એક પતંગિયાને પાંખો આવી - 28 Vrajesh Shashikant Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પતંગિયાને પાંખો આવી - 28

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 28

વ્રજેશ દવે “વેદ”

બહાર હજુ પણ વરસાદ વરસી રહ્યો હતો. પણ તેનું જોર ઘટ્યું હતું. વાદળો પણ વીખરાતા જતાં હતા. અંધકાર પણ હટવા લાગ્યો હતો. ખૂબ દૂર સુધી જોઈ શકાતું હતું.

“આ વરસાદ પણ સમયે જ આવ્યો. અને અંધકાર પણ કેવો મજાનો લઈને આવ્યો.” વ્યોમાએ વાત છેડી.

“ઓહ, ખરેખર એ તો કુદરતનો સંકેત જ હતો. આપણે નરેશની કારમાંથી ઉતરીને આ બસમાં ચડી જઈએ, અને તે પણ મોહાની નજર બહાર, એ હેતુથી જ કદાચ કુદરતે આખું વાતાવરણ સરજ્યું હોય તેવું લાગે છે.”

“હું પણ એ જ કહી રહી છું. કુદરત અદભૂત છે.”

“થેન્ક યુ કુદરત.”

ફરી કુદરતના બદલાયેલા રૂપને માણવા લાગ્યા.

કેટલીય ક્ષણો, પળો અને મિનિટો વિતતિ ગઈ. બસ શિલોંગના રસ્તે વહેતી હતી. કુદરતના અફાટ, અનુપમ અને અનંત સૌંદર્યને માણતા માણતા શિલોંગ પહોંચી ગયા.

નરેશે બૂક કરેલી હોટલમાં પહોંચી ગયા.

હોટેલ બ્રીન્દા.

સાદી હોટેલ. ખાસ આકર્ષક નહીં. પણ હાલ તો ત્યાં ગોઠવાઈ જવું જ યોગ્ય લાગે છે. નીરજાએ મનોમન વિચાર કરી લીધો. અંદર પ્રવેશ કરી લીધો.

“હેલ્લો, મે આઈ ટોક ટુ મિસ સોના?” કાઉન્ટર પરની છોકરીને વ્યોમાએ પૂછ્યું.

જવાબી સ્મિત સાથે તે બોલી,”મૈં હી સોના હું. ઔર આપ નીરજા તથા વ્યોમા, રાઇટ?”

“જી હાં.”

“રૂમ નં. 107 આપકે નામસે બૂક હૈ.”

નીરજાએ સોનાને ધ્યાનથી જોવા માંડ્યુ. વ્યોમાએ ઔપચારિકતા પતાવી. બંને રૂમમાં ગોઠવાઈ ગયા.

રૂમ નં 107. ડબલ બેડનો નોર્મલ રૂમ. બે અલગ અલગ બેડ. વચ્ચે ડ્રેસિંગ ટેબલ. એટેચ્ડ ટોઇલેટ. મોટું મિરર. એક રાઇટિંગ ટેબલ. બે ખુરશીઓ. એક ટીપોય. તેના પર સિગારેટની એશ ટ્રે. તાજા ઠંડા પાણીનો જગ. કાચના બે નવા ગ્લાસ. એક પંખો. એક એ સી. નાનું ટી વી. ચાર પાંચ ઝીણા સફેદ બલ્બ.એક મધ્યમ કદનો લાકડાનો કબાટ.

દીવાલો આછા ગુલાબી રંગની. તેના પર આર્ટથી ભરપૂર દ્રશ્યો વાળી ત્રણ ફ્રેમ. કોઈ નદી કિનારે વિરહમાં બેઠેલી કન્યાનું ચિત્ર. ફ્લોર પર બ્રાઉન રંગની મોટી ટાઇલ્સ. એક જ દિશામાં આવેલી બે બારીઓ. તેના પર લેનિનના પડદાઓ. ચાર્જિંગ માટેના બે પોઈન્ટ. એક તરફ લટકતું ઘડિયાળ.

આખા રૂમને બંનેએ ધ્યાનથી નીરખી લીધું. કદાચ તેની આંખો કૈંક શોધી રહી હતી. બંનેની આંખો મળી. બંને હવે ટોઇલેટ તરફ વળ્યા. અંદર ઘૂસી ગયા.

વેસ્ટર્ન સ્ટાઈલનું સંડાસ. સ્નાન માટે પ્લાસ્ટિકના પડદાથી અલગ પડતો ભાગ. ત્રણ જુદા જુદા નળ. એક ઓવરહેડ શાવર. એક હૅન્ડ શાવર. એક બાથ ટબ. આદમ કદનું મિરર. એક મોટી અને એક ઝીણી સફેદ લાઇટ. ચાર્જિંગ માટેનું એક પોઈન્ટ.

