પતન Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

પતન

નવલિકા

પતન

યશવંત ઠક્કર

સ્કૂટરમાં પેટ્રોલ ન હોવાથી અને ખિસ્સામાં પેટ્રોલ માટેના પૈસા ન હોવાથી ભાર્ગવ ચાલતો જ ભાઈશ્રીને મળવા નીકળ્યો.

અન્યાય અને અત્યાચાર સામેનું આંદોલન ચાલતું હતું ત્યારે એના ઘરે આખો દિવસ યુવાનો અને યુવતીઓની આવનજાવન રહેતી હતી. સરકારને ઝુકાવવા માટે એના જૂના પુરાણા ઘરમાં રોજ રોજ રોજ નવા નવા કાર્યક્રમોનું આયોજન થતું હતું. ક્યારેક સરધસ તો ક્યારેક ધરણાં. ક્યારેક રામધૂન તો ક્યારેક સભા. એ કાર્યક્રમો મુજબ એને સ્કૂટર પર સવાર થઈને ખૂબ જ દોડધામ કરાવી પડતી હતી. પરંતુ એનાં સ્કૂટરની ટાંકી ભરેલી જ રહેતી હતી. પેટ્રોલનો ખર્ચ આંદોલનને સમર્થન આપનારા કેટલાક લોકો ઉપાડી લેતા હતા. પરંતુ, ભાઈશ્રીનું રાજીનામું પડ્યા પછી આંદોલન અટકી ગયું હતું અને સ્કૂટરમાં પેટ્રોલ ભરાવી આપનારા હવે દેખાતા નહોતા.

શહેર દુર્દશામાંથી હજી બહાર નીકળ્યું નહોતું. તૂટેલી ફૂટપાથ, ઉખડી ગયેલાં બસ સ્ટોપ, બળેલી સરકારી અને ખાનગી મિલકતો, સનસનાટી વેચતાં છાપાં, માફકસરની વાણી ઉચ્ચારતાં આકાશવાણીનાં કેન્દ્રો, આશા અને નિરાશા વચ્ચે ઝૂલતા ચહેરા, આ બધાને ભાર્ગવ એ રીતે જોઈ રહ્યો હતો જે રીતે પસ્તાવા સાથે કોઈ ગુનેગાર પોતાના ગુનાઓને જોઈ રહ્યો હોય.

‘આ જાય પેલો યુવાન નેતા. લોકોને ઉલ્લુ બનાવનારો. સાલાને પકડીને જેલમાં નાખવો જોઈએ.’ ભાર્ગવે સાંભળ્યું. એણે બોલનાર તરફ વેધક નજર નાખી.

‘આંખો શાને કાઢે છે ભાઈ, તારા આંદોલનના પાપે આ તડકામાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. બસ સ્ટોપ સળગાવી દેવાથી સમાજ બદલાઈ ગયો?’ એક વૃદ્ધ માણસ એની સામે જોઈને બોલ્યો.

‘વડીલ, અમે અંદોલન અમારા સ્વાર્થ માટે નહોતું કર્યું. બધાંના ભલા માટે કર્યું હતું.’ ભાર્ગવે જવાબ આપ્યો.

‘બધાનું શું ભલું થયું? બધું તોડીફોડીને નવરું કરી નાખ્યું હવે કયો કાકો આ બધું નવું કરાવશે?’

‘નવી સરકાર કરાવશે. ધીરજ રાખો.’ ભાર્ગવે જવાબ આપ્યો.

‘ધીરજ તો તમે રાખી નહિ. હવે અમને કહો છો?’ બીજો અવાજ આવ્યો.

‘પ્રજાને ખબર પડી ગઈ છે કે તમારે સરકાર બદલાવવી હતી. સમાજ બદલવાનું તો બહાનું હતું.’ બીજો અવાજ આવ્યો.

‘ક્રાંતિ કરીને શું કાંદો કાઢ્યો? ઊલટાની મોંઘવારી વધી ગઈ.’ ત્રીજો અવાજ આવ્યો.

