ઉત્સવ Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉત્સવ

નવલિકા

ઉત્સવ

યશવંત ઠક્કર

‘જીવન ઘડતર’ નામે શાળા પાસે ધ્વજવંદનના કાર્યક્રમ માટે મેદાન નહોતું એટલે નજીકના એક મેદાનમાં કાર્યક્રમનું આયોજન થયું હતું.

મેદાનમાં સ્વચ્છ વસ્ત્રો પહેરેલાં બાળકો લાઈનમાં ઊભા રહી ગયાં હતાં. ધ્વજવંદન કરવાનો ઉત્સાહ જેટલો બાળકોને હતો એટલો મોટાઓને નહોતો. શિક્ષક સમુદાય બાળકોને ધમકાવવાની પરંપરાનું પાલન કરી રહ્યો હતો. ‘તોફાન નહિ કરો, સીધાં ઊભાં રહો, અવાજ નહી કરો.’ જેવી સૂચનાઓ એમનાથી અનાયાસે જ અપાઈ જતી હતી. આચાર્યશ્રી નખશીશ ગંભીર હતા. એમના માથા પર જાને મોટો બોજો હતો. તેઓ આમંત્રિત મહેમાનોની રાહ જોતાં જોતાં ઠાવકાઈથી વારંવાર પોતાની કાંડા ઘડિયાળ પર નજર નાખી લેતા હતા.

આમંત્રિત મહેમાનો માટે સવારમાં આઠ વાગ્યે સમયસર પહોંચવું એ અતિ મુશ્કેલ કાર્ય હતું. આમ તો ઘણાને ના છૂટકે આવવું પડે એમ હતું. કેટલાકની પ્રકૃતિ મુજબ આ સમય તો ચાનાસ્તો કરવાનો અને છાપાં પર નજર નાખવાનો હતો. આમ તો આજે જાહેર રજાનો દિવસ હતો પરંતુ કેટલાંક મહેમાનો પોતાના ધંધાની જગ્યાએ જઈને નાનાંમોટાં કામ કરવાના હતા. આંખોમાં ઘેન અને દિલમાં કૃત્રિમ ઉત્સાહ લઈને તેઓ પ્રસંગને અનુરૂપ પોશાક ધારણ કરીને મોટરગાડીઓના સહારે એક પછી એક આવવા લાગ્યા અને એમના માટે ખાસ ગોઠવવામાં આવેલી ખુરશીઓમાં માન સહિત સ્થાન મેળવવા લાગ્યા. તેઓ આદત પ્રમાણે ધંધાની, શેર બજારની, ટેક્સની વાતોએ ચડી ગયા.

મેદાનના એક છેડે આવેલા બંગલાઓમાં હજુ ચહલપહલ શરૂ થઈ નહોતી. ઘણા લોકોની ઊંઘ હજુ ઊડી નહોતી. કેટલીક સ્ત્રીઓ બ્રશ કરતી કરતી બારીઓના સળિયા પાછળથી મેદાન તરફ નજર નાખી લેતી હતી. જે છોકરાં શાળામાં નહોતા ગયા તેઓ અગાસીમાં ચડીને ધમાલ કરી રહ્યાં હતાં.

મેદાનના બીજે છેડેથી પસાર થતા રસ્તાની પેલે પાર ઝૂંપડાંની લાંબી લાઈન હતી. ઝૂંપડાંની બહાર કેટલીક સ્ત્રીઓ પોતાનાં નાગાંપૂગાં બાળકોને તેડીને આ અજાણ્યા તહેવારની ઉજવણી કૌતુકપૂર્વક જોઈ રહી હતી. રાત્રે પીધેલી પોટલીનો પ્રભાવ ટકાવી રાખવા માંગતા હોય એવા મરદ ખટલામાં પડ્યા પડ્યા ગાળો બોલી રહ્યા હતા. કેટલાક જુવાન છોકરાઓ રંગબેરંગી કપડાં પહેરીને પોતાના લાંબા વાળને ખાસ રીતે ઓળવાની મથામણ કરી રહ્યા હતા. તેઓ આજે સવારના ખેલમાં ઘટાડેલા દરની ફિલ્મ જોવા જવાના હતા.

