” એમ કહીને જે હાથમાં પથ્થર હતો તે હાથ હવામાં ઊંચો કર્યો. એ વખતે જાણે કૃષ્ણએ ગોવર્ધન ઊંચક્યો હોય એવું લાગતું હતું. “તેં તો રેકોર્ડ બનાવી નાખ્યો રેકોર્ડ !” કહીને મારા દાદા તારા દાદાની સામે કટાક્ષમાં હસ્યા. પણ તારા દાદામાં તો હસવાનો વ્હેંત પણ નહોતો રહ્યો. ગામલોકોને તો મફતમાં ફજેતો જોવા મળી ગયો હતો. તારા દાદા માંડ માંડ બીતાં બીતાં બોલ્યા, “પપપ.. પથ્થર તો લાવતા લાવી દીધો, પણ હવે હિંમત હોય તો મારી કરતા આઘો ફેંકી બતાવ...”

ગામ લોકોએ તરત વાતને ઉપાડી લીધી. ‘હા હા ફેંકીને બતાવો... ફેંકીને બતાવો...’

મારા દાદાએ ડોકી મરડીને ગામલોકો સામે જોયું. પોતાના વિશાળ ભાલ પર ઢળી પડેલા વાળને પાછા માથા પર વ્યવસ્થિત ગોઠવ્યા. વેરવિખેર વાળ અને આકર્ષક કસાયેલું શરીર, જાણે આખા શરીરમાં માંસના ચોસલાઓ ગોઠવ્યાં હોય તેવું ખડતલ લાગતું હતું. તેમનું શરીર શૌષ્ઠવ એટલું ઘડાયેલું લાગતું હતું કે અત્યારના સિક્સ પેક ને એઇટ પેક તો એમની આગળ પાણી ભરે !” તરંગે કલ્પાની જીમમાં જઈને બનાવેલી બોડીને પગથી માથા સુધી ટીકી ટીકીને જોઈને કહ્યું.

“મારા દાદાએ તો પડકાર ને ડબલ પડકાર બનાવીને કહ્યું, “જુઓ હું આ પથ્થરને ફેંકું છું અને એ પણ આણે આકાશમાં સૂરજ નામનું જે કાણું પાડ્યું છે એ જ કાણામાંથી બહાર કાઢીશ, બીજું કાણું પણ નહીં પડવા દઉં.”

ગામલોકોમાં બૂમાબૂમ થઈ ગઈ. ‘શું વાત કરો છો... શું વાત કરો છો...’ એવા અવાજો આવવા લાગ્યા. મારા દાદાએ હાથ ઊંચો કરીને બધાને શાંત કરતા કહ્યું.

“હું એ કરીને બતાવીશ, પણ...” એકાદ ક્ષણ માટે તે થોભ્યા અને બધા ગામલોકોને ઉદ્દેશીને કહેતા હોય તેમ બોલ્યા, “પછી આ પથ્થરને લીધે સૂર્યનીયે પેલે પાર જો કોઈ બીજું કાણું પડી જાય અને આખા બ્રહ્માંને નુકસાન જાય તો એની જવાબદારી હું નથી લેવાનો. મંજૂર છે ?”

મારા દાદાની આવી વાત સાંભળીને તારા દાદા હસવા લાગ્યા. એ હસતા હતા ત્યારે તેમની મૂછ અને દાઢીમાં ભરાઈ ગયેલી ધૂળ ધીમે ધીમે નીચે ખરી રહી હતી. ગામલોકોને પણ નવાઈ લાગી. બધા અવાક થઈ મારા દાદા સામે જોઈ રહ્યા. તારા દાદાએ ટોણો મારતા કહ્યું, “અલા તારામાં ઢેફું ભાંગવાની હિંમત નથી ને બ્રહ્માંડને નુકસાન થવાની વાત કરે છે ! છાનો માનો પથ્થર ફેંક એટલે ખબર પડે.” બોલતા બોલતા તારા દાદાને ખાંસી આવી ગઈ. કદાચ આજુબાજુ ઊડતી ધૂળ અને મૂછોમાં ભરાઈ ગયેલી ધૂળ તેમના મોઢામાં જતી રહી હશે.

“જોવું છે તારે ?”

“હા હા બતાવને તારામાં હિંમત હોય તો.”

“પણ જે નુકસાન થાય તેની જવાબદારી તારા માથે તું લેવા તૈયાર હોય તો જ હું પથ્થર ફેંકું, બોલ છે તૈયાર ?”

