ગાડી બુલા રહી હૈ Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

ગાડી બુલા રહી હૈ

ગાડી બુલા રહી હૈ

યશવંત ઠક્કર

પ્રિય પ્રિય પ્રિય અતિ પ્રિય અદ્વિત,

‘જય શ્રી કૃષ્ણ.’

તું અઢી વરસનો એટલે કે બે વરસ પૂરાં અને ઉપરથી છ મહિનાનો થયો છો. એટલે હવે તો તને ‘જય શ્રી કૃષ્ણ’ કરતાં આવડી ગયું છે. પરંતુ તારી રીતે. જેવા તેવા હાથ જોડવાના અને ‘જય શ્રી કૃષ્ણ’ના બદલે ‘જય કાના’ બોલી દેવાનું. તને ‘કૃષ્ણ’ બોલતાં ન આવડે એટલે તું ‘કાના’ બોલી નાખે છે. વાંધો નહી. ‘કાના’ એ પણ કૃષ્ણનું જ બીજું નામ છે. જેમ તારું બીજું નામ ‘અદ્દુ’ છે. પણ ‘કૃષ્ણ’ને ‘કાના’ કહેવાનું તને કોણે શીખવ્યું હશે! મને લાગે છે કે જાણે અજાણ્યે મેં જ શીખવ્યું હશે. જોને આપણા ઘરમાં એક તસવીર છે જેમાં ‘કૃષ્ણ’ ગાયોની સાથે ઊભા છે. એ તસવીર બતાવતી વખતે હું તને ‘કૃષ્ણ’ની ઓળખાણ ‘કાના’ તરીકે આપું છું. કોઈનું બોલેલું પકડી લેવામા તો તું બહુ પાકો છો.

હું તને બરાબર ઓળખું છું. પદલા, તું બહુ પાકો છો. આજકાલ તો તને તારા આદેશ મુજબ ગીતો પણ સંભળાવવા પડે છે. ‘દાદા, તેલા મેલા અફસાના જોવું છે.’ તું આવું કહે એટલે મારે કમ્પ્યૂટર પર આ ગીત મૂકવું જ પડે.

‘તેરે જૈસા યાર કહાં...કહાં ઐસા યારાના. યાદ કરેગી દુનિયા...તેરા મેરા અફસાના.’

આ ગીત તારા પપ્પાનું પણ ગમતું ગીત છે. તું સાવ નાનો હતો ત્યારથી તારા પપ્પા આ ગીત તને ગાઈને સંભળાવતા હતા. પછી અમે તને કમ્પ્યૂટરમા બતાવવા લાગ્યા. ‘યારાના’ ફિલ્મના આ ગીતમાં અમિતાભ બચ્ચન હોય છે. તું પણ એને ઓળખવા લાગ્યો છે. હું તને જયારે જયારે પૂછું કે ‘આ કોણ છે?’ તો તું જવાબ આપે છે કે, ‘બચ્ચન’.

આ ગીત પૂરું થાય એટલે તારો આદેશ થાય કે, ‘દાદા, ગાડી બુલાઈ રઈ હૈ, જોવું છે.’ આ પણ તારું માનીતું ગીત છે. તને આ ગીત પહેલુંવહેલું મેં જ સંભળાવ્યું હતું. ‘ગાડી બુલા રહી હૈ સિટી બજા રહી હૈ, ચલના હી જિંદગી હૈ ચલતી હી જા રહી હૈ.’ બહુ મજાનું ગીત છેને? તો પછી? આજકાલ કમ્પ્યૂટર પર આ ગીત મૂકીને તને સંભળાવવું એ મારી ફરજનો એક ભાગ બની ગયો છે. કમ્પ્યૂટર પર આ ગીત વાગતું હોય ને આપણે જોતા હોઈએ ત્યાં તો સાચુકલી ગાડીનો અવાજ આવે. લે બોલ. દે તાળી! આ તે કેવું મજાનું નહિ? ઘરમાં બેઠાં બેઠાં જ સાચુકલી ગાડી પણ જોવા મળે.

અદ્વિત પદલા, તેં રમકડાની ગાડી તો પછી જોઈ છે. કમ્પ્યૂટર પર ગાડી પણ પછી જોઈ છે. એ પહેલાં તો પાટા પરથી પસાર થતી બહુ બધી સાચુકલી ગાડીઓ જોઈ છે. રેલ્વેલાઇન તો આપણા ઘરથી થોડેક જ દૂર છે એટલે આપણને તો રેલગાડીઓ ઘરમાંથી જ જોવા મળે છેને? તો પછી? જેવો ગાડીનો અવાજ આવ્યો નથી કે તું હાથ ઊંચા કરીને બોલ્યો નથી: ‘દાદા, ઠેન ઠેન.’ ગાડી પસાર થાય ત્યારે તને તેડીને ગાડી બતાવવી જ પડે. એમાં તને પણ મજા આવે છે અને મને પણ મજા આવે છે.

