નીલે ગગન કે તલે / મધુ રાય
ૐ ભાસ્કરાય નમ:
ગગનવાલાની ગૂગળી જ્ઞાતિના પરમ ઇષ્ટદેવ છે દ્વારિકાધીશ. ગૂગળી બ્રાહ્મણો દ્વારકાના મંદિરના પૂજારી છે. એમાંના ગૂગળી ઓધવજી ઠાકરના પુત્ર પરસોતમના પુત્ર કેશવજીના પુત્રો સુંદરજી અને દામોદર દ્વારકાથી ગાડામાં બેસીને ફરતા ફરતા જામખંભાળિયા સ્થાયી થયા. જામખંભાળિયાવાસી સુંદાડાડા ને દામાડાડાના પારિવારિક ઇષ્ટદેવ સૂર્યનારાયણનું મંદિર ખંભાળિયાના ચપર ફળિયામાં આવેલું છે. એકદા એ મંદિરમાં દામાડાડા અને રાધાડાડી રહેતાં હતાં. દામાડાડાને સંતાન નહોતાં તેથી એમણે સુંદાડાડાના પુત્ર વલ્લભદાસના પાટવી કુંવરને ઊછેરેલો. દામાડાડાના ફાંદા ઉપર એ કુંવરે ન કરવાનાં શિશુકાર્યો કરતાં કરતાં, અને રાધાડાડીએ પહેરાવેલી પીતામ્બરી પહેરીને સૂર્યનારાયણની મૂર્તિની આરતી ઉતારતાં ઉતારતાં બાળવય પસાર કરેલી. આજે જિંદગીના સૂર્યાસ્ત સુધી આ પંક્તિઓ પાડનારને જાણ નહોતી કે સૂર્યનારાયણ તે વાસ્તવ મેં ભારતીય દેવતા નહીં થે, ઉનકો ઈરાન સે લાયા ગયા થા.
ગગનવાલાના મિત્ર અને પ્રવાસભિલ્લુ ડો. દિનેશ શર્મા ભારતીય મૂર્તિશાસ્ત્રના જ્ઞાતા છે. ભારતની નાલંદા યુનિવર્સિટીમાં ભારતીય મૂર્તિકલા કા ઇતિહાસ પઢાવે છે તથા દેશવિદેશની યુનિવર્સિટીઓમાં દેવદેવિયોં કી મૂર્તિયાં એ વિષય ઉપર બૌદ્ધિક વક્તૃતા આપે છે. ગયા આદિત્યવારે ગગનવાલાને ઢંઢોળીને જ્ઞાન આપે છે કે ક્રિશ્ન કે પુત્ર સામ્બ કો કોઢ હો ગયા થા. તો પંડિતોં ને કહા કિ ઇસ કોઢ કા નિવારણ સૂર્ય કી આરાધના સે હી હો સકતા હૈ.
લેકિન સૂર્ય તો મગદેશ કે (યાને આજ કે ઈરાન કે) દેવતા થે. સૂર્ય ભારતીય દેવગણ મેં સમ્મિલિત નહીં થે. કૃષ્ણે મગદેશમાં સૂર્યના પૂજારીઓ પાસે દૂત મોકલાવ્યા. પૂજારીઓએ કહ્યું કે અમને બ્રાહ્મણનો દરજ્જો મળે તો જ જાબુદ્વીપ (ભારત) આવીએ. કૃષ્ણે હા પાડી અને એમ મગ બ્રાહ્મણો મગદેશમાંથી સૂર્યદેવને જાંબુદ્વીપે લઈ આવ્યા. એકમાત્ર સૂર્ય જ એવા દેવ છે જેની મૂર્તિના પગમાં ચટાપટાવાળા પગરખાં હોય છે અને મૂર્તિના મસ્તકે હોય છે મગદેશ કી પગડી. આજે પણ ગૌરમુખ મગ બ્રાહ્મણો જોધપુર પાસે ઓસિયા નામે ગામ છે ત્યાં, ખેડબ્રહ્મામાં, એમ જ્યાં જ્યાં સૂર્યમંદિર છે ત્યાં ત્યાં વસેલા છે. (ચિત્ર સૌજન્ય Pinterest)
પરંતુ ભારતના બ્રાહ્મણોએ સૂર્યને દેવપંક્તિમાં સ્વીકારવાની ના પાડી. તો પંડિતોએ વિષ્ણુ અને સૂર્ય એમ બે દેવોને સમ્મિલિત કરીને સૂર્ય–નારાયણ એવા નવા દેવની કલ્પના કરી જેને ભારતીય બ્રાહ્મણોએ સ્વીકૃતિ આપી. અચ્છા? હાસ્તો! જ્યારે શૈવ અને વૈષ્ણવ પંથો વચ્ચે મતભેદ ઉગ્ર થયા ત્યારે વિષ્ણુ (હરિ) અને શિવ (હર)ને સમ્મિલિત કરીને હરિહર દેવની કલ્પના થઈ જેને બંને પક્ષોએ સ્વીકારી. શાક્ત અને વૈષ્ણવોના મતભેદને નિવારવા અર્ધનારીશ્વર બન્યા અને બૌદ્ધ તથા વૈષ્ણવોને શાંત કરવા બુદ્ધને દશાવતારમાં લેવાયા અને વિષ્ણુ તથા બુદ્ધના સંયોગથી પલાંઠી વાળેલા દેવ યોગનારાયણ સર્જાયા. પ્રાચીન કાલની દેવમૂર્તિઓનાં નામ મૂર્તિનાં લક્ષણો ઉપરથી અપાતાં. જે મૂર્તિમાં ગણપતિની જંઘા ઉપર પત્ની વિઘ્નેશ્વરી બિરાજમાન હોય તે ગણપતિ વિઘ્નેશ્વર દેવ કહેવાય છે. ઊર્ધ્વ રેતસ કામાતુર શંકરની મૂર્તિને લકુલિશ શિવ કહેવાય છે.
