‘એતદ્’ સામયિક
પન્ના કી તમન્ના હૈ
મધુ રાય
એકવાર ગુજરાતના કોઈ ગામડાના મહિલાઓના કશાક શૈક્ષણિક આશ્રમમાં હું ગયેલો અને ત્યાંની માટી લીંપેલી ઝૂંપડીઓની ભીંતે પન્નાબહેનની એક કવિતા ચીતરેલી જોયેલી. મારી આંખમાં લોહી તરી આવેલું. મારી વાર્તા લખાય એવડી મોટી ભીંત હતી, પણ વાર્તા કોણ લખે?
આજના માસ્ટર ઓફ સેરેમની રાહુલભાઈ ખંતપૂર્વક જાસૂસી કરીને જાણી લાવ્યા છે કે નરગિસને ફિલ્મમાં રોલ આપતાં પહેલાં રાજકપૂરે પન્નાબહેનને ઓફર કરેલી પણ પન્નાબહેને કહેલું કે નહીં રાજ, હમ તો બોલિવૂડ નહીં હોલિવૂડ જાયગા. રાહુલભાઈ તે પણ જાણી લાવ્યા છે કે હોઝે ગોગન્ઝાલઝ નામે પન્નાબહેનનો એક ભૂતપૂર્વ ગુપ્ત પ્રેમી મેનહાટનમાં ટીશર્ટની દુકાન ચલાવે છે, દર પૂનેમની રાત્રે બંને જણ છાનાંમાનાં બ્રુકલિન બ્રિજ ઉપર ગુફતેગો કરતા અને પન્નાબહેનની કવિતાઓનો તે આશિક છે. ડાયાસ્પરા રાઇટર પારિતોષિક વિજેતા તરીકે આજે પન્નાબહેનનું સન્માન થવાનું છે તે જાણીને હોઝે ગોન્ગાલેઝે આજની સભાના દરેક સભાજન માટે ફ્રી ટીશર્ટ મોકલાવ્યાં છે જેના ઉપર છાપેલું છે, આઈ હાર્ટ પન્ના. બીજી બાજુ છાપેલી છે, પન્નાબહેનનું એક પ્રેમકાવ્ય. શ્યોર, આ પારિતોષિક મનેયે મળી ચૂક્યું છે, પણ કોઈ ગોન્ઝાલેઝે મારી વાર્તા છાપી છે? ઘડીભર આપણને થાય કે પન્નાબહેને રાહુલભાઈને બી શા–શા મંતર માર્યા હશે કે શું?
એવાં પોપ્યુલર પન્નાબહેનને હું પહેલી વાર મળેલો ગઈ સદીમાં. મિત્ર નવીનભાઈ મને એમની લાઇબ્રેરીમાં લઈ આવેલા. ત્યારે એમનો ઠસ્સો જોવા જેવો હતો. સુરેશ દલાલ એમનાં કાવ્યો છાપતા હતા. લાઈબ્રેરીમાં એમની હાક હતી. ઘૂઘરાવાળી ચાવીનો ઝૂડો કેડે ખોસતાં હતાં. અલગ અંગૂઠાવાળા મોજાં પહેરી પટાક પટાક અવાજ કરતા સેન્ડલ પહેરતાં હતાં. અને એમની ટ્રેડમાર્ક સોનેરી પટ્ટાવાળી સ્ટાર્ચ કરેલી સરસરાટ કરતી સાડી. ટપાક ટપાક અવાજ સાથે મને એમના ટેબલ સામે બેસાડ્યો. સટાક સટાક આંખો પટપટાવતો હું બેઠો, અને ફટાક ફટાક એમણે પોતાનો નવો કાવ્ય સંગ્રહ મારી સામે મૂક્યો. “તમે આ જુઓ, પછી આપણે લંચમાં મળીશું.” રૂપાની ઘૂઘરી જેવા અવાજે એમણે આકાશવાણીના માઇકમાં બોલતાં જણાવ્યુ.
