Anubhuti - Antarvednanai Amivrushti (Part - 2) books and stories free download online pdf in Gujarati

Anubhuti - Antarvednanai Amivrushti (Part - 2)

નવલિકા સંગ્રહ

અનુભૂતિ

સોનલ ગોસલીયા

અંતરવેદનાની અમીવૃષ્ટી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સંવેદનાથી જાગ્યા સૂર જીંદગીના

એ સૂરથી રચાયા સંગીત આત્માના

આત્મિય સંગીતથી ગુંજ્યા તાલ સંબંધોના

સંબંધોના તાલથી બન્યા ગીત લાગણીઓના

સોનલ ગોસલીયા

પ્રસ્તાવના

દરેક શબ્દ ખોલીને જોયો. એમાં ફક્ત મૌન જ હતું ! ! જેમ સાંજ ઢળ્યા પછી સૂનું, પંખીઓ વગરનું આકાશ ! આ મૌન પાછળ મળ્યા અશબ્દ શબ્દો. શબ્દ પાછળની ભીની ભાવના પહોંચાડવાનો સેતુ છે ‘અનુભૂતિ’. શબ્દની શુદ્ધતા થકી હૃદયની શુદ્ધિ થાય છે. અને પછી તો આત્મીયતા જ છલકાય છે. હૃદયનાં ઊંડાણમાંથી નીકળેલા શબ્દોને કલમ દ્વારા વાચા આપવાનો મારો આ નાનકડો પ્રયાસ છે. મારાં, તમારાં, આપણાં સૌનાં જીવનમાં ક્યાંક ને ક્યાંક લાગતીવળગતી પરિસ્થિતિઓ મારા આ પુસ્તક ‘અનુભૂતિ’માં નવલિકા સ્વરૂપે વર્ણવી છે.

સોનલ ગોસલીયા

અનુક્રમણિકા

•કનકી

•માતૃપ્રેમ (સ્ટેફી)

•મન ની સુંદરતા

•ડોક્ટર કે ભગવાન ?

•સમયની સીડી

•સાચો રસ્તો

•માણો જીંદગીને...

•સંબંધ

•કવિતા

૧. કનકી

ફળીયું વાળતા ભાંગેલા હૈયે આંસુ લૂછતી પોતાના નસીબને કોસતી કનકી આજે ક્ષણે ક્ષણે માને યાદ કરતાં કહેતી હતી,“મારી હાલત જોઇ તું પણ દઃુખી થાય છે ને મા ?તારી સંવેદના મારા હ્ય્દયમાં અનુભવું છું. હું આંસુ સારીશ પણ તારે મારાં આંસુ લૂછવા સારૂ કોઇ પણ સ્વરૂપે આવવું જ પડશે. નથી સહેવાતું મારાથી આ દુઃખ. હું સાવ એકલી પડી જઉં છું. મને તારી પાસે બોલાવી લે.અને કયાં તો ભૂલીભટકી તારી કનકીની પાસે પાછી આવીજા મા. આ વિનંતી સાથે કનકી પોતાના ફ્રોકથી આંસુ લૂછતી લૂછતી રસોડા તરફ ગઇ.કનકી આમ તો બાર વર્ષની નાની બાળકી, પણ સમય અને સંજોગોએ એને ટીચીને સમજુ અને ડાહી બનાવી દીધી હતી.ત્રણ વર્ષની હતી ત્યારે માતા ટૂંકી બિમારીમાં મૃત્યુ પામી.કુટુંબમાં ત્રણ કાકા કાકી અને એક ફોઇ. બધાંએ નાની કનકીના માસુમ પ્રશ્ન“મારી મા કયાં ગઇ?”નો જવાબ ખૂબજ દિલાસાભર આપ્યો “તારી મા ભગવાન પાસે ગઇ છે.સાચા મનથી પાછી માંગીશ તો ભગવાન તને જરૂર પાછી આપશે.” બસ. આ વાત એના મનમાં એવી ઊતરી ગઇ કે રોજ એ એની માની પાછી આવવાની રાહ જોતી આંસુ સારે. ભગવાન સાથે કયારેક ઝગડે તો કયારેક લાડથી માની માંગણી કરે.હસતું રમતું બાળપણ તો જાણે કનકીએ અનુભવ્યુ ંજ ન હતું. પિતા મનસુખ પશાકાકાના ખેતરની રખેવાળી કરે.સવારમાં વહેલા ઉઠી મનસુખ પોતાના ને દીકરી માટે રોટલા-શાક બનાવે.કનકી ઘરનાં નાનાં નાનાં બધાં કામ કરે.બાપદીકરી એકબીજાનું ખૂબ ખૂબ ધ્યાન રાખે.બન્ને સવારમાં ૮ વાગે ઘરથી નીકળી જાય.

કનકી ગામની સ્કુલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે.ભણવામાં કુશળ પણ ભીતરથી દુઃખી અને સૂનમૂન રહે. માસ્તર ઠપકો આપે ત્યારે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે. મા વિનાની દીકરીનું દર્દ માસ્તરને ક્યાંથી સમજાય ? સ્કુલ છૂટે ને બીજાં બધાં બાળકોને પોતાની મા કે બાપા લેવા આવે. મા ભેટીને એના બાળક ને પૂછે, નાશ્તો ખાધો છે ને ? આજે તારૂં ભાવતું જમવાનું બનાવ્યુ છે.આ બધું જોઇ લાંબા નિસાસા નાખી પોતાના ભાગ્યને કોસતી કનકી રોતી રોતી ઘરે આવે. ઘર ખોલીને માની તસ્વીર આગળ મનભરીને રડી લે અને થોડી હળવી થાય.ડાહી કનકી પિતાને અનહદ પ્રેમ કરે.એના માટે પિતા ને મા બન્ને સ્વરૂપે મનસુખ જ હતો.મનસુખ માટે પણ કનકી સર્વસ્વ હતી. રંભા (કનકીની મા)ના મૃત્યુ વખતેે પોકે પોકે રડ્યો હતો.“હે ભગવાન મેં તારૂં શું બગાડયું છે ? મને સાવ નિરાધાર કેમ બનાવી દીધો? મારી કનકીનું શું થાશે ?” લોકો મનસુખને દિલાસો આપતા જાય અને આગળનું વિચારવાની ટકોર કરતા જાય.મનસુખે નક્કી કર્યું કે કનકીના પડખે રહી સુખદ તથા દુઃખદ સંજોગોમાં એને હૂંફ આપી પિતાની ઉત્તમ ફરજ નિભાવીશ.પણ બાળકને નાની વયમાં ડગલે ને પગલે માનો વાત્સલ્ય ભર્યો સાથ જોઇએ ને ઘરમાં આવે ત્યારે “આવ મારી વહાલી” કહેતાં ભેટીને પ્રેમથી ચૂમતી, ખોળામાં સૂવડાવીને માથું પંપાળતી માની ખોટ નાની ઉંમરમાં તો અચૂક વર્તાય.આવી કુમળી વયે ખીંટી પર ટીંગાયેલા ફોટામાં માને જોતી અને વારંવાર નિસાસા નાખી પોતાના નસીબને કોસતી આ બાળકી, પોતાના મહેનતુ પિતાના ઘરે પાછા આવવાના સમયે ખૂબ સ્વસ્થ થઇને સરસ મજાની તૈયાર થઇને પિતાની રાહ જોતી ઉંબરે ઉભી રહે.દૂરથી બાપાને આવતાં જોઇ દોડીને ભેટી પડે અને એના હાથમાંથી ટીફીન લઇ લે. દુશ્મનને પણ મીણની જેમ પીગળાવે એવી આ કનકી એક નિર્દોષ વહાલું સ્મિત આપી મનસુખનો આખા દિવસનો થાક ઉતારી નાખે.મનસુખને અલકમલકની વાતો કહે. બાપદીકરી જાણે વર્ષો પછી મળ્યા હોય એમ જીવનના સઘળા દુઃખ ભૂલીને એકમેકમાં તલ્લીન થઇ જાય.મનસુખ કનકીનું હસતું મોઢું જોઇ હરખઘેલો થઇ જાય.બન્ને એકજ થાળીમાં જમે, એકબીજાને કોળીયા ભરી જમાડે. કયારે મનસુખ એને લઇને લટાર મારવા જાય અને જે જોઇતું હોય એ અપાવે.રાત્રે સૂતી વખતે મનસુખ કનકીનું માથું પંપાળતાં વાર્તા કહે અને કનકી સાંભળતા સાંભળતા સૂઇ જાય. કયારેક મનસુખ ખૂબ ઉદાસ થઇ જાય.એને એક જ ચિંતા કોરી ખાય. યુવાનીમાં પ્રવેશતી મારી આ દીકરીને હવે ખરેખર એક મારૂપી સખીની જરૂર છે. અમુક વ્યથા દીકરી માને જ કહી શકે.આ ઉંમરે જો દીકરી આડે રવાડે ચડી જાય તો એનું જીવતર ધૂળ થઇ જાય.હું તો આખો દિ’ રળવા જાઉં. કનકીનું ધ્યાન કેમનું રાખીશ ? બીજી બાજુ કનકી મનમાં ને મનમાં સોસવાય. મારે મારી મા જોઇએ. મા તું આવી જા.હું તને જરાય નહી પજવું. બાપાની જેમ તને પણ સાચવીશ,પણ તું મને જોઇએ જ. બન્ને બાપદીકરીની ઇશ્વર પાસે એક જ પ્રાર્થના ‘મા’ જોઇએ. દિવસો વીતવા લાગ્યા. એક દિવસ પશાકાકાએ મનસુખને કહ્યું “અલ્યા મનુડા ,આમ આખી જિંદગી એકલો વિતાવીશ ? તારી દીકરી ય હવે તો જુવાન થવા માંડી છે. આ ઉંમરે એને માની જરૂર પડે જ.મારા ધ્યાનમાં એક કન્યા છે, એક વર્ષ પહેલા રાંડી છે. નિઃસંતાન છે. ખૂબ સંસ્કારી અને ડાહી છે. મારા સંબધીની દીકરી છે.જો તારૂં મન માનતુ હોય તો હું વાત આગળ વધારૂં. મનસુખ વિચારમાં પડી ગયો. “વાત તો સાવ સાચી છે કાકા. કાલે જવાબ આપીશ કાકા.” એવું કહી વિચારવાનો સમય માંગ્યો. પશાકાકા એ ભલે કહી માથું હલાવ્યું. ઘરે ગયો.ખાટલામાં આડો પડ્યો ને પાછો વિચારમાં ખોવાઇ ગયો. “મને પત્ની તો મળશે પણ મારી દીકરીને મા મળશે ? કોઇ સ્ત્રી બીજાના બાળકને પેટના જણ્યા જેટલો પ્રેમ આપી શકે?” આવા નાજુક વિચારોમાં ખોવાયેલો મનસુખ દીકરીના ટહુકાથી ઝબકી ગયો.એણે સ્વસ્થ થઇને કનકીને પૂછયું “બેટા,તારે મા જોઇએ છે?” કનકી તો હેબતાઇ ગઇ. આંખો બાપાના મોઢા સામે સ્થિર થઇ ગઇ. મુખમાંથી શબ્દો આપોઆપ સરી પડયા, “હા બાપા, જોઇએ છે મારે મા.” મનસુખે મનોમન નક્કી કર્યું, પહેલા એ સ્ત્રીને મળીશું, પછી કનકીના હાવભાવ પરથી નક્કી કરીશ કે કનકીને એ સ્ત્રીમાં એની મા દેખાય છે કે નહીં.કનકી ને મનસુખ પશાકાકા સાથે એ વિધવા સ્ત્રીને મળવા ગયા. ખૂબ સાદી,સાધારણ દેખાવ, ઊંચી પાતળી એ સ્ત્રીને જોતાં જ કનકીનું મન ખુશીથી ઝૂમી ઉઠયું.“બાપા આપણે મા ને લેતા જઇએ?” દીકરીની હામી મળીને જાણે મનસુખના જીવમાં જીવ આવ્યો. વાત નક્કી થઇ. સાવ સાદાઇથી લગ્ન લેવાયાં.નવા જીવનનાં મંગળમય પ્રારંભમાં પગલાં પાડતી સકુ (કનકીની નવી મા) ઘરમાં દાખલ થતાં, પ્રથમ તો રંભા(કનકીની સ્વર્ગીય મા)ની તસ્વીરને પગે લાગવા ગઇ. તસ્વીરને પગે લાગતાં બોલી “બહેન, તમારૂં સ્થાન તો હું નહીં લઇ શકું. પરંતુ તમારી લાડલી દીકરી આજથી મારી પ્રાણપ્યારી અમાનત છે.મારાથી એને જરાય ઓછું ના આવે એની પૂરેપૂરી કોશિશ કરીશ. છતાંય હું કયાંય મારી ફરજમાં ચૂકું તો નાની બહેન સમજી માફ કરજો. આજથી આ સૂનું ઘર ગૂંજતું થઇ જશે.કનકીની આંખમાં એક મા સારૂ કદીયે આંસુ નહી સરે.” મનસુખ તો બેબાકળો બની જોતો જ રહ્યો. સકુએ કનકીના માથે ખૂબ વહાલથી હાથ ફેરવ્યો.અને માથું ચૂમી લીધું. ખોળામાં કનકીનું માથુ મુકીને ખૂબ વહાલથી માથુ પંપાળ્યુ.આ સ્પર્શને અનુભવવા અધીરી બનેલી કનકીને જાણે દુનિયાની બધી જ ખુશી મળી ગઇ. મનમાં ઇશ્વરનો ખૂબ ખૂબ આભાર માન્યો. ખૂબ સુંદર રીતે ઉછેર થયો કનકીનો. સકુએ દુનિયાભરનો પ્રેમ દીકરી પર વરસાવ્યો. મનસુખ મનોમન પશાકાકાનો આભાર માનતાં વિચારે છે કે સકુએ મારી દીકરી અને ઘરને કેવું ગૂંજતું અને મહેકતું કરી નાંખ્યું. “સાવકી મા વસમી હોય,સાવકી મા દુઃખ જ આપે” એ બધી આપણી ખોટી માન્યતાઓ છે. મા એ મા જ છે” સ્ત્રીના હ્ય્દયમાં અમૂલ્ય વાત્સલ્ય ઝરણું વહેતું હોય છે. એને જરાક અમથો પ્રેમ મળે તો એ હજાર ગણો પરત આપે છે.

૨. “માતૃપ્રેમ”(સ્ટેફી)

સવારનું સુંદર વાતાવરણ. ઓફિસ કામની શરૂઆત થઇ ગઇ હતી. બધો જ સ્ટાફ ગોઠવાઇ ગયો અને કંપનીના માલિક આનંદની સેક્રેટરી સ્ટેફી કયારેય ના હોય એવી સુંદર તૈયાર થઇને આવી હતી. એની આજની સુંદરતા, ચહેરા પરનું તેજ, મન મૂકીને છલકતી અનોખી ખુશી કંઇક વિશેષ હતી. થોડી જ ક્ષણોમાં આનંદ આવ્યો. બધાં જ ધીરે ધીરે ગુડ મોર્નિંગ કહેતા ગયા અને તે પણ બધાંને શુભેચ્છા આપતો ગયો અને અંતે પોતાના કેબિનની બહાર જ બેઠેલી સ્ટેફી ઊભી થઇ અને બોલી “ગુડ મોર્નિંગ સર”. પહેલાં તો આનંદે જવાબ આપી જ દીધો “ગુડ મોર્નિંગ” પણ પછી અચકાયો, એક ડગલું પાછો આવ્યો અને ધારી ધારીને સ્ટેફી સામે જોવા લાગ્યો.પહોળી આંખો, ચહેરા પર કંઇક સુંદરતા જોયાનું આશ્ચર્ય અને ખુશી સાથે બોલ્યો “અરે!આર યુ ધી સેઇમ સ્ટેફી, આજે આટલી સુંદર લાગે છે તે આટલી સુંદરતાને આટલા વર્ષો કયાં ઢાંકી રાખી હતી? એનીથીંગ સ્પેશ્યલ? આજે કંઇક ખાસ?” ત્યારે સ્ટેફી થોડી શરમ થોડી ઉત્તેજના અને ગુપ્તતાના ભાવ સાથે આંખોના પલકારા સાથે કહ્યું,“યસ સર સમથીંગ ઇઝ વેરી વેરી સ્પેશ્યલ.” આનંદે કહ્યુ. “ઝડપથી કહી દે એ શું છે? હું આતુર છું . આપણે બધાં સેલીબ્રેટ કરીશું.” ત્યાં જ સ્ટેફી બોલી, “ના સર, ધીસ ઇઝ સીક્રેટ અને આજે તો નહીં જ કહું.” આટલું સાંભળતા આનંદનો ચહેરો સંકેલાઇ ગયો અને તરત જ કહ્યું, “ઓકે. કંઇ વાંધો નહીં. સ્ટાર્ટ યોર વર્ક.” એમ કહી કેબિનમાં જતો રહ્યો. અંદર જઈ વિચારોમાં જ પોતાની જાતને કોસતો રહ્યો, “મારે આટલું બધુ પઝેસિવ શા માટે થવું જોઇએ ? મને હ્ય્દયમાં ઊંડે ઊંડે એમ થયું કે એના જીવનમાં કોઇ આવ્યું હશે? આ વિચાર મને શું કામ આવવો જ જોઇએ ? અજાણતાં જ સુષુપ્ત મનમાં હું એની તરફ ખેંચાયો છું એ આજે મને દેખાયું.” એ વાત તો સાચી જ હતી. સ્ટેફી નમણી તો હતી જ. મારકણી આંખો જ બોલ્ચા વગર ઘણું જ કહી જાય. મેકઅપ કે સજાવટ વગર પણ ખીલી ઊઠતી. ત્યારથી આનંદ તો ખેંચાયેલો પરંતુ આજે સુંદરતા મેકઅપથી વધુ ખીલી એટલે આનંદની લાગણી ખૂલી ગઇ. આ વિચારોમાં હતો ત્યાં જ ફોનની ઘંટડી રણકી. બે ચાર ઘંટડી વાગી ગઇ.

