ગપ્પાં (Gappan) (પ્રકરણ-4) Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગપ્પાં (Gappan) (પ્રકરણ-4)

પ્રકરણ : ૪

“કલ્પેન ! તેં પતંગ ચગાવી અને અને એમાં વિમાન ફસાઈ ગયું ! મજા આવી ગઈ.” તરંગે કલ્પેનની વાતને સન્માની અને આયુની સામે આંખ મારી. આયુ તેની સામે જરાક મલક્યો.

“પણ કલ્પા તને એક વાતની ખબર છે ?”

“કઈ વાત ?”

“તું પતંગની દોરી પર ચાલી રહ્યો હતો, ત્યારે તારા ખભા પર આવીને એક પંખી બેસી ગયું હતું.”

“પણ બોસ, કલ્પાની વાતમાં તો એકેય પંખી આવ્યું જ નથી.” શૌર્યએ પ્રશ્ન કર્યો.

“તારી ભૂલ થાય છે શૌર્ય, કલ્પો જ્યારે પતંગની દોરી પર ચાલતો હતો ત્યારે એના ખભા પર એક પંખી આવીને બેસી ગયું હતું અને કલ્પો ડગમગવા લાગ્યો હતો. બેસી ગયું ’તું કે નહીં કલ્પા ?”

કલ્પાના મોંમાં “ના” એવો શબ્દ આવી ગયો, ત્યાં જ એ થોભી ગયો. એને સમજાઈ ગયું કે તરંગ પહેલા જ ઘાએ એને ના પડાવી દેવા માંગે છે. કોઈ માણસ પૂરપાટ દોડતા દોડતા અચાનક વળાંક લે અને લથડિયું ખાઈ જાય તેમ કલ્પાની જીભ થોડું લથડિયું ખાઈ ગઈ અને ‘ના’ શબ્દ બોલવાને બદલે તે બોલ્યો, “ન્ન્ત્ત્તો શું છે એ પંખીનું ?”

તરંગને લાગ્યું કે આ માણસ સહેલાઈથી ના નથી પાડે એવો. “એ પંખી ક્યાં જઈ રહ્યું હતું તને ખબર છે ?”

કલ્પેન મૂંઝાયો. તરંગ શું કહેવડાવવા માગે છે તેની પાસે તે તેને સમજાતું નહોતું. “મને નથી ખબર તે ક્યાં જઈ રહ્યું હતું. એવું કહીશ તો તરત જ હારી જઈશ.” કલ્પેન વિચારોના ચકરાવે ચડ્યો.

“પંખી તો આકાશમાં ઊડતું હતું અને ઊડતાં ઊડતાં થાકી ગયું હશે એટલે મારા ખભે થાક ખાવા બેઠું હશે.” કલ્પેને બાજી જાળવી રાખવા પ્રયાસ કર્યો.

“પણ થાક ખાઈને પછી તે ક્યાં ગયું તેની તને ખબર છે ?”

“તું મને પ્રશ્ન પૂછે છે કે તારી વાત માંડે છે ?” કલ્પેને મૂળ મુદ્દા પર આવવા કહ્યું.

“હું મારી વાત જ માંડી રહ્યો છું, પણ હું તને જે પ્રશ્ન પૂછી રહ્યો છું તેની સાથે મારી વાતનો સીધો સંબંધ છે.”

“તો શું તારી ટીપીકલી કોમેન્ટ્રી સ્ટાઇલમાં તું એવું સાબિત કરવા માગે છે કે એ પંખી ઊડીને સ્વર્ગમાં ગયું હતું ? એની પાંખ પર તેણે ચંદ્રનો ગોળો ઉપાડ્યો હતો ? એ તો વિષ્ણુનુ વાહન ગરુડ હતું એવું સાબિત કરવા માગે છે તું ?”

“ઉંહું, હું એવું કશું સાબિત કરવા માગતો નથી. પણ મારે તો જે છે તે જ કહેવું છે.”

“તો પ્રશ્નો પૂછ્યા કરતાં તારે જે કહેવું છે એની પર ફોકસ કર ને...”