ચાર આંખો અહીં પણ કશુંક શોધી રહી હતી. રૂમ અને ટોઇલેટનો ખૂણે ખૂણો ચકાસી લીધો.

“લાગે છે કે અહીં એવું કશું નથી.” નીરજાએ વ્યોમા સામે નજર મિલાવી કહ્યું.

“મને પણ એમ જ લાગે છે.”

“પણ, છતાંય સાવધ રહેવાનુ છે.”

“યસ બોસ.”.

“રૂમ ઇસ નોટ બેડ, ફ્રેન્ડ.” અને બંને ખડખડાટ હસી પડ્યા. લાંબા થઈ પડ્યા એક એક પલંગ પર.

લાંબી રઝળપાટથી બંને ખૂબ થાકી ગયા હતા. પલંગ પર આમ જ પડ્યા રહેવું સારું લાગ્યું. ક્યાંય સુધી તેઓ પલંગ પર પડ્યા રહ્યા. સાવ મૌન. કોઈ કશું જ ના બોલ્યું. બસ છતને જોતાં રહ્યા. રૂમ સાવ શાંત હતો. પંખો, એ. સી. પણ બંધ હતા. નીરવ શાંતિનું સામ્રાજ્ય હતું. કોઈ અવાજ હતો તો માત્ર દીવાલ પર લટકી રહેલી ઘડિયાળના કાંટાની ટીક ટીક નો અવાજ.

થોડી વારમાં વ્યોમા સૂઈ ગઈ. થાકેલા શરીરને ઊંઘનો સાથ મળી ગયો. બંનેની દોસ્તી જામી ગઈ. નીરજાએ વ્યોમા તરફ જોયું. ઘડિયાળ તરફ નજર કરી. સાંજના પાંચ વાગી રહ્યા હતા. તેને પણ થાક લાગ્યો હતો. ઊંઘવાનું પણ મન હતું. પણ ..ખૂબ જ ભૂખ લાગી હતી. કશુંક ખાવું તો પડશે જ.

તે ઊભી થઈ. સાથેના થેલામાંથી બાકી બચેલો નાસ્તો કાઢ્યો અને વ્યોમાને જગાડવા લાગી. વ્યોમા ઊંડી નીંદરમાં હતી. તે ન જાગી. તેણે પ્રયાસ છોડી દીધો. થોડો નાસ્તો કરી તે પણ ઊંઘી ગઈ.

નીરજાના મોબાઈલ ફોનની ઘંટડી વાગવા લાગી. વાગીને બંધ થઈ ગઈ. ફરી વાગી. ફરી બંધ થઈ ગઈ. ત્રીજી વખત પણ વાગી. નીરજા ઝબકીને જાગી ગઈ. સ્ક્રીન પર નજર કરી. નરેશનો ફોન હતો. ફોન લેવો કે નહીં, તેની દુવિધામાં જ રિંગ પૂરી થઈ ગઈ.

તે ઉઠી. નરેશને ફોન જોડ્યો. નરેશે ખબર પૂછીને ખાત્રી કરી લીધી કે બંને સહી સલામત છે. ટૂંકમાં જ વાત પૂરી થઈ ગઈ. તે ફરી પલંગ પર લાંબી થઈ ગઈ.

તેણે સમય જોયો. 7.11 pm. તેણે વ્યોમા તરફ જોયું. તે હજુ પણ ગાઢ નિન્દ્રામાં પોઢેલી હતી.

તે ઉઠી. જાગૃત થઈ. વ્યોમાને પણ જગાડી.

“મેડમ, સમય તો જુઓ. જાગો અને જલદીથી ડિનરની વ્યવસ્થા કરો. આમ તો ભૂખથી જ મરી જઈશું.” નીરજાએ વ્યોમાની નિંદ્રામય તંદ્રાને તોડવા કહ્યું.

“અરે, ભૂખ તો મને પણ ખૂબ જ લાગી છે. ચાલ ફટાફટ કોઈ રેસ્ટોરન્ટમાં પહોંચી જઈએ.” વ્યોમા સફાળી જાગી અને ફટાફટ તૈયાર થઈ ગઈ. બંને હોટેલની બહાર નીકળી ગઈ.

“જો તો સાંજનું અંધારું કેવું ઉતરી આવ્યું છે.” વ્યોમાની નજર આકાશ તરફ ગઈ.

“અહીં સૂર્યાસ્ત 6.30 ની આસપાસ થાય છે અને અત્યારે 7.30 થઈ ગયા છે. સુરજ તો ક્યારનો ય વિદાય લઈ ગયો.”

“છોડ એ સૂરજને. તેને તો કાલે સમજી લઈશું. એ વિચાર કે શું જમીશું?” વ્યોમાએ વર્તમાનની સળગતી સમસ્યા તરફ ધ્યાન ખેંચ્યું.

