ફેસબુકની દશા અને દિશા Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેસબુકની દશા અને દિશા

વ્યંગકથા

ફેસબુકની દશા અને દિશા

લેખક : યશવંત ઠક્કર

‘ફેસબુક તો માત્ર સમય પસાર કરવાનું માધ્યમ છે અને આપણી જેવા સાહિત્યકારોના કામનું નથી.’ એવું માનનારા કેટલાય સાહિત્યકારોને પણ સમય જતાં ફેસબુકની માયા લાગી ગઈ છે. ‘બીજા ભલે ફેસબુકનો ઉપયોગ તુચ્છ પ્રવૃત્તિ માટે કરે પરંતુ સાહિત્યકારો ફેસબુકનો ઉપયોગ પોતાના સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે કરી શકે છે. વળી, એવું કરવાં માટે પોતાના સિદ્ધાંતોમા થોડીઘણી બાંધછોડ કરવી પડે તો એમાં કશું અજુગતું નથી.’ એવું તત્વજ્ઞાન એમને મોડું મોડું પણ સમજાઈ ગયું છે.

વિદ્વાન સાહિત્યકાર શ્રી પ્રખરદાસજી પણ પોતાની જાતને મોબાઇલ, કમ્પ્યૂટર, ફેસબુક જેવા માધ્યમોથી દૂર રાખવામાં ગૌરવ અનુભવતા હતા અને વારંવાર એવું નિવેદન આપતા હતા કે : ‘હું તો ભાઈ કાગળ અને કલમનો માણસ છું. કલમ અને કાગળના સંગથી મને જેવો આનંદ પ્રાપ્ત થાય છે એવો આનંદ કમ્પ્યૂટર કે મોબાઇલના સંગથી કોઈ કાળે પ્રાપ્ત ન થઈ શકે. મને તો કુદરતે નિર્મિત કરેલી આ સૃષ્ટિ સાથે જોડાઈ રહેવું ગમે છે. ફેસબુક જેવી આભાસી સૃષ્ટિ સાથે જોડાવાનું હું કદી પસંદ ન કરું.’

પરંતુ ભલભલા સાહિત્યકારો પણ ફેસબુકની વહેતી ગંગામાં ડૂબકીઓ મારવાનો લહાવો લેવા લાગ્યા ત્યારે ફેસબુકના કિનારે ઊભેલા પ્રખરદાસજીથી પણ રહેવાયું નહિ. એમણે પણ ફેસબુકના વહેતા પ્રવાહથી ભીંજાવાનો નિર્ણય લઈ લીધો. એક યુવાન નવોદિત લેખકની સહાયથી એમણે પોતાનું ફેસબુક પર એકાઉન્ટ ખોલ્યું અને પોતાના પરિચયમાં છેલ્લે જણાવ્યું કે, ‘એક સાહિત્યકાર તરીકે મેં ઘણા પડકારો ઝીલ્યા છે. આજે એક નવો પડકાર ઝીલું છું. ફેસબુક દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા કરવાના શુભ હેતુથી આ આભાસી સૃષ્ટિમાં મંગળ પ્રવેશ કરું છું.’

થોડા દિવસો સુધી ફેસબુક પરનાં વિવિધ લખાણોનું વાંચન કર્યા પછી એમણે પોતાનો પ્રથમ લેખ પ્રગટ કર્યો :

ફેસબુકની દશા ને દિશા

આજના યુગમાં નાનાંમોટાં સહુ ફેસબુકના પ્રભાવ હેઠળ જે લખાણો લખી રહ્યાં છે એ વાંચીને મારો અંતરાત્મા કકળી ઊઠે છે. અરેરે! જેમને કવિતા વિષે પૂરતી સમજ નથી તેઓ કવિ-કવયિત્રિ તરીકે પ્રશંસાને પાત્ર ગણાવા લાગ્યાં છે. જેમણે ગુજરાતી સાહિત્યની ઉત્તમ એવી વાર્તાઓ પર દૃષ્ટિ પણ નથી નાંખી એવાં અબૂધ લોકો વાર્તાસ્પર્ધાના નિર્ણાયકો તરીકે બિરાજમાન થઈ રહ્યાં છે. નવલકથાના નામે સાહિત્યના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે એવાં કાચાંપાકાં પ્રકરણોના ઘાણ ઊતરી રહ્યા છે. અત્યંત નિમ્ન કક્ષાની કૃતિઓનો જે રીતે મહિમા થઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે, ગુજરાતી સાહિત્યમાં કળિયુગનું આગમન થઈ ચૂક્યું છે. જોડણીની તો કોઈને કશી દરકાર જ નથી. ફેસબુક પર લઘરવઘર શબ્દોની ભીડ જામી છે છતાંય કોઈ કહેતાં કોઈ વ્યથિત થતું નથી. વ્યાકરણના ઉપેક્ષિત થયેલા નિયમો નિમાણા થઈને એકાંતવાસ ભોગવી રહ્યા છે. લખાણમાં રહેલી નાની સરખી ક્ષતિને પણ પહાડ સરખી દર્શાવીને મારા જેવા શબ્દસાધક પાસે પણ ક્ષમા યાચના કરાવનાર વિવેચકો તો અહીં દૂર દૂર સુધી કશે દૃષ્ટિગોચર થતા નથી.