“હા, જે થાય તેની જવાબદારી મારી, બસ? ફેંક હવે !”

“રહેવા દે કહું છું હજી...” મારા દાદાએ છેલ્લી વાર ચેતવ્યો.

“અરે તારામાં હિંમત નથી એટલે બચાવો કર્યા કરે છે. ફેંકતો હોય તો ફેંક નહીંતર છાનોમાનો ઘરભેગો થા.”

તારા દાદાએ આવું કહ્યું પછી તો મારા દાદા ઝાલ્યા રહે ? એમનું મુખ ધીરગંભીર થયું. ત્રાંસી નજરે આભમાં જોયું. નજર જ એટલી ધારદાર હતી કે હમણા આખું આભ હેઠે પડશે. તેમણે પછી મારા નાના દાદા સામે જોયું અને ધીમેથી મલક્યા. તારા દાદાના ઢોલિયાથી બે ડગલાં પાછા ખસ્યા અને બે હાથ હવામાં ઊંચા કર્યા. એક હાથમાં પહાડ જેવડો પથ્થર અને બીજો ખાલી ! જાણે મારા દાદા સમગ્ર બ્રહ્માંડના બધા જ ગ્રહોની માફી માગતા હોય તેમ તેમનો ચહેરો શાંત અને ગંભીર થઈ ગયો. સૂરજ પણ જાણે પોતાનું બધું જ તેજ માત્ર તેમની પર જ ઢોળી રહ્યો હતો. સ્ટેજ પર કોઈ કલાકાર પર લાઇટ પડતી હોય અને તેની દિવ્યતા દીપી ઊઠતી હોય તેમ મારા દાદાની દિવ્યતા પણ અદ્‌ભુત દીપતી હતી. હળવે રહીને તેમણે પોતાના હાથ નીચે કર્યા. અને પથ્થરવાળો હાથ હવામાં ઉગામ્યો. પથ્થર ઘડીક હાથમાં ગોળગોળ ફેરવ્યો. થોડીક જ વારમાં પહાડ જેવડો આ પથ્થર એટલો ઝડપથી ગોળગોળ ફરવા લાગ્યો કે જાણે કોઈ વિશાળ પંખો ફરતો હોય. તેના લીધે ચારે બાજુ વાવાઝોડાનું એક વર્તુળ સર્જાવા લાગ્યું. આખું ગામ આ વાવાઝોડામાં લપેટાવા લાગ્યું. કોઈ વિશાળકાય પથ્થર ફરતે કોઈ વિશાળકાય પવનનું કપડું બાંધ્યું હોય તેમ પવન તેની ગોળ ગોળ ફરવા લાગ્યો. ધીમે ધીમે આજુબાજુના ઝાડ, ઘર, સરસામાન બધું આ વાવાઝોડામાં પથ્થર ફરતે ગોળ ગોળ ઊડવા લાગ્યું.

મારા મોટા દાદાએ નાના દાદાને હાકોટો કર્યો કે- ‘નાનકા...’ મારા મોટા દાદા નાના દાદાને લાડમાં નાનકો કહેતા. તેમણે કહ્યું કે, ‘નાનકા... આ બધું ઊડે છે એને જલદી નોખું પાડી દે નહીંતર અનર્થ થઈ જશે...”

મારા નાના દાદા ય કંઈ ગાંજ્યા જાય એવા નહોતા. જે પોતાના શર્ટમાં તારાના બટન ટાંકી રાખતો હોય એ માણસ કંઈ જેવોતેવો થોડો હોય ? હેં ? એમણે તો ઝપ્પ દઈને કૂદકો માર્યો અને હવા પર પગ મૂકતા મૂકતા વંટોળમાં આમથી તેમ દોડવા લાગ્યા. મહાકાય પથ્થર ફરતે વીંટળાયેલા ચક્રવાત જેવા વાવાઝોડામાં જે કંઈ ઊડતું હતું તે બધું વીણીને તેમણે એક બાજુ કરી નાખ્યું. તારા દાદા હજી એમ ને એમ જ ખાટલા પર બેઠા હતા. તેમનો ખાટલો પવનમાં ખેંચાઈ રહ્યો હતો. તેમણે એક હાથે પોતાના માથા પરની પાઘડી અને એક હાથે ઢોલિયો દબાવી રાખ્યો હતો. તેમના માથે બાંધેલા ફાળિયામાંથી એક છેડો આ વાવાઝોડા તરફ ખેંચાઈ રહ્યો હતો. ખાટલાની ઘણી દોરીઓ પણ તૂટી તૂટીને વાવાઝોડામાં ખેંચાવા લાગી હતી. હુક્કો પણ પવનમાં ખેંચાઈ રહ્યો હતો, પણ તારા દાદાએ તેની નળી પગ નીચે દબાવી રાખી હતી. તેથી તે જમીન પર આમથી તેમ આળોટ્યા કરતો હતો. આળોટતા હુક્કાનો અવાજ ખણણણ ખણણ ખણણણ ખણણ એવો આવતો હતો. પણ આટલા વાવાઝોડાની સામે એનો અવાજ ભાગ્યે જ સંભળાતો હતો.

