એક પતંગિયાને પાંખો આવી - 27 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 27

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 27

વ્રજેશ દવે “વેદ”

“મને લાગે છે કે ડ્રાઇવરે આપણને જોઈ લીધા છે. તે પાછળ પાછળ જ આવશે. કાર ખૂબ ઝડપથી ભગાડો.” વ્યોમા વ્યગ્ર થઈ ગઈ. કાર દોડવા લાગી કોઈ અજાણી દિશામાં.

“સૌ પહેલાં તમારા મોબાઇલ સ્વિચ ઓફ કરી દો. મોહા પાસે તમારા મોબાઈલ નંબર છે જ. તે તરત જ તમને કોલ કરશે.” નરેશે સૂચના આપી.

મોબાઈલ સ્વિચ ઓફ કરે તે પહેલાં જ મોહાનો કોલ વ્યોમા પર આવી ગયો. રિંગ વાગવા માંડી. નરેશે ઈશારો કરી તેને વાગવા દેવા કહ્યું. નીરજાનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. રિંગ વાગતી બંધ થઈ ગઈ.

ફરીથી વાગવા લાગી. ફરીથી તેને વાગવા દીધી. બાદમાં વ્યોમાએ પણ સ્વિચ ઓફ કરી દીધો.

“તેની કાર પીછો કરતી પાછળ જ આવી રહી છે.“ નરેશે સૌને સાવધ કરી દીધા.

“વિશાલ, કોઈ પણ સંજોગોમાં તેને ઓવરટેક કરવા નથી દેવાનું.” નરેશે તેની કારના ડ્રાઇવરને સુચના આપી.

વિશાલે કારની ગતિ વધારી દીધી,” ઓ કે બોસ.”

બંને કાર વચ્ચે અંતર વધવા લાગ્યું. વિશાલે કોઈ સ્વિચ દબાવી. કોઈ અવાજ આવ્યો. નીરજા ચોંકી ગઈ.

“ચિંતા ના કરશો. વિશાલે ગાડીની નંબર પ્લેટ બદલી નાંખી છે. હવે આ ગાડીનો નંબર છે ML-05 3816.“ નરેશે હિમ્મત આપી.

નીરજા વિચારવા લાગી. તેના મનમાં અનેક સવાલો જાગી ગયા. નરેશ કોઈ સાધારણ વ્યાપારી લાગતો નથી. કોઈ જાસૂસી કથાના નાયક જેવો લાગે છે. કશુંક તો હજુ પણ રહસ્ય છે, તેની આસપાસ.

“મિસ્ટર નરેશ, આપ ખરેખર કોણ છો?” નીરજાએ સવાલ કર્યો.

“કોઈ વ્યાપારી તો નથી જ લાગતા.” વ્યોમાએ શંકા જાહેર કરી.

“કેમ, વ્યાપારી જ છું.” નરેશે હળવાશથી જવાબ આપ્યો.

“તો પછી આ કાર, ....” નીરજા બોલવા જતી હતી પણ નરેશે વચ્ચે જ તેને કાપતા કહ્યું, “ અહીં આતંકવાદીઓનો ભય સતત રહે છે. તેઓ વ્યાપારીઓને લૂંટવા માટે સતત સક્રિય રહેતા હોય છે. તેઓ પાસે દરેક વ્યાપારીની બધી જ વિગતો હોય છે. ગાડી નંબર પણ. તેનાથી બચવા મારા આ મિત્ર વિશાલે આ યુક્તિ કરી છે. તે ગાડીનો નંબર બદલી શકે છે. અહીં બેઠા બેઠા. તે કોઈ પણ નંબર મૂકી શકે છે. મળો મારા આ મિત્ર વિશાલ વ્યાસને.”

બન્નેએ વિશાલ તરફ નજર કરી. તે કાર હંકાર્યે જતો હતો. તેના હોઠો પર સ્મિત હતું. તે ખૂબ જ કોન્ફિડંટ લાગતો હતો. પણ સાવધ પણ લાગતો હતો.

“એ તો ઠીક પણ...”વ્યોમાને પણ વચ્ચેથી જ અટકાવી નરેશ કહેવા લાગ્યો,”એ બધું પછી. પહેલાં એ વિચારો કે હવે શું કરવું છે. કયાઁ જવું છે? મોહાની નજરમાંથી છટકીને કેમ રહેવું છે. શું પ્લાન છે તમારો?”

“કશુંય વિચાર્યું જ નથી.” નીરજાએ જવાબ આપ્યો.

