શાલિનના ફટાકડા Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાલિનના ફટાકડા

શાલિનના ફટાકડા

"મ.... અ..... મ્મી....."

શાલિન રિક્ષામાંથી ઊતરીને બૂમો પાડતો પાડતો ઘરના પ્રાંગણમા પ્રવેશ્યો. બીજા બાળકો પણ રિક્ષામાંથી ઊતરીને ચિચયારીઓ કરતા પોત પોતાના ઘર તરફ દોડવા લાગ્યા.

શાલિને ઘરમા પ્રવેશતાની સાથે જ પીઠ પર લગાડેલુ સ્કૂલબેગ દોડતા દોડતા જ ઊતારીને સોફા ફર ફંગોળીને ફેંકી દીધું.શાલીને ક્રીમ કલરનું પેન્ટ અને સફેદ રંગનો શર્ટ પહેરેલા હતા.

દોડતો એ ઘરના પાછળના ભાગ તરફ આવ્યો.શાલિનના મમ્મી કુસૂમબેન વાસણ માંઝી રહ્યા હતા.શાલિન સીધો જ દોડતો આવીને કુસૂમબેનને પાછળથી જ વીંટળાઈ ગયો.કુસૂમબેન ઝબકી ગયા.પછી શાલિનના નાનકડા હાથ ગળા ફરતે વીંટળાયેલા જોઈને હળવુ હસ્યા.

"મમ્મી........આજથી વેકેશન....." શાલિને કુસૂમબેનના કાનની એકદમ પાસે જઇને કહ્યું.કુસુમબેને સાબુવાળા હાથ પાણીથી સાફ કર્યા અને આછા લીલા રંગની એમની સાડીના છેડેથી હાથ લુંછીને શાલિનના બંને હાથના કાંડા પકડીને આગળ લાવ્યા અને ઊંચકીને ઘરમાં લઈ આવ્યા.શાલિનને સોફા પર બેસાડી પોતે બાજુમાં બેઠા.

"મમ્મી.....ફટાકડા ?" શાલિને પૂછ્યું.

કુસૂમબહેને એની નિર્દોષ આંખો સામે જોયું.

"હજુ તો દીવાળીને પાંચ દિવસની વાર છે...બેટા." કુસૂમબેને શાલિનના પગમાથી શૂઝ અને મોજા ઉતરતા કહ્યું.

"ના ...મમ્મી....મારે આજે જ જોઇએ ....તને ખબર છે મારા બધાં મિત્રો આજ રાતથી જ ફટાકડા ફોડવાનું ચાલુ કરી દેવાંના છે."

"એક શરત પર આજે ફટાકડા મળશે .."

"શું ??" આશ્ચર્યથી શાલિને પૂછ્યું.

"દિવાળી પહેલા સ્કૂલનું બધુ જ દીવાળી હોમવર્ક પૂરુ જવાનું હોય તો આજે ફટાકડા મળશે ..બોલ મંજુર."

"મંજુર ..હું બધું જ હોમવર્ક પૂરું કરી દઈશ ...બસ ?."

"તો ફટાકડા પણ આજે આવી જશે..."

કુસુમબેને હળવેકથી શાલીનના કુમળા ગાલ ખેંચ્યા અને શાલિનની સામે હથેળી ધરી.શાલિને હળવેકથી સામે તાળી આપી.અને સોફા પરથી ઊતરીને દોડતો શેરીમા ભાગી ગયો.

"અરે ...પણ....ચા અને બિસ્કીટ તો ખાતો જા..." કુસૂમબેન પાછળ બૂમો પડતા રહ્યા.

પણ શાલિન તો એની ધૂનમા જ દોડતો પોતાના મિત્રો પાસે પહોંચી ગયો

"આ છોકરો પણ...." એકલા એકલા કુસૂમબેન બોલ્યા અને પાછા ઘરકામમાં વ્યસ્ત થઇ ગયા.

સાંજે શાલિનના પપ્પા ભાવિનભાઈ ઑફીસેથી આવ્યા.હાથમાં ફટાકડાની બે થેલી હતી.શાલિન તો રાજીનો રેડ થઈ ગયો.બાળક સહજ કુતુહલથી એ ફટાકડા જોવા માંડયો.ભાવિનભાઈ સોફા પર બેઠા અને રસોડામાંથી કુસુમબેન પાણીનો ગ્લાસ લઈને આવ્યા.

"પપ્પા...આ બંને થેલીમાં તો સરખા સરખા જ ફટાકડા છે..."

"બેટા....એમાંથી એક થેલી તારા બેસ્ટ ફ્રેન્ડ ધ્રુમિલ માટે છે..ગયા વર્ષે પણ તમે સાથે જ ફટાકડા ફોડ્યા હતા ને.....ત્યારે ધ્રુમીલ પાસે કેટલા ઓછા ફટાકડા હતા..."કુસૂમે આપેલા પાણીનો ગ્લાસ હાથમાં લેતા કહ્યું.