ત્યાં આનંદને ખ્યાલ આવ્યો અને ફોન ઉપાડ્યો. સામેથી પત્નીએ કહ્યું, “કામમાં છો જાનુ? કેમ વાર લાગી ફોન ઉપાડતાં? એની વે. તમને યાદ છે ને તમે આજે મને મુવી જોવા લઇ જવાના છો? તરત જ આનંદે કહ્યુ “હા હા મારી વહાલી. લઇ જ જઇશ. ઝડપથી આવીશ અને હા, આપણે જમીશું બહાર. મમ્મી-પપ્પા માટે લેતા જઇશું.” આટલું કહી ફોન મૂકી દીધો અને કામે વળગ્યો. કામમાં પરોવાયેલો હતો અને સ્ટેફીએ કેબિનનો દરવાજો નોક કર્યો અને સહેજ ખોલી કહ્યું “અંદર આવું સર?” આનંદ બોલ્યો “યસ યસ કમ ઇન સ્ટેફી.” આનંદને હતું હમણાં સ્ટેફી સીક્રેટ કહેશે, બહાર નહીં કહેવુ હોય. ત્યાં સ્ટેફી બોલી “આજે મારે જલ્દી જવુ છે, હાફ ડે લીવ લઇ જઉં? બૅ વાગે મારે ચોક્કસ જગ્યાએ પહોંચવાનું છે.” આનંદે કહ્યુ “ઓકે જા. આજે તારો ખાસ દિવસ છે. આનંદ કર.” સ્ટેફીની ખુશી બમણી થઇ ગઇ અને ઉત્સાહથી બહાર નીકળી ગઇ, આનંદના મનમાં ફરી વિચારોની આંધી ચડી ગઇ. પછી તરત થયું “શું કામ હું આ વિષે વિચારૂં છું ? ગમે તે હોય અંતરમનમાં છૂપી ચાહત તો છે જ, આનંદ મૂડમાં નહોતો. એ પણ તરત ઘરે જવા નીકળી ગયો. ઘેર પહોચ્યો એટલે પત્નીએ કહ્યું કે “આટલા જલ્દી ? આપણે તો સાંજે જવાનું છે.” આનંદ કહે, “બસ કામ નહોતું એમ વિચાર્યુ કે આજે આપણે બે જ આનંદ કરીએ. થોડી વાર સૂઇ જાઉં. મને સમયસર ઉઠાડજે. આપણે જઇશું સાંજે” એમ કહી એ સૂઇ ગયો. પત્ની શ્વેતાએ પતિને નિરાંતે સૂતેલા જોઇ ડિસ્ટર્બ કરવાનું યોગ્ય ના લાગ્યું.

આનંદ આડો પડ્યો ત્યારે પણ સ્ટેફીનો વિચાર આવેલો. કે પહેલી વાર સરળ સાદગીભરી દંભ વગરની સ્ટેફી ઇન્ટરવ્યુ આપવા આવી ત્યારે જ એના સ્મિત અને નિર્દોષતા સાથે કામની આવડતની કુશળતાને લીધે રાખી જ લીધેલી. સ્ટેફી એની મા સાથે એક ચાલીમાં રહેતી હતી. એ નાની હતી ત્યારે જ એના પિતા ગુજરી ગયેલા. બસ પછી તો મા-દીકરી સખીઓ બની ગયેલા, સ્ટેફીએ યૌવનમાં પગ મૂક્યો ત્યારે એને મા માટે એક વિચાર આવ્યો કે મારી માએ જાણે મને જીવન સમર્પિત કરી દીધું છે......એને કંઇક અરમાનો, ઇચ્છાઓ, આનંદ કંઇ જ નહીં હોય? હશે, પણ દાબી દીધા હશે. સ્ટેફીના આવા વિચારો કરતાં આનંદ ઘોર નિંદ્રામા ખોવાઇ ગયો. શ્વેતાએ એને ઊઠાડયો પણ નહીં. આનંદની જ્યારે અચાનક આંખ ખુલી તો ખ્યાલ આવ્યો કે મુવીનો સમય તો જતો રહ્યો. એણે શ્વેતાને કહ્યું કે તેં મને ઉઠાડ્યો કેમ નહીં? તો શ્વેતાએ વહાલથી કહ્યું . “જાનુ તમે મારી સાથે હતા એથી વિશેષ મને કોઇ જ આનંદ નહોતો. હું તમારી બાજુમાં જ હતી. તમારા માથામાં હળવે હળવે આંગળીઓ ફેરવતાં મેં પણ ઝોકું ખાઇ લીધેલું. હવે આપણે બહાર જમવા જઇશું, ઓ કે ? ચાલો તૈયાર થાઓ. બન્ને તૈયાર થયા અને મમ્મી-પપ્પા ને કહી બહાર નીકળ્યા. ગાડીમાં બેસતા જ આનંદે કહ્યું “આઇ લવ યુ સો મચ મારી વ્હાલી શ્વેતા.” એટલે શ્વેતા કહે,“એમાં આટલું લાંબુ તાણવાની જરૂર નથી મને ખબર છે.” આનંદ તરત બોલ્યો “આપણે પહેલા તારા માટે ડ્રેસ લેવા જઇએ અને એક સરસ સાડી આમ તો એ જોઇ રાખ્યા છે પરંતુ તું જોઇ લે એટલે આપણે તે લઇ લઇએ.” બન્ને સ્ટોરમાં ગયા. ડ્રેસ સરસ હતો તે તરત લઇ લીધો પછી સિલ્કની સાડી લીધી. અને મસ્ત રંગ ડીઝાઇનની સાડી આનંદે શ્વેતાને આપી અને કહ્યું. “પહેરી જો તને સરસ લાગશે. તું તદન ભાતીગળ શૈલીની સ્વરૂપવાન ભારતીય સન્નારી લાગીશ.” શ્વેતાએ સાડી પહેરીને આવી. આનંદ જોઇ જ રહ્યો. ધારી ધારીને ચહેરો જોતાં, ચહેરા પર અદભૂત ખુશી છલકાતી હતી. આનંદ આંખોથી જોતો હતો શ્વેતાને અને મનહ્ય્દય કલ્પના કરતાં હતાં સ્ટેફીની. આનંદને આ સાડીમાં સ્ટેફી જ દેખાતી હતી. આનંદથી રહેવાયું નહી અને બોલ્યો સુપર્બ. એજ વખતે શ્વેતા બોલી “ઓહ જાનુ હવે તો તું સાચો કે તું મને પ્રેમ કરે છે. મારી પણ આ જ પસંદ છે.” આનંદ મલકાયો અને એનો આત્મા ડંખ્યો. એને થયું એક તરફ સ્ટેફી મનમાં રમે છે અને મારી શ્વેતા જીવનસંગિની છે. મારે વિચારવું જ પડશે. મને સ્ટેફીથી વાળવું જ પડશે. હું પરણેલો છું, એ કુંવારી છે. બસ, એની શરણાઇઓ વાગવાની તૈયારી છે.

આમ જ વિચારતાં ખરીદી કરી બન્ને રેસ્ટોરન્ટ પહોંચ્યા. અંદર હળવુ સંગીત વાગતું હતું. આનંદ અને શ્વેતા અંદર દાખલ થયા ને આનંદે ખૂણાના ટેબલ પર સ્ટેફીને એના મમ્મી અને કોઇ અન્ય વડીલ સાથે બેઠેલી જોઇ. સ્ટેફીના ચહેરા પર કંઇક અનોખી ખુશી છલકાતી હતી. એનું ધ્યાન તો હતુ નહીં એટલે આનંદ શ્વેતા સાથે એમના ટેબલ પર ગયો અને કહ્યં, “હેલ્લો સ્ટેફી નમસ્તે આંટી.” સ્ટેફી તો સ્તબ્ધ થઇ ગઇ અને બોલી “અરે સર તમે અહીં ? નમસ્તે મેમ કેમ છો ?” અને બધા એકબીજા સામે જોઇ રહ્યા. થોડી ક્ષણોના મૌન પછી સ્ટેફી જ બોલી. “સર, મેં આજે સવારે જ આપને કહેલું કે સમથીંગ ઇઝ વેરી વેરી સ્પેશીયલ? આજે મારી મમ્મીના લગ્ન હતાં.” આ સાંભળી આશ્ચર્ય સાથે આનંદના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. “શું વાત કરે છે ? તારી મમ્મીનાં લગ્ન? હું તો... ” ત્યાં તો સ્ટેફીએ ઇશારો કરી સર અને શ્વેતાને દૂર આવવા કહ્યું અને મમ્મી સામે જોઇ કહ્યું, “મમ્મી -ડેડી એકસકયુઝ મી પ્લીઝ, હું આવુ છું .” એના ડેડીના ચહેરા પર સ્ટેફીનું પહેલી વાર ડેડી સાંભળી ખૂશી છલકીને બોલ્યા “જા દીકરી અમે બેઠા છીએ” એમ કહી દીકરી સામે અનન્ય ભાવસભર લાગણીથી જોઇ રહ્યા.

આનંદ તો હજી આ આઘાતમાંથી બહાર જ નહોતો નીકળ્યો. એક ટેબલ પર ત્રણેય ગોઠવાયા. અને સ્ટેફીએ વાત શરૂ કરી “સર મારા ડેડી ગુજરી ગયા ત્યારે હું માત્ર ૮ વર્ષની હતી. મમ્મીએ મારી જિંદગીને પોતાના ઘર વસાવવા કરતા વધુ મહત્વની સમજી. અમારી પરિસ્થિતિ સાવ ખરાબ હતી. ગરીબીમાં જીવતા હતા. આ દારૂણ પરિસ્થિતિમાં પણ મમ્મીએ મારા ઉછેરમાં કોઇ કસર ના આવવા દીધી. પોેતે સ્વેટર્સ બનાવે, સીવણ કરે, સાથે સાથે બેબી સીટીંગ પણ કરે. મને કોન્વેટ સ્કુલમાં ભણાવી. મને કોઇ વસ્તુની ઉણપ ના આવવા દે. પરંતુ એનું જીવન તો બીલકુલ પથરા જેવું જ ને ? મારા માટે જ જીવતી એ મમ્માની પોતાની લાઇફ શું ? મને ખૂબ દુઃખ થાય આવા વિચારોથી.

મારા માટે એક સરસ માંગું આવ્યું. આમ તો એ કુટુંબને અમે વર્ષોથી ઓળખીએ. હું અને એ મૂરતીયો (જીમી) નાનપણમાં સાથે રમેલા. એટલે ના કહેવાનો તો કોઇ જ સવાલ નથી ઉઠતો. મે જીમીને કહ્યું,“આપણે લગ્ન કરીએ એ પહેલાં મારે મારી મમ્માનાં લગ્ન કરાવવાં છે.” જીમી પણ સ્તબ્ધ થઇ ગયો પણ ખૂબ સમજુ છોકરો છે. એણે કહ્યું, “સ્ટેફી, હવે આપણે તારૂં સપનું પૂરૂં કરીને જ લગ્ન કરીશું.” મારા મનની કશ્મકશ મમ્મા સમજી ગઇ. એણે મારા માથે હાથ ફેરવીને કહ્યું, “દીકરી, તું નાહકના વિચારો ના કર. સુખ કે દુઃખ એ જીવન પ્રત્યેનો અભિગમ છે. હું તારામાં મારા બધાં સુખ જોઉં છું. તું અને જીમી સુખી તો હું સુખી. હું એકલી કયાં છું ? ચાલીનાં બધાં મારૂં કેટલું ધ્યાન રાખે છે! અને કયારેક મન મૂંઝાશે તો તમને બોલાવી લઇશ. પરણી જા મારી દીકરી, મારી ચિંતા ના કર. આવો છોકરો નસીબદારને જ મળે.” આંખમાંથી આંસુ લૂછતાં સ્ટેફી વાત અટકાવીને પાણી પીને સ્વસ્થ થઇ. “સર, મેમ, મારી વાતોથી તમારો સમય તો નથી બગડતો ને ?” આનંદ આ છોકરીની સમજણને લાગણી પર ફીદા થઇ ગયો. આટલી સમજુ છે આ નાનકડી સ્ટેફી ? “અરે, ના ના. તું બોલ ને. અમે આજે માણસના મનના મેધધનુષ્યના સુખી રંગો જોઇએ છીએ.” સ્ટેફીએ વાત શરૂ કરી. “હું એક સજ્જનને કાયમ ચર્ચમાં જોતી. તેઓ હંમેશાં એકલા જ આવતા. થોડી માહિતી મેળવતાં ખબર પડી કે ધરતીકંપમાં એમનું આખું કુટુંબ મૃત્યુ પામ્યું. ફક્ત એ જ જીવતા રહ્યા. હવે એમનું જીવન ફક્ત માનવસેવામાં પરોવી લીધું હતું. મે હિમ્મત કરી એમને પૂછયું, “અંકલ એક વાત પૂછું ? તમે કયારેક એકલતા નથી અનુભવતા?” એમણે મારી સામે જોઇને કહ્યું,“બેટા ,એકલતા જેવોે ભંયકર કોઇ રોગ નથી, માણસને કોરી ખાય છે. જીવવાની કોઇ જીજિવિષા નથી રહેતી. છતાંય મરી નથી શકાતું. જેમતેમ જીવીને જિંદગી પૂરી થવાની રાહ જોઉં છું.” હું એમની વાત સાંભળી વિચારવા લાગી, કે મારાં લગ્ન પછી મમ્માને પણ આવા જ વિચારો આવશે ને ? ના ના ના. આવું ક્યારે નહીં બનવા દઉં. એણે કહ્યું “અંકલ, આજે ડીનર કરવા મારા ઘરે આવશો.”

“કેમ ?”

“અંકલ મારા ડેડી વર્ષો પહેલા અવસાન પામ્યા છે. મારી મમ્મા ને હું બે એકલાં જ રહીએ છીએ. નાના મોંઢે મોટી વાત કહું છું પણ તમને છેલ્લાં એક વર્ષથી ચર્ચમાં જોઉ છુ. પાદરી સાહેબ પણ તમારા અંગત મિત્ર છે. એમના દ્વારા તમારા જીવનની દુઃખદ ઘટના સાંભળી. તમે એકલા છો, મારી મમ્મી મારાં લગ્ન પછી સાવ એકલી પડી જશે. તમે મમ્માને મળો. જો તમને યોગ્ય લાગે તો તમે અને મમ્મા લગ્ન કરી લો. “શું ? તું શું બોલે છે એનુ તને ભાન છે ?” એમના કપાળ પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. “હા અંકલ, ખૂબ વિચારીને મેં આ પ્રસ્તાવ મૂક્યો છે. તમે પણ શાંતિથી વિચારી જો જો. તમારૂ મન લેશ માત્ર રાજી થાય તો ડીનર પર જરૂર આવજો. લો આ એડ્રેસ.” કહીને નીકળી ગઇ. ખૂબ સાદું ભોજન બનાવ્યું. મમ્માએ પૂછ્યું, “કોણ આવવાનું છે?” તો એણે કહ્યું, “મારા એક મિત્ર છે. ડેડી જેટલી ઉંમરના છે પણ ખૂબ સજ્જન છે.” રાહ જોતાં જોતાં સ્ટેફી વિચારે ચઢી. મારી વાત કેમ લોકોને ગેરવ્યાજબી લાગે છે, શું મા જ દીકરીનું વિચારે ? દીકરીને માના ઘડપણનો વિચાર કરવાનો કોઇ હક્ક નથી ? સમાજ કેમ હજુ બદલાવને અપનાવતું નથી ? ત્યાંજ દરવાજા પર દસ્તક થઇ. સ્ટેફીએ દરવાજો ખોલી ખૂબ પ્રેમભર્યો આવકાર આપ્યો. જોસફ(અંકલ)ને મમ્મા સાથે ઓળખાણ કરાવી. ખૂબ વાતો કરી ત્રણે જણાએ. ડીનર પછી સ્ટેફી જીમીનો ફોન છે, કહી બીજા રૂમમાં જતી રહી. એ એકાંત આપવા માંગતી હતી બન્નેને. જોસેફે મારીયાને સ્ટેફીના પ્રસ્તાવ અંગેની વાત કરી. એણે નક્કી કર્યું છે કે મમ્માનાં લગ્ન નહી કરાવું ત્યા ંસુધી હું લગ્ન નહી કરૂ. મારીઆ ખૂબ ચિંતીત થઇ ગઇ. જોસેફ બોલ્યા, “તમે આ વિષે વિચાર જરૂર કરજો. તમારી મંજૂરી હોચ તો હું તૈયાર છું. જીવન ગણિતના સમીકરણો અનુસાર ચાલતું નથી. જીવન તો વહેતો પ્રવાહ છે. જયારે આપણે થીજી ગયેલા બરફ જેવા છીએ. આગળ વહેવાને બદલે સમાજના ડરથી, થીજી જઇએ છીએ. આપણુું જીવન અડધા ઉપરનું વીતી ગયું છે,બાકીનું છે એ એકમેકને સહારે વિતાવીશું.મારૂં તો આમ પણ કોઇ નથી. પણ તમારી ખુશી જોઇ સ્ટેફીને જે આંતરિક બળ મળશે એ એના માટે પ્રેમરસની પ્યાલીમાં અમીરસરૂપે હશે. મારી વાતનું મનોમંથન કરી જોજો. તમારો જે ઉત્તર હશે, મને એ મંજુર હશે.” કહીને જોસફ ચાલ્યા ગયા.