સામાન્ય પ્રકારના લખાણ માટે પણ મિત્રો તથા સ્વજનો તફથી ત્વરિત પ્રશંસા પ્રાપ્ત થઈ જવાથી અતિ હરખ પામનારાઓનો તો અહીં તોટો નથી. એમના ચિત્તમાં પોતે કશું અદ્ભુત સર્જન કરી નાખ્યું હોવાનો ભ્રમ પેદા થાય છે. આ ભ્રમના પરિણામે તેઓ અંહકારી બનીને અશિષ્ટ ભાષાનો પ્રયોગ કરતા પણ સંકોચ પામતા નથી. પોતાના લખાણમાં રહેલી ક્ષતિઓ પ્રત્યે નિર્દેશ કરનારને અપમાનિત કરવામાં તેઓને વીરતાનો અનુભવ થાય છે. સુજ્ઞ વ્યક્તિઓ અપમાનિત થવાના ભયથી અશુદ્ધ લખાણો પ્રત્યે દુર્લક્ષ સેવવાનું પસંદ કરે છે. પરિણામે ફેસબુક અશુદ્ધ લખાણોથી દૂષિત થયેલું જણાય છે. આવી અશુદ્ધિ પ્રત્યે ક્યાં સુધી દુર્લક્ષ સેવીશું? સુજ્ઞ જનો ફેસબુક-શુદ્ધિકરણ અંગે કશું નક્કર વિચારતા થાય એ વેળા આવી પહોંચી છે. ફેસબુકને શુદ્ધ કરવાનો પડકાર કોઈકે તો ઝીલવો જ રહ્યો. અસ્તુ.

પ્રખરદાસજીના લેખને બે દિવસમાં દસ જેટલા લાઇક મળ્યા. આથી પ્રખરદાસજીને થોડું સારું લાગ્યું. એમને થોડાક પ્રતિભાવની પણ રાહ હતી. ત્રીજે દિવસે ‘જાલિમ જમાદાર’ નામે કોઈ મિત્રનો પ્રતિભાવ આવ્યો :

‘તમે કઈ દુનિયામાં જીવો છો? તમારું નામ પ્રખરદાસના બદલે ચક્કરદાસ હોવું જોઈએ. આ ફેસબુક છે. તમારી સાહિત્ય પરિષદ નથી. અહિ તમારું ડહાપણ બતાવો છો એ વ્યાજબી નથી. અમારે જેમ લખવું હોય એમ લખીએ એમાં તમારો કયો ગરાસ લુંટાઈ ગયો? છાનામાના પડ્યા રો નહિ તો ઊભી પૂંછડીએ ભગાડવા પડશે.’

વળતા પ્રતિભાવમાં પ્રખરદાસજીએ લખ્યું :

‘મિત્ર જાલિમજી,

આપનો પ્રતિભાવ અત્યંત પીડા આપનારો છે. આવી ભાષા આપને શોભતી નથી. મેં અત્રે આપણા સાહિત્ય બાબત ચિંતા વ્યક્ત કરી એ કારણસર આપને માઠું લાગ્યું હોય તો ક્ષમા કરશો. પરંતુ મારો હેતુ લેશમાત્ર કોઈને પણ વ્યક્તિગત દુઃખ પહોંચાડવાનો નહોતો. હું માનુ છું કે મારી આ સ્પષ્ટતા થકી આપની મારા તરફની નારાજગી જરૂર દૂર થશે. વિશેષ આપની ક્ષમાયાચના સાથે આપના લખાણમાં રહેલી તેમ જ મારી દૃષ્ટિમાં આવેલી કેટલીક ક્ષતિઓ પ્રત્યે આપનું ધ્યાન દોર્યા વગર રહી શકતો નથી. ભાષા પ્રત્યેની ખેવનાના કારણે પણ મને આવું કરવું જરૂરી લાગ્યું છે.