‘નિર્દોષ છોકરાઓની લાશો પર રાજકારણ ખેલાઈ ગયું. એના માટે કોણ જવાબદાર?’ ચોથો અવાજ આવ્યો.

ભાર્ગવ જવાબ આપ્યા વગર આગળ વળ્યો. અંદોલન ચાલતું હતું ત્યારે લોકો એનું લાંબુ લાંબુ ભાષણ ધ્યાનથી સાંભળતાં હતાં. સાંભળતાં સાંભળતાં તાળીઓ પાડતાં હતાં. એ જ લોકો હવે સવાલો કરતાં હતાં અને ભાર્ગવ પાસે જવાબો નહોતા.

ભાર્ગવે જોયું કે વેચાણવેરા ઓફિસની બહાર હજી બળેલો કાટમાળ પડ્યો હતો. કેટલાય દસ્તાવેજો આગને હવાલે થઈ ગયા હતા. જેના પર કેસ ચાલતા હતા એ લોકોમાંથી કોઈએ વેચાણવેરાણી ઓફિસમાં ધમાલ કરાવીને દસ્તાવેજો બાળી નખાવ્યાની વાત પણ બહાર આવી હતી. ભ્રષ્ટાચાર દૂર કરવાની માંગણી સાથે ભાર્ગવની આગેવાની હેઠળ મશાલ સરઘસ નીકળ્યું હતું એ વખતે જ કેટલાક લોકોએ મશાલનો ઉપયોગ સેલ્સટેકસ ઓફિસને સળગાવવામાં કર્યો હતો. આંદોલનના નામે કેટલાય લોકોએ પોતાના આગળપાછળના હિસાબો ચૂકતે કરી નાખ્યા હતા. તો વારંવારના કર્ફ્યૂએ કેટલાયના ધંધારોજગારના હિસાબો અટકાવી દીધા હતા.

આંદોલન માત્ર સરકાર હટાવવા માટે નહોતું. ભ્રષ્ટાચાર અને અત્યાચાર હટાવવા માટે પણ હતું. પરંતુ ભાઈશ્રીની સરકારનું પતન થયું એ સાથે જ અંદોલનમાંથી પણ હવા નીકળી ગઈ હતી. ભાર્ગવે અંદોલન ચાલુ રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પણ એને કોઈનો સાથ મળ્યો નહોતો. ફરીથી ચૂંટણી થઈ હતી પણ કોઈ પક્ષને બહુમતી મળી નહોતી. છેવટે ભાઈશ્રીના ટેકાથી એમના જ વિરોધીઓએ સરકાર બનાવી હતી. સિસ્ટમ બદલવા માટે ભાર્ગવની આગેવાની હેઠળ ક્રાંતિસેનાએ આંદોલન કર્યું હતું પણ સિસ્ટમ સુધારવાને બદલે વધારે બગડી હતી. સત્તા માટેના જે ખેલ ખેલાયા એ જોઈને ભાર્ગવને પણ ભાન થયું હતું કે કોઈ રાજકીય પક્ષને સિસ્ટમ બદલવામાં રસ નહોતો. એને એ હકીકત પણ સમાજમાં આવી ગઈ હતી કે અંદોલન પાછળ માત્ર ક્રાંતિસેનાની તાકાત કામ નહોતી કરતી, ભાઈશ્રીના વિરોધીઓની તાકાત પણ કામ કરતી હતી.

ભાઈશ્રીએ આ પહેલાં પણ એક વખત ભાર્ગવને મળવા બોલાવ્યો હતો. એ આંદોલનની શરૂઆતના દિવસો હતા અને એ આંદોલનના યુવાન નેતા તરીકે ભાર્ગવ શહેરમાં છવાઈ ગયો હતો.

‘તો તું છે ભાર્ગવ? ક્રાંતિસેનાનો પ્રમુખ?’ ભાઈશ્રીએ ભાર્ગવને વેધક નજરે જોતાં કહ્યું હતું.

‘હા.’

‘જો ભાઈ, જે કાંઈ સમસ્યા હોય એનો સામસામે બેસીને નિકાલ થઈ શકે છે. આમ ધાંધલ ધમાલ કરવાથી ક્રાંતિ નહિ થાય.’

