‘ફીલિંગ્ઝ’ વિશેષ
ન્યુ જર્સીમાં નાટક
મધુ રાય
દર ઉનાળામાં અહીં અમેરિકામાં ગુજરાત મુંબઈથી વડા વડા નટવરો પોતાના રસાલા સાથે કોમેડો કરવા આવે છે, અને પોતપોતાનો ઘોડો આખા દેશની ગુજરાતી છાવણીઓમાં ફેરવી ડોલરના થેલા ભરી જાય છે. એ સૌ પ્રોફેશનલ છે, નાટક કરવું તે એમનો વ્યવસાય છે, એટલે એમની વાત આપણે નહીં કરીએ કેમકે તે સર્વેની ગતિવિધિઓથી આ સામયિકના વાચકો માહિતગાર જ છે. અહીં આખા અમેરિકામાં ગુજરાતી નાટકની અવેતન પ્રવૃત્તિ વિશે વિહંગાવલોકન કરવાનો પણ ઇરાદો પણ નથી કેમકે આ લખનારને આખા અમેરિકામાં શું શું થતું હશે એનું ભાન નથી. આ લખનાર રહે છે અમેરિકાના પૂર્વ કિનારે, ન્યુ જર્સી ને ન્યુ યોર્કની સરહદ ઉપર હડસન નદીના તીરે, સત્તરમા માળે, જેની ડાળે બેઠાં બેઠાં જે જે દેખાયું છે તેનો મનચલો ઉલ્લેખ અહીં થશે, થોડું કહેવાશે ઝાઝું રહી જશે, બુઢાપાના કારણે અમુક નામનો ઉલ્લેખ કદાચ ચૂકી જવાશે તે માટે સોરી સોરી સોરી. વાચક ભાઈઓ અને બહેનો, અત્રે ટોટલી સબજેક્ટિવ વ્યાપથી ન્યુ જર્સીની નાટક પ્રવૃત્તિ બદલ બે બોલ આકાર લેશે. તો પરદો ખૂલે છે.
ન્યુ જર્સી એટલે માનો કે ન્યુ યોર્ક–ન્યુ જર્સી. અમેરિકાનો ગુજરાતીઓનો ગીચ વિસ્તાર. એમાં ગુજરાતી નાટ્ય પ્રવૃત્તિના ત્રણ છડીદાર છે, ને સંયોગથી ત્રણેય ફરજન્દ છે વડોદરા કેરા. કક્કાનુસાર રજની પી. શાહ, જેને ‘આરપી’ના નામે લોકો ઓળખે છે, તે જાતે અફલાતૂન મોડર્ન એકાંકી નાટકો લખે છે ને ભજવે છે, બહુધા પત્નીને નાયિકાનો રોલ આપે છે અને રજનીકુમાર શૃંગાર રસના શોખીન છે એટલે એમની રચનાઓમાં સેક્સુઅલ ટેનશનનો ડ્રામો હોય છે. આરપી અને એમનાં પત્ની બિનિતા શાહ બંને ડાક્ટર છે, અને એમણે લખેલાં દાક્તરી પુસ્તકો યુરોપની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. હવે ‘આરપી’એ પ્રેક્ટિસ છોડી દીધી છે ને ફક્ત લેખન–મંચનમાં મન પરોવ્યું છે. નાટ્યકાર ઉપરાંત આરપી વાર્તાઓ પણ લખે છે અને તેથીય વધુ ચકોર દર્શક/વાચક પણ છે જે કોઈ મનગમતી રચનાની લીટીએ લીટીનો રસ ચૂસી શકે છે તેમ જ પોતાની સિરફિરી શૈલીથી સામાને તે રચનાનું રસદર્શન કરાવી શકે છે.
