Ek patangiyane pankho aavi - 26 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 26

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 26

વ્રજેશ દવે “વેદ”

ગૌહાટી.

ઉત્તર પૂર્વ ભારતનું પ્રવેશદ્વાર. અમદાવાદથી 2800 જેટલા કિલોમીટર દૂર. ઓખા થી નીકળેલી અને 3237 કિલોમીટર લાંબી યાત્રા કરીને ટ્રેન ગૌહાટી આવી ઊભી રહી ગઈ. છેલ્લું સ્ટેશન.

ટ્રેનનું ઇંજિન જુદા જુદા અવાજો કરવા લાગ્યું. તેને હાંફ ચડી હશે, આટલા લાંબા પ્રવાસની.

ઘણા બધા મુસાફરો પણ થાકેલા, હાંફેલા લાગતા હતા.

નીરજા અને વ્યોમા સૌથી અલગ લાગતા હતા. તેઓ જરાય થાક્યા ન હતા. હાંફયા ન હતા. 62 કલાકની ટ્રેનના સાદા ડબ્બાની યાત્રા બાદ પણ, તેઓના ચહેરાઓ પ્રસન્ન હતા. તેઓ ઉત્સાહિત હતા, ઉત્તેજિત હતા.

સામાન ટ્રેનમાં જ રહેવા દઈ તેઓ નીચે ઉતરી ગયા.

ગૌહાટીના પ્લેટફોર્મ પર પગ મૂકતાં જ કશુંક સ્પર્શી ગયું.

ખુલ્લી હવાનો એ સ્પર્શ હતો કે નવી ખૂલતી ક્ષિતિજના પવનનો ! પવન એ જ હતો કે નવી ઉગેલી પાંખોનો હતો એ સ્પર્શ !

નવા યૌવનની પાંખોને સ્પર્શીને પવન મદહોશ થયો હતો કે મદમસ્ત પવનના સ્પર્શથી, તાજી જન્મેલી પાંખોમાં થનગનાટ પ્રવેશ્યો હતો.

પાંખો અને પવન એકબીજાને અભિનંદન આપતા રહ્યા. હસતાં રહ્યા. ભેટતા રહ્યા.

વ્યોમાએ એક દીર્ઘ દ્રષ્ટિ સમગ્ર સ્થળ પર નાંખી. નવા સ્થળને ચકાસી લીધું.

નીરજા આ સ્થળને જોતી રહી. ક્યાંય સુધી. કદાચ તે આ સ્થળના પ્રેમમાં પડી હશે. વ્યોમા તેને તેમ કરતાં જોઈ રહી. તેણે નીરજાને ખલેલ ન કરવાનું નક્કી કરી લીધું. તે ટ્રેનમાં જઇ સામાન લઈ પરત આવી.

“વ્યોમા, આ સ્થળ કેટલું અદભૂત છે.” નીરજાએ ગૌહાટી સ્ટેશન પર ઉતર્યા બાદ પહેલી વાર શબ્દો બોલ્યા.

“હા, નીરજા. આ સ્થળ નવી યાત્રાનું ...”

“વ્યોમા, આ સ્થળને પ્રણામ કર, તેની રજને મસ્તક પર ચડાવ, નમીને તેને ચુંબન કર...” બોલતા બોલતા નીરજા વાંકી વળી ધરતીને ચૂમવા લાગી, નત મસ્તક થઈ ગઈ, ચપટી ધૂળ હાથમાં લઈ મસ્તક પર, કપાળ પર, બંને બાહુ પર, છાતી પર લગાડી દીધી. ફરી નીચી નમી. ફરી ચપટી ભરીને ધૂળ લીધી. એક નાના બોક્સમાં ભરી લીધી. એ બોક્સને સાચવીને રાખી દીધું.

વ્યોમા તેને જોતી રહી. તે પ્રયાસ કરતી રહી નીરજાને સમજવાનો, તેની એક એક ક્રિયાને સમજવાનો.

નીરજાએ વ્યોમા સામે નજર કરી. વ્યોમા નીરજાને જ નીરખી રહી હતી. વ્યોમાને નીરજાના ચહેરા પર કોઈ નવીજ રેખાઓ દેખાઈ.

આનંદની, ઉત્સાહની, અને સમર્પણની આભા તેના ચહેરા પર ચમકતી હતી. વ્યોમાએ તે બધી જ આભા જોઈ.

