મનોવેદના Sonal Gosalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

મનોવેદના

મનોવેદના

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


“ મનોવેદના ”

“મનોજ તું સાબિત શું કરવા માંગે છે, હા? તું જ હંમેશાં સાચો અને બીજાં બધાં ખોટાં એમ? તારી આ ફિલોસોફીને તું તારા પૂરતી રાખ, લોકો પર ના અજમાવતો. તારે ૧ મહિનો પાગલખાનામાં રહીને પાગલ દર્દીઓની મનોદશા માપવી છે. સહેલી વાત લાગે છે તને આ બધી? કેવા ખતરનાક હોય છે એ પાગલો? છુટ્ટા ઘા કરે, વાળ ખેંચે, ચીસો પાડે, જોર જોરથી હસે, એકલા એકલા બબડે. ઓહ માય ગોડ, કયાંક તારે પણ ત્યાં જ ના રહેવું પડે, એમની સાથે રહીને, એમની મનોદશા-એમની લાગણીઓ-એમના દુઃખ સમજતાં સુધીમાં તું જ પાગલ થઇ જઇશ.” શીલા બબડતી જતી ને મનોજના પેટનું પાણી પણ ના હલે. મનોજ જે નક્કી કરે, એ કરીને જ જંપે. (દુનિયા ઇધર કી ઉધર હો જાયે), મનોજ પાસે અઢળક સંપત્તિ, અપાર ભૌતિક સુખ, બાળકો ખૂબ હોંશિયાર, પત્ની શીલા ભણેલી, ગણેલી અને સ્ટાઇલીશ. બિઝનેસ ખૂબ સારો ચાલે . મનોજને બાળપણથી માણસોની લાગણી જાણવાનો ખૂબ શોખ. એ દુઃખી માણસોને જોઇ ખૂબ દુઃખી થાય. એમની વેદના જાણવા મથે, એનો રસ્તો પણ જરૂર કાઢે. સંપત્તિ કરતાં સંસ્કારોથી ધનાઢય મનોજની માતા પાગલ હતી. એ જ્યારે બાર વર્ષનો હતો ત્યારે એની મા મૃત્યુ પામી હતી. બે વર્ષ પાગલખાનામાં જ રાખી હતી. બાર વર્ષનો નાનો મનોજ એના પાપાને કરગરે. આજીજી કરે. પાપા, મમ્મીને પાગલખાનામાં ના રાખો. ઘરે લઇ આવો. ત્યાં એનો જીવ રૂંધાય છે. મારા વગર એ નહીં રહી શકે. હું એને સાચવીશ પણ પપ્પા મમ્મીને ઘરે લઇ આવો. પણ અભિમાની પપ્પાએ બે લાફા ચોડીને મનોજને ચૂપ કરી દીધો. મનોજ પપ્પાથી છાનો મમ્મીને મળવા જાય. મમ્મીની આંખમાં પ્રેમ શોધે, મમતાનો સ્પર્શ ઇચ્છે.એને મમ્મીના ખોળામાં માથું રાખી સૂવાનું મન થાય. પણ મમ્મી તો એનાથી દૂર ભાગે. જાણે કે એને મારવા આવ્યો હોય. મનોજ ભીની આંખે મમ્મી સામે હાથ જોડે “ મમ્મી, પ્લીઝ, મને પાસે આવવા દે. હું તારો દીકરો છું. તને વ્હાલ કરવા આવ્યો છું. તું જલ્દી સાજી થઇ જા. આપણે સાથે રહેવાનું છે. પપ્પા તને લઇ જશે.” જયાં પપ્પાનું નામ આવે એટલે હિંસક બની જાય એની મમ્મી. છૂટ્ટા ઘા કરે, હાથમાં જે મળે એ ફેંકે. ઘણી વખત મનોજને વાગી પણ જાય. દયામણી નજરે માને જોતો જોતો રડે. એનાથી માની આ હાલત જોવાતી ન હતી. ઘરે આવે પણ એનો જીવ એની “મા”માં જ રહે. પપ્પાનું નામ પડતાં જ મમ્મી ભડકી કેમ જાય છે? મારી વાતો ધ્યાનથી સાંભળે છે. એનો અણગમો પપ્પા પ્રત્યે જ છે. પણ કેમ? આવા વિચારો એના માસુમ મગજમાં ઘુમરાયા કરે. એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે ગુણવંતી-મનોજની મા- મૃત્યુ પામી છે. મનોજના દિલની ધડકન વેગીલી થઇ ગઇ. મમ્મી ઘરે સાજી થઇને આવવાની બદલે, લાશરૂપે આવશે ? મમ્મીના મૃતદેહ પાસે જઇને વલોપાત કરવા લાગ્યો.“મમ્મી મારે તારી સાથે, તારા સંગાથમાં જિંદગી જીવવાની ઝંખના હતી. તું આમ મને એકલો છોડીને કેમ જતી રહી, હવે હું મમ્મી કોને કહીશ?” ત્યાં જ એક સ્ત્રીએ મનોજના માથે હાથ મૂકીને એને વ્હાલ કરતા કહ્યુ “બેટા, આજથી હું તારી મમ્મી.” મનોજ તો ડધાઇ ગયો. આ સ્ત્રી કોણ છે? કેમ મારે એને મમ્મી કહીને બોલાવવાની ? ત્યાં જ એના પપ્પાએ ધડાકો કર્યો, “આ સરોજ છે, તારી નવી મમ્મી.” નાની ઉંમરમાં પુખ્ત વર્તનથી પુખ્ત થયેલો મનોજ વિચારી રહ્યો “ હજી મમ્મીને ગુજરી ગયા ને અડધો કલાક થયો છે, ત્યાં તો પપ્પા એ નવી મમ્મી શોધી લીધી ? પણ એના મગજમાં આ વાત કયારેય ઊતરતી ન હતી. સમય સાથે સમાધાન કરવાની એની ઉમદા આદતે એને ખૂબ સહનશક્તિ આપી હતી. વખત પસાર થવા લાગ્યો. મનોજ ભણવામાં ખૂબ હોશિયાર. એનું મન એણે ભણવામાં ઓતપ્રોત કરી નાંખ્યુ હતુ. નવી મમ્મીના ખોટા પ્રેમ એ ખૂબ સમજી ગયો હતો. પપ્પાને ફસાવી, આ સ્ત્રીએ ઘરમાં સ્થાન મેળવ્યું છે. બહાર શાણી સીતા હોવાના ઢોંગ કરતી આ સ્ત્રી મનોજને કયારે પસંદ ન હતી. વખત જતાં એના પિતા પણ મૃત્યુ પામ્યા. વિલ મુજબ બધી પ્રોપર્ટી મનોજના નામે થઇ ગઇ.