‘અમે અમે ધાંધલ ધમાલ નથી કરતાં. શાંતિથી અમારું આંદોલન ચલાવીએ છીએ.’

‘તો પછી સરકારી અને ખાનગી માલમિલકતને નુકશાન કોણ કરે છે? પોલીસો પર પથ્થરમારો કોણ કરે છે?’

‘એ શોધી કાઢવાનું કામ તમારી સરકારનું છે.’

‘તને દલીલો કરતાં સારું આવડે છે. ભાષણ કરીને મેદની ભેગી કરવામાં તારી માસ્ટરી છે. તું આ બધું કરીને શું મેળવવા માંગે છે?’

‘એક ભયમુક્ત સમાજ.’

‘ભયમુક્ત સમાજનું નિર્માણ તોડફોડથી થશે?’

‘નવું સર્જન કરવા માટે જૂનું તોડવું પણ પડે.’

‘આ તોડફોડ માત્ર ને માત્ર મને સત્તા પરથી હટાવવા માટે છે. તને યુવાન નેતા બનાવવા પાછળ ખરેખર કોણ છે એની તને ખબર છે?’

‘પ્રજા છે. પ્રજાના સપનાં છે?’

‘પ્રજાનું તો બહાનું છે. પ્રજાના નામે કોઈ એનું ધાર્યું કરાવી રહ્યું છે. પ્રજાની ચિંતા કરવાવાળા અમે એઠા છીએ. તું પ્રજાનાં સપનાંની ચિંતા છોડ. તારાં સપનાંની વાત કર.’

‘પ્રજાનાં સપનાં એ જ મારાં સપનાં છે.’

‘જો ભાઈ, આ બધું બોલવું સહેલું છે. વહીવટ ચલાવવો એ બહુ અઘરું છે.’

‘અઘરું લાગતું હોય તો વહીવટ છોડી દો.’

‘છોકરા, તું હજી નાનો છો. આ બધાં તોફાન રહેવા દે. અંદોલન સમેટી લે. આનું પરિણામ સારું નહિ આવે.’

‘તો તમે મને ડરાવો છો?’

‘ડરાવતો નથી. સમજાવું છું. આ અંદોલનથી સમાજનું ભલું નહિ થાય.’

‘સમાજનું ભલું ઈચ્છતા હો તો સત્તા છોડી દો. હું જઉં છું. બહાર લોકો મારી રાહ જુએ છે.’ ભાર્ગવ ઊભો થતાં થતાં બોલ્યો હતો.

‘ભલે. પણ જયારે સમાધાન કરવાનું મન થાય ત્યારે કહેજે.’

‘હવે સમાધાન કેવું? હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’

એ યુદ્ધ ત્રણ મહિના ચાલ્યું હતું. નાનાંમોટાં શહેરો આંદોલનના રંગે રંગાઈ ગયાં હતા. ભાઈશ્રીની સરકાર સામે પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. હિંસક તોફાનો થવાથી પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ગોળીબાર પણ થયા હતા. ભાઈશ્રી રાજીનામું આપે ત્યાં સુધીમાં કેટલાય યુવાનોનો ભોગ લેવાઈ ગયો હતો.

આજે ભાઈશ્રીએ ફરીથી ભાર્ગવને બોલાવ્યો હતો.

‘આવો યુવાન નેતા.’ ભાઈશ્રીએ યુવાન નેતાને આવકાર્યો.

ભાર્ગવને આ સંબોધનમા રહેલો કટાક્ષ સમજાયો અને એ હસ્યો. ‘ભાઈશ્રી, હું તો યુવાન નેતા કાલે હતો ને આજે નથી. પણ તમે તો પીઢ નેતા હતા અને રહેવાના.’

‘હું આજે ક્યાં નેતા છું? મને તો તેં અને તારી વાનરસેનાએ ઉથલાવી નાખ્યો.’

‘ખરેખર તો અમારી લડત તો સિસ્ટમ સામે હતી. અમે સિસ્ટમ બદલવા માંગતા હતા.’