કક્કાનુસાર તે પછી છે, રોહિત પંડ્યા જે પોતે પણ અમેરિકાના જીવનની આંટીઘૂંટીનાં એકાંકી નાટકો લખે છે અને ભજવે છે. એમનાં પત્ની રક્ષા પંડ્યા રોહિતનાં––તેમ જ રજનીનાં––નાટકોમાં અભિનયનાં અજવાળાં પાથરે છે. પૂર્વે આઈટી ક્ષેત્રે કશાક વ્યાઘ્ર સંહાર્યા પછી રોહિતકુમારે સ્વૈચ્છિક વાનપ્રસ્થ સ્વીકાર્યું છે, કોઈ આક્રમક મુદ્દે તે અકળાતા નથી કે સાહિત્યની ચર્ચામાં સામાને પછાડી દેવાના ઉફરાટનો એમને કંટાળો હોય તેવા સૌમ્ય પ્રકૃતિના સંતોષી લેખક છે, કલાનાં શિખરો સર કર્યાનો એમનો દાવો નથી અને સામાને એવો સમાદર આપે છે કે સામું માણસ એમની સાથે પણ તેટલા જ આદરથી પેશ આવે. એમનાં પત્ની રક્ષાકુમારી ટ્રાવેલ એજેન્સી ચલાવે છે અને પેરિસમાં પાતરાં ને રોમમાં રસપુરીવાળી ટૂર્સ યોજે છે. રોહિત અને રક્ષા પંડ્યા દર ગ્રીષ્મમાં કાકડી કાંદા ને મરચાંની વનસ્પતિથી ઘેરાયેલા એમના મકાનના બેકયાર્ડમાં એ જ પ્રકારના જલસા યોજે છે જેમાં સ્થાનિક કલાકારો પોતપોતાનો હુનર બતાવે છે. એ જલસાઓમાં આરપી અને શૈલેશ પણ પોતપોતાની ખૂબીઓ પ્રસ્તુત કરે છે અને ક્વચિત રોહિતકુમાર સ્વયં પોતાની કે આદિલની નાટિકાઓ રજૂ કરે છે ને પૂનમનો ચાંદ હોય તો નિજની એક્ટરીનાં બી અજવાળાં પાથરે છે. એમનું બેકયાર્ડ તેવા જલસાઓમાં છોટું થિયેટર બની જાય છે, એક ઓટલાનું સ્ટેજ, પ્રોફેશનલ માઇક બાઇક, લાઇટિંગ બાઇટિંગ (જી, બાઇટિંગ, ડ્રિન્ક્સ, ડિનર વગેરે શામિલ હોય છે; કોઈવાર કોઈ દરિયાદિલ સ્પોન્સર દ્વારા ને નહીંતર રોહિતરક્ષાના ગજવા દ્વારા), સ્થાનિક કલાકારો અને લેખકો માટે એ જલસો એક ટેલેન્ટ શો બની રહે છે અને એમાંથી આગળ ઉપર બીજાં સ્થળે એમને પોતાની કમાલ બતાવવાની તક મળે છે.
અને ઉપરના પેરેગ્રાફમાં જેમનો ઉલ્લેખ છે, તે કક્કાનુસાર ત્રીજા છે શૈલેશ ત્રિવેદી, નિજનાં લખેલાં ત્રિઅંકી ને એકાંકી પત્ની રૂપલ પટેલ–ત્રિવેદીને લઈને ભજવે છે. એ દંપતી કોમેડી ને ભવાઈમાં પ્રવીણ છે. અહીં ઉલ્લેખિત ત્રણેયમાં સૌથી વધુ તરવરિયા શૈલેશકુમાર વ્યવસાયે ઇજનેર છે, વડોદરામાં સન ૧૯૭૦થી એમણે નાટકોની ધૂમધામ કરેલી, જેનો યશ તે સનત મહેતાના નાટ્યપ્રેમને અને એમણે આપેલા ઉત્તેજનને શૈલેશકુમાર આપે છે. વડોદરાથી ત્રિવેદી દંપતી કેનેડા આવ્યા અને ત્યાં પણ નાટકના પરદા ઉઘાડ્યા. હાલ અમેરિકામાં ન્યુ જર્સી મુકામે શૈલેશકુમાર અત્રેના સરકારી ખાતામાં કાર્યરત છે. અને સમય કાઢીને વારંવાર બબ્બે ત્રણ ત્રણ દિવસના નાટ્યમહોત્સવો યોજે છે જેમાં ઠેર ઠેરથી દસ બાર હિન્દી, ગુજરાતી ને અંગ્રેજી એકાંકી ભાગ લે છે. શૈલેશ ત્રિવેદી કુલ ૧૪ રાષ્ટ્રીય પુરસ્કારો પામી ચૂક્યા છે. અહીંના સમાયિક ગુજરાત દર્પણમાં પ્રકાશિત પરિચય મુજબ તેમની ‘યર ૨૨૨૨’ ભવાઈને પ્રેસિડેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એમનાં પત્ની રૂપલ પટેલ–ત્રિવેદી તો પૂર્ણપ્રકાશિત રંગતારિકા છે. કરુણામય ટેલિફિલ્મમાં એમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા એવોર્ડ મળ્યો છે; સિમલા અને અલ્લાહાબાદની નાટકની સંસ્થાઓએ એમને નવાજ્યાં છે; અંતરના એકાંત, કભી કભી તેમ જ ડોક્ટરની ડાયરીની સીરિયલોમાં પણ રૂપલે અદાકારી આપી છે. પતિલિખિત ‘માણસની ભવાઈ’ નાટકનું એમણે યશદા દિદગ્દર્શન કરેલું અને અમેરિકામાં તે પતિની સાથે નાટ્યવર્કશોપ ચલાવે છે, અને ગુજરાતી નવજુવાન–નવજુવતીઓને ગુજરાતી નાટકમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે. વ્યવસાયે રૂપલકુમારી ફેશનેબલ વસ્ત્રો ડિઝાઇન કરે છે જેને દેશવિદેશની ફેશનેબલ કુમારિકાઓ પરિધાન કરે છે. ત્રિવેદી દંપતીએ હાલ જ સેન્ટ્રલ જર્સીમાં પાછળ વિશાળ વંડાવાળું નવું મકાન લીધું છે. ઇજનેર શૈલેશકુમારની પરિકલ્પના છે કે તેને ઓપન એર થિયેટર બનાવી તેમાં નાટકના ટેસડા કરવા.