મનોજ પિતાની મૂડી ને પ્રોપર્ટીનો હંમેશાં સદ્‌ઉપયોગ જ કરે. દાન તો ચાર હાથે આપે “બાપકમાઇ કરતાં આપકમાઇ” માં વધુ માને. નવી મમ્મી સરોજને ફરજ સમજી સાથે રાખે પણ એના પર કયારે હેત ના આવે. એના લગ્ન શીલા સાથે થયા ત્યારે બધી હકીકતથી શીલાને વાકેફ કરી હતી. શીલાને એના આ ગુણ સંવેદનાના સાગરમાં સહેલ માણવાની લાગણી ઉપજાવે. ખૂબ સુંદર પત્ની, બે ફૂલ જેવાં બાળકો, અઢળક સંપત્તિનો માલીક મનોજ આજે પણ એની “મા”ની મનોદશા યાદ કરીને તડપી ઊઠે. માણસ ગાંડાં કેવી રીતે થાય? જરૂર એમના મનની લાગણીઓથી રમતા લોકોએ એમની દુખતી નસ મસળી નાખીને, એમને સંવેદનાના તારથી છૂટા પાડવા, લાગણીઓની મુગ્ધતા છીનવી લઇને માનવતા નેવે મૂકી દીધી હોય છે. સમય અને સંજોગો માણસને મારી નાંખે છે. વધુપડતા સંવેદનશીલ લોકો સહનશક્તિના અભાવે મનમાં આવી વાત ગૂંથી લે છે ને પછી સોસવાયા કરે છે. ડિપ્રેશનમાં રહેવા લાગે છે. અને વધુ પડતું ડિપ્રેશન રહેવાથી એમને પાગલ સાબિત કરી દેવાય છે. પછી તો મોકલી દો આને મેન્ટલ હોસ્પિટલમાં, એવો ફેંસલો કરી દેવાય છે.

