દરિયો Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

દરિયો

નવલિકા

દરિયો

યશવંત ઠક્કર

એનું નામ અનંત હતું. એ શિક્ષિત હતો અને બેકાર પણ હતો. નોકરી એનું સપનું હતું. એ સપનું પૂરું થાય તો એનાં બીજાં કેટલાંય સપના પૂરાં થઈ શકે એમ હતું. નાનીમોટી ઇચ્છાઓનો તો કોઈ પાર નહોતો. એક સારો કૅમરા લેવો હતો, એક વાજાપેટી લેવાની પણ ઇચ્છા હતી, નવાં નવાં નાટકો જોવાં હતાં, પ્રવાસ કરવા હતા, નાનકડું પણ મજાનું ઘર લેવું હતું. ઘરસંસાર માંડવો હતો. એવું તો ઘણું ઘણું કરવું હતું. પરંતુ આ બધું તો જ શક્ય બને જો નોકરી મળી જાય તો. અને નોકરી મળતી નહોતી.

એને આ બધું યાદ આવી જતું હતું : વર્ગમાં ઊભા થઈને શિક્ષકને ફટાફટ આપેલા જવાબો, એકેએક વિષયની ઉત્સાહથી તૈયાર કરેલી નોટબુક્સ, ઉજાગરા કરીને વાંચેલી ચોપડીઓ, ઝડપથી લખેલી ઉત્તરપોથીઓ, માર્કસથી છલકાતા પ્રગતિપત્રકો, અભ્યાસ ખાતર જતી કરેલી કેટલીય મોજ મજા, શિક્ષકોએ કરેલી વાહવાહ, મિત્રો દ્વરા થતી ઈર્ષા.

‘બેકાર’ શબ્દ એને મોટી ગાળ સમાન લાગતો હતો. આ શબ્દ પર પ્રતિબંધ મુકાવો જોઈએ, એવું એનું માનવું હતું. ‘નોકરીનો મેળ પડ્યો?’ એમ પૂછનારા પર પણ એને મનોમન ગુસ્સો આવતો હતો. એણે એવું લાગતું હતું કે, ‘શા માટે લોકો મારી આટલી બધી ચિંતા કરતાં હશે. મને દુઃખી કરવાં ખાતર જ આવું પૂછતા હશે.’ વિવિધ સલાહો અને શિખામણો એને અબખે થવા લાગી હતી.

કમાતા થવું કેટલું જરૂરી હતું એનું એણે ભાન થવા લાગ્યું હતું. મજૂરી કરનાર પણ માથું ઊંચું રાખીને જીવી શકે છે. જ્યારે કામધંધા વગરનો માણસ સમાજની નજરે માત્ર ને માત્ર હાંસી અને દયાને પાત્ર હોય છે એ હકીકત એને સમજાવા લાગી હતી.

સવારનો સમય એ મોટાભાગે લાયબ્રેરીમાં જ પસાર કરતો હતો. છાપાંમા નોકરીની જાહેરાતો શોધતો. જરૂરી વિગતો કાગળમાં ટપકાવી લેતો હતો. સમાચારો પર જેવીતેવી નજર ફેરવી લેતો. વાર્તા, કવિતા, નવલકથા, ફિલ્મ વગેરે ગમતું હતું પરંતુ નોકરી માટેની પ્રબળ ઇચ્છા હેઠળ એ બધા શોખ દબાઈ ગયા હતા.

બપોર પછી એ દરિયા કિનારે પહોંચી જતો. દરિયા કિનારે એવું કશું નહોતું કે જે એને નોકરી અપાવે. પરંતુ દરિયાને જોઈને એનું મન શાંત થઈ જતું. બેકાર હોવાની પીડા શમી જતી જ્યાં બહુ જ ઓછા લોકોની અવરજવર રહેતી હતી એવી એક નાનકડી ટેકરી પર બેઠો બેઠો એ દરિયાને જોયા કરતો. દૂર દૂર સુધી ફેલાયેલો દરિયો એને માબાપના ખોળા સમાન લાગતો. દરિયાનાં મોજાંમાં એને હાલરડાંની મીઠાશ સંભળાતી હતી. માબાપનું હેત ઝીલતો હોય એમ એ દરિયા પરથી આવતો પવન ઝીલ્યા કરતો. માનું ધાવણ ધાવતાં ધાવતાં કોઈ બાળકની આંખો મીંચાય જાય એમ એની આંખો ક્યારેક ક્યારેક મીંચાઈ જતી અને કેટલીય વાર પછી ખુલતી ત્યારે એને પોતે મીઠી નિંદર માણીને જાગ્યો હોય એવું લાગતું. સાંજ પડે અને દૃશ્યો ઝાંખાં થવા લાગે ત્યારે એ ઊભો થઈને ઘર તરફ ચાલવા લાગતો.