ગાડી વિષેનું તારું જ્ઞાન પણ અમે ખૂબ ખૂબ વધાર્યું છે. માલગાડી કોને કહેવાય અને પેસેન્જર ગાડી કોને કહેવાય એની તને ખબર પડે છે. એન્જિન કેવું હોય, માણસોને બેસવાના ડબ્બા કેવા હોય, ડબલ ડેકર ગાડી કેવી હોય, કોલસાનો ડબ્બો કેવો હોય, દૂધનું ટેન્કર કેવું હોય આ બધું જ તું જાણતો થઈ ગયો છે.

મુંબઈ કઈ દિશામાં છે અને અમદાવાદ કઈ દિશામાં છે એ તો તને એવું યાદ રહી ગયું છે કે તું ક્યારેય ભૂલ નથી કરતો. ઘરની ગેલરીમાં તો ભૂલ નથી કરતો પણ રેલ્વે સ્ટેશન પર પણ ભૂલ નથી કરતો. એક વખત તારા પપ્પા તને ગાડી બતાવવા માટે રેલ્વે સ્ટેશન લઈ ગયા હતા. ત્યાં તું ગાડી જોઈને ખુશીનો માર્યો કૂદવા લાગ્યો હતો. ગાડી વિષેના તારા જ્ઞાનનું જાહેરમાં પ્રદર્શન કરીને તારા પપ્પાને જ નહિ પણ બીજા લોકોને પણ આનંદ આપી રહ્યો હતો. તું જયારે એવું બોલ્યો કે: ‘પપ્પા આ બજુ મુંબઈ આવે અને આ બાજુ અમદાવાદ આવે’ ત્યારે એક અજાણ્યા આંટી પણ ખુશ થઈને બોલ્યાં હતાં: ‘વાઉ! આ બાબલાને તો કેટલી બધી ખબર પડે છે!’ પણ, બીજાં તારા વખાણ કરે એ માટે અમે તને ક્યારેય કશું કરવાનું કહેતાં નથી હો. તું તારી લીલા તારા મનથી કરે એમાં જ મજા છે. આમેય તું તારી મરજી વગર કશું કરે એવો નથી. તું બહુ પાકો છો પદલા.

હું તને ઘણી વખત રેલગાડી બતાવવા ફાટક પાસે લઈ જઉં છું. ગાડી નીકળે એટલે તને જે મજા પડે છે એની તે શી વાત કરવી! તું ઊછળી ઊછળીને ‘ફટાફટ ફટાફટ’ના બદલે ‘અતાપતા અતાપતા’ એવી બૂમો પાડે. એક ગાડી પસાર થઈ જાય એટલે તું તરત બોલે જ કે: ‘દાદા, હવે બીજી આવશે.’ બીજી પછી ત્રીજી, ત્રીજી પછી ચોથી!

તારા માટે રમકડાંની રેલગાડી લાવીએ એટલે તું એકબે દિવસમાં એનું વિસર્જન કરી નાંખે છે એટલે મેં હવે તારા માટે વિસર્જનમાંથી સર્જનનો રસ્તો અપનાવ્યો છે. મેં તને નવી રમત શીખવાડી છે. ચશ્માંના ભેગા થયેલા ખાલી ખોખાં અને રંગબેરંગી બોલપેનની લાઇન કરીને ગાડી બનાવવાની. મોંઘાં રમકડાંમાંથી ન મળે એવો આનંદ તને આ રમતથી મળે છે. કારણ કે આ રમતમાં તને પણ તારું ડહાપણ કામે લગાડવાની તક મળે છે. જેમ કે, આગળનું ખોખું એટલે એન્જિન! એની પાછળના ખોખાં એટલે ડબ્બા! સફેદ રંગની પેન એટલે દૂધનું ટેન્કર! કાળા રંગના ખોખાં એટલે કોલસાનાં વેગન!

કોલસાની વાત આવે એટલે તું હસતા હસતાં બોલે જ કે: ‘દાદા, કોલસા ખાવા છે.’ આવું તું મને ચીડવવા જાણી જોઈને બોલે એટલે હું પણ ખાલી ખાલી જ ચીડાઈ જઉં અને તને કહું કે: ‘કોલસા ન ખવાય.’ એના જવાબમાં તું કહે કે: ‘ખવાય.’ એટલે હું કહું કે: ‘ન ખવાય.’ આમ આપણી વચ્ચે એકના એક સંવાદોની રમઝટ બોલે અને હાસ્યનું સર્જન થાય. આપને બીજું શું જોઈએ હેં?