“મને લાગે છે કે અમો આ કારમાં વધુ સલામત છીએ.” વ્યોમા નરેશની તરફ નજર કરી બોલી. વિશાલે વ્યોમા તરફ નજર કરી. તેની નજરમાં સ્પષ્ટ ના હતી.

કાર સતત દોડી રહી હતી.

“મને અવશ્ય ગમત કે તમો આ કારમાં અમારી સાથે રહો. પણ વધુ સમય આપણું સાથે રહેવું, તમારા તેમજ અમારા બંને માટે પણ જોખમી છે. માટે આપણે માત્ર પાંચ જ મિનિટમાં છૂટા પડવું પડશે.” નરેશે વાતને વધુ સ્પષ્ટ કરી.

નીરજા વિચારતી રહી. તેણે ફટાફટ ઘણું બધું વિચારી લીધું. કારની ગતિ વધવા લાગી.

“સૌ પ્રથમ તો અમે બંને ..”નીરજા કશું કહેવા જતી હતી પણ વિશાલે તેને તેમ કરતાં રોકી. તેણે નરેશને સંકેત કર્યો.

નરેશ પાછળ ફર્યો. પાછળની સીટ તરફ વંકાયો અને વ્યોમાને ઉપરથી નીચે તરફ ધ્યાનથી નિરખવા લાગ્યો. અચાનક તેણે વ્યોમાના ડાબા ખભા પર હાથની તરાપ મારી. તેના ટી-શર્ટ પર ચપટી ભરીને કશુંક ઉખાડી નાંખ્યું. મુઠ્ઠીમાં દબાવી દીધું.

કારે એક તેજ વળાંક લીધો.

વ્યોમા અને નીરજા નરેશના આ કૃત્યથી ડઘાઈ જ ગયા. તેઓને કશું ય ના સમજાયું. વ્યોમાનું ટી-શર્ટ થોડું ખેંચાઇ પણ ગયું. તે ગુસ્સે થઈ ગઈ,” આ શું છે, નરેશ?”

“શાંત થઈ જા.”નરેશે પોતાની મુઠ્ઠી ઊઘડતા કહ્યું,” તારા ડાબા ખભા સાથે મોહાએ કેમેરો અને માઈક્રોફોન જોડી દીધા હતા. આ નેનો કેમેરો છે. તેમાં માઈક્રોફોન પણ છે. તમારી બધી હિલચાલ અને વાતચીત પર નજર રાખવા માટે મોહાએ આનો ઉપયોગ કર્યો છે.”

“એવું તે કેવી રીતે એ કરી શકી?” નીરજા હવે સ્થિતિને ઝડપથી સમજવા લાગી હતી.

“મોહાએ આવકારમાં એક આલિંગન આપેલું, એ યાદ છે તને, વ્યોમા?”

“હા, બિલકુલ યાદ છે.”

“બસ. એ આલિંગનમાં જ તેણે બધો ખેલ પાડી દીધો હતો.”

“તેણે મને પણ આલિંગન આપેલું. તો શું મારા સાથે પણ તેણે એમજ કર્યું હશે?” નીરજા હવે વધુ સાવધ અને જાગૃત બનવા લાગી.

નરેશે હવે નિરાજાને પણ ધ્યાનથી જોવા માંડ્યુ. અડધી મિનિટમાં જ તેણે ચકાસી લીધું કે નીરજા સાથેના આલિંગનમાં મોહાએ એવું કોઈ કપટ નથી કર્યું.

“ના, એક જ કેમેરાનો ઉપયોગ કર્યો છે.”

“કેવી રીતે ખબર પડી કે બીજો કેમેરો નથી લગાડ્યો?” વ્યોમાએ જાગરુકતા બતાવી.

“એ પછી, પહેલાં એ કહો કે વ્યોમાના શરીર સાથે કેમેરો લાગ્યો છે તે કેમ ખબર પડી?” નીરજાએ વચ્ચે જ નવો સવાલ કરી દીધો.

“ચાલો એ બધું ફરી ક્યારેક. હાલ તો જલદીથી છૂટા પડવાની યોજના બનાવો.” વિશાલે સમયની ગંભીરતા પારખી કહ્યું. મોહા વાળા ગુપ્ત કેમેરાને ગાડીના સીટ કવરમાં છુપાવી દીધો.

કાર હાઇવે પર દોડતી રહી.