આ વિસ્તારમાં એક વધુ દંપતી પણ નાટક–જેવું કાંઈકને કાંઈક દર વર્ષે કરે છે, જેને નામ આપ્યું છે એમણે ‘મોરપિચ્છ.’ પૂર્ણિમા અને કમલ પટેલ સાઉથ જર્સીના મનરો ગામમાં છેલ્લાં ચારેક વર્ષથી પોતાના બંગલામાં પોતપોતાના મિત્રો–સ્નેહીઓ માટે, મિત્રો–સ્નેહીઓ સાથે, મિત્રો–સ્નેહીઓનો એક જલસો કરે છે, જેમાં કાવ્ય, નાટક, ફિલ્મ, વાર્તા, કોમિક વગેરે રજૂ થાય છે. હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, અને અલબત્ત ગુજરાતીમાં રજૂ થતી વાનગીઓની સાથે મિત્રો–સ્નેહીઓ માટે, ચિક્કાર ખાણી અને પીણીની સુવિધા પણ હોય છે.
નાટકની શરૂઆત, કમ સે કમ ગ્રીક નાટકની શરૂઆત, અજથી ૨૮૦૦ વર્ષ પહેલાં સોફોક્લીસ, એસ્કિલીસ, યુરીપિડિસ વગેરે નાટ્યકારોની રચનાઓની નાટ્યસ્પર્ધાઓથી થઈ પણ નાટકની ભજવણી આ રીતે જ ગામના લોકોને ભેગા કરી આખી રાત ખાણીપીણીને હોહલ્લા વચ્ચે વૃન્દગાનવડે લેખકોએ લખેલી કથાઓ કહેવાતી. ઇ.પૂ. ૫૩૪માં થેસ્પિસ નામે કવિરાજે લખેલું પ્રથમ નાટક ગ્રીક ગ્રામવાસીઓ સમક્ષ ભજવાયું, જેના ઉપરથી આજે નાટકવાળા બધા ‘થેસ્પિયન’ કહેવાય છે. પછી પ્રવક્તા, એક એક્ટર, પછી બીજો એક્ટર, ચહેરા ઉપર પહેરવાનાં મોહરાં આવ્યાં, પછી સીન બીન સાથે પ્રવક્તા પધાર્યા. ગ્રીક ભાષામાં કરુણ નાટકો માટે શબ્દ વપરાયો ‘ટ્રેજેડી’—જેનો અર્થ છે, ‘ગોટ સોન્ગ’ યાને ‘બકરીનું આક્રન્દ’. સદીઓ વીતતી ગઈ ને પ્રોસીનિયમ તથા સ્ટેજ વગેરે સાથે વેશભૂષા ને વાજાંનગારાંના ઠાઠમાઠ સાથે ઝૂસ ને એસ્કીલિસ ને હેલન ને પુરાણોના બીજા દેવી દેવતાની કથા કહેવાતી કહેવાતી ટુ બી ઓર નોટ ટુ બી સાથે આધુનિક નાટકનો જન્મ થયો. આ વડોદરી માંધાતાઓ જેવા જ ગ્રીક ભડવીરોને થયેલું કે લેટ અસ ઈટ ડ્રિન્ક એન્ડ મેઇક મેરી, યાર, ડૂ સમથિંગ, અને નાટકનો જન્મ થયેલો.
અમેરિકામાં ઊગતાં ડોલરનાં ઝાડ ઉપરથી ડોલરનો ફાલ ઉતારવા ભારતથી આવતાં ગુજરાતી નાટકો જેવું ‘પ્રોફશનલિઝમ ઇક્વલ ટુ કોમર્શિયલિઝમ‘ ઉપરની પ્રવૃત્તિઓમાં નથી તો, હેક વિધ ઇટ, નથી. પણ ઉપરની પ્રવૃત્તિઓમાં નાટકઇઝમ ઇક્વલ ટુ સચ્ચાઈઝમ છે. જેનો કોમેડો ખરેખર તો ગુજરાતી નાટકોનું ગોટ સોન્ગ છે. અમેરિકામાં ગુજરાતીની મીનુસ્કયુલ માઇનોરિટીના પ્રમાણમાં અહીં થતા આવા જલસાઓ સલામ માગે તેવા મનોહર હોય છે, અને એમને બિરદાવવા જોઈએ. એટલે આ સિરફિરો લેખ, જય જય ગરવી ગુજરાત.
MADHU.THAKER@GMAIL.COMThursday, October 15, 2015