“નીરજા, આ શું ...”

“વ્યોમા, આ ધરતીના આ છેડા પરથી શરૂ થાય છે, આપણી નવી યાત્રા. હું બસ આ ધરતીના આશીર્વાદ લઈ રહી છું.”

વ્યોમા પણ નીચી નમી. ધરતીને પ્રણામ કરવા લાગી. એક ચુંબન તે ધરતીને કર્યું.

તે ધરતીને કશુંક કહેતી હોય તેમ બોલી. માટીની ચપટી ભરી. માટીને મસ્તક પર ચડાવી.

હવે નીરજા જોઈ રહી વ્યોમાને.

“તું કશુંક બોલી રહી હતી...”

“હા. મેં આ ધરતીને કહ્યું કે અહીં સુધી પહોંચી ગયા છીએ, તો આગળ પણ તું જ માર્ગ બતાવજે. તારા આ બિંદુ પરથી અમારી યાત્રા શરૂ કરીએ છીએ, તો તે સફળ બનાવજે. યાત્રા પૂરી કરીને ફરી આ જ બિંદુ પર અમે પરત આવીશું. તારો આભાર માનવા. અમને આશીર્વાદ આપો.”

“ઓહ, નીરજા. ખૂબ સરસ. જે તે સ્થળને પોતાના દેવતા હોય છે. જેને સ્થાન દેવતા કહે છે. તેના સ્થાનમાં પ્રવેશ કરો ત્યારે, જો તે સ્થાન દેવતાના આશીર્વાદ મળી જાય, તો યાત્રા સફળ થઈ જાય.”

“બસ, એટલે જ તો પ્રણામ કર્યા આપણે.”

“અને આ માટી પણ સાથે લીધી છે, તે સતત આશિષ અને હિમ્મત આપશે.”

“હે ધરતી માં! તારા આ છેડાથી હવેની યાત્રા શરૂ કરીએ છીએ અને પૂરી પણ અહીં જ કરીશું. પ્રતિક્ષા કરજે અમારી.”

કોઈ ટ્રેનની સિટી વાગી. વ્યોમાના મોબાઇલની રિંગ પણ વાગી.

“હલ્લો,”

“વ્યોમા, તમે લોકો ક્યાં છો? ટ્રેન આવી ગયે ઘણો સમય થઈ ગયો.“ સામેથી કોઈ છોકરીનો અવાજ સંભળાયો.

“ઓહ, મોહા, ગુડ મોર્નિંગ. સોરી. સોરી. બસ અમે બે જ મિનિટમાં બહાર આવીએ છીએ.” વ્યોમાએ ફટાફટ વાત પૂરી કરી.

“આપણે તો ભૂલી જ ગયા કે મોહા આપણી રાહ જોઈ રહી છે. આપણી ટ્રેનના બધા જ મુસાફરો પોતાના રસ્તે ક્યારના ય નીકળી ગયા અને આપણે હજુ અહીં જ છીએ.” અને નીરજા સાથે ઝડપથી ચાલવા લાગી.

“વ્યોમા, હું આ સ્થળના પ્રેમમાં, મોહાને ભૂલી જ ગઈ.” નીરજા પણ ઝડપથી ચાલવા લાગી.

“મેડમ નીરજા, હજુ તો યાત્રા શરૂ જ થઈ રહી છે, અને જો આમ એક એક સ્થળ પર રોકાઈ જઈશ, તેના પ્રેમમાં પડી જઇશ, તો મંઝિલ ક્યારેય નહીં પહોંચી શકાય.”

“શું કરું, આ દિલ સાવ છે જ એવું. ગમે ત્યારે ગમે ત્યાં પ્રેમમાં પડી જાય છે.” નીરજાએ નિખાલસ કબુલાત કરી.

“સાવ ખોટી છે તું.” વ્યોમાએ નારાજગી બતાવી.

“કેમ?“ નીરજાને નવાઈ લાગી.

“જો તું પ્રેમમાં પડી હોત તો આપણે અહીં ના હોત.”

“તો કયાઁ હોત?”

“કોઈ પ્રેમીની સાથે બાગમાં કે ...” વ્યોમા થોડી નટખટ થવા લાગી.

બંને હસી પડ્યા ખડખડાટ. મુક્ત મને.