નરેશ સમજી ગયો વિશાલનો સંકેત. તેણે બે નવા સીમકાર્ડ કાઢ્યા. બંનેને એક એક આપતા કહ્યું,” તમારા મોબાઈલના સીમકાર્ડના નંબર મોહા અને તેની ગેંગ પાસે છે જ. માટે તેને ભૂલથી પણ ચાલુ કરવાના નથી. હમણાં જ તે સિમને કાઢી નાંખો અને તેની બદલે આ નવા સિમ લગાડી દો.”

બંનેએ સિમ બદલી નાંખ્યા.

“તમારો સમગ્ર પ્લાન તમે મોહાને કહી ચૂક્યા છો, રાઇટ?”

“હા. એક એક પળનો પ્લાન તેને ખબર છે. ક્યારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે...”

“અરે, પ્લાન મોહાએ જ તો બનાવ્યો છે.” વ્યોમાએ વાસ્તવિક્તા કહી દીધી.

“તો, તમારે હવે પૂરો પ્લાન બદલી નાંખવાનો છે.”

“તો?” બંને એક સાથે બોલી ઉઠી.

“સૌ પહેલાં આ શહેર છોડીને, તરત જ શિલોંગ ચાલ્યા જાઓ. ત્યાં તમારી ઉતરવાની વ્યવસ્થા પણ કોઈ જગ્યાએ મોહાએ જ કરી હશે ને?”

“હા. મોહાએ જ કરી છે.”

“તમારે ત્યાં નથી જવાનું. હું શિલોંગમાં એક હોટેલના માલિકને જાણું છું. તેને ફોન કરી દઉં છું. તમારી રૂમ બૂક થઈ જશે. અને તમારી માહિતી પણ ગુપ્ત જ રહેશે.”

“ઠીક છે.”

નરેશે ફોન પર કોઈ જોડે વાત કરી હોટેલ બૂક કરી લીધી. તેણે નીરજાને હોટેલની પૂરી માહિતી આપી દીધી,”બસ સ્ટેશનની બાજુમાં જ એ હોટેલ છે, હોટેલ બ્રિંદા. તે સલામત પણ છે. રૂમ નંબર 107 તમારા માટે બૂક હશે. તમારે મિસ સોનાને મળવાનું છે.”

“પણ શિલોંગ પહોંચવું કેવી રીતે?”

મોહાની કાર પાછળ જ આવી રહી હતી. નંબર પ્લેટ બદલીને વિશાલે તેને ગુમરાહ તો કરી હતી, પણ તે કારે પીછો છોડ્યો ન હતો. કારણ કે પેલા કેમેરાના સિગ્નલ વડે મોહા તેને ફોલો કરતી હતી. એટલે જ કાર તેનો પીછો કરતી રહી.

“મોહા સતત આપણી કારનો પીછો કરી રહી છે. તે પેલી ડિવાઇસના આધારે આપણું લોકેશન જાણી રહી છે. અને સતત પાછળ જ આવી રહી છે. માટે સૌથી પહેલાં મોહાના રડારમાંથી નીકળીને કોઈ સલામત સ્થળે જવું પડશે. ત્યાંથી નજીકના કોઈ બસ સ્ટોપ પર તમને ડ્રોપ કરી દઇશું. તમે બસ પકડી શિલોંગ પહોંચી શકશો.”

“તો તમે પેલી ડિવાઇસને ફેંકી કેમ નથી દેતા?” નીરજાએ સંદેહ વ્યક્ત કર્યો.

કાર રોડ પરના લાંબા ઢાળ પરથી તિવ્ર ગતિથી નીચે ઉતરવા લાગી.

“તેમ કરવાથી મોહાને થોડા સમય માટે ધોખો આપી શકાશે પણ તે તરત જ સમજી જશે. તે વધૂ જાગૃત થઈ જશે.” નરેશે સમજાવ્યું.

“અને જ્યારે તમે અમારાથી છૂટા પડશો, ત્યારે તેને ગેરમાર્ગે દોરવામાં ઉપયોગી થશે. તમે બસમાં શિલોંગ તરફ જઇ રહ્યા હશો અને અમે કોઈ બીજી દિશામાં જઇ રહ્યા હશું, ત્યારે પેલી ડિવાઇસ આ કારમાં જ હશે એટલે મોહા અમારી કારનો પીછો ચાલુ રાખશે અને તમે તેના કવરેજ ક્ષેત્રની બહાર હશો. માટે તેને હાલ તો આ કારમાં જ રહેવા દેવું છે.” વિશાલે કારની ગતિ થોડી ઓછી કરતાં કહ્યું.

થોડી વાર સૌ મૌન રહ્યા. કાર દોડતી રહી. સૌના મનમાં વિચારો અને યોજનાઓ પણ દોડતી રહ્યા.