આખી રાત મારીયા પડખાં ફેરવતી જાગતી રહી. સ્ટેફીને પણ ઊંઘ કયાથ્ાંી આવે? મારીયાનું મન જરાય માનતું ન હતું આ ઉમરે લગ્ન કરવાનું. પણ દીકરીની આવી જીદ? એનુ ભાવિ પણ અટકે હું ના પાડું તો. છેવટે એણે મક્કમ થઇ લગ્ન કરવાનો ફેંસલો કરી લીધો. સવારે સ્ટેફીનું મસ્તક ચૂમી વહાલથી “હા” કહી સ્ટેફીને વળગી પડી. સ્ટેફીને જાણે દુનિયાની તમામ ખુશી મળી ગઇ. જોસફ અંકલને ફોન કરી કહી દીધું. ૪ વાગે ચર્ચમાં પાદરી સાહેબ લગ્ન કરાવશે એવુ નક્કી કર્યું. સ્ટેફી વહેલા વહેલા ફ્રેન્ડ પાસે હેરકટ કરાવી આવી. ક્રીસમસ માટે નો નવો ડ્રેસ લીધો હતો એ પહેરીને થોડું પેન્ડીંગ કામ પતાવવા ઓફિસ આવી. હાફ ડે લીવ લઇને ઘરે આવી, મમ્માને તેૈયાર કરી ચર્ચમાં લઇ ગઇ. ફક્ત ૮ થી ૧૦ લોકોની હાજરીમાં લગ્ન થયાં. આજે મારા મનનો એક બોજ હળવો થયો. મમ્મીને આવા સરસ કંપેનિયન મળી ગયા. જીમી ગોવાથી આવી ના શક્યો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં. આજે અમે ત્રણે ડીનર માટે આવ્યા છીએ સર....ઇટ ઇસ અવર સેલીબ્રેશન.” શ્વેતાની આાંખો ભીની થઇ ગઇ. આકાશ તો વિચારશૂન્ય થઇ ગયો. એ ઊભો થયો. અંકલ-આંટીને ર્ઝ્રહખ્તટ્ઠિેંઙ્મટ્ઠીં કરીને ત્યાથ્ાંી નીકળી ગયો પત્ની સાથે.બીલીંગ કાઉન્ટર પર કહ્યું કે બીલ મારા એકાઉન્ટમાં નાખજો. સ્ટેફી બહાર સુધી આવી બાય કહેવા. આનંદે એના માથે હાથ ફેરવી કહ્યું,“એન્જોય યોર ડીનર, યુ આર એ ગ્રેટ ડોટર. ગોડ બ્લેસ યુ.” બીજી રેસ્ટોરેન્ટમાં જમવા જવાનું નક્કી કર્યું,“શ્વેતા, આપણી સામે એ લોકો થોડો ક્ષોભ અનુભવતા હોય એવું મને લાગ્યું. આજના દિવસે એ લોકોને મન મૂકી એન્જોય કરવા દેવું જોઇએ.

ચાલો, આજે પ્રેમમય હ્ય્દય પૈકીની સાચી સંપત્તિ મેળવી ધન્ય થઇ ગયેલા આ ત્રણેના મનને અંતરથી શાબાશી (અભિનંદન) આપીએ. શ્વેતા, હું હંમેશાં કહેતો હતો ને કે દીકરો જ બુઢાપાનો સહારો હોય છે. પણ હું ખોટો નીવડ્યો. દીકરી પણ એટલી જ કેરીંગ હોય છે. બહુ હિમ્મ્ત જોઇએ આવા નિર્ણય લેવા માટે. ના સમાજથી ડરી કે ના પોતાની આસપાસની ટીકા ટિપ્પણીથી ડરી. એના માટે આ બધું તુચ્છ હતુ. સાચું તો હતું એની મમ્મા માટેનુ ચિંતન. વાહ રે ઇશ્વર. આવી અમૂલ્ય મૂડી સૌ કોઇ ને કેમ નથી આપતો? સ્ટેફી પાસેથી ઘણું બધું શીખી શકાય એવી પ્રેરણામૂર્તિ છે. એણે સાબિત કરી બતાવ્યું કે “જેમ એક મા સો શિક્ષકની ગરજ સારે છે, તેમ એક દીકરી સો દીકરાઓની ગરજ સારે છે.” કુમાશભર્યું વર્તન અને સચ્ચાઇભર્યું આચરણ કરનાર આવી દીકરી. પોતાની લાગણીઓને એક ઢાંચામાં ઢાળીને પોતાના અંતરાત્મા સાથેનું અનુસંધાન અનુભવે છે”.

૩. મન ની સુંદરતા

“શ્યામલી ઓ શ્યામલી. જરા સારી તૈયાર થજે. ગઇ વખતવાળો પેલો ભૂરો ડ્રેસ ના પહેરતી, એમાં વધુ કાળી લાગે છે. વાળ છૂટા રાખજે અને ઊંચી એડીના સેંડલ પહેરજે, એટલે જરાક લાંબી લાગે. આ મૂરતીયો ઘણો સારો છે. પૈસાવાળો પણ છે.અહીંયા મેળ પડી જાય એટલે ભયો ભયો.” બાની આવી વાતોથી શ્યામલી ટેવાઇ ગઇ હતી.જયારે કોઇ જોવા આવવાનું હોય,એટલે બાનું લેકચર ચાલુ થઇ જાય.પાંસઠ વર્ષના બાનો હજી એટલો જ ઠસ્સો.ઘરમાં એમનું જ વર્ચસ્વ. બધાંને ખખડાવી નાખે. બાપુજી તો ભગવાનનું માણસ. સાવ સીધા અને સરળ. બાપુજી માટે શ્યામલી હૈયાનો હાર.ખૂબ લાડ કરે શ્યામલીને. બાપુજીએ શ્યામલીને ધાર્મિક, સામાજીક બધા જ સંસ્કાર પૂરતા આપ્યા હતા. હંમેશા શ્યામલીને આશ્વાસન આપતા, “દીકરી, જે છોકરો તારા સુંદર મન અને સંસ્કારને જોઇ તને સ્વીકારશે એ ધન્ય ધન્ય થઇ જશે. બાહ્ય સુંદરતાની શું ખાત્રી? ભગવાન ના કરે કોઇ એવો રોગ આવે તો ભલભલા દેખાવડા પણ કદરૂપા થઇ જાય છે. મનની સુંદરતા ઉગેલા સૂરજ જેવી છે. જેની રોશનીથી ચારેકોર અજવાળું ફેલાય અને વેર દૂર ભાગે છે.નિર્દોષતાથી નીતરતું હૈયું અને હેતની હેલીથી જિંદગી મોગરાના ફૂલની જેમ મહેંક જેવી મઘમઘતી થઇ જાય છે. માટે તું જરાય હિમ્મત ના હારતી. કદાચ ઇશ્વરે તારા માટે કંઇક સારૂં જ આયોજન કર્યું હશે. એટલે જ બીજા બધા મૂરતિયા તને નાપસંદ કરે છે.” શ્યામલી આછું સ્મિત આપીને બોલી, “બાપુજી, હું જાણું છું કે માણસ બાહ્ય રૂપ અને આકારથી જ આકર્ષાય છે.આંતરિક સુંદરતાની અવગણના થાય છે.ઇશ્વર જેવા મહાન સર્જનહારે દરેકને આગવું સત્ય અને શકિત આપ્યા છે, જેનાથી એ બીજાને સુખી કરી શકે. કોઇક તો મારા મનની સુંદરતાને પારખુ નજરથી પારખશે ને? બસ એ દિવસે મારા નસીબ આડેથી પાંદડું ખસી જશે. તમે નાહકની ચિંતા ના કરો.” શ્યામલી બહારથી કઠણ કાળજાની દેખાતી પણ મનમાં દુઃખી રહેતી.એની મા પણ શ્યામવર્ણી હતી.ખૂબ ખાનદાન ઘરની દીકરી હતી.બાપુજીએ માને એના ગુણોથી પસંદ કરી હતી.જયારે શ્યામલીની માને પહેલી વખત બાએ જોઇ ત્યારે બધાની સામે જ મોઢું બગાડીને કહ્યું હતું કે “આ છોકરી ઘણી કાળી છે. મારા દીકરા જોડે ના શોભે.” પણ બાપુજીએ જીદ લીધી હતી કે મોટાને આ છોકરીની સાથે જ પરણાવશે. “ઘરની વહુ ગુણીયલ અને ખાનદાન જોઇએ. ઘરને સ્વર્ગ બનાવી દે સારી છોકરી હોય તો.” પપ્પા પણ બાપુજીની વાતથી સહમત હતા. અંતે બાએ પરાણે હા પાડી ને શ્યામલીની મા ઘરમાં આવી. બા સ્વભાવના ખૂબ જ કડક એટલે માને વાતે વાતે ઉતારી પાડે. બાપુજી માને ખૂબ જ વહાલ કરે. ભલે વહુ હોય પણ દીકરીની જેમ સાચવે, “વહુ બેટા,તમારી બાની વાતનું જરાચ ઓછું ના લગાડશો.એનો એવો સ્વભાવ છે.તમે જરાય કાળા નથી.જોનારની આંખો ખરાબ છે. તમારા ગુણોને જે દિવસે એ પારખશે એ દિવસે તમને હેતથી વળગી પડશે.” શ્યામલીની મા કહેતી, “બાપુજી મને ખબર છે બા મનના ખૂબ સાફ છે. એમની વાણીમાં કડવાશ છે. હું કદાપિ માઠું નહી લગાડું એમની વાતોથી, તમે બેફિકર રહો.” વાહ આને કહેવાય કુળવધૂ. નાના દીકરા માટે બાએ ખૂબ રૂપાળી વહુ શોધી. ગોરી અને સ્વરૂપવાન. બા હંમેશા બાપુજીને ટકોર કરે,“જોઇ મારી પસંદ ? છે ને રૂપરૂપની રંભા મારી નાની વહુ રાધા ?” બાપુજી જવાબ આપવાનું ટાળે. નાહકનુ ંચર્ચામાં શું ઊતરવું ? બા બન્ને વહુઓમાં ખૂબ ભેદભાવ કરે.રાધાને રાણીની જેમ સાચવે. મોટીને ઘરનાં કામ કરવાનાં, ને નાનીને બહારના વહેવારવટ અને પ્રસંગોમાં મોકલે. શ્યામલી જન્મી ત્યારે પણ બાએ એને જોઇને મોઢું બગાડતાં કીધું હતું, “લો.આ બીજી કાળી આવી.મા જેવી છે અસ્સલ.” આમ હંમેશાં રંગભેદ રહ્યો છે આ માદીકરી માટે. શ્યામલી હંમેશાં માને બાનાં કટુવચનો મૂંગા માેંઢે સાંભળતાં જોઇ મનમાં દુખી થતી.શું વાંક મારી માનો ? એટલું જ ને કે એ શ્યામ છે ?બધાંની આટલી સેવા કરે, ઘરનાં બધાં કામ કરે.મહેમાનની આગતાસ્વાગતા કરે તો પણ આટલી અણમાનીતી ? રાધાકાકી વાતે વાતે બાને છણકા કરે.બાપુજીને ઉતારી પાડે, એમના બાળકોનું પણ ધ્યાન ના રાખે. તો પણ એ રૂપાળાં એટલે સારાં ? આવા હલકા વિચાર છે લોકોના ? મારે પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે ? ના ના.કદાપિ નહી.આવા ભેદભાવ જ ઘરમાં અશાંતિ લાવે છે. અન્ન અને દાંતને વેર કરાવે છે.હું ભણેલી ગણેલી,આ નવા જમાનાની સ્વાભિમાની છોકરી છું. શા કારણે આવા અપમાન સહું ? આવા વિચારોમાં ખોવાયેલી શ્યામલીને અચાનક માની બૂમ સંભળાઇ, “શ્યામલી જલ્દી આવ.જો બાને શુું થાય છે?” બેબાકળી થઇને દોડી બાના રૂમ તરફ.જઇને જુએ છે કે બા પરસેવે રેબઝેબ છે. છાતીમાં સખત દુખાવો છે બાનું માથુ પંપાળતી મા પણ ગભરાયેલી લાગી. પપ્પા ડોક્ટરને બોલાવી આવ્યા. ડોક્ટરે “હળવો એટેક છે, તાત્કાલિક દાખલ કરી દો”એવું કહ્યું.તાત્કાલિક દાખલ કર્યા બાને. શ્યામલી બા સાથે એમ્બ્યુલન્સમાં બેસી ગઇ. પપ્પા અને શ્યામલી બાને પંપાળતાં પંપાળતાં આશ્વાસન આપે “સારૂં થઇ જશે ,ભગવાનનું નામ લો,હિમ્મત રાખો. તમને કાંઇ જ નહી થાય.બીજી બાજુ બાપુજીને સમજાવે, “બાપુજી, નાનકાભાઇ અને રાધાને પાછા બોલાવી લઇએ. ભગવાન ના કરે બાની તબિયત વધુ બગડે તો નાનકાભાઇ તમને ખૂબ સંભળાવશે. ફરવા તો ગયા છે, પાછા આવવું પડશે તો શું બગડવાનું છે ?” બાપુજીએ શાંંતિથી ઉત્તર આપ્યો “વહુ બેટા,એમને આવતાં બે દિવસ નીકળી જાય તો નાહકની એમની ટ્રીપ બગાડવી.ફર્યા વગર પાછા આવશે તો રાધાવહુનો ગુસ્સો કાબુમાં નહી રહે. તમે એનો સ્વભાવ તો જાણો છો. તમે અને શ્યામલી છો પછી કોઇની જરૂર નથી.” બાપુુજીની વાત આમ તો સાચી હતી. પાછા બોલાવી લેવાની ઉતાવળથી ઘરમાં કંકાસ જ થવાનો હતો.

આઇ.સી.યુ.માં બાની તાત્કાલિક સારવાર શરૂ થઇ ગઇ. આવ્યા પછી થોડી થોડી સુધરવા લાગી બાની તબિયત. શ્યામલી અને એના પપ્પા બા સાથે આખો દિવસ બેસી રહ્યા. સાંજના ડોક્ટર તપાસીને ગયા પછી શ્યામલીએ પપ્પાને ઘરે જવા કહ્યું. પપ્પા બાને હવે ઘણું સારૂં છે,તમે ઘરે જાવ,બાપુજી પણ ચિંતા કરતા હશે.બા પાસે હું રહીશ.પપ્પા ગર્વ લેતા હતા આ દીકરી પર જે બાએ સદાય એને નફરત કરી છે, એમની કેટલા મનથી ચાકરી કરે છે ? નસીબદાર છું, કે આવી રતન જેવી દીકરીનો બાપ છું.એ ઘરે ગયા. શ્યામલી બાને પંપાળતાં પંપાળતાં એકાદ ઝેકું ખાઇ લે. બાની જરાક બૂમથી જાગી જાય.“બા શું થાય છે? હવે તમને કેવું લાગે છે ? ડોક્ટર સાહેબે કહ્યું કે તમે જ્લ્દી સારા થઇ જશો.” બા ટગર ટગર જોયા કરે આ છોકરીને. બેડ નં ૨ના પેશન્ટને પણ હળવો એટેક આવ્યો હતો. એમની પણ એ જ સારવાર અપાતી હતી. એમની પત્ની શ્યામલીની પ્રેમાળ વાણી, કુશળ વર્તન જોઇ નવાઇ પામતા. આ જમાનાની દીકરી આટલી ડાહી અને સમજુ. હા બા, હા બા કરતા એની જીભ ના સૂકાય. ધન્ય છે એના મા-બાપને. જે ઘરમાં જશે, એ ઘરને મહેકાવશે. શ્યામલી ચોપડી વાંચતા વાંચતા બાને પંપાળે. હવે બાને ઘણું સારૂં હોવાથી થોડી વાતો પણ કરે બા સાથે. જોક્સ કહે. ઉખાણાં પૂછે. બાને પણ ખૂબ મજા આવે શ્યામલી સાથે. આંખમાં આંસુ આવી જાય શ્યામલીનો પ્રેમ જોઇને. શ્યામલી દુપટ્ટાથી બાનાં આંસુ લૂછે. “બા તમે કોઇ પણ આડા અવળા વિચાર ના કરો.તમે જલ્દી સાજા થઇ જાવ એટલે આપણે ઘરે જઇએ.બાપુજી તમને બહુ યાદ કરે છે. આજે તમને સ્પેશીયલ રૂમમાં શીફટ કરશે, પછી પપ્પા,બાપુજીને લઇને આવશે તમને જોવા.”બા શ્યામલીને પૂછે,“નાનાને ખબર મોકલાવ્યા?” શ્યામલીએ ઉત્તરમાં હા ક્હ્યું. “બા કાલે એ લોકો પાછા આવી જશે.” બાપુજીએ તો નહોતું જણાવ્યું પણ ચંપકકાકાએ નાના કાકાને જાણ કરીને પાછા આવવા કહ્યું. બા મનમાં ખુશ થઇ ગયા.મારી રાધા આવશે, મારો નાનકો આવશે.બીજે દિવસે બાને સ્પેશીયલ રૂમમાં શીફટ કર્યા. ઘણું સારૂં હતું હવેે બાને, પણ હજી થોડા દિવસ તો હોસ્પિટલમાં જ રાખવા પડશે. એવુ ડોક્ટરે કહ્યું. બીજી બાજુ અચાનક આવા સમાચારથી પાછું આવી જવું પડ્યું એટલે નાનકાએ હોસ્પિટલમાં આવી બાને કહ્યું, “શું થયુ હતુ બા તમને તે આમ અમને ઉતાવળે બોલાવી લીધા ચંપકકાકાએ? તમે તો ઘણા સ્વસ્થ લાગો છો.” બા તો હેબતાઇ જ ગયા આ દીકરો આવીને પૂછતો નથી મા તને કેવું છે ? પાછા આવવું પડ્યું એનો ગુસ્સો કરે છે ? બાકી હતું તો રાધાવહુ પણ આવ્યા.મોઢું ચડાવેલું, ગુસ્સાના હાવભાવ.“બા, આવું ના કરાય. મારા છોકારાઓને ફર્યા વગર પાછા લાવવા પડ્યા. તમે તો સાજા થઇ ગયા છો ? ઉતાવળ કરીને પાછા શા માટે બોલાવ્યા.મોટા ભાઇ, ભાભી તો હતા.અમે આવ્યા પછી હુ તમારી ચાકરી કરી લેત. મારા તો નસીબ જ ખરાબ છે.બોલતાં બોલતાં રડવા લાગી.” શ્યામલી કાકીને વહાલથી કહ્યું, “કાકી,બા વતી હું માફી માંગું છું. પણ બા કે .બાપુજી એ તમને પાછા બોલાવવાનો વિચાર સુદ્ધાં નહોતો કર્યો. ચંપકકાકાએ તમને બોલાવી લીધા બાપુજીને પૂછયા વગર.” “તુ ચૂપ રહે કાયડી,”કાકી વધુ ગુસ્સે થયા. “બહુ ચાંપલી થઇને બાને મસ્કા ના માર. એક તો અમારૂં વેકેશન બગડ્યું અને ઉપરથી અહીંયા વૈતરા કરવાના ?” શ્યામલી ચૂપ થઇ ગઇ. કાકીનો ગુસ્સો કાબૂમાં નથી, કંઇ પણ બોલીશ તો ચાર સાંભળવું પડશે. બા સૂતાં સૂતાં રડયાં કરે. અરે રે,આવા દીકરા-વહુ ? રૂપિયા, દાગીના ભારોભાર આપતી ત્યારે બા બા કરતી આ રાધા,આજે મારી ચાકરી કરવાનો વખત આવ્યો તો આટલી ધુંઆપુંઆ ? મારો મોટો ને એની વહુ તનમનથી મારો પડ્યો બોલ ઝીલતા રહ્યા હંમેશાં. મોટીને તો મેં કાંણી પૈ પણ નથી આપી કયારેય. તો પણ કયારેય ફરિયાદ નથી કરી. નમ્ર વાણી ને વિવેકથી જિંદગીભર મને અને એના બાપુજીને જીવતા ભગવાન માની પૂજયા છે.આવી વહુને મેં કેવળ નફરત જ કરી છે. પ્રેમથી બેટા નથી ક્હ્યું એને કદી. છતાંય દીકરીને મારી સાથે હોસ્પિટલ મોકલી દીધી. બાનું બરાબર ધ્યાન રાખજે. દવા સમયસર પીવડાવજે. સૂઇ ના જતી. કેટલી બધી સૂચનાઓ આપી હતી શ્યામલીને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે ? દીકરી પણ માના ગુણોવાળી. ખૂબ મનથી ચાકરી કરે. કોઇ જ ખોટો દેખાડો નહી. ફક્ત નિઃસ્વાર્થ લાગણી,અને પ્રેમ. નાનકો અને રાધા ગયા પછી બાએ શ્યામલીને કહ્યું, “બેટા, તારા બાપુજીને લાવને મારી પાસે. મારે એમની સાથે થોડીક વાતો કરવી છે. મન હળવું કરવું છે.” શ્યામલીએ ફોન કરી બાપુજીને બોલાવ્યા.