એક દિવસે એનો આ ક્રમ તૂટ્યો. એને એક નોકરી માટે લેખિત પરીક્ષા આપવાની થઈ. એણે તૈયારી શરૂ કરી દીધી. જેમતેમ કરીને પરીક્ષા માટે જરૂરી પુસ્તકો મેળવ્યાં. તૈયારી માટે બહુ જ ઓછા દિવસો હતા એટલે દરિયા કિનારે જવાનું બંધ કરી દીધું. લાયબ્રેરીમાં જતો પરંતુ એ તો દેશ વિદેશના વર્તમાન પ્રવાહોથી પરિચિત રહેવા માટે. કદાચ એ બાબત પણ કશું પૂછવામાં આવે એવી સંભાવના હતી. એ દિવસો દરમ્યાન એને દરિયો યાદ આવતો હતો પણ એ મન મનાવતો કે, પરીક્ષા પછી રોજ દરિયા કિનારે જવાનું જ છેને.

લેખિત પરીક્ષામાં એ પાસ થઈ ગયો. ત્યાર પછી લેવાયેલી મૌખિક પરીક્ષામાં પણ એ પાસ થઈ ગયો. હવે તાલીમ માટેનો ઓર્ડર આવે એની રાહ હતી. એને જિંદગી વળાંક લેતી હોય એવું લાગ્યું.

એને ફરીથી રોજ દરિયા કિનારે જવાનું મન થતું હતું. જવા માટે ઘરેથી નીકળતો પણ હતો. પરંતુ જઈ શકતો નહોતો. રસ્તામાં જ રોકાઈ જતો. હવે એ કોઈનાથી મોઢું સંતાડતો નહોતો. ‘નોકરીનો મેળ પડ્યો?’ એ સવાલથી હવે એ ડરતો નહોતો. એની પાસે સચોટ જવાબ હતો. દુનિયાનો સામનો કરવા માટે એની પાસે જાણે કે એક હથિયાર આવી ગયું હતું. સગાં, સંબંધીઓ, મિત્રો સાથે હળવામળવામાં હવે એને સંકોચ થતો નહોતો. એ લોકો પણ એને એક જવાબદાર માણસ તરીકે ગણવા લાગ્યાં. એને માનથી બોલાવવા લાગ્યાં. ક્યારેક કોઈની સાથે ચા-નાસ્તો પણ થવાં લાગ્યાં. ક્યારેક કોઈની સાથે નાટક કે ફિલ્મ જોવા જવાના પ્રસંગો પણ બનવા લાગ્યા.

દરિયા કિનારે ન જઈ શકવાથી એનાં મનમાં ક્ષોભ થતો હતો. એને લાગતું હતું કે : ‘હું દરિયા સાથે દ્રોહ કરી રહ્યો છું. દુઃખમાં એણે મને સાચા સ્વજન આપે એવી રાહત આપી છે. સુખના આગમન સાથે જ એને મળવાનું ટાળું છું એ તો એક પ્રકારે અપરાધ જ કહેવાય. મારાથી આવા નગુણા ન થવાય.’

રોજ સુતી વખતે એ નક્કી કરતો કે : ‘આવતી કાલે તો ગમે તે થાય પણ દરિયા કિનારે જવું જ છે.’ પરંતુ એની અને દરિયાની વચ્ચે જે દુનિયા હતી એને હવે એ ટાળી શકતો નહોતો.

એ ખુશહાલ ચહેરો લઈને દરિયાને મળવા જાય તે પહેલાં તો એની તાલીમ માટેનો ઓર્ડર આવી ગયો. એણે મન મનાવ્યું કે : ‘વાંધો નહિ. નોકરી શરૂ થયા પછી તો રોજ દરિયાને મળવા જવાનું જ છેને. અને હવે તો દરિયાની સામે ઉદાસ થઈને ઓછું બેસવાનું છે.’

તાલીમનો ઓર્ડર આવ્યો એટલે એણે એક બેગ અને બિસ્તરા સાથે ઘરેથી વિદાય લીધી. વિદાય આપનારું તો ઘર સિવાય કોઈ હતું નહિ. માબાપ જીવતાં હોત તો આજે કેવી કેવી ભલામણ કરતાં કરતાં પાછળ આવતાં હોત, એનાથી એ દૃશ્યની કલ્પના થઈ ગઈ.