મિત્ર, આપે ‘અહિ’ શબ્દનો પ્રયોગ કર્યો છે જે યોગ્ય નથી. ‘અહિ’નો અર્થ ‘સર્પ’ થાય છે. અત્રે યોગ્ય શબ્દ ‘અહીં’ છે. જેનો અર્થ ‘આ સ્થાને’ એવો થઈ શકે છે. વળી, આપે ‘વ્યાજબી’ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ પણ અનુચિત છે. આપણી ભાષાના શબ્દકોશમાં ‘વ્યાજબી’ જેવો કોઈ શબ્દ છે જ નહીં. સાચો શબ્દ ‘વાજબી’ છે. જો કે આપે ‘વ્યાજબી’ શબ્દનો પ્રયોગ કરવાની જે ભૂલ કરી છે એ સ્વાભાવિક છે. કારણ કે ગુજરાતી સાહિત્યમાં મોટા કહી શકાય એવાં માથાં પણ આવી ભૂલ કરે છે. છતાંય આપ આ અંગે સતર્કતા દાખવશો એવી આશા રાખું છું. આ ઉપરાંત આપે ‘રો’ શબ્દના સ્થાને ‘રહો’ શબ્દનો પ્રયોગ કર્યો હોત તો વધારે ઉચિત ગણાત.

આશા રાખું છે કે આપના હૃદયમાં ફરીથી રોષનું પ્રાગટ્ય નહિ થાય. વિરમું છું.

લિ. પ્રખરદાસના જય શ્રી શબ્દ.

પ્રખરદાસજીનો આ પ્રતિભાવથી જાલિમ ઝાલ્યા ન રહ્યા. એમણે ફરીથી આકરો પ્રતિભાવ આપ્યો:

ઓ પ્રખર પાનખર, બીજાની ભાષા સુધારવાની બહુ ચળ હોય તો તમે ટ્યૂશન કલાસ ખોલો અને પછી કલાસમાં તમારું દોઢ ડહાપણ બતાવજો. અને આ તમારી ચાંપલી ચાંપલી વાતો ત્યાં કરજો. ફેસબુક પર તો જે સટાસટી બોલાવે એનું જ કામ છે. તમારા જેવા વેદિયા લોકો ફેસબુક પર આવતા રહેશે તો ફેસબુક દેવાળું કાઢશે. તમારા જેવા લોકો ફેસબુક પર ન હોય એમાં જ તમારું અને અમારું ભલું છે. આવજો.

પ્રખરદાસજીએ જોયું કે જાલિમના પ્રતિભાવને બહુ જ ઝડપથી ‘LIKE’ મળવા લાગ્યા. કેટલાક લોકોએ તો પ્રતિભાવ આપીને એમની વાતને વધાવી પણ લીધી. જયારે પોતાનાં લખાણને ‘LIKE’ કરનારાં બહુ જ ઓછા હતા. પ્રખરદાસજીને જાલિમના લખાણથી દુઃખ થયું. એ દુઃખ ઓછું થાય તે પહેલાં તો એમના ધ્યાનમાં આવ્યું કે, પોતાના ખાસ મિત્ર એવા કવિશ્રી કરુણાશંકરજીએ પણ જાલિમના પ્રતિભાવને ‘LIKE’ કર્યો છે.

પ્રખરદાસજીએ કવિશ્રી કરુણાશંકરજીને પ્રતિભાવ આપીને પોતાની લાગણી વ્યક્ત કરી :