‘ને સરકાર બદલી નાખી. જંગ જીતી ગયા નહિ? સિસ્ટમ બદલાઈ ગઈ?’

‘ના. સિસ્ટમ તો એની એ જ છે. આ નવી સરકારનું કામ પણ ઠીક નથી.’

‘એ તો એવું જ રહેવાનું. આ તમારો નવો નેતા પણ મારી મહેરબાનીથી જ સત્તા પર બેઠો છે. બરાબરનો ફસાયો હતો. મોટા ઉપાડે ખુરશી પર તો બેસી ગયો હતો પણ પૂરતી સંખ્યા નહોતી. મારા ટેકાથી જ એણે સરકાર બનાવી છે. સમજી લે કે હું સત્તા પર નથી છતાં પણ છું.’

‘તમે સરકાર બનાવવા માટે તમારા વિરોધીઓને જ કેમ ટેકો આપ્યો?’

‘ટેકો જ નહિ, સલાહ પણ આપું છું. જોયુંને? તમારા આંદોલનના કારણે સત્તા પર આવનારા લોકો તમારી સલાહ લેવાના બદલે મારી સલાહ લે છે. આ નવી સરકાર બની ત્યારે કોઈએ તારી ક્રાંતિસેનાની સલાહ લીધી?’

‘ના. એ લોકો તો બધું બંધ બારણે જ કરે છે.’

‘તમારે લીધે એ લોકો સત્તા પર આવ્યા અને તમને જ નથી પૂછતા? આવું કેવું?’

‘ભાઈશ્રી, રાજકારણના આ બધા ખેલમાં તમને જેટલી સમજ પડે છે એટલી મને નથી પડતી. . અમારું તો એક જ ધ્યેય હતું કે સિસ્ટમ બદલાય. અમને સત્તામાં રસ નહોતો. સત્તા પર બેઠેલા સારું શાસન ચલાવે એમાં રસ હતો.’

‘તો હવે રસ કેમ નથી?’

‘હવે મને કોઈનો સાથ નથી. હું એકલો પડી ગયો છું.’

‘ભાર્ગવ, તેં અંદોલન શરૂ કર્યું હતું ત્યારે જ મેં તને બોલાવીને સમજાવ્યો હતો કે, રહેવા દે આ બધાં તોફાન. તું હજી નાનો છો.’

‘મારી ભૂલ થઈ ગઈ છે. ભાઈશ્રી, મને એમ હતું કે અમે નવા યુગનું સર્જન કરીશું.’

‘તારે નવા યુગનું સર્જન કરવું હતું પણ મારા પક્ષવાળાને મારું વિસર્જન કરવું હતું એટલે કરી નાખ્યું. એમને મારો પ્રભાવ વધે એ મંજૂર નહોતું. તને યુવાન નેતા બનાવીને એ લોકોએ મને ઠેકાણે પાડી દીધો. આ બધું તારા દિમાગમાં ઉતારે છે કે હજી ઇન્કિલાબ ઝિંદાબાદના નારા ગુંજે છે?’

‘મને હવે સમજાય છે કે મારા આંદોલનને ટેકો આપનારામાંથી ઘણાંયનો ઇરાદો સાફ નહોતો.’

‘એમનો એક જ ઇરાદો હતો કે હું સત્તા પરથી હટી જાઉં. જેવો હું સત્તા પરથી હટ્યો કે તમારું અંદોલન બંધ થઈ ગયું.’

‘મારે તો સિસ્ટમ બદલાય ત્યાં સુધી અંદોલન ચાલુ રાખવું હતું પણ હવે કોઈ સાથ આપતું નથી. હું તો ઊલટાનો બદનામ થઈ ગયો છું. આંદોલન બંધ થઈ ગયું છે એટલે લોકો માને છે કે હું વેચાઈ ગયો છું. હું શું કરું?’

‘તને કોઈ સાથ આપશે પણ નહિ. યુવાન, હવે તું સાવ નવરો છો. લોકોનાં મહેણાં સાંભળી સાંભળીને ગાંડો થઈ જઈશ. એના કરતાં કામે લાગી જા. બોલ, તારે નવું કામ કરવું છે?’