મેદાનના ત્રીજા છેડે એક વસાહત હતી. વસાહતની સ્ત્રીઓ શાકભાજીની લારીને ઘેરીને ઊભી રહી હતી. તેઓ શાક વીણતી વીણતી પોતપોતાના પરિવારના સભ્યોના ગમા અણગમાની વાતો કરી રહી હતી. કેટલીક સ્ત્રીઓ મફતમાં મસાલો મેળવવા માટે માથાકૂટ કરી રહી હતી. કેટલાંક ઘરોમાં નાઇટડ્રેસ પહેરેલા બુદ્ધિજીવીઓ ટેલિવિઝન ગોઠવાઈ જઈને ચાના ઘૂંટડા ભરતાં ભરતાં માનનીય પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળી રહ્યા હતા. કેટલાંક બાળકો એમના મમ્મીપપ્પા પાસેથી સર્કસ જોવા લઈ જવાનું વચન લઈને શોર્યગીતોની પંક્તિઓ ગણગણતાં શાળામાં ગયાં હતાં.

મેદાનના ચોથે છેડે એક ખેતર હતું. એ ખેતર હવે રહેવાનું નહોતું. ત્યાં મકાનો બનવાનાં હતાં. તેની તૈયારી રૂપે મજૂરો એક ઝાડને પાડવાની કામગીરીમા મશગૂલ હતા. ખેતરની વાડને અગ્નિદાહ અપાઈ ચૂક્યો હતો. ‘ઇન્દ્રપુરી’ની જાહેરાત કરતુ એક મોટું પાટિયું ઘર વગરનાં લોકોને લલચાવતું ઊભું હતું. પાટીયાથી થોડે દૂર એક મોટરગાડી ઊભી હતી. એની બાજુમાં સફારી સૂટ પહેરેલા જમીન માલિકો ખેતરને ઇન્દ્રપુરીમા ફેરવવાની ચર્ચામાં રોકાઈ ગયા હતા.

મેદાન પાસેથી પસાર થતા રસ્તાની કાયામાં ભૂખ્યા જનોના પેટમાં પડ્યા હોય એવા ખાડા પડ્યા હતાં. કોઈ કોઈ ખાડામાં પાણી ભરાયેલું હતું. રસ્તાની દુર્દશા વિષે છાપાંમા આકરામાં આકરી ભાષામાં ઘણું લખાઈ ચૂક્યું હતું. પરંતુ તંત્ર પર એની અસર થઈ નહોતી. આજના કાર્યક્રમને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા ખાડાને ઢાંકવાની અધકચરી કામગીરી કરવામાં આવી હતી. રસ્તાની ધારે ધારે સફેદ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. ગમે તેવા ખરાબ અને સાંકડા રસ્તા પર પણ ઝડપથી દોડવા ટેવાયેલા વાહનો રાહદારીઓના કપડાં પર કાદવ ઉડાવતાં પસાર થઈ રહ્યાં હતાં. વાહનોના હોર્નમાથી લોકશાહી છલકાઈ રહી હતી.

માનનીય ભાઈશ્રીની મોટર આવીને ઊભી રહી ગઈ. વાતાવરણમાં વ્યવસ્થાની લહેર દોડી ગઈ. વાઘના આગમનથી નાનાંમોટાં પ્રાણીઓ સચેત થઈ જાય એમ શિક્ષક્વર્ગ સચેત થઈ ગયો. આચાર્યશ્રી ભાઈશ્રીને આવકારવા માટે દોડવા જેવું ચાલ્યા. ભાઈશ્રીના આગમનથી એમના જીવને રાહત થઈ.

ભાઈશ્રી પહેલાં તો એક સામાજિક કાર્યકર્તા હતા. સાયકલ પર હરતાફરતા હતા. પરંતુ અન્યાય સામે વારંવાર માથું ઊંચકવાની હિંમતના કારણે તેઓ રાજકારણમાં પોતાની જગ્યા કરતા ગયા હતા અને સમય જતાં પોતે જ આખેઆખા ઊંચકાઈ ગયા હતા. એમની સાયકલ હવે એમના વિશાળ દીવાનખંડમાં પોતાના સંઘર્ષની સાબિતી રૂપે શોભી રહી હતી. તેઓ શહેર સુધરાઈની ચૂંટણીમાં મેયર તરીકે ચૂંટાયા પછી એમનું કદ વધ્યું હતું. એમના માનસન્માન પણ વધ્યાં હતાં. આજે એમના હાથે જ ધ્વજની દોરી ખેંચાવાની હતી. તેઓ અંદરથી ખુશ અને બહારથી ગંભીર હતા.

