નીલે ગગન કે તલે / મધુ રાય
લ્લે ગઈ દિલ્લ, ગુડ્ડી પંજાબ દી
ભાઈઓ, ભાઈઓ, બહેનો, બહેનો, આજનો દિવસ સુધરી ગયો ગગનવાલાનો. ‘ટાઇમ’ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’માં એક ઉમ્મીદવાર છે ઇન્ડિયા કા વઝીરે આઝમ! અને ‘ફોરચ્યુન’ મેગેઝિનમાં ફોરકાસ્ટ છે કે ૨૦૧૬ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની ટોપ ટિકિટમાં એક ઉમ્મીદવાર હશે, હર એક્સેલેન્સી નમ્રતા ‘નિક્કી’ રન્ધાવા હેઇલી. નિક્કી અમેરિકાના એક રાજ્ય સાઉથ કેરોલાઇનાનાં ગવર્નર છે એટલે ‘હર એક્સેલન્સી’. વય ૪૩ વર્ષ. ફોરચ્યુન મેગેઝિનના કાચગોળામાં દેખાયું છે કે પ્રેસિડેન્ટ તરીકે માર્કો રૂબિયો અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિક્કી હેઈલી ચૂંટણી લડશે; સામા પક્ષે હશે ડેમોક્રેટિક ઉમ્મીદવાર ફોરચ્યુનના વર્તારા મુજબ ‘ફોરમિડેબલ’ હિલરી. (સુધારો: એ વરતારો આજે ૨૦૧૬ના જુલાઈ માસમાં તદ્દન ખોટો પડ્યો છે, પણ નિક્કીજી બાબત બે બોલ અસ્થાને નહીં ગણાય.)
નિક્કીજી અમ્રિકામાં પયદા થયાં છે પણ પપ્પામમ્મી પંજાબ દે સરદાર હૈગા. (ફોટામાં નિક્કી પોતાની મમ્મી રાજ કૌરને પપ્પી કરે છે; લાલ પગડીનશીન પપ્પા અજિત સિંઘ રન્ધાવાની પૈની નિગાહ ફોટોગ્રાફર તરફ છે.)
Photo: Getty Images
નિક્કી રન્ધાવાએ વ્હાઇટ અમેરિકન માઇકલ હેઈલી સાથે ૧૯૯૬માં પ્રભુતામાં પગલાં પાંડ્યાં છે; બે બાળકો, રીના અને નલિન. નિક્કીનાં ભાંડેડાં, બાઈધીબાઈ, મિટ્ટી રન્ધાવા, ચરન રન્ધાવા અને સિમરન સિંઘ. નિક્કી અમેરિકાભરના ૫૦ ગવર્નરોમાં સૌથી નાનાં છે, સૌથી નમણાં છે, ને સૌપ્રથમ નારી છે. પ્રથમ ઇન્ડિયન–અમેરિકન ગવર્નર બોબી જિન્દલ નર છે. બાઈધીબાઈ, બોબી કહેન્દા પ્યા કે હમ ઇન્ડિયન ફિન્ડિયન નહીં હૈ હમ ટોટલ અમ્રિકન હંય! નિક્કી પોતાને ટોટલ ‘વ્હાઇટ’ અમેરિકન ગણાવે છે. હાલમાં સાઉથ કેરોલાઇનાનાં સરકારી મકાનો ઉપર ઊડતા ‘કોન્ફેડરેટ’ ઝંડા સામે ઊહાપોહ થયેલો કેમકે બ્લેક પીપલ પિસોફ્ફ કે એ ઝંડો ‘ગુલામી’ના સમયની નિશાની છે. બાઈધીબાઈ, સન ૧૮૬૧માં અમેરિકામાં ૩૪ રાજ્યો હતાં અને તે વખતે સંયુક્ત રાષ્ટ્ર અમ્રિકાના સંયુક્ત રાષ્ટ્રપતિ લિંકને ગુલામીની પ્રથા નાબુદ કરી તેથી ખિજવાઈને દક્ષિણ અમેરિકાનાં સાઉથ કેરોલાઇના સમેત સાત રાજ્યોએ ગુલામીની પ્રથા કન્ટીન્યુ રાખવા માટે અમેરિકામાંથી છૂટા પડી