"પપ્પા.....પણ ધ્રુમીલને એના મમ્મી ફટાકડા તો લઇ આપે છે..પછી આપણે કેમ તેના માટે ફટાકડા લાવવાના ??" બાળસહજ નિખાલસતાથી શાલીને પૂછ્યું.

"બેટા...ધ્રુમીલ તારો બેસ્ટ ફ્રેન્ડ છે કે નહિ ??.....અને ધ્રુમીલના પપ્પા તો કેટલા બધા દુર ચાલ્યા ગયા છે ...એ એટલે દુરથી ધ્રુમીલ માટે ફટાકડા પણ ન મોકલી શકે ..એટલે હું તમારા બંને માટે ફટાકડા લેતો આવ્યો." શાલીનને સમજાવતા ભાવિનભાઈએ કહ્યું.

"ઠીક છે પપ્પા...જો આ ફટાકડા પુરા થઇ જાય તો તમારે મને બીજા નવા લઇ આપવા પડશે."

" પ્રોમિસ બસ.." ખાલી પાણીનો ગ્લાસ ભાવિનભાઈએ કુસુમબેનને પાછો આપતા કહ્યું.

આખરે દિવાળી ઘર આંગણે આવીને ઉભી રહી..ઘરે ઘરે દીવડા પ્રગટાવેલા હતા.આજે દુ:ખ ,શોક ભૂલીને આનંદ મનાવવાનો દિવસ હતો.આખું શહેર દીવડાઓની હારમાળા ,અલગ અલગ જાતની લાઈટોથી ઝગમગતું હતું. આખા શહેરમાંથી અંધકાર જાણે ઉભી પૂછડીએ ભાગી ગયો હતો.

એ દિવસે શાલીન અને ધ્રુમીલે સાથે મળીને ખુબ ફટાકડા ફોડ્યા.ખુબ મસ્તી કરી.કુસુમબેન અને ભાવિનભાઈ પણ બંનેને જોઇને ખુબ ખુશ થઇ ગયા.

****

આજ ફરી સ્કૂલમાં વેકેશન પડવાનું હતું.આજથી પાંચ દિવસ પછી ફરી દિવાળી આવવાની હતી.કુસુમબેન આજે પણ ઘરના પાછળના ભાગમાં વાસણ માંઝી રહ્યા હતા.સ્કૂલ રીક્ષા આવી.એક પછી એક બધા જ બાળકો ઉતારીને પોતપોતાના ઘર તરફ કીકીયારીઓ કરતા દોડવા લાગ્યા.પણ શાલીન ન આવ્યો.આવવાનો પણ ન હતો.એ તો ક્યાય દુર ચાલી ગયો હતો. એનો જીવ તો ક્યારનોય સમય અને અવકાશનું આ પરિમાણ છોડીને એકલો ઉડી ગયો હતો.હજુ બે મહિના પહેલા જ ડેન્ગ્યું થવાથી બધાને એમ જ એકલા મુકીને અનંતના પ્રવાસે ઉપડી ગયો હતો.

ક્યારેક સપનામાંથી કુસુમબેન ઝબકીને જાગી જતા જાણે હજુ એ શાલીનની કીકીયારીઓ ઘરમાં ગુંજતી હતી.પછી એ એકલા બહાર આવીને સોફા પર બેસીને કલાકો સુધી એમ જ રડતા રહેતા.

રોજની જેમ જ એ દિવસે પણ ભાવિનભાઈ ઓફિસેથી ઘરે આવ્યા.કુસુમબેન સોફા પર બેઠા હતા.ભાવિનભાઈના હાથમાં ફટાકડાની થેલી જોઇને થોડા દંગ રહી ગયા.કુસુમબેને પહેલા ફટાકડા તરફ નજર કરી અને પછી ભાવિનભાઈની સામે જોયું.

ભાવિનભાઈ હળવેકથી આવીને કુસુમબેનની બાજુમાં બેઠા.

'' આ ફટાકડા ???"" કુસુમબેને આંખોમાંથી વહેતી આંશુની ધાર સાથે ધ્રુજતા અવાજે પૂછ્યું.

"ધ્રુમીલ માટે..."

કુસુમબેનને કઈ સમજાયું નહિ.ભાવિનભાઈના ગળે મળીને એ ખુબ રોયા.ભાવિનભાઈ કુસુમબેનના માથે હાથ ફેરવતા ,એમને સાંત્વના આપતા રહ્યા અને એમના આંશુથી ભાવિનભાઈનો ખભો પલળતો રહ્યો.

આ વખતની દિવાળીએ આખા શહેરનું અંધારું કુસુમબેનના ઘરમાં આવીને એક ઘેરા વિષાદના રૂપમાં સંતાઈને પડી રહેવાનું હતું.