મનોજ આ વિચારોનું સમાધાન ઇચ્છતો હતો. એને આ સમાધાન એ મેન્ટલ દર્દીઓની કહાની, એમની વેદના જાણીને જ મળવાની હતી.સામાજીક સેવામાં મનોજનું નામ મોખરે. આ વખતનું એનું આ ભૂત શીલાને ના ગમ્યું.

“મનોજ તમને સોશિયલ સર્વિસનું રોજ નવું ભૂત ઉપડે છે અને એમા હું તમારો હ્ય્દયપૂર્વક સાથ આપું છું, પણ ગાંડાઓ વચ્ચે રહેવાનો આ ફેંસલો મને જરાય મંજુર નથી.”

“શીલા તારો આ મનોજ આટલા અઢળક ગાંડાં વ્યક્તિઓમાંથી જો કોઇ એકને પણ સાજી કરશે ને તો એની જિંદગી ધન્ય થઇ જશે. મારી “મા” હું એ દરેક સ્ત્રીમાં જોઇશ. મારૂં હૈયું “મા” ના વાત્સલ્યથી ભરેલું છે. એ વાત્સલ્યથી હું કોઇ એક માને પણ ઘરે ભાનસભર મોકલીશ ને તો મારી ‘મા’ પાછી મેળવ્યાનો આનંદ પામીશ.” શીલા એની સામે એકધારી જોતી રહી. પાસે આવી, એના ખભે હાથ મૂકી હળવું સ્મિત આપતાં બોલી “મનોજ, હું તમારી શું મદદ કરી શકું?”આ આંદોલનમાં કહો તો, તમારી સાથે હુું પણ ત્યાં રહું?” મનોજ ભાવવિભોર બની ગયો. શીલા તારી આટલી સમંતિ મારા માટે મજબૂત બળ છે. તું બાળકોને સાચવ, હું માને સાચવવા જાઉં છું. બન્ને એકમેકને ભેટી પડ્યા.