નવો ‘કોન્ફેડરસી’ નામે દેશ સ્થાપવા ૧૮૬૧થી ૧૮૬૫ દરમિયાન સશસ્ત્ર બળવો કરેલો, જેને ‘સિવિલ વોર’ કહેવાય છે. તે ખૂનખાર લડાઈમાં કોન્ફેડરેટરો હાર્યા, અને સંયુક્ત રાષ્ટ્ર અમ્રિકા સંયુક્ત રહ્યું. વિચ ઇઝ એ ગુડ થિંગ કેમકે તેથી ગુલામી નાબુદ થઈ, ઇમિગ્રેશન ચાલુ થયું, ગગનવાલા અમેરિકા આયી શક્યા ને અજિત સિંઘજી એમનાં પત્ની રાજ કૌરને લાયી શક્યાં ને અહીં અગાડે નમ્રતાબેનનો જન્મ થયો જે નિક્કીઆન્ટી બનીને સાઉથ કેરોલાઇનાને ફટાફટ ગવર્ન કરવા લાગ્યાં. અમેરિકાની સાઉથ સાઇડમાં ગુલામી પ્રથાનો એવો ચસકો હતો કે હજી સુધી એમના રાજ્યમાં અમેરિકાના ઓફિશિયલ ફ્લેગની સાથેસાથે કોન્ફેડરેટ ફ્લેગ પણ ફરફરતો હતો, હિસ્ટ્રીની યાદમાં, યુ ફોલો? પણ હવે હલ્લો થવા લાગેલો કે વ્હોટ ઇઝ ધિસ હોચપોચ? નો ગુલામી, ને નો ગુલામી કા ફ્લેગ. સખત ઊહાપોહ વચ્ચે સલૂકાઈથી નિક્કીઆન્ટીએ તે ઝંડો સેરવી લીધો અને ચોતરફ એમના બખાન થયાં હતાં.
હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામા બ્લેક છે. એમની પાર્ટીના ૨૦૧૬ના ઉમેદવાર હિલરી છે જે નારી છે. સામી પાર્ટીના ઉમેદવાર જો ફોરચ્યુનના ફોરકાસ્ટ મુજબ માર્કો રૂબિયો (ઉં.વ. ૪૪) બને તો તે પ્રથમ ક્યૂબન–અમેરિકન હશે અને સાથે જો નિક્કી હેઈલી ઊભાં રહે તો તે પ્રથમ ઇન્ડિયન–અમેરિકન લેડી હશે. પૂર્વે વ્હાઇટ હાઉસ ફક્ત વ્હાઇટ અમેરિકન નરબંકાનો ગઢ ગણાતું હતું તેને બદલે હવે હુલિયો બદલી રહ્યો છે.
રિપબ્લિકન પાર્ટીના જંગમાં બોબીએ બી ઝંપલાવેલું. પરંતુ ગ્રહોની યુતિ ફેવરેબલ ન લાગતાં હવે માંડી વાળ્યું છે. પીયૂષ ‘બોબી’ જિન્દલના પપ્પા અમર જિન્દલ ભી પંજાબ દે સિક્ખ હૈગા. જિન્દલ દી મમ્મી દા નામ ભી રાજ હૈગા. જિન્દલલોકો ભારતથી અમેરિકા આવેલાં ત્યારે બોબી પેટમાં હતો, જો અમ્રિકા મેં પયદા હુઆ. કોઈ ઇન્ડિયન–અમેરિકન, પ્રિફરેબલી કોઈ પટેલ, મોદી, શાહ કે મહેતા, અમ્રિકાનો પ્રેસિડેન્ટ બની વ્હાઇટ હાઉસમાં બિરાજે, ને આ કોલમ ભી પઢે એવી ગગનવાલા દી ફેન્ટેસી છે; હવે નિક્કીના નામનો સિક્કો ઊછળ્યો છે તેથી તબીયત મચલ મચલ ગયી છે, ને બોબી બેસી ગયાનો સદમો ગાયબ થયો છે. પટેલ નહીં તો પંજાબી, કન્યા રાશિ ખરી ને! જય નાનક નામ જહાજ હૈગા.
madhu.thaker@gmail.comThursday, November 26, 2015/ June 20, 2016
‘પિસોફ્ફ’ શબ્દ બદલવો હોય તો ‘શાઉટિંગ’ કરી શકશો.