બાપુજી વોકર લઇને બા પાસે આવ્યા.“કેમ છે તમને હવે?” એમ પૂછયું કે તરત જ બા હાથ જોડી બાપુજીની માફી માંગવા લાગ્યા. શ્યામલી ખૂબ સમજદાર. એને લાગ્યું કે બા-બાપુજીને એકાંતમાં ખૂબ, હળવે મને વાતો કરવી છે. એ “ઘરે જઇને માને મળતી આવું” કહી નીકળી ગઇ. બા રડતાં રડતાં બોલ્યા,“મને માફ કરજો. મેં હંમેશાં બધાનું દિલ દૂભાવ્યું છે. તમે મોટી જેવી ખાનદાન વહુ આપણા ઘરમાં લાવ્યા ને મેં તેને કેવળ તિરસ્કાર કર્યો. નસીબવાળાના ઘરમાં આવી વહુ આવે. અને હું અભાગી એના રંગ આડે છુપાયેલા સુંદર ગુણોને જોઇ ના શકી.ભગવાન મને કદીય માફ નહી કરે.નાનીને મેં ફૂલે પૂજી, અનહદ લાડ લડાવ્યાં.કેટકેટલુ સોનું,ચાંદી,રૂપિયા આપ્યા.આજે એને ફર્યા વગર પાછું આવવું પડ્યું તો પોત પ્રકાશ્યું. આજે હું મારા અંતરાત્માથી ઊતરી ગઇ.ભગવાન મને મોત આપે એ પહેલો મારી મોટીના પગે પડી માફી માંગવા ઇચ્છું છું.” બાપુજી ચશ્મા કાઢી આંસુ લૂછતા બોલ્યા, “ગાંડાં જેવી વાત ના કરો. હજુ આપણે આપણી શ્યામલીને પરણાવવાની છે. તમારે એને ખૂબ પ્રેમ આપવાનો છે. દેવું બાકી રાખીને ના જવાય. હવે તો તમે સાચા ખોટાની પરખ કરતાં શીખી ગયા.માટે જાગ્યા ત્યારથી સવાર.” બાપુજીની વાત થી બા થોડા હળવા થયા.શ્યામલીની ચાકરીની વાત બાપુજીને કરતા હતા, ત્યાં જ એક બહેન રૂમમાં આવ્યા. બા-બાપુજીને પ્રણામ કરી બોલ્યાં, “બા આપને એક વાત કરવી છે. અમે તમારા આઇ.સી.યુ. વોર્ડના પડોશી છીએ.” બોલતાં હળવુ હસ્યા. બાને પણ હસવું આવી ગયું.“મારા પતિ બેડ નં ૨ ના પેશન્ટ છે. છેલ્લા ચાર દિવસથી હું તનમનથી ચાકરી કરતી તમારી દીકરીને જોયા કરૂં છું. એની વાણી અને વર્તનમાં જે નમ્રતા છે,એ સંસ્કાર અને સાદગીથી હુું અને માારા પતિ ખૂબજ પ્રભાવિત થયા છીએ. મારો દીકરો આકાશ હમણા જ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી અમેરિકાથી પાછો આવ્યો છે. ઘણાં માંંગા આવે છે એના માટે પણ એને કોઇ કન્યા પસંદ નથી આવતી. દેખાવડી છોકરીને પરણવું હોત તો અમેરિકામાં ઘણી છોકરીઓ હતી. પણ એને સંસ્કારી અને ખાનદાન કન્યા જોઇએ છે. એના પપ્પા પાસે એક દિવસ રહ્યો હતો આઇ.સી.યુ.માં ત્યારે એણે તમારી દીકરીને તમારી દેખરેખ અને સેવા કરતી જોઇ.સદાય હસતી અને બાનું બનતું ધ્યાન રાખતી તમારી એ દીકરી મારા આકાશને ખૂબ ગમી ગઇ છે. તમને વાંધો ના હોય તો એક વખત આપ એને જોઇ લો. વાતચીત કરી જુઓ. તમને ગમે તો જ આગળ વાત વધારીશું. બાની આંખમાં હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. મારી શ્યામલીનાં ભાગ્ય ખૂલી ગયા.સામેથી ભણેલા છોકરાનું માંગું આવ્યું. આકાશને બોલાવ્યો.બા-બાપુજી એને મળીને રાજી રાજી થઇ ગયા.ખૂબ હસમુખો દેખાવડો, સાદો અને સરળ છોકરો છે. હોસ્પિટલમાં જ શ્યામલી અને આકાશની મીટીંગ ગોઠવાઇ. મોટી વહુ બા પાસે આવી, એવી બાએ એને વહાલથી ચૂમી લીઘી. ભેટી ભેટીને વ્હાલ કર્યું. સોહામણો આકાશ શ્યામલીને ખૂબ ગમી ગયો. બધા ખુશ ખુશ થઇ ગયા. મોઢામોઢ વાત પાકી થઇ ગઇ.બન્ને પેશન્ટ સાજા થઇ જાય પછી સગાઇની તારીખ નક્કી કરીશું એવું બાપુજીએ જણાવ્યું. જોતજોતામાં બા પણ સાજા થઇ ગયા.આકાશના પપ્પાને તો ઓફિસ જવાની પણ છુટ્ટી મળી ગઇ. સગાઇની તૈયારીઓ શરૂ થઇ ગઇ. બાએ શ્યામલી માટે સોનાનો સેટ બનાવડાવ્યો. રાધા કંઇ બોલે એ પહેલા બાએ કડક થઇને કહી દીધું,“મારા ઘરમાંં રહેવું હોય તો ,મારા કાયદા-કાનૂન પ્રમાણે રહેવાશે. નહીતર અલગ ઘર લઇને રહેવા જવાની છૂટ છે.” રાધા વહુ હવે શું બોલે ? ચૂપચાપ સગાઇની તૈયારીઓમાં લાગી ગયા.

ખૂબ ધામધૂમથી દીકરીની સગાઇ થઇ. સુંદર ચણિયાચોળીમાં આજે કેટલી સુંદર લાગતી હતી શ્યામલી! બાએ મનની આંખોથી પહેલીવાર શ્યામલીની સુંદરતા પારખી હતી.આ સુંદરતા મનની હતી જે સુંદર સ્વભાવથી બાહ્ય દેખાવમાં ઝલકતી હતી.

“ધન્ય દિવસ ,ધન્ય ઘડી ,ધન્ય પળ.

સુંદર મનથી જીત્યા સૌનાં દિલ

સુંદર સાથી સાથે કાપશે શ્યામલી,

જીવન ની મંઝીલ.”

૪. ડોક્ટર કે ભગવાન ?

હોસ્પિટલમાં જઇએ ત્યારે ખબર પડે કે દુનિયામાં આટલું બધું દર્દ હોય છે. આપણે આપણા દુખડાં રોતાં હોઇએ છીએ પણ બીજાને દુખ માં પણ હસતા જોઇને પોતા પર જ ગુસ્સો આવે છે. કોઇને જીવલેણ કેન્સર હોય છે, તો કોઇને મગજની બીમારી. નાનાં બાળકોને આવી જીવલેણ બીમારીમાં પીડાતા જોઇ ને ગૂંગળામણ થાય છે. કયારેક અંતરમાંથી એક પ્રશ્ન નીકળે છે. શું ખરેખર ઇશ્વર છે ? અને છે તો આવો નિર્દય કેમ ? જુવાનજોધ વ્યક્તિઓ મૃત્યુ પામે ને એમના કુટુંબીઓનો વલોપાત (કલ્પાંત) હ્ય્દયને ચીરી નાખે છે. ડોક્ટર ખરેખર જીવતા ભગવાન જ છે. આપણી આયુષ્યદોરી લંબાવી નથી શકતા પણ બનતી બધી જ કોશિશ કરે છે, પેશન્ટ ને પીડામુક્ત કરવાની, ને જીવ બચાવવાની. ઘણા ડોક્ટરો તો માનવાની મૂરત હોય છે. જેના માટે ગરીબ સુખી દર્દી એક સમાન.પોતાથી બનતી બધી આર્થિક મદદ કરે ને પેશન્ટનો જીવ બચાવવા તનતોડ પ્રયાસ કરે. આવા ડોક્ટરમાં સાક્ષાત ભગવાન જ દેખાય ને ? એક પરિણીત સ્ત્રી જેને કેન્સર થયું, તેને તેના પતિ તથા સાસરીયાએ તરછોડી મૂકી. આર્થિક રીતે પણ નબળી આ સ્ત્રી કોની મદદ માંગે ? અમદાવાદના એક પ્રખ્યાત કેન્સર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરે એની ફ્રીમાં ટ્રીટમેન્ટ કરી નવી જીંદગી આપી. આજે એ સ્ત્રી સ્વમાનથી જીવે છે અને આ ડોક્ટરને લાખો દુઆ આપે છે. છે ધનવાન આમના જેટલા કોઇ બીજા ડોક્ટર? આ મહાન ડોક્ટરને પોતાની મહાનતાના ગુણ ગાવા જરાય પસંદ નથી. પરંતુ લોકોના ધ્યાનમાંથી આવા લાડીલા ડોક્ટર બચી શકે ? માનવતાની આ મૂરત કેટકેટલા લેતા હોય છે ? પૈસા તો બધા કમાય છે પણ અંતરના સાચા આશિષ કોને મળે છે ? પરોપકાર કરીને પણ સાદગી દેખાડવી અત્યંત કપરી છે બંધુ. આ ડોક્ટરે કયારે પેશન્ટને એવું મહેસુસ નથી કરાવ્યું કે પૈસા હશે તો જ તારી ટ્રીટમેન્ટ થશે ને તું જીવીશ.

એમના મુખેથી હિમ્મતભરી વાત જ નીકળે “ હિમ્મત રાખ, મારાથી બનતી બધી જ કોશિશ કરીશ તને સાજો કરવા, પૈસાની ચિંતા ના કર. સૌ સારાં વાનાં થશે” આહા .. કેટલુ ગર્વ લેતું હશે આ ડોકટર સાહેબનુ કુટુંબ ! માતા પિતાની ઉછેરણી મહેકતાં ફૂલની જેમ ફળી. પ્રેમાળ કુટુંબ ને આવી પ્રેમાળ વ્યક્તિ મળી. ધન્ય છે આવા લોકોને માનવતા જીવિત રાખવા. આવા ઘણા મહાનુભવો હજી છે આપણા સમાજ અને કુટુંબમાં.

“ પ્રેમથી જયારે લોકોમાં માનવતા ખીલે છે,

ત્યારે પૃથ્વી પર સ્વયં સ્વર્ગ ઊતરે છે.

આંખોમા સ્નેહ અને હ્ય્દયમાં પરોપકાર છે,

મૃત્યુના દ્વારે પહોચેલાને જીવાડવાની જીદ છે.

આ ધરતી પર આવા વિરલ ડોક્ટર કોક જ છે.

એવા સદ્‌વિચારી ભવ્ય ડોક્ટર દર્દીઓનું સ્મિત છે.”

૫. “સમયની સીડી”

“લોપા, તારી મમ્મી કયાં છે? કેમ એનો મોબાઇલ સ્વીચ ઓફ છે ?” “પપ્પા, મમ્મી તો સવારના ૧૦ વાગ્યાના બ્યુટીપાર્લરમાં ગયા છે. ૧ વાગવા આવ્યો, હજી આવ્યાં નથી. જમી લેજો, મને આવતાં મોડું થશે કહીને નીકળ્યાં છે. મેં અને કોષાએ જમી લીધું છે. તમારૂં ટીફીન મોકલાવું નીરજભાઇ ને શ્રેય સાથે ?”

“ના.....ના....હું અડધો કલાકમાં આવું છું. જમીને થોડો આરામ પણ કરવો છે. આજે પગમાં દુખાવો વધુ છે.” “સારૂં, પપ્પા.” કહી લોપાએ ફોન મૂકી દીધો. બન્ને દેરાણી જેઠાણીના મુખ પર લુચ્ચું હાસ્ય આવી ગયું. “આ સાસુમાને યુવાન થવાનું ઘેલું લાગ્યું છે. “સાઠે બુદ્ધી નાઠી” કહેવત એમને ખૂબ પરફેક્ટ લાગુ પડે છે. બાપ રે રોજ કંઇક ને કંઇક નવી પ્રવૃતિ શોધે છે. કયારેક કીટી પાર્ટી તો કયારેક મહિલા મંડળ મોર્નીંગ શોમાં પિકચર જોવા ઉપડી જાય. કયારેક લંચ કરવા બહાર જાય તો કયારેક મોલમાં ફરવા જાય. વાહ, જલસા તો આપણા માજીને જ છે. પપ્પા બિચારા કામમાં રચ્યા પચ્યા રહે. શું કરે બીજું ? બૈરીનું આવુ ગાંડપણ એમને પણ શરમજનક લાગતુ ંજ હશે ને? આ વખતે સાલવી દીદી આવે ત્યારે મારે ફરિયાદ કરવી જ છે. દીદી,જરા મમ્મીને સલાહ આપીને જાવ કે આ ઉંમરે આ બધું ના શોભે. લોકો મજાક ઉડાવે છે, એમની સાથે અમારી પણ બદનામી થાય છે.” “ભાભી રહેવા દોને મા-દીકરી એકના એક જ છે. આપણા કહેવાથી કંઇજ ફર્ક નથી પડવાનો. માજી ગાંડાઘેલાં થઇ ગયાં છે. એમને કરવા દો જે કરવું હોય એ. આપણે શું ?” બન્ને પોતપોતાના રૂમમાં ગયા. લોપા અને શ્રેય, કોષા અને નીરજ બે દીકરા ને વહુઓ. વસુધંરા અને ધનપાલ સાસુ-સસરા. સાલવી અને કૈનવ દીકરી-જમાઇ.

ધનપાલભાઇ ખૂબ મહેનતુ અને સફળ વ્યક્તિ. વસુબહેન પ્રેમાળ સ્ત્રી અને ઉદાર માતા. એમના દીકરાઓ માટે જીવ આપતા પણા ના અચકાય.

દીકરી સાલવી એટલે ગુણોનો ભંડાર. સુખી ઘરની દીકરીને મળ્યા ઉત્તમ સંસ્કાર, અને એણે દીપાવ્યુ કૈનવનું ઘરદ્વાર. આ કુટુંબમાં “તમે તૈયાર તો અમે સાથે જોડાઇશું”વાળી ભાવના તરવરે. ખૂબ સંસ્કારી દીકરીને ખૂબ પ્રેમાળ સાસુ-સસરા મળ્યા. સાલવી ખૂબવિવેકી. બધાં સાથે એની વાણી નમ્ર અને પ્રેમાળ. સાસુને હાથમાં ને હાથમાં સાચવે. સસરા સાથે પત્તાં રમે, કેરમ રમે. કયારેક અંચઇ કરે અને મીઠો ઝગડો પણ કરે.

ધનપાલભાઇ દીકરીને સુખી જોઇ આનંદવિભોર બની જાય. વાહ મારો કાળજાનો કટકો, મારૂં નામ રોશન કરે છે. હું તો દિવસ-રાત કાળી મજૂરી કરતો. સંસ્કારની બારાખડી તો વસુએ જ શીખવી છે. બન્ને દીકરાઓ પણ લાગણીશીલ. મા બાપનું મૂલ્ય બાખૂબી સમજતા. વહુઓ આમ તો સારી પણ તેઓના મોર્ડન થીંકીંગ પ્રમાણે જમાનો આગળ ચાલે. સાથે તેઓ પણ મોર્ડન બનતા જાય. પણ જો જૂની પેઢી સહેજ અમથી આગળ વધે તો સહન ના થાય. મા - બાપ એટલે ઘરમાં બેસી ટીવી જોતાં, ચોપડી વાચતાં, ઘર સંભાળતા, બાળકો સાચવતા અને લેન્ડલાઇન ફોન ઓપરેટર સિવાય કંઇજ નહીં. આવા વિચારવાળી બન્ને વહુઓની સાસુ બ્યુટીપાર્લરમાં જાય એ ચર્ચાનો વિષય બની જાય. એમના મનોપ્રદેશમાં વિચારના તોફાનનું વાવાઝોડું ચાલ્યા કરે. “આજે તો માજીને ખખડાવી નાખવા છે. આ શું વળી ? ગાંડપણની એક હદ હોય. આ ઉંમરે આવા નખરાં? લોકો કેવી કેવી વાતો કરે છે ? મારી ફ્રેન્ડસ તો, મને કેવાં મહેણાં મારે છે. તારા કરતાં તારા સાસુ જુવાન લાગે છે. છી શરમ જ નથી આ માજીને.” લોપા ખૂબ રોષે ભરાઇ હતી. એવામાં ડોરબેલ વાગી. દરવાજો ખોલ્યો તો સામે ધનપાલભાઇ હતા. લોપા ગુસ્સામાં પૂછવા લાગી,“જમવાનું પીરસી દઉં ?” “ના,બેટા...તું આરામ કર. તારી મમ્મી આવશે, પછી અમે સાથે જમી લઇશું.” લોપા મનોમન બબડી. ડોસો પણ ઘેલો છે, બૈરી પાછળ.