મેંટલ અસાયલમની ઓફીસમાં બેઠાં બેઠાં મનોજ બધા દર્દીઓની કેસહિસ્ટરી વાંચતો હતો. કોઇને દહેજ માટે ખૂબ હેરાન કરવાથી, તો કોઇનો વ્હાલસોયો દીકરો ગુમાવવાથી, કોઇને પતિએ દગો આપવાથી, તો કોઇ પ્રેમમાં નિષ્ફળ જવાથી પાગલપનની ભંયકર બીમારીનો ભોગ બન્યા હતા. એક અબળા નારી પર ગેૅંગ રેપ થવાથી એની મનોદશા એવી ફફડાટ હતી કે કોઇ પુરૂષને જુએ ને બચાવો, બચાવોની ચીસો પાડે. મનોજનું હ્ય્દય દ્રવી ઉઠયું. એ સ્ત્રીના ચહેરાના હાવભાવ જોઇને મનોજને લાગણીની ભાવના જાગે. થોડા દિવસોમાં મનોજ બધાને ઓળખતો થઇ ગયો. કયારેક કોઇ સ્ત્રી એને મારે, તો કોઇ એનો જોઇને જોર જોરથી હસવા માંડે. એક સ્ત્રી એની નજીક આવી. વહાલથી એની સામે જોઇ રહી. મનોજ એકધાર્યું એને જોઇ રહ્યો. એ સ્ત્રી વિચિત્ર રીતે એની મૂઠીમાં ભરેલી ધૂળ એના આંખમાં નાખી જતી રહી. બીજી સ્ત્રીઓ તાળીઓ પાડી હસવા લાગી. મનોજની આંખોમાં અસહ્ય બળતરા થવા લાગી. આંખો ખોલવી પણ અશક્ય હતી. ચીસો પાડવાનું મન થઇ આવ્યું. પણ ચૂપચાપ સહન કરી લીધું. ડોક્ટરે ટીપાં લખી આપ્યાં. એ નાખવાથી સાંજ સુધી થોડી રાહત થઇ. પણ આખી રાત આંખમાં બળતરા રહી. ઘણું મુશ્કેલ છે, અહીંયા રહેવાનું. કેવી રીતે શરૂઆત કરૂં આ દર્દીઓની ભાવના સમજવાની ? વિચારોમાં રાત કયાંય વીતી ગઇ. સવારે ઊઠયો ત્યારે આઠ વાગી ગયા. ઊઠીને કંપાઉન્ડમાં નજર કરી. બધા પોતપોતાનાં ગાંડપણના પરચા એકબીજાને બતાવતા હતા. કોઇ પોતાના માથાના વાળ ખૅંચે, કોઇ ઊંધી ચાલે, કોઇ ગાળો બોલે, કોઇ લંગડી રમે. મનોજે આ બધું એકીટસે જોયા કર્યું.