********

મોહા હઝારીકા તેઓની પ્રતિક્ષા કરતી પ્લેટફોર્મ બહાર ઊભી હતી. ઘણો સમય થઈ ગયો હતો. જો મોહાનો ફોન ના આવ્યો હોત, તો ખબર નહીં કેટલો સમય બંને ત્યાં જ વિતાવી દેત.

“હાય મોહા. હાઉ આર યુ?” નીરજા અને વ્યોમા એક સાથે પૂછી બેઠા.

“ઓહ, વ્યોમા, નીરજા. નોર્થ ઈસ્ટના પ્રવેશદ્વાર પર હું મોહા હઝારિકા તમારા બંનેનું સ્વાગત કરું છું.” મોહાએ બંનેને એક એક ગુલાબ આપ્યું. વારાફરતી બંનેને આલિંગન આપ્યું. તેઓના આલિંગનમાં ઉષ્મા વહેવા લાગી. મોહાએ જૂઈની સુગંધ વાળું સ્પ્રે લગાવેલું હતું. તેની સુગંધ હવામાં તેની હાજરી નોંધાવી રહી હતી. નીરજા અને વ્યોમાને તેની સુગંધ ગમી ગઈ.

પશ્ચિમની ઉર્જા પૂર્વમાં અને પુર્વની ઉર્જા પશ્ચિમમાં પ્રવાહિત થઈ ગઈ.

મોહા નું વ્યક્તિત્વ જ મોહાક હતું. પચીસેક વર્ષની હશે મોહા.

5 ફૂટ 7 ઇંચ લંબાઈ. ખૂબ જ મોહાક સ્મિત ચહેરા પર. ગોરો આકર્ષક રંગ. લાંબા, કાળા, સીધા વાળ. તેણે તેનાં લાંબા વાળને બાંધ્યા નહોતા. ખુલ્લા વાળ ખભ્ભા પર લહેરાતા હતા. કેટલાક વાળ લહેરાતા લહેરાતા તેની છાતી પર પણ પથરાયાં હતા.

ગોળ મોઢું. તીખા નાક નક્શ. હોઠ ગુલાબી, લિપસ્ટિક વિનાના. પાતળી ગરદન. પહોળા ખભ્ભા. માપસરના વક્ષ સ્થળ. પાતળી કમર. પાતળા અને સીધા પગ.

ટટ્ટાર ઉભવાની અદા. ચાલ ઝડપી અને ટટ્ટાર. સ્ફૂર્તિલી.

પહેલી નજરમાં જ જોનારને આંજી નાંખે તેવું વ્યક્તિત્વ. અને સ્મિત ! નામ પ્રમાણે જ મોહાક.

તેના અવકારમાં ઉમળકો હતો. વ્યોમા અને નીરજા બિન્દાસ્ત તેને મળ્યા. મોહા ફેસબુક પર તેની મિત્ર બની હતી. “North east waterfalls lovers“ નામના ગ્રૂપ દ્વારા તેઓની દોસ્તી થઈ. નીરજાએ તેને તેના પ્રવાસની બધી યોજના જણાવેલી. મોહાએ તેને પૂરો સાથ સહકાર આપવાની ખાત્રી આપી. ગૌહાટી સ્ટેશનથી પૂરી યાત્રાની જવાબદારી મોહાએ પોતાના પર લીધી હતી. આખી યાત્રામાં તે સાથે જ રહેશે તેવું નકી થયેલું. એટલે જ તે અત્યારે તેઓને લેવા આવી હતી.

“આપણે પહેલાં મારા ઘરે જઈશું. આખા સિટિને ક્રોસ કરીને અહીંથી 17 કિલોમીટર દૂર એક મોટા ફાર્મ હાઉસમાં આજે રોકાવાનું છે. કાલે આપણે શિલોંગ જઈશું. ત્યાં એક રાત રોકાશું અને પછી ચેરાપુંજીની યાત્રા શરૂ કરીશું.“ મોહાએ ટૂંકમાં જ આખો પ્રોગ્રામ જણાવી દીધો.

તે પોતાની કાર તરફ સૌને લઈ ગઈ. વાઇન રેડ રંગની કાર હતી તેની.