‘નાનકા, સાચવજે...’ એટલું કહીને મારા દાદાએ જોરથી આકાશમાં પથ્થર ફેંક્યો. પથ્થર સડસડાટ કરતો આભમાં ગયો. બધા જોતા જ રહી ગયા. બધાને ચિંતા થવા લાગી કે ગયા કામથી. એક ને એક સૂરજના કાણામાંથી આ પથ્થર નીકળે એટલી કોઈ સંભાવના જ નહોતી. ગામલોકો આંખ પર નેજવું કરીને જોઈ રહ્યા હતા. પણ પત્થર તો થોડીક જ વારમાં અદૃશ્ય થઈ ગયો. પથ્થર સૂરજના કાણામાંથી બહાર નીકળીને એનીય પેલે પાર દૂર... દૂર... દૂર... દૂર... ચાલ્યો ગયો હતો. જેવો એ સૂરજ નામના કાણામાંથી પેલી પાર નીકળ્યો કે એક મોટો ઝબકારો થયો. એકાદ સેકન્ડ માટે અંધારું થઈને પાછું અજવાળું થઈ ગયું. આખા બ્રહ્માંડમાં જબરદસ્ત આંચકો આવ્યો અને બધું જ આ પથ્થર પાછળ ખેંચાવા લાગ્યું. પથ્થર એટલો બધો જોરથી ફેંકાયો હતો કે સૂરજ, મંગળ, પૃથ્વી, બુધ, ગુરુ બધા જ આ પથ્થર પાછળ ખેંચાવા લાગ્યા. પથ્થર સડસડાટ કરતો પાંચ હજાર કરોડ પ્રકાશ વર્ષ જેટલો દૂર જઈને ધડામ દઈને કોઈ ચીજ સાથે અથડાયો.”

“પાંચ હજાર કરોડ વર્ષ ? સાલો ગણતરી કરીને બેઠો હોય તેમ બોલે છે.” કલ્પાને મનમાં પ્રશ્ન થયો.

“કોઈ અનન્ય વિશાળ ભીંતમાં કાણું પાડીને પથ્થર નીકળે એમ તેમાંથી એક મહાકાય બાકોરું પાડીને પથ્થર પેલે પાર નીકળી ગયો. મહાકાય એટલે કેવું મહાકાય... ! સૂરજ કરતાં પણ ૬.૮ અબજ ગણું મોટું બાકોરું ! બાકોરાની પેલી પાર કશું જ દેખાતું નહોતું. સાવ અંધકાર, બધું જ કાળું ધબ ! આખા બ્રહ્માંડમાં એવડું મોટું બાકોરું પડી ગયું કે શું કહેવું ? આજકાલ વૈજ્ઞાનિકો આ બાકોરાને બ્લેક હૉલ તરીકે ઓળખે છે.”

“પત્તર ફાડી...” શૌર્ય મનમાં બોલ્યો. “તરંગિયો વાતને ક્યાંથી ક્યાં લઈ ગયો.”