“હું તો ગુજરાતી થાળી જમીશ.”

“હું તો પંજાબી કે સાઉથ ઇંડિયન પસંદ કરીશ.’

“જો પેલી, સામે સરસ રેસ્ટોરન્ટ દેખાય છે. ચાલ ત્યાં જ જઈએ.”

હોટેલ રાધિકામાં બંને ઘૂસી ગયા.

“યસ મેમ” કહીને એક વેઇટર સ્મિત સાથે મેનૂ પકડાવી ગયો.

બંને તેના પર નજર ફેરવવા લાગ્યા. અનેક વાનગીઓ હતી, પણ તેના નામ સમજમાં ન આવ્યા. કેટલૂક નોન વેજ પણ હતું.

“ચાલ બીજી કોઈ જગ્યાએ જઈએ.” નીરજાએ વ્યોમાને ઊભા થઈ જવા સંકેત કર્યો.

“કેમ? અહીં જ કશુંક ખાઈ લઈએ.”

“ના, તું બહાર ચાલ.” નીરજાએ વ્યોમાનો હાથ પકડી તેને બહાર ખેંચી લાવી.

“શું વાત છે?”

“અહીં વેજ અને નોન વેજ બંને સાથે બને છે. કોઈ શુધ્ધ શાકાહારી જગ્યા શોધ.”

વ્યોમા સમજી ગઈ. બંનેએ શિલોંગની ઘણી બધી રેસ્ટોરંટ તપાસી જોઈ. પણ ક્યાંય મેળ ના પડ્યો.

ખૂબ જ ઓછી હોટેલો મળી જ્યાં માત્ર શાકાહારી ભોજન મળતું હોય. ત્યાં પણ ગુજરાતી કે સાઉથ ઇંડિયન ના મળ્યું. એક માત્ર પંજાબી જ ઉપલબ્ધ હતું.

વિકલ્પોના અભાવે એક હોટલમાં પંજાબી ઓર્ડર કરી દીધું. એકાદ કલાકની મહેનત બાદ આ હોટેલ મળી હતી. ભૂખ અને થાક અકળાવી રહ્યા હતા. તેમાં ઓર્ડરમાં થતો વિલંબ વધુ પરેશાન કરતો હતો.

થોડી વારે ઓર્ડર મુજબ પંજાબી વાનગીઓ આવી. અપેક્ષા કરતાં સ્વાદ નબળો લાગ્યો. પણ ભૂખથી ત્રસ્ત હતા, એટલે જે મળ્યું તે જમી લીધું.

રૂમ તરફ ચાલવા લાગ્યા. હોટલથી ઘણા દૂર આવી ગયા હતા.

“મારા અંદાજ મુજબ 20 મિનિટની દૂરી પર હોટેલ બ્રીન્દા હશે.” વ્યોમાએ અનુમાન લગાવ્યું.

“એટલે હજુ 20 મિનિટ ચાલવું પડશે?”

“કેમ? થાકી ગઈ?” હસવા લાગી, વ્યોમા.

રાત્રિના 9.25 થયા હતા. તેઓ ચાલતા રહ્યા, અજાણ્યા શહેરના અજાણ્યા રસ્તાઓ પર. મૌન.

નીરજાના મૌન કાન પર દૂર દૂર વાગતા સંગીતનો અવાજ પડ્યો.

સંગીતના અવાજની સાથે કોઈ ગીતોના શબ્દો પણ સંભળાતા હતા. ધીરે ધીરે સંગીતની ધૂન અને શબ્દો સ્પષ્ટ થતાં જતાં હતા.

“અરે, આ તો મુકેશનું ગીત. ‘મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચૂને’, વ્યોમા.’ નીરજાએ ગીતને ઓળખી કાઢ્યું.

“હા, એ જ છે.”
“પણ, અહીં આ જગ્યાએ હિન્દી ગીતો? અને તે પણ જૂના હિન્દી ગીતો? આશ્ચર્યની વાત છે, ખરું ને?”

“હા, યાર. ચાલ ત્યાં જઈને માણીએ.” વ્યોમાએ પોતાની ઈચ્છા જાહેર કરી દીધી.

“લાગે છે કે ક્યાંક નજીકથી જ અવાજ આવી રહ્યો છે. ચાલ એ દિશામાં જઈએ.”

બંને અવાજની દિશામાં ચાલવા લાગ્યા. થોડે દૂર એક ખુલ્લા મંચ પર કોઈ ગીત ગાઈ રહ્યું હતું. હવે ગીત બદલાઈ ગયું હતું.

રફીના અવાજમાં કોઈ ગઈ રહ્યું હતું, ‘પુકારતા ચલા હું મે, ગલી ગલી બહારકી...’

