માધવ મળે તો કહેજો Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માધવ મળે તો કહેજો

માધવ મળે તો કહેજો.....

ક્યાંક માધવ મળે તો કહેજો એને કે અહી કોઈક એની રાહ જોઇને બેઠું છે.કોઈક રોજ એને સવારે ઉઠતાવેંત અને રાતે સુતા પહેલા યાદ કરીને સુવે છે.કોઈકના હાથમાં એના નામની માળાઓ જપી જપીને કરચલીઓ પડી ગઈ છે.કોઈની આંખોના ખૂણા એની યાદમાં સદાય ભીના રહે છે અને કોઈકની તો આંખો જ આંસુ સારી સારીને સુકાય ગઈ છે.ત્યાં મંદિરમાં બેઠેલા પુજારીના હાથમાં રહેલી ઘંટડી સંભાળીને પણ તું એમને એમ જ સ્તબ્ધ થઈને જ ઊભો રહે છે.ક્યાંક તારી વાંસળીના સુર સંભળાય જાય એ આશામાં માણસ નીરવ શાંતિમાં કલાકો બેસીને તને મનોમન પોકારતો રહે છે.તારા મંદિરે ચાલીને આવતા એક માણસના પગમાં પડેલા છાલા મેં જોયા છે અને છતાંય એની આંખોમાં મને તું ન દેખાયો.મંદિરની તારી મૂર્તિ સામે બે હાથ જોડીને કરગરતા એક માણસની થાકેલી આંખોમાં પણ તું મને ન દેખાયો.આખી જિંદગી તારે નામે કરી તોય માધવ તું ન દેખાયો.

માધવ,તારું મન હજુ ય ત્યાં જ છે...ત્યાં પેલી યમુના કિનારે આવેલા કદંબના વૃક્ષ નીચે .....?..હજુય તું રાધાની વાટ જોઇને તો નથી બેઠોને?...રાધા નહિ આવે કાન્હા .....રાધા ધારીને પણ નહિ આવે....યાદ છે તે ગોકુળ મુક્યું હતું ત્યારે રાધાએ પ્રણ લીધા હતા કે તારું મુખ એ આખી જીંદગીમાં ક્યારેય નહિ જુએ....કેમ ભૂલી ગયો તું આ વાત ને....?

તારે તો વિરહમાં જ જીવવાનું છે કાન્હા.....વિરહમાં જ....ભલે તો એ શરીર છોડીને હવે રાધાને મળવા આવ્યો પણ જયારે તું જીવતો હતો ત્યારે જ રુકમણીસહીતની બધી જ રાણીઓ એ તારા હૃદયમાં વસેલી રાધાનો ચહેરો તારી ચળકતી કીકીઓમાં જોઈ લીધો હતો.તું છુપાવે એમ કઈ છુપાઈ એમ નહોતી તારી વ્યથા કાન્હા...બધા જ ગોકુલવાસીઓ તારી રાહ જોઇને બેઠા છે કે એક દિવસ આવશે એમનો કાન્હો...પણ તું તો કાન્હા કર્મયોગી....કર્મના માર્ગનો મુસાફિર....કર્મ માટે બધું જ છોડી દીધું તે ...રાધાને પણ...અને આખી જિંદગી કહેતો રહ્યો કે તું અને રાધા તો એક જ છો....તમે એક જ હતા તો તારા અંતરમનમાં આટલી વ્યથા આટલો ઉત્પાત કેમ?..કેમ કોઈક આ દ્ર્વારીકામાં રાધાનું નામ લે છે ત્યારે તું બેબાકળો બનીને એ દિશામાં ખેંચાય જાય છે?..કેમ બધી જગ્યાએથી તારું ધ્યાન હટીને ત્યાં જતું રહે છે...?..કેમ તું અડધી રાત્રે પણ નીંદર માંથી જાગીને આ ઝરૂખામાં ઊભો ઊભો આ દરિયાને નિહાળતો રહે છે..?કેમ તું એ મોજના ધ્વનિમાં યમુનાના જળનો ખળખળ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરે છે?..એ જ ખળખળ અવાજ કાન્હા જે તું અને રાધા યમુના તટે બેસીને સાંભળતા હતા..

તે તો રુકમણીજી ને આદેશ આપીને રાખ્યો છે કે કોઈ દિવસ તારી થાળીમાં માખણ અને મિશ્રી ન પીરસવા..આજેય કોઈક તારી થાળીમાં માખણ મિશ્રી પીરસે તો તારી બંને આંખો છલકાય જાય છે અને તારા સ્મૃતિપટલ પર ગોકુલીયુ ગામ અને રાધા સહિતની બધી ગોપીઓ ઊભરાઈ આવે છે.