પ્રિય હૃદયસ્થ કવિશ્રી કરુણાશંકરજી,

કુશળ હશો. હું કુશળ છું. આ નોંધ લખવાનું પ્રયોજન આપના દ્વારા મારા હૃદય પર થયેલો કુઠારાઘાત છે. આપશ્રી જાણો જ છો કે, ફેસબુકમા પ્રવેશ કર્યા બાદ મેં મારો પ્રથમ લેખ ‘ફેસબુકની દશા અને દિશા’ શીર્ષકથી પ્રગટ કર્યો છે. પ્રસ્તુત લેખ વાંચ્યા બાદ એક ફેસબુક-મિત્ર જાલિમજીએ પોતાતના પ્રતિભાવ દ્વારા મારી ઠેકડી ઉડાવી છે. એમના પ્રતિભાવ થકી મને ઘણો આઘાત લાગ્યો છે. એથી પણ વિશેષ આઘાત મને ત્યારે લાગ્યો છે કે જયારે મેં જોયું કે એમના ‘LIKE’ના ભંડારને સમૃદ્ધ કરવામાં આપશ્રીએ પણ યોગદાન આપ્યું છે. મને આપશ્રી તરફથી આવા વર્તાવની અપેક્ષા નહોતી. હું, ફેસબુક પરના વરવા વાતાવરણથી પ્રભાવિત થયેલા જાલિમજી જેવા લોકોની અવગણના કરી શકું પરંતુ આપશ્રીની અવગણના કરવી એ મારા માટે અત્યંત દુષ્કર છે. જાલિમજીના પ્રતિભાવને ‘LIKE’થી વધાવી લેવાની આપશ્રીની ચેષ્ટા હું સમજી શકતો નથી. મારી વેદના આપશ્રી સુધી પહોંચશે એવી એષણા સહ આ નોંધ પૂર્ણ કરું છું.

લિ. સદાય આપશ્રીની કુશળતા ઇચ્છતો પ્રખરદાસ.

કવિશ્રી કરુણાશંકરનો વળતો જવાબ આ મુજબ આવ્યો :

આદરણીય ચિંતક શ્રી પ્રખરદાસજી,

વ્યથિત હૃદયે લખાયેલી આપશ્રીની નોંધ વાંચીને મને પણ ઘણું જ દુઃખ થયું છે. આપશ્રીના કોમળ હૃદયને વ્યથા પહોંચાડવામાં હું નિમિત્ત બનીશ એવો મને લેશમાત્ર અંદેશો નહોતો. જે દુર્ઘટના ઘટી છે એ મારા દૃષ્ટિભ્રમના કારણે ઘટી છે. આવી દુર્ઘટના ઘટી છે એની જાણ પણ મને આપના આ પત્ર થકી જ થઈ છે. મને તો આજની તારીખ સુધી એવો જ ખ્યાલ હતો કે, મેં આપશ્રીના પ્રતિભાવને ‘LIKE’ દ્વારા વધાવ્યો છે. પરંતુ, આજે મને ખ્યાલ આવે છે કે, મેં દ્રષ્ટિભ્રમના કારણે જાલિમજીના પ્રતિભાવને ‘LIKE’ દ્વારા વધવી લીધો હતો. જે થયું છે તે શરતચૂકથી થયું છે. આપશ્રીની નોંધને વધાવી લેવાની ઉતાવળના કારણે થયું છે. મારાથી ઘણો મોટો દોષ થયો છે એ હું સ્વીકારું છું અને અંત:કરણ પૂર્વક આપશ્રી સમક્ષ ક્ષમાયાચના કરું છું. વિશેષ, હું આપને એ પણ જણાવવાનો અવિવેક કરું છું કે ‘ફેસબુક’નું આ માધ્યમ એના ઉપયોગ કરનારાઓ પાસેથી અતિશય વિશાળ મનની અપેક્ષા રાખે છે. ફેસબુક મધ્યે આવી અનેક ઘટનાઓ ઘટતી જ રહે છે. આપણે જો આવી દરેક ઘટના થકી દુઃખી થતાં રહીશું તો આપણે સમય જતાં કોઈ ગંભીર માનસિક બિમારીનો ભોગ બની જઈએ એવી પૂરી સંભાવના છે. આપણે સહુએ વિશાળ મનના થવું જ રહ્યું. આશા રાખું છું કે આપશ્રીની વ્યથા મારી આ નોંધ દ્વારા દૂર થશે અને આપશ્રીનું હૃદય ફરીથી મારા તરફના કોમળ ભાવોથી ભર્યું ભર્યું થશે.

લિ. આપશ્રીનો સદાય આજ્ઞાંકિત એવો કરુણાશંકર.

કરુણાશંકરના પ્રતિભાવના જવાબમાં પ્રખરદાસજીએ એમનો આભાર માન્યો અને હવે પોતાનું મન કેવી હળવાશ અનુભવે છે એનું વર્ણન પણ કર્યું.