આ ઉંમરે પ્રેમ ફાટી નીકળ્યો છે. વસુ, વસુની માળા જપે છે. લોપા રૂમમાં જઇ ટી.વી. ઓન કરી મન ડાઇવર્ટ કરવા પિકચર જોવા લાગી. ત્યાં ફરીથી ડોરબેલ વાગી. જા મારે નથી ખોલવો દરવાજો. ડોસા બાપાને ખોલવા દો. એમની જોહરાજબી આજે રૂડાંરૂપાળાં બનીને આવ્યા હશે. જોઇજોઇને હરખાશે બુઢ્ઢા બાપા.

એણે રૂમ ખોલી સહેજ ડોકીયું કર્યું. સાસુમા જ હતાં. વાળ કપાવ્યા હતા. ફેશીયલ કરાવવાથી ખૂબ નીખરતા હતા. સસરાજી બોલ્યા, “અરે વાહ, વસુરાણી આજે તો તમારી ઉંમર અડધી થઇ ગઇ જાણે. ખૂબ શોભે છે આ વાળ તમારા ગોળમટોળ ચહેરાને, તમારા વ્યક્તિત્વને એક અલગ જ નિખાર આપે છે.” “બસ બસ હવે વાયડા થાઓ મા. ખોટા વખાણ બંધ કરો. જમ્યા તમે?” “ના તારી રાહ જોતો હતો. “અરે રે આવું શું કામ કર્યુંર્ ? જમી લેવું હતું ને લોપા, કોષા સૂઇ ગયા ? ચાલો હું થાળી પીરસીને લાવું છું.” કહી રસોડામાં ગયા ને બે થાળી પીરસીને આવ્યા. જમ્યા બાદ બન્ને રૂમમાંગયા. લોપાના દુષ્ટ મનમાં ખૂબ નટખટ વિચારો સળવળતા હતા. આજે રૂમમાં ઝાંખીને જોવું છે. શું કરે છે આ પ્રેમલાઓ. સસરા આડા પડ્યા. આજે પગનો દુખાવો થોડો વધુ છે. અરે, તમે મને કીધું કેમ નહી ? લાવો દબાવી આપું. સાસુમા પગ દબાવતાં હતાં ને સસરાજી નસકોરાં બોલાવતાં હતાં. લોપા રૂમમાં પાછી આવી. આ સ્ત્રી કેવી છે? આટલા મોજશોખ પણ કરે છે ને પતિનું આટલું ધ્યાન પણ રાખે છે! વિચારો કરતાં કરતા લોપા સૂઇ ગઇ.

ચાર વાગ્યા એટલે વસુબહેન ચહા બનાવા રસોડામાં ગયા. કોષા આવીને એમને ધ્યાનથી જોવા લાગી. “ શું જોવે છે દીકરા ?” “મમ્મી, ખોટું ના લગાડશો, પણ આ ઉંમરે તમે મોર્ડન થાઓ એ થોડું ઓડ લાગે છે.” વસુબહેન હસી પડ્યા. બોલ્યા, “બેટા. સાંભળ આ ચાર લીટીઓ.

તકદીર બદલતે દેખા હે.

ઉમ્મીદે કુચલતે દેખા હે.

જીનકો પલકોં મેં છુપાકે રખા.

આજ ઉનકા નઝરીયા બદલતે દેખા હે.”

“વાહ મમ્મી તમે તો શાયરી પણ બોલો છો.” “કોષા બેટા એક જમાનામાં હું સારી લેખિકા હતી. મારા જીવનની દરેક પળ પેપર પર ઉતારી રાખી છે. નવી ખુશીઓમાં જૂની સ્મૃતિઓ કયારેય ખોવાય ના જવી જોઇએ.” કોષા અપલક નિહાળતી રહી વસુબહેનને, ત્યાં તો બૂમ સંભળાઇ, “ચા બની ગઇ કે બહારથી મંગાવી લઉ કોષા.” સાસુ વહુ હસી પડયા. “એક્ટિંગ ના કરો. લાવી તમારી ચા.” કહી વસુબહેન મલકાઇ પડ્યા. “લોપા બેટા ઉઠો તો ચા ઠંડી થઇ જશે.” લોપા આંખો ચોળતાં ટેબલ પર આવી. મગજ હજી ગરમ જ હતું. ચૂપચાપ ચા પીને શાક લેવા જતી રહી. “કોષા, આજે લોપા કેમ ગુસ્સામાં છે ? મમ્મી મને ખબર નથી. કદાચ તમારૂં આટલું મોર્ડન થવું ,આટલા મોજશોખ કરવા એમને પસંદ નથી.” વસુબહેન હસી પડ્યા. “ગાંડી છોકરી છે, સાવ આવું બધું મગજ પર ના લેવાય. સંસારમાં બધું ચાલ્યા કરે. અરે હા, આજે કૈનવ -સાલવી જમવા આવવાના છેે ને ? “હા મમ્મી, ભાભી એટલે જ બધું લેવા ગયા છે.” “સારૂં મારે શાક સમારવાનું હોય તો આપી દેજો હું સમારી દઇશ.” “સારૂં, મમ્મી.” કહી કોષા કામે લાગી ગઇ. લોપા શાક લઇને આવી ત્યારે સાસુ સસરા વાતો કરતા હતા. સાસુમા બહારગામ જવાની ફરમાઇશ કરતા હતા. સસરાજી જગ્યા નક્કી કરતા હતા.

“કયા જઇશું ? દુબઇ? મલેશીયા ? કાશ્મીર ? વસુ મારા પગની તકલીફનો વિચાર કરીને જગ્યા નક્કી કરજે.” લોપા રસોડામાં જતાવેંત જ બબડી, “લો પાછું જુવાનીયાઓને હનીમૂન પર જવાનું ભૂત વળગ્યું છે. જાત્રા કરવાની ઉંમરે આવી રોમેન્ટિક જગ્યાએ જવું છે. હવે તો હદ થાય છે. આજે શ્રેયને કહેવું જ પડશે કે આ વેવલાવેડા બંધ કરાવ નહીંતર હું આ ઘરમાંથી ચાલી જઇશ.” “ ભાભી જવા દો ને આ વાત ને. કરવા દો ને એમને એન્જોય. આપણે શું ?” “ના, મને નથી પસંદ આ બધું. શ્રેયને મારે ધમકાવવો જ પડશે.” રસોઇ પતી ગઇ. બધા ફ્રી થઇ ગયા. સાલવી-કૈનવ પણ આવી ગયા. લોપા અને નીરજ પણ વહેલા વહેલા આવી ગયા. આજે આખો પરિવાર સાથે બેસી જમવાના હતા. બધા બહાર પોર્ચમાં બેસી ગપ્પા મારતા હતા. લોપા, કોષા પણ જોડાઇ ગયા. કૈનવને મસ્તી સૂઝી. સાસુમાને ટીખળમાં કહ્યું, “ મમ્મી તમે સાલુના દીદી લાગો છે આ હેર કટમાં, ખૂબ સુંદર લાગો છો.” બધા હસી પડ્યા. લોપા કટાક્ષમાં બોલી. “હવે જમાનો રીવર્સ થવા લાગ્યો છે. બૂઢાપો જવાનીને ઝંખવા લાગ્યો છે. ઉંમરને તો અવગણાય છે. સમાજનો ડર નથી રહ્યો, કોઇ છોછ પણ નથી મોજશોખમાં.” એકધાર્યું બોલતી ગઇ. ખૂબ ધ્યાનથી સાંભળતા વસુબહેન ઉભા થયા. “લોપા દીકરા બોલી લીધું ?હવે મને સાંભળશો બધાં ?

“હું અને તમારા પપ્પા એક નાનકડી ઓરડીમાં રહેતા હતા. મારા અંધ સાસુને જીવની જેમ સાચવતા હતા. તમારા પપ્પા કાળી મજૂરી કરે. દિવસરાત એકાઉન્ટ લખે. થોડા થોડા પૈસા બચાવીને કટોકટીથી ઘર ચલાવીએ.

એક કલાક પણ ઘરની બહાર ફરવા ના જઇએ, કેમકે બા અંધ હતા, એમને એકલાં ના મૂકાય. આવી ગરીબીમાં શ્રેય જન્મ્યો. ખર્ચા વધવા લાગ્યા. મોંઘવારી વધતી ગઇ. હું તમારા પપ્પાથી છાના રાખી ખાખરા, પાપડ કરતી. એ પૈસાથી શ્રેયની પેટની બિમારીનો ઇલાજ કરાવતી. પપ્પાનો પગાર વધ્યો. પણ હજી ગરીબી તો એટલી જ હતી, કેમકે બાને કમળો થઇ ગયો. હોસ્પીટલમાં ૧૫ દિવસ રાખવા પડ્યા. પણ તેઓ મૃત્યુ પામ્યાં. આટલો ખર્ચો કર્યો પણ જીવ ના બચ્યો. ફરીથી મને સારા દિવસ જવા લાગ્યા. દીકરી સાલવી જન્મી. એના આગમનથી પપ્પાનું કિસ્મત બદલાયું. ખૂબ સારી નોકરી મળી. રહેવા માટે એક રૂમ-રસોડાનું ઘર પણ મળ્યું. મે ખાખરા, પાપડ, અથાણાં બનાવવાનું ચાલુ રાખ્યું. એ ખાનગી મૂડી, ભવિષ્ય માટે બચાવી રાખી. શ્રેયને સારી સ્કૂલમાં ભરતી કર્યો. સાલવી ચાલવા લાગી. કુદરતને હજી મને એક સંતાનની ખોટ પૂરી કરવી હતી. નીરજનો જન્મ થયો. ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી ગઇ. ત્રણ બાળકોના ભવિષ્ય માટે તમારા આ બાપે કાળી મહેનત કરી છે. અમે કદીય હર્યાંફર્યાં નથી. પણ તમારી કોઇ ફરમાઇશ નકારી નથી. તમને મોંમાગ્યું અપાવ્યું છે. જુવાનીના એ દિવસો અમે મહેનતમાં જ વિતાવ્યા છે. તમારા પપ્પા હંમેશાં કહેતા, “મેં મજૂરી કરી છે,પણ મારા બાળકોને નહીં કરવા દઉં. એમને સરસ રીતે સેટ કરી દઇશ. એમનું જીવન સુખમય જવું જોઇએ. આ પ્રેમાળ પિતા, તમારા જીવતા જાગતા પૂજનીય દેવ છે. રહી વાત મારા મોર્ડન થવાની તો સાંભળી લો. જીંદગી અમૂલ્ય છે. અને મોત અનિશ્ચિત છે. આખી જિંદગી કરકસર ને હાયબળતરામાં વિતાવી, દરેક મોજિશોખને મારી દફનાવી દીધા. થોડા દિવસ પહેલાં તમારા પપ્પાએ મને કહ્યું કે વસુ તેં કયાકેય વાળ કપાવ્યા નથી. હંમેશાં સાદગીભર્યુ જીવન જીવી છે.હવે સુખના દિવસો આવ્યા છે. જીવનમાં કઇક નવું કર. ખૂબ મોજ કર. જુવાનીના દફનાવેલા દરેક મોજશોખને જીવિત કર. તારી આ બન્ને દીકરી જેવી વહુઓ તારી આ ભાવના જરૂર સમજશે, ને તને તારી નવી જિંદગીમાં આનંદ ઉમેરાવશે. મને તમારા પપ્પાની વાત ખૂબ સ્પર્શી ગઇ. મે જરાક અમથા વાળ કપાવ્યા. ફેશીયલ કરાવ્યું કેમકે મારા પતિ મને નવા રૂપમાં જોવા માંગતા હતા. પણ મારો આ બદલાવ મારી દીકરીઓને પસંદ નથી, એવું મને લાગે છે. મારી આ ભૂલ બદલ મને માફ કરી દો, અને અમને થોડા દિવસ જાત્રા એ જવાની વ્યવસ્થા કરાવી આપો. લોપા એ હાથ જોડીને કહ્યું “પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. તમારી આવી ઉમદા મહાનતાને હું બોલી ઉઠી અભાગણી પારખી ના શકી. તમે ખૂબ સુંદર છો તનમનથી હવે તમારે બધા જ મોજશોખ કરવાના છે. અને અમે પણ તમારી સાથે મજા કરીશું. શ્રેય ચલો ને આપણે બધાં સાથે ફરવા જઇએ. મમ્મી પપ્પાને બેસ્ટ રૂમ આપીશું. એમને ફરીથી જીવન માણવા દઈએ”. બધાએ મંજૂર કર્યું. બીજે દિવસેથી શ્રેય બુકિંગ અને ઇન્કવાયરીમાં લાગી ગયો. લોપા અને કોષા વસુબહેનની બે લાકડીઓ બની ગયા જાણે. આવો પ્રેમ પામીને દુઃખી દિવસોને ભૂલી ખુશીથી રહેવા લાગ્યા.

ખૂબ ખુશખુશાલ વસુબહેન આજે મસ્ત મજાની શાયરી ગુનગુનાવતા હતા.

“જીંદગી કી કઠીન રાહો પર તેરા હી સહારા થા.

તેરી બાંહો મે જન્નત કા નઝારા થા.

ખફા હો ગયે જબ સારે રીશ્તે હમસે.

તબ તેરા દામન હી મેરી મંજીલ કા આખરી કિનારા થા.”

૬. “ સાચો રસ્તો ”

સમ્યકની જિંદગીમાં આજની રાત અસહ્ય હતી. ઊંઘ વિનાની રાત. બે પલકોને મળવું ન હતું અને રાતને સવાર મંજૂર નહોતી.જિંદગી ક્રૂર બની હતી. આજે એને એના અસ્તિત્વનો ભાર જીરવાતો નહોતો. કયારેક કયારેક સટ્ટાની બાજી જીતતો સમ્યક આજે જિંદગીની બાજી હારી ગયો હતો. અંજપ મનને શાંત કરવા મ્યુઝીક ચાલુ કર્યું. પણ આજે એ પણ મનમાં વાગતું હતું. કંઇ જ ગમતું નહોતું. કબાટ ખોલી એની પ્રાણપ્યારી ચૈતાલી માટે લીધેલી મોૅંઘીદાટ સાડીને હ્ય્દયસરસી ચાંપી ચોધાર આંસુએ રડી પડ્યો. મારા પ્રેમમાં શુ ખામી હતી ?તારો આવો ફેંસલો, સાબિત કરે છે કે આ પ્રેમ એકતરફી હતો. ફકત મારા તરફથી જ હતો. દોષ તારો પણ નથી મારી વહાલી, દોષ મારા નસીબનો છે. મારી આદતો મને જ ભારે પડી. કેવો આશિક હતો હું તારો. તને જોવા હું તારા ઘર સામે કલાકો ઊભો રોતો હતો.તારી એક ઝલક પામીને હું જાણે ધન્ય થઇ જતો. તારી સાથે સંબંધ વધારવા તારા અડીયલ ભાઇને પણ પ્રેમ થી જીતી લીધો. તારા અભિમાની પપ્પાના ઘણાં અપમાનો સહન કર્યાં, ફક્ત તને પામવા માટે.

મને યાદ છે, જ્યારે મેં તારી સમક્ષ મારા પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તારી આંખોમાં પણ એકરાર છલકતો હતો. બંધ હોઠ કશુંક કહી નાંખવા તડપતા હતા. મોઢા પરની લાલી તારા હરખની ચાડી ખાતી હતી. તારા વગર બોલ્યે હું જવાબ પામી ગયો હતો. પછી તો રોજનું આપણુ મિલન એક વ્યસન થઇ ગયું જાણે. એકમેકને મળ્યા વગર અધૂરાપણું લાગે. કંઇક ખૂટે છે,એવી ભાવના હચમચાવી મૂકેે. શેરબજારના સટ્ટા હું બખૂબી રમતો. નસીબ પણ સાથ આપે. મમ્મીને જરાય પસંદ નહોતું મારું સટ્ટો રમવું. હંમેશાં કહેતી “દીકરા સટ્ટામાં કમાયેલા અઢળક રૂપિયા કરતાં, તારા મહેનતથી કમાયેલા બે પૈસા પણ મારા માટે કરોડો રૂપિયા સમાન હશે”. પણ મારા માથે કરોડપતિ થવાની ધૂન સવાર હતી. મારી ચૈતાલીનાં તમામ સપનાં મારે પૂરાં કરવાં હતાં.