“ઠીક છે, તને તો ક્યાંથી ખબર હોય, પંખી પછી ઊડીને ક્યાં ગયું.”

“ક્યાં ગયું ?” આયુએ પૂછ્યું.

“જટિંગા !”

“જટિંગા ?” આયુએ તરંગનો શબ્દ પ્રશ્નાર્થભાવ સાથે દોહરાવ્યો.

“હા.”

“કેમ ત્યાં શું કામ ગયું હતું ?”

“આત્મહત્યા કરવા...”

“આત્મહત્યા ?” શૌર્ય અને આયુ બંનેના મોંમાથી આશ્ચર્ય સાથે નીકળી ગયું.

“હા. મને ખબર જ હતી, તમે સાંભળશો તો તમને આશ્ચર્ય થશે જ. પણ આ સાવ સાચ્ચી વાત છે.” તરંગને જે વાત કરવી હતી તેની માટેનો માર્ગ કદાચ હવે મોકળો થઈ ગયો હતો.

“જટિંગા આસામનું એક સ્થળ છે. તે આસામના પહાડી વિસ્તારોમાં આવેલું છે. આખો પહાડી વિસ્તાર અનેક વૃક્ષોથી છલકાય છે. ત્યાંની હરિયાળી કોઈનું પણ મન મોહી લે તેવી છે. આ હરિયાળા વિસ્તારમાં આવેલાં એક લીલાછમ ઊંચા પહાડ પર બે પંખીઓ રહેતાં હતાં. તે બંને પ્રેમાળ પંખીને ત્યાં મારો જન્મ એક પંખી તરીકે થયો હતો.”

ભોંદુએ તેની સામે એકદમ વિચિત્ર રીતે જોયું.

“બે ભોંદિયા, આ રીતે ના જો મારી સામે... પુનર્જન્મ વિશે તો સાંભળ્યું છે ને તેં ?”

“હહહહ... આ જનમ તો પૂરો નથી થયો, પુનર્જન્મ ક્યાંથી થાય ?”

“બે ભોંદિયા, કંઈક દિમાગ તો દોડાવ, આગળના જનમ જેવું તો કંઈ હોય કે નહીં ? હિન્દુ સંસ્કૃતિમાં તો ચોર્યાસી લાખ જનમોની વાત કરવામાં આવી છે.”

“હહહહ.... હા હવે, સમજી ગયો. તારો જન્મ પંખી તરીકે થયો હતો. પછી આગળ બોલ.” ભોંદિયાએ લપ કર્યા વિના ટૂંકમાં પતાવ્યું.

“મારા માબાપે મને ચણતા શીખવ્યું, ઊડતાં શીખવ્યું. હું કાલી કાલી ભાષામાં ટહુકતો, એક ડાળ પરથી બીજી ડાળ પર જતો, ધીમે ધીમે પાંખો ફફડાવતાં ફફડાવતાં અને ઊડતાં શીખ્યો. ધીરે ધીરે હું બધે જવા લાગ્યો હતો.

એક દિવસ મેં જોયું કે એક સુંદર પંખીણી નદીકિનારે આવેલાં એક ઝાડની ડાળી પર બેસીને ગીત ગાઈ રહી હતી. તેનું ગીત સાંભળીને હું મુગ્ધ થઈ ગયો. હું તેનાથી થોડે દૂર બેઠો બેઠો તેનું ગીત સાંભળતો રહ્યો. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. તે ઊડતી ઊડતી આવતી અને એ ડાળી પર બેઠી બેઠી ગીત ગાતી. પછી નદીનાં છીછરા પાણીમાં નહાતી. હું તેને દૂરથી જોઈ રહેતો. ગીત ગણગણતાં ગણગણતાં અચાનક તેનું ધ્યાન મારી પર પડ્યું. તે શરમાઈ ગઈ અને ઊડી ગઈ. હું બીજા દિવસે ત્યાં ગયો ત્યારે પણ તે ગીત ગણગણતી હતી, પણ તે આજુબાજુ વારંવાર નજર કરી લેતી હતી. કદાચ તે મને શોધી રહી હતી. જેવો તેણે મને જોઈ લીધો કે તરત જ તેણે ગાવાનું બંધ કરી દીધું.