“હેલ્લો નીરજા.” નીરજાને કોઈએ પાછળથી અવાજ દીધો. નીરજાએ પાછળ ફરીને જોયું. તે નરેશ પટેલ હતો. તેને આશ્ચર્ય થયું. ગાડી આવ્યે આટલો લાંબો સમય થયો છતાં, તે હજુ પણ અહીં જ છે. તે હજુ ગયો નથી. તે એકલો જ છે. તેની સાથે કોઈ જ નથી. તે અહીં શું કરે છે? કે પછી અમારો પીછો કરે છે. તેનો ઇરાદો શું છે?

“અરે, તમે હજુ અહીં જ છો?” વ્યોમાએ વાત ચાલુ કરી.

“હા. મારો મિત્ર કાર લઈને આવવાનો જ હતો, પણ તેની કારમાં પંચર પડ્યું છે અને ટાયર પણ ફાટી ગયું છે. તે શહેરની પેલે પાર રહે છે. તે હાલ જ્યાં છે ત્યાંથી ટાયર શોપ દૂર છે, એટલે તેને આવતા વાર થઈ રહી છે. તો તેની રાહ જોવામાં મોડુ થઈ ગયું.”

“ઓકે.“ નીરજાએ ટૂંકમાં પતાવ્યું.

“પણ તમે લોકો કેમ મોડા પડ્યા?” નરેશે પૂછ્યું.

“એ તો અમે...” વ્યોમા વિગતવાર વાત કરવાના મૂડમાં હતી પણ નીરજાએ તેને અટકાવી,” ખાસ કશું નથી. બસ અમે મોહા જોડે તેના ઘેર જ જઇ રહ્યા છીએ.”

નરેશે મોહા તરફ નજર કરી. નરેશે હાથ લાંબો કર્યો. મોહાએ મોહાક સ્મિત આપી નરેશ જોડે હાથ મિલાવ્યો. મોહાનો હાથ નાજુક તો હતો પણ મજબૂત પણ હતો. આમ સ્ત્રીઓની જેમ સાવ મૃદુ અને કોમળ ન હતો. નરેશે તેની નોંધ લઈ લીધી. મોહાના શરીરમાંથી જૂઈના સ્પ્રેની સુગંધ નરેશના નાકને સ્પર્શી ગઈ. નરેશે તે સુગંધને પોતાના મગજની અંદર બરાબર નોંધી લીધી. તેને એ સુગંધ યાદ રહી ગઈ.

“અમો પણ શહેરની પેલે પાર જ જઇ રહ્યા છીએ. તમો પણ અમારી જોડે જ .....” વ્યોમાએ નરેશને સાથે આવવા આમંત્રણ આપી દીધું. મોહાએ પ્રશ્નાર્થ નજરે નીરજા તરફ જોયું. તેની નજરમાં સ્પષ્ટ ના હતી. તે નરેશને સાથે લેવા માંગતી ન હતી.

નીરજા તેની ‘ના’ ને સમજી ગઈ.

“વ્યોમા, આપણે નથી જાણતા કે ક્યાં જવાનું છે. અને આમ પણ આપણી કારમાં જગ્યા પણ ક્યાં છે.” નીરજાએ સંકેતોમાં નરેશને ના પડી દીધી.

ડ્રાઇવરે કારમાં બેસી જવા સૌને કહ્યું. મોહા આગળની સિટમાં બેસી ગઈ. નીરજા અને વ્યોમા પાછળની સીટ પર બેસી ગયા.

કાર સિટિને ચિરતી આગળ વધવા લાગી. મોહા સિટિ વિશે કહેવા લાગી. બંને તેની વાતો સાંભળતી રહી. ક્યારેક ડાબે તો કાયરેક જમણી બાજુએ ઇશોરો કરી મોહા સિટી વિશે જણાવતી રહી. નવા શહેરને જાણવાની મજા પડી, નીરજાને. તે વાતોમાં મશગુલ થઈ ગઈ.

વ્યોમા ચંચલ થઈ ગઈ. તેને સિટિના વિશે વધુ જાણવામાંથી રસ ઊડી ગયો. તે આસપાસ જોવા લાગી. તેના કાન પર પડતાં શબ્દોમાં કોઈ આકર્ષણ ન હતું.

તેની નજર ડ્રાઈવર પર પડી. તે કેટલાય સમયથી સાથે હતો, પણ તેના તરફ તો ધ્યાન ગયું જ નહોતું. તે પણ 25 થી 27 વર્ષનો યુવાન હતો. મજબૂત બાંધો. સ્ફૂર્તિલો. સક્રિય. જીન્સ અને ટી શર્ટ પહેર્યા હતા. તે ડ્રાઈવર હશે કે મોહાનો મિત્ર?