એની ગગનચુંબી આશાઓ મારે પૂરી કરવી હતી. ચૈતાલીને મહેલ જેવું ઘર(જેમાં અનેક નોકરચાકર હોય),ખૂબ બધાં ઘરેણાં,ગાડી વગેરે દરેક એશોઆરામ આપવા હતા. સટ્ટા સ્િીવાય રાતોરાત હું આટલી સંપત્તિ ક્યાંથી પામી શકું ? નસીબ પણ સાથ આપતું ગયું. શેરબજારનો કિંગ થઇ ગયો. ચૈતાલીને દરેક વખતે અવનવી મોંઘી ભેટો આપતો. એના ચહેરાની એક ખુશી જોવા હું કંઇ પણ કરી શકું. આમ અમારા પ્રેમના એ ખુશહાલ દિવસો બહુ મધુર થતા ગયા. દોસ્તો વચ્ચે હું એક સેલીબ્રીટી બની ગચો. વારે તહેવારે દારૂની પાર્ટીઓ ચાલે. ત્રણ પત્તાંની રમતનો શોખ એટલો ઉગ્ર કે જ્યાં ચાર દોસ્તો મળે, ત્યાં બાજી પડી જ જાય. શેરના સટ્ટામાં નસીબે જેટલો સાથ આપ્યો એટલો ફટકો નસીબે પત્તામાં આપ્યો. બધી મૂડી, મકાન, દાવ પર લગાવી દીધું, ફક્ત એક જ બાજીમાં. એક બાજુ મારૂં સપનું, મારી ચૈતાલી, મારો જીવ, મારૂં બધું હતી. બીજી બાજુ મારી બધી મૂડી હતી.ચૈતાલીનો પ્રેમ મારી અમૂલ્ય મૂડી હતી.એશોઆરામ તો એને સાચવવા પૂરતો હતો.મારા પ્રેમ અને લાગણીથી એને હું જીવની જેમ સાચવીશ જ.છેવટે બધું જ હારી ગયો.પણ મનમાં એટલું દુઃખ નહોતું, આ તો તુચ્છ વસ્તુ કહેવાય, હાથનો મેલ કહેવાય,આવે ને જાય. પુરુષાર્થ કરીને તનમનથી મહેનત કરીને કમાઇ લઇશ. મારી ચૈતાલીનો સાથ મારૂં બળ છે ચૈતાલી,આજે કેમ મોડી છે ? હજુ આવી નહીં મને મળવા. બિચારી દુઃખી થતી હશે. મારી સામે આવતા ખચકાતી હશે. એણે ફોન કર્યો મોબાઇલ પર. ફોન બંધ હતો. ઘરે કર્યો તો કામવાળીએ કહ્યું કે બધા ખરીદી કરવા ગયા છે. કેમ ? શાની ખરીદી ? આશ્ચર્યથી પૂછાઇ ગયું. “મને કાંઇ ખબર નથી.” કહી ફોન કાપી નાખ્યો. કામવાળી બાઇએ. મારૂં મન બેચેન બની ગયું. સારા ખોટા વિચારો મને સતાવવા લાગ્યા. મમ્મી મને આવી હાલતમાં જોઇ રડવા લાગી.

મારી પાસે આવી મારા માથે હાથ ફેરવી મને વ્હાલ કરવા લાગી.દીકરા તારા પપ્પા ખૂબ મોભાદાર વ્યક્તિ હતા સમાજના. એમની વાતમાં કયારેય નિરાશા ના હોય. આપણી મધ્યમવર્ગની પરિસ્થિતિ કહેવાય, પણ તારૂં ભણતર અને ઉછેર તો અવ્વલ દરજ્જાનો જ કર્યો. પોતે જ આટલું ભણેલા હતા તો તારા ભણતરમાં ખામી રાખે ? એ પોતે જ તને ભણાવતા. તને અંગ્રેજી મીડીયમમાં ભણાવ્યો. ડબલ ડીગ્રી લેવડાવી જેથી તને સારામાં સારી નોકરી મળે અને તું તારી જિંદગી સરળતાથી જીવે. બેટા, હું તને હંમેશાં કહેતી કે ઝડપથી કરોડપતિ બનવાના સપનામાં તું કયાંક પાયમાલ ના થઇ જાય એનું ધ્યાન રાખજે. હશે મારા લાલ.જે નસીબમાં લખ્યું હોય એ થાય જ. એને આપણે ના રોકી શકીએ. તારા પપ્પાની ટયુશન કલાસવાળી ઓફિસ ને મારી થોડી ઘણી મૂડી છે એ વેચીને એક નાનો ફલેટ લઇ લઇશ. તું ચિંતા ના કર. હું હજી બેઠી છું તારી પડખે. મારા મનને એવી રાહત મળી. “મા એ મા.” બાળક ને મોતના મ ુખમાંથી પણ પાછી લઇ આવે એ મા. એના ઘડપણની ફિકર કર્યા વગર એની જમા પૂંજી દીકરાને ખુશી ખુશી આપી દે, એના ખરાબ સમયમાં એ મા. હું એને વળગીને ખૂબ રોયો. “મમ્મી, પપ્પાના અવસાન પછી તારા ખૂબ સમજાવવા ઉપરાંત હું આડા રસ્તે ચડયો. તારી મનોદશા કેવી હશે એ મને આજે સમજાય છે.છતાંય તારી આ હૂંફ એટલી જ પ્રેમાળ અને નિઃસ્વાર્થ છે.”

મમ્મી અને હું આજે મનભરી રોયા. મનભરી એકબીજાને વહાલ કર્યું. મમ્મીએ મને કહ્યું, “બેટા,તું ચૈતાલીને મળીને સઘળી વાત કરી લે. એ તને સાચો પ્રેમ કરતી હશે તો દરેક પરિસ્થિતિમાં તારો સાથ જરૂર આપશે.” હજી હું અને મમ્મી વાત કરતા જ હતા ત્યાં જ ચૈતાલી આવી ચડી. અરે “આવ ચૈતાલી, મમ્મી ને હું તારી જ વાતો કરતો હતો. તું ક્યા હતી આખો દિવસ, એક ફોન પણ ના કર્યો મને ?” ચૈતાલીના મુખ પર થોડી નારાજગીના ભાવ લાગ્યા.

“જો સમ્યક, પરિણામથી સંસાર અને પરિણામથી જ વિનાશ છે.સુખ પ્રાપ્ત કરવાના લોભમાં તારૂં સુખ જ ટળ્યું ને ? શું રહ્યું તારી પાસે ? સટ્ટામાં કમાયેલા રૂપિયા પળવારમાં જ જતા રહ્યા ને ? મને ખબર હતી કે તારી આ આંધળી દોડ તને એક દિવસ જરૂર પછાડશે. સમ્યક,મારા મમ્મી પપ્પાએ તારા અને મારા સંબંધ માથે મંજૂરી ના આપી, એનું મુખ્ય કારણ જ એ હતું કે તું સટોડીયો હતો.પપ્પા મમ્મીને મારા ભવિષ્યની ચિંતા કોરી ખાતી હતી. બે દિવસ પહેલાના તારી પાયમાલીના છેલ્લા સટ્ટાની જાણ થતાં તેઓએ મારી સગાઇ નક્કી કરી નાંખી. આવતી કાલે મારી સગાઇ છે.હવે તું મને ભૂલી જજે.” સમ્યક તો બેબાકળો થઇ ગયો.“ચૈતાલી, આ તારો પ્રેમ? તું મને સટ્ટો રમવા રોકી શકતી હોત, પણ તેં મને ના રોક્યો.મેં આંધળી દોટ મૂકી પૈસાની.પણ કોના માટે ?ફક્ત તારા ને તારા માટે જ.તારાં સપનાં સાકાર કરવાં હતાં મારે. તું મારી જિંદગી છે. મારી મમ્મી તો મારી સાથે ઝૂંપડીમાં પણ ખુશીથી રહેવાની હતી.જ્યારે તું મને તારાં સપનાં કહેતી, ત્યારે મારૂં મન ખળભળી ઊઠતું. મારી ચૈતાલીનાં સપનાં પણ એના જેટલા કિંમતી હતાં મારા માટે. મારા આ બેશુમાર પ્રેમને તે આજે મારા દેવા ખાતર ત્યાગી દીધો ? ચૈતાલી, હું આજે મનોમન મરી ગયો. ફકત મારી આ નિઃસ્વાર્થ મા માટે જીવીશ. એની મમતાની ઓથે મારા દુખી જીવનમાં છાયડા લઇશ.તું સુખી થા મારી તને એ જ દુઆ છે.” કહેતાં કહેતાં રડવા લાગ્યો. માનું કાળજું કપાતું હતું મારી પીડાથી. ચૈતાલી ત્યાંથી ચૂપચાપ નીકળી ગઇ. માને વળગીને હું નાના બાળકની જેમ રોયો. “મમ્મી,આપણે આ શહેરથી કયાંક દૂર જતા રહીએ. હું મહેનત કરીશ ને જે કમાઇશ એમાં આપણે સ્વમાનથી જીવીશુ. મને માફ કરી દે મમ્મી, મારા કારણે તારે પણ દુઃખી થવું પડે છે. મમ્મી મને પંપાળતા બોલી,“સૌ સ્વાર્થના સગા છે. “નાણા વગર નાથીયો ને નાણે નાથાલાલ”કહેવાય છે.આ છોકરી તારા રૂપિયાથી જલસા કરતી હતી ત્યારે તું એના માટે પાગલ પ્રેમી હતો, આજે જ્યારે તારી પાસે કશું જ ના રહ્યું ત્યારે પોતાનો પરચો બતાવી દીધો ને ?બેટા, પ્રેમ તો ખૂબ નિર્દોષ લાગણીઓથી ભરેલો હોય,સ્વાર્થની છાયા પણ એમાં ના હોય. તડકા-છાયા તો દરેકના જીવનમાં આવે જ. દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવે એ સાચો પ્રેમ કહેવાય. મારી એ વાત માન મારા દીકરા. તું તારા મનને આવા વિચારોથી દૂર રાખ. એક સપનું સમજીને ભૂલી જા.”

સવારના સૂરજનાં કિરણો રૂમમાં પડતાં જ સમ્યક પોતાના પલંગમાંથી ઉઠયો. મોઢા પર પાણી છાંટીને સ્વસ્થ થયો.આજે એણે જાતે જ ચા બનાવવાનું નક્કી કર્યું . ચા બનાવીને મમ્મીને ઉઠાડવા ગયો હસતા ચહેરે. મમ્મી દીકરાને સ્વસ્થ જોઇ મનોમન રાજી થઇ. “મમ્મી, આપણે આજે પપ્પાની ઓફિસને તાળું મારી દઇએ. સરોજમાસીના ગામમાં નવી કોલેજ ખૂલી છે, ત્યાં હું લેકચરરની જોબ લઇ લઇશ.તને માસીનો સાથ પણ મળશે અને મને મારી નવી જિંદગીની નવી દિશા મળશે.” “વાહ,મારા દિકરા.વાહ.આજે તું તારી સાચી દિશા તરફ વળ્યો. તારી આ નવી દિશામાં તને ખૂબ સફળતા મળે અને તારા પપ્પાના રસ્તે તું આગળ વધે.” “હા મમ્મી તારો સાથ કાફી છે મારા માટે પપ્પાની ઓફિસ એમની યાદગીરીરૂપે સદાય આપણી જ રહેશે. ત્યાં ગામમાં આપણે એક રૂમનું ભાડાનું મકાન લઇશું. શૂન્ય(૦)માંથી સર્જન કરીશું. ચલ આજે આપણી ઓફિસે જઇએ. બપોરે બહાર જમીશું. ખૂબ મજા કરીશું. કાલથી ઘર ખાલી કરવાનું શરૂ કરી નાંખીશુ.” દીકરાને બહારથી ખુશ દેખાવવાનો ડોળ કરતા જોઇ મા મનોમન બોલી ઉઠી. તારી આંખના આંસુ હજી છલકાય છે. તારી ઉદાસીના ભાવ તારા મુખદર્પણમાં દેખાય છે.ઠાલવી નાંખ તારૂં કોઠું, કહી દે તારી વ્યથા. તને તડપતો જોઇ આ માનું કાળજું કપાય છે.

બીજી બાજુ દીકરો મનોમન બોલ્યો -

લાખ છુપાવું મારી વેદના,પણ તું ભાપી જાય છે મા.

તારા પેટમાં આળોટ્યો,

તારી ઓર સાથે જોડાયેલો છું મા.

કેટલીય કોશીશ કરી ચૂક્યો,

નકલી હાસ્ય મુખ પર લાવવાની.

પણ આપણા મન થી જોડાયેલી એ લાગણીઓ

મારા જખ્મો ની ચાડી ખાય છે મા.

૭. માણો જીંદગીને...

પ્રેમની અમીવર્ષા પરસ્પર થતી હોય, ત્યાંજ ઇશ્વરનો વાસ હોય છે. આયુષ્યમાં વર્ષો ઉમેરાય છે પરંતુ સુખનો ગુણાકાર થતો નથી. જેટલું આયુષ્ય છે એટલું સુખ છલોછલ ભરી લેવું. સુખ આપણાં મન અને હ્ય્દયમાંથી જ આવે છે. આખો દિવસ પૈસા કમાવા રઝળ્યા કરીએ છીએ દીકરાના દીકરાને પહોંચે એટલી મૂડી એકઠી કરવી હોય છે. આ પૈસારૂપી દોડમાં આપણે પોતે પોતાની જિંદગી જીવવાનું ભૂલી જઇએ છીએ. યંત્રને પણ થોડો સમય બંધ રાખવું પડે છે જેથી એ વધુ ચાલે ને લાંબુ ટકે. શરીરને યંત્ર ન બનાવો. તમારા હોદ્દા, તમારા બિઝનેસ કરતાં તમે પોતે વધારે મહત્વના છો. તમે ખુશ રહેવા, ખુશી આપવા, ધર્મ કરવા, પરોપકાર કરવા સર્જાયા છો. મહેનત કરો, પુરુષાર્થ પણ કરો. આ બધા સાથે જિંદગીને પણ માણો. થોડો સમય પોતાના માટે પણ કાઢો. કુટુંબની નાની મોટી વાતો કરો, ઘરના વડીલો સાથે થોડો સમય કાઢો.એમના ભૂતકાળના કિસ્સા સાંભળી ગર્વ લો. આપણા વડીલો આપણી આબરૂ છે. એમનાથી તો આપણી ઓળખ છે. જીવન અમુલ્ય છે. જીવન જીવવાના સાચા માર્ગે પાછા ફરો. બુદ્ધિ બહેર મારી ગઇ હોય તો એને ઠેકાણે લાવો. જિંદગીનો સાચો આનંદ આત્માને તરબતર કરી નાખશે. તમારા સુખમાં કોઇનો ભાગ રાખશો, તો સુખનો એ નિર્મળ આનંદ ત્રેવડાઇ જશે

“મરણ વખતે ફૂલો થોડાં ઓછા હશે તો ચાલશે,

જીવન સુગંધિત નહીં હોય તો બધું નક્કામું...

ચાર નારિયેળમાં કાપ મૂકાશે તો ચાલશે,

ચાર માણસ ઠાઠડીને ટેકો નહીં આપે તો બધુ નક્કામું...

૮. સંબંધ

“આવો આવો રહીમભાઇ આજે સવાર સવારમાં ભૂલા પડ્યા ? ”

“અરે ના, ના. ભાભી કાલે સલમાનો મૂંહબોલ્યો ભાઇ શોએબ આવ્યો હતો. એને બસસ્ટેન્ડે મૂકવા આવ્યો હતો, તો થયું ચાલ મારા યારને મળતો જાઉં ને ચારૂભાભીના હાથની મસ્ત આદુવાળી ચાહ પીતો જાઉં. ઊઠયો છે કે નહી એ કુંભકર્ણ ?” ત્યાંતો અંદરથી અવાજ આવ્યો, “સુધર ગયા સવેરા મેરા ,જો તુમ તશરીફ લાયે, સુનકે અવાજ યાર કી હમ ઊઠ કે ચલે આયે.” “વાહ. વાહ માશાઅલ્લાહ. તારો આ અંદાજ મને વારંવાર અહીંયા ખેંચી લાવે છે.” બોલતાં જ રહીમ અને રમેશે એકબીજાને ભેટીને આવકાર્યા.ખૂબ જૂના મિત્રો. એકબીજા માટે જીવ પણ આપી શકે એવી ગાઢ મિત્રતા. બન્ને શાયરાના મિજાજ્વાળા. જિંદગી ખૂબ મોજથી જીવવામાં માનનારા. ચારૂ બન્ને માટે ચા બનાવવા ગઇ. બન્ને વાતો કરતા કરતા હસતા હતા ત્યાં અચાનક સલમા આવી. “અરે કયા બાત હૈ બેગમ ? મેરી યાદ ઇતની આયી કી તુમ ભી ખીંચી ચલી આયી ?” પણ સલમાના મુખ પર ઉદાસીના ભાવ વર્તાતા હતા.એણે રહીમને બાજુમાં લઇ જઇને કહ્યું,“મારા પાકીટમાંથી હજાર રૂપિયા ગયા. લાગે છે શોએબ જ ચોરી ગયો. રાત્રે તો મેં મૂક્યા હતા.પછી કોઇ આવ્યું પણ નથી. સાવ નફ્ફટ ને લુચ્ચો. બહેનનું પાકીટ મારે ? અલ્લાહથી પણ નથી ડરતો એ કમીનો ? ” રહીમ વિચારે ચડી ગયો. સલમાની વાત તો સાચી જ હતી. બીજું તો કોઇ આવ્યું જ ન હતું. શોએબ આવું કરે ? “ના.ના. મારૂં મન જરાય નથી માનતું. તું શાંતિ રાખ, આપણે પહેલા ઘરમાં બધે જોઇ લઇએ. કદાચ તારાથી આડાઅવળા મૂકાઇ ગયા હશે. પહેલા સરસ ચાય પી લઇએ પછી જઇએ.” રમેશને લાગ્યું કે સલમાભાભી કંઇક ગડમથલમાં છે પણ પૂછવું યોગ્ય ના લાગ્યું. ચા પીને છૂટા પડ્યા.

રસ્તામાં રહીમ વિચારવા લાગ્યો.શોએબ ખૂબ ખાનદાન છોકરો છે. એ આવું નીચ કામ ના કરે. તો રૂપિયા લીધા કોણે ? ઘરે આવી બધું તપાસી જોયું, કબાટ ,ખાનાં,કેબીનેટ વગેરે પણ પૈસા ન મળ્યા. સલમા રડવા લાગી. “મેં કેટલી કરકસર કરી બચાવ્યા હતા આ રૂપિયા. હાથે કામ કરીને બચાવું છું તાકી કયારેક ખુદા ના કરે કોઇ બિમારી આવે તો સંકટ સમયે આપણને કામ લાગે.આ મહિને હજાર રૂપિયા બચ્યા હતા. ત્રણ મહિના પહેલાં તમને ટાઇફોઇડ થયો હતો ત્યારે આવા બચાવેલા રૂપિયામાં થી તો તમારી દવા,ફળ,ડોક્ટરનો ખર્ચો નીકળ્યો હતો. બોલતાં બોલતાં હીબકાં લેતી હતી સલમા.