“કેમ રોજ છાનામાના તું મારું ગીત સાંભળ્યા કરે છે ?” તેણે મને પ્રશ્ન કર્યો.

“તારું ગીત સાંભળવું મને ગમે છે.” મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ.

“તો શું તું મને તારું ગીત નહીં સંભળાવે ?” મારો આવો પ્રશ્ન સાંભળીને તે કશું બોલ્યા વિના હસતા હસતા ઊડી ગઈ. હું તેને ઊડતી જોઈ રહ્યો. પછી તો આ અમારો રોજનો ક્રમ થઈ ગયો હતો. અમે હવે હળતાં-ભળતાં અને વાતો કરતાં પણ થઈ ગયાં હતાં. સાચું કહું તો અમે એકબીજાનાં પ્રેમમાં પડી ગયાં હતાં. અમે સાથે સાથે ડાળી પર બેસતાં, ગીતો ગાતાં, ઊડતાં, બધે જતાં. ખૂબ મજાની જિંદગી હતી. અમારી સાથે બીજાં પણ અનેક પંખીઓ આવતાં થયાં હતાં. બીજાં પંખીઓની દોસ્તી પણ થઈ ગઈ હતી. બધા સાથે મળીને હવે ફરવા જતાં. ખોરાક શોધવા જતા. પણ અમારી ખુશી વધારે દિવસ ન ટકી.

એક દિવસ એક શિકારી આવ્યો જંગલમાં. તેણે જાળ બિછાવીને અમારામાંથી ઘણાં પંખીઓને પકડી લીધાં. તેમાં મારી પ્રેમિકા પણ હતી. મેં મારા અનેક મિત્રોને ભેગાં કર્યા અને કહ્યું કે શિકારી આવીને આપણી જ્ઞાતિનાં અનેક પંખીઓને ઉપાડી જાય છે. અમારા વડવા પંખીઓ પણ એકઠાં થઈ ગયાં. એક વૃદ્ધ પંખીએ કહ્યું, “આ તકલીફ દર વખતે થાય છે. થોડો સમય થાય એટલે કોઈ ને કોઈ શિકારી આવી જાય છે અને પંખીઓને ઉપાડી જાય છે. આપણે તેનાથી મુક્તિ મેળવવી જ જોઈએ.”

“હા, તેનાથી મુક્તિ મેળવવી જ જોઈએ.” બીજા પંખીએ સૂર પૂરાવ્યો.

“પણ શિકારી જે પંખીઓને પકડી ગયો છે તેને પણ છોડાવવાં જોઈએ.” મેં કહ્યું.

“તેમને છોડાવી શકાશે કે નહીં તે હું જાણતો નથી. પણ હવે જે થાય તે તો અટકવું જ જોઈએ.” તેણે નિરાશભાવે કહ્યું. એવામાં એક પંખી ઊડીને આવ્યું અને તેણે સમાચાર આપ્યાં કે પેલો શિકારી હજી ત્યાં જ છે. તેણે બધાં પંખીઓને એક થેલામાં પૂરી દીધાં છે અને આરામ કરવા બેઠો છે.

“તો આ જ સમય છે. આપણે તેને બરાબરનો પાઠ ભણાવીએ.” વૃદ્ધ પંખીએ કહ્યું.

“હા, ચાલો બધા.” મેં પણ મારો અવાજ પણ બુલંદ બનાવ્યો. મારે ઝડપથી મારી પ્યારી પંખીણીને મળવું હતું. અમે બધા એક સાથે બૂમાબૂમ કરતા ઉપડ્યા નદી તરફ. નદી તરફ જોયું તો કિનારા પર એક થેલો પડ્યો હતો. તેમાં અનેક પંખીઓ તરફડતાં હતાં. નદીકિનારે એક માણસ બેઠો હતો. તે કદાચ હાથપગ ધોઈ રહ્યો હતો. અમને ખબર પડી ગઈ કે તે શિકારી છે. બધાં પંખીઓ એક સાથે તૂટી પડ્યાં તેની પર.