તે નક્કી ના કરી શકી. તેણે હવે મોહા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તે મોહાને ધ્યાનથી નિરખવા લાગી. મોહાએ પણ બ્લેક જીન્સ પહેર્યું હતું. ઉપર લાલ રંગનું ટોપ.

મોહા વાતો કરતી જતી હતી. તે હાથ ઉપર નીચે કરીને નીરજા અને વ્યોમાનું ધ્યાન જુદી જુદી દિશાઓમાં ખેંચતી રહી. પણ વ્યોમાનું ધ્યાન તેના હાથના હલનચલન પર જ હતું.

જ્યારે જ્યારે હાથ ઉપર નીચે થતો, ત્યારે ત્યારે ટોપ પણ થોડું ઉપર તરફ ખેંચાતું હતું. જેને લીધે જીન્સના પેન્ટના ખિસ્સા તરફનો ભાગ ખુલ્લો થતો હતો.

વ્યોમા હવે ખિસ્સાને જોવા લાગી. તે ચોંકી ગઈ !

મોહાના જમણી બાજુના ખિસ્સામાં તેને એક રિવોલ્વર દેખાઈ. તે ધ્યાનથી અને ફરી ફરીને જોવા લાગી. તેને ખાત્રી થઈ ગઈ. એ રિવોલ્વર જ હતી.

આટલી સુંદર છોકરી અને રિવોલ્વર? વાતો અને વ્યવહારમાં પણ સુશિલ લાગતી મોહા પાસે રિવોલ્વર? તેને શા માટે જરૂર પડી હશે? સ્વરક્ષા માટે? કે શું તે મહિલા પોલીસ છે? કે પછી કોઈ રહસ્ય ગૂંથાયેલું છે તેની આ રિવોલ્વર પાછળ?

તેને બીજી એક વાત પણ સમજમાં ન આવી. તે આમ હાથના હલનચલન વડે ટોપ ઊંચું થાય અને રિવોલ્વર દેખાય એવું કેમ કરી રહી છે? શું તે ડરાવવા માંગે છે? તે સહજ હલનચલન છે કે કોઈ સ્પષ્ટ સંકેત આપવા માંગે છે?

ગમે તે હોય, મોહા રહસ્યમય છોકરી લાગે છે. વ્યોમાએ કારની અંદર નજર નાંખવા માંડી. કશુંક ના ગમતું લાગવા માંડ્યુ. કોઈ તો રહસ્ય છે આ કારમાં, આ મોહા નામની મોહાક છોકરીમાં.

શું હશે? તે વિચારતી રહી. કોઈ સંકેત ના મળ્યો. તેણે નીરજા તરફ નજર કરી. તે વ્યસ્ત હતી મોહાની મોહાક વાતોમાં. તે નીરજાને કહેવા માંગતી હતી. પણ કેમ કરી કહેવું? તેને કાંઇ ન સૂઝયું.

તે જલ્દીથી જલ્દી આ કારમાંથી ભાગી છૂટવા માંગતી હતી.

કાર હવે સિટિને છોડીને બહાર આવી ગઈ હતી. સિટિના બીજા છેડાને છોડી હાઇવે પર આવી ગઈ. વ્યોમા હજુ પણ દ્વિધામાં હતી. શું કરું? શું કરવું જોઈએ? જો આ કારમાં મોહા જોડે યાત્રા ચાલુ રાખીશું તો કદાચ કોઈ મુસીબતમા ફસાઈ જવાશે. એ મુસીબત કેવી હશે? ખબર નહીં.

ના. આ યાત્રા અહીં જ છોડી દેવી જોઈએ. સીટીથી જેટલું દૂર જવાનું થશે એટલું મોડુ થઈ જશે. જલ્દીથી જલ્દી છુટકારો મેળવવો જ પડશે.

નીરજા જોડે વાત કરી નહીં શકાય. કદાચ મોહા જાણી જાય કે મને ખબર પડી ગઈ છે કે મોહા પાસે રિવોલ્વર છે.

તો કોને વાત કરું? કેમ કરું? કોણ ઉપયોગી થઈ શકે? કોના પર ભરોસો કરી શકાય?