પરંતુ, નિરીક્ષણ અને વિવિધ અનુભવના કારણે પ્રખરદાસજીને એ સત્ય સમજાઈ ગયું કે : ‘ફેસબુક એ કોઈ ઋષિમુનિનો પવિત્ર આશ્રમ નથી કે જ્યાં વાઘ, વરુ, ગાય અને બકરી વગેરે તમામ પ્રાણીઓ એક જ કાંઠે ઊભાં રહીને પાણી પીવે. આ એક એવો પ્રદેશ છે કે જે પ્રદેશમાં દીર્ઘ સમય સુધી રહેવું હોય અને વિસ્તૃત પ્રમાણમાં સ્વીકૃતિ મેળવવી હોય તો એ માત્ર ને માત્ર નમ્રતા થકી શક્ય નથી. અત્રે, પ્રતિભા અને નિષ્ઠાની સાથે ઉગ્રતા અને અવિવેક પણ અનિવાર્ય છે.’

આ સત્ય સમજાયા પછી પ્રખરદાસજીએ પોતાનું લખાણ જે ભાષામાં પ્રગટ કર્યું એ ભાષાની દશા અને દિશા બંને ધરમૂળથી બદલાયેલાં હતાં. એ લખાણ આ મુજબ હતું:

ફેસબુક પર વિહરતા ઘનચક્કરો

આજ સુધીમાં મેં ફેસબુક પર જે જોયું એના પરથી હું કહી શકું છું કે, ‘ફેસબુક પર કેટલાક ઘનચક્કરોએ અડ્ડો જમાવ્યો છે. અક્કલ વગરનાં, બુડથલ, બબૂચક લોકો અહીં આમથી તેમ ભટકી રહ્યાં છે. ઘેટાંનાં તો ટોળાં છે. જે ચીલે ચીલે ચાલીને ‘POST’ ‘LIKE’ અને ‘COMENT’ની લીંડીઓ વેરે છે. આ લોકો દિમાગનો ઉપયોગ કરવામાં માનતા જ નથી. એમને સારાં નરસાંની પરખ નથી. કોઈ મુદ્દાને ન્યાય આપવા માટે જે અભ્યાસ કરવો જોઈએ એ તો તેઓ કરતાં જ નથી. અહીં બકવાસ કરનારાં વધારે છે અને એમના બકવાસની વાહ વાહ કરનારા વધારે છે. કેટલાક તો ગધેડાથી પણ ગયેલા છે. આવા લોકો ડફણાને જ લાયક છે. નમ્રતા એમને માફક આવતી નથી. તોછડી ભાષા અહીં તેજાબી ભાષા તરીકે ઓળખાય છે. કડવું અસત્ય બોલનારની અહીં બોલબાલા છે. બધાને વીર દેખાવું છે. વીર કોઈને થવું નથી. મેં મારી નમ્રતાને બાજુ પર મૂકી દીધી છે. જેવો દેશ તેવો વેશ. હવે તો એક ઘા ને બે કટકા! આ પ્રખરદાસનો પડકાર છે. જેની ભાષામાં દમ હોય એ ચર્ચા કરવાં આવે નહી તો પોતાની જ વૉલ પર ગુડાઈ રહે. પછી કહેતા નહિ કે ચેતવ્યા નહોતા.’

પ્રખરદાસજીએ જે ધાર્યું હતું એ જ થયું. દર વખત કરતાં આ વખતે ‘LIKE’ અને ‘COMENT’ વધારે મળ્યાં. બેચારને બાદ કરતાં કોઈએ એમની વાતનો વિરોધ કર્યો નહિ. આકરી ભાષા વાપરી હોવા છતાં એમની વાહ વાહ થઈ.

જેમ જેમ પ્રખરદાસજી આવાં આવાં લખાણ મૂકવા લાગ્યા એમ એમ એમની પ્રસિદ્ધિ વધતી ગઈ. ફ્રેન્ડસ વધતા ગયા. ટીકાકારો વધતા ગયા તો પ્રશંસકો પણ વધતા ગયાં. એમની વૉલ પર વાતવાતમાં બઘડાટી બોલાવા લાગી. ‘LIKE’ અને ‘COMENT’ના તો ઢગલા થવા લાગ્યા. તેઓ સાહિત્યકાર તો હતા જ. હવે પ્રસિદ્ધ અને ક્રાંતિકારી સાહિત્યકાર તરીકે ઓળખાવા લાગ્યા છે. હવે એમની જૂની કૃતિઓ પણ વંચાવા અને વેચાવા લાગી છે.

‘ફેસબુક, પ્રખરદાસજીને જેવું ફળ્યું એવું સહુને ફળો.’ એવી લાગણી સાથે આ વાત પૂરી કરું છું. આવજો અને જલસા કરજો.