“આજે આટલા યુગો પછી પણ આપણી ગેલેક્સીના બધા જ ગ્રહો પેલા ફેંકાયેલા પથ્થરની પાછળ ખેંચાયા કરે છે અને એક દિવસ બધું જ આ બાકોરા તરફ ખેંચાઈ ખેંચાઈને બાકોરમાં હોમાઈ હશે. તારા દાદાએ સૂરજ નામનું જરીક જેટલું કાણું પાડ્યું તો સામે મારા દાદાએ આખો બ્લેક હોલ જ કરી નાખ્યો. લે લેતો જા...” કહીને તરંગે કલ્પા સામે જોયું. “ફેંકાયેલા પથ્થરની ઝડપ સૂર્યપ્રકાશ કરતાં પણ વધારે હતી. એટલે એની પાછળ બધું પૂરપાટ ઝડપે ખેંચાવા લાગ્યું. આજે પણ કોઈ પ્રકાશ સુધ્ધાં તેના ખેંચાણના એરિયામાં આવે તો તરત તે બ્લેક હૉલ તરફ ખેંચાઈ જાય છે. કેટલો ગતિમાં એ પથ્થર ફેંકાયો હશે વિચાર કર...” કલ્પેને તો હા કે ના બોલ્યા વિના એમ ને એમ જ સામે જોઈ રહ્યો.

“હવે આનાથી તો આગળ જવાય એવું હતું જ નહીં, તારા દાદાની તો બકરી બેં થઈ ગઈ. સાચી વાત ને ?” તરંગ કલ્પા પાસે ના પડાવવા માગતો હતો. પણ કલ્પો હજી પણ મૂંગો હતો.

“હહહહ... બોલ તો ખરો અલ્યા કલ્પા, તારી બકરી કેમ બેં થઈ ગઈ ?” બધા હસવા લાગ્યા.

“શાંતિ રાખ ભોંદિયા.” કલ્પો માત્ર એટલું જ બોલ્યો ઉપર આકાશ તરફ જોવા લાગ્યો.

“તે વખતે બધાના મોઢાં તારી જેમ જ આકાશ સામે હતાં.” કલ્પેન સામે જોઈ તરંગે કહ્યું એટલે કલ્પેને માથું નીચું કરી લીધું. “...ને એમ ને એમ પહોળાં રહી ગયા હતા. મારા દાદાએ એક લાંબો શ્વાસ લીધો અને તારા દાદા સામે જોયું.” તરંગે હજી વાત ચાલુ રાખી. “કોઈ માંસલ અને પડછંદ સિંહના પગ પાસે લુચ્ચું શિયાળ ટૂંટિયું વાળીને પડ્યું હોય એમ તારા દાદા ખાટલાનો પાયો પકડીને પડ્યા હતા. તારા દાદાની તો એવી હાલત થઈ હતી કે મારા દાદાની આંખ સામે આંખ નહોતા મિલાવી શકતા. મારા દાદાએ કહ્યું, “જુઓ ગામલોકો, મારે કોઈને કશું બતાવી નહોતું દેવું. મારે ખાલી આ માણસની શાન ઠેકાણે લાવવી હતી. એણે એની જગ્યા અને મર્યાદા સમજવી જોઈતી હતી. જુઓ... કેવો બિચારો-બાપડો થઈને બેઠો છે. યુગો સુધી સેંકડો ગ્રહો આ બ્લેકહૉલમાં તણાતા રહેશે ને ધરાબાતા રહેશે. અનેક સંસ્કૃતિઓ નાશ પામશે. આ મહાવિનાશનો એક માત્ર જવાબદાર આ માણસ જ હશે. મેં એને પથ્થર ફેંકવા માટે ચેતવ્યો હતો, પણ એ માન્યો નહીં. હવે એનું પરિણામ સમગ્ર સૃષ્ટિ ભોગવશે.”

ગામલોકો તારા બાપાને ધિક્કારવા લાગ્યા. આજે પણ તારા બાપાના પાપને લીધે આખા બ્રહ્માંડને વિનાશ વહોરવો પડ્યો છે. તારા દાદાએ જીદ ન કરી હોત તો મારા દાદાએ એ પહાડ ન ફેંક્યો હોત અને બ્લેકહૉલ પણ ન સર્જાયો હોત. દુનિયાના બધા જ વૈજ્ઞાનિકો આજેય ગોથાં ખાય છે એને સમજવા. પણ હજી સમજી શક્યા નથી.”

તરંગની વાત સાંભળીને કલ્પેન અંદરને અંદર સમસમી ગયો હતો. “એમ કંઈ પથ્થર ફેંકવાથી અવકાશમાં બ્લેક હૉલ થોડો થાય ?” એવું મોટે-મોટેથી બૂમ પાડીને કહેવાની ઇચ્છા થઈ ગઈ, પણ તે સાવ ચુપ જ રહ્યો. આખું ગપ્પું કલ્પાના માથામાં જાણે કોઈએ હથોડો માર્યો હોય એમ વાગ્યું હતું. શું બોલવું ને શું ન બોલવું એ તેને સમજાતું નહોતું.