ભાઈશ્રીને ખાસ બેઠક મળી. એમની આસપાસ બીજા લોકોને પોતપોતાની લાયકાત મુજબ બેઠક મળી. તસવીરકાર પણ સક્રિય થઈ ગયો. વ્યવસ્થાના બહાને થોડીઘણી ગુસપુસ થઈ. માઇક પરથી યંત્રવત વાસી શબ્દોના પરપોટા ઉડ્યા. મહેમાનોનું કટકીયુક્ત ફૂલાહારથી સ્વાગત થયું. બાળાઓએ તૈયાર કરેલાં સ્વાગતગીત અને પ્રાર્થના ગાયાં. નિર્બળ તાળીઓ દ્વારા દર્શકોએ ઔપચારિકતા સાચવી. ચક્કર આવવાથી એક બાળા પડી ગઈ. બે શિક્ષિકા બહેનો એને નજીકના એક ઝૂંપડામા લઈ ગયાં. ઝૂંપડામા રહેનારા લોકોએ એમને પ્રેમથી આવકાર્યાં અને બાળાને માટે ખાટલો ઢાળી આપ્યો. બાળાને રાહત થઈ એટલે બધાંને રાહત થઈ.

કાર્યક્રમ આગળ વધ્યો. અભ્યાસ સિવાયની પ્રવૃત્તિમા પણ સક્રિય હોય એવા એક છોકરાએ ‘સાવધાન’ અને ‘વિશ્રામ’ના આદેશ આપ્યા. બીજા છોકરાંએ એ આદેશનું ઉત્સાહથી પાલન કર્યું. બંગલાઓની અગાસીમાં ચડેલા છોકરાં ચાળા પડવા લાગ્યાં. કેટલાક મહેમાનોને પોતાનું શાળાજીવન સાંભરી આવ્યું.

ધ્વજવંદનનો સમય થયો ત્યારે ભાઈશ્રીના હાથે ધ્વજની દોરી ખેંચાણી. ધ્વજમાંથી ફૂલો વેરાયાં. ધ્વજ ફરકવા લાગ્યો. ‘એક સાથ સલામી આમ દો’ના આદેશ સાથે શિક્ષકગણ અને મહેમાનોની સાથે સાથે બાળકોએ પોતાના નાના નાના હાથ વડે ધ્વજને સલામી આપી. કેટલાક મહેમાનો વિચારોમાં ખોવાયેલા હોવાથી એમના હાથ ખિસ્સામાં જ રહી ગયા હતા. બીજાનું જોઈ જોઈને તેઓએ પણ ધ્વજને સલામી આપી. બાળકોએ ‘વિજય વિશ્વ તિરંગા પ્યારા’ એ ઝંડાગીત ગાયું.

વસાહત પાસે ઊભેલો શાકભાજીની લારીવાળો ધ્વજવંદનનું દૃશ્ય જોવા લાગ્યો. આ મોકાનો લાભ લઈને એક હોશિયાર સ્ત્રીએ બે લીંબુ પોતાની થેલીમાં સરકાવી લીધાં. ધ્વજવંદન જોઈ રહેલી એક ઝૂંપડાવાસી સ્ત્રીને એનાં ધણીએ ઢીબી નાંખી. બંગલામાં બ્રશ કરી રહેલી સ્ત્રીઓ હવે ચાનાસ્તો બનાવવાના કામે લાગી ગઈ. અગાસીમાં ચડેલાં છોકરાં હવે દડાથી રમવા લાગ્યાં. પાનની લારી પર ઊભેલા બંધાણી યુવાનો મોઢામાં તમાકુવાળી પડીકી પધરાવીને કૃત્રિમ ખુમારી સાથે ધ્વજને જોવા લાગ્યા. ખેતરમાં આઝાદ પાડવા માટે મથી રહેલા મજૂરોને સફળતા મળી. ઇન્દ્રપુરીના બિલ્ડર મોટરમાં બેસીને રવાના થયા.

ભારત માતાની જય બોલાણી ને ભાઈશ્રીનો થાકેલો હાથ ફરીથી એમના ઝભ્ભાના ખિસ્સામાં ઘૂસી ગયો. બાળકોએ દેશભક્તિના થોડાં ગીતો રજૂ કર્યા. કેટલાક શિક્ષકો અને મહેમાનોએ ભાષણો કર્યાં. આચાર્યશ્રીએ શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિષે જણાવ્યું. એમણે શાળાની પ્રગતિ માટે સમાજ અને સરકાર તરફથી આર્થીક મદદની અપેક્ષા વ્યક્ત કરી.