રહીમ એક સામાન્ય કારકુન તરીકે નોકરી કરે. ખૂબ સાધારણ પરિસ્થિતિ, ૫ હજાર રૂપિયા નો પગાર.એમાં વહેવાર, તહેવાર,ઉજવણી બધું જ પુરૂં પાડવું પડે.સલમા ખૂબ સમજુ પત્ની. એ હાથે કામ કરે, અંધ સસરાને પ્રેમથી સાચવે. નણંદને ખૂબ સરસ રીતે પરણાવી. સલમા અને રહીમનાં લગ્નને ૧૫ વર્ષ વીતી ગયાં.તેઓ સદાય બધી પરિસ્થિતિમાં ખુશ રહે પણ એક દુખ સદાય એમને કોરી ખાય. તેઓને સંતાન ન હતું.સલમાને આ વાતથી દિલમાં અધૂરાપણું લાગે. મનમાં માતૃત્વની ઝંખના સળવળતી રહે. ઘણી બધી મન્નત માની, ઘણા બધા ત્યાગ કર્યા ખુદાને રીઝવવા. પણ જાણે એની કોખ સૂની રાખવાનું વિધાતાએ નક્કી કરી લીધું હતું. રહીમને રૂપિયા ગયા,એનું દુઃખ તો ખૂબ થયું, પરંતુ વિશેષ દુઃખ એ થયું કે સલમા ખૂબ રડશે, કેટલો જીવ બાળશે ?એ પૈસા જમા કરતી તો પણ મારાને અબ્બા માટે જ ને ? આવી સ્ત્રીની આંખનું એક આંસુ લાખ લાખ નિસાસાભર્યુ હોય. રહીમ આ ઉદાસ ચહેરે નોકરીએ ગયો. આ બાજુ રમેશ અને ચારૂ ખૂબ પરેશાન હતા. “એવું શું થયું કે સલમાભાભી આમ હાંફળાં-ફાંફળાં આવ્યાં હતાં ? જરૂર કંઇક મોટી વાત હશે. તમે સ્કૂલ જતાં પહેલા રહીમભાઇને મળતા જજો ને. મનને થોડી શાંતિ થાય.” “હા ચારૂ હું પણ એવું જ વિચારતો હતો. હું એને મળતો જઇશ. અને હા.આજે પોસ્ટનું રીકરીંગ પાકે છે, એ રૂપિયાથી તારા દાગીના છોડાવી લઇશું.” ચારૂની આંખમાં ચમક આવી ગઇ.રમેશ ગયા પછી વિચારે ચઢી ગઇ. રમેશનો એક શેર એને ખૂબ ગમે “ગમ કી ધૂપ, ખુશી કી છાંવ હૈ જિંદગી. રોશન સવેરા ઉદાસી કી શામ હે જિંદગી. જો મિલા ઉસમે બેપનાહ ખુશીયાં સમેટ લો, વરના રોજ નયે જખ્મ દેતી હે જિંદગી.” આ વાત જીવનની ફિલસૂફી રજૂ કરે છે ને? ઠીક ઠીક આવકમાં પણ ખૂબ સરસ રીતે જીવતું આ યુગલ,ખરેખર જિંદગીને ચેલેન્જ કરે છે,એવું કહી શકાય. ઘરમાં ૧૨ વર્ષની અપંગ દીકરીને જીવથી વધુ સાચવી લેતા આ પતિપત્નીએ દીકરીની દવા કે ચાકરીમાં કોઇ કસર ન રાખતા.ઘણા બધા ડોક્ટરોને દેખાડ્યું.જુદા જુદા અભિપ્રાય આવતા.કોઇ કહે ઓપરેશનનો ચાન્સ લેવાય,પણ કોઇ જ ગેરન્ટી નહીં. તો કોઇ ડોક્ટર ફિઝીયોથેરાપી કરાવવની સલાહ આપે.અમુક ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું કે પથારીમાં સૂતાં સૂતાં જીવન જીવશે આ છોકરી.મા બાપે ઓપરેશન કરાવવાનું નક્કી તો કર્યું પણ રૂપિયા કયાંથી ભેગા થાય ? ચારૂએ એના દાગીના ગીરવે મૂકી દેવા કહ્યું. પણ આપણી પરીનું ઓપરેશન તો કરાવીશું જ. દાગીના નહીં પહેરૂં તો કદાચ આબરૂ જ જશે ને ? પણ મારી લાડલી ચાલતી થશે તો મારૂં જીવન ધન્ય થઇ જશે.આવી રૂપાળી, નમણી દીકરીને પથારીમાં પડ્યા રહેવાનું ?ખૂબ હિમ્મત કરી ઓપરેશન કરાવ્યું પણ જરા પણ ફાયદો ના થયો.દીકરીના માથે હાથ ફેરવતાં ચારૂ મનમાં બોલી પડી “મારી વહાલી,તારી હિમ્મત ને સહનશક્તિને હું સાષ્ટાંગ પ્રણામ કરૂં છું. મારી જ કૂખમાં કોઇ ખામી હશે, જે તું ભોગવે છે. હું તારી ગુનેગાર છું. તારી લાગણી હું તારી માસુમ આંખોમાં જોઇ શકું છું. ભલે તું બોલી નથી શકતી પણ તારા મનની સઘળી વાત આ મા પોતાના હ્ય્દયમાં અનુભવે છે. મને માફ કરજે મારી પરી. મા તરીકે હું કેટલી લાચારી અનુભવું છું, એ કદાચ મારો ઇશ્વર જ જાણે છે.

“ચારૂ ઓ ચારૂ.” આંખના આંસુ લૂછતી વિચારોમાંથી બહાર આવી પ્રત્યુત્તર આપ્યો.“આવી. બોલો શું થયું ?કેમ પાછા આવ્યા ?” “હુ રહીમને મળવા ગયો હતો.એણે બધી વાત કરી સવારની.કહી રમેશે ચારૂને વિગતવાર વાત કહી. ચારૂ, તું સલમાભાભીનો સ્વભાવ જાણે છે ને ? પૈસા ગયા એ બહુ મોટી વાત નથી, પણ એ બચાવેલા પૈસા સાથે એમની લાગણીઓ સંકળાયેલી હતી. હજાર રૂપિયા એવી મોટી રકમ નથી જેનો આટલો શોક મનાવવાય.પણ કોઇ ચોરી જાય એ વધુ દુઃખ થાય, માંગી ને લઇ જાય એના કરતાં.” ચારૂ વિચારમાં પડી ગઇ ચાર પાંચ દિવસ પહેલા સલમા એને બજારમાં મળી ગઇ હતી. એ થોડી ઉદાસ લાગી એટલે સહજભાવથી મારાથી પૂછાઇ ગયુ “શું વાત છે સલમાભાભી.કોઇ મૂંઝવણમાં છો ?” “શું કહુ ચારૂભાભી, આમનો મોતીયો પાકી ગયો છે. ડોક્ટરે તાત્કાલીક ઓપરેશન કરાવવા કહ્યું છે. ભલે સરકારી હોસ્પીટલમાં કરાવી લઇશું. પણ એમને સારૂ ખવડાવીને સ્વસ્થ તો રાખવા જ પડે ને ? શીરો ખવડાવીશ,ફળો ખવડાવીશ.ખૂબ સાચવી લઇશ.પણ એ માનતા જ નથી.આવતા મહીને આવતા મહીને કહીને ટાળ્યા કરે છે.મે એટલા સારૂ જ તો હજાર રૂપિયા બચાવ્યા છે.તાકી હવે પૈસાથી કામ ન અટકે.બસ એ માની જાય એટલે ખુદાની મહેરબાની.” ચારૂએ આશ્વાસન આપતા કહ્યુ,“એમના દોસ્તની વાત તો માનશે જ ને ?અમે મનાવવા આવીશું.” આમ વાત થઇ પછી સીધા આજે મળ્યા રહીમભાઇ ને આવા સમાચાર આપ્યા.હું જ સલમાની વેદના સમજી શકું. કેટલી મહાન છે એ સ્ત્રી. પતિ માટે તો આટલી કરકસર કરી ભેગા કર્યા હતા એ રૂપિયા. “ચારૂ.તું પાછી ક્યા વિચારે ચડી ગઇ? ચલ હવે હું સ્કૂલ તરફ જાઉં? ટીચર મોડા આવે એ કેમ ચાલે ?” બપોરે ચારૂ કામ પતાવી દીકરી પરી સૂઇ ગઇ પછી સલમાને મળવા ગઇ.ઉદાસ સલમા સાથે ઘણી બધી વાત કરી, સાથે ચા પીધી. સલમાને થોડી રાહત લાગી ચારૂના સમજાવ્યા પછી. સલમા વચ્ચે એના સસરાને ચા પણ પીવડાવવા આવી. બન્નેએ ખૂબ વાતો કરી.ચારૂને યાદ આવ્યું કે પરી ઊઠી ગઇ હશે.એની માસૂમ આંખો મને શોધતી હશે.એ ઊભી થઇ ચારૂની રજા લઇ ઘરે ગઇ. દરવાજો ખોલતાં જોયું કે પરી જાગી ગઇ હતી. ચારૂને જોઇને જાણે પૂછતી હતી “મમ્મી તું ક્યાં ગઇ હતી ?”ચારૂ એના માથે હાથ ફેરવતાં બોલી “પરી.આજે સલમા આન્ટીને થોડું સ્મિત આપી આવી. મારી સાથે વાતો કરી એનું મન ઘણું હળવું થયું.સારૂ કર્યુ ને રાજા?” પરીએ ડોકું હલાવી “હા” કહ્યું. સાંજે રહીમ ઘરે ગયો ત્યારે સલમા રસોઇ બનાવતી હતી. રહીમ એની પાસે જઇને બોલ્યો “જો સલમા. જીવ ના બાળીશ. ગયા તો ગયા પૈસા.જેણે લીધા એની પણ કોઇ મજબૂરી જ હશે ને ?” સલમા સ્વસ્થ થઇને બોલી “તમારી વાત સાવ સાચી છે. આજે ચારૂભાભી આવ્યાં હતાં, એ પણ મને આજ સમજાવતાં હતાં. ચાલો કાંઇ નહી.અલ્લાહ સૌનું ભલું કરે.” કહી કામે વળગી ગઇ. રાત્રે સૂતાં પહેલાં ચાદર ઝાપટવા ગાદલું ખસેડ્યું, તો એણે જોયું કે ત્યાં ૫૦૦રૂા.ની બે નોટ પડી હતી.એણે બૂમાબૂમ કરી મૂકી,“મળી ગયા મારા પૈસા. ખુદા તારો લાખ લાખ શુકર માનું છું. અરે રે રૂપિયા અહીંયા મૂકાઇ ગયા હશે ને હું ભૂલકણી કયાં કયાં શોધતી રહી.રબ મને કદીય માફ નહી કરે, મેં શોએબ વિશે કેવું કેવું વિચાર્યુ? મને માફ કર ખુદા.” રહીમ પણ ખુશખુશાલ થઇ ગયો. બન્ને જણા ખુશખબરી આપવા રમેશને ત્યાં ગયા. રમેશ અને ચારૂ પણ અત્યંત ખુશ થયા. “હવે મોતીયાનું ઓપરેશન વેળાસર કરાવી લો રહીમભાઇ.” ચારૂએ ટકોર કરી. અઠવાડિયા પછી ઓપરેશન ની તારીખ આવી. ખૂબ સરસ રીતે ઓપરેશન પતી ગયું. ૧૦ દિવસની રજા લઇ રહીમે ઘરે આરામ કર્યો. સલમાને તો જાણે પોતાની કોઇ ગમતી વસ્તુ મળી ગઇ હોય એટલો આનંદ થયો. પતિને આરામ કરતા જોઇ, એ મનમાં ખુદાનો આભાર માન્યા કરતી. મારી સાચી લાગણીથી ભેગા કરેલા રૂપિયા મારા પતિના સ્વાસ્થ્ય માટે વપરાયા. આમ સમય વીતવા લાગ્યો. ઇદ નજીક આવવાથી સલમાએ ઘરની સફાઇ શરૂ કરી.કબાટમાં એક ડબ્બી જોઇ ને યાદ આવ્યું કે આમાં તો શોએબે આપૅેલ તાવીજ છે. અબ્બાને પહેરાવી દઉં. ડબ્બી ખોલી તો હેબતાઇ ગઇ.તાવીજ સાથે અરે આ પૈસા ? તો પછી પેલા પૈસા કયા ?મને દુઃખી જોઇને રહીમે કોઇ પાસેથી ઉછીના લાવીને મૂકી દીધા હશે. એણે રહીમ ને સોગંદ આપીને સાચુ કહેવા કહ્યું.રહીમે કહ્યું, “સલમા,મેં એવુ કાંઇ જ નથી કર્યુ. આટલું સ્વમાનથી જીવતા આપણે, કોઇ પાસે ઉછીના લઇને આપણા જ મન થી ઊતરી ના જઇએ ?” “તો પછી એ રૂપિયા આવ્યા કયાથી ?” મન અશાંત બની ગયું. શું થયું આ બધું ?કંઇ જ સમજાતુ નથી. અચાનક એના મનમાં કંઇક વિચાર આવ્ય. એ તૈયાર થઇ ચારૂના ઘરે ગઇ.ચારૂ દીકરીને કોળીયા ભરી જમાડતી હતી.સલમા ચારૂના પગે પડી ગઇ.ચારૂ આશ્ચર્ય માં પડી ગઈ. “આ શું કરો છો સલમાભાભી ?” સલમા ત્રૂટક ત્રૂટક સ્વરમાં બોલી, “તમે કઇ માટીના બનેલા છો ?બીજાની મૂંઝવણના માર્ગદર્શક બની પોતે પોતાની મહાનતા છુપાવવો છો ?તમે આ સ્વભાવથી જાણે સુંદર રંગોનું ધનવાન નજરાણું અર્પણ કરો છો.મારા આંસુઓને સમજી મારા પર અમીદૃષ્ટિ પાથરતો તમારો દિવ્યતેજ ફેલાવતો લાગણીશીલ ચહેરો આજે મારા પતિને સ્પષ્ટ દૃષ્ટિ આપી ધન્ય કરી ગયો.તમે ચૂપચાપ પૈસા મૂકીને જતા રહ્યા. ને હું નિગોડી સમજી કે મારા ખોવાયેલા પૈસા મળી ગયા. આજે મારા પોતાના પૈસા મળી જતાં મને ખ્યાલ આવ્યો કે તમે આ મહાન કામ કરી ગયા ને મને અણસાર સુદ્ધાં ના આવા દીધો. માનવતા હજી જીવિત છે.લોકોમાં એ તમે સાબિત કરી બતાવ્યું. સ્ત્રીની મહાનતા કદીય અંકાતી નથી. મહાનતા સુંદર મનનું બાહ્ય સ્વરૂપ જ છે ને ? ધન્ય છે તમારા જેવી સ્ત્રી ને.” કહેતાં કહેતાં હજાર રૂપિયા પાછા આપી નીકળી ગઇ. સલમાના ગયા પછી દીકરી પરી સામે જોઇ ચારૂ બોલી, “જોયું પરી ? સલમાઆન્ટી માટે એ હજાર રૂપિયા કેટલા કિંમતી હતા ? રહીમ અંકલનું ઓપરેશન અટકી જાત ને પૈસા ના મળ્યા હોત તો ? હવે તું જ કહે કે જો મેં જઇને હજાર રૂપિયા મૂકી દીધા, તો કઇ મોટી મહાનતા કરી ?એમના વીખરાયેલા સપનાને મેં સમેટ્યું એમા મેં શું મહાનતા કરી? મારી જગ્યા એ તું હોત તો આવું જ કરત ને રાજા?” દીકરીના આંસુથી ઓશીકું ભીંજાઈ ગયું. એ ટગર ટગર એની મમ્મીને જોતી રહી. જાણે મનોમન બોલતી હોય, “મમ્મી તું હંમેશાં તારી કૂખને દોષ દેતી હોય છે ને , મારી આ પરિસ્થિતિ માટે ? આજે મને ગર્વ થાય છે કે હું કેટલી નસીબદાર છુ ,કે આ માના કૂખેથી મેં જન્મ લીધો. બોલ રાજા તુ પણ આવુ જ કરત ને ? જવાબમાં મીઠું મધુર સ્મીત આપી પરી એ ડોકુ હલાવી “હા” કહ્યું. ચારૂએ એને બાથમાં ભીડી લીધી.એના મનને એક અનોખી રાહત મળી.આજે એના પતિએ લખેલી એક શાયરી સાંભરી,

“રીશ્તે બડે નહીં નીભાનેવાલે બડે હોતે હૈ.

ખુશી બડી નહી,દેનેવાલે બડે હોતે હૈ.

જીંદગી તો હર મોડ પર ઇન્સાન કો અજમાતી હૈ.

કુછ પાકર નહી, કુછ ખોકર ભી મુસ્કુરાનેવાલે

બડે હોતે હૈ.”

૯. કવિતા

તારા નિર્દોષ રૂપને ભૂલી નથી શકતો,

છબી તારી છે હાથમાં પણ સ્પર્શી નથી શકતો,

તારા મહેંકતા કેશની ખૂશ્બુુ છે મારા રોમ રોમમાં,

તારા પ્રેમની મદિરાના જામ તારા નામ પર

કુર્બાન કરી નથી શકતો.

હમેંશા માટે તને અપનાવવા માંગુ છું મારા જીવનમાં,

બંધ તકદીરનું તાળું તારા સહારા વગર ખોલી નથી શકતો.

ફૂલ ખીલ્યાં છે ઉપવનમાં

તમારાં પગલાં થવાને કાજે..

ડાળીઓએ ગરદન ઝુકાવી છે..

પવન કૂંપળોની છેડતી કરે છે.

સાચેસાચ તમારા નયનની અસર થઇ ગઇ

હ્ય્દયનાં મંદિરમાં તમારી સુરત વસી ગઇ છે..

