ન્યુ જર્સી સિટીમાં ઝળહળ કસુંબી Madhu rye Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ન્યુ જર્સી સિટીમાં ઝળહળ કસુંબી

નીલે ગગન કે તલે / મધુ રાય

ન્યુ જર્સી સિટીમાં ઝળહળ કસુંબી

આ લખાય છે ત્યારે વિજયાદશમી છે, ઇમેઇલ, વ્હોટસેપ, ફેસબુક ઉપર શુભ વિજયાદશમીના સંદેશા છે. ગગનવાલાની હવેલીની સામે ‘ઇન્ડિયા સ્ક્વેયર’માં જર્સી સિટીના મેયર સ્ટીવન ફુલોપના હુકમથી કન્સ્ટ્રક્શન વર્કરોએ રાતદિવસ પસીનો પાડીને નુવર્ક એવેન્યુનો અરધા કિમિ જેટલો રસ્તો ડામર મઢીને રળિયામણો કરી દીધો છે, જેની ઉપર નવરાત્રિની મોસમમાં રાતે જર્સી સિટીના ગુજરાતીઓ દાંડિયા ટકરાવે છે. કિનારે ઊભેલા સ્થાનિક અમેરિકનો ડોળા ફાડીને અબરખી અંગરખાં કે સાડી સેલાંમાં લપેટાયેલાં સોનેરૂપે મઢેલાં, જુવાન બેલડાંની ઊર્જાના ફુવારાના ફોટા પાડે છે. ઝગમગતી લાઇટો, બોલિવુડી ગરબા સંગીતના મદનમસ્ત કોલાહલ સાથે ઉજવાઈ રહી છે વિજયાદશમી. એક સ્થાનિક ઇન્ડિયન પેપરના હેવાલ મુજબ ત્યાંના ઇન્ડિયન મર્ચન્ટ્સ એસોસિયેશને નિર્ધારિત આ જલસામાં મેયરે પ્રશંસા સંદેશ મોકલ્યો છે, અને બસ, ૮૦૦૦ જેટલી સંખ્યામાં ગરવા ગુજરાતીઓએ ગાંઠિયા જલેબી ને પોપૈયાના સંભારાથી આસપાસના અમેરિકનોને અવાચક કરી નાખ્યા છે. આવા જ નયનાભિરામ કર્ણરમણ ઓચ્છવો ન્યુ જર્સી, ન્યુ યોર્ક, શિકાગો, લોસ એન્જલસ, હ્યુસ્ટનાદિ અમેરિકામાં ઠેરઠેર થાય છે, દર વર્ષે નવરાત્રિમાં. મા પાવા તે ગઢથી ઊતર્યાં મા કાળી રે! આ ૨૦૧૫ના ઓક્ટોબરની વિજયાદશમી છે.

અને અનાયાસ ગગનવાલાનું મન ૧૯૮૭ને યાદ કરે છે જ્યારે જર્સી સિટીમાં નવાસવા આવેલા ગુજરાતીઓને જર્સી સિટીના સ્થાનિક વ્હાઇટ અમેરિકનો ગુજરાતીઓની ‘અવળચંડી’ રીતભાતથી ચિઢવાઈને, કપાળના ચાંદલાને ‘ડોટ હેડ’ કહી પીટવા માંડેલા. જૂન માસની એક રાત્રે ‘ડોટ બસ્ટર’ નામે ઓળખાતા એ ગુંડાઓના ટોળાએ ‘હિન્દુ!, હિન્દુ!’ના પોકારો સાથે નવરોઝ મોદી નામના બેન્ક મેનેજરની હત્યા કરેલી. તે પછી તે ‘ડોટ બસ્ટર્સ’ ગુંડાટોળીએ સ્થાનિક અમેરિકન છાપામાં ઘોષણા કરેલી કે અમે તે ખેંખલા માયકાંગલા હિન્દુઓને જોઈશું ત્યાં મારીશું, એમની બારીના કાચ તોડીશું ગાડીઓના ભુક્કા બોલાવીશું, ફોનબુકમાંથી ‘પટેલો’ને ખોળી ખોળીને એમના ફેમિલી ફંક્શનોમાં હુમલા કરીશું. એમને તારાજ કરીશું ને એમને ગામમાંથી હાંકીને જંપીશુ.’ કર્મઠ, નિરુપદ્રવી, કરકસરિયા ભારતીયોને તે લોકો લોહીલુહાણ કરતા, બેઝબોલ બેટના ફટકા મારીને જમીનદોસ્ત કરતા. ભારતીયોમાં ‘ટેરર’ ફેલાયેલો, અમેરિકાભરમાં ખળભળાટ થયેલો, ભારતીયો હચમચી ગયેલા.