પોતાના ઇષ્ટદેવ સૂર્યનારાયણ વિશે આવી સમ્મોહક માહિતી પામીને ઊર્ધ રેતસ ગગનવાલા વિકિપીડિયા પુરાણ ખોલી જુએ છે. અહો! કૃષ્ણનો જામ્બવતીથી થયેલો પુત્ર સામ્બ દુર્યોધનની પુત્રી લક્ષમાનાને સ્વયંવરમાંથી હરી લાવવા ગયેલો, કુરુ સેનાનીઓએ એને પકડી કેદ કરેલો. એને બલરામ ચાચાએ છોડાવેલો અને પછી દુર્યોધને ધામધૂમથી કન્યાદાન કરીને ગૃહસ્થ બનાવેલો. સામ્બ તોફાની હતો, ગર્ભવતી નારીના વેશમાં તે ઋષિઓ પાસે વરદાન માગવા ગયો તો ઋષિઓએ શાપ આપ્યો કે તારા ગર્ભથકી તારા વંશનો નાશ થશે. સામ્બના ‘ગર્ભ’માંથી નીકળેલા ઓજારથકી યાદવો નિર્વંશ થયા અને એનો એક ટૂકડો અનાયાસ પારધિના બાણમાં વપરાયો જે કૃષ્ણના પદાંગુષ્ટને વીંધી ગયો.
વિકીપુરાણાનુસારેણ સામ્બે નારદના ચહેરાની વિરૂપતાની મશ્કરી કરેલી. તેથી નારદે તેને સંતાઈને પોતાની અપર માતાઓને નહાતી જોવા લલચાવ્યો. અને તરત તે વાત નારદે કૃષ્ણને કરી. તેથી કૃષ્ણે સ્વયં સામ્બને કોઢ થાય એવો શાપ આપેલો અને એ કોઢ ભગવાન ભાસ્કરની આરાધના કરવાથી દૂર થયો. એ ઉપલક્ષ્યે આજે પણ ઉડિષામાં સામ્બદશમી ઉજવાય છે. વિકીપુરાણ એમ પણ જણાવે છે કે સામ્બે ચન્દ્રભાગા નદીના કિનારે સૂર્ય મંદિર બંધાવ્યું. તેની પૂજા કરવા અન્ય ગ્રાહ્મણો પ્રસ્તુત નહોતા તેથી સૂર્યપૂજક શાકદ્વીપીય બ્રાહ્મણોને બોલાવ્યા. પાઠભેદે એવું કહેવાય છે કે પ્રારંભિક સૂર્યમૂર્તિઓને ઇરાનમાં પ્રચલિત પોશાક જેમકે ડગલો, કંદોરો અને પગરખાં પહેરાવવાની રુઢિ હતી. સૂર્યનું ‘મેઘ’ ઉપરથી પડેલું એક નામ મિહિર છે જેનું મૂળ સૂર્યનું ઇરાની નામ મિહ્ર ગણાય છે. બીજું નામ મિત્ર પણ છે જે સૂર્યના બીજા ઇરાની નામ મિથ્ર ઉપરથી છે. તેના વંશના મૈત્રક રાજાઓએ ગુજરાત ઉપર પાંચમીથી આઠમી સદી સુધી રાજ કરેલું.
સૂર્યના એક પુત્રનું નામ હતું રેવન્ત. રેવન્તની પત્ની હતી સંજ્ઞા. સંજ્ઞાનો અંગ્રેજી સ્પેલિંગ થાય Sanjna. સંજના કપૂર તે વસ્તત: સંજ્ઞા કપૂર છે. સૂર્યના અન્ય પુત્રો કહેવાય છે યમ અને શનિ. મહાભારતમાં કુન્તીના પેટે જન્મેલા સૂર્યપુત્ર કર્ણનો મહિમા છે. રામાયણ કહે છે કે સુગ્રીવના પિતા સૂર્ય હતા. સૂર્ય હવે કાળે કરીને સનાતન ધર્મનાં સમસ્ત શાસ્ત્રો, જ્યોતિષ અને દંતકથાઓના તારે તારમાં રસાઈ ગયો છે. સૂર્ય જાબુદ્વીપીય હોય, શાકદ્વીપીય હોય, જર્મન કે જાપાની હોય, તુર્કી કે બલૂચિસ્તાની હોય પણ વાસ્તવમાં સૂર્યથકી પૃથ્વીના દિવસ અને રાત ઊગે ને આથમે છે. બાળવયે જે દેવને અબૂધ રીતે પૂજેલા તે દેવનો મહિમા આવો આલિશાન છે તે જાણીને ગગનવાલા કૃતકૃત્યતા અનુભવે છે. સૂર્ય નમસ્કારનાં બાર મન્ત્ર છે. પહેલો મંત્ર છે ૐ મિત્રાય નમ: અને બારમો મંત્ર છે ૐ ભાસ્કરાય નમ:. જય ભાસ્કર!
madhu.thaker@gmail.comSaturday, June 22, 2013