રૂઆબભેર આવ્યા છે, પ્રિયે...

તો રોકાઇ જાઓ ને બે ઘડી..

એકમેકમાં સમાઇ જવાની મીઠી આસ...

મનમાં સળવળી ગઇ...

જોકે રૂપનું તેજ તમારૂં ચારેકોર ફેલાઇ ગયું ને

જાણે તમને નિહાળતાં જન્નતની સૈર થઇ ગઇ..

રાત્રીના આછા અંધકારમાં

છમ છમ ચાલ્યાં આવ્યાં તમે...

ચંદ્રના તેજ સમું રૂપ તમારૂં દીઠું ને

મનમાં ને મનમાં મીઠડાં લીધાં અમે..

લાગણીઓ પર અંકુશ રાખવો

બહુ લાગે છે કપરો

હાસ્ય તમારૂં જોઇ તરબોળ થઇ ગયા અમે...

ઉડતી લટોને બાંધી રાખો પ્રિયે...

હુસ્ન આવું નશીલુું જોઇ ઘાયલ થઇ ગયા અમે...

સ્વર્ગની અપ્સરાનાં જાણે સાક્ષાત દર્શન થયાં

ભાગ્ય પર પોતાનાજ ફીદા થઇ ગયા અમે...

તારા વગર દુનિયા ઉદાસ લાગે છે,

પૂનમની પ્યારી રાત પણ અમાસ લાગે છે,

રીઝાવી ના શકી છતાંય પામવાની આસ લાગે છે.

દિલની વ્યથાથી ચિનગારીનો ભડકો થવાની બીક લાગે છે,

જિંદગી ગુજારી છે દર્દની છાયામાં

હવે તો ખુશીની કલ્પનાથી મોત પણ

જિંદગીથી અધિક લાગે છે.

મને આરજુ નથી હવે મહેકતા ચમનની,

તારી એક ઝલક દેખું તો વિરાન ગુલશનમાં બહાર લાગે છે.

મુજ સાથ રહે,માનું તારો આભાર

મુજ દર્દ તું અનુભવ, આપું સ્નેહ અપાર...

તન મન ધન તને સોપું, બન તું એનો રખેવાળ

વિશ્વાસનો આ ભંડાર અતિ મૂલ્યવાન,તું લે તેની સંભાળ..

તારા પ્રેમી હાથમાં રહું, તો મળશે સ્વર્ગ નો હર્ષ..

આહા...કેવી શીતળ હૂંફ, જાણે જાદુઇ સ્પર્શ..

બનું તારી દાસી, ને ભવોભવનો સાથ માંગું

હક આપ બસ આટલો, તો ઇશ્વરનું પણ મેણુ ભાંગું...

કોણ કહે છે પ્રેમનો પુર્નજન્મ નથી થતો ?

કોણ કહે છે પ્રેમનો પુર્નજન્મ નથી થતો ?

જનમોજનમ આપ્યાં છે પ્રેમે સંભારણાં,

એમજ ઇતિહાસ તાજો નથી થતો...

ચાલો આ સંબંધને કોઇ નામ આપીએ...

દુનિયાને પ્રેમની ગહરાઇનું પ્રમાણ આપીએ..

લાગણીથી ગૂંથાયેલ માળાનાં મણકા કેરા

સ્નેહની દાસ્તાન કહીને...

પથ્થરદિલ સમાજને મીણ બનવા

એક ફરમાન આપીએ....

સ્વીકારવો જ રહ્યો,સાચો પ્રેમ લોકોએ..

સદાય માટે,ઝાલી એકમેકનો હાથ

આ સંબંધને સમ્માન આપીએ...

નથી જાણવું દર્દ તમારૂં, નથી બનવું હમદર્દ તમારૂં..

દગો દઇને દવા ના મંગાય

કોઇ ની લાગણીઓ થી આમ ના રમાય

લો દફનાવી દીધો આ સંબંધ અમે..

બેવફાઇની ગહેરાઇના પ્રમાણ લઇ લીધા અમે..

સુંદર સ્વપનાંને ટૂટતા જોઇ લીધા અમે...

હવે તો મોતની વાટ જોતાં, જેમ તેમ જીવી લઇએ છીએ અમે..

મા - બાપ

તમ વિરહનું દુઃખ અસહ્ય થાય છે,

અમ જીવન પર અંધારાં પથરાય છે..

મનડું મુંઝાય ને હૈયું ડુમે ભરાય છે,

તમ ગુણોની ગુણમાળા અમ અંતરે અંકાય છે..

જીવનમાળાના રખેવાળ વગર,બાગ હવે મુરઝાશે,

માતાપિતા વગર આ વૈભવ જોતજોતામાં કરમાશે..

કાંટાળા જીવનમાં દર્દ ભૂલવા કોનો ખોળો મળશે ?

જીવનની આ મહામૂલ્ય મૂડી કયા ઠેકાણે મળશે ?

ભવોભવ જન્મ લઇને પણ એમનું ઋણ નહીં ચૂકવી શકીએે,

મનમંદિરમાં આવું સ્નેહભર્યું સ્થાન બીજા કોને અપાશે ?

મસ્તક નમાવીને નમન કરીએ છીએ હાર ચડાવેલી તસ્વીરોને,

હાજરી તમારી હમેૅશા અમ સાથે રહેશે, તો જીવન અમારૂં સુખદ કપાશે

સમજો કર્મનું ચક્ર, એના અટલ નિયમ,

બંધુ....કરમની ગતિ ન્યારી..

કર્મને ના નડે કોઇ શરમ,

કર્મનું ફળ અહીંયા જ ભોગવવું પડે છે..

રાજા દશરથે પણ પુત્રવિયોગ સહ્યો..

કર્મએ ના છોડી સતી સીતાને પણ

દેવી પડી અગ્નિપરીક્ષા, ને સમાઇ ગયા ધરતીમાં....

એટલે જ ધર્મ કહે છે...

સત્કાર્યો તથા પ્રભુનું સ્મરણ કર

ના કર નિંદા, બુરાઇ, વ્યભિચાર,

સંતોષરૂપી સંપત્તિ મેળવવા...

દ્રઢ વિશ્વાસપૂર્વક ઇન્દ્રિયોને વશમાં કર...

ચાર હાથે કમાઓ ધન પણ

બે હાથે દેજો દાન

રહે કોઇ આલીશાન મહેલમાં

તો નથી કોઇને નાના ઝૂંપડાંની હૂંફ

ખાઇએ છીએ છપ્પન ભોગ કેરા પકવાન

નથી મળતું કોઇકને એક ટંક ધાન...

આપ્યું છે ઇશ્વરે ધન અઢળક,

તો દયા કેરા ભાવ બીજા માટે રાખજો...

આપશો એના કરતાં બમણું પામશો..

પુણ્યના ચોપડામાં જમા બાજુ રહેશો..

જિંદગી મહેકાવજો બનીને ધૂપસળી

અંતરાત્મા કહેશે..

“અહો ...મારી જિંદગી ફળી...

દ્વાર ઉઘાડાં રાખી

આવકાર આપ આવનાર સમયને...

મનુષ્યભવ મળ્યો છે આ જન્મમાં

ખોટ તારી મૂકી જા સત્કર્મો કરીને..

ધન્ય થાય તારૂં જીવતર જો

સંસાર સાગર પસાર કરે પુણ્ય કરીને..

આશા બન નિરાશાસભર લોકોની...

ના જીવ લોકોથી ડરીને...

કોઇ કોઇનું નથી,આત્મા જ આપણો છે..

માનવજન્મ પામ્યો છે

ચોર્યાશી લાખ યોનિમાં ફરીને...

ખુશનુમા સવારમાં ચારે તરફ છવાયેલું ધુમ્મસ છે...

સીંચાયેલા સૂરજદાદા છુપાઇ ગયા છે...

શીતળ ઠંડી સાથે લહેરાતા પવન

પણ...આજે મસ્તીમાં છે..

કેવો અહેસાસ આપે છે આજનું વાતાવરણ

જાણે મોસમમાં પણ પ્રેમનો જાદુ છવાઇ ગયો છે....

પ્રેમથી બાંધ્યા સુંવાળી દોરી થકી બંધન

નિભાવાનો ભાર તમ માથે મૂકી જાઉ છું..

ચાર દિવસની ચાંદની સમા આ જીવનમાં

કોઇના અંતરના આપેલ આશિષ લઇ જાઉ છું....

પ્રિયે ...મારા હેૈયામાં રહેજો સદાય ધબકતા

વિશ્વાસ તણી આળ અને પંપાળ મૂકી જાઉ છું...

મન રે રહ્યું માયાવી સ્વાર્થની છાયા

તારા અલબેલા દીદાર રોેમે રોમમાં લઇ જાઉ છું...

મારી યાદોને તારી પડખે ભેરૂરૂપે મૂકી જાઉં છું...

સાથે જોયેલાં સુંદરશમણાંની મહેંક

સાથે લઇ જાઉ છું...

વહાલા મારા હૈયામાં રહેજે સદાય

હાથમાં હાથ રહેના રહે...દિલમાં સ્નેહ રાખજે સદાય...

સ્વપ્નનગરીની દુનિયાના ઝાકમઝોળમાં ભલે ખોવાય...

એક મીઠી યાદ મારી રાખજે સદાય...

પૈસા પાછળની દોટ ના : ખૂબ આગળ ભલે જા..

એક ખિસ્સામાં મારો ફોટો રાખજે સદાય..

થાકીને સંસારની પળોજણથી દૂર જવા ઇચ્છીશ..

ત્યારે એક દોસ્તની ખોટ હું પૂરીશ સદાય..

માયાના કાદવમાં, મોહની મદિરામાં તરબોળ હશે તન મન..

સમયના આવા ચક્રવ્યૂહમાં મારો વિશ્વાસ પામીશ સદા.

મનમા શું મલકાય માનવી.

રોજ તારી આવરદા ઓછી થાય....

તારી એક-એક પળ છે લાખની

તુ મૂકી દે માયા સ્વાર્થી સંસારની

કાળાં ધોળાં ખૂબ કર્યાંર્,ખૂબ કમાયા નાણાં

મૂકીને જવું બધું ખાલી હાથે

આવી સાહયબી શું કામની ?

બિમારી મારે રિબાવી રિબાવીને

પછી મખમલી સેજ શું કામની ?

અરે રે.. તારે જીવવું થોડું ને આટલી જંજાળ ?

સાચું સુખ જાણ્યું નહીં તો આ જિંદગી શું કામની ?

ખૂશ્બુની ખેવના કાજે ગુલાબ ભલે ચૂંટો....

પણ કંટકની ચૂભન તો સહન કરવી જ પડશે....

જીવન મહેકાવવા પ્રણયના પાઠનો અભ્યાસ ભલે કરો

પણ એને સાબિત કરવા દરેક ઇમ્તિહાનમાં

પાસ તો થવું જ પડશે.....

આત્માનો અવાજ તો અંતરથી સંભળાય છે....

તો બાહ્ય શિખામણ શા સારૂ લેવાની ....

ધાર્યું તો સૌ પોતાના મનનું જ કરીએ છીએે....

તો સમ્યક દર્શનની ચાહ શા માટે કરવાની ...

પાપ પુણ્યની વ્યાખ્યા તો આપણે જ નક્કી કરીએ છીએ,

તો સાચી સમજણ સાચી રૂચિ વગર શા માટે લેવાની ...

બિસ્તર પર સૂતાં સૂતાં

ખૂબ ઊંડા વિચારોમાં હતા આજે પપ્પા

આંખોના ભીના ખૂણે

ઘણી અનકહી વાત છુપાવતા હતા પપ્પા

માંદગીએ મારી સાથે ખૂબ લીધી ટક્કર

પણ આવી સેવા પામી ધન્ય થયું મારૂં જીવતર

ખડે પગે દીકરાઓને ઊભા રહેતા જોઇ

મારી વહુઓ એ પણ ના કરી પાછી પાની

કોઇક વહાલથી કોળીયા ભરાવે

તો કોઇ પગ માથું દબાવે ...

મારી આવી અમૂલ્ય મૂડી મૂકી

મારે શું કામ જવું ?

ખૂબ પ્રેમાળ કુટુંબ આપ્યું છે ઇશ્વરે

હસતા હસતા દર્દ ભૂલીને જીવવું છે...

મારા માટે નહીં તો

મારા લાડલાઓ માટે ....

છત્રછાયા બનીને રહેવું છે.......

પ્રથમ નજરે જીગરમાં સમાઇ ગઇ તુંં,

બીજા મિલનની કલ્પના માત્રથી બેકરાર કરી ગઇ તું.

તને મળવાના આનંદથી હોઠને સુધા મળે છે,

મારી લાગણીઓના તાર તાર છેડી ગઇ તું.

તારા બેપનાહ રૂપને શું ઉપમા આપું,

એ તો કહે વહાલી ?

પ્રણયમાં ડુબી ગયો છું તારા, મારી જાન બની ગઇ તું.

કસમ છે તને મારા પ્રેમની, જાનમ

તારા પ્રેમમાં જીવ આપી દઇશ, અગર રીસાઇ ગઇ તું.

કયાં સુધી રહીશ આમ નશામાં ?

સદાય મુફલિસની દશામાં ?

લગાસને આ વ્યસનોની પાંખો...કેટલું ઊડીશ આમ હવામાં ?

કરતો નથી ફિકર તારા ઘરવાળાની ...

ન સમજે તારી ફરજ કે જવાબદારી ...

નીકળી પડ્યો રાહ પર બરબાદીની ...

ડૂબતો નથી તું એકલો આ વ્યસનમાં....

કુટુંબ આખું તારૂં હોમાય છે ટેન્શનમાં ...

આવીને નશામાંથી બહાર વિચારી તો જો...

બંધ આંખો ખૂલી જશે પળભરમાં....

અમૂલ્ય જીવન આમ ના વેડફ તું....

કરી લે નિશ્ચય પાછો ફર હકીકતમાં

મખમલી સેજ માણ આ જિંદગીની તું.....

પ્રેમનું દરેક ટીપું પામીશ તારા રોમેરોમમાં...

“ મનગમતો રંગ ઘૂંટી લઉં,

લાવ મનગમતો સંગ ચૂંટી લઉં.

આકાશી સપનાઓના મેધધનુષની,

એક સપ્તરંગી પળ લૂંટી લઉ.”

“ જીવન નો એક સાચો સરળ મર્મ

હું શું છું ? ને હું શું નથી ?”

“ મા - બાપે રાત દિવસ હિચોળ્યા ઘોડિયાં

તારી નીંદર કાજે,

તું એમને મૂકી આવ્યો ઘરડાઘર,

તારી સ્વતંત્રતા કાજે.”

“ લાખ દુ :ખોની બસ એક જ દુઆ.

તમ જનેતાની ના લેશો કદી બદદુઆ.”

“ બધા દુઃખી મનુષ્ય સાચા નથી હોતા.

સાચા હોય એ કદી દુઃખી નથી હોતા.”

“ જીવન ની બે પળ ખૂબ કઠિન હોય છે.

દુશ્મનને પામ્યા બાદ, મિત્રને ખોયા બાદ.”

“ કયારેક દોસ્તી કહીશું,કયારેક બંદગી કહીશું,

તારા જેવા મિત્રને અમે જિંદગી કહીશું.”

“ બરફ જેવું શીતળ જીવન, હૂંફાળું થઇ ગયું.

અનાથોના પ્રેમથી અંતરમાં અજવાળું થઇ ગયું.”

“જેની ઝંખના કરો, એ કદી મળતા નથી,

સાથ છોડી જનાર, કદી પાછા ફરતા નથી.”

“ખુશી કયાંક તો કયાંક ગમ પણ હોય છે.

ક્યાંક વાગે શરણાઇ તો ક્યાંક માતમ પણ હોય છે.”

“ કોઇના આંસુ જોઇ, મારી પાંપણ લૂછું છું .

મારા દુઃખો છુપાવી, લોકોના હાલ પૂછું છું.”

“ શું રહ્યું છે આ સંસારમાં ?

કદીય ન થાય ઝેરનાં પારખાં.

કિસ્મત લે જ્યારે આકરી કસોટી

ત્યારે પોતાના પણ થઇ જાય છે પારકા.”

“ પોતાના દર્દની વેદના તો દર્દી જ જાણે.

વસમી વિયોગ ની વેદના તો વિયોગી જ જાણે.”

“ અંતરની ઓળખાણની ના મંગાય સાબિતી.

આંસુઓને પણ હસવું આવશે, સુણીને મારી આપવીતી.”

તું ચાંદની બનીને રોશની પાથરી જજે.

હેતના દરિયાને પ્રેમથી છલોછલ ભરી જજે.

ધારીએ છીએ કંઇક, ને થાય છે કંઇક

માંગીએ છીએ કંઇક, ને મળે છે કંઇક

આ બધું તો પુણ્ય પાપનું ચક્કર છે ભાઇ

સપનાં જોઇએ છીએ કંઇક, ને હકીકતમાં થાય છે કંઇક...

મારી યાદોને સંભારણારૂપે સાચવી રાખજો...

કયારેક એકાંતમાં બહુ કામ આવશે....

મારી વાતોને ભેટસ્વરૂપે સાચવી રાખજો....

પ્રસંગે પ્રસંગે કયારેક માણવા કામ આવશે....

મિલનની દરેક ક્ષણ ઘણી અનમોલ હોય છે....

આવી ક્ષણોની યાદોથી જીવન કયાંય પસાર થઇ જાય છે...

વેદનાની ક્ષણો ઘણી વસમી હોય છે...

આવી ક્ષણોની યાદોથી જીવન બર્બાદ થઇ જાય છે....

તને લાગણીનું હું એક ગામ આપું......

કિન્તુ આ સંબંધને શું નામ આપું ?

સંવેદનાના સ્પર્શ સાથે પ્રેમનો મહાસાગર આપું.....

કિન્તુ સુવાસને શ્વાસ સાથે જડી દે એવી ક્ષણ કયાંથી આપું ?

તારી વેરાન જિંદગીમાં મેધધનુષના રંગોની ભેટ આપું.......

કિન્તુ તારી વિંધાયેલી લાગણીઓને સમેટવા સમાજમાં શું ઓળખ આપું ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED