‘નવરંગ ભજિયાંવાળો’
યશવંત ઠક્કર
[૧]
‘હલો...કોણ બોલો છો?’
‘તમે કોણ બોલો છો?’
‘કહો તો ખરા. તમે કોણ બોલો છો?’
‘ફોન તમે કર્યો છે ને તમે મને પૂછો છો કે કોણ બોલો છો.’
‘કોણ કનકભાઈ બોલો છો?’
‘હા.’
‘તો એમ કહોને ભલા માણસ. એમાં છુપાવો છો શું કામ?’
‘છુપાવવાની કોઈ વાત નથી. ફોન તમે કર્યો છે એટલે તમે કોણ બોલો છો એ કહેવાની ફરજ તમારી છે.’
‘જે કહેવું જોઈએ એ કહેવાની ફરજ તો તમે પણ ચૂકયા છો.’
‘તમે કોણ બોલો છો? કઈ ફરજની વાત કરો છો?’
‘કેમ? તમે સાહિત્યકાર છો એ વાત અમને કહેવાની તમારી ફરજ નહોતી? આ તો છાપામાં તમારો ફોટો જોયો ને વાંચ્યું કે સાહિત્યકાર શ્રી કનકભાઈ કુરબાનીએ સાહિત્ય ધમાધમીનો અવોર્ડ પાછો આપ્યો ત્યારે અમને ખબર પડી કે તમે લેખક પણ છો. માત્ર માસ્તર નથી.’
‘પણ તમે કોણ બોલો છો એ તો કહો. સતત સંવાદ કર્યે જ જાઓ છો.’
‘હું નવલ બોલું છું. નવરંગ ભજિયાંવાળો. ટાવર રોડ પર મારી ભજિયાંની જૂની ને જાણીતી દુકાન છે. મરચાંનાં, કેળાંનાં, ટમેટાંનાં, કાંદાનાં એમ જાત જાતનાં ભજિયાં બનાવું છું. ઘરાકોની લાઈન પડે છે. તમને ખ્યાલ હશે.’
‘મને ખ્યાલ નથી.’
‘ખાતાંપીતાં રહો તો વધારે ખ્યાલ આવે. પણ મારું કહેવાનું એમ છે કે આ તમે અવોર્ડ પાછો આપ્યો એમાં કોઈ જાતની નુકશાની હતી?’
‘નુકશાની તો કશી નહોતી.’
‘તો પછી પાછો આપવાનું કારણ શું? મારે ત્યાં ગઈ સાલ નુકશાની વાળું ફ્રીજ આવી ગયું’તું. બરફ જ જામે નહિ. માથાકૂટ કરીને પાછું આપ્યું. બદલાવ્યે પાર કર્યું. તમને અવોર્ડ બદલાવીને બીજો આપશે કે નહિ?’
‘આમાં અવોર્ડ બદલાવવાનો સવાલ નથી. અવોર્ડ વિરોધ દર્શાવવા માટે પરત કર્યો છે. એ પાછો નથી લેવાનો.’
‘તમારે વિરોધ કરવાની જરૂર પડી? કોનો?’
‘સાહિત્ય ધમાધમીનો.’
‘એનું હમણાં છાપામાં બહુ ચગ્યું છે. સાહિત્યકારો સાહિત્યનુ સર્જન કરવાના બદલે સનસનાટીનું સર્જન કરવા માંડ્યા છે.’
‘અન્યાય થતો હોય ત્યાં માથું ઊંચકવું એ ખરા સાહિત્યકારોનો ધર્મ છે. સાહિત્ય ધમાધમીનો વહીવટ બરાબર નથી. એટલે વિરોધ દર્શાવવા માટે જાગૃત સાહિત્યકારો અવોર્ડ પરત કરે છે. મેં પણ એટલે જ પરત કર્યો છે.’
‘લો કરો વાત. તમારે ત્યાં પણ વહીવટના ડખા છે. કાગડા બધે કાળા. અમારી સોસાયટીમાં વહીવટમાં પણ ડખા છે. મારે નહોતું બનવું તોય મને ખજાનચી બનાવ્યો અને પૈસાનો વહીવટ મને સોંપ્યો. મારા બેટા અર્ધા મેમ્બર તો મહિને બસ્સો રૂપિયા કાઢવામાં ઠાગાઠોયા કરે. ફાળો ન આપે તો સોસાયટીનો ખર્ચો ક્યાંથી નીકળે. પ્રમુખ તો કાંઈ બોલે જ નહિ. હું જ બોલી બોલીને ભૂંડો થાઉં. એક દી મગજ ગયું તો પ્રમુખની ઘરે જઈને હિસાબનો ચોપડો પરત કરી દીધો. પણ એવા સમાચાર તો છાપામાં આવે નહિ. ફોટાની તો વાત જ ક્યાં રહી?’