‘કામ કેવું છે?’

‘તને માફક આવે એવું છે. તે મારી સરકાર વિરુદ્ધ ખૂબ ભાષણો કર્યાં છે. ક્રાંતિકારી નેતા તરીકેનું તારું એ કામ હવે પૂરું થઈ ગયું છે. હવે તારે વિચારક બનવાનું છે.’

‘મને સમજાયું નહિ.’

‘સમજાવું. તું ‘લોકરંગ’ છાપું વાંચે છેને? એ છાપું મેં ખરીદી લીધું છે. એ છાપામાં તારે કોલમ લખવાની છે. કોલમમાં એક અનુભવી વિચારક તરીકે નવી સરકાર વિરુદ્ધ રોજ રોજ લખવાનું છે.’

‘મેં તમારા વિરુદ્ધ કેવાં કેવાં ભાષણ કર્યાં છે. હવે જો તમારા જ છાપામાં હું લખીશ તો લોકો શું કહેશે?’

‘લોકો બહુ ઝાઝું યાદ રાખતા નથી. એવી ચિંતા ન કરાય. હું કરું છું? તમે લોકોએ સમાજમાં મારી કિંમત કોડીની કરી નાખી. મારાં પૂતળાં બાળ્યાં. મારાં છાજિયાં લીધાં. મારાં બેસણાં કર્યાં. ગધેડા પર મારું નામ લખીને એને ડફણાં માર્યાં. મને હાડ્ય હાડ્ય કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. તોય આજે હું જીવું છુને?’

‘મને એ બધું પસંદ નહોતું પણ...’

‘પણ બાજી તારા હાથમાં નહોતી રહી. તું તો નિમિત્ત હતો. ખેર. મારી આટલી બધી બદનામી થઈ તોય હું હિંમત નથી હાર્યો. યાદ રાખજે. જે લોકોએ મને ગાળો દઈને સત્તા પરથી ઉતાર્યો છે એ જ લોકો મને વાજતેગાજતે પાછો સત્તા પર બેસાડશે. આ રાજકારણનું મારું જ્ઞાન બોલે છે.’

ભાઈશ્રીનો સેવક નાસ્તો અને ચાપાણી લાવ્યો.

ચા નાસ્તા પછી પણ બંને વચ્ચે ઘણી વાતો થઈ. ભાઈશ્રીએ યુવાન નેતાને પ્રેમથી રાજકારણ અને દુનિયાદારી વિષે સમજ આપી.

એ સમજ ભાર્ગવના ગળે ઉતરી. ‘હું તમારા માટે કામ કરવાં તૈયાર છું.’ એ છેવટે બોલ્યો.

‘સાબાશ.’

ભાઈશ્રીના નિવાસ સ્થાનેથી ભાર્ગવ બહાર નીકળ્યો ત્યારે એનાં ખિસ્સામાં દસ હજાર રૂપિયાની રકમ હતી. એ એની નવી કામગીરી માટેનો આગોતરો પગાર હતો. રસ્તામાંથી મીઠાઈની દુકાનેથી એણે અર્ધો કિલો પેંડા ખરીદ્યા. મીઠાઈની એ જ દુકાન અંદોલન વખતે લુંટાઈ ગઈ હતી. દુકાનદારે એના તરફ શંકાની નજરે જોયું. પણ, ભાર્ગવે પૈસા ચૂકવ્યા ત્યારે દુકાનદાર એના તરફ હસ્યો. એનાથી એ હાસ્ય જીરવાયું નહિ.

બીજે જ દિવસથી ‘લોકરંગ’ છાપામાં ભાર્ગવની ‘વિચારક’ તરીકે નવી કોલમ શરૂ થઈ ગઈ. શહેરના રસ્તા પર છાતી કાઢીને ચાલનારો યુવાન નેતા ભાડુતી વિચારક બનીને છાપાની એક કોલમમાં લપાઈ ગયો. હજુ સુધી બહાર નથી નીકળ્યો.