નીલે ગગન કે તલે / મધુ રાય
આકાશ દલાલને ઓળખો છો? લો, ઓળખો!
તમે આ વાંચતા હશો તે ૧૪મી મેના દિવસે અમેરિકાના ન્યુ જર્સી રાજ્યની રાજધાની ટ્રેન્ટનમાં ગવર્નરની કચેરીની સામે ડઝનબંધ બસોમાંથી કતારબંધ ભારતીયોનાં ટોળેટોળાં ઊતરવાનાં છે, ને ભારતીયોનું એક વિરાટ જુલુસ ગવર્નર સાહેબની સામે નારો પોકારવાના છે: આકાશનો ઇન્સાફ કરો, ઇન્સાફ કરો!
તમને ખબર નથી આકાશ યાને આકાશ દલાલ કોણ, યાહ? આ આકાશ દલાલ, હાલ ઉંમર ૨૧, ભારતીય માબાપનો અમેરિકામાં જન્મેલો ચિરંજીવી. હાઇસ્કૂલમાં આકાશ ટેનિસ ટીમનો કેપ્ટન હતો, અને બર્ગન કાઉન્ટીના સાયન્સ લીગમાં ઇનામ જીતી લાવેલો. પછી અમેરિકન કેમિકલ સોસાયટીની સાયન્સ કોમ્પિટિશનમાં બીજા સ્થાને આવેલો, તથા એસએટી નામની બુદ્ધિપરીક્ષામાં આકાશને ૯૫% માર્ક આવેલા. ભણવામાં ગ્રેડ પોંઇન્ટ એવરેજ ૪.૦ યાને ઓલવેઝ સ્ટ્રેટ ‘એ’. અને ન્યુ જર્સીની રટગર કોલેજમાં ભણતો હતો ત્યારે યન્ગ અમેરિકન્સ ફોર લિબર્ટી (સ્વતંત્રતા ઝંખતા અમેરિકન યુવાનો) નામની સંસ્થાનો પ્રમુખ હતો! નો, નો, તમે હાથ લાંબો કરો પણ આકાશ તમારી સાથે હાથ મિલાવી શકશે નહીં કેમકે આકાશ બે વર્ષથી ન્યુ જર્સીની જેલમાં છે. દિવસના ૨૧ કલાક તેને ફરજિયાત એકાંત કારાવાસમાં રાખવામાં આવે છે, કારણ? આકાશ ઉપર આરોપ છે કે બે વર્ષ પહેલાં ૧૮ વર્ષની ઉંમરે યુહૂદીઓના મંદિર ઉપર તેણે બોમ્બ ફેંકેલા અને તે વિસ્તારનાં બીજાં યહૂદી મંદિરો ઉપર બીજા ફાયરબોમ્બ ફેંકવાની સાજિશનો માસ્ટરમાઇન્ડ હતો. તરત આકાશ તથા એના શાગીર્દની ધરપકડ થઈ, અને ૨૫ લાખ ડોલરની જામીન નક્કી થઈ. ભારતીયોનું જુલુસ ગવર્નર પાસે તગાદો કરે છે કે ભલે ગમે તે આરોપ હોય તમે કેસ તો ચલાવો! તમે ન્યાય કરો કે આકાશ ગુનેગાર છે કે નહીં? આકાશ ટેરરિસ્ટ છે કે નહીં? ભારતીય જનતામાં ઉશ્કેરાટ છે. ભારતીયો, એમની કરકસર, ખંત ને સમૃદ્ધિના કારણે અમેરિકનોની આંખે આવી ગયા છે. ભારતીય સમાજના આગેવાનોનું કહેવું છે કે ભારતીય હોવાના કારણે આકાશ પ્રત્યે સખ્તી દર્શાવાઈ છે. આકાશને ઇન્સાફ માગનાર ચળવળના તથા સમાજના એક આગેવાન પીટર કોઠારી કહે છે કે બબ્બે વરસ સુધી આમ કુમળા કિશોરને એકાંત કારાવાસમાં ગોંધી રાખવાનું કારણ તે જ છે કે યહૂદીઓની બહુમતીવાળા ગામમાં બોમ્બ ફેંકાયો છે ને યહૂદીઓની બહુમતીનો શિકાર આકાશ બન્યો છે. છોકરાને ફક્ત જીવ ટકી રહે એટલો ખોરાક અપાય છે ને ફક્ત ત્રણ કલાક ઓરડીની બહાર કસરત કરવા જવા દેવાય છે.