‘તમારી સોસાયટી અને સાહિત્ય ધમાધમીમાં આભ જમીનનું અંતર છે. અત્યારે સાહિત્ય ધમાધમીમાં સ્થાપિતો ઘૂસી ગયા છે. એમને હટાવવા છે.’
‘ગમે તેમ તોય વાત તો વહીવટની જ ને? પણ મારું કહેવું એમ છે કે જો સાહિત્ય ધમાધમીનો વહીવટ બરાબર નહોતો તો તમને અવોર્ડ મળ્યો કેવી રીતે? ના પાડી દેવી’તીને. એ વખતે તમે જાગૃત નહોતા?’
‘મને અવોર્ડ મળ્યો ત્યારે વહીવટ કરનારા બીજા હતા એટલે મેં સ્વીકાર્યો હતો. એ લોકો સારા સાહિત્યની કદર કરનારા હતા એટલે જ મારા પુસ્તકની કદર થઈ હતી.’
‘વાહ! તમારા પુસ્તકની કદર થઈ એટલે તમને સારા લાગ્યા. જેમનાં પુસ્તકની કદર નહિ થઈ હોય એમને તો એ ખરાબ જ લાગ્યા હશેને?’
‘બની શકે છે. પણ મારું પુસ્તક તો ખરેખર અવોર્ડને લાયક હતું.’
‘કયું પુસ્તક?’
‘સંભાવના વિભાવના’
‘અઘરું નામ છે. પહેલી વખત સાંભળ્યું.’
‘તમારા જેવા લોકો માટે મારું પુસ્તક પણ અઘરું છે. સમજ ન પડે એવું.’
‘વાંચ્યું જ નથી તો ખબર પડવાની વાત ક્યાં રહી? તમારે વાંચવા તો આપવું જોઈએને?’
‘મારી પાસે એક જ નકલ બચી છે. એ હું કોઈને આપતો નથી.’
‘તો વેચાતું તો મળતું હશેને? વેચાતું લઈ લઈશ. એમ માનીશ કે બે કિલો ભજિયાં નહોતાં વેચ્યાં. આપો દુકાનનું સરનામું.’
‘એ પુસ્તક બજારમાં અપ્રાપ્ય છે.’
‘એટલે?’
‘કોઈ દુકાને નહિ મળે. જાહેર પુસ્તકાલયમાં તપાસ કરો તો મળી જાય. પણ વ્યર્થ મહેનત ન કરતા. તમને એ પુસ્તકમાં સમજ નહિ પડે. સાહિત્ય તમારો વિષય નથી.’
‘સાહિત્ય ભલે મારો વિષય ન હોય. પણ મને રસ ખરો હો. ઝવેરચંદ મેઘાણીનાં બધાં પુસ્તકો વાંચ્યાં છે. કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, રમણલાલ દેસાઈ, ગુણવંતરાય આચાર્ય, ચંદ્રકાંત બક્ષી, એ બધાયનાં પુસ્તકો મને સમજાયાં છે. પણ તમારું પુસ્તક એ બધાંય કરતાં ઊંચા માઈલું હશે.’
‘તમે હજી જૂના જમાનામાં જીવો છો. વર્તમાન સાહિત્યના પ્રવાહથી તમે અલિપ્ત છો.’
‘કનકભાઈ, હું ભલે વર્તમાન સાહિત્યના પ્રવાહથી અલિપ્ત હોઉં. પણ વર્તમાન રાજકારણના પ્રવાહથી અલિપ્ત નથી હોં. ખોટું ન લગાડતા પણ તમેય જાણે અજાણ્યે રાજકારણના રવાડે ચડ્યા હો એવું લાગે છે.’
‘મારે શું કરવું એ મારી ઇચ્છાની વાત છે. તમે કયા પક્ષના માણસ છો.’
‘હું કોઈ પક્ષનો માણસ નથી. હું તો વેપારી છું. ‘
‘તો વેપાર કરો. સાહિત્યકારોને એમનું કામ કરવા દો.’
‘ગુસ્સે ન થાવ. કનકભાઈ, વેપારની વાત કરતા હો તો સાહિત્યકારો પણ વેપારી જ કહેવાય. અમે ભજિયાં વેચો છો ને તમે શબ્દો વેચો છો. અમે તોળી તોળીને વેચીએ છીએ ને તમે તોળી તોળીને લખો છો. બધું એક જ થયુંને?’