તે નદી તરફ નીચે વળેલો હતો ત્યારે અમારામાંથી એક મોટા પંખીએ તેના માથામાં જઈને એક જોરદાર ચાંચ મારી. તેના માંથીમાંથી લોહી દદડવા લાગ્યું. તેને કંઈ સમજાય તે પહેલાં બીજા બે પંખીએ એક સાથે તેની પર હુમલો કર્યો અને જેટલું બળ હતું તેટલા બળથી આંખમાં ચાંચ મારી તેની બંને આખો ફોડી નાખી. તેના હાથમાં કોઈ અલગારી જેવી લાકડી હતી. તે લાકડી નીચે પડી ગઈ. આંખો ફૂટવાને કારણે તે ભયંકર રીતે ચીસો પાડવા લાગ્યો. નીચે નમીને તે પોતાની લાકડી શોધવા લાગ્યો.

તે મોટેમોટેથી બૂમો પાડીને અમને કશુંક કહી રહ્યો હતો. પણ અમને માણસની ભાષા સમજાતી નહોતી. કદાચ તે અમને ભાંડી રહ્યો હતો. મારવાનું બંધ કરવાનું કહી રહ્યો હતો. પણ અમે અટક્યા નહીં. બધાં ચાંચ ઉપર ચાંચ મારી રહ્યાં હતાં. અમુક પંખીઓએ તેનાં કાન તોડી નાખ્યાં. અમુકે માથામાં એટલી બધીં ચાંચો મારી કે તે લોહીથી લથબથ થઈ ગયો. આખરે તે ત્યાં જ ઢળી પડ્યો. શિકારી ઢળી પડવાને લીધે અમે રાજી થઈ ગયા. અમને લાગ્યું કે હવે કાયમી ઉકેલ આવી ગયો. અમે બધાએ ભેગાં થઈને થેલામાં બાંધી રાખેલાં પંખીઓને છોડાવ્યાં. તેમાંથી અમુક પંખીઓ તો મુંઝાઈને બે ભાન થઈ ગયાં હતાં.

વર્ષાઋતુનો એ સમય હતો. આકાશમાં બરોબરનાં વાદળો જામ્યાં હતાં. સાંજ પડી ગઈ હતી. ચારે તરફ કાળું ભમ્મર અંધારું છવાઈ ગયું હતું. કદાચ એ રાત અમાસની રાત હતી. પવન ફુંકાવાનો ચાલુ થઈ ગયો હતો. જોતજોતામાં તો ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો.

વરસાદ પોતાના ચહેરા પર પડવાને લીધે પેલો શિકારી થોડો ભાનમાં આવ્યો. અમે ફરીથી તેને બરાબરનો મેથીપાક ચખાડવા માગતા હતા. પણ ચાલુ વરસાદમાં અમારાથી બરોબર ઊડી શકાય તેવું નહોતું, તેથી અમે તેને પડતો મૂકીને સલામત આશરો શોધવા લાગ્યાં. બેભાન થઈ ગયેલાં પંખીઓ પણ ભાનમાં આવ્યાં.

પેલો માણસ ધીમે ધીમે ઊભો થયો. આંખો ફૂટી જવાને લીધે તેને કશું દેખાતું નહોતું. તે ક્યાંય સુધી પોતાની આજુબાજુ હાથ ફેરવતો રહ્યો. આખરે તેણે પોતાની છડી શોધી કાઢી. છડી હાથમાં આવતાની સાથે તે મોટેથી ચિત્કારી ઊઠ્યો. તેનો ચિત્કાર જાણે આખા વનમાં ફેલાઈ ગયો. તે પીડાથી કણસી રહ્યો હતો. તેની આભા, તેનાં લક્ષણો જોતાં લાગતું નહોતું કે તે શિકારી હશે. વનનું પાંદડે પાંદડું તેના ચિત્કાર સાથે ધ્રૂજવા માંડ્યું હતું. અમને લાગ્યું કે હવે જે થશે તે કદાચ સૌથી ખતરનાક હશે. અમે વહેલી તકે સલામત સ્થળે જવા માગતા હતા.