નરેશ? નરેશ પટેલ. હા. તેનો ભરોસો કરી શકાય. ગમે તેમ તો ય તે આપણાં ગામનો છે. તેનો ભરોસો કરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. નરેશને ફોન કરી જોઉ? ના. ફોન ના કરાય. શબ્દો તો બોલવાના જ નથી. તો?

હઁ... નરેશને SMS તો કરી શકાય.

“અમો કદાચ મુસીબતમાં છીએ.” વ્યોમાએ ફટાફટ નરેશને મેસેજ કરી દીધો.

“વચ્ચે ટોઇલેટના બહાને કોઈ હોટેલ પર ગાડી રોકાવી દો. હૂઁ પાછળ જ આવી રહ્યો છું.” નરેશનો તરત જ રિપ્લાય આવી ગયો.

વ્યોમાના મનમાં યોજના રમવા લાગી.

“સામે દેખાતી હોટેલ પર બ્રેક કરવો પડશે. મારે અર્જન્ટ ટોઇલેટ જવું પડે તેમ છે.” વ્યોમાએ મોહાને ગાડી રોકવા કહ્યું.

મોહાએ ડ્રાઇવરને ઈશારો કર્યો. ગાડી હોટેલ પર જઇ ઉભી રહી ગઈ.

નીરજાએ વ્યોમાની સામે નજર કરી. વ્યોમાએ તેને પાંપણના ઇશારે ચૂપ રહેવા અને તેને અનુસરવા કહ્યું. નીરજા સમજી ગઈ કે કોઈ ગંભીર વાત છે.

વ્યોમા ગાડીમાંથી નીચે ઉતરી. તેણે પોતાની બેગ સાથે લઈ લીધી.

“બેગ ભલે કારમાં પડી રહી.” મોહાએ કહ્યું,” ડ્રાઈવરની નજર કાર પર જ હશે. કોઈ જોખમ નથી.”

“બેગમાં જરૂરી વસ્તુ છે. ટોયલેટમાં મને તેની જરૂર પડશે.” વ્યોમા બેગ સાથે ચાલવા લાગી. નીરજા પણ કાંઇ ના સમજાયું, છતાં તે પણ પોતાની બેગ સાથે લઈ વ્યોમાની સાથે ચાલવા લાગી.

બંને હોટેલના ટોયલેટમાં ઘૂસી ગયા. વ્યોમાએ બધી વાત ટૂંકમાં સમજાવી દીધી. નીરજાને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ. પણ સાથે સાથે નરેશ પટેલ પણ અહીં જ આવી રહ્યો છે તે જાણી હિમ્મત આવી ગઈ.

“આપણે આ કાર છોડી દેવી જોઈએ. ભાગી નીકળવું પડશે એવું લાગે છે.” વ્યોમાએ પોતાની યોજના કહી.

“એમ ભાગી નીકળવું સહેલું નથી. મોહા કોઈ ખેલ ખેલી રહી છે. અને આપણે તેમાં ફસાઈ ગયા છીએ. તેમાંથી છૂટવું તો પડશે જ પણ કેવી રીતે?” નીરજાએ પાણીનો નળ ચાલુ કરી દીધો અને તેના પડવાના અવાજમાં ખૂબ જ ધીમેથી વ્યોમાના કાનમાં વાત કહી,” કદાચ મોહા આપણી પર નજર રાખી રહી હોય. કદાચ તે બહાર જ ઊભી હોય અને વાતો સાંભળતી હોય. સાવધ રહેવાનુ છે. મોકો મળે તો ભાગી પણ છૂટીશું.”

“હા, નરેશ આવે ત્યાં સુધી કશું જ નથી કરવાનું. માત્ર સમય પસાર કરવાનો છે.”

“પછી નરેશ કોઈ સંકેત આપે, તો તેની સાથે જતાં રહીશું.” નીરજાએ સ્મિત આપી પરસ્પર હિમ્મત આપી. પહેલી વાર નીરજા, નરેશને શંકા ને બદલે સાથીની નજરે વિચારવા લાગી.

નરેશનું વર્તન સંદેહાસ્પદ લાગતું હોય તો પણ, હાલ તો તે જ આ સ્થિતિમાથી બહાર લાવી શકે તેમ છે.

“હું આવી ગયો છું. તમે કયાઁ છો?” વ્યોમાએ નરેશનો મેસેજ વાંચ્યો. તેણે નીરજાને વંચાવ્યો.