‘તમે ખોટી તુલના ન કરો.’
‘કેમ? અમારે અમારા ધંધાના પ્રચારની જરૂર પડે એમ તમારે પણ તમારા પુસ્તકોના પ્રચારની જરૂર નથી પડતી? આ અંદોલન કરીને પણ પણ છેવટે તો તમે તમારો પ્રચાર જ કરો છોને? તમે જ કહો કે આ અંદોલન પહેલાં તમને કેટલાં ઓળખતાં હતાં ને આવે કેટલાં બધાં ઓળખે છે.’
‘તમે સ્થાપિત હિતોના દલાલ બનીને મને પ્રભાવિત કરવાના પ્રયાસો ના કરશો. તમને ખબર છે કે સાહિત્યના ક્ષેત્રે સાફસૂફીની કેટલી જરૂર છે.’
‘સાફસૂફીની જરૂર તો બધે જ છે. આ સફાઈ અભિયાન પણ ચાલે જ છેને?’
‘એ બધાં નેતાઓનાં નાટક છે. લોકોનું ધ્યાન હટાવવા માટેના ગતકડાં છે.’
‘માની લીધું. એમ વિચારીએ તો તમારા લોકોનું આંદોલન પણ એક ગતકડું જ કહેવાયને? બાકી, સાફસૂફી કરવી હોય તો ઘરઆંગણેથી જ કરવી જોઈએને?’
‘તમે કહેવા શું માંગો છો?’
‘એ જ કે સાહિત્યકારોએ પણ સાફસૂફીની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. મારી જ વાત કરું તો હું બીજા વેપારીઓની દુકાન સાફ કરવાનો આગ્રહ રાખું તે પહેલાં મારે મારી દુકાન સાફ રાખવી જોઈએ. સાહિત્યકારોએ પણ પહેલાં પોતાનામાં સુધારો લાવવો જોઈએ. પછી બીજા પાસેથી સુધારાનો આગ્રહ રાખવો જોઈએ. ’
‘તમે એમ કહેવા માંગો છો કે અમે બગડેલા છીએ.’
‘બગડેલા તો કેમ કહું? પણ સાહિત્ય ધમાધમીની તરફેણ કરનાર અને વિરોધ કરનાર સાહિત્યકાર ગમે તેમ તોય માણસ છે. દરેકમાં નાનીમોટી ખામી તો હોવાની જ.’
‘એવું નથી. તમારી ગેરસમજ થાય છે. સાહિત્ય ધમાધામીનો વિરોધ કરનારા સાહિત્યકારો અણીશુદ્ધ છે. અમારી નિષ્ઠા સામે કોઈ આંગળી સીધી શકે એમ નથી.’
‘કનકભાઈ, ભલે તમે લોકો મોટી મોટી વાતો કરતા હો પણ એવું ન બને કે સારા હેતુ માટે ક્યારેક તમે લોકો થોડીઘણી બાંધછોડ કરી લેતા હો.’
‘ના. સાચો સાહિત્યકાર એ છે કે જેનાં સાધ્ય અને સાધનો બંને શુદ્ધ હોય.’
‘કનકભાઈ, તમે પોતે પણ ખરેખર એવા શુદ્ધ સાહિત્યકાર છો? સાચું કહેજો. ’
‘ચોક્કસ. મારી નિષ્ઠા સામે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી.’
‘ભલે ત્યારે. અત્યારે રજા લઉં છું. પણ ફરી ફોન કરીશ ત્યારે આંગળી ચીંધવા જ ફોન કરીશ.’
‘તમારી એવી લાયકાત નથી. ફોન મૂકી દો.’
‘મૂકું છું. પણ મૂળ વાત તો રહી ગઈ. ભજિયાં ખાવાં ક્યારે પધારો છો?’
‘હું તામસી ખોરાક ખાતો નથી.’
‘એક વખત ખાવ તો ખરા. મજા પડી જશે. તમારા ભાષણમાં બરાબરની તો ગરમી આવી જશે.’
‘મેં કહ્યુંને કે મારે તમારાં ભજિયાં નથી ખાવાં. અમારી ગરમી તમારાં ભજિયાં પર આધારિત નથી. બંધ કરો ફોન.’
‘કરું છું. જય શ્રી કૃષ્ણ.’
[૨]
‘હલો...ક્રાંતિકારી સાહિત્યકાર શ્રી કનકભાઈ કુરબાની બોલો છો?’
‘હા.’
‘હું નવલ. નવરંગ ભજિયાંવાળો. ઓળખ્યો કે ભૂલી ગયા?
