ઇનામ બાબત બે બોલ Madhu rye Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇનામ બાબત બે બોલ

નીલે ગગન કે તલે / મધુ રાય

ઇનામ બાબત બે બોલ

ગ્રીડ્ઝ સંસ્થા તરફથી ૨૦૧૫નું ‘ડાયાસ્પોરા પારિતોષિક”. અપાયું છે, ફિલાડેલ્ફિયાનાં કવયિત્રી પન્ના નાયકને. કોઈપણ ઇનામ જાહેર થાય ત્યારે કોઈપણ રેડબ્લડેડ લેખકની જેમ ગગનવાલાનો પિત્તો જાય છે, કે આ ઇનામ અમને કેમ નહીં. અમને ચાર લેન્ગવેજ આવડે છે; અમે એકી શ્વાસે છવ્વીસ સેકન્ડ દોડી શકીએ છીએ; અમને સરકારી માનઅકરામ વજીફાની પડી નથી; પણ અમને કોઈ યાદ કરે છે ઇનામ માટે? (ફોટો: આકાશ શુક્લ)

ડાયાસ્પોરિક બ્યુગલવાલા બળવંત જાની જણાવે છે કે તમને તો બે વરસ પહેલાં મળી ગયું છે, સાહેબ.

પણ એક વાર મળ્યું એટલે બીજીવાર ન મળે એવો કોઈ “લો” છે ઇન્ડિયાના કૌન્સ્ટિટ્યુશનમાં?

બળવંતભાઈ જણાવે છે કે તો ૨૦૧૬ માટે નિર્ણાયક તમે બનો.

ગગનવાલાનો પારો સાતમે આસમાન જઈ ફાટે છે, આ ડાયસ્પોરિયાઓનાં થોથાં અમારે વાંચવાં એમ? બ/જા કહે છે કે બધાં વાંચવાની જરૂર નથી, એક આઇડિયા તો આપણને પહેલેથી હોય... અમે ખારા સ્વરે પૂછીએ છીએ કે આ ડાયાસ્પોરા ફાયાસ્પોરા વોટડૂયુમીન? બાળલેખકો ને સ્ત્રીલેખકોની જેમ ડાયાસ્પોરિયા લેખક? હવે ડોક્ટર સાહિત્યકારોનાં ઇનામ કાઢશો? લુવાણા રાઇટર કે પટેલ પોએટ્ને બિરદાવશો? પેટ્રોનાઇઝ કરો છો અમને? અમે લેખક છીએ, ધેટસોલ. ડાયાસ્પોરા રાઇટર એટલે લાલા વસાની ખોળમાં રહેતા રાઇટર કરતાં ઊતરતા રાઇટર એમ? ત્યારે બ/જા અમારી સામે એવી નિગાહથી જુએ છે જાણે કહેતા હોય કે તો પછી સાહેબ, તમને મળેલા ઇનામની થેલી પાછી આપી દો. તમારી જાણ ખાતર પન્નાબહેને ઇનામની રાશિ પાછી આપી છે અને ઉપરથી ગ્રીડ્ઝને સો ડોલરનો ચંદો આપ્યો છે. ગગનવાલાના ગળા સુધી આવેલા શબ્દો રિટર્ન ટિકિટ લઈને પેટમાં પાછા જતા રહે છે.

હાલ ગગનવાલાને ત્યાં પદ્મશ્રી સુનીલ કોઠારી ગઈકાલે રાત્રે ૧૧:૦૫ વાગ્યે પધારેલા. એમને પદ્મશ્રી મળી ચૂક્યું છે જે હજી અમને મળ્યું નથી. કોઠારી સાહેબ ઉંમર વર્ષ ૮૨. હાથમાં લાકડી સાથે પ્રવેશ્યા. કોણી મારીને કહે કે લાકડી ખાલી શો માટે છે, ટ્રેનમાં બધા ઊભા થઈ જગ્યા આપે, બધા ખાલી ખાલી માન આપે. તુંયે એક લઈ લે. પદ્મશ્રી કેનેડા થઈને દેશાટન કરતા કરતા અમેરિકા રહેતી નૃત્યાંગનાઓનાં ભવ્ય ભવન શોભાવતા શોભાવતા ગગનવાલાના ગરીબખાનામાં બે રાત રહેવાના છે, કેમકે એમને અહીં “હોમ” જેવું લાગે છે. બેત્રણ બીજાં “હોમ”વાળા હરનિશભાઈ બીમાર છે અને ધરમરાજા કશાક પ્રોજેક્ટમાં બીઝી છે. નો પ્રોબલેમ, તું જા ધરમરાજા પાસેથી એનો મ્યુઝિયમનો પાસ લાવી આપ! સુનીલલાલા રાત્રે બે વાગ્યા સુધી ઇમેઇલ ઉપર ભારતના “મિત્રો”ની જિંદગી હરામ કરવા પોતાની દિનચર્યા લખે છે, ગઈ કાલે ઇન્ડિયન કોન્સુલેટે મારા માનમાં પાર્ટી આપેલી. કાલે મ્યુઝિયમમાં એક ડાન્સ જોવા જવાનું છે. ફેશનેબલ વૃદ્ધાઓ બોબ્ડ વાળ, પર્લ નેકલેસ સાથે બનીઠનીને હાથમાં પંખા સાથે કહેશે હા...ય સુનીલ! હમણાં કઈ બુક લખો છો? વિન્ટરમાં મારે મદ્રાસમાં એક મહર્ષિના આશ્રમમાં રોજના વીસ રૂપિયાના હિસાબે તમિળ ભણવા જવાનું છે. તે પછી રતન થિયમના થિયેટર સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે. રાઇટ, રાઇટ. ગગનવાલા જર્સી સિટીમાં આયખું કાઢે છે.

સવારે કોઠારી આદેશ આપે છે, “ફક્ત સીરિયલ એન્ડ મિલ્ક.” . તે પીરસી અમે પોતાના પાપડી ગાંઠિયા અને ચા લઈ બેસીએ છીએ. કોઠારો કહે છે કે તું સાલા સ્વાર્થી, મને પાપડી ઓફર નથી કરતો. અમે પાપડી આપીએ છીએ. પોપૈયાનું ખમણ નથી રાખતો? કઢી જેવી ચટણી? એકલી પાપડી ખવાય? તારામાં સહેજે મેનર્સ નથી. અમે મરચું તળી આપીએ છીએ. મરચું ખાતાં ખાતાં જાણ થાય છે કે પદ્મશ્રી બે નહીં ચાર દિવસ રોકાવાનો પ્લાન કરી રહ્યા છે. અમે કહીએ છીએ, નો નો. આઈ હેવ અધર ગેસ્ટ્સ એન્ડ અધર પ્લાન્સ. કાંઈ નહીં તું મને જસવંતને ત્યાં મૂકી જા. મારા દોસ્ત જસવંતને ત્યાં રહીશ. રાત્રે ન્યુ યોર્કની ડાન્સ ક્રિટિક્સ સાથે ડિનર છે. મેજોરિટી લેડિઝ છે. આવતા મહિને મુંબઈમાં નહેરુ સેન્ટરમાં મહારાષ્ટ્રના ગવર્નરશ્રી હાથે સુનીલનું સન્માન થવાનું છે ને થેલી મળવાની છે. અને ફરી રેડબ્લડેડ લેખકની જેમ અમારી આંખમાં લોહી તરી આવે છે. જય મહારાષ્ટ્ર!

Madhu.thaker@gmail.comSaturday, November 21, 2015