ક્યારેક ડાઇનિંગ ટેબલની ફરતે ચક્કર મારતાં મારતાં ગાડી ગાડી રમવાનું તને બહુ ગમે છે. આ રમતમાં પણ મારે જોડાવાનું હોય છે. પછી તો દાદા ને દીકરાની સફર શરૂ. મુંબઈ, પુના ને ત્યાંથી પાછા વડોદરા અને ત્યાંથી અમદાવાદ. હું સિટી વગાડું અને છુક છુક છુક છુક બોલાવું. તું થાકતો નથી એટલે હું પણ થાકતો નથી. તારી તાકાત મારામાં આવી જતી હશે? એક ઓરડામાં કલ્પનાના સહારે વિશાળ સૃષ્ટિ સમાઈ જાય. પરંતુ કલ્પના તો મારા માટે. તારા માટે તો આ બધું હકીકત જ હશેને?

તેં સાચુકલી રેલગાડીમાં પણ મુંબઈ, અમદાવાદ અને રાજકોટનો પ્રવાસ કર્યો છે. એ પ્રવાસના અનુભવને કામે લગાડીને તું મને રમાડતો હોય એવું પણ બની શકે હો. તું બહુ પાકો છો. પદડા, હું તને બરાબર ઓળખું છું.

તને રેલગાડી બહુ ગમતી હોવાથી તને કમ્પ્યૂટર પર રેલગાડીનાં ગીતો બતાવવાનું મન થયું ત્યારે મને બે ગીતો તરત યાદ આવ્યાં હતાં.

એક તો ‘આશીર્વાદ’ ફિલ્મનું: ‘રેલ ગાડી રેલ ગાડી છુક છુક છુક છુક, છુક છુક છુક છુક, બીચ વાલે સ્ટેશન બોલેં રુક રુક રુક રુક, રુક રુક રુક રુક.’

આ ગીત અશોકકુમારે પોતે ગાયેલું છે જેને તું બીજા દાદા તરીકે ઓળખે છે. તું જયારે જયારે કમ્પ્યૂટર સામે ગીતો સાંભળવા બેસે છે ત્યારે ત્યારે તને આ ગીત પણ સંભળાવવું જ પડે છે.

બીજું ગીત છે: ‘ગાડી બુલા રહી હૈ સિટી બજા રહી હૈ, ચલના હી જિંદગી હૈ ચલતી હી જા રહી હૈ.’ કેવું સરસ ગીત છે નહિ? આ ગીત વખતે ગાડીમાં બેઠેલાં ધરમેંદરને પણ તું ઓળખવા લાગ્યો છે. ગીતના શબ્દો પણ તને યાદ રહી ગયા છે. તારી કાલીઘેલી બોલીમાં આ ગીત સાંભળવાની અમને બધાંને બહુ મજા આવે છે. ‘ગાડી બુલાઈ રહી હૈ, સિટી બજાઈ રહી હૈ.’

આ ગીત તું ધ્યાનથી સાંભળતો હોય છે ત્યારે હું પણ એક જુદી જ દુનિયામાં ચાલ્યો જાઉં છું. જેમ ધરમેંદર છુક છુક ગાડીમાં બેસીને જાય છે એમ હું પણ એક દિવસ આવી જ ગાડીમાં બેસીને નવી નવી નોકરી પર હાજર થવા માટે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે તો આ ફિલ્મ બની પણ નહોતી. મને યાદ છે એ દિવસ. વરસાદ દિલથી વરસતો હતો. મારે સાવરકુંડલાથી ઉના જવાનું હતું. પણ બસ બંધ થઈ ગઈ હતી. રસ્તામાં નદી આવતી હતી. એ છલકાઈ ગઈ હતી. એટેલે મારે ધારી રેલ્વે સ્ટેશને જવું પડ્યું હતું. ત્યાંથી છુક છુક ગાડીમાં બેસી ગયો હતો.

બારીમાં જ જગ્યા મળી ગઈ હતી. અને ગાડી ઉપડી હતી. નાની ગાડી હતી અને બહુ ફાસ્ટ નહોતી ચાલતી. એટલે બારીમાંથી બધું જોવાની બહુ મજા પડી ગઈ હતી. રસ્તામાં ગીરનું જંગલ આવ્યું હતું. એકલાં ઝાડ ઝાડ અને ઝાડ! એ પણ વરસાદમાં નહાઈ નહાઈ કરતાં હોય એવાં! તને બાથરૂમમાં ફુવારા નીચે ઊભા રહીને નહાવાની કેવી મજા આવે છે! એવી જ મજા એમને પણ આવતી હતી. નાનીમોટી બધી જ નદીઓ પાણીથી છલોછલ. જાય ભાગી જાય ભાગી. પૂલ પરથી ગાડી ચાલતી હતી ત્યારે નદીઓ જોવાની બહુ જ મજા આવતી હતી. નાનામોટા ડુંગરા સાવ ઝાંખાં ઝાંખાં દેખાતા હતા. એ પણ વરસાદમાં બરાબરના નહાતા હતા. અને અદ્વિત, આકાશમાં વીજળી ઝબૂક ઝબૂક થતી હતી. અને વાદળ વાદળ વચ્ચે એક્સિડન્ટ થતા હતા એટલે ઘુડુડુડુડુડુડુ એવો અવાજ આવતો હતો. વરસાદ આવવાથી ખુશ થઈ ગયેલા મોરલા ‘ટેંહુક ટેંહુક’ કરતા હતા.