આઈસી! પન્નાબહેન એમની શૈલીમાં મને જણાવતાં હતાં કે પન્નાબહેન બીઝી છે. મારે બહાર વેઇટિંગ રૂમમાં બેસીને એમનાં કાવ્યોનો અભ્યાસ કરવો, પન્નાબહેન સવાલો પૂછે, ને મારા જવાબો એમને ગમે, તો ખાવાનું મળશે.
મેં બધાં કાવ્યો વાંચ્યાં. અને ભૂખ્યા પેટે જે જે ન ગમ્યું તેની મનોમન નોંધ કરી. દસમાંથી સાત સાચા પડે તો ફર્સ્ટ ડિવિઝન કહેવાય. તો ફર્સ્ટક્લાસ ખાવાનું મળે. લંચ અવરમાં ટપાક ટપાક સેન્ડલધ્વનિ સંભળાયો. મેં એમનાં કાવ્યોમાં જે જે નહોતું ગમ્યું તે મરણિયા બનીને બધું કહ્યું. મને હતું કે સેન્ડલની એડીથી મને લોહીલુહાણ કરી મૂકશે. પરંતુ કમાલ એ હતી કે મેં એમનાં કાવ્યો એટલી બધી ઉત્કટતાથી વાંચ્યાં તે વસ્તુથી જ એમને ગલીપચી થઈ ગઈ અને એમણે કહ્યું કે “હું તમને કાગળનું પેડ આપું છું, તમે જે બોલ્યા તે લખીને આપો.”
આઈ સી! યાને લંચ પછી પણ મારે કામ કરવાનું હતું, ને લખી આપું તો પન્નાબહેન સાંજે છૂટે ત્યારે ડિનરનો પણ યોગ થાય તેવો સંભવ હતો. મેં “પન્ના કી તમન્ના હૈ” શીર્ષક હેઠળ એનું વિવેચન પણ લખી આપ્યું, જે પછીથી એમણે કશેક છપાવવા મોકલી આપેલું. “પન્ના કી તમન્ના” શીર્ષક વાંચીને તેમના ગાલે શરમના શેરડા પડ્યા હોય એવું મારા પાપી મનને ભાસ્યું. તે શીર્ષક વાંચી એમને થયું હશે કે મધુને પન્નાની તમન્ના હૈ. પણ મારો મતલબ હતો કે પન્નાને કવિ બનવાની તમન્ના છે. અમે તેની ચર્ચા ના કરી, કવિતામાં સહેજ એમ્બિગ્યુઇટી રહે તે તો કાવ્યનો ગુણ ગણાય.
આ સમારંભમાં મારે કાંઈક બોલવું એવો બધાનું સૂચન હતું. મેં કહ્યું કે જો કોઈના માટે આપણે સારું ન બોલી શકતા હોઈએ તો ચૂપ રહેવું જોઈએ. પન્નાબહેને કહ્યું કે હું તમારા સમારંભમાં નો’તી બોલી? શ્યોર, લાંબું લાંબું બોલેલાં. પન્નાબહેને મારા વિશે દાખલા આપી આપીને કહેલું કે “આ માણસ મને નથી ગમતો.” પાછળથી સ્પષ્ટતા કરેલી કે કવિલોકો બોલે “કાંઈ”, ને મતલબ હોય “કાંઈ”. યાને “આ માણસ મને નથી ગમતો”નો મારે ઓપોઝિટ મીનિંગ સમજવો. મારા આ વક્તવ્યનું પણ શીર્ષક છે, “પન્ના કી તમન્ના હૈ”. પન્નાબહેનને જણાવવાનું કે તેનો બી તમારે અપોઝિટ મીનિંગ સમજવો, હેંહેંહે. પછી સૌના આગ્રહથી મેં બોલવાની હા પાડી પણ શરત મૂકી કે હું બોલીશ તો પન્નાબહેનની કવિતામાં જે ‘સ્નો’ની વાત આવે છે તે વાત કરીશ. બધાંએ હા પાડી ને “સ્નો” કેરી વાત અહીં હું છેલ્લે કરું છું.