એ હિંમત કરી ત્યાં ગયો. “આર યા પાર”વિચારીને આગળ વધ્યો. લંગડી રમતી સ્ત્રી સાથે એ પણ રમવા લાગ્યો, ને જાણી જોઇને હારવા લાગ્યો. પેલી સ્ત્રી તાળીઓ પાડી પાડીને ખુશ થતી. આ દૃશ્ય જોઇને બીજી બે સ્ત્રીઓ પણ રમવા લાગી. મનોજ આ ત્રણ સ્ત્રીઓને જીતવા સફળ થયો. આમ રોજ મનોજ એમની સાથે રમે. બપોરે બધાં સૂઇ જાય ત્યારે મનોજ સાંજની નવી રમત વિષે વિચારી રાખે. ધીરે ધીરે મનોજ બધાંની સાથે લાગણી, મૃદુભાષા, ધીરજથી આત્મીયતા કેળવી શક્યો. એક યુવાન સ્ત્રીને એ હંમેશાં રડતી જોતો. એ સ્ત્રી એને કોઇ અંશે પાગલ ના લાગી. એ એની પાસે જઇને બેઠો. એની કેસહિસ્ટરી એને ખબર હતી. નવું પરણેલું યુગલ હનીમૂન કરવા ગયું હતું. બસનો ગમખ્વાર અકસ્માત થયો ને આ સ્ત્રીનો પતિ તત્કાળ મૃત્યુ પામ્યો હતો. આ સદમાથી એ પાગલ થઇ ગઇ હતી. જો ત્યારે એને સંભાળી લેવામાં આવી હોત, તો આજે એ આ હોસ્પિટલની દર્દી ના હોત. સાસરીયાએ કુલટા, અપશુકનિયાળ, પનોતી જેવા ધબ્બા લગાવી કાઢી મૂકી પિયરમાં ભાભીઓએ એ જ વર્તાવ કર્યો. આ માસૂમ સ્ત્રી જેણે પોતાનો પતિ ખોયો, સમાજ સાથે લડી ના શકી, મનોમન મૂંઝાતી ગઇને એક પ્રકારની વિકૃતિ આવી ગઇ. આ વિકૃતિને પાગલપન સાબિત કરીને પિયરમાંથી એને મેૅંટલ અસાયલમમાં ભરતી કરી ગયા. ત્રણ ભાઇઓની એકની એક લાડલી બહેન આવી દશામાં? આ વિચાર માત્રથી મનોજ હચમચી ગયો. મનોજને ખબર હતી કે આ સ્ત્રી હાઈલી એજ્યુકેટેડ છે. મનોજ એની પાસે બેસી વાત કરવા લાગ્યો. હાય, મારૂં નામ મનોજ છે. તમારૂં નામ શું છે? એ સ્ત્રીના કોઇ જ હાવભાવ ના મળ્યા. એ ચૂપચાપ બેસી રહી. મનોજે કહ્યું તમારું નામ યશ્વી છે ને ? તમારા પતિનું નામ અરે યાદ કેમ નથી આવતું ? માથું ખંજવાળતાં મનોજ નાટક કરવા લાગ્યો. કેતન? ના ના. પ્રેમલ. ના ના.રાજુ? પેલી સ્ત્રી મનોજને ટીકી ટીકીને જોવા લાગી. એકાએક એ બોલી પડી.સુયશ. મનોજ ખુશખુશાલ થઇ ગયો. વાહ પોઝીટીવ રીસ્પોન્સ મળ્યો. મનોજ આગળ બોલવા લાગ્યો. તમારે ત્રણ ભાઇઓ છે ને? યશ્વીના મુખ પર ક્રોધના ભાવ આવવા લાગ્યા. ગુસ્સામાં માથું પછાડવા લાગી. મનોજ એને પકડી “આઇ એમ સોરી” કહેવા લાગ્યો. “તમારા ઘા પર હું મીઠું લગાવું છું એમ તમને લાગે છે ને? પણ બહેન જીવનનાં કડવાં સત્ય અપનાવવાં જ પડે છે. તમે ભણેલા સુંદર, હોંશિયાર છો. હિંમત હારી ગયા એના કરતાં હિંમત રાખીને બધાનો સામનોે કર્યો હોત તો સમય પણ તમને સાથ આપત, ને આ બધા તમારી હિંમત આગળ સરેન્ડર થઇ જાત. મને ખબર છે તમે પાગલ નથી. મનથી હારી ચૂકેલા કાયર સ્ત્રી છો. હું તમને રોજ જ જોઉં છુ. તમે કોઇ પાગલપનની હરકત નથી કરતા, બસ એકાંતમાં બેસી રડ્યા કરો છો. મારી “મા” પણ આ જ પાગલખાનામાં હતી. અહીંયા જ મૃત્યુ પામી હતી. તમે જુવાન છો. તમારી સામે સુંદર જીવન પડ્યું છે. આટલો સરસ માનવ અવતાર મળ્યો છે. શા માટે આવું જીવન જીવો છો? તમારા ત્રણ નપાવટ ભાઇઓ સામે આજે આ એક ભાઇ તમને પોતાની