ભાઈશ્રીને બે શબ્દો બોલવા માટે વિનંતી થઈ. એમણે શબ્દોનો ધોધ વહાવ્યો. એમણે બાળકોને ખૂબ ખૂબ ભણવાની અને મોટા થઈને તન, મન અને ધનથી દેશની સેવા કરવાની શિખામણ અપી. બાળકોને ‘તમે આવતી કલાના નાગરિક છો’ એવું વધુ એક વખત સાંભળવા મળ્યું. ભાઈશ્રીએ જાપાન અને અમેરિકાના દાખલા પણ આપ્યા. શાળાની પ્રગતિ માટે પોતાનાથી બનતું કરવાનું આશ્વાસન આપ્યું.

કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત ગવાયું, આભારવિધિ થઈ અને પતાસા વહેંચાયાં. ઝૂંપડાંની બહાર ઊભેલાં બાળકો દોડ્યાં પણ નિરાશ થઈને પાછા ફર્યાં. ભાઈશ્રીને લઈને એમની મોટર વિદાઈ થઈ. ધ્વજવંદન માટે આવેલાં બાળકોના વાલીઓ પોતપોતાના બાળકને લઈને ઘર તરફ ભાગ્યા. એમાંથી ઘણાં બાળકોના હોઠે હજી ‘વિજય વિશ્વ તિરંગા પ્યારા’ એ ગીત રમતું હતું. આમંત્રિત મહેમાનોએ ઝડપથી વિદાય લીધી. ખુરશીઓ ભેગી થઈ ગઈ. માઇક બીજી જગ્યાએ ભાડે ગયું. આચાર્યશ્રી પ્રસંગ પાર પડવાથી હળવા થયા. શિક્ષકવર્ગ અને કેટલાંક બાળકો શાળાની સામગ્રી ભેગી કરી. શિક્ષિકા બહેનો બપોરની રસોઈને લગતી વાતો કરતાં કરતાં ગૃહસ્થાશ્રમ તરફ પ્રયાણ કરી ગઈ. જોતજોતામાં મેદાન ખાલી થઈ ગયું.

ખાલી થઈ ગયેલા મેદાનમાં એક સ્ત્રી એનાં પતિ સાથે સ્કૂટર શીખવા આવી પહોંચી. સૂરજ વધુ ને વધુ તપવા લાગ્યો. ધ્વજમાંથી વેરાયેલાં ફૂલો તાજગી ગુમાવવા લાગ્યાં. ડુક્કરોને પકડવાવાળા ડુક્કરો પાછળ દોડવા લાગ્યા. ડુક્કરોની ચીસાચીસથી વાતાવરણ ધ્રુજી ઊઠયું. એક શ્રમજીવી યુગલ વજનદાર ગાડું ખેંચતું રસ્તા પરથી પસાર થઈ ગયું. ઝડપથી દોડ્યા જતા સ્કૂટરે એક રાહદારીને ઝપટમાં લઈને પાડી દીધો. સ્કૂટરસવાર રાહદારીને સાઇડનું જ્ઞાન આપવા લાગ્યો. લોકો એકઠાં થયાં, થોડો ડખો થયો, સમાધાન થયું અને લોકો વિખેરાયાં.

ઝૂંપડાંનાં નાનાં નાનાં અને અર્ધાં ઉઘાડાં બાળકો ભેગાં થયાં. એમના માટે તિરંગો ધ્વજ નવાઈનો વિષય હતો. ધ્વજને સલામી આપવાનું દૃશ્ય હજુ એમની આંખોમાં રમતું હતું. તેઓ બધાં એકઠાં થઈને મેદાનમાં ગયાં. ફરકતા ધ્વજની સામે બધાં એક લાઈનમાં ઊભાં રહી ગયાં. એક છોકરાએ આવડે એ રીતે ‘સાવધાન’, ‘વિશ્રામ’ અને ‘સલામી આમ દો’ના આદેશ આપ્યા. બાળકોએ દેશની માટીવાળા નાના નાના હાથો વડે ધ્વજને સલામી આપી. પછી તેઓ કાલીઘેલી બોલીમાં ગાવા લાગ્યાં : વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા...

[સમાપ્ત]