ખૂબ સરસ ગીત ગવાઇ રહ્યું હતું. સંગીત પણ ગીતને અનુરૂપ વાગી રહ્યું હતું. નીરજાને મજા પડી ગઈ. તે ખુશ થઈ ગઈ. તેને ગમતા ગીતો એક પછી એક મંચ પરથી લાઈવ ગવાતા રહ્યા. વ્યોમાને પણ જૂના હિન્દી ગીતો પસંદ હતા. તે પણ સંગીતની એ ક્ષણોને માણવા લાગી. એક પછી એક 8 થી 10 ગીતો ગવાઇ ગયા. દરેક ગીતોમાં અનેરો આનંદ આવતો હતો. મજા પડી રહી હતી.

“અબ આપકે સામને હમ પેશ કરતે હૈ હમારે કલાકાર એનલકો, મહેન્દ્ર કપૂર કી આવાજમે વાહ પેશ કરેંગે એક ગીત, જીસકે બોલ હૈ....તુમ અગર સાથ દેનેકા વાદા કરો....”

લોકોની તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

ગીતની પહેલાંનું સંગીત વાગવા લાગ્યું. ગીત પહેલાં વાંસળીનો લાંબો આલાપ વાગવા લાગ્યો. મંચ પર એક યુવાન વાંસળી વગાડી રહ્યો હતો. વાંસળીના સૂરોને નીરજા ધ્યાનથી સાંભળવા લાગી. તે સૂરોને સાંભળી તે વિચલિત થઈ ગઈ. સૂર અનેક ખામીઓ સાથે વાગી રહ્યા હતા. તાલ અને લય પણ ભંગ થતાં હતા. નીરજાના કાનને તે સૂરો ખૂંચવા લાગ્યા. તેને તે સૂરો ખટકવા લાગ્યા.

સૂરોનું અસ્તવ્યસ્ત થવું તેને ના ગમ્યું. તેને મન થયું કે ચાલ હું જ જઈને મંચ પર ચડી જાઉં, અને ગીતમાં જે સાચા સૂરો છે તે જ વગાડી નાંખું. તેના હાવભાવ બદલાઈ ગયા. તે ઊભી થઈ ગઈ. વ્યોમાએ તેની સામે પ્રશ્નાર્થ નજર કરી.

“જો ને, કેવા બેસુરા સૂરો વડે વાંસળી વગાડી રહ્યો છે પેલો.”

“તો? તું કેમ ઊભી થઈ ગઈ?’

“હું મંચ પર જઈને સાચા સૂરો વડે વાંસળી વગાડવા જાઉં છું.”

“નીરજા, આ અમદાવાદ નથી. શિલોંગ છે.”

“તો શું થયું? મને અજાણ્યા શહેર કે લોકોનો ભય નથી. મને સંગીતના સુરી પાકા આવડે છે. હું તો આ ચાલી.” નીરજા એક ડગલું આગળ વધી ગઈ. વ્યોમાએ તેને હાથ પકડી પછી ખેંચી લીધી. ઝટકા સાથે બેસાડી દીધી.

“શું કરે છે તું? તને એનું જરાય ભાન છે?“ વ્યોમા હવે ગુસ્સે થઈ ગઈ.

“કેમ? શું વાત છે? આમ ગુસ્સે કેમ થઈ ગઈ?” નીરજાને વ્યોમાના શબ્દો ના સમજયા.

“શાંતિથી એક વાર બેસી જા. આ ગીત પતે એટલે આપણે વાત કરીશું.” વ્યોમાએ સત્તાવાહી સ્વરે કહ્યું. નીરજા સમજી ગઈ કે નક્કી કોઈ ગંભીર વાત છે, નહીંતર વ્યોમા આમ ના વર્તે. તે ચૂપચાપ ગીત સાંભળવા લાગી.

દોઢેક મિનિટ લાંબો વાંસળીનો પીસ પૂરો થઈ ગયો. ગાયક કલાકારે ગાવાનું પણ ચાલુ કરી દીધું. એનલ. સારો અવાજ હતો. ગીત ખૂબ સરસ ગાઈ રહ્યો હતો. તે સૂરોને પણ બરોબર સાચવી રહ્યો હતો. નીરજાને ગમ્યું. સૂર અને અવાજ સુંદર માહોલ ઊભો કરી રહયા. નીરજા પેલા બેસુરા વાંસળી વાદનને ભૂલી ગઈ. ગીત પૂરું થયું.

“નવું ગીત શરૂ થાય તે પહેલાં અહીંથી નીકળી જઈએ.” વ્યોમા ઊભી થઈ ગઈ અને નીરજાનો પણ હાથ પકડીને તેને ખેંચવા લાગી.

નીરજા ચૂપચાપ તેને અનુસરી. હોટેલ તરફ ચાલવા લાગ્યા. મૌન વાટ પૂરી કરી બંને પોતાના રૂમમાં પહોંચી ગયા.