અને છતાં કીડીની જેમ પોતાના કામમાં પરોવાયેલા, સતત ત્રણત્રણ ‘જોબો’ કરીને, હાટડીઓ ચલાવીને આજે ગુજરાતીઓએ જર્સી સિટીને પોતાનું કરી નાખ્યું છે. અરધા કિમિના એ વિસ્તારમાં ખીચોખીચ ઠાંસેલાં છે અગણિત ઇન્ડિયન વેપલા: ભારતીય બેન્ક, પાંચ ઝવેરાતની દુકાનો, એક ડઝન ઇન્ડિયન રેસ્ટોરાં, નવ ગ્રોસરીની શોપો, ચાર ઇલેક્ટ્રોનિક્સ માર્ટ, હલાલ મીટની મંડીઓ, પ્યોર વેજિટેરિયન રાંધણીઓ, ચાર મીઠાઈના ગલ્લા, ત્રણ પાનની દુકાનો, ચાર ચાર મંદિરો, અને ઝૂમતા, પાન થૂકતા ગુજરાતીઓ મહાલે છે; અને જર્સી સિટીના નુવર્ક એવન્યુનો એક હિસ્સો ‘ઇન્ડિયા સ્કેવર’, કે ‘લિટલ બોમ્બે કહેવાય છે, જર્સી સિટીની વસતીનો દસમો ભાગ ઇન્ડિયન છે, અને વિકીપીડિયાના કહેવા મુજબ આ રસ્તા ઉપર ‘કલર–ફિલ્ડ’ હોળી ઉજવાય છે, ન્યુ જર્સીના ‘લાર્જેસ્ટ આઉટડોર ફેસ્ટિવાલ’ નવરાત્રિના ગરબા ગવાય છે. ખંતીલા ગુજરાતીઓએ જર્સી સિટીને બૃહન્ન્યુ યોર્કનું ઘરેણું બનાવી દીધું છે જેથી રિયલ એસ્ટટ દસગણું ઊંચકાયું છે, ઇન્ડિયન સ્ક્વેયરની સમૃદ્ધિ તરફ ઇન્ટરનેશનલ મીડિયાનું ધ્યાન દોરાયું છે, ૨૦૧૩ના એક અંદાજ મુજબ આ નગરમાં ૨૭૦૦૦ ભારતીયો વસે છે, જેનો બૃહદંશ છે ગુજરાતીઓ, અને તેનો મહદંશ છે અલબત્ત પસ્મટેલો.

નુવર્ક એવન્યુની આસપાસ વસેલા મધ્યમ વર્ગના ગુજરાતીઓ ઉપરાંત ટોપ ટિયરની આવકવાળા શહેરના ઠસ્સાદાર ગગનચુંબી મહેલાતોવાળા ન્યુપોર્ટ વિસ્તારમાં ઇશ્કેટાઇટ રઇસ ગુજરાતી એક્ઝેક્યુટિવો પણ બાબાગાડીઓ ફેરવતા ફાધરમધરોને લઈને હડસન નદીના કિનારે ટહેલ મારતા દર્શાય છે. પહેલી પેઢીના ગુજરાતીઓની અવિરત ખંત, તેમનાં અમેરિકામાં જન્મેલાં સંતાનોની અકાટ્ય અમેરિકી ઢબછબ, તથા નવા આવેલા એફ–વન–બદ્ધ જુવાન આઇટી હૈયાંઓએ જોસ્સાથી ઘરડા નગરની તાસીર બદલી નાખી છે, ને હલો! ‘ડોટ બસ્ટર’ રાવણની સેનાની જેમ ધૂળધાણી થઈ ગયું છે. વિજય થયો છે ઝળહળ કસુંબી ખંત અને શૌર્ય અંકિત ગુજરાતીઓનો! હવે ઉત્તરમાં અંબા માત, દક્ષિણમાં કાળી માત, ને પૂરવ દિશામાં કરન્ત રક્ષા કુંતેશ્વર મહાદેવની સાથે પશ્ચિમ કેરા દેવોમાં ઉમેરાયાં છે ભાલે ચાંદલામંડિત એકવીસમી સદીના દેવદેવીઓ, જેમણે વિજય મેળવ્યો છે તમસ ઉપર, હિંસા ઉપર અને દારિદ્ર્ય ઉપર. જય જય સિયારામ!

ફોટો: વિકીપીડિયા

madhu.thaker@gmail.comSunday, October 25, 2015