ઘરેથી ચાલતાં ચાલતાં નીકળ્યા પછી એ બસ સ્ટેશન તરફ જવાના બદલે ભૂલથી દરિયા તરફ જવા લાગ્યો. એને જયારે પોતાની ભૂલનું ભાન થયું ત્યારે એણે હસવું આવ્યું અને દુઃખ પણ થયું. મનોમન દરિયાની માફી માંગીને એ બસ સ્ટેશન તરફ જવા માટે પાછો ફર્યો.

તાલીમ પૂરી થઈ અને નોકરી શરૂ થઈ. હવે પગાર, ઓવરટાઇમ, મોંઘવારી ભથ્થું, પ્રવાસ ભથ્થું, હક રજા, માંદગીની રજા, ટેબલ. ખુરશી, ફાઇલ, પરિપત્ર, અધિકારી, ઉપરી અધિકારી, નોટિસ, ખુલાસા, યુનિયન લોન, હપ્તા, થાક, ચા, કોફી, પાર્ટી વગેરે વગેરેથી એની એક જુદી જ દુનિયા રચાઈ ગઈ. આ દુનિયાએ એને દરિયા કિનારે જવાનો મોકો આપ્યો નહિ.

એને નોકરી મળી એટલે સમાજે એનો સંસાર વસાવવાની ચિંતા શરૂ કરી. એને લગ્નની ઉતાવળ નહોતી પણ એના હિતચિંતકોએ એને છોડ્યો નહિ. ખાનદાન કુટુંબની સરલા નામની એક છોકરી સાથે એ પરણી ગયો.

એની દુનિયામાં જવાબદારીનો નવો રંગ ઉમેરાયો. રાચસરસીલું, અનાજ કરિયાણું, શાકભાજી, વહેવાર, તહેવાર આ બધું એની દુનિયામા ઉમેરાતું ગયું અને દરિયો જાણે જાણે દૂર દૂર જવા લાગ્યો.

એક દિવસ એને થયું કે, ‘બધું બરાબર ગોઠવાઈ ગયું છે તો આજે તો મારે દરિયા કિનારે જવું જોઈએ. દરિયો પણ જોશે કે હું હવે કેટલો ખુશ છું.’

એ સરલા સાથે દરિયા કિનારે પહોંચ્યો. મોજાનો અવાજ સંભાળીને એને લાગ્યું કે, દરિયો એને ‘સ્વાર્થી’ કહીને ઠપકો આપી રહ્યો છે. ‘દરિયાએ મને જે અણગમતા ચહેરાઓથી છૂટકારો અપાવ્યો હતો એ જ ચહેરાઓએ વચ્ચે હું ઘૂમતો રહ્યો અને દરિયાને ભૂલતો રહ્યો.’ એવી લાગણી સાથે એણે દરિયા સાથે આંખો મિલાવી. એને દરિયો નારાજ હોવાનું લાગ્યું.

એણે ઉમળકાથી સરલાને દરિયાનો પરિચય કરાવ્યો : ‘જો આ દરિયો. તને ખબર છે ને કે મારી જિંદગીના કપરા દિવસોમાં આ દરિયાએ જ મને રાહત આપી છે.’

દરિયો કોઈ આકર્ષણનું સ્થળ ન હોય એમ સરલાએ દરિયા તરફ કોરી નજરે જોયું. પાણી, મોજાં, ફીણ, કિનારો, નાવડીઓ, નાવિકો, દીવાદાંડી, શંખ, છીપલાં, માછલીઓ.. કેટકેટલો વૈભવ દરિયા પાસે હતો પરંતુ સરલાની નજર ખાણીપીણીની લારીઓ પર જઈને અટકી ગઈ હતી.

અનંતનાં પગલાં દૂરની જાણીતી અને માનીતી ટેકરી તરફ વળ્યાં. એ જોઈને સરલા બોલી : ‘ભેળની લારીઓ તો આ બાજુ છે ને તમે આમ ક્યાં જાવ છો?’

‘હું તને પેલી મજાની ટેકરી બતાવું. ત્યાં બેઠો બેઠો હું મન ભરીને દરિયો જોયા કરતો હતો’ અનંતે જવાબ આપ્યો.

‘દરિયો તો અહીંથી પણ દેખાય છે. એમાં એટલે બધે દૂર જવાની શી જરૂર?’ સરલાએ કહ્યું.

એ અટકી ગયો અને પાછો ફર્યો. એ કેટલીય વાર અહીં આવ્યો હતો પણ એણે ક્યારેય ભેળની લારીઓ તરફ ધ્યાન આપ્યું ન હતું. ન તો કદી એને ભેળ ખાવાનો વિચાર આવ્યો હતો.