લગભગ સૂમસામ જેવો મોટો હાઇવે, કેટલીક કાર અને કોઈક બસ સિવાય ખાસ કશું જ નહીં. બપોરનો સમય હતો. એક વાગી ચૂક્યો હતો. સૌ બારી બહાર નિહાળી રહ્યા હતા. વિશાલ કાર ચલાવ્યે જતો હતો.

ખાલી દોડતો રસ્તો સુંદર લાગતો હતો. બંને તરફ ખેતરો. તેમાં થોડો થોડો પાક ઊગી ગયો હતો. લીલી ચાદર પથરાયેલિ હતી, બંને બાજુએ.

થોડે દૂર આકાશમાં કાળા વાદળો પણ હતા. નીરજાએ બારી ખોલી નાંખી. બહારની એક હવા કારમાં હક્ક પૂર્વક ધસી આવી. પહેલાં નીરજા અને પછી વ્યોમાના શરીરને સ્પર્શીને સમગ્ર કારમાં પોતાના અસ્તિત્વને પ્રસરાવી ગઈ.

સૌને ગમ્યું. છેલ્લી 10 – 15 મિનિટની રઝળપાટમાં ક્યારેય ખબર જ ના રહી કે કારની બારીની બહાર એક સુંદર દુનિયા પોતાનું સામ્રાજ્ય ફેલાવીને બેઠી છે.

“કેટલું સુંદર છે, વ્યોમા.” નીરજાએ મૌન તોડ્યું.

“આ ભય અને ભાગમભાગમાં આટલા સુંદર જગતને જોવાનું ચૂકી જવાયું છે.” વ્યોમાએ પ્રતિસાદ આપ્યો.

“ભય અને ચિંતા હમેશા અંધ બનાવી દે છે.” વિશાલ પણ હવે તેની સાથે જોડાયો.

“તમને પણ કુદરતને માણવું ગમે?” વ્યોમાએ વિશાલને સવાલ કર્યો.

“કેમ નહીં? હું એક વ્યાપારી છું પણ સાથે સાથે કોલેજ સ્ટુડન્ટ પણ છું, અને તે પણ આર્ટ્સનો. મારે પણ બધા યુવાનોની જેમ જ એક ધબકતું હ્રદય છે.” વિશાલે વાતાવરણને થોડું હળવું અને રોમાંટીક બનાવી દીધું.

સૌને ગમ્યું.

નરેશ હજુ પણ મૌન બેઠો હતો. તેના મનમાં ઘણું ચાલી રહ્યું હતું.

મોહાની કાર પણ પાછળ જ આવી રહી હતી. કદાચ મોહાએ તેની યોજના બદલી હતી. તે સલામત અંતરે પીછો કરી રહી હતી. કારને ઓવરટેક કરવાનો તેનો ઇરાદો લાગતો ન હતો. પણ તે સતત સાથે જ ચાલી રહી હતી. નરેશને તેની યોજના સમજાઈ ગઈ હતી.

બહાર વાદળોનો અવાજ આવ્યો. કળા વાદળો હવે બિલકુલ માથા પર આવી ગયા હતા.

ધીમો વરસાદ પડવા લાગ્યો. હવા ભીની થઈ ગઈ. કારમાં આવી બેઠેલી હવા પણ ભીંજાઇ ગઈ. તેની અસર ચારેય યુવા હ્રદય પર પણ થઈ. સૌ હવાની ભીનાશ માણવા લાગ્યા.

વરસાદ વધવા લાગ્યો. તેજ વરસાદ રસ્તા પર અને કાર પર તેની અસર દેખાડવા લાગ્યો. સૂર્યનો પ્રકાશ ઘટવા લાગ્યો. વીઝીબીલીટી પણ ઘટવા લાગી. ગાડીના વાઇપર સતત ચાલતા હતા તેથી આગળનો રસ્તો જોઈ શકાતો હતો. લગભગ 100 ફૂટ જેટલું જ દૂરનું માંડ જોઈ શકાતું હતું.

“યસ.” નરેશે ચપટી વગાડી અને તે ઉત્સાહમાં આવી ગયો. તેના ચહેરા પર કોઈ યોજના હતી. તેણે વિશાલ તરફ નજર કરી. વિશાલ તે યોજના વાંચી ગયો. તેના હોઠો પર સ્મિત હતું.

વિશાલે એક નાના રસ્તા તરફ કાર વાળી. કાર તે રસ્તા પર પુરપાટ દોડવા લાગી. કારની ગતિ ખૂબ જ વધી ગઈ.