“તારા દાદાએ પત્થર ફેંકીને આ બ્લેકહૉલ બનાવ્યો છે એમ ?” શૌર્યએ આશ્ચર્યથી કહ્યું.

“તો શું કંઈ એમનેમ થયું છે આવડું મોટું બાકોરું ?”

“હા ભાઈ હા, તારી વાત સાવ સાચ્ચી છે હોં.” કહીને કલ્પેને રમતનો નિયમ આબાદ પાળી બતાવ્યો. એણે તો ઘણી ના પાડવી’તી કે સાલા ગપ્પાનીયે હદ હોય. તું તો હાંકવામાં કંઈ બાકી જ નથી રાખતો. પણ તેણે એવું કશું ન કર્યું અને હામાં હા જ રાખી.

“સાચ્ચી વાત હોય તો હવે તમે સંભળાવો પ્રભુ...” તરંગે તૂટેલા દાંત પર જીભ ફેરવી.

કલ્પાને તાત્કાલિક એવું કોઈ ગપ્પું સૂઝતું નહોતું કે હવે આની સામે આનાથી મોટું કયું ગપ્પું મારી શકાય ? હવે હું શું કહું? તે ગૂંચવાયો હોય એવું લાગતું હતું. તેનો ચહેરો જોઈને તરત જ તરંગે કહ્યું.

“શું વિચારો છો પ્રભુ ? આંટા ઢીલા થઈ ગયા આપના ?” તરંગે માનવાચક શબ્દમાં મજાક ઉડાવી.

“ધીરજ રાખ, ધીરજ રાખ તરંગિયા...’ કલ્પાએ ગુસ્સે થયા વિના કહ્યું.

“તો બોલ હવે, તારો વારો છે. હુંય જોઉં હવે તું શું ઉકાળે છે.”

કલ્પેન દાઢી પર હાથ ફેરવવા લાગ્યો. નીચલો હોઠ બે આંગળી વચ્ચે પકડીને હોઠ હલાવવા લાગ્યો. તે કંઈક વિચારી રહ્યો હતો. તેને થયું કે કોઈ પણ રીતે હવે તરંગને થાપ આપવાની છે. પણ શું કહું તો થાપ આપી શકાય? આવડા મોટા ગપ્પાની સામે કહેવા જેવું કશું બચ્યું જ નથી. હવે કહેવુંય શું? પણ ગપ્પું તો છેવટે ગપ્પું જ હોય. મોટું કે નાનું ! કંઈક તો મારે આનો જવાબ આપવો જ પડશે.

“હહહહ... તારો ટાઇમ હવે ચાલુ થાય છે કલ્પા...” ભોંદુએ તેનું અમ્પાયરપણું વ્યક્ત કર્યું. “દસ મિનિટ છે તારી પાસે...”

“અંમ્‌... દસ મિનિટ... દસ મિનિટ... દસ મિનિટ....” એક સાથે ત્રણ વાર બોલી ગયો અને ઠંડી ચડી હોય તેમ બેઉં હાથની હથેળીઓ એકમેક સાથે ઘસવા લાગ્યો.

“જલ્દી કર કલ્પા... દસ મિનિટ પૂરી થતા શું વાર...” શૌર્યએ કહ્યું.

“અરે દસ મિનિટ પહેલાં તો કંઈક આવી જશે, રહે તો ખરો...”

“બોલ બોલ, જલદી બોલ...”

“જો ભાઈ, આપણે તરંગિયા જેવા મહાન ગપ્પેબાજ તો છીએ નહીં.” એમ કહીને પોતાની નમ્રતા વ્યક્ત કરી.

“તો હવે હાર સ્વીકારી લો પ્રભુ.”

“અરે પ્રભુજી આપ સાંભળો તો ખરા...” કલ્પેને પણ તરંગ જેવી જ સ્ટાઇલ મારી.

“હહહહ... પ્રભુ-પ્રભુ કર્યા વિના વાત આગળ વધારોને ટણપાઓ..” ભોંદુ ચીડાયો.

“જુઓ ભાઈઓ, હું તરંગિયા જેટલું નહીં પણ મારી જેટલું તો ગપ્પું મારી શકું ને ?”

“હા, તો માર ને ભૈ...”

“સારું ત્યારે વાત શરૂ કરું.” કહીને કલ્પેને પોતાની વાત શરૂ કરી.