સરલા લારીઓ તરફ ચાલવા લાગી. એ પણ ટેકરી તરફ નજર કરતાં કરતાં સરલાની પાછળ પાછળ જવા લાગ્યો. એને વિચાર આવ્યો કે : ‘સરલા ભેળ માટે ખોટી ઉતાવળ કરી રહી છે. જે ટેકરી મારા જીવનનો એક હિસ્સો હતી એ ટેકરી જોવાનું એને મન કેમ નહિ થતું હોય! ભેળ તો પછી પણ ખવાય પણ આ મોજાંની આવનજાવન જોવામાં એને આનંદ કેમ નહિ આવતો હોય.’

‘તમે તો રોજ અહીં આવતા હતાને? સારી ભેળ કઈ લારી પર મળે છે?’ સરલાએ પૂછ્યું.

‘મને ખબર નથી. મેં અહીં કયારેય ભેળ ખાધી નથી. હું તો પેલી ટેકરી પર બેઠો બેઠો દરિયો જોયા કરતો હતો.’

સરલાને એની વાતમાં રસ પડ્યો નહિ. એણે એક લારી પર જઈને બે ભેળનો ઓર્ડર આપ્યો અને એક ખુરશી પર બેસી ગઈ. અનંતે પણ એની બાજુની ખુરશી પર બેસવું પડ્યું. અનંતે ભેલની એક પ્લેટ ખાલી કરી તે પહેલાં તો સરલાએ બીજી પ્લેટ ખાવાની શરૂ કરી દીધી હતી.

પૈસા ચૂકવ્યા પછી અનંતે ફરીથી ટેકરી પર બેસીને દરિયો જોવાની વાત કરી.

‘દરિયો તો અહીં બેસીને પણ જોઈ શકાશે. ટેકરી સુધી મારાથી નહિ અવાય.’ સરલાએ જવાબ આપ્યો.

અનંતને એ સત્ય સમજી ગયું કે, ‘ટેકરી પર બેસીને દરિયો જોવાનું જે મહત્ત્વ મારા માટે છે એ સરલા માટે નથી.’ તેઓ ત્યાં જ બેઠાં રહ્યાં. અનંતને ટેકરી પર બેસીને દરિયો જોવાનો જેવો આનંદ આવતો હતો એવો આનંદ ભેળની લારી પાસે બેસીને જોવામાં આવ્યો નહિ.

થોડી વારમાં જ સરલાએ ઊભાં થતાં કહ્યું : ‘મોડું થઈ જશે તો બસ નહિ મળે. ચાલો નીકળીએ.’

અનંતનું મન નહોતું. હજી હમણાં તો આવ્યાં હતા. બસ તો બીજી પણ મળે એમ હતી. ન મળે તો બીજાં સાધનો પણ હતાં. પરંતુ સરલાને દરિયો જોવામાં રસ જ નહોતો એટલે અનંત માટે દલીલો કરવાનો કોઈ અર્થ નહોતો. એ પણ ઊભો થયો અને સરલાની સાથે ચાલવા લાગ્યો. એની અને દરિયા વચ્ચે જાણે સરલા નામે એક વિઘ્ન આવી ચૂક્યું હતું.

સરલાને કશું યાદ આવતાં એ બોલી : ‘અમારાં સગાંવહાલાં કહે છે કે, હું બહુ જ નસીબદાર છું.’

‘કેમ?’

‘મારે સાસરીમાં સાસુસસરા નહિ એટલે. આવું ઠેકાણું તો નસીબદારને જ મળેને.’ ’

અનંતના હૈયે ઘા વાગ્યો. પોતાના માબાપ હયાત નથી એ સ્થિતિ સરલાના સારા નસીબ માટેનું કારણ હતું! પોતાની જાણે કોઈ ગણના જ નહોતી.

‘મારાં માબાપ હયાત હોત તો તું મને પસંદ ન કરત. બરાબરને?’ અનંત પૂછ્યા વગર ન રહી શક્યો.

‘ના ના. એવું તો નથી પણ..’ સરલાએ હસતાં હસતાં જવાબ આપ્યો, ‘સાસુસસરા હોય તો મગજમારી થયા વગર રહે નહિ.’

‘પણ મારા માબાપ તો હયાત છે.’

‘હયાત હોય તો દેખાડો.’ સરલાને એમ કે અનંત રમત કરે છે.

પરંતુ અનંત એકદમ ગંભીર હતો. ‘આ રહ્યાં મારા માબાપ.’ અનંતે દરિયા તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘આ દરિયો જ મારો બાપ અને મારી મા બંને છે. હું એને સરખી રીતે મળીને આવું છું. તારે આવવું હોય તો આવ નહિ તો અહીં જ બેસી રહેજે. મને આવતાં વાર લાગશે.’

આટલું કહીને એ ટેકરી તરફ ચાલવા લાગ્યો.