નાની બહેન તરીકે અપનાવે છે. મારે કોઇ બહેન નથી. આ સૂની કલાઇ પર કયારે રાખડી બંધાઇ જ નથી. તમે મને મોટાભાઇ સમજી અપનાવી લો.” બોલતાં ખૂબ ખૂબ રડી પડ્યો મનોજ. આજે એને મન મૂકીને રોવું હતું. કોઇકને અહીંયા ગુમાવ્યા હતા તો આજે કોઇને મેળવવાની ઝંખના હતી. નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રોવા લાગ્યો . યશ્વી, મનોજને જોતી જ રહી. એકાએક મનોજને વળગી પડી.”ભઇયા”, કહી પપ્પીઓ કરવા માંડી. આ ભાઇ -બહેનનું મિલન જોઇ ત્યાંના સ્ટાફની પ્રત્યેક વ્યક્તિ રડી પડી. મનોજ યશ્વીને લઇને અંદર આવ્યો. યશ્વી હજુ ડૂસકાં ભરતી હતી. યશ્વીને પોતાના હાથે પાણી પીવડાવ્યું, ફોન કરી વકીલને બોલાવી લીધા. એડોપ્શન પેપર્સ તૈયાર કરાવ્યા. યશ્વીના ત્રણે ભાઇઓને પણ બોલાવી લીધા. ઘરે ફોન કરી શીલાને કહ્યું “ ૫ વાગે તું બાળકોને સ્કૂલેથી લઇને સીધી અહીંયા જ આવજે. અને આ સરોજબહેન (નવી માને તે આ રીતે સંબોધતો હતો)ને પણ લેતી આવજે સાથે. શીલા મૂંઝવણમાં પડી ગઇ. શું નવું ભૂત વળ્યું પાછું મનોજને? આમ બધાને ત્યાં બોલાવ્યા કેમ? જેમ તેમ પાંચ વગાડયા. બધા અસાયલમમાં ભેગા થયા. વકીલ પેપર્સ રેડી કરવા લાગ્યા. મનોજ યશ્વીના ત્રણે ભાઇઓને સહાનુભૂતિભરી નજરે જોતાં બોલ્યો, “ત્રણ ભાઇને એકસરખી રાખડી બાંધી ભાઇની રક્ષાનું કવચ બનતી આ બહેન ,તમારા ત્રણમાંથી કોઇથી સચવાઇ નહી? શું વાક હતો આનો? પતિ મરી ગયો, એમા આ બિચારીનો શું દોષ? જીંદગીમાં ડગલાં માંડતા જ એનુ બધુ છીનવાઇ ગયુ. તમારા જેવા ભાઇઓના હાથમાં રક્ષાનો એ દોરો એક રિવાજ પુરતોે જ છે. આજે આ યશ્વીને હું મારી બહેન તરીકે સ્વીકારૂં છું.” બોલતાં જ સરોજબહેન પાસે આવી ઊભો રહ્યો. સરોજબહેન, અહીંયા રહીને થોડો ઘણો ખ્યાલ મને આવી ગયો કે મારી મમ્મીને પાગલપન આપવામાં તમારા અને પપ્પાના આડા સંબંધનો ઘણો ફાળો હતો. આજે પ્રાયશ્ચિત કરવા કુદરતે તમને એક મોકો આપ્યો છે.યશ્વીને દિકરી તરીકે અપનાવી લો અને તમારા બધાં પાપોનું પ્રાયશ્ચિત કરી લો. સરોજબહેન ગળગળા થઇ ગયા. મનોજના પગે પડી, માથું પછાડવા લાગ્યા. હા દીકરા. હું તારી માની ગુનેગાર છું. હું તને તારી મા તો પાછી આપી નથી શકવાની, પણ તને બહેન જરૂર મળશે. વકીલ સાહેબ લાવો પેપર્સ. મારી દીકરીને ઘરે લઇ જવી છે. શીલા આજે મનોજને નિહાળ્યા કરતી હતી. કેટલા પુણ્ય કર્યા હશે ત્યારે આવો પતિ મળ્યો મને. કદાચ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આનાથી વિશેષ શું હોય? બધી ફોર્માલીટી પૂરી થઇ. મનોજ યશ્વીનો હાથ પકડી, ત્રણ ભાઇઓ સામે વટથી એના ઘરે લઇ ગયો. સરોજબહેન મનમાં બોલ્યા.

છલકાય છે આંખોથી આંસુ,

હૈયામાં માનવતાનાં તોરણ બંધાય છે.

પાપના પરિણામની શકિત જોઇ,

જીવનમાં પ્રાયશ્ચિતના મૂલ્યો સમજાય છે.

વાહ રે કુદરત માની ગઇ તારી કરામત

કોરી સ્લેટ સમું મારૂં સૂનું જીવન,

યશ્વીના આગમનથી માતૃત્વમાં ભીંજાય છે.