એમના સાથીઓની હાકલ છે, કે ચલો ટ્રેન્ટન. આપણે કાંઈ નહીં કરીએ તો આજે આકાશ છે તેમ આપણામાંથી બીજા કોઈના સંતાન સાથે પણ આવો દુર્વ્યવહાર થશે! આકાશના કેસની તારીખો પાછળ ધકેલાતી રહી છે, અને જામીનની રકમમાં પણ ઉછાળા થયા છે. પહેલાં ૨૫ લાખ નક્કી થયેલા, પછી કોર્ટે તે ઘટાડીને ૧૦ લાખ કર્યા. ત્યાં એફબીઆઈને નવા પુરાવા મળ્યા કે આકાશને જો છોડવામાં આવશે તો તે તરત એક પિસ્તોલ ખરીદીને તેની ઉપર કામ ચલાવનાર સરકારી વકીલનું અને બે ન્યાયમૂર્તિઓનું ખૂન કરવાનો છે. અને જામીન સીધી ૪૦ લાખની થઈ ગઈ.
આ ફેબ્રુઆરીમાં જ્યારે આકાશને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો ત્યારે ૬૦ ભારતીયોનું ટોળું વિરોધ કરવા એકત્ર થયેલું. આકાશના વકીલે અરજ કરેલી કે આકાશ ઉપર ન્યાયધીશોનાં ખૂનની કોશિશ કર્યાનો આરોપ છે તેથી અહીં તેને નિષ્પક્ષ ન્યાય નહીં મળે, કેસ બીજે લઈ જવા દો. પરંતુ કોર્ટે તે મંજૂર કરેલ નથી. હવે પછીની સનાવણી વખતે ૨૦૦થી ૩૦૦ વિરોધકારો હાજર થશે એવું કોઠારીનું કહેવું હતું.
આકાશની સામેના વિકરાળ આરોપોની સાંભળતાં જ લોકોને અચંબો થાય છે કે ભારતીયો અને યહૂદીઓ વચ્ચે કદી કોઈ તકરાર હતી જ નહીં. બંને કોમો વચ્ચે સુમેળ જ હતો ને છે, અને ન હોવાને કશું કારણ નથી. ભારતમાં મુસ્લિમોની વિરાટ વસતી હોવા છતાં ભારત અને ઇઝરાયેલના સંબંધો મીઠા છે. ભારતને સૌથી વધુ શસ્ત્રો ઇઝરાયેલ વેચે છે. પત્રકાર પલાશ ઘોષ કહે છે કે સીતારામ ગોયલ, વિનાયક દામોદર સાવરકર, અરુણ શૌરી જેવા જાણીતા ભારતીય નેતાઓએ ઇઝરાયેલની સ્થાપનાને ટેકો આપેલો અને બીજા દેશોમાં ફેલાયેલા યહૂદી દ્વેષની સખત ટીકા કરેલી છે. ઇઝરાયેલના જન્મ વખતે મહાત્મા ગાંધી કોઈ પણ ધર્મના આધારે કોઈ પણ દેશની રચનાની કરવાની વિરુદ્ધ હતા, તેથી પાકિસ્તાનની સ્થાપનાનો તેમ જ ઇઝરાયેલની સ્થાપનાનો એમણે વિરોધ કરેલો. પણ પાછળથી જવાહરલાલ નહેરુએ ઇઝરાયેલની સ્થાપનાને ટેકો આપેલો, બે દેશો વચ્ચે ગુપ્ત કરાર થયેલા. ભારત અને ઇઝરાયેલ બંને દેશો ટેરરિસ્ટોનું નિશાન બનેલા છે અને ભારતને ટેરરિસ્ટો સામે લડવા બાબત ઇઝરાયેલે અનેક સલાહ અને કુમક આપી છે. યાને ઇઝરાયેલના જન્મથી જ બંને દેશ અનેક વર્ષોથી અનેક સ્તરે જોડાયેલા છે.
તો પછી જો ફાયરબોમ્બના અને સાજિશના આરોપો સાચા હોય તો આકાશ દલાલને આ શું સૂઝ્યું હશે? જો આકાશ ખરેખર દોષી હોય તો સંભવ છે કે તે માનસિક રીતે અસ્વસ્થ હોય. અથવા પરાક્રમ કરવાના તાનમાં આવી કશોક યશ કમાવા તેણે આવું કર્યું હોય. કેમકે આકાશ દલાલને ઇન્સાફ અપાવવાની આ ચળવળના બીજા એક મોવડી મુકેશ કાશીવાલા કહે છે તેમ, ભારત અને ઇઝરાયેલ તો મિત્રો છે જ; અમેરિકામાં પણ ગુજરાતીઓ અને યહૂદીઓ વચ્ચે કશુંય વૈમનસ્ય નથી; બંને લઘુમતીઓ સમૃદ્ધ છે, શિક્ષિત છે, સંપન્ન છે. ફરક એ છે કે યહૂદીઓ પોતાનાં હિત બાબત અત્યંત બોલકા ને કર્મઠ છે તેમ ભારતીયો ને ગુજરાતીઓ પોતાનાં હિત બાબત અત્યારસુધી આગ્રહી થતા નહોતા. હવે થવાની જરૂર છે, તો ચાલો ટ્રેન્ટન! જય ઇન્સાફ!
Aakash Dalal photo courtesy of Bergen County Prosecutor’s Office.
Madhu.thaker@gmail.comMay 7, 2014