તે પહેલી મુલાકાતમાં પન્નાબહેન કામ ઉપરથી છૂટ્યાં, મને લઈને નીચે ઊતર્યાં. મને થયું કે હાલો હાલો હવે ડિનરમાં જઈશું. પણ પન્નાબહેને એડવાન્સમાં નવીનભાઈને ફોન કરીને બોલાવી લીધેલા, અર્થાત ડિનર મારે નવીનભાઈને ત્યાં કરવાનું છે; જે આયોજનની મને જાણ થઈ નહોતી. મેં વિવેચન તો લખી આપેલું. હવે કવિને મારી જરૂર નહોતી. બાય–બાય. ટા–ટા. (પન્નાબહેન પાકશાસ્ત્રમાં પ્રવીણા છે એવું મેં સાંભળેલું અને તેની ખાતરી પણ વર્ષો પછી થયેલી. હું અને સુચીબહેન એક બિલ્ડંગમાં કામ કરતા હતા ત્યારે પન્નાબહેને આગલી તારે વધેલી ઉપમા મને મોકલેલી કે “આ સુચીને આપજો.” લંચ અવરમાં ઉપમાનો ડબરો સુચીબહેનને આપવા સીડી ચડતો હતો ને થયું ચાખી જોઉં. પહેલું પગથિયું ચડ્યો, ને એક ચમચી ખાધી. બીજા પગથિયે બીજી ચમચી અને ઉપર પહોંચ્યો ત્યાં સુધીમાં મેં આખો ડબરો ખલાસ કરી નાખેલો.)
પન્નાબહેન ભારે મતલબી મહિલા છે એવો મારો મત છે. એમને કામ હોય તો ખાંડવી ખવડાવે, એમના ખેતરમાંથી ફુદીનો તોડી તમને ધરે, મેં વાર્તા લખી છે, સુધારી આપોને. તમે વાર્તા સુધારી આપો. એટલે સેન્ડલધ્વનિ પટાક પટાક, હું કોણ ને તું કોણ. એમને વડા વડા લેખકો, એક્ટરો, શેઠિયાઓ, નાજુક નાજુક નાકવાળી યુવાન અમેરિકન કવયિત્રીઓ સાથે પહેચાન છે. પણ એ બધાંને તે પોતાના કબજામાં રાખવા માગે. કોઈ સમારંભમાં એ લોકો સામેથી ભુટકાય, આપણે પન્નાબહેનની સાથે હોઈએ તો આપણે રિક્ષાવાળાની જેમ મેડમની રાહ જોવાની. પન્નાબહેન એમના માલેતુજારોને ભેટે, ગપાટા મારે, શ્યોર શ્યોર કહીને તાળીઓ આપે, આપણે પણ ઊભા ઊભા એ માલેતુજારો કે ફૂટડી ઇંગ્લિશ કવયિત્રીઓ સામે મરક મરક હસીએ કે હું પન્નાબહેનનો ફ્રેન્ડ છું, રિક્ષાવાળો નથી, પણ પન્ના નાયિકા આ લલ્લુ કોણ ઊભો છે તેનો ઉલ્લેખ જ ન કરે. વર્ષો સુધી મારી કેટલી કાકલૂદી છતાં પન્નાબહેને મને સુચીબહેનની ઓળખાણ નહોતી કરાવી.