નીરજા અને વ્યોમાને કશું જ ના સમજાયું.

સમજાયું તો બસ એટલું જ, કે નરેશ અને વિશાલ વચ્ચે શબ્દો કરતાં સંકેતોનો ઉપયોગ વધુ થાય છે. શબ્દો વિના જ એક બીજાના ચહેરા વાંચી લે છે.

કાર હવે કોઈ નાના ગામમાં દાખલ થઈ ગઈ. પાછળ રહી ગયો પેલો હાઇવે અને મોહાની કાર.

હજુ પણ વરસાદ ચાલુ હતો. ચારે તરફ ગાઢ અંધકાર ફેલાતો જતો હતો. માંડ માંડ 25 થી 30 ફૂટ દૂરનું જોઈ શકાતું હતું.

“અહીં વરસાદ પડે ત્યારે આટલું બધું અંધારું થઈ જાય?” વ્યોમાએ મૌનના સામ્રાજ્યને પડકાર્યું.

“હા.” નરેશે ટૂંકમાં પતાવ્યું. કોઈ હવે ખાસ વાત કરવાના મૂડમાં ન હતા.

વિશાલે સંકેત કર્યો. તેણે થોડે દૂરથી શિલોંગ જતી બસ જોઈ. તેણે ઈશારો કરી બસ ઊભી રખાવી. બસ ઊભી રહી ગઈ. નરેશે ફટાફટ બંનેને કારમાથી ઉતારી બસમાં ચડાવી દીધા. બસના કંડકટરને લોકલ ભાષામાં કશુંક કહ્યું અને બસ ચાલવા લાગી.

નીરજા, નરેશને જ જોતી રહી. નરેશે વિદાયનું સ્મિત આપ્યું. નીરજાની આંખોમાં અનેક સવાલો તેણે વાંચ્યા. જવાબમાં એટલું જ બોલ્યો,” ફોન પર મળતા રહીશું.” અને બસને વિદાય આપી દીધી.

માત્ર એકાદ મિનિટમાં જ આ બધું બની ગયું. કારમાંથી ઊતરવું, બસમાં ચડવું, નરેશનું લોકલ ભાષામાં સમજાવવું. તેની આંખો વડે વિદાય લેવી.

જાણે કશું ય બોલવા કે સમજવાનો સમય જ ના મળ્યો.

બંને બસમાં ગોઠવાઈ ગઈ. બસ ચાલવા લાગી, શિલોંગ તરફ. “અહીંથી શિલોંગ હવે 117 કિલોમીટર દૂર છે.” વ્યોમાએ માઈલ્સ્ટોંન વાંચી માહિતી આપી. નીરજાએ નજર મિલાવી સ્મિત આપ્યું. બારી બહાર જોતી રહી.

થોડી વારે વ્યોમાના મોબાઈલ પર મેસેજ આવ્યો. નરેશનો હતો એ.

‘આપણી યોજના સફળ રહી છે. અમો જે દિશામાં જઇ રહ્યા છીએ, તે દિશામાં જ મોહાની કાર આવી રહી છે.’

‘તમે લોકો કઈ દિશામાં જઇ રહ્યા છો?’ જવાબી મેસેજ.

‘શિલોંગથી ઊલટી દિશામાં.’

“લાગે છે કે હાલ પૂરતો ખતરો ટાળી ગયો છે.” વ્યોમાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું.

“વ્યોમા, ઘર છોડ્યા પછી લાગે છે કે હર કદમ પર જિંદગી એક ચેલેન્જ છે. અને આ તો હજુ શરૂઆત છે.”

“હા, યાર. પણ હવે તેનો સામનો કર્યે જ છૂટકો. લડી લઈશું, દરેક ચેલેંજને પણ.” વ્યોમા હવે સ્વસ્થ થવા લાગી હતી.

“લાગે છે કે નવી હિમ્મત આવવા લાગી છે તારામાં.”

“ચોક્કસ. બની ગયેલી ઘટના ડરામણી હતી, પણ તેનો સામનો કરવાની પણ મજા પડી. એક અનોખો રોમાંચ અનુભવ્યો છે આપણે.”

“ખરી વાત છે. અને એટલે જ હિમ્મત અને વિશ્વાસ પણ વધ્યા છે આપણાં.” બારી બહારની દુનિયા જોતાં જોતાં જ નીરજાએ જવાબ આપ્યો.

બંને ફરી મૌન થઈ ગયા. બારી બહાર જોવા લાગ્યા. બસ દોડતી રહી, શિલોંગ તરફ.