મહાભારતના યુદ્ધ વખતે તું અર્જુનના મનનો વિષાદ દુર કરીને યુદ્ધ માટે તૈયાર કરે છે પણ તારી અંદર ચાલતા એ યુદ્ધ ને તો તું ક્યાં શાંત કરી શક્યો ? તારી અંદર તો હંમેશા તારી ભૂતકાળની સ્મૃતિઓ વિશે અને તારા વર્તમાન વિષે દ્રંદ ચાલતો રહ્યો.સૌ પ્રથમ જયારે તારે મુરલી મુકીને સુદર્શન ચક્ર પકડવું પડ્યું ત્યારે એક પળ માટે નજર સામે રાધા આવીને એક ઝબકારાની જેમ અદૃશ્ય થઇ ગઈ હતી..તને ત્યારેય રાધા યાદ આવી હતી જયારે રુકમણીએ પહેલી વખત ફરિયાદ કરી હતી કે તારા પ્રેમમાં કંઇક ખૂટે છે અને તું ત્યાં જ સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો હતો અને એકીટશે રુકમણીને જોઈ રહ્યો હતો...દીવાના પ્રકાશમાં એના ચહેરા પરની ફરિયાદ જોઇને તું ખુબ નાસીપાસ થયો હતો...તને ત્યારે પણ રાધા યાદ આવી હતી જયારે બલરામે ફરિયાદ કરી હતી કે બલરામ મોટો ભાઈ હોવા છતાં દ્ર્વારિકાનો રાજા તું કેમ? અને તે ક્ષણભર પણ વિચાર કર્યા વગર દ્ર્વારીકાનું રાજ્ય એના હાથમાં સોપવા તૈયાર થઇ ગયા હતા.તું દરેકને સંબંધ પ્રેમથી સાચવતો અને પૂરી કાળજી સાથે એ સંબંધનું જતન કરતો છતાંય અમુક સંબધો બદલામાં તારું કાળજું ચીરીને આપી દેતા અને વળી પછી એ કાળજામાં રાખેલી રાધાની સ્મૃતિ આંખો સામે આવી જતી.તારે રોવું હતું ..તારેય ફરિયાદ કરવી હતી...તારેય કહેવું હતું એ તું હવે લડી લડીને થાકી ગયો છે પણ કમનસીબે એ ખભો ક જેના પર તું માથું રાખીને રોઈ શકે ,ફરિયાદ કરી શકે જમાનાના બદઈરાદાઓની અને શાંતિથી સુઈ શકે એ ખભો હવે યમુના કિનારે જ રહી ગયો હતો..એ જ કદંબના વૃક્ષ નીચે....જ્યાં ડાળીઓ પણ ઝૂકીને તમને બંનેને એમના બાહુપાશમાં ઝકડી લેતી.એ પ્રેમ કરવા વાળા અને તને સાચવવા વાળા તો ગોકુળમાં જ રહી ગયા.એમની આંખોમાં ય હજુ તું જ છે....માધવ તું જ છે...

વિધિની વક્રતા તો એ છે કે તું અહી આવ્યો કદંબના વૃક્ષ નીચે તારું શરીર ત્યાં દ્વારિકામાં મુકીને અને રાધા જ અહીથી ચાલી ગઈ..ગોપીઓ પણ ચાલી ગઈ અને આખું ગોકુળ પણ ચાલ્યું ગયું..હવે ક્યાં શોધીશ તું તારી રાધાને માધવ? ક્યાં?

તું કહેતો હોય તો હું બતાવું તારી રાધાને...તારી રાધા તો તારા ભક્તોના હૃદયમાં વાસ કરી ગઈ.હજુય એ ત્યાં તારી યાદમાં તારા વિરહમાં તડપે છે...એના હાથમાં કરચલીઓ પડી ગઈ છે તારા નામની માળા જપી જપીને .તારી રાહ જોઈ જોઇને આંખોની દ્રષ્ટી પણ ઝાંખી થઇ ગઈ.એના પગમાં હજુ ચાલવાની પણ તાકાત નથી કે તારા મંદિર સુધી આવી શકે...તારા વિરહમાં એની આંખોના આંસુ પણ સુકાઈ ગયા..તારા વિરહની યાદમાં એમના મનનો વિષાદ ઘેરો ને ઘેરો બનતો ગયો.ઊંઘ વગરની થાકેલી આંખોમાં તારી રાધા સમાઈ ગઈ છે..કાન્હા જલ્દી કર....

ચાલ માધવ ચાલ...હવે તારી રાધા આ કદંબના વૃક્ષ નીચે નહિ મળે.જલ્દી કર કાન્હા નહીતર આ વખતે પણ મોડું થઇ જશે અને તારે ફરીથી રાધાને શોધવી પડશે....આ વખતે મોડું ના કરતો માધવ...

કોઈક કહેજો માધવને કે એની રાધા મળી ગઈ છે.......