કોમન મિત્રો માટે પણ પન્નાબહેન બહુ પઝેઝિવ; બાબુલાલ ફ્રેન્ડશિપ સ્ટ્રીટ ઉપર રહે છે પણ ફ્રેન્ડ કરવા જેવા નથી; ગુર્જરીવાળા કિશોર દેસાઈ બહુ સુષ્ઠુસુષ્ઠુ ને ચોખલિયું લખાણ છાપે, આપણું ન અડકે. સુચી તો જવાદો ને વાત. એકવાર ભર વરસાદમાં હું ફિલાડેલફિયા આવેલો, સુચીબહેન બહારગામ હતાં, બાજુમાં બાબુલાલનું ઘર હતું પહેલેથી બાબુલાલનું ઘર સુચીબહેનના ઘરની પાસે જ લેવાય એવી યોજના પન્નાબહેનની હશે. બાબુલાલનું ઘર બંધ હતું તો મેં પન્નાબહેનને ફોન કર્યો, કહ્યું કે અચાનક વરસાદ તૂટી પડ્યો છે, સુચીબહેન ગામમાં નથી ને બાબુલાલનું ઘર બંધ છે. તમારે ઘરે આવું? પન્નાબહેન કહે કે અરે, શરમાઓ નહીં, બાબુભાઈ ઉઘાડશે, ઉઘાડશે. જરા રાહ જુઓ. નાહક ક્યાં મારા ઘરે વરસાદમાં ધક્કો ખાશો!
આટલી આડવાત પછી તે પહેલી મુલાકાતની વાત કન્ટીન્યુ. સાંજે લાઈબ્રેરીમાંથી બહાર નીકળી પન્નાબહેન અને નવીનભાઈ પોતપોતાની ગાડી તરફ ચાલવા માંડ્યાં. હું નિરાધાર જોવા લાગ્યો આ તરફ? કે આ તરફ? ત્યાં નવીનભાઈએ કહ્યું આવો જરા કોફી પીને છૂટાં પડીએ. અને અમે કોફી પીવા બેઠાં એક રેસ્ટોરાંમાં. નવીનભાઈએ પૂછ્યું, “તો મધુભઈ, શી શી વાતો કરી આખો દિવસ પન્નાબહેન જોડે?” પન્નાબહેન સસ્મિત જોઈ રહ્યાં, બોલ્યાં કે “અરે એમણે તો મારો આખો કાવ્યસંગ્રહ રસપૂર્વક વાંચી કાઢ્યો!” નવીનભાઈ અચંબાથી મને જોઈ રહ્યા, જાણે મેં કુસ્તીમાં દારાસિંઘને પછાડી નાખ્યો હોય તેમ! “રીયલી? કેવી લાગી?” મેં કહ્યું કે પન્નાબહેનની કવિતામાં ‘સ્તનો’ની વાતો બહુ આવે છે.” નવીનભાઈએ આંખો પહોળી કરી. “ઓ...કે...?” મેં કહ્યું કે “એક્ચુઅલી સ્તનોની વાતો એટલી બધી વાર આવે છે, સાહેબ, કે પછી કાવ્યમાં ‘સ્નો’ હોય તોય આપણને ‘સ્તનો’ વંચાય.”
બસ, મારે કહેવી હતી તે આ સ્નોની વાત. લિસન, સ્નો વાતની એક વાત. પન્નાબહેનમાં સો અવગુણ હશે. કદાચ સવાસો હશે. પણ ઉંમરની ઐસીતૈસી કરેલો એમનો સ્ટાર્ચ્ડ ઠસ્સો, એમની રૂપાની ઘૂઘરી–શી શુદ્ધ ઉચ્ચારોવાળી વાણી, સતત માવજતથી દાડમની કળી જેવી દીસન્તી દંતાવલિ, અને ખાસ તો ગમે તેટલા લોકોની સામે, પોતાની ગમ્મે તેવી મશ્કરીને, ઠિઠૌલીને ખુલ્લા સ્નોથી ખડખટાડ માણવાની એમની ખેલદિલી આપણને જીતી લે છે. એમના હજારો કે લાખો પ્રશંસકો છે. લાઈનો લાગી છે, એક્ચુઅલી. અને આવા પ્રસંગે આપણને થાય કે ચાલો આપણે બી લાઇનમાં નંબર લઈને ઊભા રહીએ. વધાવ્યાં છો, પન્નાઆન્ટી!
MADHU.THAKER@GMAIL.COMSaturday, October 10, 2015