અંધ આંખે જ કશુંક બબડતાં બબડતાં તેણે પોતાની છડી ઘૂમાવી. વરસાદ વધવા લાગ્યો. પવન પણ જોરજોરથી ફૂંકાવા લાગ્યો.

“પંખીઓ ! હું તમને શિકારીના પંજામાંથી છોડાવા આવ્યો હતો. શિકારીને મેં નદીમાં ફેંકી દીધો. હું તમને છોડાવું એ પહેલાં તમે મારી પર વાર કરવા લાગ્યાં. મેં મારી યુગોની તપશ્ચર્યા અધૂરી મૂકીને તમને છોડાવવાનું નિર્ધારિત કર્યું હતું, પણ મારી ભલમનસાઈનો તમે આવો બદલો આપ્યો ?”

માથામાં જટા અને હાથમાં છડી બાંધેલો આ માણસ શિકારી નહીં, પણ એક ઋષિ હતો. અમે તેને શિકારી સમજવાની બહુ મોટી ભૂલ કરી બેઠાં હતાં.

“તમે મારા કાર્યનો જે બદલો આપ્યો તેનું પરિણામ તમારે યુગો યુગો સુધી ભોગવવું પડશે... જાવ હું તમને શ્રાપ દઉં છું કે દર વર્ષે આવી જ કોઈ અમાસની રાતે, જ્યારે ધોધમાર વરસાદ વરસતો હોય, ચારે બાજુ ધુમ્મસ હોય, હવા દક્ષિણથી પશ્ચિમ તરફ ફુંકાતી હોય ત્યારે તમે કોઈ શિકારીને હાથે નહીં, પણ તમારી જાતે જ મૃત્યુને વહોરશો. તમે જાતે જ આત્મહત્યા કરી-કરીને મરશો.” આટલું કહીને તે ઋષી કોઈ રોશનીનો પ્રકાશ થઈને અદૃશ્ય થઈ ગયો. “આત્મહત્યા કરી-કરીને મરશો... આત્મહત્યા કરી-કરીને મરશો...” તેવા પડઘા વરસાદ અને ફુંકાતા પવનો વચ્ચે પણ ક્યાંય સુધી પડતા રહ્યા.

તે ઋષિના શ્રાપને લીધે આજે પણ આસામના જટિંગા નામના સ્થળે વરસતા વરસાદમાં, કોઈ અંધારી રાતે જટિંગા ગામની રોશની સામે જઈને દર વર્ષે અનેક પંખીઓ આત્મહત્યા કરી લે છે. આનું કારણ આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો નથી જાણી શક્યાં કે પંખીઓ કેમ આત્મહત્યા કરે છે. તમને ખાતરી ન થતી હોય તો તમે જાતે જટિંગા જઈને જોઈ લો.” તરંગ જાણે પોતાના પૂર્વજીવનની હકીકત કહેતો હોય એવી અદાથી પૂરાવા સહિતની વાત કરી.

“શું બૂડથલ જેવી વાત કરે છે.” કલ્પાને એવું કહેવાનું મન થઈ ગયું. પણ તે કશું બોલ્યો નહીં. ખાલી એમને એમ જોઈ રહ્યો.

“હહહહ... શું જોઈ રહ્યો છે કલ્પા ?” ભોંદુ બોલ્યો.

“બસ કંઈ નહીં.”

“હહહહ... તો બોલ, તરંગની વાત સાચી છે કે ખોટી ?”

“સાચી જ હોય ને.’ તેણે સહજતાથી વાત સ્વીકારી. “તરંગે પોતાના અગાઉના જીવનની વાત કરી છે એ કંઈ ખોટી થોડી હોય?” હવે કલ્પેન પણ જાણે ટોન્ટ મારતો હોય તેમ તરંગની સામે જોઈને બોલ્યો.

“હહહહ.... સારું કલ્પા, હા પાડતો હોય તો તું તારી વાત શરૂ કર.” ભોંદુ પોતાનું અમ્પાયરપણું બતાવતા બોલ્યો.