ટ્રમ્પ અને બક્ષી: રાત અને દિવસ Madhu rye Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્રમ્પ અને બક્ષી: રાત અને દિવસ

નીલે ગગન કે તલે / મધુ રાય

ટ્રમ્પ અને બક્ષી: રાત અને દિવસ

પહેલાં નહેરુ જેકેટ કહેવાતી હતી અને હવે જે મોદી જેકટ બનીને રાજ કરે છે તે ઇન્ડિયાથી મંગાવી તો ભાઈ કહે છે એવી હવે જાકિટ શોધી જડતી નથી. વ્હોટ? વડોદરાથી બંધુ અનિલ જોશીનો ફોન આવે છે કે યાર, આયાં ઘરમી બહુ પડે છે, ગરમીને ઘરમી કહેવાથી તાપમાન મહેસૂસ થાય છે, અને ઘઘનવાલાને સમઝાય છે કે ઇન્ડિયામાં ઘરમી પડવાના કારણે હવે ઝાકિટ ઝડતાં નથી.

પણ અમેરિકામાં મોદી જાકિટ મંગાવવાનું કારણ? કારણ ઇન્ડિયામાં રાત તો અમેરિકામાં દિવસ, અને ઇન્ડિયામાં ઘરમી તો અમેરિકામાં હાડકાં હલી જાય એવી ઠંડી. અમેરિકામાં એપ્રિલ માસમાં બરફ પડેલો! હવે મઈ મહિનો ચાલે છે પણ ડબલ ગાળાનો ડગલો પહેરીને માથે બુઢિયા ટોપી ઠઠેડીને જ બહાર નીકળાય એવી ઠંડી છે. બીજું કારણ એ જાકિટો પોલિટીશિયનોની જેમ રિવર્સીબલ હોય છે; બાય વન ગેટ વન ફ્રી! ફેન્સી પરિધાન ગોરા ફેમિલીમાં જમવા જઈએ ત્યારે વાઇનની પંદર ડોલરની બોટલને બદલે ચાર ડોલરનું જાકિટ આલીએ તો મેજબાન વર્ષો સુધી પહેરે ને પોતાના દોસ્તને તમારી વાતો કરે. મેજબાન બી પહેરે ને મેજબાનની બીવી બી પહેરે ને કોલેજિયન સન કે ડોટર બી પહેરે. ફેશનની ફેશન ને કસમોસમની ઠંડીમાં કમ્ફર્ટની કમ્ફર્ટ.

પણ આવી કમોસમી આબોહવાનું કારણ? કોઈ કટ્ટર મુલ્લાં કહે છે કે અમેરિકાની છોકરીઓ બેશરમ કપડાં પહેરે છે તેથી આસમાન કોપાયું છે. ને પત્રકારો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટની ચૂંટણી માટે થનગને છે તેથી ખલક સર્દ હો ગયા હૈ. ખલક સર્દ હો ગયું હશે તેનું કારણ જે હોય તે પણ ડોનાલ્ડ ખુદ તેની પાર્ટીનું સરદર્દ બની બેઠો છે તેમાં કોઈ શંકા નથી.

એવામાં કલકત્તાનો એક દોસ્ત ફોનમાં કહે છે, કે તારો આ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનો ચંદ્રકાંત બક્ષી છે. વ્હોટ? અમે અચંબાથી અરીસામાં જોઈ રહીએ છીએ, ક્યાં એક અબજોપતિ બિઝનેસમેન અને ક્યાં ગુજરાતીના દારાસિંઘ લેખક! એ બેની સરખામણી? દોસ્તના અવાજ ઉપરથી લાગે છે કે તે ફોનમાં વાત કરતાં કરતાં આંખો મારે છે: બક્ષી વોઝ ફેમસ ફોર હિઝ શોક ટેકનિક. ટ્રમ્પ બી તે જ કરે છે ને? “મેક્સિકોની બોરડર ઉપર દિવાલ બાંધીશું કેમકે મેકસિકોથી ઇલીગલ મેક્સિકનો અમેરિકા ઘૂસી આવે છે ને આપણી ઔરતોને રેઇપ કરે છે.” ટ્રમ્પ કહે છે કે અમેરિકામાં કાયદેસર સેટલ થયેલા મુસ્લિમોને ફરજિયાત રજિસ્ટર કરાવવાનો કાયદો લાવીશું. બક્ષી આવી આઉટરેજિયસ વાતો નહોતા કરતા? ગગનવાલા મનોમન અરીસામાં જોઈને આંખ મારે છે: સામેવાળો આપણને લલ્લુ સમજે છે, તો હાલવા દો ને, અને ગગનવાલા કહે છે કે ઓકે.

દોસ્ત આંખમીંચામણી કન્ટીન્યૂ રાખે છે, કે બક્ષી ડાયમંડ મર્ચન્ટોની સભામાં કહેતા કે હું ફાઇવ ફિગર કમાણી કરું છું ને ટ્રમ્પ કહે છે કે મારી કમાણી બેશુમાર છે, જન્મે જૈન ચંદ્રકાંત બક્ષી કહેતા હતા જૈન ધર્મની ફક્ત બે વાતો મને બહુ ગમે છે એક નવકાર મંત્ર ને બીજો હું. ટ્ર્મ્પ ટીવી ઉપર ઇન્ટર્વ્યુ આપતાં આપતાં પણ દર્પણમાં નજર કરતો રહે છે, લાઇક, “અમેરિકાની બે વાતો મને બહુ ગમે છે, એક મારી દૌલત, ને બીજો હું.” અમે કહીએ છીએ કે એ તો “હું ચંદ્રકાંત બક્ષી” નામના નાટકમાં આવે છે, ને તે મોનોલોગ લખ્યો છે શિશિર રામાવતે. તો દોસ્ત કહે છે કે નાહક ફેક્ટની વાત વચ્ચે નહીં લાવ, ફેક્ટ ના હોય તોયે બક્ષીની જેમ માઇક જોઈને ટ્રમ્પને તાન ચડે છે, અને સ્ત્રીઓના માસિકધર્મની, અને પોતાનાં ઉપાંગોની, હરીફોની બદસૂરતીની ને રકીબોની બદગુમાનીની વાતો બેધડક બોલે છે કે નહીં? અમે કહીએ છીએ કે નોનસેન્સ, ટ્રમ્પ અને બક્ષીમાં રાત ને દિવસનો ફરક છે. દોસ્ત કહે છે, ઈ બધું એકનું એક! ડોનાલ્ડ ટ્રમ્પે ભાલો લઈને અમેરિકાના રાજકારણની આંખો ફોડી નાખી છે. ણમો અરિહંતાણમ, ણમો સિદ્ધાણં! જય જિનેન્દ્ર.

madhu.thaker@gmail.comThursday, May 5, 2016