ક્યારેક ક્યારેક વરસાદ રહી જતો ત્યારે બધું ચોખ્ખું ચોખ્ખું દેખાવા લાગતું હતું. ત્યારે આકાશમાં વાદળાં ઝગડમ ઝગડી છોડીને છુક છુક ગાડી રમતાં હોય એ પણ ચોખ્ખું ચોખ્ખું દેખાતું હતું. . વળી પાછો વરસાદ શરૂ થતો ને બધું પાછું ઝાંખું ઝાંખું થઈ જતું હતું. આવી જ રીતે આખો દિવસ ગાડી ચાલતી રહી હતી અને છેક સાંજે ઉના પહોંચી હતી.

મારી નવી નવી નોકરીની શરૂઆત એક દિવસ મોડી થઈ એનો અફસોસ થયો. પણ, સાથે સાથે એ વાતનો આનંદ પણ થયો કે, એક આખો દિવસ ગાડીમાં બેઠાં બેઠાં જ વાદળાં, વીજળી, વરસાદ, નદી, જંગલ એવું બધું જોવા મળ્યું. તું પણ આપણા ઘરની બારીમાંથી વરસાદ જુએ છે ત્યારે તને પણ બહુ જ મજા પડે છે. વરસાદ આવતો હોય ત્યારે તું બારીમાંથી તારા નાના નાના હાથ બહાર કાઢીને કાલીઘેલી ભાષામાં ગાવા લાગે છે કે, ‘વાદળી વાદળી વરસ વરસ, લાગી છે બહુ તરસ તરસ. ફોરા પડશે ટપક ટપક, ઝીલી લઈશું લપક લપક.’

તું આ પત્ર વાંચતો હોઈશ ત્યારે તું ઘણો મોટો થઈ ગયો હોઈશ. કોઈ વાર ગાડીમાં બારી પાસે બેસીને બહારનાં દૃશ્યો પણ જોતો હોઈશ. હવે પછી એવું કરે ત્યારે મને યાદ કરીશને? અને આ ગીત પણ યાદ કરજે.

ગાડી બુલા રહી હૈ સિટી બજા રહી હૈ,

ચલના હી જિંદગી હૈ ચલતી હી જા રહી હૈ.

દેખો વો રેલ, બચ્ચોં કા ખેલ, સીખો સબક જવાનોં

સર પે હૈ બોઝ, સીને મેં આગ, લબ પર ધુવાં હૈ જાનો

ફિર ભી યે ગા રહી હૈ, નગમેં સુના રહી હૈ

ગાડી બુલા રહી હૈ સિટી બજા રહી હૈ.

આગે તૂફાન, પીછે બરસાત, ઉપર ગગન પે બિજલી

સોચે ન બાત, દિન હો કે રાત, સિગનલ હુઆ કે નિકલી

દેખો વો આ રહી હૈ, દેખો વો જા રહી હૈ

ગાડી બુલા રહી હૈ સિટી બજા રહી હૈ

ચલના હી જિંદગી હૈ ચલતી હી જા રહી હૈ.

ગાડી બુલા રહી હૈ સિટી બજા રહી હૈ,

ચલના હી જિંદગી હૈ ચલતી હી જા રહી હૈ.

આ પત્ર વાંચતો હોઈશ ત્યારે તો તું આ ગીતનો અર્થ સમજવા જેટલો મોટો થઈ ગયો હોઈશ. અને આ પંક્તિનો અર્થ પણ સમજાઈ ગયો હશે.

આતે હૈ લોગ, જાતે હૈ લોગ, પાણી કે જૈસે રેલે

જાને કે બાદ, આતે હૈ યાદ, ગુજરે હુએ વો મેલે

યાદેં મિટા રહી હૈ, યાદેં બના રહી હૈ

ગાડી બુલા રહી હૈ સિટી બજા રહી હૈ.

બસ. વધારે ફરી ક્યારેક. જોને આ લખું છું ત્યારે પણ તું મને ગાડી ગાડી રમવા બોલાવી રહ્યો છે. આવું છું.

લિ. દાદાના બમ બમ ભોલે.