‘ઓળખ્યો. બોલો કેમ ફોન કરવો પડ્યો?’
‘કહું છું કે કાલે ટાઉનહોલમાં ‘સાહિત્યકારોની સ્વતંત્રતા’ વિષે તમારું ભાષણ સાંભળ્યું.’
‘તમે આવ્યા હતા?’
‘હા. તમે તો જાણ કરી નહિ. પણ છાપામાં તમારું નામ હતું એટલે આવ્યો હતો.’
‘સાહિત્યકારોની પીડા સાંભળીને? કશી અસર થઈ?’
‘પીડા કરતાં બળતરા કહો તો ઠીક રહેશે.’
‘કેમ એવું નકારાત્મક બોલો છો?’
‘જે મને લાગ્યું એ કહું છું. બધા સાહિત્યના નામે પોતાની દાઝ કાઢતા હોય એવું લાગ્યું.’
‘બધાએ જે વાત કરી એ હકીકતની વાત કરી છે. જે સાહિત્યકારો સત્યનો પક્ષ લે છે એમના પર કેવા કેવા જુલમ થાય છે એ જાણ્યું કે નહિ?’
‘કયા સાહિત્યકારો પર જુલમ થયા? તમે તો વિદેશના સાહિત્યકારો પર કેવા કેવા જુલમ થયા અને એ સાહિત્યકારોએ કેવો સંઘર્ષ કર્યો એના દાખલા આપ્યા. એ સાહિત્યકારોમાંથી કોઈને જેલમાં જવું પડ્યું છે તો કોઈને દેશ છોડવો પડ્યો છે. બરાબર? પણ એમના પર જુલમ થયા એના સોમા ભાગ જેટલા જુલમ તમારા પર થયા હોય તો કહો. એમણે કર્યો એવો સંઘર્ષ તમે લોકોએ કર્યો છે? તમે બધા સાહિત્યકારો તો અંદરોઅંદર મજાનાં લંગીસ લડાવો છો.’
‘તમે વિદેશી કવિતાનું પઠન સાંભળ્યું કે નહિ. મડદાં પણ બેઠા થઈ જાય એવી કવિતાઓની પણ તમને કશી અસર ન થઈ?’
‘તમે દર્દ અને દવા બધું ઉછીનું લઈને પ્રજાને ગળે ઉતારવા નીકળી પડ્યા છો. આ તો પારકા તાવડે ભજિયાં તળવાની વાત છે. કાર્યક્રમમાં ગરમ ગરમ ભાષણ સાંભળીને જે લોકો ગરમ થયાં હતાં એ લોકો કાર્યક્રમના અંતે આઇસ્ક્રીમ ખાઈને ઠંડા થઈ ગયાં. છેવટે તો બધું સરભર થઈ ગયું.’
‘તમે અવળી અવળી વાતો કરો છો. તમને એ નથી દેખાતું કે આપણે ઘોર અંધકાર તરફ ગતિ કરી રહ્યા છીએ. અત્યારે પ્રજાને જગાડવાની તાતી જરૂર છે. પ્રજા વહેલાસર નહિ જાગે તો ગુલામીના દિવસો દૂર નથી.’
‘તમે એમ માનો છો કે પ્રજા ઊંઘે છે.’
‘હા. પ્રજાને ચલાકીપૂર્વક ઊંઘાડી દેવામાં આવી છે. સાહિત્યકારોનો ધર્મ છે કે આવા ભયંકર વાતાવરણમાં પ્રજાને રસ્તા પર આવી જવા માટે પ્રજાને જાગૃત કરે. અત્યારે ક્રાંતિની ખરી જરૂર છે.’
‘રસ્તા પર આવવાના ખેલ તો છેવટે પ્રજાને જ ભારે પડે છે. ચિત્ર તમે કહો છો એટલું ભયંકર નથી. ઠંડા તેલમાં ભજિયાં કાચા નીકળે. કનકભાઈ, લોકો લોકશાહી રીતે નકામા લોકોને ફેંકી દેશે. તમારે પ્રજાને કહેવાની જરૂર પણ નહિ પડે.’
‘નથી ફેંકતી એ તો વાંધો છે. પ્રજા ઘેટાં જેવી છે. સાવ નમાલી થઈ ગઈ છે. એટલે તો અમારે અંદોલન કરવાં પડે છે.’
‘પ્રજા તમારી મરજી પ્રમાણે ન ચાલે એટલે એ ઘેટાં જેવી ગણાય અને પ્રજા તમે જેને હટાવવાનું કહો એને હટાવે એટલે શાણી ગણાય. આ જ તમારું ગણિત છેને?’