“ઓ.કે. અમો ટોઇલેટમાં છીએ.” જવાબી મેસેજ કરી દીધો.

“તમો નાસ્તાના ટેબલ પર આવી જાઓ. હું તમોને ત્યાં જ મળીશ” નરેશનો મેસેજ વાંચી બંને ફટાફટ બહાર આવી ગયા.

જમણી બાજુના એક ટેબલ પર મોહા તેઓની પ્રતિક્ષા કરતી બેઠી હતી. બંને સહજ રીતે તેની સામેની ખુરશી પર ગોઠવાઈ ગયા. ડ્રાઈવર ક્યાંય આસપાસ નજર ન આવ્યો. કદાચ તે કારમાં જ હશે.

બંનેએ મોહા સામે સ્મિત કર્યું. મોહાએ જવાબી સ્મિત કર્યું.

“નાસ્તામાં શું લેશો?” મોહાએ વિવેક કર્યો.

“ઢોસા ચાલશે.” નીરજાએ તરત જ પસંદગી કરી નિર્ણય જણાવ્યો.

થોડી આડી અવળી વાતોનો દોર ચાલુ થયો. નીરજા અને વ્યોમા બિલકુલ સહજ વર્તી રહ્યા હતા. મોહા પણ સહજ હતી. છતાં મોહાના ચહેરાના ભાવો બતાવી રહ્યા હતા કે તે કોઈ વાતે ચિંતિત છે.

“હેલ્લો, ઓલ.” અવાજની દિશામાં ત્રણેયની નજર પડી.

“ઓહ, તમે અહીં?” વ્યોમાએ બનાવટી આશ્ચર્ય સાથે પૂછ્યું.

“હા, તમારા ગયા પછી તરત જ મારો મિત્ર આવી પહોંચ્યો. બસ અમે પણ તરત જ નીકળી પડ્યા.”

મોહા નરેશને નીરખી રહી. તેની આંખમાં કોઈ નારાજગી હતી કે બીજો કોઈ ભાવ તેની ખબર ના પડી.

“હેલ્લો મોહા. હાઉ આર યુ?” નરેશે મોહા તરફ હાથ લંબાવ્યો. મોહાએ અનાયાસ જ તેનો હાથ નરેશને આપ્યો. સ્મિત ની આપલે કરી લીધી.

“હું આપની સાથે અહીં બેસી શકું?” જવાબની રાહ જોયા વિના જ નરેશ મોહાની બાજુની ખુરશી પર બેસી ગયો.

ઓર્ડર મુજબનો નાસ્તો આવી ગયો. નરેશે પણ નવો ઓર્ડર આપી નાસ્તો ચાલુ કરી દીધો. લગભગ મૌન જ નાસ્તો પૂરો થઈ ગયો.

“હું ટોઇલેટ જઈને આવું છું.“ બિલના નાણાં ચૂકવી મોહા ટોઇલેટ તરફ ગઈ.

“મોહા પરત આવે તે પહેલાં, તમે ડાબી બાજુના રોડ પર આવી જાઓ. મારો મિત્ર ત્યાં જ ગાડી લઈને ઊભો છે. જરા ઝડપ રાખજો. ગાડી તૈયાર જ છે. તમે આવો એટલે તરત જ ભાગી છૂટવાનું છે.” નરેશે ફટાફટ સુચનાઓ આપી અને તે જમણી બાજુના પગથીયા ઉતરી ગયો. હોટેલની પાછળની બાજુએથી દોડીને ગાડી પાસે પહોંચી ગયો.

નીરજા અને વ્યોમા ડાબી બાજુએ વળી ગઈ. ત્યાં એક સફેદ કાર ઊભી હતી. કાર નો નંબર હતો-

AS 01 6183. નરેશ પટેલ ત્યાં જ હતો. તેણે ઈશારો કર્યો. ઝડપથી બંને પેલી કારમાં ગોઠવાઈ ગયા.

કારમાં બેસતા જ નીરજાની નજર મોહાની કાર તરફ પડી. તેનો ડ્રાઇવર ત્યાં જ ઊભો હતો. તેની નજર નીરજા પર પડી. નીરજા સમજી ગઈ કે તેણે તેઓને બીજી કારમાં ભાગી જતાં જોઈ લીધા છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED