આસ્થા Kevin Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસ્થા

"રીયાઝ........" આસ્થાએ પોતાની સામે ટેબલ પર બેઠેલા રીયાઝને સંબોધતા કહ્યું.

"અરે મેડમ...આગળ પણ કૈંક બોલો....ક્યારની માત્ર રિયાઝ રિયાઝ જ કરો છો..." રિયાઝે આસ્થાની પાણીદાર આંખોમાં જોઇને કહ્યું.

"શું બોલું કઈ સમજાતું જ નથી....?"

"આસ્થા તું આ બોલી રહી છે??...કે શું બોલું?...આમ તો આખ્ખો દિવસ ચપડ ચપડ કરતી હોય છે....તને સાંભળી સાંભળીને હું થાકી જાવ પણ તું બોલતા ન થાકતી....આજે વળી શું થઇ ગયું...??"

"રિયાઝ...તું રોકાઇ જા...તું શું કરીશ ત્યાં મારા વગર...??.અજાણ્યા દેશમાં..."

"પાગલો જેવી વાત ન કર આસ્થા....તને ખબર છે ને કટલી મુશ્કેલીથી આ અમેરિકાના વિઝા મળ્યા છે...એ પણ બીજા પ્રયત્ને...."

વેઈટર બે કોલ્ડ કોફી અને ચીઝ સેન્ડવીચ ટેબલ પર મૂકી ગયો.

"પણ તારા વગર હું શું કરીશ અહી??...તને ખબર તો છે મારા પર પરિવાર તરફથી કેટલું પ્રેશર છે લગ્નનું...અત્યાર સુધી તો ગમે તેમ કરીને હું નકારતી રહી....પણ મને ડર છે કે મારા મમ્મી પપ્પા મારા લગ્ન એકાદ વર્ષમાં તો કરવી જ દેશે...."

"છોકરો સારો હોય તો શું વાંધો છે?" કોલ્ડ કોફીની સીપ લેતા રિયાઝે કહ્યું..

"તને આમાં પણ મજાક સુઝે છે..."..આસ્થાએ સહેજ રોષથી કહ્યું.

"તું કેમ તારા મમ્મી પપ્પાને ગંભીરતાથી લે છે?....આ જ વર્ષે તું પણ વિઝા માટે અરજી કરવાની જ છે ને...તું આવી જઈશ અમેરિકા પછી શું ચિંતા???...." રિયાઝે આસ્થાનો ટેબલ પર રાખેલો હાથ પોતાના હાથથી સહેજ દબાવતા કહ્યું.

" અને આસ્થા...અને આપણો અભ્યાસ પૂરો કરીને અમેરિકાથી પાછા ફરીને આમ પણ તારા મમ્મી પપ્પાને લગ્ન માટે મનાવવાના જ છે ને...!!!" રિયાઝે કહ્યું.

"હા....પણ મને ક્યારેક આ બધું સપના જેવું લાગે છે....."

"તો એ સપનાને આપણે સાકાર કરશું..."

આસ્થા હજુય મૂંજવણમાં જ હતી..

"કમ ઓન..આસ્થા....તું આવી રીતે વિદાય આપીશ મને?...તું હસતા હસતા મને જવા દઈશ તો હું નિશ્ચિંત થઈને જઈ શકીશ...અને તારા ચહેરા પર એ સ્મિત જ શોભે છે...આવા દુખી અને ચિંતિત ચહેરે તું બહુ જ કદરૂપી લાગે છે."

આસ્થાને અંદરથી રોવાનું મન થતું હતું છતાય એણે હળવું સ્મિત વેર્યું.

પછી બંને ક્યાંક સુધી ભૂતકાળના પટારામાંથી એક પછી એક સ્મૃતિઓ નીકાળીને વાગોળતા રહ્યા....પહેલી વખત ક્યારે મળ્યા હતા???...કેવી રીતે રિયાઝે આસ્થા સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી..?..પહેલી વાર બંને બાઈક ટ્રીપ પર ગયા હતા...પહેલો ઝઘડો...પહેલો સ્પર્શ અને દુનિયા પાસેથી ચોરેલી એ અંગત ક્ષણો ....કોલજની બહાર મળતો ચોકલેટ આઈસ ક્રીમ..

વાતો ચાલતી રહી.એક પછી એક કોફીના ખાલી કપ ટેબલ પર ખડકાતા ગયા.

બીલ ચૂકવીને બંને રેસ્ટોરાની બહાર આવ્યા.

રિયાઝે આસ્થાના ગાલ પર પોતાનો હાથ મુક્યો.આસ્થાના આંખોમાં આંસુ તરવરી આવ્યા.એને રીયાઝની હથેળી પર હળવેકથી એક ચુંબન કર્યું.

"તું ફરી પછી રોવા લાગી..."

"" બહુ ડર લાગે છે ....રીયાઝ..."

" તું કશું જ વધારાનું વિચારીશ નહિ..,તું માત્ર તારી એક્ઝામ અને વિઝા અરજી વિશે વિચાર કર..."

" ઓ.કે..બોસ ...." સહેજ સ્વસ્થ થઈને આસ્થાએ કહ્યું.

" ચલ હવે હું નીકળું....તારે પણ મોડું થતું હશે..."

"હા"

"પોતાને કાળજી રાખજે આસ્થા.." રિયાઝે કહ્યું..

" તું પણ..."

અને બંને એક બીજાને ગળે મળીને છુટા પડ્યા.

***************

રીયાઝને અમેરિકા ગયે હજુ એકાદ વર્ષ થયું હતું.આસ્થા યુ.એસ. એમ્બસીની કતારમાં ઉભી હતી.આજે વિઝા માટેનો ઇન્ટરવ્યુ હતો.આસ્થાનો વારો આવતા તેણે ઈન્ટરવ્યું હોલમાં પ્રવેશ કર્યો.બહાર તેના પપ્પા રાહ જોઇને બેઠા હતા.

ઈન્ટરવ્યું વીસેક મિનીટ જેટલું ચાલ્યું.

આસ્થા ઈન્ટરવ્યું હોલમાંથી બહાર આવી.ચહેરો ઉત્સાહિત લાગતો હતો.આસ્થાને જોઇને એના પપ્પા બેઠક ખુરશી પરથી ઉભા થઇ ગયા.

"પપ્પા ......વિઝા મળી ગયા........" ચિચિયારીઓ કરતા આસ્થાએ પપ્પાને ગળે મળીને કહ્યું.

આજુબાજુ બેઠેલા લોકોએ કૈક ગંભીરતાથી એમની સામે જોયું એટલે આસ્થા સહેજ ભાનમાં આવી હોય એમ સ્વસ્થ થઇ અને પપ્પા સાથે બહાર આવી.

બાકીનો દિવસ બંને મુંબઈમાં ફર્યા...ચર્ચગેટ...મરીન ડ્રાઈવ......સિદ્ધિવિનાયક મંદિર......જુહુ ચોપાટી......અને બીજા દિવસે પાછા અમદાવાદ..

આસ્થા ખુબ ખુશ હતી ..અને વધારે ખુશ એટલા માટે હતી કે તેને જ ન્યુ જર્શીની જે કોલેજમાં પ્રવેશ મળ્યો હતો એ રીયાઝની કોલેજથી ખુબ નજીક હતી.

એ દિવસે રાત્રે આસ્થાએ મેસેજથી રીયાઝને વિઝા વિષે ખબર આપ્યા.....એકાદ બે કલાક પછી રિયાઝનો મેસેજ આવ્યો.

"અભિનંદન" માત્ર એટલું જ લખ્યું હતું.આસ્થાને સહેજ અજુગતું લાગ્યું.પણ રિયાઝનો વ્યવહાર આજે બદલાય ગયો હોય એવું લાગતું હતું.આસ્થા મનોમન વિચારતી રહી...આખી રાત...

હ્રદય પર જાણે એક મણ વજન મુકેલું હોય એવું લાગતું હતું.એરપોર્ટ પરનો હળવો કોલાહલ પણ વજનદાર લાગતો હતો.આસ્થા વારંવાર ખુશ દેખાવાનો પ્રયત્ન કરી રહી હતી.બાજુમાં બેઠેલા મમ્મી- પપ્પા વારંવાર સલાહ સૂચનો આપી રહ્યા હતા અને આસ્થા છોકરીમાંથી વિદગ્ધ છોકરી બની ગઈ એવું વર્તન કરી રહી હતી.

આસ્થાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની માહિતી દેખાડતી સ્ક્રીન પર નજર કરી.ન્યુ જર્શીની તેની ફ્લાઈટ ઉપડવાને માત્ર બે કલાકની વાર હતી.અને હજુ તો સિક્યુરીટી ચેકિંગ પણ બાકી હતું.

આસ્થા પોતાની મેટલ ચેરમાંથી ઉભી થઇ.એના મમ્મી પપ્પા પણ ઉભા થયા.આસ્થાએ એક સાથે એના મમ્મી પપ્પાને આશ્લેષમાં લીધા અને જાણે એ ક્ષણ થીજી ગઈ હોય એમ ઘડીક એ જ સ્થિતિમાં તેના મમ્મી પપ્પાને જકડીને ઉભી રહી ગઈ.લગભગ છયે છ આંખો સરખા પ્રમાણમાં ભીંજાઈ ગઈ.ભારે હૃદયે વારંવાર પાછળ જોતા જોતા આસ્થા સિક્યુરીટી ગેટ તરફ આગળ વધી.અને જ્યાં સુધી આસ્થા દુર સુધી દેખાતી બંધ ન થઇ ત્યાં સુધી તેના મમ્મી પપ્પા ત્યાં જ મૂર્તિવંત બનીને ઉભા રહ્યા.અને ફ્લાઈટ ટેક ઓફ થાય એની પહેલા જ આસ્થાએ પોતાના ઇન્ટર નેશનલ સીમ કાર્ડમાંથી રીયાઝને મેસેજ કર્યો.

આસ્થાની ફ્લાઈટે ચિંચ્યારી સાથે ન્યુ જર્સીના રન વેને હળવું ચુંબન કર્યું.આટલા લાંબા હવાઈ સફર પછી કંટાળેલી આસ્થાએ હળવેકથી આંખો ઉઘાડી.બારીની બહાર હવે એક નવું શહેર હતું.એક પછી એક મુસાફરો ફ્લાઈટમાંથી ઉતારવા લાગ્યા.આસ્થા પોતાનું હેન્ડ બેગ લઈને ઉભી થઇ અને કતારમાં જોડાઈ ગઈ.એર હોસ્ટેસે એક કૃત્રિમ સ્મિત કર્યું.

આસ્થાએ એર પોર્ટની બહાર આવીને પોતાનો મોબાઇલ ચાલુ કર્યો.રિયાઝનો મેસેજ હતો.મેસેજ ઘણો લાંબો હતો.આસ્થાએ મેસેજ વાંચવાનું ચાલુ કર્યું.તેના ચહેરાના હાવભાવ બદલાતા ગયા.કપાળ પરની રેખાઓ તંગ થવા લાગી.મેસેજ આંખો વાંચી લીધા પછી કદાચ આસ્થાને રોવું હતું.પણ એના આંસુનું ગુસ્સામાં પરિવર્તન થઇ ચુક્યું હતું.આસ્થાને ઘણી ગાળો દેવાનું મન થયું.પણ થીજેલી મૂર્તિની જેમ આસ્થા એરપોર્ટની બહાર ઉભી ઉભી વિચારતી રહી.અને એકીટસે લાલ રડમસ આંખોએ મોબાઇલમાં આવેલો રિયાઝનો મેસેજ જોતી રહી.જેમાં રિયાઝે પોતાની નવી ગર્લ ફ્રેન્ડ વિષે કહ્યું હતું અને આસ્થાની કૃત્રિમ માફી માંગેલી હતી.