‘અમારું એ ગણિત સાચું છે. તમે ભજિયાં વેચો અને મને મારું કામ કરવાં દો. ફોન બંધ કરી દો.’
‘કરું છું. પણ પહેલાં તમારા તરફ આંગળી ચીંધી દઉં. તમે સાધ્ય અને સાધન શુદ્ધ હોવાની વાત કરતાં હતાને? તો મને કહો કે તમે કાલે જે કાર્યક્રમમાં ભાષણ આપ્યું એ કાર્યક્રમના આયોજક કોણ હતા?’
‘મારે એ બધું તમને જણાવવાની જરૂર નથી. તમે મારા કામમાં ખોટી દખલગીરી બંધ કરો.’
‘તમે ન જણાવો પણ જાણનારા જાણે જ કે એ કાર્યક્રમના આયોજકો પણ છેવટે તો રાજકારણી જ છે.’
‘અમારા કાર્યક્રમનું આયોજન ‘આઝાદમંચ’ નામની એક બિનરાજકીય સંસ્થાએ કર્યું હતું. એણે રાજકારણ સાથે કશું લાગતુંવળગતું નથી.’
‘મારી જાણ મુજબ છે. કનકભાઈ, એ સંસ્થા એક રાજકીય નેતાની જ છે. સાહિત્યકારોને ભાષણ માટે બોલાવતી મોટાભાગની સંસ્થાઓ સાથે રાજકારણીઓને સંબંધ હોય છે. સાહિત્યના બહાને એ લોકો રાજકારણ ખેલી લેતા હોય છે. તમારા કાર્યક્રમમાં તમારી બાજુમાં બેઠો હતો એ માણસ પણ અઠંગ રાજકારણી છે. એને સાહિત્ય સાથે કાંઈ લાગતુંવળગતું નથી.’
‘જો ભાઈ, એવું બધું તો ચાલ્યા કરે. અમારું ધ્યેય તો શુદ્ધ છેને?’
‘ધ્યેય શુદ્ધ છે તો સાધન પણ શુદ્ધ હોવું જોઈએને?’
‘સારું કામ કરવું હોય તો એવું જીણું જીણું જોવાનું ન હોય. થોડાક વ્યવહારિક બનવું પડે.’
‘વાહ! સાધ્ય અને સાધન શુદ્ધ હોવાની મોટી મોટી વાતો કરનારા હવે ઠેકાણે આવી ગયા. ખરી વાત તો એ છે કે બીજા લોકોની તમારે પણ સ્થાપિત થવું છે. એ લાયમાં ને લાયમાં તમે કોઈના હાથા બન્યા છો.’
‘તમારો બકવાસ બંધ કરો.’
‘બંધ કરું છું. પણ છેલ્લી વાત કરી દઉં. ક્રાંતિકારી ભાષણ બદલ આયોજકો તરફથી તમને દરવખત કરતાં આ વખતે બમણા પુરસ્કારનું કવર આપવામાં આવ્યું હતું. બરાબર?’
‘તમે ગપગોળા નહિ ચલાવો.’
‘આ ગપગોળા નથી. હકીકત છે. પુરસ્કાર બમણો હોવાનું જાણીને તમારા ચહેરા પર ખુશાલી છવાઈ ગઈ હતી એ પણ મેં મારા કેમેરાની આંખે જોયું હતું. પણ, ભાષણ કરીને યોગ્ય વળતર મેળવવું એ તમારો હક છે. એ છુપાવવાની જરૂર નથી.’
‘તમે કોણ છો? તમારી વાત પરથી તમે ભજિયાંના વેપારી હો એવું લાગતું નથી.’
‘તમારી વાત સાચી છે. હું ભજિયાંનો વેપારી નથી. હકીકતમાં આ શહેરમાં નવરંગ ભજિયાની કોઈ દુકાન જ નથી. મારું નામ નવલ છે પણ હું ભજિયાં વેચતો નથી.’
‘તો શું કરો છો?’
‘જર્નલિઝમ. હું એક ઊગતો પત્રકાર છું. હાલમાં સાહિત્યકારો વચ્ચે જે ડખા ચાલી રહ્યાછે એ માટેની સ્ટોરી તૈયાર કરી રહ્યો છું. તમારા સિદ્ધાંતો અને કાર્યશૈલી વિષે જાણકારી આપવા બદલ હું આપનો આભાર માનું છું. મૂકું છું. જરૂર પડશે તો ફરી ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ.’
[સમાપ્ત]